ભાજપની સઘળી સત્તા નરેન્દ્ર મોદીમાં કેન્દ્રિત છે અને સઘળો વિરોધ સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી સામે
સ્થાપિત હિત સામે લડવામાં સૌથી મોટું ભયસ્થાન એ હોય છે કે લડનાર પોતે ક્યારે સ્થાપિત હિત થઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. સ્થાપિત હિત સામેની લડાઈ શરૂ થઈ હોય ત્યારે તે મૂલ્ય અને વિચારોની હોય છે, પરંતુ આગળ જતાં એ જ મૂલ્યો – વિચારો બોજરૂપ લાગવા માંડે છે. સરખામણીમાં, મૂલ્યોને બદલે વ્યક્તિ સામેની લડાઈ વધારે સહેલી – વધારે ફળદાયી જણાય છે. પછી એ સમય બહુ દૂર રહેતો નથી, જ્યારે સ્થાપિત હિત સામે લડનાર અને જીતનાર વધારે મોટું સ્થાપિત હિત બની જાય. (અહીં સ્થાપિત હિત એટલે એવું જૂથ જેને પોતાના સ્વાર્થ સિવાય બીજી બાબતો સાથે નહીંવત્ નિસબત હોય છે.)
ભારતના રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોના સંદર્ભમાં કૉંગ્રેસ એ જૂનું સ્થાપિત હિત હતો. આઝાદીની લડતમાં મજબૂત પ્રદાન અને મર્યાદાઓ છતાં લોકશાહીને મજબૂત કરનારી જવાહરલાલ નેહરુની નેતાગીરીને લીધે કૉંગ્રેસનું એકચક્રી રાજ બે દાયકા જેટલું ટક્યું. લાલબહાદુર શાસ્ત્રીના ટૂંકા શાસન પછી, ઇંદિરા ગાંધીના રાજમાં કૉંગ્રેસ પાકા પાયે સ્થાપિત હિત બની. કૉંગ્રેસના જૂના જોગીઓને તડકે મૂકીને, તેમણે પોતાની કૉંગ્રેસ રચી અને તેને અસલી કૉંગ્રેસ તરીકે ઠરાવી દીધી.
ભ્રષ્ટાચાર, બંધારણમાં છેડછાડ, ન્યાયતંત્ર સાથે ચેડાં, મુસ્લિમ- દલિત સમાજોને કેવળ મતબેન્ક તરીકે ગણીને તેને સેક્યુલરિઝમ કે દલિતોદ્ધાર તરીકે ખપાવવાની ચેષ્ટા, મુસ્લિમોમાં પ્રગતિશીલ ચહેરાને બદલે રૂઢિચુસ્ત કે માથાભારે નેતાગીરીને પ્રોત્સાહન, પક્ષ પર એકહથ્થુ – વ્યક્તિકેન્દ્રી શાસન, ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જવામાં શરમસંકોચ નહીં … આ હતી ઇંદિરા ગાંધીની કૉંગ્રેસની સંસ્કૃિત. ઇંદિરા ગાંધીની હત્યા પછી ટૂંક સમયમાં કૉંગ્રેસના એકચક્રી શાસનનો યુગ પૂરો થયો.
રાજીવ ગાંધીએ શાહબાનો ચુકાદો ઉલટાવીને અને સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકીને મુસ્લિમ લાગણીનો ખેલ પાડ્યો. તેમાં મુસ્લિમ સમાજના હિતની નહીં, તેમના મતની ચિંતા કેન્દ્રસ્થાને હતી. રાજીવના આ કોમવાદી પગલાંએ ભાજપના – સંઘ પરિવારના કોમી રાજકારણને સારું એવું બળતણ પૂરું પાડ્યું. કેવળ કોમવાદથી કેન્દ્રમાં સત્તા નહીં મેળવી શકાય તેના અહેસાસ પછી, ભાજપ – સંઘ દ્વારા (ગોવિંદાચાર્યના યાદગાર શબ્દપ્રયોગ પ્રમાણે) વાજપેયીરૂપી ઉદારમતવાદી મહોરાનો ઉપયોગ કરવામાં આવ્યો.
ત્યારે મોરચા સરકારનો યુગ શરૂ થઈ ગયો હતો. ‘કોએલિશન ધર્મ’ જેવો પ્રયોગ આગળ જતાં મનમોહન સિંઘે પ્રયોજ્યો, પણ તેના નામે સાથી પક્ષોના ગેરવાજબી દબાણને વશ થવાની શરૂઆત રાજીવ ગાંધીની હત્યા પછીના અરસામાં થઈ ચૂકી હતી. એ સમયે ભાજપની ઓળખ ‘પાર્ટી વિથ ડિફરન્સ’ તરીકે પ્રચારવામાં આવતી હતી. તેનો સંદેશો સ્પષ્ટ હતોઃ આ પાર્ટી કૉંગ્રેસ જેવી નથી — કૉંગ્રેસી સંસ્કારોથી મુક્ત છે. કેન્દ્રમાં સંપૂર્ણ સત્તાથી વંચિત હોવાને કારણે તેના દાવાની કસોટી થઈ ન હતી અને ભાજપની સત્તા ધરાવતાં ગુજરાત જેવાં રાજ્યોમાં કૉંગ્રેસનાં ઘણાં (અપ)લક્ષણ ભાજપમાં પ્રગટવા લાગ્યાં હતાં, પરંતુ ભ્રષ્ટાચાર કૉંગ્રેસી સંસ્કૃિત સાથે સંકળાઈ ગયેલો શબ્દ બની ગયો હતો.
રાષ્ટ્રીય સ્તરે હવાલાકાંડ વખતે જૈન ડાયરીમાંથી અડવાણીનું સાંકેતિક નામ નીકળતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. જો કે, એ ધોરણ ગુજરાત ભાજપમાં લાગુ પડતું ન હતું. ‘પાર્ટી વિથ ડિફરન્સ’ના દાવાને મજબૂત બનાવવા માટે બેક સીટ ડ્રાઇવિંગ કરનાર સંઘ પરિવાર મોજૂદ હતો. તે દેશગૌરવનાં નામે હિંદુગૌરવ અને હિંદુગૌરવનાં નામે મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધની લાગણી ફેલાવવા વિશે ઉત્સાહી હતો. તેને ‘કોમવાદી’ કહીને ભાંડનાર કૉંગ્રેસ પાસે કોમવાદનું પોતીકું સ્વરૂપ હતું. એ વખતના રાજકીય વિકલ્પ ઉઘાડા કોમવાદ અને છૂપા કોમવાદ વચ્ચે, ભાજપી કોમવાદ અને કૉંગ્રેસી કોમવાદ વચ્ચે અને ગુજરાતની વાત કરીએ તો, ભાજપી ભ્રષ્ટાચાર તથા કૉંગ્રેસી ભ્રષ્ટાચાર વચ્ચે હતા.
યાદ રહે, નરેન્દ્ર મોદી પહેલાંના ભાજપી મુખ્યમંત્રી કેશુભાઈને ભૂકંપ પછી પુનઃવસનના કામમાં ઢીલાશ અને સરકારી ભ્રષ્ટાચારના આરોપો પછી સત્તા છોડવી પડી હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં પણ ગુજરાતની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સંગીન આરોપોની ક્યારે ય કમી ન હતી. તેમના શાસનમાં ભ્રષ્ટાચારનો સ્કેલ ઊંચો ગયો, એવું ગાંધીનગર સાથે કામ પાડનાર કોઈ પણ જાણકાર કહી શકે, પરંતુ ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ પ્રકારનાં ચબરાકિયાંથી, હિંદુ હિતરક્ષક તરીકેની નરેન્દ્ર મોદીની એ વખતની છાપથી ને ઘણી વાર નકરી મુગ્ધતાથી લોકો વાસ્તવિકતા નજરઅંદાજ કરતા રહ્યા. (બાકી, મમતા બેનરજીને પણ પરિવાર નથી, છતાં ભાજપના આરોપ પ્રમાણે, તે ભ્રષ્ટાચાર કરી શકે, જયલલિતાને – માયાવતીને પણ પરિવાર નહીં. છતાં તે ભ્રષ્ટાચાર માટે કુખ્યાત. પણ નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર પરિવાર ન હોવાને કારણે ભ્રષ્ટાચાર ન કરે, એવું ઘણા હોંશેહોંશે માને – મનાવે.)
માત્ર ભ્રષ્ટાચાર નહીં, એ સિવાયની ઘણી બાબતોમાં ભાજપના ‘કૉંગ્રેસીકરણ’નું ગુજરાત પૂરતું રહેલું પોત 2014માં કેન્દ્રમાં સરકાર સ્થપાયા પછી રાષ્ટ્રીયસ્તરે પણ પ્રકાશવા લાગ્યું. તેનો પહેલો કે છેલ્લો નહીં, પણ તાજો દાખલો મહારાષ્ટ્રનાં શહેરોની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળ્યો છે. ત્યાં ભાજપે આંખ મીંચીને કૉંગ્રેસ – એન.સી.પી.ના નેતાઓને ભાજપમાં આવકાર્યા અને ઘણા કિસ્સામાં પોતાના જૂના કાર્યકરોને અવગણીને નવા પક્ષપલટુઓને ઉમેદવાર બનાવ્યા.
સંજય ગાંધીની કદમબોસી માટે કુખ્યાત કૉંગ્રેસી એન.ડી. તિવારીના પુત્રને આવકારવામાં ઉત્તર પ્રદેશ ભાજપને કશી લાજશરમ નડી નહીં. ભાજપની સઘળી સત્તા નરેન્દ્ર મોદીમાં કેન્દ્રિત છે અને તેનો સઘળો વિરોધ સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી સામે. (‘ગાંધી પરિવાર’માં એમ પણ ન કહેવાય. કારણ કે મેનકા ગાંધી-વરુણ ગાંધી ભાજપમાં છે.) યુ.પી.એ.ની બીજી મુદતમાં પોલિસી પેરેલિસીસની અને કૌભાંડો પર કૌભાંડોની જે છાપ ઊભી થઈ હતી, તેની સરખામણીમાં ઘણાને નરેન્દ્ર મોદી બહુ કાર્યક્ષમ લાગે છે. તેમની કાર્યક્ષમતા અને ખાસ તો પ્રચારકાર્યક્ષમતા વિશે બેમત નથી. સવાલ તેની દિશાનો, આશયનો અને તેની ધરીનો છે.
ઇંદિરા ગાંધીની જેમ જ તે સત્તાને છાતી સરસી ચાંપીને બેઠા છે. ચૂંટણીસભાઓ સંબોધવામાં અને કપિલના કોમેડી શોમાં ચાલે એવી (સસ્તી) રમૂજો-વાક્પ્રહારો કરવામાં તેમનો જવાબ નથી, વખત આવ્યે તે આંસુ સારતા ટ્રેજેડી કિંગ દિલીપકુમાર કે માતૃપ્રેમી અમિતાભ બચ્ચનને અભિનયમાં ટક્કર આપી શકે છે. ટૂંકનામો પાડવામાં તેમને બાળ સહજ આનંદ અને કોપીરાઇટર-સહજ સંતોષ મળતો હોય એમ લાગે છે. રાજકીય શતરંજ ખેલવાની તેમની ક્ષમતા નિર્વિવાદ છે.
આ બધી બાબતોને લીધે તેમનું વડાપ્રધાનપદું અને એકંદરે ભાજપનું શાસન કૉંગ્રેસથી ઘણાં અલગ લાગે છે, પરંતુ આ બધા વેશની જરાક જ પછવાડે નજર કરતાં ઘૂઘવાટા મારતી કૉંગ્રેસી સંસ્કૃિત, સંઘસંસ્કારના વઘાર સાથે, દેખાય છે. ભાજપે કૉંગ્રેસને ખતમ કરી દીધી એ બાહ્ય સત્ય છે અને કૉંગ્રેસી સંસ્કૃિતએ ભાજપને (તેની અલગતાને) ખતમ કરી દીધી, તે આંતરિક સચ્ચાઈ છે.
સૌજન્ય : ‘નામનું જુદાપણું’, “દિવ્ય ભાસ્કર”, 28 ફેબ્રુઆરી 2017