પ્રખ્યાત ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈની સાથે બોમ્બે હાઈ કોર્ટમાં વકીલ તરીકે દાખલ થયેલી એક સ્ત્રી
તારીખ-વાર તો કોઈએ નોંધ્યાં નથી, પણ એ હતી ૧૯૨૪ના વર્ષના કોઈ એક દિવસની સવાર. બોમ્બે હાઈ કોર્ટમાં આજે રોજ કરતાં થોડી વધારે ગિરદી હતી. ખાસ તો ઘણા વકીલો નીચે ફોયરમાં ભેગા થયા હતા. કારણ? અગાઉ ક્યારે ય બન્યું નહોતું એવું કશુંક આજે બોમ્બે હાઈ કોર્ટમાં બનવાનું હતું. સવારના અગિયાર વાગવાને થોડી વાર હતી. રૂપેરી કલરની, ૨૦ હોર્સ પાવરની એક રોલ્સ રોય કાર પોર્ચમાં આવીને ઊભી રહી. એને જોઈને ઊભેલાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો : ‘ભુલાભાઈ સાહેબ આવ્યા, ભુલાભાઈ સાહેબ આવ્યા’. સફેદ યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પહેલાં ઊતર્યો. જરા ઝૂકીને પાછલી ડાબી બાજુનો દરવાજો ખોલ્યો. અને વકીલના કાળા કપડાંમાં સજ્જ બેરિસ્ટર ભુલાભાઈ દેસાઈ ઊતર્યા. બીજો નોકર તેમની બ્રીફ કેસ લઈને ઊતર્યો. રોજ તો પોતાની મોટરમાંથી ઊતરીને ઝડપભેર હાઈ કોર્ટના પગથિયાં ચડવા માંડે. પણ આજે ઊભા રહ્યા જરીક વાર માટે. ભુલાભાઈની મોટરની પાછળ એક સ્ટુડબેકર આવીને ઊભી રહી. એ મોટરમાંથી ઊતર્યાં એક પારસી બાનુ. અને એ પણ પાછાં વકીલનો કાળો ઝબ્બો પહેરીને! ભુલાભાઈની પાછળ પાછળ તેઓ ચાલવા લાગ્યાં.
પણ આપણે હાઈ કોર્ટનાં પગથિયાં ચડતાં પહેલાં પેલી રોલ્સ રોય પાસે જરા ઊભા રહીએ. ૧૯૨૪નું જ નવું નક્કોર મોડેલ. ભુલાભાઈએ ખાસ ઓર્ડર આપીને આ મોટર ગ્રેટ બ્રિટનથી મગાવેલી. પોતાની સગવડ પ્રમાણેના કેટલાક ફેરફાર પણ કરાવેલા. એ જમાનામાં જેની પાસે રોલ્સ રોય હોય તેવા એકમાત્ર દેશી બેરિસ્ટર હતા ભુલાભાઈ. પણ ૧૯૪૬માં તેમનું અવસાન થયું તે પછી તેમના કુટુંબે એ મોટર વેચી નાખી. એ ખરીદી લીધી એ જમાનાની મશહૂર એક્ટ્રેસ દુર્ગા ખોટેએ. તેમના પછી એ મોટર કોની પાસે ગઈ તે જાણવા મળતું નથી. પણ સર રિચર્ડ એટનબરોએ ૧૯૮૨માં ‘ગાંધી’ ફિલ્મ બનાવી તેમાં એ મોટર વાપરેલી. પછી શું થયું, કેમ થયું, કશું જાણવા મળતું નથી. પણ એ મોટર પહોંચી ગઈ મુંબઈના પ્રખ્યાત ચોર બજારમાં. તેના કેટલાક ભાગો ચોરાઈ ગયા કે અલગથી વેચાઈ ગયા. મોટર બની ગઈ સાવ ખખડધજ. જાણીતા ઉદ્યોગપતિ યશવર્ધન રુઇઆ જૂની મોટરોના જબરા પ્રેમી અને સંગ્રાહક. એક ખૂણામાં પડેલી આ મોટર એક દિવસ એમની નજરે પડી. પડી એવી વસી ગઈ નજરમાં. તેને ચાલતી કરવા માટે ઘણી મહેનત, ઘણો ખર્ચ, ઘણાં ખાંખાંખોળાં કરવાં પડે તેમ હતું. એ બધું કરીને એ મોટરને તેમણે ‘રિસ્ટોર’ કરાવી. એ કામ પૂરું થતાં ત્રણ વરસ થયાં. આજની તારીખે હેમંત કુમાર રુઇઆ તેના માલિક હોવાની નોંધ મળે છે.
પણ આજે આ રોલ્સ રોય જોવા માટે નહિ, તેની પાછળ પાછળ આવેલી મોટરમાંથી ઊતરતી સ્ત્રીને જોવા જ કેટલાક વકીલો અને બીજા લોકો ઊભા રહ્યા હતા. કારણ આજે પહેલી વાર કોઈ સ્ત્રી વકીલ તરીકે બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ થઈ હતી. એમનું નામ મીઠાં જમશેદ લામ. (કાઠિયાવાડમાં જેમ સોનાં, મેનાં, રૂપાં જેવાં નામ હોય છે તેમ પારસીઓમાં પણ હોય છે.) કોઈએ તેના અસીલને પૂછ્યું : ‘તમારો કેસ લડવા માટે તમે એક સ્ત્રીને કેમ રોકી?’ પેલાએ જવાબ આપ્યો : ‘મારો કેસ બહુ મજબૂત છે અને મારો પ્રતિપક્ષી એક સ્ત્રીને હાથે હારે એ જોઇને મને અપાર આનંદ થશે!’
અગાઉ સ્ત્રીઓએ વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેવાનો પ્રયત્ન કર્યો જ નહોતો એવું નહોતું. પણ ત્યારે એ બધી સ્ત્રીઓને એક જ જવાબ મળતો : ૧૮૭૯ના લીગલ પ્રેક્ટીશનર એક્ટમાં લખ્યું છે કે “કાયદાની ડિગ્રી ધરાવતી વ્યક્તિઓ (persons) કોર્ટમાં વકીલ તરીકે કામ કરી શકાશે.” અને સ્ત્રીઓનો સમાવેશ ‘persons’માં થતો નથી એટલે તેઓ વકીલ તરીકે પ્રેક્ટીસ કરી શકે નહિ! ૧૯૧૬માં કલકત્તા હાઈ કોર્ટે અને ૧૯૨૧માં પટના હાઈ કોર્ટે તો એટલે સુધી કહ્યું હતું કે કાયદા અને પરંપરા, બંને પ્રમાણે વકીલનો વ્યવસાય માત્ર પુરુષો પૂરતો જ મર્યાદિત છે. પણ વખત જતાં ભૂલ સમજાઈ, સુધારાઈ. ૧૯૨૩માં Legal Practitioners (Women) Act પસાર કરીને તેને આખા બ્રિટિશ હિન્દુસ્તાનમાં લાગુ પાડવામાં આવ્યો. આ કાયદામાં જણાવવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોવાને કારણે તેને કોઈ પણ અદાલતમાં વકીલ તરીકે ઊભી થતાં રોકી શકાય નહિ. અને આ કાયદાની જાણે કે રાહ જોઈને જ બેઠી હોય તેમ થોડા જ વખતમાં લંડનથી મુંબઈ આવી પહોચ્યાં એડવોકેટ મીઠાં જમશેદ લામ.
મીઠાંનો જન્મ ૧૮૯૮ના માર્ચ મહિનાની બીજી તારીખે, મુંબઈમાં. મમ્માનું નામ હેરાબાઈ અને બાવાજીનું નામ અરદેશર તાતા. પ્રખ્યાત ઉદ્યોગપતિ સર જમશેદજી નસરવાનજી તાતાના દૂરના રિશ્તેદાર. પણ પહેલેથી ગાંઠ વાળેલી કે ‘તાતા’ તરીકે એ કુટુંબનો એક બી લાભ લેવાનો નહિ જ જ. (આ બે જ એ ભૂલ નથી. પારસી ગુજરાતીમાં બેવડા ‘જ’નો ઉપયોગ સામાન્ય છે.) એટલે પોતાના પગ પર ઊભા રહી પૂણે અને અમદાવાદની કોટન મિલોમાં કામ કર્યા પછી ૧૯૧૩માં મુંબઈમાં કાયમના ધામા નાખ્યા. હેરાબાઈ તો સ્ત્રીઓના મતાધિકારનાં હિમાયતી હતાં જ, પણ અરદેશર પણ સ્ત્રી-શિક્ષણના તરફદાર. દીકરીને ભણવા મૂકી મુંબઈની પ્રતિષ્ઠિત ફ્રેરે ફ્રેચર સ્કૂલમાં. (આજે તે જે.બી. પિતીત હાઈસ્કૂલ ફોર ગર્લ્સ તરીકે ઓળખાય છે.) એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણવા માટે જે સૌથી પહેલી છોકરીઓ દાખલ થઈ તેમાંની એક મીઠાં. ત્યાં બી.એ.માં ઇકોનોમિક્સના વિષયમાં પહેલા વર્ગમાં પહેલી આવી અને કોબડન ગોલ્ડ મેડલ મેળવ્યો.
૧૯૧૧માં મા-દીકરી કશ્મીર ફરવા ગયાં. જોગાનુજોગ ત્યાં તેમને સોફિયા દલીપ સિંહનો ભેટો થયો. ગ્રેટ બ્રિટનની સ્ત્રીઓની મતાધિકાર માટેની ચળવળમાં તેમનું આગળ પડતું સ્થાન. આ સોફિયા તે સિખ સામ્રાજ્યના છેલ્લા રાજવી દલીપ સિંહની કુંવરી, અને રાણી વિક્ટોરિયાએ તેને ‘ગોડડોટર’ તરીકે અપનાવેલી. જે છોકરીને ‘ગોડડોટર’ તરીકે અપનાવી હોય તેના આધ્યાત્મિક, નૈતિક, અને વ્યક્તિગત માર્ગદર્શનની બધી જવાબદારી તેને અપનાવનાર ‘ગોડમધર’ની બની જાય. ગ્રેટ બ્રિટનની મહારાણીની ‘ગોડડોટર’ હોવા છતાં સોફિયા સ્ત્રીઓના મતાધિકાર માટે સ્થાપિત હિતોની સામે લડતી હતી. તેમની વાતો સાંભળીને હેરાબાઈ અને મીઠાં બંને, સ્ત્રી-મતાધિકારનાં હિમાયતી બન્યાં.
૧૯૧૯માં મા-દીકરીને ગ્રેટ બ્રિટન જવાનું થયું. સ્ત્રીઓના મતાધિકાર અંગે રજૂઆત કરવા એક પ્રતિનિધિ મંડળ જવાનું હતું તેમાં જોડાવાનું મીઠાંનાં મમ્માને નોતરું મળ્યું. તેમણે દીકરીને પણ સાથે લીધી. અલબત્ત, મા-દીકરીના રસ્તા જુદા હતા. મા એ ધ્યેય માટે ચળવળ સાથે જોડાઈ. જ્યારે કાનૂનની મદદથી સ્ત્રીઓ પોતાના હક્ક કઈ રીતે મેળવી શકે એનો વિચાર દીકરી માટે મહત્ત્વનો હતો. બંનેનું ધ્યેય એક હતું, પણ માર્ગ જુદા. માતાએ ચળવળનો રસ્તો અપનાવ્યો. જ્યારે દીકરીએ કાનૂની સુધારાનો માર્ગ. એ વખતે ગ્રેટ બ્રિટનમાં પણ સ્ત્રીઓને રાજકારણમાં વધુ હિસ્સો આપવાની ચળવળ ચાલતી હતી. પણ જે હક્કો બ્રિટિશ સ્ત્રીને મળે તે જ હક્કો હિન્દુસ્તાનની સ્ત્રીઓને પણ આપવા અંગે બ્રિટિશ રાજકારણીઓમાં મતભેદ હતો. એટલે ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના કેટલાક સભ્યો સાથે બંનેએ વાટાઘાટો કરી. મીઠાંએ કેટલાંક જાહેર ભાષણો પણ કર્યાં. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૯માં હિન્દુસ્તાનની સ્ત્રીઓને મતાધિકાર તો ન મળ્યો. પણ એવી જોગવાઈ કરવામાં આવી કે જો હિન્દુસ્તાનના કોઈ ઈલાકાની સરકાર ઇચ્છે તો સ્ત્રીઓને મર્યાદિત પ્રમાણમાં મતાધિકાર આપી શકે. એટલે ૧૯૨૦થી ભલે મર્યાદિત પ્રમાણમાં, પણ હિન્દુસ્તાનની સ્ત્રીઓને મતાધિકાર મળતો થયો. મુંબઈ ઈલાકાની સરકારે ૧૯૨૧માં સ્ત્રીઓને મતાધિકાર આપ્યો.
