પૂનાના મરાઠી પરિવારમાં જન્મ્યો એટલે મરાઠી મારી માતૃભાષા છે એ રૂઢ સમજ બરાબર છે. પણ માતૃભાષા વિભાવનાનો મારે મન એક વિશેષ અર્થ છે. મારી માતા(અને મારા પિતા)ને કારણે મને મળેલી, અને મારી મા – માતૃને કારણે મારામાં સારી રીતે સંગોપાયેલી ભાષા તે મારી માતૃભાષા મરાઠી.
મારાં आई અસલ મરાઠી કહેવતોનો ખજાનો હતાં. વાત કરતાં કરતાં તે વારંવાર કહેવતો વાપરતાં. હમણાં 27 એપ્રિલે आईના સ્મૃતિ દિને મેં અમદાવાદમાં રહેતા અમ ત્રણ ભાઈઓના બૃહદ્દ પરિવારના ગ્રુપમાં आई પાસેથી મને મળેલી પાંત્રીસેક કહેવતોની યાદી મૂકી. હું ચૂકી ગયો હતો તેવી પંદરેક કહેવતો મારા બે ભાઈઓએ ઉમેરી, અને મારી દીકરીએ તેની आजीनी બે કહેવતો નાખી.
પછી અમસ્તો જ અમારી એચ.કે. આર્ટસ કૉલેજની લાઇબ્રેરીમાં વી.એન. નરવણે સંપાદિત ચાર ખંડોના વિશાળ भारतीय कहावत संग्रहનાં પાનાં ફેરવતાં વળી મા વાપરતી હોય અને અમે જેને યાદ કરવાની ચૂકી ગયા હતા એવી બીજી દસેક હાથ લાગી.
आई જૂની મૂડી સમા કેટલા ય શબ્દો પણ વાપરતી, જે અત્યારે અરૂઢ ગણાય, અથવા વપરાશની બહાર હોય. તે બધા મરાઠી સાહિત્યની નિવડેલી પહેલાંની કૃતિઓમાં અચૂક જડે. આટલાં વર્ષે આટલે દૂર રહ્યે પણ સાને ગુરુજી કે પુ.લ. દેશપાંડે વાંચતા એ શબ્દો માણી શકું છું એનું કારણ आई.
મા થકી ભાષા બીજી પણ એક અજૂગતી રીતે આવી. મા કામ કરતાં કરતાં રેડિયો પર કેટલાક મરાઠી કાર્યક્રમો અચૂક સાંભળતી. ઉત્તમ ગુણવત્તા ધરાવતા આ કાર્યક્રમો પંદરેક વર્ષ સુધી મારા કાને પડતા રહ્યા છે, અને શ્રવણ એ ભાષા-આકલનનું સહુ પ્રથમ અને પાયાનું માધ્યમ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
आई-भाऊ સવારના મરાઠી સમાચાર સાંભળતા. તેની શરૂઆત ‘अंजनी नरवणे आपल्याला बातमम्या देत आहेत’ (અંજની નરવણે આપને સમાચાર આપી રહ્યાં છે) – એમ થતી.
સિત્તેરના દાયકામાં રેડિયો પર સવારે હંમેશાં સાંભળવા મળતા વાક્યનો 16 ડિસેમ્બર 2019ના દિવસે જુદો સંદર્ભ મળ્યો. સમાચાર એ હતા કે ભારતીય ભૂમિદળના વડા – ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ, તરીકે જનરલ મનોજ નરવણેની વરણી થઈ છે, જનરલ નરવણે એ અંજની નરવણેના પુત્ર.
સમાચાર ઉપરાંત,અઠવાડિયામાં ત્રણ દિવસ प्रपंच નામે પંદર મિનિટનું રેડિયો નાટક આવે. ઘરઘરમાં પ્રિય એવા આ નાટકમાં મધ્યમ વય અને વર્ગનાં દંપતી(પ્રભાકર પંત અને મીના)નો, રોજબરોજના પ્રશ્નો વચ્ચે ચાલતો ઘરસંસાર હળવાશથી આપણી સમક્ષ કેવળ અવાજથી જીવંત થાય, ત્રીજું પાત્ર તે દંપતીના એક મિત્ર ટેકાડે ભાઉજી. હિન્દીના ‘હવામહેલ’ને કંઈક અંશે મળતો આવતો આ કાર્યક્રમ. રેડિયો-નાટક શબ્દ મરાઠીમાં ભાગ્યે જ વપરાય છે, સરસ શબ્દ ચલણમાં છે श्रुतिका.
સવારે અગિયાર વાગ્યે મા कामगारांसाठी નામનો વિવિધ પ્રકારના મરાઠી ગીતોનો કાર્યક્રમ સાંભળતી. ગમતાં ગીતોના શબ્દો મેળવવા માટે અમદાવાદમાં તો કોઈ સાધન હતું જ નહીં, એટલે અનુકૂળ હોય ત્યારે હું કાગળ-પેન લઈને સાંભળતો.
ત્યાર બાદ બપોરે અઠવાડિયામાં ત્રણ દિવસ મહિલાઓ માટેના ‘વનિતામંડળ’, દર પંદર દિવસે ‘ગૃહિણી’ અને દર શનિવારે ‘આપલે માઝઘર’ નામના પોણા કલાકના કાર્યક્રમો આવે. તેમાં અપાર વૈવિધ્ય અને લોકકેળવણી મળે. માહિતીલક્ષી વાર્તાલાપ, શ્રુતિકા, કાવ્યપઠન, ગીતો, વાર્તાકથન, ઇન્ટવ્યૂઝ, સાંપ્રત સમીક્ષાપત્ર ને એવું કેટલું ય. રસોઈને ભાગ્યે જ સ્થાન હોય,તેને હું નિર્માતાની પ્રગતિશીલ સૂઝ ગણું છું.
કાર્યક્રમોમાં ભાષા સહિત તમામ પાસાંની ગુણવત્તા આલા દરજ્જાની. આજકાલ એક કાર્યક્રમ અમારા સ્નેહી પ્રા. જયંત જોશી સાંભળે છે અને મને મને કહે છે Sanjay, you must listen to this Vaneeta Mandal, what quality !’
કિશોરો માટેનો એક કાર્યક્રમ જે આઈને પણ મારી સાથે સાંભળવો ગમતો તે રવિવારે સવારે આવતો ‘ગમ્મત-જમ્મત’. આ કાર્યક્રમ સહિત બધા કાર્યક્રમોની સિગ્નેચર ટ્યૂન્સ મને અત્યારે પણ યાદ છે.
ઇચ્છા હોવા છતાં અનેક કારણોસર મરાઠી વાંચવાનું પ્રમાણમાં ઓછું થતું. મમ્મી સાંભળતી તે આ બધા કાર્યક્રમોએ મને સહજ અને આનંદદાયક રીતે મરાઠી ભાષા સાથે જોડેલો રાખ્યો.
વળી, પાના પર છપાયેલા કે નાના પડદા પર ચિત્રાંકિત ન હોય તેવા, માત્ર શ્રાવ્ય, શ્રવણીય સ્વરૂપમાં પણ ઉત્તમ મરાઠી ભાષા અનેકવિધ લહેંકા-લઢણો, રજૂઆતો, શબ્દોના ઐશ્વર્ય અને સૌંદર્ય સાથે મારામાં ઊતરતી રહી. શ્રેય आईને.
आई રોજ સાંજે હાથ-પગ-મોં ધોઈને, ફરીથી ચોટલો વાળીને તૈયાર થઈને ભગવાન આગળ દીવો કરતી (દીવો કરવાની એની વળી જુદી જ કલા!). પછી અમને પ્રાર્થના કરાવે, તેને માટે મરાઠીમાં परवचा નામનો શબ્દ રૂઢ છે.
परवचाમાં ‘शुभंकरोति कल्याणम…’, ‘शान्ताकारम भुजंगशयनम..’, અને ‘वक्रतुंड महाकाय…’ શ્લોકો અને रामरक्षा स्तोत्र સંસ્કૃતમાં, અને બીજા કેટલાંક મરાઠી સંસ્કાર-ભક્તિ મુક્તકો તેમ જ સમર્થ રામદાસના કેટલાક मनाचे श्लोक હોય. બધાંમાં સ્પષ્ટ ઉચ્ચાર, ઘૂંટાયેલો લય અને અપાર માધૂર્ય. परवचाનું એ સંધ્યામંગલ ટાણું મનમાં હંમેશાં જ જાગતું હોય છે.
કેટલાં ય વર્ષોથી ધર્મ, જાતિ, ભગવાન, કર્મકાંડ આ બધી ભાંજગડોમાંથી બહાર આવવાની મથામણ છે, ફુલે – આંબેડકર – ભગતસિંહની વિચારપ્રણાલીમાં મારી સમજ અને મર્યાદા મુજબ માનું છું.
‘ટાઇમ્સ’ના નોંધપાત્ર કૉલમિસ્ટ સ્વામિનાથન્ ઐયર પાસેથી મને મળેલા, અને કેટલાંક જેની સાથે અસંમત હોય તેવા શબ્દ liberal atheist તરીકે ઓળખાવવાનું પસંદ કરું છું; ત્યારે પણ કેટલીક વાર દીવાટાણે એકલા એકલા आईની પાસેથી આવેલું परवचा બોલવાનું બહુ ગમે છે. નાભિસંબંધ એટલે આ જ હશે ને ?
અમારો પરિવાર કોકણસ્થ બ્રાહ્મણ. વર્ષો લગી એનો વસવાટ અત્યારે પણ આ સમુદાયના ગઢ ગણાતા શનિવાર-સદાશિવ-નારાયણ પેઠ નામના રહેણાંક વિસ્તારમાં. આ પરિવારો અત્યારે પણ બીજી ઘણી બાબતોની જેમ મરાઠી ભાષાની બાબતમાં આગ્રહી, ક્યારેક દુરાગ્રહી પણ ખરા.
પુ.લ. દેશપાંડેએ એક માતબર લલિત નિબંધમાં લખ્યું છે તેમ, शुद्ध मराठी या नावाची (એ નામની) एक पुणेरी बोली એ આ કોકણસ્થ બ્રાહ્મણો થકી ઊભી થયેલી. મારાં आई કોકણસ્થ પરિવારના વિમલ તામ્હણકર.એટલે ભાષા મૂળભૂત રીતે રૂઢ અર્થમાં ધોરણસરની.
તેમાં ય એક જમાનામાં કોકણસ્થોનું પ્રભુત્વ ધરાવતી અને અત્યારે પણ ખૂબ પ્રતિષ્ઠિત એવી હુજૂરપાગા કન્યાશાળામાંથી મૅટ્રિક થયેલી. તેણે એસ.ટી.સી. – સેકન્ડરી ટીચીન્ગ કોર્સ નામનો કોર્સ પણ કરેલો.
પૂનાના વસ્તારી કુટુંબના કપરા ઘરસંસારમાં, મોટા ભાગની ભારતીય મહિલાઓની, आईનું વાંચવાનું અટકી ગયું હોવું જોઈએ. જો કે 1971થી 1978 લગી અમારા અમદાવાદના મેઘાણીનગરના અમારા ઘરે આવતાં ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અખબાર અને ‘કિસ્ત્રીમ’ તરીકે જાણીતાં ‘કિર્લોસ્કર’-‘સ્ત્રી’-‘મનોહર’ માસિકો, મારાં માટેનાં ‘કિશોર’ અને ‘ચાંદોબા’ (મરાઠી ‘ચાંદામામા’) વાંચતી.
કેટલુંક મારી પાસે વંચાવતી, વાંચનમાં થતી ભૂલો સુધારતી. અઠવાડિયામાં ચાર દિવસ તેણે શોધેલા કે લખાવેલા ફકરાઓનું સ્લેટ પર ‘શુદ્ધલેખન’ (સુલેખન) કરવાનું, તેમાંની ભૂલો એ સુધારે, જો કે સમજાવી ન શકે. શુદ્ધલેખન અને ઘડિયા લખ્યા પછી ‘ખાઉ’ મળે.
भाऊ એમ.જે. લાઇબ્રેરીમાંથી મરાઠી પુસ્તકો લાવતાં. બપોરે આડી પડીને आई તે વાંચવા લાગતી, ને વાંચતાં વાંચતા સ્વાભાવિક રીતે જ સૂઈ જતી. મારી આ આદત એની પાસેથી આવી હોવી જોઈએ.
आई ગુજરાતીમાં સ્વયંશિક્ષિત. અડોશ-પડોશ, કામવાળા અને ફેરિયાવાળા સાથે વાત કરતાં કરતાં અહીંની ભાષા શીખી. ‘ગુજરાત સમાચાર’માંથી મોટા સમાચાર વાંચતી. પપ્પા છાપેલું-લખેલું ગુજરાતી બરાબર સમજે, પણ બોલે એટલે હસાવે. પૂનાથી આવીને ગુજરાતમાં ચાળીસ વર્ષ વીતાવવા છતાં आई-भाऊ અમારાં ઘરમાં મરાઠી અને માત્ર મરાઠી જ બોલતાં, પૂનાનું મરાઠી.
आई નિરાંતે થોડાં થોડાં પુસ્તકો વાંચતી થઈ એ તો તેની હરવા-ફરવાની ક્ષમતા ઘટી અને પથારીવશ થવા લાગી ત્યારે. એને હું હળવા ગદ્યના ટૂંકા લેખોના સંચયો આપતો, જેમાંથી તે તેની મરજી મુજબ વાંચતી.
‘નવગુજરાત સમય’માં આવતા મારા લેખો તેનાં સમય અને શક્તિ મુજબ તેની સંભાળ રાખનારાં નાનુબહેનને વાંચી સંભળાવતી. સાવ પથારીવર્ષ વર્ષોમાં પણ તે પુસ્તકો વાંચવાની કોશિષ તો કરતી, અને ખબર નહીં કેમ પણ અંગ્રેજી અખબાર ‘અમદાવાદ મિરર’ના પહેલાં પાને આવતા ટેમ્પરેચરના આંકડા તે ખાસ છાપું તેની પાસે મગાવીને જોતી !
મારા લેખો-અનુવાદો છપાય છે, તેનું મારા આખા બૃહદ્દ પરિવારને ગૌરવ. પુસ્તકની પહેલી પ્રત आईને પગે લાગીને આપવાની. મેં લખેલી બે પરિચય પુસ્તિકાઓ અને મારા ત્રણ અનુવાદિત પુસ્તકોની એક-એક નકલ તેના કબાટમાં રાખતી.
એમાંથી કેટલાક હિસ્સા એણે વાંચ્યા પણ હતા. ક્યારેક તે એમાંથી એકાદ મૂળ પુસ્તક પણ મારી પાસે મગાવતી. કદાચ ચકાસવા માગતી હશે કે માતૃ – ભાષાના પુસ્તકને દીકરો હવે જે એની પહેલી ભાષા (first language) બની ગઈ છે એમાં બરાબર લઈ ગયો છે કે નહીં!
મળી માતૃ – ભાષા મને મરાઠી !
માતૃદિન, 12 મે 2024
(1,100 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર