Opinion Magazine
Number of visits:
10196192
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દશમી ભાષા-સાહિત્ય પરિષદ :

Diaspora - Literature, Opinion - Literature|18 September 2026

દશમી ભાષા–સાહિત્ય પરિષદ

આરંભિક વક્તવ્ય

પ્રવાસી ગુજરાતીઓ માટે પોતાની ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવાં એ એક મોટો પડકાર હોય છે. પરંતુ યુનાઇટેડ કિંગ્ડમની ધરતી પર આ પડકારને એક અવસરમાં બદલીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષોથીઅદ્ભુત કાર્ય કર્યું છે. 

કોણ માનશે ? … જોતજોતામાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત આ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની પથજાતરાને હવે પાંચ દાયકાનો પટ થશે. સન 1977માં તેની રચના થઈ હતી. આ પટ આનંદની હેલી સર્જે છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.

વારુ, આજ પહેલાં અમારી અકાદમીએ નવનવ સંતપર્ક ‘ભાષા-સાહિત્ય પરિષદો’નું આયોજન કર્યું છે. હવે અમે દશમી ‘ભાષા-સાહિત્ય પરિષદ’ બેસાડવાની યોજના હાથ ધરી, અને તેનો આજે આરંભ થાય છે, તે ઇતિહાસની એક મજબૂત ઘડી છે. આ ફેરેની પરિષદ ‘વર્ચ્યુઅલ’ છે ‘ઑનલાઈન’ છે.

આપણી જબાનના એક દીવાદાંડી સ્વરૂપ અનુવાદક, એકદા મૉસ્કોસ્થિત, અતુલભાઈ સવાણીની શતાબ્દીનું આ વરસ હોઈ, અમે આ ભાષા-સાહિત્ય પરિષદને એમની સ્મૃતિ જોડે સાંકળી છે. 

આ અતુલભાઈ જોડે મારો ય અંગત નાતો હતો. મારા સરસ મિત્ર બટુક દેસાઈને કારણે આ પરિચય વિકસ્યો. જયંતી પારેખ નામે સ્વાતંત્ર્યસૈનિક અને મહાત્મા ગાંધીની આગેવાની હેઠલની સન 1930ની દાંડી યાત્રના એક સૈનિક, એક પા કુંજના કાકા અને બીજી પા, જયંતી પારેખના, મુંબઈમાં પ્રાર્થના સમાજ પર એક વેળા ના કમ્યૂનના નિજી સાથીદાર. વળી, થોડાં વરસો પહેલાં એમના મહેમાન તરીકે એમની જોડે મૉસ્કોમાં વિતાવેલા થોડાક દિવસો ય સાંભરે છે. તદુપરાંત, એમની સંગાથે, તે પછીના સમયે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાના પ્રવાસે ય અમે બન્ને જોડાજોડ.

ગયા નવેમ્બરની સોળમીએ એમની સોમી જયંતી પડતી હતી. તેને વાગોળતાં વાગોળતાં, ચાલો, હવે આપણે આપણા અતિથિ વિશેષનું સ્વાગત કરીએ અને આ ભાષા-સાહિત્યનું મંગળાચરણ કરીએ.

નિયત પત્રકમાં તમે જોયું જ હોય તેમ જાણીતા સાહિત્યકાર ડૉ. સુમન શાહ આ પરિષદના અતિથી વિશેષ પદે વરાયેલા હતા. છેલ્લી ઘડીએ, ‘કેટલાંક અંગર કારણો આવી ગયાં હોઈ, એ હાજર નહીં રહી શકે’ તેમ અમને જણાવ્યું હોઈ, અનુઆધુનિક યુગના જાણીતા ગુજરાતી વાર્તાકાર, લેખક અને તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા સર્જક અને આપણા અદના સાથીદાર અનિલભાઈ વ્યાસ અતિથિ વિશેષ પદે છે. આદરભેર એમનું આપ સૌ જોડે અમે ય ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ.

ટૂંકી વાર્તાઓમાં માનવ સંબંધો અને વાસ્તવિક સમાજનું નિરૂપણ કરનાર આ વાર્તાકારને નામ ‘સવ્ય અપસવ્ય’, ‘અમારું માણસ’ અને ‘તારે શ્રુતિને મળવું છે?’ વાર્તાસંગ્રહો બોલે છે. તેમની વાર્તાઓમાં પતિ-પત્નીના સંબંધો, મનુષ્ય સ્વભાવ અને સ્ત્રી જીવનના વિવિધ પ્રશ્નોનું ઊંડાણપૂર્વક આલેખન જોવા મળે છે. તેમની ભાષા વહેતા ઝરણા જેવી સરળ અને પ્રવાહી માનવામાં આવે છે. માનવમનની સૂક્ષ્મ સંવેદનાઓ, પારિવારિક સંબંધોની ગૂંચવણો અને વાસ્તવિક જીવનના સંકુલ મનોવ્યાપારોનું વાર્તાઓમાં સચોટ આલેખન કરે છે.  તેમના ‘તારે… પેલે પાર…’, ‘ચચરાટ’, ‘મંગળસૂત્ર’, ‘કેન્સર’ અને ‘પગથિયાં’ જેવી ગુજરાતી ટૂંકી વાર્તા જગતમાં સશક્ત વાર્તાઓ પ્રાપ્ત થઈ છે. માનવમનની સૂક્ષ્મ સંવેદનાઓ, પારિવારિક સંબંધોની ગૂંચવણો અને વાસ્તવિક જીવનના સંકુલ મનોવ્યાપારોનું વાર્તાઓમાં સચોટ આલેખન કરે છે.

અમારી આ અકાદમીની ‘વાર્તાવર્તૃળ’ની બેઠકનું અનિલભાઈ સરસ, મજેદાર સંચાલન કરતા આવ્યા છે. અને આજે હવે, અહીં, આ દશમી ભાષા-સાહિત્ય પરિષદનું વિધિવત મંગળાચરણ કરવા અનિલભાઈને નિમંત્રીએ. પધારો, અનિલભાઈ.

ઉદ્દઘાટન બેઠક, દશમી ભાષા-સાહિત્ય પરિષદ, શનિવાર, 01 ઑગસ્ટ 2026

——————————————————————

 પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો, આદરણીય ઉપસ્થિત મહાનુભાવો ..

અનિલ વ્યાસ

આ ક્ષણે મારી સામે સ્ક્રીન શૉટમાં એક દૃશ્ય આવે છે. ગોકુળનું ફળિયું … ટીપાયેલી માટીની ભોંય અને મા યશોદાનો સાડલો પકડી ફરિયાદ કરતા બલરામજી ….  ‘મા, જુઓ આ કનૈયો માટી ખાય છે.’ 

યશોદામા સ્હેજ ગુસ્સાભર્યા ચહેરે કૃષ્ણનો ચ્હેરો પકડી કહે છે, કેમ કનેયા? તેં માટી ખાધી છે? … મોં ઉઘાડ કાના …. મોહન મોઢું ખોલે છે, ત્યારે માટી નહીં  સમગ્ર બ્રહ્માંડ  માની આંખોમાં છે ….

કેમેરો સ્થિર થઈ જાય છે; જાણે, નાનામાં નાનું કાર્ય પણ અંદરથી વિશ્વ જેટલું વિશાળ હોય!

હું યુનાઇટેડ કિંગડમમાં ગુર્જરતી ભાષા–સાહિત્યની પચાસ વર્ષની યાત્રાના બ્રહ્માંડમાં પ્રવેશું છું … એમાં અકાદમી, એની વિવિધ પ્રવૃત્તિઓ …… એક વર્ગ, એક કવિતા, એક પરિષદ, એક પુસ્તક —   મળીને એક સંપૂર્ણ સંસ્કૃતિનો વારસો આ બ્રહ્માંડમાં જળવાઈ રહ્યો છે.

આ કૃષ્ણમુખ દર્શન સમી દશમી ભાષા–સાહિત્ય પરિષદના આ સુવર્ણ પ્રસંગે આપ સૌને હાર્દિક અભિવાદન.

આજે આ પરિષદના મંચ પરથી મારા ગુરુવર્ય અને માર્ગદર્શક આદરણીય શ્રી સુમન શાહના સ્થાને બેસવાનુ સદ્ભાગ્ય મળ્યુ છે, એનાથી વિશેષ  સન્માન કયું?  સુમનભાઇના સ્થાને ઊભા રહેવું સરળ નથી, પરંતુ એમની પરંપરાને માન આપવાનો બને એટલો પ્રયાસ કરીશ..

૧૯૭૭માં તે સમયના આગેવાન સાહિત્યકારોએ વિપુલભાઇ, યોગેશભાઇ, ડાહ્યાભાઇ પટેલ આદિએ એક સ્વતંત્ર સંસ્થાની કલ્પના કરી, જે વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડીને રાખે.

આ સહુના નેતૃત્વ હેઠળ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.) માત્ર બ્રિટન પૂરતી મર્યાદિત રહી નહીં; તે ભારત, પૂર્વ આફ્રિકા, અમેરિકા અને યુરોપના ગુજરાતી સર્જકોને જોડતી એક મહત્ત્વપૂર્ણ સંસ્થા બની.

અકાદેમીના મુખ્ય હેતુઓ સ્પષ્ટ હતા:

* બ્રિટનમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ કરવો.

* ગુજરાતી સર્જકોને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે મંચ પૂરો પાડવો.

* કવિઓ, વાર્તાકારો, નવલકથાકારો, વિવેચકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવું.

* વિદેશમાં વસતી નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે રસ જાળવી રાખવો.

* ધર્મ, જાતિ, પ્રદેશ અથવા રાજકીય વિચારસરણીથી પર રહી સૌને સાહિત્યના માધ્યમથી જોડવા.

વર્ષો દરમિયાન અકાદમીએ કાવ્યગોષ્ઠિઓ, વ્યાખ્યાનો, પુસ્તક વિમોચન, લેખક–વાચક સંવાદ, પરિસંવાદો અને પ્રકાશન પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાને જીવંત રાખી.

ગુજરાતી ભાષા શાળાઓ અને GCSEનો ઐતિહાસિક ફાળો

અકાદેમીના પ્રારંભિક વર્ષોમાં એક મોટું કાર્ય હતું — યુ.કે.ની શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું મજબૂત આધાર બનાવવો.

1970–1990 દરમિયાન અનેક સમુદાય આધારિત ગુજરાતી શાળાઓ શરૂ થઈ — જ્યાં શનિવાર–રવિવારે બાળકોને વાંચન–લેખન શીખવવામાં આવતું. અકાદેમી આ શાળાઓને પાઠ્યક્રમ, શિક્ષક સહાય અને માર્ગદર્શન આપતી.

આ પ્રયત્નોનો પરિણામ એ થયો કે Gujarati GCSE યુ.કે.ના શિક્ષણ તંત્રમાં સ્થાન પામ્યું. Gujarati GCSE શરૂ થવાથી ગુજરાતી ભાષાને શૈક્ષણિક માન્યતા મળી — અને માતૃભાષા “ઘરગથ્થું ભાષા”માંથી “શૈક્ષણિક વિષય” બની.

આ યાત્રામાં અકાદેમી માર્ગદર્શક તરીકે ઊભી રહી — વિદ્યાર્થીઓને તૈયાર કરીને, શાળાના શિક્ષકોને માર્ગદર્શન, મદદ આપીને સમુદાયિક શાળાઓને મજબૂત બનાવી. આ ભગીરથ કાર્યની કલ્પના કરતાં ય મારું અસ્તિત્વ થથરે છે.

🌿 ૩. મારી જોડાણની શરૂઆત — ૨૦૦૫

મારી અકાદેમી સાથેની યાત્રા ૨૦૦૫માં શરૂ થઈ. જોડાયા પછી મને સમજાયું કે અહીં માત્ર સાહિત્ય નથી, અહીં અનુસંધાન છે, સંવાદ છે અને  ગુજરાતી ભાષાના જતન, સંમાર્જન  અને સંવર્ધનની પરંપરા છે..

૨૦૦૫ સુધી અકાદેમીનો ભાર મુખ્યત્વે ભાષા–સંરક્ષણ ને વિકાસ પર હતો. પરંતુ ક્રમશ: અકાદમી માત્ર ભાષા–જતન પૂરતી મર્યાદિત ન રહેતાં તે પ્રવાસી ગુજરાતી સાહિત્ય એટલે કે ડાયસ્પોરાને સ્વતંત્ર સાહિત્યપ્રવાહની ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ બની. 

૨૦૧૮માં બ્રિટનમાં ગુજરાતી સાહિત્યના ચાલીસ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ પરિસંવાદ અને તેનો ગ્રંથ ‘ચાલીસીએ ઓચ્છવ’ — આ દિશામાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. આ ગ્રંથમાં બ્રિટિશ ગુજરાતી કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ વગેરેનું સંશોધનાત્મક મૂલ્યાંકન થયું.

વિદેશમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય મુખ્ય પ્રવાહની બહાર ગણાતું. અકાદમીની સીમાચિહ્ન  સિદ્ધિ  એ કે, આપણે તળ ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ ને સાહિત્યકારોને જાગ્રત કરી શક્યા કે બ્રિટનમાં અને વિદેશમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય સમગ્ર ગુજરાતી સાહિત્યનો અભિન્ન હિસ્સો છે.

૨૦૦૫ પછી અકાદમીએ કાવ્યસંગ્રહો, વિવેચનગ્રંથો, અનુવાદો, સંશોધનગ્રંથો, સંમેલનગ્રંથો વગેરે પ્રકાશિત કર્યા. ૨૦૨૨માં નોબેલ વિજેતાઓના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરીને વિશ્વસાહિત્ય અને ગુજરાતી વાચકો વચ્ચે સેતુ રચ્યો. ભારત, પૂર્વ આફ્રિકા, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા — વિશ્વભરના ગુજરાતી સર્જકોને એક મંચ પર લાવવાનું કાર્ય અકાદમીએ કર્યું.

🔸 ડિજિટલ યુગમાં પ્રવેશ

૨૦૨૦ પછી અકાદમીએ વેબસાઇટ, વીડિયો વ્યાખ્યાનો, ઓનલાઈન કાવ્યગોષ્ઠિઓ દ્વારા પોતાની પહોંચ વિશ્વવ્યાપી બનાવી. 

આ ક્ષણે મને, વ્યક્તિગત યાત્રાના બે પડાવ યાદ આવે છે.

ક્રોયડનમાં યોજાયેલી પરિષદ મારી માટે એક માર્ગદર્શક ક્ષણ હતી. વિદેશની ધરતી પર ગુજરાતી ભાષા સબંધે આવી ઊંડા ચર્ચાઓ સાંભળીને મને પહેલી વાર લાગ્યું: અકાદેમી માત્ર કાર્યક્રમો નથી કરતી, અકાદેમી  ભાષા અને સમાજ ઘડતરનો સોજ્જો ઉજમ લઇને ચાલે  છે.

અનુવાદ, આધુનિક પ્રવાહો, પ્રવાસી સાહિત્યના પડકારો ને યુવાનો અને નવી પેઢીમાં ગુજરાતીનો ધબકાર… આ ચર્ચાઓએ મને અકાદેમીના સાહિત્ય ને સર્જનના વહેણની દિશા સમજાવી.

બીજી પરિષદ મનુભાઈ પંચોળી ‘દર્શક’ અંગે હતી. મનુભાઈનું વ્યક્તિત્વ, તેમની દૃષ્ટિ, અને ગુજરાતી ભાષા માટેની તેમની અડગ પ્રતિબદ્ધતા — આ બધું સાંભળીને મને એક જ વિચાર આવ્યો: “સાહિત્ય માત્ર લખાણ નથી, એ તો જીવન જીવવાની રીત છે.”

આ પરિષદે મને અકાદેમીની ઊંડાઈ સમજાવી — અહીં માત્ર લેખકોની ચર્ચા નથી થતી,  એમના સર્જન ને વિચારધારાઓનું પરીશીલન – સમાર્જન થાય છે.

જેમ આહૂતેય યજ્ઞનો પવિત્ર ધુમ ઉઠે, જે અનિષ્ટને દૂર કરીને વાતાવરણને શુદ્ધ કરે છે એમ વિદેશની ધરતી પર ગુજરાતી ભાષાનું રક્ષણ, સંવર્ધન અને સંસ્કૃતિ–સંસ્કાર જીવંત રાખવાનો યજ્ઞ અકાદેમીના સતત પ્રયત્નોથી અવિરત પ્રગટતો રહ્યો છે.”

આજે આ મંચ પરથી એક નરમ ભાવ મનમાં  જાગે છે :  વિદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે, તેના માટે લોકો કામ કરે છે, અને હું એ યાત્રાનો એક નાનો પ્રવાસી છું.

સુમનભાઈ હાજર હોત તો એમણે ચોક્કસ કહ્યું હોત….

“અકાદેમી એ પરંપરા છે — અને પરંપરા વ્યક્તિથી મોટી હોય છે.”

આ પરિષદ એ પરંપરાનો ઉત્સવ છે. ચાલો, આ પરિષદને વિચાર, સંવાદ અને સર્જનનો ઉત્સવ બનાવીએ. આ આપણા મનની માટી સાથેનો અખંડ સંબંધ છે.

આભાર.

શનિવાર, 01 ઑગસ્ટ 2026

—————————————————————

સમાપન બેઠક; દશમી ભાષા–સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય અને અનુવાદ : દશા અને દિશા

અનિલ વ્યાસ

ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.ની દશમી ભાષા-સાહિત્ય પરિષદના તમામ ઉપક્રમો જ્ઞાન અને વિદ્વતાની કસોટીએ સુવર્ણ સમાન પુરવાર થયા. સુવર્ણ જયંતી પરિષદના આ અવસરે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા અનેક મહત્ત્વના વિષયો પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ થયો.

ચર્ચાયેલા વિવિધ વિષયોમાં ‘ગુજરાતી સાહિત્ય અને અનુવાદ : દશા અને દિશા’ વિશેષ ધ્યાન ખેંચે છે. આ વિષય પર વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે અનુવાદ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસનો એક અગત્યનો આધારસ્તંભ રહ્યો છે. અનુવાદ ભાષાઓ વચ્ચે સંવાદ સ્થાપે છે, જ્ઞાનનો પ્રસાર કરે છે અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

અમેરિકન લેખિકા સુઝાન સોન્ટાગે કહ્યું છે : “Translation is the circulatory system of the world’s literature” — અર્થાત્, “અનુવાદ એ વિશ્વસાહિત્યનું જીવનદાયી રક્તપરિભ્રમણ તંત્ર છે.” જો આ રક્તપરિભ્રમણ ન હોત, તો જ્યોર્જ સ્ટાઇનરના શબ્દોમાં કહીએ તો, “અનુવાદ વિના આપણે મૌનની સરહદે આવેલા પ્રાંતોમાં જીવતા હોત.” આ મૌનને તોડીને બે અલગ પ્રદેશો વચ્ચે આત્મીયતા ઊભી કરવાનું કામ અનુવાદ કરે છે. રઘુવીર ચૌધરીની વાત પણ અહીં સહજ યાદ આવે છે — “અનુવાદ એ શબ્દોનું સ્થાનાંતર નહીં, પણ ભાવનો પુનર્જન્મ છે.”

વક્તાઓના વિચાર-વિમર્શમાંથી પ્રતીકાત્મક રીતે જોતાં, અનુવાદ એ બે ભાષાઓના કિનારા વચ્ચે વહેતી એક સમૃદ્ધ નદી છે અને અનુવાદક એ નદી પર બાંધવામાં આવેલો મજબૂત સેતુ છે.

કોઈપણ નદીનું પાણી જ્યારે બીજા પ્રદેશમાં પહોંચે ત્યારે તે ત્યાંની માટીની સુગંધ ધારણ કરે છે, પરંતુ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવતું નથી. સાચો અનુવાદ પણ એવો જ હોવો જોઈએ. માત્ર ભાષાંતરિત શબ્દો ગોઠવી દેવાથી અનુવાદ થતો નથી; એ માટે અનુવાદકની આંતરસૂઝ, ભાષાનો કાવ્યાત્મક લય અને કાકુ, તેમ જ સંસ્કૃતિની ઊંડી સમજ જરૂરી છે.

જ્યારે અનુવાદક મૂળ કૃતિના આત્માને પચાવીને પોતાની ભાષામાં રજૂ કરે છે, ત્યારે વાચક માટે તે માત્ર ભાષાંતર બની રહેતું નથી, પરંતુ એક સહજ અને સુવાચ્ય નવસર્જન બની રહે છે. કારણ કે, ઉમાશંકર જોશીના મતે — “અનુવાદ એ માત્ર ભાષા બદલવાની કવાયત નથી, પરંતુ એ બે સંસ્કૃતિઓ વચ્ચેનો સંવાદ છે.”

પરિસંવાદના વક્તવ્યોમાંથી ઉપસી આવતા અનુવાદના મૂળ મુદ્દાઓ પર નજર કરીએ તો અનુવાદ-પ્રક્રિયાના પાંચ મુખ્ય પરિમાણો સ્પષ્ટ થાય છે :

૧. અર્થ–સમાનતા અને નિષ્ઠા : મૂળ લેખકના સ્વર અને સંવેદના પ્રત્યે પ્રામાણિક રહીને મૂળ ભાવાર્થ જાળવવો.

૨. સાંસ્કૃતિક સ્વીકૃતિ : બે સંસ્કૃતિઓ વચ્ચેની ભિન્નતાને સમજતાં સંવાદની જગ્યા ઊભી કરવી.

૩. વાચક–કેન્દ્રિતતા : અનુવાદ વાચક માટે સહજ, સુગમ અને પોતાની ભાષાના મૌલિક સર્જન જેવો અનુભવ કરાવે તેવો હોવો જોઈએ.

૪. રૂપ અને કાર્યનું સંતુલન : કાવ્ય કે ગદ્યની મૂળ શૈલી, રચનાત્મક સ્વરૂપ અને તેના આંતરિક અર્થ વચ્ચે યોગ્ય સમતુલન સાધવું.

૫. નૈતિકતા અને સૌંદર્યબોધ : અનુવાદકની પોતાની માન્યતાઓ કે મતભેદો હોવા છતાં મૂળ કૃતિના સ્વર, ભાવ અને આશય સાથે ન્યાય કરવો અને તેની કલાત્મકતા જાળવવી.

જો આપણે આપણી પરંપરા તરફ નજર કરીએ તો પ્રાચીન કાળથી જ અનુવાદનો આ પ્રવાહ વહેતો રહ્યો છે. પુરાણો, સંસ્કૃતની ‘કાદંબરી’ તથા ભક્તિસાહિત્યના લોકભાષામાં થયેલા અનુવાદોએ ગુજરાતી ભાષાના પાયાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અર્વાચીન યુગમાં અંગ્રેજી અને મરાઠીમાંથી થયેલા પાઠ્યપુસ્તકો તેમ જ વિશ્વસાહિત્યના અનુવાદોએ ગુજરાતી ભાષાને નવા વિચારો અને આધુનિકતાથી સમૃદ્ધ કરી છે.

સમય બદલાયો છે અને આજે આપણે ડિજિટલ યુગ તથા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) જેવાં આધુનિક સાધનોના યુગમાં જીવી રહ્યા છીએ. AI આધારિત મશીન ટૂલ્સ કદાચ એક ભાષામાંથી બીજી ભાષામાં શબ્દો અને વાક્યોનું રૂપાંતર કરી શકે અને અનુવાદનું કામ ઝડપી બનાવી શકે; પરંતુ સાહિત્યની મૂળ સંવેદના, વાક્યનો આંતરિક લય અને સાંસ્કૃતિક અર્થછાયાઓને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે અનુવાદકની માનવીય ચેતના અને હૃદયનો સ્પર્શ આજે પણ અનિવાર્ય રહેશે.

આજે ડાયસ્પોરાના સંદર્ભમાં પણ અનુવાદ એક વ્યાપક અને મહત્ત્વનો સેતુ બન્યો છે. પરદેશમાં વસતો ગુજરાતી સમાજ મુખ્યત્વે બે રીતે અનુવાદનો ઉપયોગ કરીને પોતાની સંસ્કૃતિ અને ઓળખને જીવંત રાખી શકે છે :

૧. નવી પેઢી માટે : પરદેશમાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી ગુજરાતી ભાષા સરળતાથી વાંચી કે લખી શકતી ન હોય, ત્યારે માતૃભાષાનું શ્રેષ્ઠ સાહિત્ય અંગ્રેજી કે સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને તેમના સુધી પહોંચાડી શકાય છે. આ રીતે તેઓ પોતાના મૂળ અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા રહી શકે છે.

૨. સ્થાનિક સમાજ માટે : જે દેશમાં ગુજરાતી સમાજ વસે છે, જેમ કે યુ.કે. કે યુ.એસ., ત્યાંના સ્થાનિક સમાજને ગુજરાતી સાહિત્ય, જીવનમૂલ્યો અને સંસ્કૃતિથી પરિચિત કરાવવા માટે અનુવાદ એક મહત્ત્વનું માધ્યમ બની શકે છે.

જો કે, આ પ્રવૃત્તિ સામે કેટલાક વ્યાવસાયિક અને વ્યાપક પ્રશ્નો પણ છે. આજે સાહિત્યિક અનુવાદોની તુલનામાં પ્રેરણાત્મક પુસ્તકોના અનુવાદનું બજાર વધુ મોટું બન્યું છે. બીજી તરફ, વિશ્વસાહિત્ય ગુજરાતીમાં આવે છે તેના પ્રમાણમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓને અન્ય વૈશ્વિક ભાષાઓમાં પહોંચાડવાનું કામ હજુ ઘણું ઓછું થાય છે.

તેથી જ અનુવાદક જો પૂરતા ધ્યાન, સંવેદનશીલતા અને પરિશ્રમથી કાર્ય કરે તો અનુવાદ માત્ર ભાષાંતર ન રહેતાં ‘અનુસર્જન’ બની શકે છે. અનુવાદના કાર્ય અને કલાને ચોક્કસ સામાજિક જવાબદારી સાથે યોગ્ય દિશામાં લઈ જવાની જરૂર છે. જો સંસ્થાગત ધોરણે યોગ્ય કૃતિઓની પસંદગી થાય, નવા અનુવાદકોને યોગ્ય માર્ગદર્શન મળે અને સંગઠિત પ્રયાસો કરવામાં આવે, તો અનુવાદની આ પરંપરા ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપી શકે છે.

આશા છે કે પરિષદમાં રજૂ થયેલાં વક્તવ્યો અભ્યાસુઓ અને અનુવાદકો સૌને મદદરૂપ થશે અને અકાદમીનો આ પ્રયાસ ગુજરાતી ભાષા અને સાહિત્યને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં લઈ જતું એક નોંધપાત્ર પગલું પુરવાર થશે.

ગુજરાતી ભાષા : દશા અને દિશા

આ વક્તવ્યોમાંથી પસાર થતાં મારી સમજણ પણ ખાસ્સી વિકસી. માણસ અને એની માતૃભાષા વચ્ચેનો સંબંધ કેવળ શબ્દો કે લિપિ પૂરતો સીમિત નથી. ભાષા અંગેનું સાચું રહસ્ય તો એ છે કે ભાષા એ મનોમન પ્રગટેલા વિચારને બીજા સુધી પહોંચાડવાનો રસ્તો છે. વિચારને આકાર અને ભાવને ધ્વનિ આપી માણસને માણસ સાથે જોડે, સમાજ સાથે ગોઠવે અને સંસ્કૃતિને જીવંત રાખે એ ભાષા.

આજે આપણે જ્યારે માતૃભાષા ગુજરાતીની ‘દશા અને દિશા’ વિશે વિચારવા બેસીએ છીએ, ત્યારે કેટલાક ગંભીર અને મરમી પ્રશ્નો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે.

માતૃભાષાની વર્તમાન સ્થિતિને આપણે બે મુખ્ય ધરાતલ પર સમજવી પડે : એક, ડાયસ્પોરાનું આંતરિક માનસિક જગત અને બીજું, દેશ તથા પરદેશ બંને જગ્યાએ ભાષા ભૂંસાવાનો વ્યાપક ભય.

પરદેશમાં વસેલા મોટાભાગના ગુજરાતીઓ માટે પોતાની ભાષા અને ઓળખ જાળવી રાખવી એ એક બહુ મોટી આંતરિક મૂંઝવણ છે. સ્વેચ્છાએ વિદેશમાં સ્થાયી થયેલી પ્રજાને મૂળિયાં સાથે જોડાયેલા રહેવાની વ્યાકુળતા સતત સતાવે છે. આ ઝંખના હેઠળ આધ્યાત્મિકતા, દેશી જીવનશૈલી અને સંસ્કૃતિમાં રહેવાની હૈયા-ઉકલત સાથે સાહિત્યિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવું એ મનને શાતા આપે છે.

પરંતુ પન્નાબહેને જણાવ્યું તેમ, થોડું-ઘણું લખતા અને સર્જન કરતાં આપણામાંથી મોટાભાગના લોકો ઘણીવાર ગંભીર વાચનથી આંતરિક સજ્જતા કેળવવાને બદલે માત્ર આત્મસંતોષ કે ઓળખ જાળવી રાખવા વલખાં મારીએ છીએ. પરિણામે, સાહિત્યિક સર્જન અને આભાસી વાહવાહી વચ્ચેનો તફાવત ભૂંસાઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે પશ્ચિમી સંસ્કૃતિના મહાસમુદ્રમાં પહેલી પેઢી પછી બીજી અને ત્રીજી પેઢી ક્યાંક એકરસ થઈ રહી છે અને ભાષા ટ્રાન્સફર (હસ્તાંતરિત) થવાને બદલે તેનું ધોવાણ (Language Loss / Attrition) થઈ રહ્યું છે.

ભાષા ભૂંસાવાનો આ ભય માત્ર વિદેશમાં વસતા ડાયસ્પોરા પૂરતો સીમિત નથી; દેશમાં, ગુજરાતમાં પણ ભાષા વિલુપ્ત થવાનો ભય એટલો જ તીવ્ર અને વાસ્તવિક છે. વૈશ્વિકીકરણ (Globalization), અંગ્રેજી માધ્યમનું આક્રમણ અને શિક્ષણની બદલાતી પરિસ્થિતિને કારણે દેશમાં પણ નવી પેઢી પોતાની જ માતૃભાષાથી વિમુખ થઈ રહી છે. હજારો બાળકો ગુજરાતી વિષયમાં નાપાસ થાય કે પ્રાથમિક શાળાઓમાં ભાષાનું શિક્ષણ કથળે, ત્યારે સમજવું પડે કે મૂળ ધરાતલ પર પણ ભાષા અને વિદ્યાર્થી વચ્ચે એક મોટી શૈક્ષણિક તથા સામાજિક ખાઈ (Alienation) ઊભી થઈ છે. સાથે સાથે, વ્યાકરણ અને જોડણી સંદર્ભે લદાતી કૃતક જડતા બાળકને ભાષા સાથે જોડાવાને બદલે દૂર ધકેલે છે.

આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણી ‘દિશા’ કઈ હોવી જોઈએ?

૧૯૫૦માં ભાષાવિજ્ઞાની રોબર્ટ હોલે કહ્યું હતું કે “Leave Your Language Alone” — ભાષા તો વહેતી નદી છે, એને એના નસીબ પર છોડી દો. પરંતુ ૨૦૦૬માં જોશુઆ ફિશમેને ચેતવણી આપતાં કહ્યું કે “Do Not Leave Your Language Alone!” અર્થાત્, જો ભાષાને બચાવવી હશે, તો તેની સ્વાયત્તતાના ભ્રમમાં રહ્યા વગર એનું ચોક્કસ આયોજન (Language Planning) અને ભાષાનીતિ (Language Policy) ઘડવી જ પડશે.

વિદેશમાં રહેતાં સંતાનો માટે ગુજરાતી એ એમની ‘હેરિટેજ લેંગ્વેજ’ (વારસાગત ભાષા) કે સેકન્ડ લેંગ્વેજ છે. આ નવી પેઢીને આપણે જૂની પદ્ધતિથી ભાષા ન શીખવી શકીએ. એમની સંવેદના, એમનો પરિવેશ અને એમના માનસિક સ્તરને ઓળખીને જ ભાષાનો સેતુ બાંધી શકાય.

આ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે ગુજરાતી સાહિત્ય અકાદમી(UK)ના કાર્યને તપાસીએ છીએ, ત્યારે અકાદમીનું પ્રદાન એક ક્રાંતિકારી દૃષ્ટિ બનીને સામે આવે છે. અકાદમીએ દાયકાઓ પૂર્વે એ સમજી લીધું હતું કે બ્રિટનની ધરા પર ભાષા ટકાવવી હોય તો અરાજકતા કે પરંપરાગત ટ્યુશનો નહીં ચાલે, પણ પ્લેટોની ‘એકેડમી’ જેવું મુક્ત ચિંતન અને વૈજ્ઞાનિક માળખું જોઈશે :

૧. પરિવેશ–આધારિત અભ્યાસક્રમ : અકાદમીએ વિદેશના બાળકોની પ્રથમ ભાષા અંગ્રેજી છે તે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. તેમણે અંગ્રેજી લિપિના ‘S’ પરથી ‘ડ’ અને ‘ક’ શીખવવાની સહજ પદ્ધતિ વિકસાવી. સ્થાનિક સંદર્ભો આપીને બાળકના ચિંતન સાથે ભાષાનો આકાર જોડ્યો. ૨. માળખાકીય ગુણવત્તા અને સ્વીકૃતિ : અકાદમીએ ‘પ્રારંભિક’થી લઈને ‘વિશારદ’ સુધીની પાંચ સ્તરની પરીક્ષા-પદ્ધતિ  તૈયાર કરી. અકાદમીના કાર્યની વૈજ્ઞાનિક ગુણવત્તા જ હતી કે GCSEમાં વિષય તરીકે એને માન્યતા મળી. ૩. સાંસ્કૃતિક અસ્મિતાનું વહન : અકાદમીએ ભાષાને કેવળ કોઈ સંપ્રદાય કે લોકપ્રિય મેળાવડાઓ પૂરતી સીમિત ન રાખતાં, સાહિત્ય અને મુક્ત વૈચારિક ચિંતનનું પ્લેટફોર્મ બનાવીને બ્રિટનમાં ગુજરાતી સંસ્કૃતિની ચેતનાને જીવંત રાખી છે. ૪. ભવિષ્યની દિશા — સર્જન અને સત્યની કસોટી : આજે આપણે ઇતિહાસ અને ભવિષ્યના એવા વળાંક પર ઊભા છીએ જ્યાંથી આગળનો માર્ગ આપણે જ કંડારવાનો છે. ભાષાનું ભવિષ્ય સમય નહીં, પરંતુ સમાજ, તેની સંસ્થાઓ અને તેની દૂરંદેશી નીતિઓ નક્કી કરે છે. જે ભાષા જ્ઞાન, સંશોધન, શિક્ષણ અને ટેક્નોલોજી સાથે જોડાય છે, તે જીવંત રહે છે; જે જીવનના મુખ્ય પ્રવાહથી વિખૂટી પડે છે, તે ધીમે ધીમે પ્રાસંગિકતા ગુમાવે છે.

આથી, પ્રશ્ન એ નથી કે ગુજરાતી ભાષા જીવશે કે નહીં — પ્રશ્ન એ છે કે તે આવતી પેઢીના વિચાર અને સર્જનનું સશક્ત માધ્યમ બનશે કે માત્ર ભૂતકાળની સ્મૃતિ બની રહેશે. આ નિર્ણય આપણા સૌના હાથમાં છે.

આપણી ભવિષ્યની દિશા અને નવો વિચાર: ભાષા-આયોજન, સમાવેશ અને નવીનતા

જો ભાષાને જીવંત અને વિકાસશીલ રાખવી હોય, તો ભાષા-આયોજન અનિવાર્ય છે. તેના ત્રણ મુખ્ય સ્તરો છે :

•              Status Planning: ભાષાની સામાજિક પ્રતિષ્ઠા અને ઉપયોગનું ક્ષેત્ર વિસ્તૃત કરવું.

•              Corpus Planning: જોડણી, વ્યાકરણ, શબ્દકોશ અને પરિભાષાનું વૈજ્ઞાનિક પરિમાર્જન કરવું.

•              Acquisition Planning: ભાષા-શિક્ષણની પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો અને શિક્ષક-તાલીમને સમયાનુકૂળ બનાવવી.

આયોજન વિના ભાષાનું અસ્તિત્વ ટકી શકે, પરંતુ તેનો વિકાસ શક્ય નથી. સાથે સાથે ભાષાના પાઠ્યપુસ્તકોમાં સમાજના તમામ વર્ગો — આદિવાસી, દલિત, મુસ્લિમ, શ્રમજીવી, ગ્રામ્ય અને શહેરી — ના જીવન, અનુભવો અને મૂલ્યોને સ્થાન મળવું જોઈએ. ભાષા ત્યારે જ સાચા અર્થમાં જીવંત બને છે, જ્યારે તે સમગ્ર સમાજનો અવાજ બને.

નવી પેઢી સુધી ભાષાને પહોંચાડવા માટે ડિજિટલ યુગની શક્યતાઓ સ્વીકારવી પડશે. અકાદમીના અભ્યાસક્રમો અને પરીક્ષા-માળખાને એ.આઈ. (AI), મોબાઇલ એપ્સ અને ગેમિફાઇડ લર્નિંગ જેવા માધ્યમો સાથે જોડીને વધુ આકર્ષક અને અસરકારક બનાવી શકાય. આ માટે ભાષાવિજ્ઞાનીઓ, શિક્ષણકારો અને ટેક્નોલોજી નિષ્ણાતોના સહયોગથી ડાયસ્પોરા માટે વૈજ્ઞાનિક ભાષાનીતિ ઘડવી જરૂરી છે, જેથી હેરિટેજ લર્નર્સ ભાષા સાથે સહજ અને સર્જનાત્મક રીતે જોડાઈ શકે.

અંતમાં, એટલું જ કહીશ કે: જો ભાષા વિચારને આકાર આપે છે, ભાવને ધ્વનિ આપે છે, માણસને માણસ સાથે જોડે છે, સમાજમાં ગોઠવે છે અને સંસ્કૃતિને જીવંત રાખે છે — તો એ ભાષા પ્રત્યે નિષ્ઠાવાન થવું એ આપણી નૈતિક અને સાંસ્કૃતિક જવાબદારી છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી (UK) એ દશમી પરિષદના આ મંચ પરથી આપણને એ જવાબદારી નિભાવવાનો સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. આવો, દેશ અને વિદેશની ભોમ પર વસતા આપણે સૌ સાથે મળીને માતૃભાષા ગુજરાતીની દશા સુધારીને તેના ભવિષ્યને એક ઉજ્જવળ, સમર્થ અને અમર દિશા આપીએ. 

*     *    *

સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને એ.આઈ. વિશ્વ

‘સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને એ.આઈ. વિશ્વ’ વિષયક ચર્ચા અત્યંત રસપ્રદ અને વિચારપ્રેરક રહી. આજે આપણે માનવ ઇતિહાસના એક એવા નાજુક અને સંક્રાંતિકાળમાં ઊભા છીએ, જ્યાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સોશિયલ મીડિયા અને ડિજિટલ નેટવર્ક માત્ર આપણા વ્યવહારનાં સાધનો રહ્યાં નથી, પરંતુ આપણા વિચારો, ભાષા અને ભાવ-અભિવ્યક્તિના સ્વરૂપોને પણ પ્રભાવિત કરવા લાગ્યાં છે.

જ્યારે મશીન ક્ષણવારમાં શુદ્ધ અને સુઘડ ગુજરાતી લખી શકે, ત્યારે એક મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય છે: શું ભાષા માત્ર માહિતીની આપ-લેનું માધ્યમ છે, કે પછી તે મનુષ્યની ચેતના, જીવનશૈલી અને સંસ્કૃતિનો જીવંત વારસો છે?

આ પરિસ્થિતિમાં ઊભી થતી વૈચારિક અરાજકતા સામે આપણી ભાષાના મૌલિક સર્જનનું સંરક્ષણ અને પ્રસાર કરવાનો સચોટ માર્ગ કંડારવો જ પડશે.

૧. ગાણિતિક કીમિયાગરી વિરુદ્ધ સંવેદનાત્મક કાવ્યત્વ

કૃત્રિમ બુદ્ધિમત્તાની મૂળભૂત પ્રકૃતિ સંભાવનાઓ (Probabilities) અને નમૂનાઓ (Patterns) ઓળખવા પર આધારિત છે. AI પાસે અબજો શબ્દો અને લખાણોના વિશાળ ડેટાસેટ્સ હોય છે. તે આ ડેટામાંથી ભાષાના નમૂનાઓ અને સંદર્ભોને ઓળખીને આગળના શબ્દો કે વાક્યોનું અનુમાન કરે છે. પરંતુ સાચું સાહિત્યિક સર્જન માત્ર ગણતરી કે અનુમાનમાંથી જન્મતું નથી; તે માનવીય સંકલ્પ, સંવેદના, કલ્પના અને આંતરિક મંથનમાંથી જન્મે છે.

AI પાસે શબ્દોની વિપુલતા છે, પરંતુ એ શબ્દો પાછળનો પોતાનો ‘અનુભવ’ નથી. તે વિરહ પર કવિતા રચી શકે છે, પરંતુ વિરહની પીડા અનુભવી શકતું નથી. તે ભક્તિપદ રચી શકે છે, પરંતુ સમર્પણની અનુભૂતિ કરી શકતું નથી.

સાહિત્ય સેકંડોમાં મળતું યાંત્રિક પરિણામ નથી, પરંતુ એક ‘સાધના’ છે. લેખક કે કવિ જ્યારે શબ્દની શોધમાં મૌન સેવે છે, દ્વિધામાંથી પસાર થાય છે અને પોતાના અંતરનો નિચોડ કાગળ પર ઉતારે છે, ત્યારે જ એ શબ્દમાં પ્રાણ પૂરાય છે. આ માનવીય ભાવસ્પંદનની તીવ્રતા અને અનુભૂતિને મશીન સાથે સરખાવી શકાય નહીં.

૨. વૈચારિક આધિપત્ય અને અરાજકતાનું જોખમ

ડિજિટલ યુગમાં આ માત્ર ટેકનોલોજીનો વિષય નથી, પરંતુ ગંભીર સાંસ્કૃતિક અને વૈચારિક પ્રશ્ન પણ છે.

•              અદૃશ્ય વૈચારિક આધિપત્ય : મોટાભાગના AI મોડેલ્સ અને સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ પર વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓનો પ્રભાવ છે અને તેમાં રહેલા ડેટા તથા તાલીમસામગ્રીમાં વિવિધ સાંસ્કૃતિક અને ભાષાકીય પૂર્વગ્રહો પણ હોઈ શકે છે. જ્યારે આ મોડેલ્સ આપણી ભાષામાં વિચારો રજૂ કરે છે, ત્યારે અજાણતાં જ તેમાં સમાયેલ જીવનદૃષ્ટિ, મૂલ્યો અને સાંસ્કૃતિક સંદર્ભો આપણા વિચારોને પ્રભાવિત કરી શકે છે. તેથી પોતાની ભાષા અને સંસ્કૃતિની સ્વતંત્ર ઓળખ પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે.

•              ભાષાકીય અને બૌદ્ધિક અરાજકતા : ઇન્ટરનેટ પર ક્ષણિક અને ગુણવત્તાવિહોણા લખાણનો રાફડો ફાટ્યો છે. AI દ્વારા જનરેટ થયેલા અસંખ્ય સપાટ, અચોક્કસ અથવા સંદર્ભવિહોણાં લખાણોના પ્રવાહને કારણે સાહિત્યજગતમાં એક પ્રકારની અરાજકતા ઊભી થવાની શક્યતા છે. પરિણામે મૌલિક ચિંતન અને અનુકરણ વચ્ચેની રેખા ધૂંધળી બની શકે છે.

•              ડેટા અને સર્જકના અધિકારો : આપણું પ્રાચીન સાહિત્ય અને મૌલિક સર્જનો AI મોડેલ્સને તાલીમ આપવા માટેના ડેટાનો ભાગ બની શકે છે. અહીં મૂળ સર્જકોના અધિકારો, સંમતિ, શ્રેય અને યોગ્ય વળતર જેવા નૈતિક તથા વ્યાવસાયિક પ્રશ્નો ઊભા થાય છે. આ બાબતે સ્પષ્ટ નીતિઓ અને જાગૃતિની જરૂર છે.

૩. સંરક્ષણ અને પ્રસાર માટેની સ્વાભિમાની કાર્યયોજના

આ સ્થિતિ સામે આપણે લાચાર પ્રેક્ષક બનીને રહેવાનું નથી. શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ સમયસર અને સંકલિત પગલાં ભરવાની જરૂર છે.

(ક) જાગૃતિ અભિયાન (Awareness Drive)

•              વિદ્યાર્થીઓ માટે AI નૈતિકતા : AIનો અનિયંત્રિત ઉપયોગ વિદ્યાર્થીઓની મૌલિક ચિંતન અને વિશ્લેષણની ક્ષમતાને અસર કરી શકે છે. શાળાઓ અને કોલેજોમાં એવા વર્કશોપ યોજવા જોઈએ, જે સમજાવે કે AI વિચારવાનો વિકલ્પ નથી, પરંતુ સંશોધન અને તકનીકી સહાયનું સાધન છે.

•              સર્જકોની બૌદ્ધિક સંપદાનું સંરક્ષણ : સર્જકો પોતાની અપ્રકાશિત કૃતિઓ AI પ્લેટફોર્મ પર અપલોડ કરે ત્યારે તેમના ડેટા અને બૌદ્ધિક સંપદાના દુરુપયોગનું જોખમ રહે છે. સંસ્થાઓએ સાહિત્યકારો માટે ‘AI અને સાહિત્યિક અધિકારો’ જેવા વિષયો પર સેમિનાર યોજીને જાગૃતિ લાવવી જોઈએ.

(ખ) મૌલિક સર્જનનું ડિજિટલ સંરક્ષણ (Preservation)

•              પ્રમાણભૂત ગુજરાતી ભાષા–કોર્પસ : ટેકનોલોજી નિષ્ણાતો સાથે મળીને ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ અને કોશનો એક પ્રમાણભૂત અને શક્ય હોય ત્યાં સુધી ઓપન-સોર્સ ડિજિટલ કોર્પસ તૈયાર કરવો જોઈએ, જેથી AI અને અન્ય ડિજિટલ સાધનોમાં ગુજરાતી ભાષાનું સમૃદ્ધ અને પ્રમાણભૂત સ્વરૂપ ઉપલબ્ધ રહે.

•              મૌખિક અને ક્ષેત્રીય વિરાસતનું આર્કાઇવિંગ : લુપ્ત થવાના આરે આવેલી કચ્છી, કાઠિયાવાડી, સુરતી, ચારોતરી અને આદિવાસી બોલીઓ, લોકવાર્તાઓ, લોકગીતો અને હાલરડાંને ઉચ્ચ ગુણવત્તાવાળા ઓડિયો-વીડિયો સ્વરૂપે રેકોર્ડ કરી તેનું ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવું જોઈએ.

(ગ) નવી પેઢી સુધી સાહિત્યનો પ્રસાર (Youth Engagement)

•              ટ્રાન્સમીડિયા આલેખન : ‘સૌરાષ્ટ્રની રસધારા’ કે ‘સરસ્વતીચંદ્ર’ જેવી ક્લાસિક કૃતિઓને આધુનિક ગ્રાફિક નવલકથા, ઓડિયો ડ્રામા, પોડકાસ્ટ અને ટૂંકી એનિમેશન ફિલ્મો જેવા વિવિધ સ્વરૂપોમાં નવી પેઢી સમક્ષ રજૂ કરવી જોઈએ.

•              ડિજિટલ ક્રિએટર્સને પ્રોત્સાહન : ગુજરાતી પઝલ્સ, ભાષાકીય રમતો અને શૈક્ષણિક એપ્લિકેશન્સ વિકસાવવી જોઈએ. સોશિયલ મીડિયા પર શુદ્ધ અને મૌલિક ગુજરાતીમાં ગુણવત્તાસભર કન્ટેન્ટ બનાવતા યુવા ક્રિએટર્સને ફેલોશિપ અને પુરસ્કારો દ્વારા પ્રોત્સાહિત કરવા જોઈએ.

(ઘ) સંસ્થાગત નેતૃત્વ (Institutional Leadership)

•              તકનીક અને સાહિત્ય સેલ (Tech-Lit Cell) : સાહિત્યકારો, ભાષાવિદો અને ડેટા સાયન્ટિસ્ટ્સની એક સંયુક્ત સમિતિ રચવી જોઈએ, જે ગુજરાતી ભાષા માટે AI અને અન્ય ડિજિટલ ટેકનોલોજીના વિકાસ અંગે માર્ગદર્શન આપે.

•              AI-ડિટેક્શન અને નૈતિક માર્ગદર્શિકા : સાહિત્યિક સ્પર્ધાઓ, શૈક્ષણિક ક્ષેત્ર અને સંશોધનમાં AIના જવાબદાર ઉપયોગ માટે સ્પષ્ટ નૈતિક માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. AI-ડિટેક્શન સાધનોનો ઉપયોગ પણ સાવચેતીપૂર્વક અને માનવીય મૂલ્યાંકનના પૂરક તરીકે થવો જોઈએ.

ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે છાપખાનું (Printing Press) કે ઔદ્યોગિક ક્રાંતિ જેવી નવી ટેકનોલોજી આવી ત્યારે પણ માનવીય સર્જનાત્મકતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ મનુષ્યની ચેતનાએ દર વખતે ટેકનોલોજીને માત્ર સાધન બનાવીને નવા માર્ગો શોધ્યા છે.

કૃત્રિમ બુદ્ધિમત્તા કે સોશિયલ મીડિયા ગમે તેટલાં શક્તિશાળી બની જાય, પરંતુ કવિના હૃદયમાં જાગતા તીવ્ર વિરહના અશ્રુ, લોકસાહિત્યના દુહામાં રહેલી માટીની સુગંધ કે માનવીય સંવેદનામાંથી જન્મતા મૌલિક સર્જનનું સ્થાન તેઓ લઈ શકશે નહીં.

AI આપણી કલમનું સહાયક બની શકે, સ્વામી નહીં. આપણી આંતરિક વિચારસરણી પર કોઈ બાહ્ય શક્તિનો કાબૂ ન હોવો જોઈએ.

આજે પ્રશ્ન એ નથી કે ટેકનોલોજી કેટલી આગળ વધશે; પ્રશ્ન એ છે કે આપણે આપણી શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા નવી પેઢી અને સર્જકોમાં કેવી અને કેટલી જાગૃતિ લાવી શકીશું.

જો આપણે વૈચારિક આધિપત્ય સામે સજાગ રહીશું અને સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ તથા એ.આઈ.ના વિશ્વમાં વિવેકબુદ્ધિપૂર્વક આપણી ભાષાના આત્માને જાળવી રાખીશું, તો ગુજરાતી ભાષા ડિજિટલ યુગમાં પણ પોતાની ભવ્યતા, સ્વતંત્રતા અને સાંસ્કૃતિક સંપ્રભુતા સાથે ઝળહળી ઊઠશે.

•••

 સુગમ સંગીત:

સુગમ સંગીતની  બેઠકમાં  અમર ભટ્ટ  કવિતા સંગીતનું અર્થસભર સંયોજન કરી અમને મધ્યકાલિન યુગથી અર્વાચીન યુગની અનોખી સ્વરયાત્રામા દોરી ગયાં.  નરસિંહ મહેતા, પ્રેમાનંદ, શામળના સંગે ઝૂલણાં ઝૂલતાં, કવ્વાલીની રંગછાંટે, અમને સહુને મનમાં બસ એક  ભાવ, ચાલ ફરિયે.

ધન્ય ધન્ય થયાં સહુ, આભાર અમરભાઈ.

•••

બૃહસ્પતિ ગુજરાતી: ‘અસ્મિતાના અહંકાર’થી ‘આત્મવિવેક’ની પરિવ્રાજકતા

‘બૃહસ્પતિ ગુજરાતી’—આ શબ્દપ્રયોગ કેવળ ભૂગોળ કે અર્થશાસ્ત્રનો ક્ષેત્રવિસ્તાર નથી; એ પ્રજાકીય ચૈતન્યનો એક સાંસ્કૃતિક અને દાર્શનિક આલેખ છે. સામાન્ય રીતે ‘ગુજરાતી’ શબ્દ સંભળાતાં જ મનમાં વ્યવહારકુશળતા, ઉદ્યોગસાહસિકતા, વાણિજ્યિક કૌશલ્ય અને વૈભવી સમૃદ્ધિની છબિ ઊભી થાય છે. પરંતુ, શું કોઈ સંસ્કૃતિ કે પ્રજા માત્ર પોતાના નાણાકીય આંકડાઓ કે ભૌતિક ક્ષેત્રફળથી સંસ્કૃતિના ઉચ્ચતમ શિખરે પહોંચી શકે?

‘બૃહસ્પતિ’ એ દેવોના ગુરુનું પ્રતીક છે. એ કેવળ સત્તા કે સમૃદ્ધિનું નહીં, પરંતુ અધ્યાત્મ, જ્ઞાન, નૈતિક ઉત્તરદાયિત્વ અને તટસ્થ વિવેકનું ઉત્તમોત્તમ રૂપ છે. તેથી વર્તમાન સમયની આંતરિક કસોટી એ નથી કે ‘ગુજરાતી કેટલો સમૃદ્ધ કે વિજેતા છે?’, પરંતુ એ છે કે ‘ગુજરાતી પોતાની નૈતિક ચેતનામાં કેટલો વિવેકી અને જાગૃત છે?’

કનૈયાલાલ મુનશીએ જ્યારે ‘ગુજરાતની અસ્મિતા’નો ખ્યાલ આપ્યો, ત્યારે તેમાં પ્રજાકીય ખમીર અને સ્વમાનનો ગૌરવવંત ગુંજારવ હતો. પરંતુ કવિ ઉમાશંકર જોશીએ જ્યારે ‘વિવેક બૃહસ્પતિ’ શબ્દ યોજ્યો, ત્યારે તેમણે ગૌરવના આત્મમુગ્ધ ખ્યાલને આત્મનિરીક્ષણની કસોટીમાં પરિવર્તિત કરી દીધો. મુનશીનો આગ્રહ ‘અસ્મિતા’ (Identity) પર હતો, જ્યારે ઉમાશંકરનો આગ્રહ ‘વિવેક’ (Discernment) પર હતો. આજના સમયમાં આપણી સામે ઊભેલો યક્ષપ્રશ્ન એ છે કે : શું આપણે આપણી વિજયગાથાઓની ઉજવણીમાં એટલા અંધ બની ગયા છીએ કે આપણી નૈતિક મર્યાદાઓ તરફ જોવાની વિવેકદૃષ્ટિ ખોઈ બેઠા છીએ?

૧. ઓળખની વ્યાકરણ અને ‘અન્ય’નો સ્વીકાર

‘ગુજરાતી કોણ?’ આ પ્રશ્ન ભૌગોલિક સીમાઓ કરતાં વધુ માનસિક સીમાઓનો છે. ૧૯૬૦માં રાજકીય નકશા પર ગુજરાત આકાર પામ્યું તે પૂર્વે પણ એ એક અમૂર્ત સાંસ્કૃતિક ચેતના તરીકે ધબકતું હતું. ભૂગોળની દૃષ્ટિએ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતની લોકતાસીર એકરૂપ નથી.

તેથી ‘ગુજરાતીપણું’ એ કોઈ જૈવિક કે વંશગત બંધિયારપણું નથી. અન્ય પ્રદેશોમાંથી આવીને આ ભૂમિને અપનાવનાર, જુદા ધર્મ-જ્ઞાતિમાં જન્મનાર, કે સુદૂર દેશોમાં વસતો ડાયસ્પોરા—આ તમામ આ વ્યાખ્યાના તાણાવાણા વણે છે.

દાર્શનિક દૃષ્ટિએ ડાયસ્પોરાનો અનુભવ ગુજરાતીતાને એક વૈશ્વિક માનવતાવાદી પરિમાણ આપે છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની રંગભેદ વિરોધી ક્રાંતિમાં મહાત્મા ગાંધીની સાથે અહમદ કથરાડા, ફ્રેની જિનવાલા કે અઝીઝ પહાડ જેવાં નામો જોડાતાં હોય; જ્યારે લંડનની ધગધગતી ગ્રુનવિક સ્ટ્રાઇકમાં પાંચ ફૂટના જયાબહેન દેસાઈ “અમે સિંહો છીએ” કહીને શ્રમિકોના આત્મસન્માન માટે સત્તા સામે પંજો મિલાવતા હોય; કે ન્યૂ યોર્કના હાંસિયામાં ધકેલાયેલા ટેક્સી ચાલકોના માનવઅધિકાર માટે ભૈરવીબહેન દેસાઈ લડતાં હોય—ત્યારે ગુજરાતીપણું કેવળ ‘વેપારી પ્રજા’ના ચોકઠામાંથી મુક્ત થઈને સાશ્વત માનવચેતના અને પ્રતિરોધ(Resistance)નું પ્રતીક બની જાય છે. પરંતુ, એ જ સમાજનો કોઈ ઘટક જ્યારે નફાખોરી, છેતરપિંડી કે વર્ચસ્વવાદી સંકીર્ણતામાં રાચે છે, ત્યારે એ પણ આપણી જ વાસ્તવિકતા છે. દાર્શનિક સ્વીકાર એ જ છે કે આપણી ઓળખ ‘ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી’નું મિશ્રણ છે. જે પ્રજા પોતાના કદરૂપા ચહેરાને દર્પણમાં જોવાની હિંમત ગુમાવે છે, તે આત્મશુદ્ધિની શક્યતા પણ ગુમાવી બેસે છે.

૨. વૈભવનું અર્થશાસ્ત્ર વિ. ચરિત્રનું નીતિશાસ્ત્ર

ગુજરાતી સમાજની સૌથી મોટી કાર્યસાધક શક્તિ તેની ભૌતિક ઉન્નતિ (Upward Mobility) અને તીવ્ર ઉદ્યોગસાહસિકતા છે. વ્યવસાયમાં સફળ થવું કે વ્યક્તિગત સમૃદ્ધિ મેળવવી એ કોઈ પાપ નથી; પણ જ્યારે વ્યક્તિગત સફળતા જ સમાજનો અંતિમ આદર્શ બની જાય, ત્યારે નીતિશાસ્ત્રનો ક્ષય શરૂ થાય છે.

તત્ત્વચિંતનની દૃષ્ટિએ અહીં એક ઊંડો વિરોધાભાસ છે: ‘હું સમૃદ્ધ થયો, પણ શું આપણું સમાજશાસ્ત્ર સમૃદ્ધ થયું?’

મારું પોતાનું ભૌતિક ભવન મોટું થયું, પણ જાહેર જીવન અને સંસ્કૃતિનું ધોરણ કેટલું વિખરાઈ ગયું? ઉત્કૃષ્ટ બિઝનેસમેન હોવું (Enterprise) અને ‘વિવેક બૃહસ્પતિ’ હોવું વચ્ચે એક અદૃશ્ય પણ ખતરનાક અંતર છે. ઉદ્યોગ અને ધન કેવળ સાધન બની શકે, સાધ્ય તો કેવળ એ વિવેક છે જે સમાજને ન્યાયી અને સર્વસમાવેશક બનાવે.

૩. ‘બ્લેક થેલી’: સામાજિક દંભનું સબ–ટેક્સ્ટ (Sub-text)

આપણા સમાજમાં ઘરમાં લવાતું માંસ કે ઈંડાં, અને બીજી તરફ સ્ત્રીના માસિક ધર્મ માટેના સેનિટરી પેડ્સ—આ બંને વસ્તુઓ જ્યારે કાળી પ્લાસ્ટિકની થેલીમાં વીંટીને આપવામાં આવે છે, ત્યારે એ માત્ર પેકિંગ નથી રહેતું. એ આપણા સમાજની છૂપી શરમ, દંભ અને દેખાડાનું પ્રતીક બની જાય છે, જે આપણી સામાજિક સંકુચિતતાને છતી કરે છે. આપણે વાસ્તવમાં શું છીએ તેના કરતાં ‘લોકો શું કહેશે?’-નો દંભ જ અહીં આપણી નીતિમત્તાનો મુખ્ય માપદંડ બની જાય છે અને ગુજરાતીનું બૃહસ્પતિપણું અંહી અલગ સ્વરૂપ ધારણ કરે છે,

૪. સરહદોની પાર: ‘બીજા ગુજરાત’ની દાર્શનિક શોધ

અમદાવાદના મણિનગરમાં ઉછરેલી આરતી નાયર જાણેલા પૂર્વગ્રહો અને ભયની કાલ્પનિક દીવાલો ઓળંગીને જુહાપુરા જેવા વિસ્તારમાં પગ મૂકે છે, ત્યારે તેને ત્યાં બંદૂકો કે દુ:શ્મનો નથી મળતા, પરંતુ પોતાના જેવા જ સપનાંઓ આંખોમાં આંજીને જીવતા સામન્ય માણસો મળે છે. ત્યારે ‘ગુજરાતી એટલે કોણ?’-નો સવાલ બદલાઈને ‘આપણે કયા ગુજરાતને પ્રમાણભૂત માનીએ છીએ?’-નો સવાલ બની જાય છે.

એક જ ભૌગોલિક સ્થાનમાં બે સમાંતર અને વિરોધાભાસી વાસ્તવિકતાઓ જીવતી હોય છે. જ્યારે બહુમતીમાં જીવતો માણસ વિદેશ જઈને લઘુમતી (Minority) બને છે, ત્યારે જ તેને ભય અને વિમુખતા(Alienation)ના ખરા અર્થની સમજાય છે. સાચું બૃહસ્પતિપણું પોતાના સંકુચિત સાનુકૂળ વિસ્તાર  ઝોનની બહાર નીકળીને પરાયા ગણાતા ‘બીજા’ના અસ્તિત્વને પણ સમાન આદર અને ન્યાય આપવાની ક્ષમતામાં રહેલું છે.

૫. ભૂતકાળના ચાર શિખર–મોડેલો અને વર્તમાન સાંસ્કૃતિક વિસ્થાપન

ગુજરાતનો ભૂતકાળ કેવળ વેપારનો નથી; તેની પાસે વિશ્વને દિશા બતાવે તેવા ચાર નૈતિક મોડેલ્સ હતા:

નૈતિક નેતાગીરીનું મોડેલ: મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સત્ય, અહિંસા અને સત્યાગ્રહની પ્રયોગશાળા.

1.            લોકાભિમુખ વહીવટી મોડેલ: સરદાર પટેલની રાષ્ટ્રનિર્માણની અડગ, વ્યવહારુ અને નીતિબદ્ધ દૃષ્ટિ.

2.            જન–સંઘર્ષ અને સેવા મોડેલ: ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને બબલભાઈ જેવા લોકનાયકોનો સ્વાર્થહીન સમર્પણભાવ.

3.            બૌદ્ધિક–સાહિત્યિક પરંપરા: મેઘાણી, ઉમાશંકર, દર્શક અને પ્રકાશ ન. શાહ જેવા સર્જકો, જેમણે પ્રજાને ભક્તિ કે આંધળા અનુકરણને બદલે વિચારવાની અને પ્રશ્ન કરવાની તાકાત આપી.

“આજે આ ચારેય પરિમાણોનો ગંભીર હ્રાસ થયો છે. સાચા વિવેક અને બૌદ્ધિકતાની જગ્યાએ વ્યાસપીઠોનો બજારવાદ, લોકપ્રિયતાખોર પત્રકારત્વ અને રાજકીય અનુકૂળતાવાદ ગોઠવાઈ ગયા છે. વિચારની જગ્યાએ ભક્તિવાદ અને આત્મપરીક્ષણની જગ્યા અહંકારી આત્મપ્રશંસાએ લઈ લીધી છે. કવિ બળવંતરાય ઠાકોરની ચેતવણી—’જે પ્રજા પોતાના વિવેકી મનીષીઓને ઓળખી કે પૂજી શકતી નથી, તે પ્રજા નવા મહાન પુરુષોને પેદા કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે’—આજે સાચી ઠરતી લાગે છે.”.”

 ‘ગૌરવના ઉત્સવ‘થી ‘વિવેકની યાત્રા‘ તરફ

‘બૃહસ્પતિ ગુજરાતી’ એ કોઈ જડ કે બનેલું-બનાવેલું પદ નથી; તે સતત પ્રાપ્ત કરવાની એક નૈતિક અને દાર્શનિક પ્રક્રિયા છે.

સાચો બૃહસ્પતિ ગુજરાતી એ નથી જે કેવળ ધન-સંપત્તિ કે રાજકીય સત્તા ધરાવે છે. સાચો બૃહસ્પતિ ગુજરાતી એ છે:

– જે પોતાની સમૃદ્ધિનું ગૌરવ લે, પણ પોતાની સામાજિક ખામીઓ સ્વીકારવાની હિંમત દાખવે.

– જે પોતાની સંસ્કૃતિને પ્રેમ કરે, પણ કોઈ બીજાના અસ્તિત્વને નાનું કે અસ્પૃશ્ય કર્યા વગર.

– જે વૈયક્તિક લાભથી ઉપર ઊઠીને સામૂહિક ન્યાય અને જાહેર હિત માટે પ્રશ્નો પૂછે.

– જે પોતાના સમાજને અનહદ પ્રેમ કરે—માત્ર તેનો ઉત્સવ મનાવવા માટે નહીં, પણ તેની સાચી અને નિષ્ઠુર ટીકા કરીને તેને વધુ સુંદર બનાવવા માટે!

ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો: “એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી!” જ્યારે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’નો અર્થ કેવળ ભૌગોલિક કે આર્થિક વર્ચસ્વ ન રહેતાં—માનવતા, ન્યાય, અહિંસા અને વિવેકનું વૈશ્વિક મૂલ્ય બનશે, ત્યારે જ ગુજરાત ‘ગૌરવ’ના બંધિયારપણામાંથી મુક્ત થઈને વિશ્વ માટે એક સાચો ‘વિવેક બૃહસ્પતિ’ બની શકશે.

નોંધ: 

આ લેખ ગુજરાતી સાહિત્ય અકાદેમી યુ.કે.ની દશમી ભાષા સાહિત્ય પરિષદમાં રજૂ થયેલા મૌલિક વક્તવ્યોમાં ચર્ચાયેલા મુદ્દાઓ આધારિત એક સ્વતંત્ર વિશ્લેષણ છે.
અતિથિ વિશેષ પદેથી સમાપન વક્તવ્ય : દશમી ભાષા–સાહિત્ય પરિષદ; 09 ઑગસ્ટ 2026
——————————

    ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ

                                               ને ગમતાંનો કરીએ ગુલાલ.

                                                                                  — મકરન્દ દવે

ડૉ. સુમન શાહ, કોઈક નિજી કારણોવસાત અતિથિ વિશેષ તરીકે હાજર રહી શકે તેમ ન હોઈ, જાણીતા વાર્તાકાર અનિલ વ્યાસ એ પદે હતા અને એમણે આપણને ન્યાલ કર્યા, આનંદ અને સંતોષ આપ્યો. નત મસ્તક, અનિલભાઈ

આ ટાંકણે મને સન 1909ની સાલ સાંભરે છે. દક્ષિણ આફ્રિકાના સવાલો અને કોયડા લઈને ત્યાંના એશિયાઈ પ્રતિનિધિમંડળમાં ગાંધીભાઈ લંડન આવે છે. ઑક્ટોબર માસે શહેરમાં ગુજરાતી આગેવાનોની બેઠક બોલાવે છે. પચાસેક જણની હાજરી હશે. અને ગુજરાતી સાહિત્ય પરિષદના આગામી અધિવેશન સારુ આ સભામાં એક મજબૂત ઠરાવ ઘડવામાં આવે છે. અને તે વખતના પરિષદના આગેવાનોને એ ઠરાવ મોકલાય છે. અને હવે આ 2026નો સમય. સરખામણી કરવી નથી. ગજું ય નથી. એ લંડન હતું; અને આજે ય આ લંડનની જ બેઠક છે.

ખેર ! આ પાંચ દાયકે વિચારું છું તો મારા મોટા ભાગના સાથીદારો, સહોદર, સમેત હું ગઈકાલ છીએ તે પરખાય છે. જ્યારે સામે કલરવ જોશી, આરતી નાયર, પાર્થ પંડ્યા, તેજલ પ્રજાપતિ આવતીકાલ રૂપે ઊભરે છે. તેનો સહર્ષ સ્વીકાર છે.

આપણી આ ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ, સુવર્ણ જયંતીના ભાગરૂપે, આપણે આ દશમી ભાષા-સાહિત્ય પરિષદને સમેટી લેવાની આ ઘડી છે. આ પરિષદનો બાજોઠ પડે તેને સારુ બે’ક વરસની પૂર્વતૈયારીઓ કરવાની આવી. અને હવે આજે, તમને દરેકને સહૃદય આવજો કહેવાનું મન કરું છું. સંતોષનો ઓડકાર એટલે મન અને પેટ ભરાયા પછીની પરમ શાંતિની અનુભૂતિ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ પૂરું કરીને દિલથી ખુશ થાય છે, ત્યારે તેને જે માનસિક અને શારીરિક સંતોષ મળે છે તેવી આ સ્થિતિ છે. હું ય સંતોષ પામ્યો છું. અને રાજીપો ય ભારોભાર.

વારુ, આપણા ગમતીલા એક કવિ ‘સ્નેહરશ્મિ’ને નામ એક કવિતા-પંક્તિ છે :

નમતાને સહુ કો નમે, સહુ કો દે સન્માન,

સાગરને નદીઓ ભજે છોડી ઊંચાં સ્થાન.

સાગરને કેટકેટલી નદીઓએ પાણી સિંચ્યું છે. એક પા ઑસ્ટૃાલિયા તો બીજી પા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકા; તો બીજી પાસ તળ ગુજરાત અને યુનાઇટેડ કિંગ્ડમ તો ખરું જ ખરું. આ દરેકનાં પાણીએ અમને, આપણને સમૃદ્ધ કર્યાં છે. રસતરબોળ રાખ્યાં છે ! અને બન્ને કાંઠે સભર સભર નદીપ્રવાહ લઈને ધસમસતાં રહ્યાં અનિલ વ્યાસ, અમર ભટ્ટ, અદમ ટંકારવી, આરાધના ભટ્ટ, બાબુ સુથાર, રૂપાલી બર્ક, પ્રકાશ ન. શાહ, પાર્થ પંડ્યા, નીતા શૈલેશ, મીનળ દવે, તેજલ પ્રજાપતિ, પન્ના નાયક, નટવર ગાંધી, મનીષી જાની, કલરવ જોશી, અશોક કરણિયા, અભિમન્યુ આચાર્ય, સલિલ ત્રિપાઠી, ઉર્વીશ કોઠારી, આરતી નાયર તેમ જ પંચમ શુક્લ અને નીરજ શાહ.

કવિ સંમેલનમાં, અદમભાઈના સંચાલન હેઠળ, ભારતી વોરા, ફારૂક ઘાંચી ‘બાબુલ’, મહેક ટંકારવી, સલિલ ત્રિપાઠી, જગદીશ દવે, પંચમ શુક્લ, ‘ગુલ’ અહમદ તેમ જ અદમ ટંકારવી સામેલ રહ્યાં.  

આ પરિષદની સફળતાનો યશ આ બિરાદરોને ફાળે જ હોય; અને તે સૌની જોડાજોડ કાર્યવાહી સમિતિ માંહેના કાર્યવાહકોને નામ, જમે રહેવાની મજબૂત સિલક હશે. સામે પાર, ક્યાંક અવિવેક થયો હોય; ક્યાંક કચાશ રહી ગઈ હોય; તો તે અપયશ મારે જ શિરે રહેજો.

સોનલબહેનન પરીખ, તાજેતરે, ઉમાશંકર જોશી અંગે લખતાં હતાં. “વહીવટી દક્ષતા એવી કે પ્રતિષ્ઠિત પદો સામેથી એમને ઑફર થતાં. સર્જન તો ચાલુ જ હોય – ‘મને લખવામાં વાર નથી લાગતી. મનમાં બધું તૈયાર થાય પછી જ કાગળ પર ઉતારું છું.’ ‘મારે કબૂલ કરવું જોઈએ કે જાહેર બાબતોમાં ન સંકળાયો હોત તો હું સર્જક બન્યો ન હોત. પોતાના સમયમાં બનતા બનાવોમાંથી સર્જક ગેરહાજર રહી શકે નહીં.’”

આ અને આ પહેલાની નવેનવ ભાષા-પરિષદનો આ તો કેન્દ્રગામી સૂર રહ્યો છે : “પોતાના સમયમાં બનતા બનાવોમાંથી સર્જક ગેરહાજર રહી શકે નહીં.”

વળી, ઉમાશંકર જોશી ગાતા હતા, તે સાંભરે છે :

પરાગ જો અંતરમાં હશે તો

એ પાંગરીને કદી પુષ્પ ખીલશે;

મનોરથો સ્વપ્ન મહીં હશે તો

સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.

જગત ભરે પથરાયેલા ગુજરાતી ડાયસ્પોરે, પ્રવાસી ગુજરાતીઓ માટે પોતાની ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવાં એ એક મોટો પડકાર રહ્યો છે. પરંતુ યુનાઇટેડ કિંગ્ડમની ધરતી પર આ પડકારને એક અવસરમાં બદલીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષોથી અદ્ભુત કાર્ય કર્યું છે. પાંચપાંચ દાયકાના આ પટે આનંદની હેલી સર્જાયા કરી છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.

૫૦ વર્ષની આ ઐતિહાસિક સફર એ વાતની સાબિતી છે કે સાગરપાર પણ ગુજરાતી ભાષાનો વાવટો અડગ છે. આ સુવર્ણ મહોત્સવ માત્ર એક સંખ્યા નથી, પરંતુ યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા ગુજરાતીઓની માતૃભાષા પ્રત્યેની અતૂટ ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે.

આજના ડિજિટલ યુગમાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી વધુ સક્રિય બની છે અને ઝૂમ (Zoom) જેવા માધ્યમો થકી વૈશ્વિક સ્તરે સાહિત્યિક કાર્યક્રમો, કાવ્યચર્યાઓ અને સ્વાધ્યાયપીઠ ચલાવી રહી છે.

ફરી, ફરી ઉમાશંકરભાઈ સ્મરણે ચડે છે. એમણે જ કહ્યું છે ને −

ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ.

બહુ દઈ દીધું, નાથ ! જા,ચોથું નથી માગવું !

ચાલો, નમસ્કાર. આવજો. મેળે મળ્યાનો રાજીપો. સાંચવીને સિધાવજો.

પ્રમુખ સ્થાનેથી, સમાપન બેઠક, દશમી ભાષા-સાહિત્ય પરિષદ; હેરૉ, 09 ઑગસ્ટ 2026
સૌજન્ય: યુનાઇટેડ કિંગ્ડમસ્થિત “ગુજરાતી સાહિત્ય અકાદમી”ની વેબસાઇટ

Loading

18 September 2026 Vipool Kalyani
← સ્કૂલમાં ન ભણાવે તે શિક્ષક છે …

Search by

Opinion

  • સ્કૂલમાં ન ભણાવે તે શિક્ષક છે …
  • શિશુવિહાર. ભાવનગર…સંસ્થા અને સહચાર. 
  • જીવન તરીકે અપાયેલું જે કાંઈ હતું તેનો સર્વનાશ મનુષ્યોએ કરી નાખ્યો છે : ૮૭ વર્ષ પૂર્વે પર્યાવરણ માટે ટાગોરનો વિલાપ*
  • રાધા ક્યોં ગોરી, મૈં ક્યોં કાલા … 
  • ભા.જ.પ.નું સેવા સંકલ્પ અભિયાન : જેન-ઝી મશાલ વિ. દીપ -જશન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved