મને ફેસબુક કરતાં ટ્વીટર વધુ દિલચસ્પ લાગે છે, તેનું કારણ આ જ છે. ત્યાં વિચારોથી લઈને વસ્તુઓના જાતભાતના ખજાના છે, અને એમાં હવે Indianmemory નામનો પ્રોજેક્ટ શરુ થયો છે, જે અદ્ભુત છે. અહીં અંગત આર્કાઇવમાં સચવાયેલી એવી ઐતિહાસીક તસ્વીરો, પત્રો કે દસ્તાવેજો આમ લોકો શેર કરે છે, જે કળા–સંસ્કૃિત-ઇતિહાસ–સમાજ માટે મૂલ્યવાન હોય, અને જેમાં બીજા લોકોને રસ પડી શકે. ઉપર આવી જ એક સુંદર તસ્વીર છે. એ શારદા પંડિતની છે. મૃદુલા પ્રભુરામ જોશીએ આ તસ્વીર શેર કરી છે.
શારદા પંડિત મૂળ રાજકોટનાં. મુંબઈની એલ્ફીનસ્ટોન કોલેજ(૧૯૩૫)માં ભણતાં હતાં, ત્યારે બીજી કોલેજોના વિધાર્થીઓ એમને જોવા માટે આવતા, એવી એમની સુંદરતાની ખ્યાતિ. આ એવો સમય જ્યારે છોકરીઓ આમ પણ સ્કૂલ–કોલેજમાં જોવા ના મળે. શારદા તો વળી ત્યારે ય ‘બ્યુટી ક્વીન’ ગણાતાં હતાં. ભણ્યાં પછી સુબ્રોતો મુખર્જીને પરણ્યાં, જે ભારતના પહેલા એર ચીફ માર્શલ હતા. તેમના અવસાન પછી શારદા સમાજ સેવામાં સક્રિય થયાં, અને એમાંથી ગુજરાત અને આન્ધ્રપ્રદેશ, એમ બે રાજ્યનાં રાજ્યપાલ બન્યાં. આ તસ્વીર શેર કરનાર મૃદુલાની માતા કામિની વિજયકર શારદાબહેનનાં કલાસમેટ હતાં.
[સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક વૉલ]