નોકરી મારી પીઠ પર લટકીને ઘેર પહોંચી જાય છે
મારી સાથે સોફા પર લંબાઈ દે છે
મારી આંગળીઓ બૂટની દોરી અડકે છે
ત્યાં તો ચુડેલની માફક એ મારા આત્મામાં ઉતરી જાય છે
મારી પીંડીઓ પર મોજાનાં દબાણથી
ઊંડા લાલ નિશાન બનાવે છે
એવે વખતે હું મારા પગ ચૂમવા ચાહું છું
પણ મારા હોઠ ત્યાં સુધી પહોંચી શક્તા નથી
મંડપ બનાવવાવાળા કુશળ મજૂરની માફક
ચુડેલ મારા શરીરના પ્રત્યેક વળાંક
ઢીલા કરતી જાય છે
અને હું સોફામાં ઊંડે ખૂંપવા માંડુ છું
એકાએક સોફો કબર બની જાય છે
હું ડરથી બૂમ પાડું છું
મારી પત્ની રસોડામાંથી
પાણીનો ગ્લાસ મૂકીને દોડતી આવે છે
દીકરી બાલ્કનીમાંથી શાળાની ડાયરી ફેંકીને
મારી તરફ ધસી આવે છે
બન્ને મને બાઝી પડે છે
ચુડેલ પોતાની કાળી પાંખો પ્રસારી ઉડી જઈને
વીજળીના થાંબલા પર ઊંધી લટકી જાય છે
ડિનરના પ્રાઈમ ટાઈમમાં
એક કોરસ વાગે છે જેમાં
એક સરદાર વાહિયાત જોક્સ પર
આંખ મીચીને ટહાકા મારે છે
અમણાં અમણાંનો બનેલો એક યોદ્ધા
એના પિતાના સામ્રાજ્યને બચાવવા
યુક્તિઓ ઘડે છે
અને એક મોડલ પોતાના શરીરને હંમેશાં
ચમકદાર અને મુલાયમ રાખવાના નુસ્ખા બતાવે છે
આ બધાંથી જુદી મારી દીકરી
કરોડરજ્જુ વિનાની મારી પીઠ પર બેસીને
આખી દુનિયામાં વિહરવા માગે છે
જ્યારે મારી પત્ની મારી છાતીમાં પોતાનો ચહેરો ખોસીને
એનો આખો દિવસ વહેંચવા ચાહે છે
પરંતુ ચુડેલ થાંભલા પરથી
નક્કી સમયે ઉતરી આવે છે
અને લાલ લીલી બત્તીઓના સ્વરૂપમાં
ઝગમગે છે એક ચેતવણી રૂપે
હું ઘબરાઈ જાંઉ છું
ખભેથી પત્નીનો હાથ
અને ખોળામાંથી દીકરીનું માથું
હટાવી દઉં છું
મધરાત સુધી જાગતો રહું છું
ચુડેલને મારા ખોળામાં સાચવીને
રાતના ત્રીજા પ્રહર સુધી
એને સાધના શીખવતો રહું છું
દરરોજ જીવતા રહેવા માટે.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

