અનુ-આધુનિકતાની પ્રકૃતિ પ્રસરણશીલ છે. મારા એ વિધાનને વિસ્તારથી સમજવાની જરૂરત છે એમ મને સમજાય છે.
૨૦૦૮-માં પ્રકાશિત મારા “અનુ-આધુનિકતાવાદ અને આપણે” પુસ્તકમાં લેખ છે, ‘અનુ-આધુનિકતાવાદ પ્રસરણશીલ છે’. એ લેખ ૨૦૦૭-માં લખાયેલો. એમાં, અનુ-આધુનિકતાવાદનાં મેં મારાં ચાર નિરીક્ષણો રજૂ કર્યાં છે. ચૉથું નિરીક્ષણ એ છે કે એ પ્રસરણશીલ છે.
પ્રસરણશીલ એટલે શું?
– ૧ –
એ એક એવી માનસિકતા છે, એવી ભાવ-ભાવના બલકે ભાવાવેશ, જે લીલું-સૂકું કે નાનું મોટું ન જુએ, પથરાઈને બધું સમથળ કરી નાખે.
પ્રસરવું એટલે માર્ગમાં આવતા ખાડા-ટેકરાને ધોઇ નાખવા, ઉચ્ચાવચ ભેદ તોડી આગળ વધવું. કિનારે પડી ગયેલાંને પોતાના પ્રવાહમાં ખૅંચી વહેતાં કરવાં.
વંચિતો, ઉપેક્ષિતો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલાંને બાથમાં લઇ સાથી-સંગાથી બનાવવાં.
વિશ્વ સમસ્તને ભેટવા બાહુ ફેલાવી ખુલ્લા બની રહેવું.
– ૨ –
આ પ્રસરણશીલ અનુ-આધુનિકતાએ, પશ્ચિમમાં, પ્રારમ્ભે, મીડિયાનું ક્ષેત્ર સર કર્યું, (હવે એમાં સોશ્યલ મીડિયા ઉમેરાયું છે). મીડિયા એટલે ટૅલિપ્લે, ટૅલિફિલ્મ, ટી.વી.સીરિયલો, સિને-સ્ક્રિપ્ટ્સ, સ્ક્રીનપ્લેઝ, ડાયલોગ્સ કે ઍડવર્ટાઇઝિન્ગનાં વિઝ્યુલ્સ; એ વિકસી રહેલો કાલખણ્ડ. એને પ્રતાપે સાહિત્યશબ્દ શ્રાવ્ય હોવા ઉપરાન્ત દૃશ્ય બન્યો. વાચક, દર્શક બનતો ગયો.
બીજું ક્ષેત્ર સર કર્યું તે સાહિત્યનાં વસ્તુજગતમાં કોરાણે મુકાયેલા કે છોડી દેવાયેલા વિષયોનું સાહિત્ય -બ્લૅક તેમ જ ફૅમિનિસ્ટ લિટરેચર. આપણે ત્યાં દલિત અને નારી તત્ત્વો કેન્દ્રમાં આવ્યાં અને એ ક્ષેત્ર એ પ્રકારે સર થયું છે.
અને ત્રીજું ક્ષેત્ર તે લાઇફ લિટરેચરનું. અનુ-આધુનિકવાદી સર્જકતા કલાની સંસિદ્ધ વશેકાઇને વટી ગઈ અને એણે જીવનની સ્વાભાવિકતાઓને ધ્યાનપાત્ર ગણી. બીજા શબ્દોમાં કહીએ તો, કૃતિની કલાથી ખસીને જીવનની હળવાશમાં ભળી જનારાં લેખનો થવા લાગ્યાં.
મેં લખેલું : પૂર્વે ધીરુભાઈ ઠાકરે મ.ન. દ્વિવેદીને વિષય બનાવીને નાટક રચ્યું હતું. લખેલું કે નર્મદ ન્હાનાલાલ મરીઝ કલાપી કાન્ત રમેશ પારેખ વગેરે અંગેના એક-પાત્રી સ્ટેજ-શો થવા લાગ્યા છે. લખેલું કે વિદ્યમાન, વળી વિવાદાસ્પદ સાહિત્યકારોના પણ કરવા ઘટે છે.
એ સ્ટેજ-શોઝ પાછળની ભાવના હવે સવિશેષે પ્રસરી રહી છે, જેમ કે, કેટલાક સાહિત્યકારોની જીવનકથાઓ કહેવાનું શરૂ થયું છે. દાખલા તરીકે, યોગેન્દ્ર પારેખે ગાંધીકથા, ગુણવંત વ્યાસે રમેશ પારેખકથા, અને જ્યોતીન્દ્ર દવેકથા કરી છે.
