નાગપુર અને વારાણસી, સંઘ મુખ્યાલય અને વડા પ્રધાનનો મતવિસ્તાર, બેઉ સ્થળે વિધાન પરિષદમાં બિનભા.જ.પ. ફતેહ અને અમેરિકી કાઁગ્રેસમાં ટ્રમ્પવિરોધી ફતેહ : લાગે છે, હવા બદલાઈ રહી છે
પ્રમુખ ટ્રમ્પના પ્રાસમાં સ્ટમ્પ બરાબર બેસતું આવે એવા વાસંતી વાયરા સરખાં અમેરિકી કૉંગ્રેસનાં પરિણામો વચ્ચે અને સુદૂર બ્રાઝિલ ને બલ્ગેરિયામાં પ્રાગતિક બળો અંગડાઇ લેતાં વરતાઈ રહ્યાં હોવાની જામતી હવા વચ્ચે આ લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે આપણે ત્યાં પણ સમો બંધાઈ રહ્યો છે. જૂન 2024નાં લોકસભાનાં ચૂંટણી પરિણામો પછી હમણેનાં જંતર મંતર – રામલીલા પર્વને પગલે કેન્દ્રીય નેતૃત્વની ઘાંઘાઈનું ને લગભગ ડઘાઈ ગયાનું જે ચિત્ર ઊપસી રહ્યું છે એની નોંધમાં એટલેથી જ અટકવાપણું નથી તે નથી. મુદ્દે, ઉચ્ચસ્તરીય પરીક્ષા-ગરબડ હો કે ‘સર’નું મનમુરાદ પ્રકરણ હો, હર નિમિત્ત લોકશાહી વિકલ્પ માટેની રાજનીતિને પરત દર પરત ઉજાગર કરી રહેલ છે. સ્વરાજલડત અને જે.પી. આંદોલન પછી ફરી એક વાર રંગ જોવનાઈનો માહોલ બનતો આવે છે. પ્રોટેસ્ટ કહેતાં વિરોધની આ પ્રક્રિયામાં એક ઉત્સવી ઉન્મેષને સહસા પ્રગટ થતો નોંધ્યો છે તમે? જંતરમંતર કન્યકાઓ જ નહીં રામલીલા મેદાનની માનુનીઓ પણ – પછી એ પ્રિયંકા ગાંધી હોય કે સુપ્રિયા સૂલે અગર મહુઆ મોઈત્રા – પરિવર્તન અને પ્રતિકારના ઠુમકા કે થિરકન વગર રહી શકતી નથી. … બિલકુલ પ્રોટેસ્ટ પણ ને ફેસ્ટિવલ પણ ! પ્રોટેસ્ટિવલ જ કહો ને.
હમણાં સ્વરાજ લડત, જે.પી. આંદોલન અને જંતર મંતર – રામલીલા પર્વની જિકર કરી એમાં કાળફેરે પલટાતી ભૂમિકાઓ અને પાત્રખેલ તપાસવાં સમજવાં જોગ છે. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ પ્રસંગે સરકારની સોડમાં રહેવું પસંદ કરતાં હતાં. લડત પરત્વે સલામત અંતરનું ને સલામતીનું રાજકારણ એમનું હતું. સો વરસના શોર વચ્ચે નિયમસિદ્ધકર અપવાદ બાદ કરતાં એમને સારુ એ લડતને હિન્દુ વિ. મુસ્લિમ અગર મુસ્લિમ વિ. હિંદુની કળ ન વળી તે ન જ વળી. 1942ની આરપારની લડાઈ વખતે કાઁગ્રેસ મેદાનમાં કે જેલમાં અને હિન્દુ મહાસભા વાઇસરોયની કાઉન્સિલ પર અગર લીગ સાથે સહિયારી સરકારમાં એવો ઘાટ હતો. સંઘ બ્રિટિશ હિન્દમાં સલામત અંતર જાળવી રજવાડાં સાથે દોસ્તીદિલ્લગીમાં હતો. પણ જે.પી. આંદોલનમાં ચિત્ર બદલાઈ ગયું. સ્વરાજની વળી પાર્ટીને નાતે કાઁગ્રેસ શ્રેષ્ઠીઓ ઇન્દિરાજીને આત્યંતિક સત્તાવાદને તબક્કે વારી શક્યાં હોત. જયપ્રકાશ તો સંવાદના માણસ હતા. લડતના એ તબક્કે જનસંઘ મારફત સંઘ પરિવાર લોકશાહી પુન:સ્થાપનના જંગમાં જરૂર સહભાગી રહ્યો. પણ દેવરસે જે.પી. આંદોલનને અને અમારે કોઈ સંબંધ નથી એવી ભૂમિકા સાથે એક જુદા પવિત્રામાં જવું પસંદ કર્યું. પણ સત્તા સુધી પહોંચવાની જે રગ એના હાથમાં આવી હતી તે એને અણ્ણાના આંદોલનમાં ઠીક ફળી. બે વડા લાભાર્થી, કેજરીવાલ અને મોદી એક અચ્છું યુગ્મ રચે છે. મોદી સત્તા-પ્રતિષ્ઠાન સાથે છે, તો કેજરીવાલ ઠીક ઠીક સત્તા-સ્વાદ પછી હવે કાઁગ્રેસ સહિતના વિપક્ષથી સલામત અંતરે જેન ઝી ઉઠાવને સુવાંગ કબજે કરવાની ફિરાકમાં માલુમ પડે છે.
કેજરીવાલને કોણ કહે કે ચેત મછંદર ગોરખ આયા. જ્યાં સુધી કાઁગ્રસનો સવાલ છે, એ પ્રતિરોધના મિજાજમાં છે. ગૃહમાં ગેરહાજર રહેતા ગૃહ મંત્રી હાલના લોક આંદોલન સામે વળતું રેલીકારણ ખેલે છે ત્યારે કટોકટીકાળના કાઁગ્રસપ્રમુખ દેવકાંત બરુઆ પેઠે રંજ ને રમૂજ પ્રેરે છે. ક્યારેક જે જડ પ્રતિષ્ઠાન હતું તે આજે પ્રજાપરક પ્રતિકારની ભૂમિકામાં છે અને જે.પી. આંદોલનનો સહભાગી ઘટક નિતાન્ત સત્તાજડ અનુભવાય છે.
એક પાન ઇન્ડિયન બળ તરીકે નાનામોટા વિપક્ષોનું નેતૃત્વ કરી રહેલ કાઁગ્રેસે જેમ ગાંધીનહેરુએ ન અટકતાં સરદારનું નામ લેવાની સભાનતા કેળવી છે તેમ લોહિયા, જે.પી. અને કૃપાલાની આદિને મૂળ કાઁગ્રસ પરંપરાની રીતે ઓછાવત્તા પોતાના કરવા રહે છે. નવા બળો સાથે સોનિયા ગાંધીની એડવાઈઝરી સમિતિ સાથે એનું કૈક સંધાન જરૂર શરૂ થયું છે. નાગરિક સમાજના સહયોગની જે દિશા ખુલી છે તે એણે બળવત્તર કરવી રહે છે.
ઉતાવળે આ એક ચિત્ર આપ્યું છે. વાતને નવપ્રસ્થાનની રીતે સમેટતાં જે કહેવું રહે છે તે એટલું જ કે જેમ જેન ઝી સમાદરને પાત્ર છે તેમ એને પણ એ ખ્યાલ રહેવો ઘટે છે કે રાજપલટાની લોકશાહી પ્રક્રિયામાં આપણે રાજકીય પક્ષોને ટાળી શકતા નથી. એટલે પરિવર્તન ભણી ઝૂકતાં સંધાનનો કીમિયો કેળવવો રહે છે.
04 નવેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

