‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ એ ચુનીલાલ મડિયાની એક મહત્ત્વની નવલકથાનું નામ તો છે જ. પણ માત્ર એટલું જ નથી. મડિયાના વ્યક્તિત્વનો અને તેમના લેખનનો પરિચય ઓછામાં ઓછા શબ્દોમાં આપવો હોય તો કહી શકાય કે મડિયા એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇન્દ્રધનુનો આઠમો રંગ. મોટા ગજાના સર્જક તો હતા જ મડિયા, પણ ગુજરાતી સાહિત્યના, પત્રકારત્વના, અને જાહેર જીવનના સ્વનિયુક્ત અને સદાજાગ્રત રખેવાળ પણ હતા. અંગત સંબંધોમાં ખૂબ જ ઋજુ, માયાળુ, જાતે ઘસાઈને પણ બનતું કરી છૂટે. પણ સાહિત્યની વાત આવે ત્યારે ભલભલા ચમરબંધીની પણ શેહશરમ રાખે નહિ. ઉમાશંકર જોશી જેવાને પણ મુખોમુખ કડવું સત્ય કહી શકનારા મડિયા ઉપરાંત ભાગ્યે જ કોઈ હશે.
આપણા એક અગ્રણી વિવેચક મનસુખલાલ ઝવેરીએ વર્ષો પહેલાં પન્નાલાલ પટેલ અંગે યોગ્ય જ કહેલું : “પન્નાલાલ જ્યારે ગામડું છોડીને શહેરમાં ફરવા નીકળે છે ત્યારે અલબત્ત, ભૂલા પડી જાય છે. ગામડું એ પન્નાલાલની શક્તિ પણ છે અને સીમા પણ છે.” મડિયાની બાબતમાં આવું નહોતું. ૧૯૫૦થી ૧૯૬૨ સુધી મુંબઈમાં અમેરિકન સેન્ટરની ઓફિસમાં ‘પ્રેસ સેક્શન’માં કામ કર્યું. ઓફિસમાં બેઠા હોય ત્યારે મડિયા તમને જરા ય ગામડિયા લાગે નહિ, તો મોટા સાહેબ છે એવું પણ લાગવા ન દે. વખત જતાં પ્રેસ સેક્શનના વડા થયા. એ વખતે મોટી ગણાય એવી રકમો આપીને અનુવાદનાં ઘણાં કામ બહારથી કરાવવાં પડતાં. પણ એ અંગેના નિર્ણય હાથ નીચેના માણસો જ લે એવો આગ્રહ મડિયા રાખતા. એ બાબતમાં ક્યારે ય માથું મારતા નહિ. અલબત્ત, એમની ચકોર નજર કોણ શું કરે છે, કે નથી કરતું એના પર સતત રહેતી જ.
મડિયા છપ્પનવખારી લેખક હતા. એટલે ઘણીવાર વાર્તા કે ધારાવાહિક નવલકથાનું પ્રકરણ છેક છેલ્લી ઘડીએ લખવાનું બને. કેટલીકવાર તો પ્રિન્સેસ સ્ટ્રીટ પરની નવભારત સાહિત્ય મંદિરની એ વખતની નાનકડી દુકાનમાં એક ખૂણામાં બેસીને હેન્ડબેગ પર કોરા કાગળની થપ્પી રાખીને સડસડાટ લખતા હોય. મારા જેવો કોઈ ઓળખીતો એ વખતે દુકાનમાં જઈ ચડે તો કાળી જાડી ફ્રેમનાં ચશ્માંમાંથી આંખ સહેજ ઊંચી કરીને આછા સ્મિતથી નોંધ લે. લખાઈ જાય એટલે કાગળોની ગડી વાળી, કવરમાં મૂકીને આપે ધનજીભાઈ શાહને. આજના જેવી કુરિયર સર્વિસ એ વખતે નહિ. પણ કાલબાદેવીના વેપારી વિસ્તારમાં આંગડિયા ખરા. નવભારતનો માણસ તરત એ કવર આંગડિયાને આપવા દોડે. પછી ચા પીતાં પીતાં મડિયા અલકમલકની વાતોનો ખજાનો આપોઆપ ખોલે. હાસ્ય તો ખરું, પણ જનોઈવઢ કટાક્ષ પણ હોય જ. મડિયા જન્મે જૈન, પણ લખવા-બોલવામાં અહિંસક જરાવય નહિ. સાહિત્યના ખૂણાખાંચરામાં પણ શું ચાલે છે તેનાથી પૂરા વાકેફ હોય જ. અને એ અંગે કશુંક આગવું કહેવાનું હોય જ. બોલતી-લખતી વખતે પૂરેપૂરા અકુતોભય. કોઈથી ન દબાય, ન દોરવાય. તો બીજી બાજુ જેની સાથે આંખનીયે ઓળખાણ ન હોય તેવા કોઈ નવા લેખકમાં કૌવત લાગે તો અચૂક વખાણ કરે. પણ સાથોસાથ ભયસ્થાનો તરફ આંગળી પણ ચીંધે જ. આપણા વિવેચકોમાંના ઘણાએ ‘કાણાને કાણો નવ કહીએ’ એ શિખામણને અપનાવીને વિવેચનને વાટકી-વ્યવહારનું સાધન બનાવી દીધું છે. આવા વિવેચનને મડિયા ‘થાબડભાણીક વિવેચન’ કહેતા, અને તેનાથી અકળાઈને ખિલ્લી ઉડાવતા.
મડિયાનાં અણિયાળાં બાણ સૌથી વધુ જો કોઈએ ઝીલ્યાં હોય તો તે આપણા અગ્રણી સર્જક ગુલાબદાસ બ્રોકરે. પણ મડિયાનાં બાણમાં અંગત દંશ કે દ્વેષ મોટે ભાગે ન હોય. રઘુવીર ચૌધરીએ એક પ્રસંગ નોંધ્યો છે. “સવારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં પી.ઈ.એન.ની બેઠક ચાલે. એમાં ગુલાબદાસ એમનો લેખ વાંચે. કાગળની એક બાજુ સાઈકલોસ્ટાઈલ કરેલો એ લેખ શ્રોતાઓને વહેંચવામાં આવેલો. હું એમાં પણ ધ્યાન આપું. થોડીવારમાં મડિયા આવ્યા. પાંચેક મિનિટ પછી મને કાગળની પાછલી કોરી બાજુ ચીંધીને કહે : ‘સી હીઝ બ્રાઈટ સાઇડ!’
વ્યક્તિ અને લેખક તરીકે બ્રોકર અને મડિયા સામસામા છેડાના. મડિયા કરતાં ગુલાબદાસ ઉંમરમાં ૧૩ વરસ મોટા. તેમનું પહેલું પુસ્તક ‘લતા અને બીજી વાતો’ ૧૯૩૮માં પ્રગટ થયું. મડિયાનાં પહેલાં ત્રણ પુસ્તકો ૧૯૪૫માં પ્રગટ થયાં ત્યાં સુધીમાં બ્રોકર સાહિત્યની દુનિયામાં સ્થાપિત થઈ ચૂક્યા હતા. ‘ઘૂઘવતાં પૂર’ વાર્તા સંગ્રહની નકલ બ્રોકરને ભેટ આપવા મડિયા જાતે તેમની પાસે ગયા હતા. બંને આનંદથી એક બીજાને ભેટ્યા હતા. એ સંગ્રહમાંની ‘કમાઉ દીકરો’ વાર્તા તો બ્રોકરને ખૂબ ગમી ગઈ હતી. પણ પછી કોઈક કારણસર એ બંને સાહિત્ય પૂરતા એકબીજાથી દૂર જતા ગયા. પણ અંગત દ્વેષ કે વૈમનસ્ય તો ક્યારે ય નહિ. ૧૯૬૩ના અરસાનો એક પ્રસંગ ગુલાબદાસભાઈએ ‘સ્મરણોના દેશમાં’ પુસ્તકમાં નોંધ્યો છે. ઉમાશંકર જોશીનાં પત્ની જ્યોત્સ્નાબહેનની છેલ્લી માંદગીના દિવસો. વિલે પાર્લેની એક હોસ્પિટલમાં હતાં. ગુલાબદાસ અને ઉમાશંકરના બીજા કેટલાક મિત્રો રાત્રે હોસ્પિટલમાં રોકાયા હતા. ઠંડીના દિવસો. ગુલાબદાસ ટૂંટિયું વાળીને એક બાંકડા પર સૂતા હતા. આંખો બંધ, પણ ઊંઘ આવતી નહોતી. ત્યાં એકાએક શરીરને ઉષ્માનું આવરણ વિંટળાઈ વળ્યું. આંખ ઉઘાડીને જોયું તો પોતાની શાલ બ્રોકરને ઓઢાડીને મડિયા જઈ રહ્યા હતા.
બ્રોકર : ‘અરે! મડિયા તમે?’
‘તમે અસ્વસ્થ ઘણા લાગતા હતા.’
‘પણ તમને ઠંડી નહિ લાગે?’
‘મારું શરીર બધું ખમી શકે તેમ છે.’

ચુનીલાલ મડિયા
આ પ્રસંગ નોંધ્યા પછી બ્રોકર લખે છે : “દરેક જમાને સાહિત્યના માણસોમાં અમુક એકબીજાને અપ્રિય બની ગયા લાગતાં હોય તેવાં જોડકાં કોણ જાણે કેમ જોડાઈ જતાં હોય તેવું બની આવે છે. નર્મદ ને દલપતનું એવું એક જોડકું હતું. નરસિંહરાવ અને બળવંતરાયનું એવું એક જોડકું કહેવાતું. લોકજીભે, મડિયાનું અને મારું પણ એવું જોડકું બની ગયેલું સંભળાતું. અમારા અનેક મતભેદો છતાં અંતરનો એક જાતનો સંબંધ પણ હતો એ ન જાણનારા મારી પાસે આવી એ સંબંધી જ્યારે જ્યારે કંઈ ને કંઈ વાત કરવા મથતા ત્યારે હું હંમેશાં કહેતો : “એ બધું જે હોય તે, પણ એક દિવસ જ્યારે હું આ પૃથ્વી પરથી ચાલ્યો જઈશ ત્યારે જે ચાર માણસોની આંખ જરી ભીની થશે એમ હું માનું છુ તેમાં એક મડિયા તો હોવાના જ.”
૨૦૨૨ના મે મહિનામાં આપેલી એક વીડિયો મુલાકાતમાં મડિયાનાં પત્ની દક્ષાબહેને એક પ્રસંગ યાદ કરેલો. કોઈ સેમિનારમાં મડિયા અને બ્રોકર, બંને વક્તા તરીકે સાથે હતા. ખૂબ નબળી પાચનશક્તિને કારણે બ્રોકર ક્યારે ય બહારનું ખાતા નહિ. મડિયા આ વાત જાણે. એટલે દક્ષાબહેન પાસે ઘરે રસોઈ કરાવીને બ્રોકર માટે સાથે લઈ ગયા. ઘણી વાર આપણે માણસને સમજવામાં ભૂલ કરીએ છીએ અથવા બીજા બધાને પણ આપણી પ્રતિકૃતિ જેવા જ રાગદ્વેષી માની લઈએ છીએ. મડિયા અને બ્રોકર વચ્ચે મતભેદ હતા, મનભેદ નહિ.
અમેરિકન સેન્ટરમાં યશવંત દોશી મડિયાના હાથ નીચે કામ કરે. પણ અંગત સંબંધ મિત્રો જેવો. વખત જતાં બંનેએ સ્વેચ્છાએ નોકરી છોડી. ૧૯૬૨માં મડિયાએ, ૧૯૬૩ના સપ્ટેમ્બરથી યશવંતભાઈએ. ૧૯૬૩માં મડિયાએ ‘રુચિ’ માસિક શરૂ કર્યું, એકલે હાથે. યશવંતભાઈએ ‘ગ્રંથ’ માસિક શરૂ કર્યું હતું. પણ ફરક એ કે ‘ગ્રંથ’ને વાડીલાલ ડગલીની અને પરિચય ટ્રસ્ટની ઓથ હતી. મડિયાને કોઈ સંસ્થા કે વ્યક્તિની ઓથ નહોતી. ‘રુચિ’નું સંપાદન-પ્રકાશન એ પૂરીપૂરી રીતે ‘ગૃહઉદ્યોગ.’ અગાઉ જેનો ઉલ્લેખ કર્યો છે તે વીડિયો મુલાકાતમાં દક્ષાબહેને કહ્યું છે કે ‘રુચિ’માં મારું સૌથી મોટું પ્રદાન એ કે દર મહિને બધાં રેપર્સ પર સરનામાં હું લખતી. યશવંતભાઈ ઠરેલ, ઠાવકા, મિતભાષી. પણ મડિયા પરિચય ટ્રસ્ટની ઓફિસમાં મળવા આવે ત્યારે ધ્વનિપ્રદૂષણ ઘણું વધી જાય. બંને અલકમલકની વાતો માંડે. મડિયા તરફથી વ્યંગ, કટાક્ષ, ટીકા, ક્યારેક કૂથલીનો પણ વરસાદ થાય. યશવંતભાઈ એમાં જોડાય નહિ પણ ખુલ્લા દિલે માણે ખરા. સ્વભાવની દૃષ્ટિએ બે અસમાન વ્યક્તિઓ વચ્ચેની મૈત્રીનું આ એક ઉદાહરણ હતું.
બીજી ઘણી બાબતોની જેમ પોતાની સાહિત્ય કૃતિઓની ગુણવત્તા અંગેના પ્રમાણપત્રની બાબતમાં પણ મડિયા આત્મનિર્ભર હતા. આથી જ એમણે કહેલું : “મારી કૃતિઓની ગુણવત્તા અંગે હું પૂરી આત્મશ્રદ્ધા ધરાવું છું.” પણ આ મિથ્યાભિમાન નહોતું. મડિયાનું આયુષ્ય ૪૬ વરસનું. તેમની હયાતી દરમ્યાન પ્રગટ થયેલાં પુસ્તકોની કુલ સંખ્યા ૪૧. એક સાથે ત્રણ પુસ્તકો દ્વારા ૧૯૪૫માં આંખ આંજી દે એવી રીતે પ્રવેશ. તેમાં ‘ઘૂઘવતાં પૂર’ અને ‘ગામડું બોલે છે’ એ બે ‘ટૂંકી વારતા’નાં પુસ્તક. ‘પાવક જ્વાળા’ નવલકથા. વિદાયના વરસે, ૧૯૬૮માં, એક સાથે ચાર પુસ્તક : ‘ક્ષત-વિક્ષત’ ટૂંકી વારતાનો સંગ્રહ, બે નવલકથા : ‘સધરાના સાળાનો સાળો’ અને ‘આલા ધાધલનું ઝીંઝાવદર’, અને એક વિવેચન સંગ્રહ, ‘કથાલોક’. ૨૩ વરસમાં ૪૧ પુસ્તકો આપનારને ‘પ્રોલિફિક રાઈટર’ ન કહીએ તો શું કહી શકાય? વારતા, નવલકથા, નાટક-એકાંકી, નિબંધ, વિવેચન, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, નિબંધ, કવિતા – એક આત્મકથાને બાદ કરતાં સાહિત્યના લગભગ બધા પ્રકારો સાથે તેમણે ઘરોબો બાંધ્યો છે. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે મડિયા સબ બંદર કે વેપારી હતા.
આપણું વિવેચન વ્યવસ્થાપ્રિય છે. એટલે લેખકોને જૂદાં જૂદાં ખાનાંમાં ગોઠવી દેવાની ટેવ ધરાવે છે. મેઘાણી અને પન્નાલાલની સાથે મડિયા પણ ગ્રામજીવનના ખાનામાં. પછી તેમનાં બીજાં લખાણો વિષે ઝાઝી વાત કરવાની જરૂર નહિ! આ ત્રણે લેખકોનું ગ્રામજીવનનું આલેખન ક્યાં, કઈ રીતે, કેટલું, શા માટે, જૂદું પડે છે એ વિચારવાની પણ જરૂર નહિ. ૧૯૪૫માં મડિયા પહેલાં ત્રણ પુસ્તકો લઈને આવ્યા ત્યારે ઝવેરચંદ મેઘાણીનો સૂર્ય તો અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. પણ તે પહેલાં કાઠિયાવાડના લોકો અને તેમની સંસ્કૃતિને મેઘાણીએ બહુ બળૂકી રીતે વાચકો સામે ખડી કરી દીધી હતી. એટલે મડિયા માટે કાઠિયાવાડના જનજીવનને કેન્દ્રમાં રાખીને લખવું સહેલું નહોતું. પણ સહેલાં કામ કરવાની તો મડિયાને ટેવ જ ક્યાં હતી?
તો બીજી બાજુ ૧૯૪૦માં ‘વળામણાં’ અને ૧૯૪૧માં ‘મળેલા જીવ’ જેવી ઉત્તર ગુજરાતના ગ્રામજીવનની સશક્ત નવલકથાઓ આપીને પન્નાલાલ પટેલે એક બળૂકા લેખક તરીકે પોતાને સ્થાપી દીધા હતા. અને છતાં મડિયાએ ઘૂઘવતાં પૂરની જેમ આપણા સાહિત્યમાં પ્રવેશ કર્યો. પણ પન્નાલાલની જેમ મડિયા મુંબઈ જેવા મહાનગરમાં ભૂલા પડ્યા નહિ. ૧૯૬૦માં પ્રગટ થયેલી નવલકથા ‘પ્રીતવછોયાં’ વાંચતાં જ ખ્યાલ આવે છે કે મડિયાની નવલકથા પડખું ફેરવી રહી છે. પણ લેખક મડિયા મુંબઈ જેવા મહાનગરના વતની બની ચૂક્યા છે એ વાતની ખાતરી થાય છે તે તો ૧૯૬૭માં પુસ્તક રૂપે પ્રગટ થયેલી નવલકથા ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ વાંચ્યા પછી. મુંબઈના જનજીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ તે પહેલાં ૧૯૬૫ના જાન્યુઆરીથી ૧૯૬૬ના ફેબ્રુઆરી સુધી અમદાવાદથી પ્રગટ થતા અખબાર ‘સંદેશ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. ઇન્દ્રધનુનો આઠમો રંગ’નાં બધાં પાત્રો પૂરેપૂરાં મુંબઈગરાં છે. મુંબઈ બહાર તેમને નથી કોઈ ‘ગામ’ કે નથી કોઈ ‘દેશ’.
નરેનના પિતાના અવસાન નિમિત્તે એકઠા થયેલા લોકોમાં, એના પિતા પ્રાણજીવનદાસની નપુંસકતા વિષે ચર્ચા ચાલે છે. એ જાણીને નરેન, પોતાના અસલી પિતાની શોધ કરવાનો નિર્ધાર કરે છે. પિતા વિશેની શંકામાં અને શોધમાં સંક્ષુબ્ધ બનેલો નરેન, પોતાની પ્રિયતમા કુંદાની સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો પણ ઇનકાર કરી બેસે છે. નરેનથી તરછોડાયેલી કુંદા, સહાધ્યાયી ડિકીના હાથમાં સપડાય છે. ડિકીના પિતા અને રીજન્ટ મિલના મેનેજિંગ એજન્ટ કરમશીકાકા, કુંદાને બળજબરીથી ભોગવી બાળકની માતા બનાવે છે. પછીથી મુંબઈ આવેલી કુંદા, અનિચ્છાએ પણ, નાની બહેન નારંગીની જેમ વેશ્યા બને છે.
આરંભમાં કરમશીકાકાને ત્યાં નોકરી કરતો નરેન, પછી નોકરી અર્થે પોતાના મામાને ત્યાં કોચીન આવે છે. તો ત્યાર બાદ ગોદાવરીમામી સાથે દેહસંબંધ બાંધીને ભાગેલો નરેન મુંબઈ આવે છે. અહીં તે વિવશપણે વેશ્યાવ્યવસાયમાં ફસાયેલી કુંદાને મુક્ત કરે છે ને તેની સાથે કોર્ટમાં લગ્ન પણ કરી લે છે. પોતાની માતા યશોદા પર કામુક અને પાગલ બનેલો સાવકો ભાઈ વિજભૂષણ તૂટી પડે છે ત્યારે નરેન, તેની હત્યા કરે છે. ભાઈની હત્યા અંગે વસવસો પ્રગટ કરતા નરેનને, રહસ્ય પરથી પડદો ઉપાડતાં માતા કહે છે કે તેણે ભાઈની નહિ, પણ પિતાની હત્યા કરી છે! આ જાણીને ઉદ્વિગ્ન બનેલો નરેન કુંદાની સાથે લગ્નજીવન ભોગવી શકતો નથી, એટલે કુંદા ફરીથી ડિકીનો આશ્રય લે છે.
આમ, પિતાની શોધ પહેલાંની અને પછીની નરેનની મનોદશા અને એનું ભગ્ન લગ્નજીવન, — આ બે આંતર-બાહ્ય ઘટનાઓ આ નવલકથાની પાયાની ઘટનાઓ હોવાનું જણાય છે. પોતાની જાતને ‘શાપિત’ માનતા નરેનના મનોભાવોનું લેખકે કરેલું નિરૂપણ ખાસ ધ્યાન ખેંચે તેમ છે. તો સાથોસાથ બોનસને મામલે મિલમાં પડેલી હડતાલ, ચંદ્રન અને ઘોષાલ જેવા કામદાર નેતાઓએ લીધેલું નેતૃત્ત્વ, નરેનની બહેન ડો. લતિકાનાં ચંદ્રન સાથેનાં લગ્ન, ચંદ્રનના મૃત્યુ પછી લતિકાનાં ચિત્રકાર હરનાથ સાથે થતાં લગ્ન, હરનાથના ખૂન પછી ફરીથી લતિકાનું વિધવા થવું, જેવી ઘણી બધી ગૌણ ઘટનાઓ કથાના પ્રવાહને વેગીલો અને બહોળો બનાવે છે. આ બધાંને કારણે આ કૃતિ મહાનગર જેવો પથરાટ અને આધુનિક સમાજ જેવી સંકુલતાવાળી કૃતિ બની રહે છે.
એક-એક ઘોડાવાળા સાત રથ દોડતા હોય તો એકાદ રથને સૌથી આગળ નીકળી જવાની તક રહે. કોઈ રથ રસ્તામાં જ ભાંગી પણ પડે. પણ સાતે ઘોડા એક જ રથ સાથે જોડ્યા હોય ત્યારે તો બધાએ સાથે જ દોડવું પડે. કોઈ આગળ નહિ, કોઈ પાછળ નહિ. ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’નાં પાત્રો એક રથે જોડેલા ઘોડા જેવાં છે. ઉમાશંકરે ‘વ્યાજનો વારસ’ને નાયક વિનાની નવલકથા કહી છે, પણ એ વાત મડિયાની ઘણી કૃતિઓને લાગુ પડે તેમ છે. ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી કૃતિમાં તો આ નાયકહીનતા સહેતુક જણાય છે. જો કે તેમની બધી કૃતિઓ માટે આમ કહી શકાય તેમ નથી.
અઘોરી જાનકીદાસ, ડિકી, કરમસીકાકા, વીજભૂષણ, પ્રાણજીવનદાસ, યશોદા, કુંદા, ગોદાવરી, નારંગી, રિકામ્મા – આ નવલકથાનાં આવાં પાત્રોને જોઈએ ત્યારે પહેલી નજરે તો જાણે જાતીય સંબંધો પરત્વે abnormal માનસ ધરાવતાં સ્ત્રીપુરુષનો મેળાવડો મળ્યો હોય એવું કદાચ લાગે. લગ્નપૂર્વ અને લગ્નબાહ્ય તો ખરી જ, પણ એ ઉપરાંત પણ જાતીય સંબંધની અનેક અરૂઢ ઝંખના આ પાત્રોમાં જોવા મળે છે. તે ઉપરાંત અહીં અફીણ-ગાંજામાં મસ્ત રહેનારાઓ છે, ટ્રાન્ક્વિલાઈઝારના વ્યસનીઓ છે, હીરારસના પ્રયોગથી બીજાને બરબાદ કરનારા અને પોતે પણ બરબાદ થનારાઓ છે, વિકૃત જાતીય અંગો ધરાવતી રસ્તે રખડતી નગ્ન ભિખારણ છે, દારૂનો ધંધો કરનારી ટોળકી છે, પી.એ. કે સ્ટેનોનું મહોરું પહેરી વેશ્યાવ્યવસાય કરનારી સ્ત્રીઓ છે. મુંબઈનું આખુંયે underworld અહીં આપણી આંખ સામે તેના યથાતથ રૂપે આવે છે. અને મોટરના એકઝોસ્ટના કડવા ધુમાડા જેવી આ બધાની વાસ વાચકના મનમાં વ્યાપી જાય છે.
પણ વાર્તાનો નાયક, કહો કે પ્રતિનાયક નરેન, કુંદાનું સ્મરણ કરતો બસમાં જતો હોય છે ત્યારે એને માત્ર એકઝોસ્ટના ધુમાડાની કડવી વાસ જ નથી આવતી, પણ એ વાસને વીંધીને આછી, છતાં ય ઓછી નહિ, એવી ‘ઓ દ કોલોન’ની સુવાસ પણ આવે છે. આ નવલકથામાં પણ આવી આછી આછી સુવાસ સતત ફેલાયેલી રહી છે. જગત અને જીવનની વિષમતાઓ તો છે જ, પણ ચંદ્રન જેવા મરજીવા અને લતિકા જેવી વીરાંગનાઓ પણ છે, હરનાથ જેવા કલાકારો પણ છે, જે આ જીવનના ચિત્રમાં કોઈ અદકો રંગ પૂરવાની હોંશ ધરાવે છે. અને કથામાં સતત નરેશનું મનોમંથન પણ છે જ. છેવટે ભલે કુંદા પણ તેને છોડીને ડિકી સાથે ભાગી જાય છે, છતાં નરેન ભાંગી પડતો નથી. હરનાથ પણ મૃત્યુ પામે છે, પણ કથા ત્યાં અટકતી નથી. ભલે પોતાના નહિ, તો ય છેવટે કુંદાના સંતાનને નરેશ જુએ છે, અને ત્યારે આકાશમાં ઇન્દ્રધનુ ખીલી ઊઠે છે. નરી આંખે ભલે એમાં સાત રંગ દેખાતા હોય, પણ આઠમો રંગ પણ એમાં ભળ્યો છે. અને આમ, મૃત્યુથી શરૂ થયેલી કથા જીવન, બલકે નવજીવન, આગળ આવીને અટકે છે. અને છતાં કૃતિ ક્યાં ય ‘મંગલ છાપ’ બનતી નથી.
અહીં પ્રસંગો પાર વિનાના છે, પણ પ્રસંગ ખાતર પ્રસંગ ભાગ્યે જ જોવા મળે. પહેલી નજરે વાંચતાં કોઈક પ્રસંગ આગંતુક લાગે, પણ થોડે આગળ જઈએ ત્યાં એ પ્રસંક સમગ્ર ઘટના-પ્રવાહમાં બરાબર ગોઠવાઈ જતો લાગે. આ નવલકથાની નિરૂપણ રીતિ યરવડા ચક્ર જેવી નહિ, પણ અંબર ચરખા જેવી છે. અહીં એક સાથે ઘણી ત્રાકો ફરે છે, ઘણી પૂણીઓ કંતાય છે, ઘણા તાર નીકળતા જાય છે. પણ આ બધાને ચલાવનાર મુખ્ય ચક્ર તો એક જ છે, નરેન. આથી આટલી બધી ઘટનાઓ હોવા છતાં કૃતિ વેરવિખેર થઈ જતી નથી. આખી નવલકથા વાંચતાં એની લખાવટમાં એક આગવી બળુકાઈ વર્તાઈ આવે છે. આપણી ઘણી નવલકથાનાં શહેરી પાત્રોની બોલી જાણે ડેટોલથી ધોયેલી હોય તેવી, વધારે પડતી સ્વચ્છ, પણ માંદલી લાગે. આ નવલકથાનાં બધા જ પાત્રો શહેરી છે, તેમાંનાં કેટલાક સુશિક્ષિત છે, છતાં તેમની બોલીમાં પેલી માંદલી સ્વચ્છતા નથી, પણ તંદુરસ્ત માણસની બળુકાઈ છે. આથી આખી કૃતિને વિશિષ્ટ બળ મળી રહે છે.
કોઈ પણ વાચક આ નવલકથા વાંચીને જરૂર કહી શકે કે તેનો લેખક સુખાસનમાં બેસનારો નહિ, પણ ફરંદો આદમી છે. મુંબઈના જુદા જુદા રસ્તાઓ પર જુદે જુદે વખતે – ખાસ કરીને મોડી રાતે – લેખક ખૂબ ફર્યા છે. પરિણામે મુંબઈનાં અનેક કડવાં, મીઠાં, તૂરાં ચિત્રો અહીં આવતાં રહે છે. તેમાંનાં ઘણાંખરાં માણવાં ગમે તેવાં છે. જેમ કે એક વખત દિવસ-રાત ધબકતી સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસની આસપાસના વિસ્તારનું રાતના બાર – સાડા બાર પછીના સમયનું વર્ણન. પણ ક્યારેક આવા વર્ણનોની માત્રા સહેજ વધુ પડતી થતી કોઈને લાગે. તો ક્યારેક લેખક વધુ પડતા બોલકા બની જતા લાગે છે. ઝટ દેતાંક ને મગનું નામ મરી પાડી દેતા હોય એવું લાગે. જેમ કે રસ્તા પર વેચાતા શીશકબાબ અને અંધારા ખૂણામાંથી નીકળી આવતી વેશ્યા, એ બેનું સહચિત્રણ જે સૂચવવાનું છે એ માટે પૂરતું છે. છતાં કદાચ વાચક એ ન સમજી શકે એવી બીકે લેખક કહે છે : “અહીં પણ આદિમ કક્ષાએ જીવન જીવાતું હતું. પેલા સળિયા પર શેકાતા શીશકબાબ જેવું જ.” તો ક્યારેક મડિયા જેવા જાણતલ લેખક પાસેથી આશા ન રાખી હોય તેવી ચૂક પણ જોવા મળે છે. કુંદા વેશ્યાગૃહમાંથી છૂટે છે અને તરત જ રજિસ્ટ્રારની ઓફિસે જઈ નરેન સાથે પરણી જાય છે. સિવિલ મેરેજ એ ગાંધર્વ લગ્ન નથી, એ કરતાં પહેલાં એક મહિનાની નોટિસ આપવી પડે છે, એ હકીકત મડિયા જેવા મડિયા ચૂકી જાય ત્યારે કાબે લૂંટેલો અર્જુન યાદ આવી જાય. અને ચિત્રકાર ઘરનું બારણું ઉઘાડવા આવે ત્યારે પેલેટ સાથે લઈને આવે એ તો સમજાય, પણ આખેઆખી ઈઝલ લઈને કેવી રીતે અને શા માટે આવે? છતાં અહીં બે-ત્રણ વાર એવો ઉલ્લેખ થયો છે. અને છતાં, મડિયાની નવલકથાઓમાં જ નહિ, શહેરી પશ્ચાદ્ભૂમિ ધરાવતી આપણી પ્રમાણમાં ઓછી નવલકથાઓમાં એક આગવી કૃતિ બની રહે એવી તો આ નવલકથા છે જ. ‘લીલુડી ધરતી’માં મડિયાની ગ્રામજીવનના ચિત્રણની કુશળતા સોળે કળાએ ખીલતી જણાય છે. તો અહીં નગર-ચિત્રણની સૂઝ અને શક્તિ જોવા મળે છે.
‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ વાંચ્યા પછી મનમાં એક સવાલ ઊઠે છે : મડિયાને જો થોડાં વધારે વરસ મળ્યાં હોત તો? તો કદાચ નગર જીવનનું બળુકું નિરૂપણ કરતી ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી વધુ નવલકથાઓ તેમની પાસેથી મળી હોત? ગામડું અને શહેર, બંનેની તલવાર એક જ મ્યાનમા રાખી શકવાની કુશળતા તો તેમનામાં હતી જ. સર્જક મડિયા ગામડાથી બહુ દૂર તો ગયા ન હોત, કારણ એ તો એમને ગળથૂથીમાં મળ્યું હતું. પણ કર્મભૂમિ મુંબઈનાં વધુ પ્રતિબિંબ તેમની કૃતિઓમાં ઝીલાયેલાં જોવા મળતાં હોત, કદાચ. પણ શું જીવનમાં કે શું સાહિત્યમાં જો-તોને અવકાશ જ ક્યાં હોય છે? ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ના છેલ્લા વાક્યમાં નજીવો ફેરફાર કરીને આપણે કહી શકીએ : “લેખકે જરા પીઠ ફેરવીને ફળિયામાંથી આકાશ તરફ જોયું. ઇન્દ્રધનુનો બહુ જ નાનો ટુકડો અહીંથી દેખાતો હતો. પણ એની રંગપૂરણીમાં એક અદકા રંગની મિલાવટ થઈ ચૂકી હતી.”
‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ નવલકથા એટલે મડિયાની નવલકથાનો પણ એક અદકો રંગ, આઠમો રંગ.
XXX XXX XXX
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “પરબ” માસિકના ઓગસ્ટ ૨૦૨૪