એ પછી ભારતીય મુસલમાન હોય, મુંબઈમાં વસતો ઉત્તર ભારતીય હોય કે ઈસાઈ અમેરિકન હોય. આપણે જેટલા શ્રેષ્ઠ એટલા બીજા પણ શ્રેષ્ઠ. ન વધુ ન ઓછા
આ કોઈ આશ્ચર્યજનક ઘટના નથી. આવું બની રહ્યું છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓનું પ્રમાણ વધવાનું છે, કારણ કે બહારનાઓ અને અન્યો સામેના ધિક્કારને હવે રાજકીય સ્વીકૃતિ મળી રહી છે. લોકોના ચિત્તમાં ધૂંધવાતા અસંતોષને શમાવવાનું કામ ડાહ્યા રાજપુરુષો કરે છે અને ટૂંકી બુદ્ધિના અને ટૂંકી મૂડીના રાજકારણીઓ એનો લાભ ઉઠાવે છે. જગતભરમાં આપણે અને અન્યોની દીવાલો રચાઈ રહી છે જેને રાજકારણીઓ માન્યતા આપી રહ્યા છે. આ પ્રકારના રાજકારણને ફાસીવાદ કે પ્રતિક્રિયાવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. પ્રતિક્રિયાવાદને જ્યારે રાજ્યની માન્યતા મળે એનું નામ ફાસીવાદ.
અમેરિકાના કૅન્સસ શહેરના એક પબમાં અમેરિકાના નૌકાદળના એક અફસરે ભારતીય યુવકો પર ગોળીબાર કર્યો હતો જેમાં શ્રીનિવાસ કુચીભોતલા નામનો યુવક માર્યો ગયો હતો અને તેનો મિત્ર આલોક મદાસાની ઘવાયો હતો. એ અધિકારીએ પહેલાં ભારતીયોને કહ્યું હતું કે તમે બહારના છો એટલે ચાલતા થાઓ અને પછી કહ્યું હતું કે તમે ત્રાસવાદી છો એટલે અમેરિકામાં જીવવાનો અધિકાર ધરાવતા નથી. આજકાલ દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ માટે ત્રાસવાદીનું લેબલ કાયદો હાથમાં લેવા માટેનું હાથવગું સાધન છે. રાષ્ટ્રવાદનાં નામે કોઈની પણ હત્યા કરી શકાય છે.
જેમના પર હુમલો કરવામાં આવ્યો એ યુવકોના પરિવારજનોની પ્રતિક્રિયા બે અંતિમોની છે, પણ વિચારવા જેવી છે. શ્રીનિવાસ કુચીભોતલાની પત્નીએ કહ્યું હતું કે તેના પતિની હત્યા થઈ એ અમેરિકન સરકારના વસાહતીવિરોધી નીતિનું પરિણામ છે અને એ રીતે સરકાર આના માટે જવાબદાર છે. ઘવાયેલા યુવક આલોક મદાસાનીના પિતાએ કહ્યું હતું કે સુખસુવિધા અને સફળતા માટે જાનના જોખમે પરાયા દેશોમાં જવાની ઘેલછા ભારતીય યુવાનોએ ટાળવી જોઈએ.
પહેલી પ્રતિક્રિયા વિશે પ્રતિક્રિયા આપતા અમેરિકન સરકારે સત્તાવાર રીતે ખુલાસો કર્યો છે કે શ્રીનિવાસની હત્યા અમેરિકન નીતિનું પરિણામ નથી. હાથ ઊંચા કરી નાખવા માટે આટલું પૂરતું છે અને હાથ ઊંચા કરી નાખનારાઓના હાથ હેઠા પાડવા માટે બહુમતી પ્રજાનું દબાણ નથી હોતું. બહુમતી પ્રજા જ્યારે દ્વેષની માનસિકતાને માન્યતા આપે છે ત્યારે શાસકોને છુટ્ટો દોર મળે છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં અને અન્યત્ર સિખોની કતલેઆમ કરવામાં આવી એ કૉન્ગ્રેસ સરકારની નીતિનું પરિણામ નહોતું એવો ખુલાસો એ સમયે રાજીવ ગાંધીની સરકારે કર્યો હતો. આવો ખુલાસો કરીને સરકાર એટલા માટે છટકી ગઈ હતી કે બહુમતી હિન્દુઓ સિખોને પાઠ ભણાવવામાં આવ્યો એ વાતે રાજી હતા. ગુજરાતમાં ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બની એ પછી ગુજરાતમાં મુસલમાનોની કતલેઆમ કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે હાથ ઊંચા કરતા ખુલાસો કર્યો હતો કે આ ભારતીય જનતા પાર્ટી અને એની સરકારની નીતિનું પરિણામ નથી. ફરી એક વાર મુસલમાનોને પાઠ ભણાવવામાં આવ્યો એ વાતે હિન્દુઓ ખુશ હતા. આગળ કહ્યું એમ બહુમતી પ્રજા જ્યારે લઘુમતી કોમ સામેના દ્વેષની માનસિકતાને સામૂહિક માન્યતા આપે ત્યારે શાસકોને છુટ્ટો દોર મળી જતો હોય છે અને દ્વેષ જ્યારે રાજ્યની નીતિ બની જાય ત્યારે પ્રતિક્રિયાવાદ ફાસીવાદમાં પરિવર્તિત થતો હોય છે.
મને ખબર નથી કે આપણા દેશભક્તો શ્રીનિવાસની પત્નીના અભિપ્રાય વિશે શું અભિપ્રાય ધરાવે છે, કારણ કે આપણે ત્યાં પણ સ્થિતિ આવી જ છે. બહુમતી કોમ લઘુમતી કોમ પરત્વે દ્વેષની માનસિકતા ધરાવે છે અને એને શાસકીય માન્યતા છે. મને એ પણ ખબર નથી કે તેઓ આલોક મદાસાનીના પિતાએ વ્યક્ત કરેલા અભિપ્રાય વિશે શું અભિપ્રાય ધરાવે છે, કારણ કે એની સાથે બદલાઈ રહેલા જગતના ચહેરા વિશેના પ્રશ્નો સંકળાયેલા છે. જ્યાં લીલું ઘાસ હોય ત્યાં પશુ ચરવા જાય એ પશુજગતનું સ્વયંસિદ્ધ સત્ય છે અને માનવી પણ એક પશુ છે. આમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજીને કારણે જગત ખોબા જેવડું બની રહ્યું છે. ગ્લોબ વિલેજ બની રહ્યું છે; પરંતુ વિલેજમાં જે પરસ્પરાવલંબન, પરસ્પર પૂરકતા, પરસ્પર આત્મીયતા હતાં એ વિશ્વગ્રામમાં જોવા મળતાં નથી.
તો આના માટે શું કરવું? પોતાના પરિચિત પરિવેશમાં સુરક્ષા મળી રહે છે માટે મીઠું અને રોટલો ખાઈને પડ્યા રહેવું એ એનો ઉપાય નથી. પરાયા પરિવેશને પરિચિત કરવો અને પોતાનો કરવો એ એનો ઉપાય છે. આ વાક્યને ફરી વાંચો; પરાયા પરિવેશને પરિચિત કરવો અને પોતાનો કરવો એ એનો ઉપાય છે. સુખની શોધમાં એકથી બીજી જગ્યાએ જવું એ ગુનો નથી. કાર્લ માર્ક્સે કહ્યું હતું કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. આ આંશિક સત્ય છે, સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય એ છે કે જગતનો ઇતિહાસ સ્થળાંતરનો ઇતિહાસ છે. ચરૈવેતિ ચરૈવેતિ એ માનવ સમાજનું સત્ય છે. આદિવાસીઓને છોડીને કોઈ માણસનું મૂળ એક સ્થળે પાંચસો વર્ષ કરતાં વધારે લાંબું જોવા નહીં મળે. (આદિવાસીઓ એક સ્થળે સદીઓથી એટલા માટે વસે છે કે તેમને જંગલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને જંગલમાંથી બહાર આવવાની તક મળી નહોતી.) આ એ યુગનું સત્ય છે જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એ આસાન નહોતું. આજે વિજ્ઞાન અને ટેક્નૉલૉજીને કારણે સ્થળાંતર આસાન બની ગયું છે.
સુખની શોધમાં સાહસ કરવું અને સ્થળાંતરિત થવું એ માનવીય પુરુષાર્થ છે અને આવા પુરુષાર્થીઓ થકી જગત સમૃદ્ધ બન્યું છે. કાર્લ માર્ક્સે કહ્યું હતું એનાથી ઊલટું જગતનું બીજું સંપૂર્ણ સત્ય એ છે કે વસાહતીઓએ એટલે કે બહારથી આવેલાઓએ સમૃદ્ધિ મેળવી છે અને એ રીતે જગતને સમૃદ્ધ બનાવ્યું છે. સુખાકારી સ્થાનિક પ્રજાએ નથી રળી, આગંતુકોએ રળી છે અને સ્થાનિક પ્રજા એની લાભાર્થી છે. બહારથી આવેલાઓ જગ્યા બનાવવા બમણી મહેનત કરે છે અને વધારે રળે છે જેને કારણે ઝડપથી સુખી થાય છે. આ સમૃદ્ધિ આગળ જતાં પ્રદેશની સમૃદ્ધિ બને છે.
તો ઉપાય માત્ર આ જ છે, પણ એના માટે આગળ કહ્યું એમ એક શરત છે; પરાયા પરિવેશને પોતાનો કરવો પડે અને અપનાવવો પડે. અમેરિકામાં જઈને ભારતીય બની રહેવું, બને ત્યાં સુધી ત્યાંના પરિવેશને નકારવો, નકારવો નહીં ધિક્કારવો, પોતાને સાંસ્કૃિતક રીતે શ્રેષ્ઠ સમજવા, વર-કન્યાને શોધવા ભારત આવવું વગેરે લક્ષણો દૂધમાં સાકર બનવાની જગ્યાએ દૂધમાં કાંકરો બને છે. દૂધમાં આવતો કાંકરો દૂધની મજા બગાડી નાખે છે એટલે સ્થાનિક લોકો ચિડાય છે. તમને તમારો દેશ અને સંસ્કૃિત એટલાં બધાં વહાલાં છે તો અહીં આવ્યા શેના માટે? તમે તમારા વતનના દેશને પ્રેમ કરો અને પોતાની સંસ્કૃિત માટે ગવર્ અનુભવો એની સામે વાંધો નથી, પરંતુ પરાઈ સંસ્કૃિત માટે સદ્ભાવ પણ ન ધરાવો? અમે શ્રેષ્ઠની માનસિકતાની આ જે બીમારી છે એ સમસ્યા છે.
તો સાહેબ, અત્યારના વિશ્વગ્રામમાં સુખ અને શાંતિ જોઈતાં હોય તો હાથ ફેલાવવા અને પરાયાને બાથમાં લઈને પોતાના કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ પછી ભારતીય મુસલમાન હોય, મુંબઈમાં વસતો ઉત્તર ભારતીય હોય કે ઈસાઈ અમેરિકન હોય. આપણે જેટલા શ્રેષ્ઠ એટલા બીજા પણ શ્રેષ્ઠ. ન વધુ ન ઓછા. શ્રીનિવાસની પત્નીની અને આલોકના પિતાની પ્રતિક્રિયા વિશે મારી આ પ્રતિક્રિયા છે.
આજથી વિનોબાએ આપેલું શાંતિસૂત્ર અપનાવી લો; જય જગત!
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ ડે”, 28 ફેબ્રુઆરી 2017