અમ ત્રણ ભાઇઓના आई એટલે કે મમ્મી અન્નપૂર્ણા એ અર્થમાં પણ હતાં કે તે અન્નનો મહિમા પૂર્ણ રીતે સમજતાં. તેનો એક પણ દાણો ન વેડફાય તે એમનો આદર્શ હતો.
વાસણો ઘસવા આપતાં પહેલાં आई તેને ચોખ્ખાં કરતાં. વાનગી મોટાં વાસણમાંથી નાના વાસણમાં કાઢતી વખતે ચમચી કે બીજા કોઈ સાધનનો નહીં, પણ જમણા હાથનો ઉપયોગ કરતાં – ચાર આંગળીઓનાં ટેરવાં ભેગાં રાખીને, વાસણની દિવાલ અને તળિયેથી શાકનો રસો ને એ બધું નજાકતથી લઈ લેતાં. અમારે ત્યાં તેલનો વપરાશ ગુજરાતના પ્રમાણમાં ઓછો. તળવાનું પૂરું થાય એટલે તળણની કઢાઈને રોટલી કે લોટથી સાફ કરીને ચોખ્ખી કરી દેવાની.
રસોડું જ મંદિર, એમાં ભકિત-પૂજામાં ઉતાવળ ભાગ્યે જ કરવી પડે. રાંધવાનું બધું ધીમા તાપે જ, એટલે વાસણ ક્યારે ય બળતાં નહીં. વાસણ બળે, દૂધ ઊભરાય, ઘી ઢોળાય તો આઈ દુ:ખી દુ:ખી થઈ જાય.
જમવાનું પૂરું થાય એટલે થાળી બિલકુલ ચોખ્ખી કરવાની પાકી ટેવ મમ્મી-પપ્પાએ અમને પાડી હતી. થાળી ચોખ્ખી કરવામાં અમારી ક્યારેક હરીફાઈ થતી. દાળ-શાકનાં વાસણો એક એક જણ રોટલી કે હાથથી ચોખ્ખાં કરતા.
આ રીતે બધાં વાસણને ઘસવા આપતાં પહેલાં સ્વચ્છ કરી દેવાતાં. પછી આઈ મોટા વાસણમાં નાનું વાસણ એમ કરીને, એમાં પાણી રેડીને એકદમ કૉમ્પૅક્ટલી ગોઠવીને ચોકડીમાં નળ નીચે મૂકતાં.
વાસણોને ઘસવા આપતાં પહેલાં ચોખ્ખાં કરવાનાં અનેક ફાયદા – અન્નનો દાણો ય ન વેડફાય, પાંત્રીસેક વર્ષથી અમારા ઘરે કામ કરનારા કાન્તિભાઈને વાસણ ઘસવામાં તકલીફ ઓછી પડે, પાણી ઓછું વપરાય, કામમાં સમય ઓછો લાગે.
મોઢે માંડીને વપરાતાં હોય તેવાં વાસણ એટલે કે પ્યાલાં, પવાલી, વાટકી, ગ્લાસ, ચમચી, કપ-રકાબી આઈ જાતે સિંકમાં જ ધોતાં. ધોયેલાં વાસણ ઊંધા મૂકવાની પણ ખાસ રીત – જે સપાટી ઊપર ઊંધા કરીને મૂકવામાં આવે તે સપાટી અને વચ્ચે સહેજ જગ્યા (ગૅપ) રાખવાની.
મધ્યમ વર્ગના અમારા પરિવાર માટે દૂધ-ઘી મર્યાદિત હતાં. તેનું એકેક ટીપું સાચવવાનો નીમ હતો. તપેલીમાંનું દૂધ પૂરું થયાં પછી તપેલીની તળછટ ચમચી કાઢીને ખાઈને, ઓછું હોય તેમ તપેલીનાં તળિયું અને દીવાલ આંગળીથી ચાટીને, દૂધની તપેલીઓ ચોખ્ખી કરવામાં અમ ભાઈઓએ વિશેષ પ્રવીણતા પ્રાપ્ત કરી છે. અને હવે વર્ષોથી અછત નથી તો ય જળવાઈ છે.
માખણને તાંસળીને ઘી બનાવ્યાં પછી તપેલીમાં ‘બળી’ બને. તેના રંગ પરથી ઘી કેવુંક બન્યું છે તેનો અંદાજ આવે. એ બળી પણ તવેથીતી ઊતારીને તેમાં ઘી કે ગોળ નાખીને ખાવાની. ઘરનાં દૂધ-મેળવણ-દહીં છાશ-માખણ થકી ઘી અઠવાડિયે એક વાર બને.
એટલે બળી ખાવામાં ભાઈઓના વારા હોય. બળી આઈ જ કાઢીને આપે, કેમ કે બળીવાળી તપેલી (તલછટ કાઢતી વખતે દૂધની તપેલી અમે એંઠી થતી તેમ) એંઠી થાય એ ચાલે નહીં, તેમાં ઉનું પાણી નાખીને તે પાણી લોટ બાંધવા માટે વાપરવાનું હોય.
ગરમ વાસણ ઊતારવા માટે બને ત્યાં સુધી સાણસીનો નહીં પણ મસોતાનો ઉપયોગ કરવાનો. રસોઈ બનાવતી વખતે હાથ લૂછવા માટે અને વાસણ લૂછવા માટે સૂતરાઉ કાપડના અલગ અલગ ટુકડા વપરાય. વળી તે પણ ઘરની જૂની ચાદર, નહાવા માટેનાં જૂનાં રૂમાલ જેવાંનું કટિંગ કરીને બનાવેલાં. આ ત્રણેયને વળી ધોવાં નહીં આપવાનાં, દરરોજ જાતે ધોવાનાં. દરેકની બે જોડી હોય.
કામ ચાલુ હોય ત્યારે ય રસોડું ખાસ વિખરાયેલું ન હોય. એણે બનાવેલી રસોઈની, એ બનાવવાની રીતની તો વળી અલગ જ વાત.
જમવાનું ને એ બધું પૂરું થયાં બાદ બપોરે ને રાત્રે આઈ ઢાંકોઢૂબો કરે. એ પછી જે વ્યવસ્થિત ચોખ્ખુંચણક રસોડું દેખાય કે જોયાં જ કરીએ, આજે મનોમન પગે લાગું.
અમારાં आई વિશે કેટલાં ય સંભારણાં છે. તે આવતાં દિવસોમાં આ જગ્યાએ લખતાં રહેવાનો મનસૂબો છે.
આજે અમારાં आईનો ચોથો સ્મૃતિદિન છે.
Aai – 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર