Opinion Magazine
Number of visits: 9822024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—339  

દીપક મહેતા|Opinion - Opinion|2 May 2026

ખોજાઓ આવ્યા ગુજરાતથી, પણ મુંબઈના બનીને રહ્યા   

પૂણેનો આગાખાન પેલેસ, ૧૯મી સદીમાં 

આઝાદીની લડત દરમ્યાન અંગ્રેજ સરકારે ગાંધીજીને જ્યાં કેદમાં રાખ્યા હતા તે પૂણેનો આગાખાન પેલેસ બંધાવનાર સુલતાન મહંમદશાહ આગાખાન, ત્રીજા, પાકિસ્તાનના સ્થાપક અને તેના પહેલા ગવર્નર જનરલ કાયદે આઝમ મહંમદઅલી ઝીણા, અને હિન્દુસ્તાનની IT ઇન્ડસ્ટ્રીના ‘ઝાર’ તરીકે ઓળખાતા આઝીમ પ્રેમજી – આ ત્રણે વચ્ચે કઈ એક વાત સમાન છે? તેમના વચ્ચે સમાનતા એ છે કે એ ત્રણે ખોજા જાતિના. આ ‘ખોજા’ નામ ઊતરી આવ્યું છે ફારસીના ‘ખ્વાજા’ શબ્દ પરથી. અને આ ખ્વાજા શબ્દ મૂળ વપરાતો પાક ઇન્સાનને માન આપવા માટે. પશ્ચિમ ભારતના, અને ખાસ કરીને મુંબઈના, આર્થિક વિકાસમાં આ જમાતનો મોટો ફાળો. તેમના વડવાઓ હિંદુ ધર્મ પાળતા લોહાણાઓ. ૧૪મી અને ૧૫મી સદીમાં તેમણે ઇસ્લામ અંગીકાર કર્યો. આ ખોજાઓના પીરોએ ‘ગિનાંન’નાં પદોની રચના કરી. ઘણા ખોજાઓ આ ‘ગિનાંન’ને પાક કુરાન જેટલો જ આદર આપે છે. આ ‘ગિનાંન’ શબ્દ ઊતરી આવ્યો છે સંસ્કૃતના ‘જ્ઞાન’ પરથી. આવા એક ‘ગિનાંન’ની થોડી પંક્તિઓ જોવાથી તેના ભાવ અને ભાષાનો ખ્યાલ આવશે.

એ જી એક શબદ સુણો મેરે ભાઈ, મંચ આવી સુઘડ પંથમાં.

એ જી કિસ કી બેટી કિસકું દિયા, તૂ કોણ પુરુષ ઘર નારિયા.

એ જી સત કી બેટી સંતોષકુ દિયા, મય મૂલ પુરુષ ઘર નારિયા.

એ જી મૂલ પુરુષ મય સુતા મેલિયા, મય બાળક મેલિયાં ઝૂલતાં.

એ જી દૂધ કઢન્તાં મય ચૂલે મેલિયાં, મય આવી દેવ દુવારિયા.

એ જી દેવ કે કારણ મય સબ કુછ છોડિયાં, મય ન જાણા અવર દુવારિયાં.

એ જી અવર ચિંતા મુજે કિસીકી નાહી, ચિંતા હૈ મેરે જીવ કી. 

એ જી જીવ કે કારણ મય સબ કુછ છોડિયા, મય આવી શરણ તમારીયા.

એ જી સત કા સાડા સંતોષ કા નાડા, મય ચિન્ત દે ગાંઠ ગઠાયા,

એ જી સત કા ગડુલા, સંતોષ કી જારી, મય ધરમ સીંચણ કી દોરીયાં.

એ જી મણે પીર શમસ, સુણો મેરે ભાઈ, મય આવી કોલ કરારીયાં. 

૧૯મી સદીના મુંબઈના ખોજા

ગુજરાતમાં મુસ્લિમ સલ્તનની રાજવટ દરમિયાન ઈ.સ. ૧૫૩૪ સુધીમાં સુરત, કચ્છ, કાઠિયાવાડના ખોજા વેપારીઓએ પોર્ટુગીઝો સાથે વેપાર-વણજ ચાલુ કરી દીધેલાં. એટલે જ્યારે ‘બોમ બહિઆ’ (મુંબઈને પોર્ટુગીઝોએ આપેલું નામ) પોર્ટુગીઝોના તાબામાં આવ્યું ત્યારે પોતાનો વેપાર વધારવા કેટલાક ખોજા વેપારીઓ વતન છોડી મુંબઈ આવ્યા. સુરતના ખોજા વેપારી કુરજી શેઠનું વેપારી વહાણ અંગ્રેજ ચાંચીયા કેપ્ટન કિડે ઈ.સ. ૧૬૯૮માં ભર દરિયે લૂંટેલું તે અંગેના અહેવાલો પરથી જણાય છે કે ખોજાઓ ઈ.સ. ૧૬૦૦ની આસપાસથી સુરતમાં રહીને દેશાવર સાથે વેપાર ખેડતા હતા. 

ખોજા મહોલ્લાનો દરવાજો 

અને પછી ઈ.સ. ૧૬૬૧માં મુંબઈ મળ્યું અંગ્રેજોને, દાયજામાં. અને ૧૬૬૮મા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વડું મથક સુરતને બદલે મુંબઈને બનાવ્યું. એ પછી થોડા દાયકાઓમાં જ સુરતના વેપારની, સુરતની જાહોજલાલીની પડતી શરૂ થઈ. એ જોઇને જન્મેલા સુરતમાં, પણ જિંદગીનો મોટો ભાગ જીવેલા મુંબઈમાં, એવા કવિ નર્મદે ગાયું :

આ તે શા તુજ હાલ, ‘સુરત સૂનાની મૂરત’,

થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !

અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;

દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સુરત તું લંકા રૂપ, સુનૂં ઉછળતું સંધે,

રાય રંક સહુ ભાઈ, સંપમાં રહેતા બંધે.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે,

અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.

મુંબઈથી અંજાઈ લોક તો વસ્યા જઈ તહીં,

અસ્ત થયો તુજ સુરજ, રાત તો પડી ગઈ અહીં. 

પણ આવી દશા માત્ર સુરતની જ થઈ એવું નહોતું. જેમ જેમ મુંબઈ વિકસતું ગયું તેમ તેમ ભરૂચ, ખંભાત, પોરબંદર, દીવ, ઘોઘા વગેરે બંદરોની પણ પડતી થવા લાગી.  એક બાજુથી વેપાર વણસ્યો, બીજી બાજુ રેલ અને આગ જેવી કુદરતી આફતો વારંવાર આવતી ગઈ. અને આ બધું ઓછું હોય તેમ ઉત્તર હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં ઈ.સ. ૧૭૯૧માં પડ્યો ભયંકર દુકાળ. આ દુકાળને કારણે એક કરોડ કરતાં વધુ લોકોનાં મોત નિપજ્યાં હોવાનો અંદાજ છે. હવે તો વેપારીઓ જ નહિ, નાના-મોટા કામ કરનારા ખોજાઓ માટે પણ વતન છોડ્યા વગર છૂટકો નહોતો. પણ જવું ક્યા? તો ચાલો મુંબઈ. પહેલાં મુંબઈ આવીને વસેલા, વેપાર-વણજમાં બે પાંદડે થયેલા, ખોજા વેપારીઓએ પોતાના આ દુકાળ-પીડિત બાંધવો માટે મનનાં અને ધનનાં કમાડ ખુલ્લાં મૂકી દીધાં. ત્યાર બાદ પણ કચ્છ અને કાઠિયાવાડમાં અવારનવાર દુકાળ પડતા રહ્યા : ૧૮૦૩, ૧૮૧૩-૧૮૧૪, ૧૮૨૩-૧૮૨૪, ૧૮૩૪-૧૮૩૫માં પણ દુકાળ વખતે કચ્છ અને કાઠિયાવાડથી ખોજા વેપારીઓ મુંબઈ આવી વસ્યા. આ વરસો દરમ્યાન ફક્ત એકલા જૂનાગઢમાંથી ૧,૫૦૦ ખોજા કુટુંબો મુંબઈ આવીને વસ્યા એમ કહેવાય છે. તેમને મુંબઈમાં વસવા માટેની સગવડો ખોજા જમાતના મુખી અલારખિયા સુમારે કરી હતી. તો એક કોર્ટ કેસમાં જુબાની આપતાં કાસમ નાથાએ કહ્યું હતું કે  ૧૮૪૭માં મુંબઈમાં ૬૦૦ કરતાં વધારે ખોજા કુટુંબો વસતાં હતાં.

જૈન અને હિંદુ વાણીઆઓ, વહોરા અને ખોજા મુસ્લિમો, અગાઉ દેશવારનો માલ સુરત પહોંચાવાડવા માટે આડતિયા તરીકે કામ કરતા અને સાથોસાથ ધીરધારનો ધંધો પણ કરતા. તેમનો ધંધો તો એ જ રહ્યો, પણ સુરતને બદલે મુંબઈ સાથે. વળી મુંબઈ આવ્યા પછી ખોજા વેપારીઓએ રૂ અને કાપડના વેપારમાં પણ ઝંપલાવ્યું. તેમનો બધો કારભાર પોતાની પંચાયત અને મહાજન મારફત ચાલતો. ૧૭મી સદીના અંત સુધીમાં તો મુંબઈ ધીકતું બંદર બની ગયું. મીઠું, ચોખા, કાપડ, હાથી દાંત અને બીજી જણસોનો વેપાર વધતો ચાલ્યો. ખોજા વેપારીઓનાં વહાણો મક્કા અને બસરા સુધી આવન-જાવન કરતાં થયાં. ખોજા વેપારીઓમાં જબરો ભાઈચારો. કોઈ એક વેપારી કાચો પડ્યો, દેવાદાર બન્યો તો તેના જાતભાઈઓ તરત તેનું દેવું ચૂકવી દે અને એ વેપારીને પાછો બેઠો કરવામાં પણ મદદ કરે. આપણી જમાતની આબરૂ જવી ન જોઈએ એ જ એક ભાવના.

ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરી વિસ્તારમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે. કચ્છ અને કાઠિયાવાડથી આવેલા ખોજાઓએ મુખ્યત્વે મહમદ અલી રોડ અને ડોંગરી વિસ્તારમાં વસવાટ કર્યો.

લોર્ડ સિડનહામ 

આ મહમદ અલી રોડના નામની કથા આજે તો લગભગ ભૂલાઈ ગઈ છે. અગાઉ આ રોડનું નામ હતું સિડનહામ રોડ. લોર્ડ જ્યોર્જ સિડનહામ ક્લાર્ક (૪ જુલાઈ ૧૮૪૮ – ૭ ફેબ્રુઆરી ૧૯૩૩) ૧૮ ઓક્ટોબર ૧૯૦૭થી ૫ એપ્રિલ ૧૯૧૩ સુધી મુંબઈના ગવર્નરના પદે રહ્યા હતા. મજાની વાત એ છે કે તેઓ ગવર્નરના હોદ્દા પર હતા તે દરમ્યાન જ, ૧૯૧૩ના માર્ચની ચોથી તારીખે ક્રાફર્ડ માર્કેટથી સેન્ડહર્સ રોડ સુધી બંધાનારા રોડ સાથે સિડનહામનું નામ જોડવાની દરખાસ્ત બોમ્બે ઈમપ્રૂવમેન્ટ ટ્રસ્ટની મિટિંગમાં રજૂ થઈ હતી. ત્યારે તેનો વિરોધ એક માત્ર મિસ્ટર વાચ્છાએ કર્યો હતો અને આ રસ્તાને ‘ન્યૂ મેમણવાડા રોડ’ નામ આપવાની દરખાસ્ત રજૂ કરી હતી. મતદાન લેવામાં આવ્યું ત્યારે એક માત્ર વાચ્છાએ દરખાસ્તના વિરોધમાં મત આપ્યો જેથી દરખાસ્ત સર્વાનુમતે મંજૂર ન થઈ શકી. ઠરાવ પસાર થયા પછી એવું પણ નક્કી કરવામાં આવ્યું કે આ રીતે તેમનું નામ જોડવા માટે લોર્ડ સિડનહામની આગોતરી મંજૂરી મેળવી લેવી. તેમણે એ માટે મંજૂરી આપી હતી. આ રસ્તો ક્યારે બંધાઈને તૈયાર થયો તે જાણવા મળ્યું નથી. પણ એ બંધાઈ રહ્યા પછી તેની સાથે લોર્ડ સિડનહામનું નામ જોડવામાં આવ્યું. ૧૯૧૩માં મુંબઈમાં શરૂ થયેલી કોમર્સ કોલેજ સાથે પણ લોર્ડ સિડનહામનું નામ જોડવામાં આવ્યું, સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ.