આગળ ભણવા માટે મીઠાંને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસ એન્ડ પોલિટિકલ સાયન્સમાં દાખલ કર્યા પછી તેના માયજી લંડનમાં જ રહીને પોતાની રીતે અભ્યાસ કરતાં રહ્યાં. હિન્દુસ્તાની મા-દીકરી બંને સાથે રહીને ગ્રેટ બ્રિટનમાં અભ્યાસ કરતાં હોય તેવો આ કદાચ પહેલો દાખલો. એમ.એ.ના અભ્યાસની સાથોસાથ મીઠાંએ અત્યંત પ્રતિષ્ઠિત એવી લિન્કન્સ ઇનની બેરિસ્ટર ઇન લોની ડિગ્રી મેળવવા અભ્યાસ કર્યો. ૧૯૨૦ના એપ્રિલની ૧૩મી તારીખે મીઠાં લિન્કન્સ ઇનમાં જોડાઈ. આવું માન મેળવનાર તે હિન્દુસ્તાનની પહેલવહેલી સ્ત્રી હતી. ૧૯૨૩ના જાન્યુઆરીની ૨૬મી તારીખે તેને સભ્યપદ મળ્યું. આવું માન મેળવનાર તે પહેલવહેલી સ્ત્રી હતી. ગ્રેટ બ્રિટનના વસવાટ દરમિયાન સરોજિની નાઈડુ અને એની બેસન્ટ જેવી આગેવાન સ્ત્રીઓનો પરિચય થયો. તેમની સાથે સ્કોટલેંડનો પ્રવાસ કર્યો અને હાઉસ ઓફ કોમન્સમાં ભાષણ પણ કર્યું. પણ હજી હિન્દુસ્તાન પાછા ફરવાનો અર્થ નહોતો. કેમ વારુ? કારણ પેલો કાયદો. એ કાયદા પ્રમાણે હિન્દુસ્તાનની સ્ત્રીઓ કાયદાનો અભ્યાસ કરી શકતી, પણ વકીલ બનીને કેસ લડી શકતી નહિ.
પણ ૧૯૨૩માં જેવી ખબર પડી કે હિન્દુસ્તાનમાં Legal Practitioners (Women) Act પસાર થઈ ગયો છે તેવાં બાંધ્યાં ગાંસડા-પોટલાં અને વાટ પકડી મુંબઈની. ધીમે ધીમે મીઠાં પારસીઓનાં લગ્ન, છૂટા છેડા અને વારસા હક્કને લગતા કાયદાઓની નિષ્ણાત બની. ત્રણ વરસ પ્રેક્ટિસ કર્યા પછી મીઠાંની નિમણૂક થઈ જસ્ટીસ ઓફ પીસ એન્ડ એકઝીક્યૂટીવ મેજિસ્ટ્રેટ તરીકે. પછી પારસી મેરેજ એકટ ઓફ ૧૮૬૫માં સુધારા/ફેરફાર કરવા અંગેની સમિતિની સભ્ય બની. એ સમિતિની ભલામણોને આધારે પારસી મેરેજ એન્ડ ડાયવોર્સ એકટ ૧૯૩૬માં પાસ થયો. એ દરમ્યાન ૧૯૩૩માં સોલિસીટર જમશેદ સોરાબશા લામ સાથે અદારાયાં અને મીઠાં તાતામાંથી બન્યાં મીઠાં લામ. ૧૯૩૭માં મીઠાંએ વકીલાત છોડી અને બધો વખત સમાજ સેવાનાં કામોને આપવા લાગી.
૧૯૪૭માં દેશ આઝાદ થયો તે પછી મીઠાંની નિમણૂક બોમ્બેના શેરીફ તરીકે થઈ. આ હોદ્દા પર નીમાનાર તે પહેલવહેલી સ્ત્રી હતી. એ વખતે પાકિસ્તાનથી આવેલા નિરાશ્રીતોના પુનર્વાસ માટે મીઠાંએ ઘણી મહેનત કરી. ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના કામમાં પણ તે સતત જોડાયેલી રહી અને તેના સત્તાવાર સામયિક ‘સ્ત્રી-ધર્મ’ના સંપાદક તરીકે પણ પાંચ વરસ કામ કર્યું. ૧૯૬૧-૧૯૬૨ના વરસ માટે તેની પ્રમુખ બની. મુંબઈની પ્રતિષ્ઠિત ગવર્નમેન્ટ લો કોલેજમાં પણ પહેલવહેલી સ્ત્રી અધ્યાપક બનવાનું માન તેને મળ્યું હતું. પછીથી તેમણે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસમાં પણ સામાજિક કાયદાઓ વિષે ભણાવ્યું હતું. તેમની એક વિદ્યાર્થિની વાયોલેટ આલ્વા વખત જતાં રાજ્ય સભાની ડેપ્યુટી ચેર પર્સન બની હતી.
૧૯૫૭માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે Commission on the Status of Womenની રચના કરી ત્યારે તેના એક સભ્ય તરીકે મીઠાંની નિમણૂક કરવામાં આવી હતી. તેમની આ બધી મહત્ત્વની કામગીરી ધ્યાનમાં લઈને ભારત સરકારે ૧૯૬૨માં તેમને પદ્મભૂષણનું સન્માન એનાયત કર્યું હતું. જેમ ઉંમર વધતી ગઈ તેમ નજર ધૂંધળી થતી ગઈ અને જિંદગીનાં છેલ્લાં વરસો તેમને અંધાપો વેઠવો પડ્યો. ૧૯૮૧ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે તેઓ બેહસ્તનશીન થયાં.
આજે તો કોઈ પણ કોર્ટમાં દાખલ થાવ, કાળા ઝબ્બા પહેરેલી ઘણી સ્ત્રીઓ દેખાય. પણ પહેલવહેલી વાર એ ઝબ્બો પહેરીને બોમ્બે હાઈ કોર્ટમાં મીઠાં લામ દાખલ થિયાં તે વારે એવણે ખસૂસ ખોદાયજીનો શુક્રગુજાર કીધો હોસે અને મનોમન અવેસ્તાની ત્રીજી સૌથી પ્રાચીન અને પ્રેરણાદાયી પ્રાર્થના બોલિયાં હોસે : ‘યેંઘહે હાતાંમ આઅત યેસને પઈતી વંઘહો, મજદાઓ અહુરો વએથા અષાત હચા, યાઓંઘહાંમચા તાંસચા તાઓસચા યજમઈદે. (સચ્ચાઈના અશોઈ કાયદાના જ્ઞાન અને ભક્તિ અથવા બલિદાનનાદરેક કાર્યમાં સદગુણોનાં અભ્યાસને કારણે અમે આવા તમામ પુરુષો અને સ્ત્રીઓને આદર આપીએ છીએ કે જેમને દાદારઅહુર મઝદ વધુ શ્રેષ્ઠ તરીકે ઓળખે છે.)
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 ઓક્ટોબર 2026
![]()

