
સુમન શાહ
સામ્પ્રતમાં ચાલી રહેલી સમ્પાદન-પ્રવૃત્તિના સંદર્ભમાં, મને થાય છે, થોડી મુક્તતાથી વાત કરવી જરૂરી છે.
આપણે ત્યાંનાં સમ્પાદનોના પ્રકારો અને તેમાંના કેટલાકના મને થયેલા અનુભવોને આધારે એ વાત કરું તે વાજબી ગણાશે.
મારા એક સર્વોચ્ચ અનુભવની વાત કરું. સમ્પાદકશ્રી એક જમાનામાં મારા મિત્ર તે કહે, સુમન, તારા એ પુસ્તકના એ પ્રકરણનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપ. મેં એ પ્રકરણ પર નજર નાખી, મને એ સામાન્ય લાગ્યું. મેં એને જણાવ્યું, અનુવાદ કરી તો શકાય પણ એને અંગ્રેજીના વાચકો માટે મૂકવું મને યોગ્ય નથી લાગતું. તો કહે, તને ગમતા કોઈ બીજા પ્રકરણનો કર. એટલે મને પ્રશ્ન થયો કે આવી છૂટ આપે છે તો સમ્પાદનનો કેન્દ્રવર્તી હેતુ શું હશે -? એને કયા સાહિત્યપરક આશયે આવા લેખો સમ્પાદિત કરવા હશે? એટલે મેં પૂછ્યું. પણ એનો જવાબ આપવાને બદલે એ મને એમ કહેવા લાગ્યો કે – અમેરિકાના ‘રતલેજ’ પ્રકાશને મને આ સમ્પાદનનું કામ સૉંપ્યું છે. હવે, અમેરિકામાં આ નામનાં બે પ્રકાશગૃહો છે, Routledge Hill press અને Routledge Books. એને કયા રતલેજે એ કામ સૉંપ્યું હશે એ પ્રશ્ન પાસે હું થંભી ગયો. મેં કહ્યું, ભલે, મને રતલેજનું ઇન્વિટેશન માોકલી આપજો.
એ વાતને વરસો થઈ ગયાં, આજ સુધી એઓશ્રી મૂક છે. એઓશ્રીને અમુક પ્રશ્નોના જવાબો આપવાનું ભારે પડે છે એમ એઓશ્રી સાથેના એક બીજા પ્રસંગથી દૃઢ થયેલું.
મને નામોમાં રસ નથી પણ કામો પાછળની પદ્ધતિઓમાં છે, ખાસ છે.
સમ્પાદનના એ પ્રકારને હું ઉત્તમ ગણું છું. કેમ કે સમ્પાદકના બોલ પર તમારું જ પ્રકરણ તમે જ અનુવાદ કરીને આપો ને કશી પણ ચોખવટ ન પૂછો, નિમન્ત્રણ તો માગો જ નહીં, માગો તો મૂંગારો મળે ! તમારા કશા જ વાંક વિના તમારા માટે હીણપતભર્યું પણ એમના માટે કેટલું સરળ ! સરળતમ.
સાહિત્યિક સંસ્થાઓ સમ્પાદનો કરાવતી હોય છે. સાહિત્ય અકાદમી દિલ્હીએ હાથ ધરેલાં સમ્પાદનો માટે મારી બે વસ્તુઓ પસંદ થઈ છે, એક નિબન્ધ અને એક સિદ્ધાન્તલેખ. આ વાતની મને ખબર ન પડત પણ સમ્પાદકો મારા મિત્રોએ તે મને જણાવ્યું. મેં કહ્યું -આ નિબન્ધ તો બહુ પ્રાથમિક દશાનો છે, મને પૂછ્યું હોત તો. મેં કહ્યું – પૂર્વસમ્મતિ? તો કહે – એ કામ તો અકાદમીએ કરવાનું હોય છે. સિદ્ધાન્તલેખોના સમ્પાદકને મેં ક્હ્યું – તેં પસંદ કરેલા મારા એ સિદ્ધાન્તલેખનું પ્રૂફરીડિન્ગ થવું જરૂરી છે. પી.ડી.ઍફ. હશે કે કશીક ટૅક્નિકલ મુશ્કેલીને કારણે એ ન થયું. એટલે મેં કહ્યું કે અકાદમીને કહેજો કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવે.
આ બન્ને સમ્પાદનોની વાતને બેએક વર્ષ થઈ ગયાં. નથી અકાદમી તરફથી મને નિમન્ત્રણ અપાયું, નથી પૂર્વસમ્મતિ માગવામાં આવી; બન્ને સમ્પાદનો પ્રકાશિત થયાં કે કેમ તે પણ હું નથી જાણતો. કેમ કે એની જાણ પણ ત્યારે જ થાય જ્યારે જેને ખબર પડી હોય એ બીજો લેખકમિત્ર તમને જણાવે ! સાહિત્ય અકાદમી, દિલ્હીનો મારો આ અનુભવ પણ શ્રેષ્ઠ કોટિનો નથી લાગતો?
અન્ય સંસ્થાઓ પણ સમ્પાદનો કરાવતી હોય છે. ત્યારે પણ લેખકોને આ જાતની તકલીફો વેઠવી પડે છે. એવા એક ઑનલાઇન સમ્પાદનના સમ્પાદકે મારો એક વિવેચનલેખ લીધેલો તેની ખબર મને ત્યારે પડી જ્યારે એ સમ્પાદન જાહેરમાં મુકાયું. મેં સંસ્થાને લખ્યું કે – આ મારો બહુ પહેલાંનો લેખ છે, એ પછી તો આ વિષયમાં મેં ઘણું લખ્યું છે, સમ્પાદકને કહો કે બીજો લેખ લે. એ તો એમણે ન કર્યું અને તેથી સમ્પાદનના એ પ્રકાશિત પુસ્તકમાં મારો લેખ નથી. મારો શો વાંક?
સમ્પાદકને સમ્પાદનના કોઈક વિશિષ્ટ આશયથી સમ્પાદન કરવાની છૂટ છે. આશય જ સમ્પાદનના સાહિત્યિક મૂલ્યનું કેન્દ્રસ્થ કારણ છે. એ આશયમાં બંધ બેસે એવી લેખસામગ્રી માટે સમુચિત ગણી શકાય તેવા જ લેખકોને નિમન્ત્રણ અપાવું જોઈએ.
સમ્પાદન માટે લેખકને અપાતા નિમન્ત્રણમાં એ આશયની સ્પષ્ટતા હોય, તેમાં તેની સમ્મતિ માગવામાં આવી હોય, જણાવાયું હોય કે લગભગ આ સમયે સમ્પાદન પુસ્તક રૂપે પ્રકાશિત થશે, પુસ્તકની નકલ મોકલવામાં આવશે, આટલો પુરસ્કાર આપીશું, અથવા પુરસ્કાર નથી આપી શકતા. તેમછતાં, કોઈક નિમન્ત્રણમાં આટલી ચોખવટો ભલે ન થઈ હોય પણ લેખક કોઈક મુદ્દા વિશે પ્રશ્ન કરે તો તેનો ઉત્તર વાળવો પડે. આવું નિમન્ત્રણ સમ્પાદક આપે કે સંસ્થા આપે, પણ કોઈપણ સમ્પાદન માટે આવું જ નિમન્ત્રણ જરૂરી છે, અનિવાર્ય છે.
લેખકની એવી સર્વસમ્મતિ પછી જ કામ હાથ ધરાય, તેને બદલે આપણે ત્યાં ઊંધું જોવા મળે છે, ઊંધું એટલે સુધી કે છેક લગી લેખકને જ બાદ રાખવામાં આવે છે. બને કે લેખકને સમ્પાદક વિષયસજ્જ ન લાગ્યો હોય અને એ સમ્મતિ ન પણ આપે. એવી અસમ્મતિને પણ વધાવી લેવી જોઈશે.
કૃતિનાં અન્યો દ્વારા રૂપાન્તરો થાય ત્યારે આ મુશ્કેલીઓ વધશે – જેમ કે વાચિકમ્ વખતે કે કૃતિ પરથી નાટક કે ફિલ્મો બનાવાય ત્યારે. ત્યારે પણ એ રજૂઆતકર્તાઓની સજજ્તાનો પ્રશ્ન થશે – કૃતિને રજૂઆતકર્તા સમ્યક રૂપે પામી શક્યો છે કે કેમ – કૃતિના કર્તાની સૃષ્ટિની જાતભાતથી વાકેફ છે કેમ. આ બધા મુદ્દાઓના સંદર્ભે મૂળ લેખકની સર્વસમ્મતિ માટે પૂર્વસંવાદ અનિવાર્ય છે. આમાં પુરસ્કાર વગેરે બાબતો પણ ઉમેરાશે, કેમ કે રજૂઆત કરનારાઓને ફી અપાતી હોય તો મૂળ લેખકને કેમ નહીં?
વ્યાપક અર્થમાં આ ‘પ્રજ્ઞાપરાધ’ છે. અંગ્રેજીમાં ‘પ્લેજ્યારિઝમ’ કહેવાય છે. પ્લેજ્યારિઝમ એટલે સાહિત્યચોરી. નાના કે મોટા લેખકની સૃષ્ટિમાંથી એ જાણે નહીં એ રીતે કંઈપણ લઈ લેવું તે ચોરી છે. પારકાની સમ્પદાને ચોર્યા પછી પોતાને નામે ચડાવી દેવી એ મહાચોરી છે. કૉપિરાઇટનો કાયદો એટલે તો છે. એ કાયદાનું સૌએ પાલન કરવું જરૂરી છે. પરભાષાના અનુવાદ વખતે તો લિખિત પૂર્વસમ્મતિ અનિવાર્ય છે. એ જ રીતે, સ્વભાષાના પુસ્તકને અન્ય ભાષામાં મૂકતી વખતે પણ મૂળ લેખકની પૂર્વસમ્મતિ અનિવાર્ય છે.
સાહિત્યના અધ્યયનમાં કે પરીક્ષામાં અધ્યેતા કે વિદ્યાર્થી કોઈપણ લેખકનું કંઈપણ અવતરણ રૂપે મૂકી શકે છે, પૂર્વસમ્મતિની જરૂર નથી. પણ ત્યારે એ અવતરણની વીગતો આપવી અનિવાર્ય છે, લેખકનું નામ, પુસ્તકનું નામ, પાનનમ્બર, આવૃત્તિસાલ. અરે ! આ બધું તો અધ્યાપકો વર્ગમાં ભણાવતા જ હશે ને?
આપણે હવે ઇન્ટરનેટ-યુગમાં ૨૧-મી સદીમાં જીવીએ છીએ જેમાં વ્યક્તિ પોતાની અંગત વીગતને ભાગ્યે જ છુપાવી શકે છે. એ સંજોગોમાં, આપણા વ્યવહારો વધુ ને વધુ પારદર્શક હોવા જોઈશે. પારદર્શકતા માટે જરૂરી છે કે વ્યવહારો તર્કપુર:સરના હોય. એ વ્યવહારોની વીગતો જેટલી લિખિત હશે, કરારબદ્ધ, તેટલા એ વ્યવહારો શ્રદ્ધેય લેખાશે. એને ફૅઅર બિઝનેસ ડીલ કહેવાય.
સમ્પાદનો કે પુસ્તકપ્રકાશનો પણ કરારબદ્ધ હોય એવો સદાગ્રહ લેખકોએ તેમ જ પ્રકાશકોએ રાખવો જોઈશે. તો જ એ ફૅઅર ડીલ બનશે. જાણી લો કે ગુજરાતી સિવાયની લગભગ બધી જ ભાષાઓમાં કરાર વિના લેખક કે પ્રકાશક ડગલું યે આગળ નથી ભરતા.
આજકાલ પ્રકાશકો તરફથી એવું જાણવા મળે છે કે સાહિત્યનાં પુસ્તકો વેચાતાં નથી, સાહિત્યનો વેપાર આર્થિક રીતે નફાકારક નથી રહ્યો. આ વાતમાં દમ છે એમ સ્વીકારીએ પછી પ્રશ્ન એ કરવો પડે કે એવાં પુસ્તકો શું કામ કરો છો, ન કરો; અને જો કરો છો તો સરસ કરાર કરો ! લખો ને કે આટલા ટકા જ અથવા ઝીરો રૉયલ્ટી આપી શકાશે. પ્લીઝ, ધ્યાનમાં લો કે આ, ઓછામાં ઓછાં ૪૦ વર્ષથી કશા જ કરાર વિના પુસ્તકો છપાવનાર સુમન શાહ કહે છે !
પણ આપણે ત્યાં કોઈ કોઈ લેખકને પ્રકાશક માટે કરુણા જાગે છે ત્યારે લેખક તરીકેના સ્વમાનને ય બાજુએ મૂકી દે છે અને સામેથી પૈસા આપીને છપાવે છે. આ સહકારી વૃત્તિપ્રવૃત્તિ સારી છે કે કેમ, એ જુદી વાત છે. પણ એ લેખકો પોતાના એ સહકારની વીગતો જાહેર કરશે ખરા? કરશે તો પ્રકાશકો ચલાવી લેશે ખરા? આર્થિક નુક્સાન કે આર્થિક સહકારનો મુદ્દો જ વેપારવિષયક છે, સાહિત્યિક નથી, એટલે વધુ ચર્ચા કરવી વ્યર્થ છે.
વાત એટલી જ છે કે પ્રકાશક કે સમ્પાદક સાહિત્યજગતમાં જરૂરી છે તેમછતાં માત્ર એ જ કારણે લેખકની પુસ્તક વગેરે સામગ્રી એની સમ્મતિ વિના બજારમાં લઈ જવાનો પરવાનો નથી મળી જતો.
હું આશા રાખું કે ગુજરાતી સાહિત્યસમ્પાદનોની તેમ જ પ્રકાશનોની આ દુ:ખદ સ્થિતિનો નાશ થાય અને ગિવ ઍન્ડ ટેકના સ્વસ્થ ડીલની કમર્સિયલ પૅટર્ન પર બધું સરસ ચાલે અને એ રીતે આ વ્યવસાય આધુનાતન ઢબે વિકસ્યો હોય.
યાદ રાખો કે લેખન જ જ્યોતિ છે, પ્રકાશક કે સમ્પાદક એના પ્રકાશને માત્ર પ્રસરાવે છે.
= = =
(08/20/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર