જ્યોતિભાઈ દેસાઈની આ કિતાબ ‘નિશંકપણે જવાબદાર’ (યજ્ઞ પ્રકાશન, વડોદરા), કંઈ નહીં તો પણ સન બયાલીસના વારાથી જલતા જિગરની સાહેદીરૂપ છે. ક્યારેક સ્વરાજસંગ્રામનો વીંછુડો ડંખતાં ડંખ્યો, અને ગાંધી-વિનોબા-જે.પી.-કૃપાએ, સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં પણ એ ડંખે કેડો ન મેલ્યો તે ન જ મેલ્યો. આમ તો જ્યોતિભાઈનું પ્રત્યક્ષ સાધનાક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે. પણ ઉત્તરોત્તર એનો સંદર્ભ કેવળ સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણને વટી જઈને નવા અને ન્યાયી સમાજ માટેની વિશ્વમથામણનો બની રહ્યો છે.
શિક્ષણકર્મી જ્યોતિભાઈ સંમત થશે જ કે વીસમી સદીની એક મોટી શોધ માદામ મોન્ટેસોરીનો બાળકો સાથેનો પ્રેમાળ અને અહિંસક (એથી સૃજનશીલ) શૈક્ષણિક અભિગમ છે. સમાજકર્મી જ્યોતિભાઈ વધુમાં એ પણ ઉમેરશે કે વીસમી સદીની એવી જ બીજી મોટી શોધ તે ગાંધીએ સમાજપરિવર્તન માટે અહિંસાનું જે શસ્ત્ર અને શાસ્ત્ર વિકસાવ્યાં તે છે. કદાચ, આ બેઉ વાનાં એક જ સિક્કાની બે બાજુ જેવાં છે, કે પછી એક સળંગસૂત્ર પ્રક્રિયા.
વિશ્વમાનવતાને સારુ આ નવો સૃજનધક્કો જીરવવો સહેલો નહોતો ને નથી તે કહેવાનું ન હોય. તમે ગાંધીનો કિસ્સો જ જુઓને ! આટલો મોટો શાંતિચાહક-શાંતિસાધક જડ્યો ન જડે. પણ નોબેલ સ્તરે જીવતેજીવત એને શાંતિ પારિતોષિક આપી પારિતોષિકને ખુદને ગૌરવ ન આપી શકાયું તે ન જ આપી શકાયું. શાંતિની જે એક વ્યાપક વ્યાખ્યા ગાંધીજીવનમાંથી ઊઘડતી આવી એમાં ન્યાયનો ખ્યાલ અનુસ્યૂત હતો. એ શાંતિચાહક હતા, પણ નકરા પરંપરાગત શાંતિવાદી (પેસિફિસ્ટ) નહોતા. સંસ્થાનવાદ સામે અહિંસક માર્ગે પણ રણોદ્યત એ હતા જ. યુરોપને માટે (રોમાં રોલાં તરેહના જમાતજુદેરા અપવાદો બાદ કરતાં) પોતાની સામે લડનાર શાંતિચાહક સોરવાય શાનો ! જો કે, કહે છે કે, સન સુડતાલીસ ઊતરતે (બિહાર, બંગાળની કામગીરી જોતાં) નોબેલ પેનલે ગાંધી માટે મન બનાવી લીધું હતું. પણ ૧૯૪૮ના જાન્યુઆરીમાં ગાંધીજી ગયા, અને મરણોત્તર તો અપાય નહીં. ૧૯૪૮માં કોઈને પણ શાંતિ પારિતોષિક ન અપાયું એનું રહસ્ય કદાચ આ વિગતમાં છે. આ જ ગાંધી ઘરઆંગણે કેટલાકને ન સોરવાયા. કેમ કે એ પૂરતા (અને ચોક્કસ અર્થના) રાષ્ટ્રવાદી નહોતા. પ્રગતિશીલ માનવતાને ધોરણે નિત્યવિકસનશીલ ગાંધીજીવનની આ એક ઉદાત્તભવ્ય કરુણિકા છે.
આ પુસ્તક પાછળ જ્યોતિભાઈના લેખન-ધક્કાને એના ખરા ને પૂરા અર્થમાં સમજવા વાસ્તે આટલી પ્રાસ્તાવિક વાત કરી છે. ધક્કો, દેખીતો તો, એમણે કહ્યું છે તેમ સેતલવાડે ‘બીયોન્ડ ડાઉટ’ની ભૂમિકાએ ગાંધીહત્યા બાબતે કરેલી આકર દસ્તાવેજી રજૂઆતનો છે. પણ “બીયોન્ડ ડાઉટ – અ ડોસિયર ઑન ગાંધીજી એસેસિનેશન”ના સારસર્વણે જ્યોતિભાઈ અટક્યા નથી. એમણે આપણી સ્વાતંત્ર્યચળવળનાં મૂલ્યો, ‘ભારત’ વિષયક રવીન્દ્ર દર્શન, વિવેકાનંદની વિચારણા વગેરે પૂરક ને સંસ્કારક સામગ્રી જોગવીને આખી ચર્ચાને ગાંધીહત્યા પાછળના કાવતરામાત્રમાંથી બહાર કાઢીને નવી દુનિયામાં ભારતની સાર્થક ભૂમિકા સારુ વ્યાપક વિચારવિમર્શરૂપે ઉપસાવી આપી છે.
તીસ્તાબહેન અને જ્યોતિભાઈએ કરેલી સિલસિલાબંધ વિગત રજૂઆતથી જે સમજાઈ રહે છે તે તો એ કે ગાંધીહત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીધી સંડોવણી ટેકનિકલી સાબિત ન થઈ હોય તો પણ તેની જવાબદારીમાંથી એ પરબારો મુક્ત થઈ શકે તેમ નથી. નથુરામ ગોડસેનું સંઘસંધાન પાછલાં વરસોમાં નહોતું એવું એક વિધાન થતું રહ્યું છે. પણ ગોપાલ ગોડસેએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે નથુરામે અને અમે સંઘને બચાવી લેવાની કાળજી રાખી હતી. એવું જ એમણે વિશેષરૂપે તાત્યારાવ (સાવરકર) વિશે પણ કહ્યું છે. ચોક્કસ વ્યક્તિની જુબાની લેવાઈ હોત તો સાવરકરની સંડોવણી સાબિત થઈ શકી હોત એવું કપૂર કમિશનનું કહેવું છે. ગાંધીહત્યા વિષયક ચુકાદાને કપૂર કમિશનના હેવાલની સાથે મૂકીને વાંચતાં આ બધી વિગતો સુપેરે સ્ફુટ થઈ રહે છે.
જ્યાં સુધી ભાગલાના સ્વીકારનો સવાલ છે, એક પાયાની વિગત એ છે કે વચગાળામાં લીગ સાથે મળીને સરકાર ચલાવતા વાસ્તવવાદી વલ્લભભાઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે સાથે રહેવું અને રાજ ચલાવવું શક્ય નથી. ગૃહ પ્રધાન પટેલ કરતાં વડા પ્રધાન નહેરુની છાપ જુદી નહોતી. વલ્લભભાઈનું લોહપુરુષત્વ અને નહેરુનું નેતૃત્વ આ સંદર્ભમાં પોતાની લાગણીઓને તેમ ગાંધીજીને ય એક ચોક્કસ ક્ષણે બાજુએ રાખી ભાગલાનો સ્વીકાર કરતાં જોવા મળે છે. સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ધારામાં (બલ્કે, સમાંતર ધારામાં પણ) નાખી નજરે નહીં જણાતા સંઘે પશ્ચાદ્વર્તી ધોરણે સઘળું સમુંનમું કરવાની ગણતરીએ સરદારને બાકી કૉંગ્રેસ નેતૃત્વથી અલગ તારવી સંઘે પોતાના જાહેર કરવાનો ઉધામો ખાસો કીધો છે. પણ ભાગલાના નિર્ણય પર પહોંચવામાં વલ્લભભાઈની જવાબદારી હતી તે હતી.
વિચારધારાની રીતે જોતાં કિસાન પટેલ અને બૌદ્ધિક નહેરુ, વાસ્તવવાદી પટેલ અને આદર્શવાદી નહેરુ, બેઉ પોતપોતાની રીતે હિંદુ રાષ્ટ્રના ખ્યાલ સાથે અસંમત રહ્યા છે. આ ખ્યાલને વલ્લભભાઈએ એમની નો-નોન્સેન્સ ઢબે ‘પાગલ ખ્યાલ’ પણ કહ્યો છે. નહેરુએ સંઘ પર પ્રતિબંધ મૂક્યો અને સરદારે પ્રતિબંધ ઉઠાવ્યો, એવાં સરલીકરણ સંઘ પરિવારને ફાવતાં આવે છે. સરદારે એમને કૉંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું એ પણ હોંશે હોંશે (જરી વધુ જ યાદ રાખીને) સંભારે છે. માત્ર, પ્રતિબંધ ઉઠાવવા માટે સરદારે (સરકારે) રાષ્ટ્રધ્વજ અને બંધારણ સહિતની બાંહેધરીઓ માંગી લીધી હતી, એ એને ક્યાંથી યાદ હોય ? અને કૉંગ્રેસમાં જોડાવું એટલે એના બંધારણની મર્યાદામાં રહેવાનું અને એના રાજકીય વિચારો સ્વીકારવાના એનું શું ?
પણ જ્યોતિભાઈની તપાસ એકતરફી નથી. ખંત અને ખાંખતથી જોતાં-તપાસતાં એમણે તે વખતની બંને કૉંગ્રેસ સરકારો (મુંબઈ, જેમાં મોરારજીભાઈ આગળ પડતા હતા) કાવતરાની જાણ થવા છતાં પૂરી તપાસ અને પૂરી ચોંપમાં ઊણી ઊતરી હતી એ પણ દર્શાવ્યું છે. ગાંધી ગયા પછી, એક તબક્કે હૃદયરોગના હુમલાથી મૃત્યુદ્વારેથી પાછા ફરેલા સરદારનો ઉરબોલ કે “દાક્તર, મને કેમ બાપુ પાસે જતા રોક્યો ?” રાજપુરુષો અને રાજનીતિપટુઓના જે કોઈ કોઈ ઉદ્ગારો વિશ્વસાહિત્યમાં જઈ શકે તે પૈકીના છે. પણ ચાણાક્ષ અને દક્ષ વહીવટકારોએ ખાધેલું ગોથું એ ઇતિહાસવસ્તુ છે. ચૂક તે ચૂક, ઠીક જ કહ્યું છે જ્યોતિભાઈએ.
જો કે, જ્યોતિભાઈનાં દુખણાં લેતે છતે આ પ્રાસ્તાવિક વચનોને અહીં જોગવેલ દસ્તાવેજી સામગ્રી અને ‘નિ:શંક’ના દાયરામાં સીમિત નહીં રાખતાં એકબે આનુષંગિક વિચારમુદ્દા પણ ચર્ચાવા-ચીંધવા ઇચ્છું છું. ૧૯૭૬માં કટોકટીકાળે અમે સૌ મિસામાં હતા ત્યારે કોઈ સંઘી-જનસંઘી સાથી ભારે મુગ્ધતા ને અહોભાવપૂર્વક ગોડસેના અદાલત સમક્ષના નિવેદનના ફકરાના ફકરા બોલતા તે આ લખું છું ત્યારે સાંભરી આવે છે. સાથે, એ પણ સાંભરે છે કે જેલબદલી વખતે વિદાય વચનોમાં અમારે ભાગે એક જનસંઘ અગ્રણી તરફથી એવાં આકરાં વચનો પણ આવ્યાં હતાં કે “અત્યાર સુધી હું એમ માનતો હતો કે આખરી જંગ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે લડાશે. પણ હવે મને એમ લાગે છે કે આખરી જંગ અમારી અને સર્વોદયવાળાઓ વચ્ચે લડાશે.” ગાંધીના કોઈ કોઈ ચરિત્રકાર, ગઈ સદીનો પહેલો દસકો ઊતરતે લંડનમાં હિંદી વિદ્યાર્થીઓની વિજયાદશમી સભામાં સાવરકર અને ગાંધી એકમંચ હતા ત્યાંથી ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મી લગીના સમયગાળાને સળંગસૂત્ર જોવું પસંદ કરે છે, એ અહીં સ્મરણીય છે. સાવરકરના વક્તવ્યનો સૂર દુર્ગાદશ-પ્રહરણધારિણીનો હતો, ગાંધીનો સમ થોડીકેક સીધીસાદી વાતો વાટે રામના મર્યાદા પુરુષોત્તમપણા પર ઠર્યો હશે. એકમાં પ્રાચીન ગૌરવપૂર્વક રાષ્ટ્ર-રાજ્યની વિજીગીષુ વૃત્તિનો ટંકાર હશે, બીજામાં માનવસભ્યતાનાં ધારાધોરણો અને વિકસનની ચિંતા હશે. આ બંને વક્તવ્યોના સારને મેં જાડી રીતે, અને વાજબી કારણોસર જ અવતરણ-ચિહ્નો વગર મૂક્યો છે. પણ જે વિચારરૂખ ગાંધીહત્યા સુધી પહોંચી શકી એનું એક આરંભચિત્ર એમાં જરૂર મળી રહે છે.
વસ્તુત: ‘હિંદુત્વ’ અને ‘હિંદ સ્વરાજ’ બે જુદાં જ દર્શન છે. હિંદુત્વ પ્રાચીન ગૌરવ અને પશ્ચિમવિકસ્યું ‘રાષ્ટ્ર-રાજ્ય’ લઈને ચાલે છે. ‘હિંદ સ્વરાજ’ જણે જણે ભોગવવાના સ્વરાજને ધોરણે એક પ્રજાપરક અભિગમ લઈને ચાલે છે. એક સાંસ્થાનિક સામ્રાજ્યવાદના સંદર્ભમાં ઘડાયેલ સંકીર્ણ રાષ્ટ્રવાદી ધારા છે, તો બીજી પશ્ચિમની સમાંતર ઉદાર વિચારધારા ટોલ્સ્ટોય, થોરો, રસ્કિન આદિને આત્મસાત્ કરીને આગળ ચાલતી અને રાષ્ટ્રીય લડતમાં પડતે છતે વિશ્વમાનવતાને તાકતી ધારા છે. ભારતમાં રોપાયેલી છતાં બંધાયેલી નહીં એવી આ ગાંધીધારા છે.
એક બાજુ ગાંધીમાં રહેલા ‘હિંદુ’ને રાજનીતિને હિંદુત્વરૂપે ઇસ્લામ આદિ જેવું સેમેટિક સ્વરૂપ (ખરું જોતા વિરૂપ) આપી ગાંધી અને હિંદુધર્મ બંનેની સર્જનાત્મક સંભાવનાઓ ખતમ કરતી સંઘ માનસિકતા આમૂલ પુનર્વિચાર માગી લે છે. કંઈક અંશે સંવિદ સરકારોના દોરમાં તો ઠીક ઠીક અંશે ૧૯૭૪-’૭૭ના જે.પી. જનતા પર્વમાં ખીલી શકતી શક્યતાઓ અયોધ્યા જ્વર અને ગુજરાત ૨૦૦૨ સાથે નજર સામે અળપાઈ ગયા છતાં લિબરલ લોકમત કંઈક વ્યામોહવશ પેશ આવતો હોય તો એને ઝંઝેડીને જગાડવા સારુ આ કિતાબ એકદમ સમયસરની છે. એક વાર આ રીતે પણ કરપીણ મુગ્ધતા તૂટે તો આગળ વધુ વિચાર અને ચિંતનની શક્યતાઓ ખૂલે. નેવું નાબાદ જ્યોતિભાઈની આ દિલી કોશિશને વધાવતાં બીજું તો શું કહું, સિવાય કે I am happy to bask in your glory – or, shall I say, your light !
જૂન ૨૨, ૨૦૧૬
(‘નિશંકપણે જવાબદાર’ માંથી ટૂંકાવીને)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 21-22