કોઈ રસ્તા સાથે જોડાયેલું બ્રિટિશ ગવર્નરનું નામ અંગ્રેજોના શાસન દરમ્યાન બદલાય, અને એ રસ્તાને નવું નામ મળે દેશની આઝાદી માટેની ચળવળ સાથે જોડાયેલા એક નેતાનું, એવું ભાગ્યે જ બન્યું હશે. પણ સિડનહામ રોડનું નામ અંગ્રેજ શાસન દરમ્યાન જ બદલીને મહંમદ અલી રોડ કરવામાં આવ્યું. તેમનો જન્મ ૧૦ ડિસેમ્બર ૧૮૭૮, અવસાન – ૪ જાન્યુઆરી, ૧૯૩૧. તેઓ હતા હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતના એક અગ્રણી. ઇન્ડિયન મુસ્લિમ લીગની અને જામિયા મિલિયા ઇસલામિયાના સ્થાપકોમાંના તેઓ એક. તેમનું કુટુંબ જ અગ્રેજી રાજવટનું વિરોધી. ૧૯૨૩માં તેઓ ઇન્ડિયન નેશનલ કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. પણ પછી થોડા વખતમાં જ ગાંધીજી સાથે મતભેદ થતાં પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. વખત જતાં તેઓ ગાંધીજી અને કૉન્ગ્રેસના ઉગ્ર વિરોધી બન્યા. બીજા કેટલાક સાથીદારો સાથે મળીને તેમણે ઇન્ડિયન મુસ્લિમ લીગની સ્થાપના કરી. વખત જતાં તેઓ લીગના દસમા પ્રમુખ બન્યા. ૧૯૩૦-૧૯૩૧માં લંડનમાં મળેલી પહેલી રાઉન્ડ ટેબલ કોનફરન્સમાં તેમણે મુસ્લિમોના એક પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. (ગાંધીજી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા, પહેલીમાં નહિ.) લિંકન કોલેજ, ઓક્સફર્ડમાંથી અર્વાચીન ઇતિહાસનો અભ્યાસ કર્યા પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને થોડો વખત વડોદરા રાજ્યમાં કામ કર્યું. પછી જાણીતા વક્તા અને લેખક બન્યા. તેમના લેખો લંડનના ‘ધ ટાઈમ્સ’, ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’, અને ‘ધ ઓબ્સરવર’ જેવાં અખબારોમાં છપાતા. ૧૯૧૩માં તેમણે દિલ્હીથી ‘હમદર્દ’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કરેલું.

મૌલાના મહંમદ અલી 

મહંમદ અલી રોડ નામ ચોક્કસ ક્યારે પાડવામાં આવ્યું તે પણ જાણવા મળતું નથી. પણ મોટે ભાગે ૧૯૩૧માં તેમના અવસાન પછી પાડવામાં આવ્યું હોય. પણ બીજા કેટલાક તો કહે છે કે આ રોડનું નામ આ મહંમદ અલી પરથી પડ્યું જ નથી. એ તો પાડવામાં આવ્યું છે નાખુદા મહંમદ અલી રોગેના નામ પરથી. ઇન્ડિયન નેશનલ કૉઁગ્રેસના ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજીના તેઓ નિકટના સાથી હતા. બોમ્બે લેજિસલેટીવ કાઉન્સીલના તેઓ સભ્ય હતા. એ વખતે ધમધમતા અફીણના વેપારમાં પુષ્કળ કમાયા હતા અને લોકોપયોગી કામો માટે છુટ્ટે હાથે દાન આપતા હતા. 

આજની આપણી વાત તો પૂરી થઈ. ત્યારે સૈયદ ફાઝલ શાહના એક ગિનાનના થોડા શબદ યાદ આવે છે :

એ જી ચલતે ચલતે હમ થાકિયા, બંદે સમરો સાહેબજી કો નામ,

સૈયદ ફાઝલશાહ કી વેનતી, મુસે મહેર કરો કરો મહેરબાન.

e.mail :deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 મે 2026

Loading

2 May 2026 Vipool Kalyani
← મારા પછી

Search by

Opinion

  • હવામાનથી દવામાન …
  • મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ
  • जब कैमरा बोला करता था … 
  • હમ ‘આપ’ કે હૈં કૌન?
  • આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved