પુસ્તક પરિચય
નીવડેલાં સાહિત્યકાર વર્ષાબહેન દાસનો કાવ્યસંગ્રહ ‘કવિતા’ સપ્ટેમ્બર ૨૦૨૪માં નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે. વર્ષાબહેનની કલમે મૌલિક પુસ્તકો ઉપરાંત ઉત્તમ અનુવાદો આપણને મળ્યાં છે. આ પુસ્તકમાં ત્રણે ભાષા : ગુજરાતી-હિંદી-અંગ્રેજીમાં તેમનાં કાવ્યો છે. આ કાવ્યો તેમની ૮૧ વર્ષની ઉંમરે પુસ્તકાકારે પ્રકાશિત થયાં ! આ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.
આ કાવ્યસંગ્રહમાં ખૂબ જ વિવિધતા છે. જ્યારે પણ વાંચીએ ત્યારે સહજ રીતે એની સાથે સંલગ્ન થઈ જવાય. ૩૬ કાવ્યો ગુજરાતીમાં, ૨૯ કાવ્યો હિંદીમાં અને ૩૫ અંગ્રજીમાં છે. કેટલાંક કાવ્યો ગુજરાતીના જ અનુવાદો છે. કેટલીક સ્વતંત્ર રચનાઓ પણ હિંદી-અંગ્રેજીમાં છે. હિંદી રચનાઓ અત્યારના હિંસાના વાતાવરણથી દ્રવિત થઈને લખાયેલી લાગે છે. આ કવિતાઓમાં આજના અનેક પ્રશ્નોને વણી લીધા છે. તેની વાત આપણને પણ ઝણઝણાવી જાય છે. આજની પરિસ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. તેમાં પોતાની જાત સાથે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય કે કેમ ? – તેની મથામણ આ કાવ્યોમાં જોવા મળે છે. જેમ કે હિંસા અંગે ‘સરવાળે બધું એક’ કાવ્યમાં તેઓ લખે છે :
હૃદય ધબકે
મારું, તારું અને એનું પણ,
અને જ્યારે અટકે,
ત્યારે
પાણી પાણીમાં, તેજ તેજમાં
વાયુ વાયુમાં, માટી માટીમાં –
સરવાળે જાણે બધું એક.
તો પછી આ ઝઘડા શેના ?
નામ રૂપ ને રંગના ?
બદલાતી બોલીઓના ?
જાતે જ પાડેલી લીટીઓના ?
પછી એક ચોટડૂક પ્રશ્ન કરે છે. આપણે વારી જઈએ. છેલ્લી પંક્તિમાં લખે છે : અલ્યા મૂર્ખાઈની પણ કંઈ હદ હોય કે નહીં ?
આવી જ રીતે આધુનિકતાનું પ્રતીક ગણીએ એવા સ્માર્ટ ફોન – મોબાઈલને લઈને, બાળકોની રમતો કેવી રીતે ક્રમબદ્ધ છૂટી ગઈ છે તેની વાત ‘કોની રમત ?’માં સુપેરે પ્રગટ કરી છે.
એક જમાનો હતો,
બાળકો પતંગિયાંની પાછળ દોડતાં હતાં,
ફૂલોની માળા બનાવતાં હતાં,
પાંચીકાથી રમતાં હતાં.
એમના કલરવથી ગુંજી ઊઠતાં
શેરીઓ ને ઘર-આંગણાં.
પછી નવો વાયરો વાયો
બાળકોએ બટન દબાવ્યાં,
ચાવીઓ ફેરવી,
ઢીંગલી બોલવા માંડી,
વાંદરાએ તાળીઓ પાડી,
વગેરે વગેરે…
તે પછીના સમયમાં
બાળક બેઠું છે,
કી-બોર્ડ પર આંગળીઓ દોડાવે છે,
સામે મૂકેલા મૉનિટરમાં,
ઠા-ઠા ગોળીઓ ચલાવે છે
આકાશમાંથી આગ વરસે છે.
અહીં આખું કાવ્ય ઉતાર્યું નથી. ઠીક ઠીક લાંબું છે પણ વાંચવા જેવું છે. આપણે ક્યાં છીએ ? એ ચિંતા કરાવે તેવું છે. આપણે ચિંતન કરી શકીએ ? એમાં મોટાઓને પણ જોતરવાનું ચૂક્યાં નથી !
આજે સ્ત્રી સશક્તિકરણની વાત બહુ જોરશોરથી થાય છે પણ તે સઘળી સપાટી પરની છે. ઊંડાણ નથી. તેની વાત કરતાં લખ્યું છે. કાવ્યનું શીર્ષક પણ સૂચક છે ‘સિન્ડ્રેલા’.
‘આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે :
મહિલાઓને જાણે ભંડકિયામાંથી ખેંચીને
બહાર લાવવાની છે.
ઘૂમટો ઉઠાવીને એની ‘મુંહદિખાઈ’ કરવાની છે.
ઘરનાં ટેબલ-ખુરશીની હેસિયતમાંથી
એને માણસ બનાવવાની છે.’
ટી.વી., રેડિયો ને છાપાંમાં એની બહુ મસમોટી વાતો લખાય છે, બોલાય છે. પણ અંતે શું ? સ્થિતિ તો એની એ જ. લખતાં જણાવે છે. આખરી પંક્તિઓ જાગવાની, જગાડવાની, સમજવાની છે. મહિલા આંતરરાષ્ટ્રીય દિવસનું ડિમડિમ બજાવવાનું બંધ થાય ત્યારે …..
‘પણ પેલી પરીકથાની સિન્ડ્રેલાની જેમ
રાત પડતાં જ –
રાજકુમાર તો રાજકુમાર જ રહે છે,
પણ સિન્ડ્રેલા એની દરિદ્ર વેશભૂષામાં
હુકમો અને જોહુકમની શિકાર બને છે,
…. હવે આ સંકુચિત ભૂમિકામાંથી બહાર આવીએ,
અંદર રહેલા મેઘધનુષને આઝાદ કરીએ.’
અંત ખૂબ જ સૂચક છે.
સંબંધો કેવી રીતે તાણા-વાણાની જેમ જોડાયેલા છે. આત્મીયતા પણ છે. કેટલાક સારા છે – કેટલાક ખરાબ છે. તેની સુંદર વાત ‘હું ચાલ્યા કરું’ કાવ્યમાં આબાદ રીતે વ્યક્ત થઈ છે :
‘કોઈ મને અહીં અડક્યું,
તો કોઈ ત્યાં,
વાત જૂની છે, તો ય
બધા સ્પર્શો આજે પણ
સ્પંદન જગાડે છે.
અતીતની અનુભૂતિઓ
રોમાંચિત કરે છે.’
મૃત્યુ સંબંધો પર પૂર્ણવિરામ મૂકે. બધા દૂર-સુદૂર ચાલ્યા જાય. અતીત કેમ ભુલાય ! એને યાદ કરીને કવયિત્રી આ કાવ્યમાં આગળ વધતાં લખે છે :
‘કોઈએ વાર્તા સંભળાવેલી,
તો કોઈએ કવિતા,
કોઈએ માટીની સુગંધ ફેલાવેલી,
તો કોઈએ આકાશની લાલિમા.’
‘સપનાં જોયેલાં, સાચવીને રાખેલાં.
બધું જ ગમેલું
પણ પછી એવું વાવાઝોડું આવ્યું
કે બધું જ ઊડી ગયું.
તણખલાની જેમ
વેર-વિખેર થઈ ગયું.
એમાંનું કોઈ ભોંકાયું,
તો કોઈએ પંપાળ્યું.’
છેવટે રહી ગઈ રિક્તતા,
ઘણી ઊંડી
ચારેકોર પસરેલી, આતમને ઢંઢોળતી
રિક્તતા.
…. પછી અચાનક એક દિવસ
અનાયાસ
અમથું જ,
અંદર ડોકિયું કર્યું,
ને ભાળ્યું કે,
કંઈ જ નથી ખોવાયું.
અતીતને લીધે જ વર્તમાન છે,
એના થકી આજ આજ છે.
આપણા કેટલાકનાં ઘરોમાં પુસ્તકો વાંચવાનો-વસાવવાનો શોખ ભારે હોય છે. પણ તેની સંભાળ કેવી લેવાતી હોય ? આ મૂંઝવણ સૌની છે. કવયિત્રીની પણ છે. એની આનંદપ્રદ છબી ‘પરસ્પર આશ્રિત’ કવિતામાં બખૂબી ઝિલાઈ છે :
‘કેવી ખીચોખીચ
અડાઅડ
ઊભી-આડી પડી છે
જુદા જુદા આકારની ચોપડીઓ.
ત્યાં પડી પડી મને તાકે છે,
મૌન ચીસોથી કાનમાં કહે છે –
મને અડ તો ખરી,
આ ધૂળ ઝાટક તો ખરી,
ને ક્યારેક અમારામાંથી કોકને
ખોલ તો ખરી !
….કોને ખોલું અને કોને છાતીસરસી ચાંપું ?
ના, હું ભેદભાવ નહીં કરું.
હવાની જેમ
આ બધી ચોપડીઓને
વીંટળાઈ વળું છું,
ધૂળને પણ ફેફસાંમાં ભરી લઉં છું.
એ જ મારો પ્રાણવાયુ,
એ છે તો હું છું, અને
હું છું તો એ છે.
પરસ્પર આશ્રિત !
આ તો રસાસ્વાદ છે : અન્ય કવિતાઓ પણ દાદ માંગે તેવી છે. ‘જ્યાં રેતી જ સરહદ છે !’ ને ચાવી ખોવાઈ જાય ! આમ જુદાં જુદાં કાવ્યો – પર્યાવરણ – કોમી એખલાસ – પ્રકૃતિ એમ અનેક વિચાર-વસ્તુઓથી ભરપૂર છે. તેમની સંવેદના એ જ આ કાવ્યો કરવાનું પ્રેરક બળ છે. તો ‘ખાનાં’ જેવી રમૂજથી ભરપૂર કવિતા પણ છે. ભાષા પણ સરળ-સહજ-પ્રવાહી છે. એથી સામાન્ય વાચકને પણ સ્પર્શી જાય તેવી છે. આજે જ્યારે કવિ-કાવ્યો દૂર થયાં છે ત્યારે આ કાવ્યો મારફતે એ દૂરી જતી રહેશે એમ ચોક્કસ કહી શકાય. પાકટ ઉંમરે પણ એમની સક્રિયતાને સલામ. આવાં કાવ્યો પુસ્તક દ્વારા આપ્યાં તે બદલ ખૂબ-ખૂબ અભિનંદન.
નવજીવન ટ્રસ્ટે પણ પરંપરામાં રહીને જુદી પ્રકાશનપાંખ ‘નવજીવન સાંપ્રત’ શરૂ કરી છે. એમાં નવોદિતોને પણ સ્થાન આપી એક નવી કેડી કંડારી છે. એ અંતર્ગત પંચોતેરથી વધુ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એ શ્રેણી પણ વિષય-વસ્તુઓથી ભરપૂર છે. એ બદલ ખૂબ અભિનંદન આપી પહેલ બદલ અમારો હરખ પણ વ્યક્ત કરવો જ રહ્યો.
કવિતા, લેખક : વર્ષા દાસ – પ્રાપ્તિ સ્થાન : નવજીવન મુદ્રણાલય, ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ – ફોન : ૦૭૯-૨૭૫૪૦૬૩૫, ૦૭૯-૨૭૫૪૨૬૩૪.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 08 – 09