જીવનની હળવાશને જાણવી અને સર્જનમાં સાધી બતાવવી, એ મુશ્કેલ કામ છે. કાલ્વિનો એને ‘લાઇટનેસ’ કહે છે. એ એક સર્જકગુણ છે, એક સાહિત્યમૂલ્ય છે. હળવાશ સિદ્ધ થાય તો હાસ્યરસ નિષ્પન્ન કરતી કૃતિઓ લખાય. ‘બકોર પટેલ’ કે ‘હું શાણી ને શકરાભાઈ’-ની જીવન-રમઝટો રજૂ કરતી સૃષ્ટિ. આપણા આધુનિકો તો એટલા બધા જીવનગમ્ભીર હતા કે ભાગ્યે જ હસી શકતા. તેઓને એ વિષયમાં સર્જનની લાયકાત જ ન્હૉતી વરતાતી. કેટલાક અનુ-આધુનિકોમાં પણ એ જ પણ્ડિતશાહી ગામ્ભીર્ય ચૉટેલું છે. હું જો કહું કે તારક મહેતાના “ઊલટા ચશ્માં” ટી.વી.-સીરિયલોમાં અનુ-આધુનિક ઉન્મેષ છે, તો તેઓ મને હસી કાઢે.
– ૩ –
પ્રસરણ દરમ્યાન, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્યની એક અવ્યાખ્યાયિત આછીપાતળી પર્યેષણા – critique – શરૂ થતી હોય છે, જેમાં, આદર્શો વિશે શંકાઓ થાય, એનો ત્યાગ થાય; જેમાં, અધિકૃત માન્યતાઓ અને ધોરણો વિશે પ્રશ્નો જાગે, એને ફગાવી દેવાય; જેમાં, સંચિત મૂલ્યો પ્રસરે, ધોવાઈ જાય, અને કાળક્રમે નવાં મૂલ્યોનો ઉદ્ભવ થાય.
પ્રસરણ પરિવર્તનકારી હોય છે. સર્જકચિત્ત જાણ્યેઅજાણ્યે એવી પર્યેષણામાં પરોવાયું હોય છે, જેને કારણે અને પરિણામે, સર્જનોની દિશા બદલાઈ જતી હોય છે. દાખલા તરીકે, લાભશંકર ઠાકરના કાવ્યસંગ્રહ “વહી જતી પાછળ રમ્યઘોષા”-માં, પ્રારમ્ભે પરમ્પરાગત પદ્ધતિના કાવ્યો છે, એ પછી ‘ગાંધીજીની ટાલ તડકો’ – કરતીકને કવિતા નવાં ગગનમાં ઊડવા લાગેલી. લા.ઠા. આધુનિક લાગવા લાગેલા. પરન્તુ ક્રમે ક્રમે એમની આત્મસમીક્ષાએ સ્વકીય આધુનિક સૃષ્ટિને પણ પછાડેલી. એ પછડાટમાં અનુ-આધુનિક ભાવ-ભાવના વાંચી શકાય? એ માટે અનુ-આધુનિકતાવાદની આપણી સમજ જવાબદાર ગણાશે કે નહીં?
સાહિત્યસર્જન-લેખન જ્યારે એક ઇઝમથી – ISMથી – બીજા ઇઝમ અનુસારના વાદવિચાર જનમાવે, ત્યારે એણે આગલા ઇઝમ સાથે ડિસ્કન્ટિન્યુઇટી સાધી હોય છે, વિચ્છેદ સાધ્યો હોય છે, છૂટાછેડા. મૉનરો સ્પીયર્સે દર્શાવેલું કે રોમૅન્ટિસિઝમથી મૉડર્નિઝમે કેવાક સ્વરૂપનો વિચ્છેદ સાધેલો.
દાખલા તરીકે, રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાન્ત ટોપીવાલા, પ્રમોદકુમાર પટેલ, શિરીષ પંચાલ કે સુમન શાહનાં અનેક વિવેચન-લેખનોમાં દર્શાવાયું છે કે પરમ્પરાગત ગુજરાતી સાહિત્યથી આધુનિક સાહિત્યે કેવોક છેડો ફાડી લીધો છે. એવો વિચ્છેદ સિદ્ધ કરનારા કેટલાક સર્જકો હોય છે, દાખલા તરીકે, સુરેશ જોષી, કિશોર જાદવ.
આધુનિક સાહિત્યવિવેચનાથી અનુ-આધુનિક સાહિત્યવિવેચનાએ વિચ્છેદ સાધ્યો છે કે કેમ, એની વાત યથાસમયે કરીશ.
વિચ્છેદ પરિવર્તનોથી સધાતો હોય છે. સર્જકોએ પોતાનાં સર્જનોમાં સ્પષ્ટ જોઈ શકાય એવાં પરિવર્તનો કર્યાં હોય છે. આપણે એ સમજવું જરૂરી છે કે એવાં પરિવર્તનો પણ પ્રસરણનું જ એક રૂપ હોય છે.
દાખલા તરીકે, યાદ કરો : આધુનિક ગણાયેલી “અવરશુંકેલુબ”-ની સૃષ્ટિથી સુમન શાહે રચેલી ખાસ્સાં પરિવર્તનો દાખવતી “જૅન્તીહંસા સિમ્ફની”-ની કેટલીક વાર્તાઓ. દાખલા તરીકે, યાદ કરો “હાર્મોનિકા”-ના મધુ રાયે રચેલી હરિયો-જૂથની વાર્તાઓ.
આપણા આધુનિક સાહિત્યસર્જનોથી આપણા અનુ-આધુનિક સાહિત્યસર્જનોએ વિચ્છેદ જરૂર સાધ્યો છે, પણ એ વિચ્છેદ પૂરા સ્વરૂપનો નથી.
૧ — કેટલા ય લેખકો હજી એવું જ સરજે છે જેની અસર આધુનિકતાવાદની જ આવે છે.
૨ — સામે છેડે, કેટલાકે એવાં સર્જન કર્યાં છે જે પહેલેથી પૂર્ણરૂપેણ અનુ-આધુનિક છે. મારી સમીક્ષાદૃષ્ટિ અનુસાર,
દાખલા તરીકે —
— ‘કોણ ચલાવે રાજ, બોલો’ કે ‘મુખ્યમંત્રીજીનું પહેરણ’ વગેરે રચનાઓથી રાજકાજની ખુલ્લાદિલની કાવ્યાત્મક સમીક્ષા કરતી સૃષ્ટિથી સવિશેષે જાણીતાં થયેલાં “સળગતી હવાઓ”-નાં કવિ સરૂપ ધ્રુવ;
— “બહિષ્કૃત ફૂલો”-ના સર્જક નીરવ પટેલ પૂર્ણ અર્થમાં અનુ-આધુનિક કવિ છે. મારા એ વિધાનનું ખરાપણું તપાસવા વાંચો, મારો એ કાવ્યસંગ્રહ વિશેનો સમીક્ષાલેખ;
— પૂર્ણ અર્થમાં અનુ-આધુનિક બીજા કવિ કમલ વોરા છે. એમના બે સંગ્રહો “અનેકએક” અને “વૃદ્ધશતક” એ સ્વરૂપની સૃષ્ટિઓ છે. મારું એ વિધાન એ સૃષ્ટિઓની સમ્યક સમીક્ષા કરવાથી સમજાઈ જશે. એ બન્ને સંગ્રહો વિશે મેં વિસ્તારથી લખ્યું છે, મારાં એ સમીક્ષાત્મક લેખનો મારા એ વિધાનને સમજવામાં સહાયક નીવડી શકે છે.
– ૪ –
વળી, એમ થવું સર્વથા સંભવિત છે કે આધુનિક ગણાતા સમયમાં કોઈ સર્જક ‘આધુનિક’ દીસે અને અનુ-આધુનિક ગણાતા સમયમાં ‘અનુ-આધુનિક’. જો કે એનું ખરું કારણ તો એ હોય છે કે એણે સ્વકીય સર્જકતાથી પ્રેરાઈને પોતાનાં સર્જનની દિશા બદલી હોય છે. એથી એની સૃષ્ટિમાં એક જુદું જ સ્થિત્યન્તર ઊભું થતું હોય છે. એ સ્થિત્યન્તરમાં અનુ-આધુનિક સંકેતો વાંચી શકાય.
દાખલા તરીકે, “કાચિંડો અને દર્પણ”-ના રચયિતા બાબુ સુથારકૃત “વાક્યકથા” એવું સ્થિત્યન્તર દાખવે છે. વિનોદ જોશીએ “પરન્તુ” અને “ઝાલર વાગે જૂઠડી”-ની સમાન્તરે રહીને કે ફંટાઈને પ્રશિષ્ટ વિષયવસ્તુ સાથે પાનું પાડ્યું – “શિખંડી” અને “સૈરન્ધ્રી” કૃતિઓ આપી, એ સ્થિત્યન્તર. પ્રારમ્ભે બસ-કાવ્યો રચનાર કવિ રાજેન્દ્ર શુક્લની હવે રહસ્યમયી વાણીએ પ્હૉંચી ગયેલી સૃષ્ટિએ દાખવેલાં કે “ધ્રીબાંગસુંદર એણી પેરે બોલ્યા” પછી પરિવર્તનશીલ સંગ્રહો “સુનો ભાઇ સાધો” “તાંદુલ” કે “પરજન્યસુક્ત”-થી હરીશ મીનાશ્રુની સૃષ્ટિએ દાખવેલાં સ્થિત્યન્તરો.
આ સૌના પ્રથમ કાવ્યસંગ્રહની રચનાઓ સાથે તે પછીનાં કાવ્યો સરખાવીશું તો સમજાશે કે આધુનિકતાવાદી ઉદ્રેક શમી રહ્યો છે અને એ શમન જુદી જ દિશામાં વિકસી રહ્યું છે. પરન્તુ શું એમાં અનુ-આધુનિકતા વાંચી શકાય? એ માટે પણ અનુ-આધુનિકતાવાદની આપણી સમજ જવાબદાર ગણાશે કે નહીં?
આ તો થઈ, લિરિકલ અને નૅરેટિવ ગણાતા સાહિત્યખણ્ડોની વાત, ડ્રામેટિકની વાત હવે પછી.
(ક્રમશ:)
(17 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર