માતુશ્રી દયાગૌરી તુલસીદાસ શાળાના અગિયારમા ધોરણમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી અને ઇતિહાસના શિક્ષક કેશવલાલ શુક્લ આજે પણ વર્ગ પૂરો થયા પછી એ જ ઉત્સાહથી વિદ્યાર્થીઓ સાથે લોબીમાં વાત કરી રહ્યા હતા.
ત્યાંથી પસાર થતા પ્રિન્સિપાલ સાહેબે એમની તરફ જોઈને સ્મિત કર્યું, અને વિદ્યાર્થીઓ સાથેની વાત પૂરી થતાં એમને મળી જવાનું કહ્યું.
પ્રિન્સિપાલની ઓફિસમાં શુક્લસાહેબ હસતે ચહેરે દાખલ થયા. એમની રાહ જોઈને બેઠેલા પ્રિન્સિપાલ સાહેબે એમને કહ્યું, “ગઈ કાલની ટ્રસ્ટીઓની મીટિંગમાં તમારી અહીંની લાંબી કારકિર્દીનો ઉલ્લેખ માનભેર થયો હતો.”
સાંભળીને શુક્લસાહેબ ખુશ થયા અને સ્વગત બોલતા હોય તેમ કહેવા માંડ્યું, “મારું જીવન જ આ શાળાને હું સમર્પિત કરી ચૂક્યો છું, અને હજી મારાં બાકીનાં વર્ષો પણ એ જ રીતે પસાર કરવાની મારી નેમ છે.”
એમને આગળ બોલતા અટકાવીને પ્રિન્સિપાલ સાહેબે એક પરબીડિયું એમને આપ્યું અને કહ્યું, “ગઈ કાલની મીટિંગમાં તમારે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ દસ્તાવેજ પર સહી કરીને કાલે મને આપી દેજો તો હું તે ટ્રસ્ટીઓને પહોંચતો કરીશ.
શુક્લસાહેબે ઉત્સાહપૂર્વક કહ્યું, “હા, એ તો વર્ષોવર્ષ થાય છે તેમ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો દસ્તાવેજ જ છે ને? સહી કરીને હું લેતો આવીશ, અને હા, મારા કામની કદર કરીને મારી નોકરી ચાલુ રહેવા દેવા બદલ ટ્રસ્ટીઓનો ઘણો આભાર. મારા વતી જરૂરથી એમને કહેજો. મેં આ ચાળીસ વર્ષોમાં વિદ્યાર્થીઓની કેટલી પેઢી ભણાવી છે તેનો તો તમને ખ્યાલ હશે જ. અને બંદા તો હજીયે તૈયાર જ છે.”
શુક્લસાહેબ એમની ધૂનમાં હજી આગળ બોલવા જતા હતા, ત્યાં એમને અટકાવીને પ્રિન્સિપાલ સાહેબે કહ્યું, “કેશવલાલ, જરા પરબીડિયું ખોલીને ટ્રસ્ટીઓનો કાગળ હમણાં જ વાંચી લો ને. આ … … કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો દસ્તાવેજ નથી.”
પણ શુક્લસાહેબના ઉત્સાહનો કેફ હજી ઊતર્યો નહોતો. એમને વધારે ભ્રમમાં ન રાખતાં પ્રિન્સિપાલ સાહેબે ચોખવટ કરી : “કેશવલાલ, જુઓ. તમે ઘણાં વર્ષો આ શાળાને તમારી સેવા આપી. ટ્રસ્ટીઓ એની કદર તો કરે છે જ, પણ સાથે એમણે એવું પણ નક્કી કર્યું છે કે તમારી જગ્યાએ હવે કોઈ યુવાન વ્યક્તિને લેવી. નવી આવતી પેઢીઓ માટે હવે નવા લોહીની જરૂર છે.”
આ સાંભળીને ચોંકી ગયેલા શુક્લસાહેબે પરબીડિયું ખોલીને કાગળ કાઢ્યો અને વાંચ્યો. વાંચતાં જ મોં વીલું થઈ ગયું. કાંઈ કહેવાના હોશ ન રહ્યા. ત્યાં પ્રિન્સિપાલ સાહેબે સાંત્વન આપતાં કહ્યું, “તમારી આટલી લાંબી સેવા નકામી નથી ગઈ. આ દસ્તાવેજમાં છે તે મુજબ તમને સારું એવું પેન્શન મળશે અને તમારા રહેવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, જેમાં તમારે કુલ ભાડાનો મામૂલી ભાગ જ આપવાનો રહેશે. હમણાંની ટર્મ પૂરી થતાં તમારી અહીંની કારકિર્દી પણ પૂરી થશે.”
પ્રિન્સિપાલની ઓફિસમાં ઉત્સાહભેર આવેલા શુક્લસાહેબ દસ્તાવેજ પર સહી કરીને ઉદાસ ચહેરે ત્યાંથી નીકળ્યા. તેઓ અવિવાહીત હતા, અને શાળાની નજીકના, ટ્રસ્ટીઓએ આપેલા ક્વાર્ટરમાં રહેતા હતા. રસોઈ અને ઘરકામ માટે એમને ત્યાં રમાબહેન હતાં. ઘરે આવ્યા તો એમની રાહ જોઈને બેઠેલાં રમાબહેને કહ્યું, “સાહેબ, થાળી તૈયાર કરીને ક્યારની ઢાંકી રાખી છે. ગરમ કરું ને? ખાવા બેસો છો ને?” રમાબહેનની સામે જોયા વગર સાહેબે કહ્યું, “ના, આજે મને ભૂખ નથી. હું જમીશ નહીં.”
રમાબહેન ગયાં એટલે કેશવલાલ એમની ટેબલ પાસેની ખુરશી પર બેઠા અને વિચારમાં ગરકાવ થઈ ગયા. વર્ગની ચાર દીવાલો અને તેમાંના વિદ્યાર્થીઓ જ જેમનું જીવન હતા એવા કેશવલાલ ક્યાં ય સુધી સૂનમૂન બેસી રહ્યા. આ રીતે અચાનક નોકરી ગયાનો આંચકો જીરવવો એમના માટે બહુ કપરું કામ હતું.
કદિ ન અનુભવેલો ઘોર નિરાશાનો ભાવ એમને ઘેરી વળ્યો. એક જ વિચાર એમને આવતો રહ્યો કે શાળાને અર્પેલાં એમનાં બધાં વર્ષો નકામા ગયા છે, અને એમનું જીવન કોઈના કામમાં આવ્યું નથી.
નિરાશા સામે સારી એવી વાર ઝઝૂમ્યા પછી છેવટે એમણે ટેબલનું ખાનું ખોલ્યું. ખાનાના એક ખૂણે, બધાથી છાની રીતે આણી રાખેલી પિસ્તોલ કાઢી અને પોતાના લમણા પાસે ધરી. પિસ્તોલ થોડીક વાર એમ જ રાખી અને ઘોડો દબાવ્યો નહીં. ત્યાર બાદ પિસ્તોલ ખિસ્સામાં રાખીને બહાર કમ્પાઉન્ડમાં ગયા. ત્યાર સુધીમાં રાત પડી ગઈ હતી.
કેશવલાલ ફરતા ફરતા એક બાંકડા પર બેઠા. ત્યાં સામે કેટલાંક પૂતળાં હતાં, અને દરેકની નીચે કેટલીક જીવનપ્રેરક કાવ્યકંડિકાઓ કોતરેલી હતી. બાંકડા પર થોડી વાર બેઠા અને વ્યગ્રતા કાંઈક શમી. ઉપરાંત, ત્યાં કોતરેલી કાવ્યકંડિકાઓએ પણ એમના મનમાં કશોક પ્રકાશ પાડ્યો હોય એવું લાગ્યું. પણ પેલો મૂંઝારો અને નિરાશા સાવ ગયા નહોતા.
કેશવલાલ ફરી શાળાના મકાનમાં આવ્યા અને એમના વર્ગમાં ગયા. એમની ખુરશી પર બેસીને ફરી કાંઈક વિચારવા લાગ્યા. ત્યાં તો કૌતુક થયું. વર્ગમાંના ખાલી બાંકડા પર ધીમે ધીમે કરીને એક પછી એક વિદ્યાર્થીઓ બેઠેલા દેખાવા માંડ્યા. કૌતુક ખાસ તો એ વાતનું હતું કે આ બધા ય વિદ્યાર્થીઓ દાયકાઓ પહેલાં એમના હાથ નીચે ભણી ગયા હતા, અને એ બધા ય દિવંગત હતા.
કેશવલાલનું આ આશ્ચર્ય હજી શમ્યું ન શમ્યું ત્યાં તો એક પછી એક વિદ્યાર્થીઓએ ઊભા થઈને એમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. એકે કહ્યું, “સાહેબ હું નરહરિ પંડ્યા. તમારું શીખવેલું કાવ્ય ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’ હજી ય મારા કાનમાં ગૂંજે છે, અને તેને મારો જીવનમંત્ર બનાવી માનવસેવાના કામમાં જ મેં મારું જીવન વિતાવ્યું. ‘માનવસંઘ પરિવાર’ની સ્થાપના કરી. આજે એ ફૂલ્યું-ફાલ્યું છે, અને માનવસેવાના કાર્યમાં પ્રવૃત્ત છે. આ તમારા શિક્ષણનું જ પરિણામ છે.”
બીજા વિદ્યાર્થીએ કહ્યું, “સાહેબ, હું સુરેશ ધાનક. ઇતિહાસના શિક્ષકો તો ઘણા ય છે, પણ તમારી પાસેથી જે રીતે પ્રેરણા પામતાં ઇતિહાસના પાઠો ભણ્યા, અને સમ્રાટ અશોક અને રાજા રામમોહન રાય સરખા મહાન પુરુષોનો પરિચય તમે જે રીતે કરાવ્યો તે મારા મનમાં સોંસરવો ઊતરી ગયો, અને તેમને મારા પ્રેરણાસ્રોત બનાવીને મેં મારા જીવનનો માર્ગ કંડાર્યો. ‘મહાત્મા ગાંધી પ્રેરણાગ્રામ’થી તો આપણે સૌ પરિચિત છીએ જ. તમારા આશીર્વાદથી મેં તે શરૂ કર્યું, અને મારા પછીના સેવકો આજે તે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.”
“સાહેબ, હું નવનીત પાઠક. તમે શીખવેલું ગુજરાતી વ્યાકરણ મેં આત્મસાત કર્યું, મારો ભાષાનો પ્રેમ પાંગર્યો, અને મેં શરૂ કરેલું ભરૂચનું ‘નૂતન આદર્શ વિદ્યાલય’ આજે ગુજરાતીના અભ્યાસ માટે પંકાઈ ગયું છે તે તમારા શિક્ષણ અને મૂક આશિષનું જ પરિણામ છે.”
“સાહેબ, હું દેવેન્દ્ર મજીઠિયા …” “હું આનંદ લોઢા …” “હું વિનય દેસાઈ …” અને એમ એક પછી એક વિદ્યાર્થીઓએ શુક્લસાહેબના શિક્ષણનાં સિંચનથી એમનું જીવન કેવું પ્રેરિત થયું હતું એની વાતો કરી.
વિદ્યાર્થીઓનાં આ વક્તવ્યો પૂરા થયાં, તેઓ સંતોષપૂર્ણ સ્મિત સાથે બાંકડા પર બેઠા, અને ધીમે ધીમે કરીને અદૃશ્ય થયા. વર્ગ પાછો હતો એવો ને એવો ખાલી થયો.
સાનંદાશ્ચર્યના ભાવ સાથે શુક્લસાહેબ ત્યાંથી ઊઠ્યા, એમના ઘરે પાછા આવ્યા અને રમાબહેનને કહ્યું, “મારું ભાણું ગરમ કરજો, હોં. હું જમવા આવું છું.”
e.maill : surendrabhimani@gmail.com