એક મોડી સાંજે પંકજ કેળવણી મંડળના વિનુભાઈ અમીનની સ્મૃતિ સંધ્યામાં સહભાગી થવાનું બન્યું ત્યારે થઈ આવેલી સહજ લાગણી એ હતી કે સમાજ પાસે એવા શિક્ષક ક્યાં ને કેટલા, જે જાહેર જીવનનાં મૂલ્યો ને મુદ્દાને લઈને અવાજ ઉઠાવી શકે. અગોચર થતાં ગોચરો સહિતની જમીનલૂંટ વિશે હમણાંનાં વર્ષોમાં એક સક્ષમ એવો ગુજરાતી અવાજ આપણે ચુનીભાઈ વૈદ્યમાં જોયો. સ્વાભાવિક જ એવા મોટા પટ પર નહીં, પણ પોતાના સહજ ક્ષેત્રમાં એક ઝુઝારુ સર્વોદયીને નાતે આવી કામગીરી વિનુભાઈનીયે રહી. (ચુનીભાઈ પણ કારકિર્દીની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં મણુંદમાં શિક્ષક સ્તો હતા.)
ગુજરાત પાસે વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવાં ઉદાહરણો યાદ કરવાની કોશિશ કરું છું તો તરત સામે આવતાં બે નામો ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકરનાં છે. કવિ ઉમાશંકર મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તો, પછીથી, ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક અને અધ્યક્ષ રહ્યા. આગળ ચાલતાં વાઈસ ચાન્સેલર પણ થયા. પુરુષોત્તમ ગણેશ માવળંકરે પોતે ચી.ન. વિદ્યાવિહારના છાત્ર હશે એ અરસામાં કે સહેજ આગળ પાછળ ‘હું શું થવા ઈચ્છું છું’ના ઉત્તરમાં શિક્ષક થવાનો ઉચ્ચ અભિલાષ વ્યક્ત કર્યો હતો. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એ રાજ્યશાસ્ત્રના અધ્યાપક થયા અને જાહેર જીવનમાં મતઘડતરની રાજનીતિના લડવૈયા તરીકે ઉભર્યા. માવળંકર અને ઉમાશંકરનાં નામ એકસાથે એટલા સારુ લીધાં કે 1975-77ના ગાળામાં ભરકટોકટીએ ગુજરાતના આ બે અવાજો, ઉ.જો. રાજ્યસભામાં અને પુ.ગ.મા. લોકસભામાં, નરવાનક્કુર ને નિર્ભીક સંભળાયા હતા. ઉમાશંકરનાં એ ભાષણો ‘સમયરંગ’-ગૂર્જરમાં જોવા મળે છે, અને માવળંકરનાં એમેઝોન પર ઉપલબ્ધ છે …‘નો સર!’
શિક્ષણ અને સમાજના વ્યાપક સંદર્ભમાં પુત્ર માવળંકર વિશે વાત કરતે કરતે પિતા માવળંકર – ગણેશ વાસુદેવ માવળંકરનું સ્મરણ થઈ આવ્યું. સામાન્યપણે દાદાસાહેબ તરીકે ઓળખાતા ગ.વા. ભણતા હતા ત્યારે ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો રહ્યા હતા અને દેશે સ્વરાજ સાથે એમને આપણી લોકસભાના પ્રથમ સ્પીકર તરીકે પિછાણ્યા હતા. આ ક્ષણે, અહીં એમને સંભારવાનો આશય એ છે કે ગુજરાત યુનિવર્સિટી રચાઈ રહી હતી ત્યારે પ્રથમ વાઈસ ચાન્સેલર તરીકે વિચારાઈ રહેલાં નામોમાં એમનુંયે હતું. રસપ્રદ વિગત આ સંદર્ભમાં કોઈ હોય તો એ છે કે આ નવી જવાબદારીની તરફેણમાં દાદાસાહેબ સ્પીકરનું પદ છોડવા તૈયાર હતા.
હાલના દોરમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હોવું એ હાડે કરીને કેવી મોટી વાત છે એનો ખાસ ખયાલ જોવા નથી મળતો ત્યારે એ સંભારવું કદાચ નોળવેલ સરખું થઈ પડશે કે ગુજરાત યુનિવર્સિટીના પહેલા વાઈસ ચાન્સેલર પદ માટે વિચારાયેલાં નામોમાં કાકાસાહેબ કાલેલકર અને કનૈયાલાલ મુનશી તેમ નાનાભાઈ ભટ્ટનાં પણ હતાં.
આ નાનાભાઈ, ‘મહાભારતનાં પાત્રો’ના લેખક, એક સ્વતંત્રતાસૈનિક શિક્ષકને નાતે ઢેબરભાઈના પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રના શિક્ષણ પ્રધાન પણ થયા હતા. પણ જેવી પહેલી તક મળી કે તરત છૂટા થઈ એમણે ગ્રામ દક્ષિણામૂર્તિ – લોકભારતીનાં શૈક્ષણિક કામોમાં ગુંથાઈ જવું પસંદ કર્યું હતું. સ્વરાજ પૂર્વેથી ભાવનગર જિલ્લામાં શૈક્ષણિક સેવારત નાનાભાઈ-મનુભાઈનો મિજાજ શો હતો? સામાન્યપણે ઉપયોગી થતા દેશી રાજ્યના તંત્રે કોઈક મુદ્દે અવરોધ કર્યો તો એમણે કહ્યું કે સારી વાત છે. નવરાં પડશું તો તમારાં મૂળિયાં ખોદવા મંડશું. (પેલી ‘પિંક’ ફિલ્મ સાંભરે છે ને? મામલો અસ્મતનો હોય કે અસ્મિતાનો, ‘નો મીન્સ નો!’)
દાદાસાહેબ માવળંકર જેવા શિક્ષકવૃત્તિના હાડે કરીને લિબરલ જણ, પ્રસંગે કેવોક અભિગમ લઈ શકતા એની એક વાત આચાર્ય યશવન્ત શુક્લ પાસે સાંભળી છે. એચ.કે. આર્ટ્સ કોલેજરૂપે એક તબક્કે પ્રતિમાનવત્ નિર્માણ કરનાર યશવન્તભાઈ પૂર્વે વિધાસભામાં કાર્યરત હતા. એ વર્ષોમાં ગુજરાત વિદ્યાસભા(ફાર્બસ અને દલપતરામની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)ના અધ્યક્ષ દાદાસાહેબ હતા. પ્રજાસત્તાકની શરૂઆતનાં વર્ષોમાં રવિશંકર મહારાજ ને ઉમાશંકર જોશી સાથે યશવન્ત શુક્લ પણ ચીનના પ્રવાસે ગયા હતા. એ પાછા ફર્યા ત્યારે એમની ગેરહાજરીના ગાળાનો પગાર આપવો કે કાપવો એવી ચર્ચા ચાલી. ચર્ચાને અંતે પ્રમુખે ઠાવકાઈથી કહ્યું : યશવન્તભાઈને પ્રવાસથી મળેલ જ્ઞાનનો લાભ આપણા વિદ્યાર્થીઓને આપતા આપણે ઓછા કંઈ રોકી શકવાના હતા … તો પછી પગાર ક્યાંથી કાપી શકીએ?
મૂલ્યોનો પ્રશ્ન અલબત્ત ખાંડાની ધારે ચાલવા જેવો હોય છે. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદ માટે મગનભાઈ દેસાઈ અને ઉમાશંકર જોશી વચ્ચે ચૂંટણીમાં પસંદગી કરવાની વાત આવી ત્યારે જેમ મગનભાઈ તેમ મનુભાઈ પંચોળી પણ કાઁગ્રેસમાં હશે. મગનભાઈની ઉમેદવારી પાછળ પક્ષીય આદેશ જેવું પીઠબળ હતું. પણ મનુભાઈ પંચોળીએ એવું વલણ લીધું કે આ જગ્યા (મગનભાઈ સમર્થ છતાં) પક્ષીય આદેશની જગ્યા નથી. એમણે સ્વતંત્ર અભિગમને ધોરણે ઉમાશંકર જોડે રહેવું પસંદ કર્યું. એમના તંત્રીપદે ત્યારે ‘કોડિયું’ પ્રગટ થતું હતું એનો લાભ લઈ ચકોરે કાર્ટૂન પણ કર્યું કે ‘કોડિયું’ કાઁગ્રેસ અને મગનભાઈને દઝાડે છે.
2023ના જૂનમાં આ બધું વારેવારે વાગોળવા જેવું લાગે છે, કેમ કે યુનિવર્સિટીઓ બહુ ઝડપથી સરકારી સંસ્થાનમાં ફેરવાઈ રહી છે. એકચક્રી વિચારઉત્પાદનમાં અધ્યાપનને, ઊંચા પગારધોરણો નાકે નથણી પેઠે સોહે છે. સ્વાયત્ત સંસ્થા પોતે થઈને સરકારી વાઈસ ચાન્સેલર પર ધરાર કળશ ઢોળે એ આ ‘ન્યૂ નોર્મલ’નો સૌથી નજીકનો સાક્ષાત્કાર છે. કીર્કેગાર્ડ બચાડો કબરમાં ઉદ્વિગ્ન ને ઉચાટવશ પડખાં ઘસતો હશે – આ અર્થમાં તો મેં કહ્યું નહોતું કે શરણાગતિથી રૂડી કોઈ પસંદગી નથી!
મહેસુરના વાડિયાર રાજા હિડલબર્ગ ગયા ને લાઈબ્રેરીમાં રસથી ફર્યા. પછી કોઈકે લાઈબ્રેરિયનને એમની ઓળખાણ આપી તો લાઈબ્રેરિયને એકદમ હરખ કીધો – શ્યામશાસ્ત્રીના ગામથી અમારે ત્યાં કોઈ આવે એ કેવી રૂડી વાત છે. ભલે ભાઈ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 જૂન 2023