મૂળ લેખ ૨૦૧૧માં ‘અલ્પવિરામ’ વક્તવ્યશ્રેણીમાં ધીરુબહેનના પરિચયરૂપે લખાયેલો. ધીરુબહેનને આ પરિચયમાં મજા પડી હશે કારણ કે એમણે (કદાચ ૨૦૧૬માં) પરિચયલેખકને ખાસ અમદાવાદ નિમંત્રેલાં, ફરી એમનો પરિચય આપવા. એ વક્તવ્ય ‘પરબ’માં પ્રગટ થયેલું. અહીં અનુરૂપ ફેરફારો સાથે પ્રગટ કર્યું છે.
− સં. ‘એતદ્દ’
૨૦૦૩માં સુખ્યાત ચિત્રકાર મિત્ર ભૂપેન ખખ્ખરે વિદાય લીધી. ત્યાર બાદ એમના મિત્રો જ્યારે મળે ત્યારે ભૂપેનની હાજરજવાબી વિનોદવૃત્તિને યાદ કરવાનું ન ચૂકે. વિનોદવૃત્તિ જ ભૂપેનનો ચાર્મ હતો, એમની જીવનસંગિની હતી અને એમની તલવાર પણ હતી.
૨૦૦૫માં હું ધીરુબહેનને મળ્યો ત્યારે શંકા તો ગયેલી પણ ૨૦૧૧માં મિત્ર મનોજ શાહે ધીરુબહેનનું નાટક ભજવ્યું ત્યારે ખાતરી થઈ. મનોજનો ફોન આવ્યો. પૂછે, ‘દોસ્ત, તને નથી લાગતું, ધીરુબહેન વર્ષો પહેલાં મેળામાં ખોવાઈ ગયેલી ભૂપેનની બહેન છે?’ સહી પહચાના મેરે દોસ્ત!
*
અર્થાત્ હાજરજવાબી વિનોદવૃત્તિ ધીરુબહેનનો પણ ચાર્મ છે, એમની જીવનસંગિની છે અને એમની તલવાર પણ! – પણ જ્યાં ભૂપેનની રમૂજ ખડખડાટ હસાવે, ત્યાં ધીરુબહેનની રમૂજ કેટલીક વાર તો એટલી સૂક્ષ્મ હોય કે વાત પતી ગયા પછી બે-પાંચ મિનિટે ટેમ્પરામેન્ટલ ટ્યૂબલાઇટની જેમ અચાનક તમને મરકમરક કરી મૂકે…
દાખલો આપું. ૨૦૧૧માં ‘અલ્પવિરામ’ શ્રેણીમાં વક્તવ્ય આપવાનું નિમંત્રણ આપવા આયોજકો વતી હું ત્રણ વાર, ત્રણ અલગ અલગ તારીખોની વાત લઈને ધીરુબહેનને ઘેર ગયેલો. પહેલી વાર એમણે કહ્યું, ‘મને વિચાર કરવા દો; કાલે સવારે ફોન કરીને જવાબ આપીશ.’ બીજી સવારે બરાબર આઠ વાગ્યે ફોન આવી ગયો કે આ તારીખ એમને નહીં ફાવે. બીજી વાર પણ એ જ થયું. એટલે ત્રીજી વાર ગયો ત્યારે મેં સામેથી કહ્યું, ‘હમણાં નહીં કહેતાં, કાલે સવારે કહેજો. તમને ના પાડવી, ફોન પર વધુ ફાવે છે.’ ત્યારે ધીરુબહેન ધીમું મલક્યાં અને બીજે દિવસે સવારે બરાબર આઠ વાગ્યે ફોન કરીને કહે, ‘શું કરું? મને હા પાડવી પણ ફોન પર વધુ ફાવે છે!’
બીજો દાખલો. તમે જ વિચાર કરો. ધીરુબહેનની જેમ જો તમારા સાહિત્યક્ષેત્રે અસંખ્ય કવિમિત્રો તેમ જ વિવેચકમિત્રો હોય જે મારા કરતાં સાહિત્ય વિશે વધુ વિચારી-બોલી જાણતા હોય અને દરેક મારાથી ક્યાંય બહેતર વક્તા હોય તો તમે મારા જેવા ચિઠ્ઠાધારી બૅકસ્ટેજિયાને કહો? નહીં ને? તમે એવું ના કરો કારણ કે તમે ધીરુબહેન નથી. મારી પાસે ‘અલ્પવિરામ’ શ્રેણીમાં એમનો પરિચય આપવાનું ભાષણ કરાવવું અને પોતે સાંભળવા બેસવું એ ધીરુબહેનની વિનોદવૃત્તિનો એક પ્રકાર છે.
*
ધીરેન્દ્રબાળા પટેલનો જન્મ ૨૯ મે, ૧૯૨૬માં ગાંધીરંગથી રંગાયેલા ઘરમાં થયો. ઘર પોદ્દાર સ્કૂલ, સાંતાક્રૂઝના પડોશમાં, હંસરાજ વાડીમાં, જે ૨૦૧૫ સુધી ધીરુબહેનનું મુંબઈનું નિવાસસ્થાન રહ્યું. ઘેરે બે મોટા ભાઈ. એક ચૌદ વરસ મોટો, બીજો દસ. પિતા ગોરધનભાઈ વાઘજીભાઈ પટેલ મૂળ ધર્મજ ગામના, પણ વર્ષોથી મુંબઈમાં સ્થાયી. વ્યવસાયે પત્રકાર. પહેલાં ‘બૉમ્બે ક્રૉનિકલ’ અને પછી ‘મુંબઈ સમાચાર’ સાથે સંકળાયેલા. માતા ગંગાબહેન સામાજિક કાર્યકર્તા અને આઝાદીની ચળવળમાં સક્રિય. ૧૯૨૬ના અરસામાં જ ગંગાબહેને સાંતાક્રૂઝ સ્ત્રીમંડળની સ્થાપના કરી – જે સંસ્થા આજે પણ વિવિધ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય છે. ગંગાબહેન લેખિકા પણ ખરાં. એમણે ત્રણ ભાગમાં આત્મકથા લખી છે.
માતા-પિતા બંનેને પુત્રી-જન્મનો ખૂબ આનંદ. પિતાએ લાડકડીના કાન વીંધાવવાની ના પાડી. કહ્યું, દીકરી મોટી થઈને નક્કી કરશે. ધીરુબહેનના કાન આજીવન અનવિદ્ધ રહ્યા. આ એ જ ગોરધનભાઈ, જે આઝાદીની ચળવળમાં ગંગાબહેન જેલ ગયાં હોય ત્યારે જરૂર પડે તો પોતાના હાથે રસોઈ રાંધી પત્નીને જેલમાં ડબો આપીને ઑફિસે જવામાં નાનપ ન અનુભવે. કદાચ એટલે જ, સદાયે ધીરુબહેને પોતાને નારીવાદી લેખિકા લેખવાનું ટાળ્યું હતું. ધીરુબહેનને સ્ત્રીમાનસની ઊંડી સૂઝ હતી એ તો એમની કોઈ પણ પુરુષપ્રધાન નવલિકા ઊંચકીને બાર પાનાં ફેરવશો એમાં સમજાઈ જશે … જેમ કે ‘આગંતુક’. તો ધીરુબહેન ખરેખર નારીવાદી લેખિકા હતાં કે નહીં?
*
એમણે લખેલા મારા પ્રિય ગીતનો અંશ ચકાસીએ :
રંગલો :
ધુતારી ગોઝારી અને ઠગારી નઠારી નારી
સામે એની જોતાં લાગે પાપનો ન પાર છે!
ખોટાં કામ કરતાં ન પાછું વળી જુએ જરી
તીણા ને તેજીલા તીખા ખાંડાની એ ધાર છે! (૨)
રંગલી :
ઊછર્યો છે જેના ખોળે પાડ તેનો માને નહીં
ચોરી કરી ચોર કેવો થાય શાહુકાર છે!
રંગલો :
જળ છે ત્યાં સ્થળ અને સ્થળનું કરે તું જળ
શાને કાજે રાખે આવો ખોટેખોટો ખાર છે?
રંગલી :
અવળી અક્કલ તારી સૂઝે નહીં વાત સાચી
નારી એ તો જગતનો સાચો શણગાર છે! (૩)
*
હવે આપણે ધીરુબહેન તરફ નજર નાખીએ … દેખાશે કે એ પહેરતાં ખાદી, પણ ક્યારેય પોતાને ગાંધીવાદી નથી કહેતાં. ઊલટું એ તો કહેતાં કે ગાંધીવિચારધારામાં એમને રસ પડતો કારણ કે બાપુ પોતે ક્યારેય ગાંધીવાદી નહોતા!
આમાં સમજવાનું એ કે કોઈ પણ વાદે કંઈ પણ કરે એ ધીરુબહેન નહીં.
ઉમાશંકર જોશી સંપાદિત ‘સંસ્કૃતિ’ના ૧૯૮૪ના વિશેષાંકમાં એ પોતાના બાળપણની ઝલક આપતાં લખે છે, “કલ્પનાવિહાર અને વાચન – એ બેમાં મારું બાળપણ વીત્યું. સાઇકલ પર બેસીને જુહુને દરિયે એકલી એકલી ફરવા જાઉં પણ તે સામાન્ય પ્રવાસ ન હોય. કંઈ કેટલાય કાલ્પનિક પ્રદેશો વટાવવાના હોય, કેટલાંય જોખમોનો સામનો કરવાનો હોય, ને મોજાંઓની અનંત સવારી સામે ધરતી પર બરાબર મજબૂતીથી પગ ટેકવી રાખવાના હોય. તેવે વખતે કોઈ સાથે હોય તો મને ગમે નહીં. હજી, સાથે હોય તો ચલાવી લઉં પણ બોલે તે તો ન જ ચાલે. મારા એકાંતનો ભંગ થાય છે એવો ખ્યાલ નહીં પણ કલ્પનાસૃષ્ટિ વીખરાઈ જાય તેનું બહુ દુઃખ લાગે. અમે રહેતાં તે હંસરાજ વાડીમાં અનેક વૃક્ષો. એમાં એક મોટું વડનું ઝાડ તે મારો પહેલા નંબરનો મહેલ, દક્ષિણ દિશાએ આવેલી ઘટાદાર આમલી તે બીજા નંબરનો મહેલ અને ઘરની તદ્દન પાસે આવેલી નાની ચીકુડી તે ત્રીજા નંબરનો મહેલ. નિશાળેથી આવીને દૂધ પીવાનું, સ્વચ્છતાની અમુક વિધિઓમાંથી પસાર થવાનું, પછી તરત એક ચોપડી લઈને રાજમહેલમાં જતા રહેવાનું. ઊંચે ચડી, ડાળીઓ પર આરામદાયક રીતે ગોઠવાઈને અંધારું થવા આવે ત્યાં લગી વાંચ્યા કરવાનું …”
જેણે ધીરુબહેનનું એકેય લખાણ વાંચ્યું ન હોય એને પણ આટલું ગદ્ય વાંચીને સમજાય કે પેલી નાનકડી છોકરી મોટી થઈ ત્યારે કેવા મોટા ગજાની લેખિકા બની ગઈ હતી!
*
પોદ્દાર સ્કૂલમાં ભણવાથી અને સાંતાક્રૂઝમાં રહેવાથી, ધીરુબહેનને રામપ્રસાદ બક્ષી, ધનસુખલાલ મહેતા અને ભૃગુરાય અંજારિયા જેવા સાહિત્યશ્રેષ્ઠીઓના સ્નેહ અને સદ્ભાવનો લાભ મળ્યો. પરિણામે, ૧૯૪૩માં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઇન્ટમીડિએટ આટ્ર્સ, બૉમ્બે યુનિવર્સિટીમાં પહેલે નંબરે પાસ થયાં તે પહેલાં ૧૯૪૨ના ‘સંદેશ’ના દીપોત્સવી અંકમાં તેમની પહેલી ટૂંકી વારતા પ્રકાશન પામી હતી. યાદ કરાવું, ત્યારે ધીરુબહેનની ઉમ્મર હતી સોળ વરસની!
૧૯૪૮માં એન્ટાયર ઇંગ્લિશ સાથે એમ.એ. થયાં અને ’૪૯થી ભવન્સ કૉલેજ ચોપાટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. ’૫૧માં હિન્દી વિશારદ થયાં અને ’૫૪માં ભવન્સ કૉલેજમાં જ પ્રૉફેસર તરીકે નિયુક્ત થયાં. ’૫૫માં ધીરુબહેનનાં પહેલાં પુસ્તકોનું પ્રકાશન થયું. એક વારતાસંગ્રહ, ‘આંધળો કૂવો’ અને એક નાટક, ‘પહેલું ઇનામ’.
કોઈને વિચાર આવી શકે … સાહિત્યકાર અને નાટક? – તો તો પેલા બધા વંચાવવા માટે લખતા હોય છે ને અષ્ટમપષ્ટમ … એવું કંઈ હશે. તો અહીં મારે સ્પષ્ટતા કરવી છે, નાટકના એક જીવ તરીકે, કે ધીરુબહેને એકેય ‘સાહિત્યિક નાટક’ નથી લખ્યું. એમણે લખેલી એકેએક કૃતિ વાંચતાંવેંત મંચન માગે એવી છે … આ રીતે લખી શકવું – બીજાના ઉપયોગ માટેનું લખાણ – અભિનેતાઓ, સેટ ડિઝાઇનર્સ, લાઇટ ડિઝાઇનર્સ, દિગ્દર્શકોને ઉપયોગમાં આવે એવું લખાણ લખવું એ કોઈ કાચાપોચા કલમવીરનું કામ નથી. એ માટે એવી આવડત જોઈએ જેનું નામ સાંભળી ઘણા ‘બુદ્ધિજીવીઓ’ બહારથી ભલે મોં મચકોડે, પણ અંદરઅંદર જલી ઊઠે – એ આવડતનું નામ છે કસબ. It takes CRAFT to create a table that is so stable that others can eat at it.
૨૦૧૧માં પંચ્યાસી વર્ષની વયે, મુંબઈ શહેરમાં ધીરુબહેને લખેલાં બે નાટકો ચાલતાં હતાં – બન્ને બાળનાટકો – એક – ‘સૂતરફેણી’ – જે દાયકાઓ પહેલાં લખાયેલું અને બીજું તાજું નાટક – મનોજ શાહ દિગ્દર્શિત ‘મમ્મી તું આવી કેવી?’. મજાની વાત એ છે કે એ નાટક પરથી પછી ગુજરાતી ફિલ્મ આવી ગઈ પછી પણ નાટકના પ્રયોગો અટક્યા નહીં.
*
ધીરુબહેનના મિત્ર કવિ સુરેશ દલાલે સરસ વાત કહેલી : ધીરુબહેન ઇઝ અ લેડી ઑફ ડિસિશન. એક વાર એ નિર્ણય લે પછી શી’ઝ અનસ્ટૉપ્લેબલ!
કેવી ઇનસાઇટફુલ વાત!
સાઠના દાયકાની શરૂઆતનાં અકૅડમિક જીવનમાં ડૂબેલાં ધીરુબહેન ક્રિટિકલ રાઇટિંગ ખૂબ લખતાં. એ સમયનાં ધીરુબહેનની કલમ માણવી હોય તો સોમૈયા કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ દ્વારા પ્રકાશિત, સુરેશ દલાલ સંપાદિત ‘સમિધ-૨’માં છપાયેલો લેખ વાંચી શકાય. પાંચ પાનાંમાં પાંચ સર્જકોની પાંચ કૃતિઓનો ઉત્તમ ગદ્યમાં ફેંસલો કરી નાખ્યો છે.
આ જ અરસામાં રામભાઈ બક્ષી ધીરુબહેનને મળી ગયા. કહે, ‘ધીરુબહેન, હવે બસ. આ દિશામાં આગળ વધશો તો અમારી માફક પંડિત કે વિવેચક થઈ જશો. તમારે એ નથી થવાનું. બહુ સભાન થઈ જશો તો સર્જકતા ખોઈ બેસશો. એ ન કરશો!’
૧૯૬૨માં છત્રીસ વર્ષની વયે ધીરુબહેને ભવન્સ કૉલેજની નોકરી છોડી દીધી અને ફુલ ટાઇમ લખવાનો નિર્ણય લીધો. આ અરસામાં કૃષ્ણવીર દીક્ષિતને મળવાનું થયું. એ કહે, બાવન પ્રકરણની નવલકથા આપો. ધીરુબહેને ક્યારેય નવલકથા લખી નહોતી તોય તેઓ ‘વારુ’, કહીને આવી ગયાં ઘેર. પછી અઠવાડિયાના છ દિવસ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તકનો અનુવાદ કરે અને ગુરુવારે નવલકથાનું એક પ્રકરણ લખે. આ નવલકથા ‘વડવાનલ’ – જેના પ્રકાશનથી ધીરુબહેનની ગણના મહત્ત્વના સાહિત્યકારોમાં થવા લાગી.
૧૯૬૭માં સુરેશ દલાલ ખાર રહેતા અને ઘાટકોપર સોમૈયા કૉલેજમાં ભણાવતા, એ દિવસોની વાત છે. એમને ઘેરે ચર્ચા ચાલતી હતી કે લઘુનવલ કોને કહેવાય. ચર્ચા અધૂરી હતી અને સુરેશભાઈએ કૉલેજ જવા નીકળવાનું હતું એટલે ધીરુબહેન પણ સુરેશભાઈ સાથે વાહનમાં બેસી ગયાં. કૉલેજ પહોંચીનેય ચર્ચા પૂરી નહોતી થઈ. હવે સુરેશભાઈએ ક્લાસ લેવા જવાનું હતું. ધીરુબહેને કહ્યું, ‘તમે મને એક નોટબુક અને પેન આપો અને પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ.’
સોમૈયા કૉલેજમાં સુરેશભાઈની કૅબિનમાં શરૂ થયેલી લઘુનવલ પાંચ દિવસે પૂરી થઈ, નામ – ‘વાંસનો અંકુર’. જાણે ધીરુબહેન કહેતાં હતાં, ‘ચર્ચા છોડો ને, સુરેશભાઈ! લઘુનવલ એટલે આ!’
*
સચિન તેંદુલકરે જેમ ક્રિકેટ ખેલના દરેક સ્વરૂપમાં સેન્ચુરી મારી છે, જેમ કે ટેસ્ટ મૅચ, વન ડે, કે ટી-ટ્વેન્ટી; તેમ જ ધીરુબહેને સાહિત્યના દરેક સ્વરૂપમાં ઓછામાં ઓછી એક સેન્ચુરી તો નોંધાવી જ છે. અનુવાદ હોય કે મૌલિક લખાણ; ટૂંકી વારતા, નવલિકા, લઘુનવલ, નવલકથા, લલિતનિબંધ, અને ખૂબ અંગત એવાં – ધીરુબહેન જ લખી શકે તેવાં – નિબંધ, વિવેચન, સંપાદન. ધીરુબહેને બાર વરસ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ‘સુધા’ સામયિકનું સંપાદન કર્યું હતું, એ પણ પગાર લીધા વિના, ઓનરરિ કેપેસિટીમાં – અને આ બધા તો સાહિત્યના ખેલ થયા – આ ઉપરાંત સચિન બૅટ બનાવવાની ફૅક્ટરી નાખે તેમ, એ પ્રકાશક રહી ચૂક્યાં છે! એટલું જ નહીં પણ પર્ફૉર્મિંગ આટ્ર્સના ક્ષેત્રે – સચિન કથકમાં સેન્ચુરી મારે તેમ – ધીરુબહેને રોડિયોનાટકો અને ટેલિપ્લેઝ લખ્યાં છે, અને સચિન ક્રિકેટ અકૅડમી ખોલે તેમ, બાળનાટકો અને બાળસાહિત્યની આખી દુનિયા ઊભી કરી છે! અને આ પૂરતું ન હોય તો હિન્દી ફિલ્મોને વખોડવાને બદલે સચિન બૅટ બાજુ પર મૂકી, ચૂનો ચોપડી, ‘લગાન’માં આમીરનો રોલ ભજવે તેમ; ગુજરાતી ફિલ્મોને વખોડવાને બદલે ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘વેરની વસૂલાત’, ‘ભવની ભવાઈ’, ‘હેડાહોડા’, અને ‘હારૂન-હરૂન’ જેવી અવૉર્ડવિનિંગ ગુજરાતી પટકથાઓ આપી છે.
*
છેલ્લે કવિતા પર આવીએ. કદાચ બહુ ઓછાંને ખબર હશે કે ગુજરાતી સંગ્રહ ‘છોળ અને છાલક’ પહેલાં ધીરુબહેને અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ આપ્યો હતો, ‘કિચન પોએમ્સ’. ૨૦૧૫માં બૅન્ગલોરનાં અભિનેત્રી પદ્માવતી રાવે એ વાંચીને મારો સંપર્ક કર્યો. એમણે સંગ્રહ તખ્તા પર ભજવવો હતો – એકપાત્રી અભિનય સ્વરૂપે, હું દિગ્દર્શન કરીશ? ત્યારે નાટ્યલેખન સિવાય તખ્તાના દરેક ખાતાથી રિટાયર થયે મારે એક દાયકો થયેલો. મેં પદ્માવતીને પૂછ્યું, ‘હું કેમ?’ તો કહે, ‘તમે ધીરુબહેનને ઓળખો છો, એમના ભાવવિશ્વથી પરિચિત છો, મારે કાવ્યોને ન્યાય કરવો છે. છે કોઈ બીજો દિગ્દર્શક જે આ કામ તમારાથી ચઢિયાતું કરી શકે? નામ સૂચવો. એની પાસે જઈશ.’ આવા ખુલ્લેઆમ મસ્કા કોઈ રૂપાળી સ્ત્રી મારે, પછી ભલભલા પ્રતિજ્ઞાબદ્ધ ઋષિઓની પણ શું વિસાત છે? અને હું ગમે તે હોઉં, ઋષિ તો નથી જ! ૨૦૧૫માં ઓપન થયેલું ‘કિચન પોએમ્સ – પોએટ્રી ઇન પર્ફૉર્મન્સ’ આજે પણ બૅન્ગલોરના તખ્તાને ઉજાળે છે.
*
પણ આ બધાથીય મારે મન મોટી વાત એ છે કે ધીરુબહેન છેક લગી ભાવક રહ્યાં. વિસ્મય માટે એમના જીવનમાં કાયમ અવકાશ હતો. એટલે મારા જેવાને, અધૂરું હોય તો અધૂરુંય લખાણ, શાહી સુકાય એ પહેલાં ફોન કરી ધીરુબહેનને સંભળાવવાનું મન થતું. અને આનંદની વાત એ પણ ખરી કે આવી રીતે ક્યારેક એમનેય નવું લખાણ કે એનો ટુકડો મને સંભળાવવાનું મન થતું!
*
ધીરુબહેનને એટલાં સન્માનો અને અવૉડ્ર્ઝ મળ્યાં છે કે એની યાદી ઉડુપી હોટલના મેનુથીય લાંબી બને. એટલે સંક્ષિપ્તમાં, ધીરુબહેનને ૧૯૮૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૯૬માં ‘દર્શક’ અવૉર્ડ, ૧૯૯૭માં ‘કનૈયાલાલ મુનશી સન્માન’, ૨૦૦૧માં ‘આગંતુક’ માટે નૅશનલ સાહિત્ય અકાદમી અવૉર્ડ, ૨૦૦૨માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘મૂર્ધન્ય સાહિત્યકાર’ અવૉર્ડ, ૨૦૦૩માં નૅશનલ લાઇબ્રેરી કલકત્તાના સેન્ટિનરી સેલિબ્રેશન્સ લિટરરી અવૉર્ડ, ૨૦૦૫માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’, ૨૦૦૭માં સાને ગુરુજી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટનો આંતરભારતીય અનુવાદ અવૉર્ડ, ૨૦૦૮માં સાંતાક્રૂઝ સ્ત્રીમંડળનું સન્માન, ૨૦૦૯માં પદ્મા બિનાની વાત્સલ્યરત્ન પુરસ્કાર, ૨૦૧૦માં પ્રિયદર્શિની અકૅડમી ગુજરાતી સાહિત્ય અવૉર્ડ, ૨૦૧૧માં રામમોહન ત્રિપાઠી સાહિત્ય પુરસ્કાર અને ‘ધર્મજ રત્ન’, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો નર્મદ અવૉર્ડ અને ૨૦૧૫માં દિલ્હી સાહિત્ય અકાદમીનો એમના સમગ્ર બાળસાહિત્ય માટે નૅશનલ અવૉર્ડ. અને હા, ૨૦૦૩માં એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. આજે કૌતુક લાગે, પણ ગુજરાતી સાહિત્યનો એ જમાનો પણ હતો.
*
અંતે, ધીરુબહેને ફોન પર કહેલી નાનકડી કથા મારે કહેવી છે. એક માણસ ટ્રેનમાં બિસ્ત્રાપોટલાં માથે લઈને ચડ્યો. ટ્રેન શરૂ થઈ પણ માણસ માથેથી પોટલાં નીચે મૂકે જ નહીં. આજુબાજુવાળા કહે, નીચે મૂકો ને ભાઈ, ઘણી જગ્યા છે. તો માણસ કહે કે એ તો કેમ મુકાય? આમાં તો મારો આખો સંસાર છે! તો કોઈક કહે, કે ભાઈ, પણ જ્યાં ટ્રેન જાય છે ત્યાં જ આપણે બધાએ જવાનું છે. પણ તોય માણસનું મન એન્જિનડ્રાઇવરને ભરોસે પોટલાંને અળગાં કરવાને માનતું નહોતું … પછી ધીરુબહેન કહે, ‘નૌશિલભાઈ, મારાં પોટલાં ઠેઠ હવે અળગાં કરવાની હિમ્મત આવી છે … જોઈએ, એન્જિનડ્રાઇવર ક્યાં લઈ જાય છે …’
*
એન્જિનડ્રાઇવર પણ ઓછો નથી. ધીરુબહેનની ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે એને ભૂપેનભાઈનો જન્મદિવસ જ જડ્યો!
Bon voyage, Dhiruben!
સૌજન્ય : “એતદ્દ”; 237; માર્ચ 2023; પૃ. 104-110