-1-
‘ઘોડું દરબારી અને કડબ પરભારી !’

રમેશ સવાણી
સામંતશાહી / દરબારશાહી / રાજાશાહી કેટલી ખતરનાક હતી તે સમજવા માટે સૌરાષ્ટ્રનો પ્રથમ સત્યાગ્રહ સમજવો પડે. 27 નવેમ્બર 1929ના રોજ કાઠિયાવાડના દેશી રાજ્યોમાં (મૂળ રાજકોટ જિલ્લાના) મોરબી જિલ્લાના માળિયામિયાણા તાલુકાના ખાખરેચી ગામમાં ખેડૂતોએ પ્રથમ માથું ઊંચક્યું.
રાજા-ઠાકોરની નીતિ કોઈપણ રીતે પરિશ્રમી લોકોને નીચોવવાની હતી. માળિયાના ઠાકોર રાયસિંહજી સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા, પણ લોકોનું શોષણ કરવામાં પાછી પાની કરતા નહીં. લોકો દેશી રાજ્યની અને અંગ્રેજ રાજ્યની બેવડી ગુલામી ભોગવતા હતા.
શા માટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાની જરૂર પડી? ખેડૂતોની માંગણીઓ શું હતી? એ સમયે ખેડૂતોની સ્થિતિ ગુલામ જેવી હતી. રાજ્યની વેઠ કરવી પડતી. રાજા ઈચ્છે તેવા કર લાદતા. પોતાના પુત્ર-પુત્રીના લગ્ન પ્રસંગે ફરજિયાત ચાંદલો ઉઘરાવવામાં આવતો. રાજ્યના ઘોડાઓ માટે કડબ / નીરણની વ્યવસ્થા કરવી પડતી. કહેવત પડી હતી કે ‘ઘોડું દરબારી અને કડબ પરભારી !’ ગામમાં રાજ્યનો ઉતારો હોય ત્યારે દૂધ, છાણાં પૂરા પાડવાં પડતા. રાજ્યના મહેમાનો માટે ગાદલાં-ગોદડાં આપવા પડતા. ક્યારેક તો તે પાછા પણ મળતા નહીં. રાજાના અધિકારી કહે એટલે ગાડાં લઈને વેઠ કરવા જવું પડતું. તેનું કોઈ વળતર મળતું નહીં. રાજના ભાગની ઉપજ પહોંચાડવી પડતી. જૂના મકાનમાં બારી / બારણું મૂકે તો ‘હવા-કર’ લેવાતો ! રાજા-ઠાકોરનો ત્રાસ તો હતો, પણ રાજના નોકરોનો મોટો ત્રાસ રહેતો ! કોઈ ખેડૂત ખેતરમાં રીંગણા શેકે અને તેનો ધૂમાડો પસાયતો જોઈ જાય તો પણ ખેડૂતને હેરાન કરવામાં આવતો ! ખેડૂતોને દંડ થતો, જમીન જપ્ત થતી. તેને હદપાર કરવામાં આવતો. આઝાદી સમયે ભારતમાં કુલ 565 રજવાડા હતા. તેમાંથી સૌરાષ્ટ્રમાં કુલ 222 રજવાડા હતા; તેમાં 14 સેલ્યુટ રજવાડા, 17 નાના રજવાડા, 191 નાના અને બિન-સેલ્યુટ રજવાડા હતા. રજવાડા જેટલા નાના તેટલો ત્રાસ વધુ હતો.
ખેડૂતોએ રાજ્ય સમક્ષ લેખિતમાં માંગણીઓ મૂકી હતી, પરંતુ રાજ્યે માંગણીઓ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ખેડૂતોની કુલ-10 માંગણીઓ હતી :
[1] મગફળી-માંડવીની વસૂલાત જે ધોરણે 1915 પહેલા થતી હતી, તે જ ધોરણે ચાલુ રાખવી. વધુ વસૂલાત કરવી નહીં. કાલા માટે આ વરસથી અને બીજી ઉપજ માટે આવતા વરસથી વસૂલાત કરવી.
[2] રાજ્યને દૂધ, કડબ, છાણાં આપવા નહીં.
[3] ગાદલાં, ગોદડાં રાજ્યને શુભાશુભ પ્રસંગે જરૂર પડે ત્યારે પહોંચ આપીને આપવા. ખોવાય તો વળતર આપવું.
[4] ચોમાસા સિવાય, આઠ મહિના ગાડાંની વેઠ આ સંજોગોમાં કરવી : (A) રાજના શુભાશુભ પ્રસંગે કરવી. તે માટે ભથ્થું સવા શેર મીઠાઈ. (B) રાજભાગ એક જ વખત ગામમાંનો ગામમાં ખેંચી આપવો. બહાર છ ગાઉ ખેંચી આપવો. તે માટે ભથ્થું સવા શેર મીઠાઈ. (C) વીડીનું ઘાસ ખેંચી આપવું. સવા શેર મીઠાઈનું ભથ્થું. (D) રાજ્યના કામે અથવા રાજ્યના મહેમાનો માટે ગાડાં જોઈએ તો ગાઉ એકના ભાડાના બે આના તથા સવા શેર મીઠાઈનું ભથ્થું. ઉપરના પ્રસંગો સિવાય કોઈ પણ સંજોગોમાં વેઠ કરવી નહીં.
[5] રાવળા (જૂના) મકાનને નવું બારણું પાડે તો કોઈ કર લેવો નહીં.
[6] નિર્વંશને નામે 20થી 22 આસામીની જમીન ખાલસા ગણી હતી તેને સાકાર ઠરાવી છે, રકમ પૈકી જે લેણું છે તે રદ કરવું.
[7] યુવરાજશ્રી તથા મોટા કુંવરીબાના લગ્ન પ્રસંગે જે ભારે ચાંદલો લેવાય છે તે અનુક્રમે રુપિયા 15 તથા 10 રાખવો.
[8] જીનિંગ પ્રેસિંગ ફેકટર અંગે નીચેની સ્થિતિ જોઈએ : (A) કપાસ જીનિંગ કરવાનું જે ફરજિયાત ધોરણ છે તે મરજિયાત રાખવું. એટલે હાથચરખો બેસાડનાર બેસાડી શકે. (B) જીનિંગનો ભાવ પ્રથમ નવ આના છ પાઈ હતો, માટે હવે લગભગ તેટલો જ રાખવો. (C) પ્રેસનો ભાવ વેપારીના કારખાનાં જેવા કે વાંકાનેર, મૂળી, લખતર અને રાણપુર એમ ચાર ગામની સરેરાશ જેટલો રાખવો.
[9] મેમ્બર પટેલ ન રાખતા પ્રજા પોતાના કામ માટે પોતાના પટેલ નીમી લેશે.
[10] લડત શરૂ થયા પછી ચાલુ પ્રકરણને અંગે નીચેની માંગણીઓ મંજૂર રાખવી : (A) થયેલ દંડ રદ કરવા. (B) જપ્ત થયેલ મિલકત પાછી સોંપવી. (C) મૂળજી ગંગારામ પટેલની સામે બે નોટિસ કાઢવામાં આવી છે તે રદ કરવી. (D) હદપારીના હુકમો રદ કરવા. (E) ચાલુ પ્રકરણના ઓઠાં હેઠળ કોઈના પર દંડ કે બીજી કોઈ જોહુકમી ગુજારવી નહીં.
આ દસ માંગણીઓ બિલકુલ વ્યાજબી હતી છતાં ઠાકોર રાયસિંહજીને આ માંગણીઓમાં પોતાનું અપમાન લાગ્યું ! તેમણે વિચાર્યું કે “પોતાના ગુલામ એવા ખેડૂતો આવી માંગણીઓ કેમ કરી શકે? એમની હિંમત કેમ થઈ? આવી માંગણીઓ સ્વીકારું તો આવતી કાલે રાજનાં બીજાં ગામડાંઓ પણ માંગણીઓ મૂકે ! આનો ચેપ બીજા દેશી રજવાડાઓની પ્રજાને પણ લાગે !”
રાજા રાયસિંહજી ધૂંઆપૂંઆ થઈ ગયા. એમનો જુલમ શરૂ થયો.
-2-
‘વેઠે જવું ન હોય તો જમીન ઓરડા ખાલી કર. હદ છોડી જા !’
લોકશાહીમાં આંદોલન કરવું અલગ છે અને સામંતશાહી / રાજાશાહીમાં આંદોલન કરવું એ તદ્દન જુદી વાત છે.
26 નવેમ્બર 1929ના રોજ ખાખરેચીના ખેડૂતોએ રાજ્યના જુલમ સામે લડી લેવા પ્રસ્તાવ મંજૂર કર્યો અને મરવા સુધીની તૈયારી બતાવી. રત્ના કરસનના ઘેર બેઠક મળી. આ આંદોલનના સેનાપતિ મગનલાલ પાનાચંદ હતા. તેમણે ખેડૂતોને સમજાવ્યું કે ‘રાજ્ય તરફથી જુલમ થશે, ઉપજ જપ્ત કરશે, જમીન જપ્ત કરશે, મારઝૂડ થશે. જેલમાં પૂરશે.’ રાજ્યના જુલમથી ગળે આવી ગયેલા ખેડૂતોએ બધું સહન કરવાની તૈયારી બતાવી અને પ્રસ્તાવ પર સહીઓ કરી.
બીજે દિવસે ઠાકોર રાયસિંહજીને ખબર પડી. વાતાવરણ તંગ બન્યું. ઠાકોર સાહેબનું તેડું લઈને પોલીસ આવી. ખેડૂતોને ખાખરેચીના જડેશ્વરના બંગલામાં નોતરવામાં આવ્યા.
ઠાકોર રાયસિંહજીએ કહ્યું : “મારે તમારી જરૂર નથી. હું બીજા ખેડૂઓને બોલાવી લઈશ. તમે રાજ્યનું કરજ ભરી દો અને ઉચાળા ભરો. આ રાજ્ય છોડીને જતા રહો. જુવાર, બાજરો વગેરે અનાજથી ભરેલ ખળાવાડ પર પહેરો મૂકો. એક લખાણ-ગુલામી ખત તૈયાર કરો. જે સહી કરે તેવા રાજ્યભક્ત ખેડૂતોને જ ખળાવાડમાં જવા દેવાશે.”
ખેડૂતો ઠાકોર સાહેબને તાકી રહ્યા. એક પણ ખેડૂતે ગુલામી ખતમાં સહી કરી નહીં. ખેડૂતો 24,000 મણ જેટલું અનાજ ખળાવાડમાં છોડીને ગામમાં આવતા રહ્યા. બીજી તરફ ખળાવાડના અનાજની ચોરીઓ થવા લાગી. કાળી મહેનતની કમાણી રૂપ અનાજ ધૂળધાણી થવા લાગ્યું. 57 દિવસ સુધી ખેડૂતો ખળાવાડમાં ગયા નહીં. દરમિયાન માવઠું થતાં અનાજ પલળીને ઊગી નીકળ્યું. પણ ખેડૂતો નમ્યાં નહીં.
સત્યાગ્રહના સેનાપતિ મગનલાલ પાનાચંદ કપાસના વેપારી હતા. ઠાકોર સાહેબે કપાસ પર વેરો વધાર્યો. મગનલાલે વેરો ભરવાનો ઈન્કાર કર્યો, એટલે એમનો કપાસ અટકમાં લેવાયો. વરસાદમાં કપાસ પલળી જતા રૂપિયા 60,000નું નુકસાન થયું છતાં મગનલાલ ઝૂક્યા નહીં. આ બહુ મોટું નુકસાન હતું કેમ કે એ સમયે એક તોલા સોનાની કિંમત રૂપિયા 18 હતી.
ઠાકોર રાયસિંહજીએ જડેશ્વરના બંગલામાં ફરી 300 ખેડૂતોને બોલાવ્યા. ખેડૂતો ગયા સાથે મગનલાલ પણ હતા. મગનલાલને જોઈને ઠાકોર સાહેબનો પિત્તો ગયો : “આ મગનલાલ ખેડૂત નથી, વેપારી છે. એ તોફાની છે. ખેડૂતો તો મારા દીકરા છે !”
મગનલાલે કહ્યું : “ઠાકોર સાહેબ ! ઉદાર બનો, જુલમ ઓછા કરો.”
ઠાકોર સાહેબે મગનલાલને ચૂપ રહેવા કહ્યું. એ સમયે ખેડૂત જેરામ જેઠા અને ભવાન ઓધાએ વિનંતિ કરી : “ઠાકોર સાહેબ, વેઠ ઘણી છે. રાજ્યના રસોડે બે મણ દૂધ મફત જાય છે. ગાળોની રમઝટ સાથે રાજ્યના દરેક કામમાં વેઠ કરાવાય છે. વેઠના ત્રાસના કારણે કેટલાક ખેડૂતો ગામ છોડીને જતા રહ્યા છે.”
ઠાકોર સાહેબે મિજાજ ગુમાવ્યો : “મારો સાલાઓને !” ખેડૂતો ઊભા થઈ ચાલવા લાગ્યા. રાજાનો હુકમ છતાં પોલીસે લાઠીચાર્જ ન કર્યો. કદાચ ખેડૂતોને ધમકી આપવાનો જ આ પેંતરો હતો. પરંતુ પોલીસે મગનલાલને અટકાયતમાં લીધા. તેમને એકાંતમાં ઠાકોર સાહેબે કહ્યું : “મગનલાલ ! આ ખેડૂતોને સમજાવી દો તો તમને લાભ કરી આપીશ !”
મગનલાલે કહ્યું : “ઠાકોર સાહેબ ! ઉદાર બનો. મારે કંઈ લાભ નથી જોઈતો. આ ખેડૂતોની વેઠ ઓછી કરો !”
ધૂંધવાતો અગ્નિ હવે જ્વાળામાં પલટાઈ ગયો હતો. કોટવાલ તરફથી ખેડૂત પુના મોતીને ગાંડું વેઠે લઈને માળિયા જવાનો હુકમ મળ્યો. પુનાએ ઈન્કાર કર્યો.
કોટવાલે કહ્યું : ‘વેઠે જવું ન હોય તો જમીન ઓરડા ખાલી કર. હદ છોડી જા !’
છતાં પુનાએ મચક ન આપી. વાત ઠાકોર સાહેબ સુધી પહોંચી, તો પુનાને રૂપિયા 25નો દંડ કર્યો ! પુનાએ દંડ ભરવાનો ઈન્કાર કર્યો એટલે ઘરમાં જપ્તી થઈ. ખાવાનું અનાજ વસૂલ કરીને હરરાજી કરતા રૂપિયા 12 વસૂલ થયા. 13 રૂપિયા બાકી રહ્યા. એટલે પુનાને હદપારનો હુકમ મળ્યો !
આવા જુલમો વધતા ગયાં. આ સ્થિતિમાં શું કરવું તેનું માર્ગદર્શન લેવા મગનલાલ તથા ભવાન ઓઝા વઢવાણ ગયા. ત્યાં કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી ફૂલચંદ શાહ, દેવચંદ પારેખ, મોહનલાલ સંઘવી, મણિભાઈ કોઠારીને મળ્યા. ખાખરેચી જુલમની વાત કરી. ખેડૂતોના સત્યાગ્રહની વાત કરી. નેતાઓએ ખાખરેચી ગામની મુલાકાત કરી આંદોલનને દિશા આપવાનું નક્કી કર્યું.
વઢવાણના નેતાઓ ખાખરેચી ગામે આવવાના છે એની જાણ થતાં ઠાકોર સાહેબનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેમણે ખેડૂતોમાં ભાગલા પડાવવાની નીતિ અમલમાં મૂકી. અમુક ખેડૂતોને માનમરતબાથી બોલાવીને પ્રલોભનો આપ્યા. પણ ખેડૂતો અણનમ રહ્યા. રાજ્યના ગુલામી ખતમાં સહી કરવા એક પણ ખેડૂત તૈયાર થયો નહીં.
7 ડિસેમ્બર 1929ના રોજ, ફૂલચંદ શાહ (અવસાન : 30 ઓગસ્ટ 1941) અને સ્વામી શિવાનંદજી ખાખરેચી આવ્યા. ગામલોકોએ જોરદાર સામૈયું કર્યું. ફૂલચંદ શાહ અને સ્વામી શિવાનંદજી પાસે બારડોલી સત્યાગ્રહ(ફેબ્રુઆરીથી ઓગસ્ટ 1928)નો અનુભવ હતો. ફૂલચંદ શાહ પ્રસિદ્ધ ક્રાંતિગીત ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે, શૂરા જાગજો રે કાયર ભાગજો રે …’ના સર્જક હતા. શિવાનંદજી સ્વાતંત્ર્ય સૈનિક હતા અને ‘વાવે તેની જમીન’ની નીતિના સમર્થક હતા. (વઢવાણ પાસેના મુંજપર-ફૂલપર ગામના પોતાના આશ્રમમાં 28 એપ્રિલ 1951ના રોજ રાત્રે એક ગરાસદારે ગોળી મારી તેમની હત્યા કરી હતી. એમના સૂવાના ઓરડામાં એક સૂત્ર તેમણે લખ્યું હતું : ‘કિસ્મત ક્યાંથી કે ભારત હિત કાજે કાયા ઢળે !’ ભગવા કપડાં ધારણ કરતા સ્વામી શિવાનંદજી પાસે બે ધોતિયાં / બે કફની અને 400 રૂપિયાથી ઓછી બચત હતી !)
પણ બીજી તરફ અકળાઈ ઊઠેલા ઠાકોર સાહેબે પોતાનો દાવ ગોઠવવા માંડ્યો !
-3-
આખા ગામને જેલમાં ફેરવી દીધું !
ઠાકોર રાયસિંહજીએ ખાખરેચીના ખેડૂતોને / સત્યાગ્રહીઓને બરાબર પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. પોતાના રાજ્યમાં ગાંધીવાદીઓ આવીને અશાંતિ અને અરાજકતા ઊભી કરે છે, એમ માની કડક પગલાં લેવાની તેમણે યોજના બનાવી.
પોલીસ મારફતે ગામ લોકોને ધમકાવવાનું શરૂ કર્યું. ફૂલચંદ શાહ અને સ્વામી શિવાનંદજી ખાખરેચીમાં મગનલાલ પાનાચંદના ઘેર રોકાયા હતા. પોલીસે મગનલાલને કહ્યું : “તમારે ઘેર પરદેશી મહેમાન આવ્યા છે તેને વળાવો, નહીંતર જોવા જેવી થશે !”
મગનલાલે ઈનકાર કર્યો. પોલીસે ફૂલચંદ શાહ પર દબાણ કર્યું કે અહીંથી જતા રહો. ફૂલચંદભાઈએ કહ્યું : “અમે પરદેશી નથી. અમે રાજહિતને કોઈ નુકસાન કરતા નથી.”
ખેડૂતો ભેગા ન થાય તે માટે પોલીસે મગનલાલને ઘરની આસપાસ પહેરો ગોઠવી દીધો. પોલીસે ભયનું વાતાવરણ ઊભું કર્યું.
બીજે દિવસે ફૂલચંદભાઈએ મંદિરમાં ખેડૂતોને બોલાવ્યા અને વિગતો મેળવી. રાત્રે રતના કરસનના ઘેર સૌ ભેગા થયાં. ફૂલચંદભાઈએ લડતના જોખમો સમજાવ્યા. ખેડૂતોએ મક્કમતા દર્શાવી. ફૂલચંદભાઈએ લડત માટે 18 આગેવાનો પસંદ કર્યા : (1) ભવાન ઓધા (2) વાલજી ઉકરડા (3) પ્રાગા તરસી (4) જેરામ જેઠા (5) કરસન નારણ (6) મેઘજી જેરામ (7) કલા વિરજી (8) માલા હાજી ઘાંચી (9) ગંગારામ બેચર (10) નથુ હંસરાજ (11) નથુ મૂળજી (12) મૂળજી વાલા (13) ભાણજી કુંવરજી (14) દેવજી રતના (15) ટપુ દેવકરણ (16) રામજી લવજી (17) પુજા મોતી (18) રતના કરસન.
એ સમયે પોલીસ હવાલદાર આવ્યો અને તેણે ગુસ્સે થઈને કહ્યું : “હરામખોરો શું કરો છો? કેમ કાવતરાં ઘડો છો?”
રતના કરસનના માતા ધોળીબાએ હવાલદારને સંભળાવી દીધું : “અહીંથી જતા રહો. તમને ઠીક લાગે તે કરજો.” પછી ખેડૂતોને કહ્યું : “મરદ થાવ. આ પોલીસને બહાર કાઢો !”
મામલો બગડે તે પહેલાં હવાલદાર એમના માણસો સાથે રવાના થઈ ગયો.
ખાખરેચી લડતનો દોર હવે કાઠિયાવાડ રાજકીય પરિષદના હાથમાં હતો. ફૂલચંદ શાહ, મગનલાલ પાનાચંદ અને ભવાન ઓધા અમદાવાદ જઈને ગાંધીજી અને સરદાર પટેલને મળ્યા. ગુજરાત પ્રાંતિક સમિતિ તરફથી ખાખરેચી સત્યાગ્રહને મંજૂરી આપવામાં આવી. ગાંધીજીએ ફૂલચંદ શાહને ચેતવ્યા : “ધ્યાન રાખજો, દેશી રાજ્ય છે !”
ગાંધીજીએ ‘નવજીવન’માં ખાખરેચી સત્યાગ્રહ વિશે લેખ લખ્યો. અખબારોમાં ખાખરેચી સત્યાગ્રહના સમાચારો પ્રસિદ્ધ થયાં. લોકોમાં જાગૃતિ પ્રગટી.
ઠાકોર રાયસિંહજી મૂંઝવણમાં મૂકાયા. બે રસ્તા અપનાવ્યા. એક તરફ ધાકધમકી અને બીજી તરફ સમાધાન ! ઠાકોર સાહેબના વહિવટદાર હરભમજીએ સત્યાગ્રહના આગેવાનો સાથે વાટાઘાટ આદરી.
વઢવાણમાં કાઠિયાવાડ સત્યાગ્રહ દળની મિટિંગ થઈ. પહેલી ટુકડી ખાખરેચી મોકલાઈ. તેમાં ફૂલચંદ શાહ, કીરચંદભાઈ કોઠારી, રતિલાલ સોમાણી, શારદાબહેન વગેરે હતાં. તેમનો ઉતારો મગનલાલ પાનાચંદના ઘેર હતો. ગામમાં અનાજ વિના મુશ્કેલી ભોગવતા માણસોને અનાજ પૂરું પાડવામાં આવ્યું. રાતે ગામના ચોરામાં સભા બોલાવી. ત્યાં ફોજદાર આવ્યો અને તાડૂક્યો : “બહાર ગામના માણસો ! તમે અહીંના ખેડૂતોને ઉશ્કેરવાનું બંધ કરો. અહીંથી ટળો. નહીંતર જોવા જેવી થશે !”
ફૂલચંદ શાહે કહ્યું : ”અમે અહિંસક છીએ. શાંતિમય માર્ગે સત્યાગ્રહ કરવાના છીએ. તમે અમારી સભામાં વિક્ષેપ ન પાડો !”
દરમિયાન વધારે પોલીસ આવી ગઈ. ફોજદારે કહ્યું : “તમારો સત્યાગ્રહ અને તમારો ગાંધી જાય ભાડમાં ! હરામખોરો !”
‘સૌરાષ્ટ્ર’ અખબારના પ્રતિનિધિ હરગોવિંદ પંડ્યાને પોલીસ પકડીને ઠાકોર સાહેબ પાસે લઈ ગયા. ઠાકોર સાહેબે તેમને ભયંકર ગાળો ભાંડી.
સભા વિખરાઈ ગયા પછી ખેડૂતો ઘેર ગયા તો પોલીસે મકાનોને બહારથી સાંકળો વાસી દીધી ! જેથી કોઈ બહાર નીકળી શકે નહીં ! રાતે કોઈ કુદરતી હાજતે નીકળે તો પોલીસ લાઠીચાર્જ કરે ! આખા ગામને જેલમાં ફેરવી દીધું ! મોરબી અને જામનગરથી વધારાની પોલીસ મંગાવી.
બીજા દિવસે ફૂલચંદ શાહને ઠાકોર સાહેબનું તેડું આવ્યું. ફૂલચંદભાઈ અને મગનલાલ પાનાચંદ ઠાકોર સાહેબને મળ્યા. ઠાકોર સાહેબે સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો પણ શરત મૂકી કે ફૂલચંદ શાહે ગામ છોડીને જતા રહેવું.
ફૂલચંદભાઈએ કહ્યું : “ખેડૂતો સાથે સમાધાન કરો. હું ગામ છોડીને જતો રહીશ.”
ઠાકોર સાહેબે ખાખરેચી ગામના ઘરડા ખેડૂતોને બોલાવ્યા. પરંતુ ઘરડા ખેડૂતોએ 18 યુવાન સત્યાગ્રહીઓને બોલાવવા માંગણી કરી.
ઠાકોર સાહેબ તાડૂક્યા : “એ 18 સત્યાગ્રહીઓ નથી, હરામખોરો છે, કાફર છે !”
દિવાને ઠાકોર સાહેબને સમજાવ્યા. 18 સત્યાગ્રહીઓને બોલાવ્યા. ઠાકોર સાહેબે કહ્યું : “શું તમે સત્યાગ્રહીઓ મારું રાજ્ય પડાવી લેશો? તમારો મગનલાલ અને ફૂલચંદ તમને ન્યાલ કરી દેશે? હું રાયસિંહજી, કોઈને નમું નહીં. ભલે મારું રાજ્ય જાય ! જાવ તમે કુમાર હરિચંદ્ર સાથે વાત કરો.”
એ પછી બીજા ઓરડામાં કુમાર હરિચંદ્ર સાથે વાત થઈ. પણ આ તો સમજપૂર્વકની છેતરપિંડી હતી. કુમાર હરિચંદ્રે કહ્યું : “હમણાં બાપુ કહે તેમ કરો. મારા હાથમાં રાજ આવશે ત્યારે તમારી માંગણીઓ મંજૂર કરીશ !” સમાધાનની મંત્રણા ભાંગી પડી.
ખેડૂતો નિરાશ થઈ ઘેર પહોંચ્યા, ત્યાં ઠાકોર સાહેબનું ફરી તેડું આવ્યું. ખેડૂતો ફરી ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયા. ઠાકોર સાહેબે ગાળોની રમઝટ બોલાવી, પછી તાડૂક્યા : “તમને બધાને હું મિયાણાં પાસે મરાવી નાખીશ. દલિતો પાસે તમારા લબાચા કઢાવીશ. તમારી દશા જોવા જેવી કરી દઈશ. તમારા મગનલાલ અને ફૂલચંદ તમારા રાજા છે. જાવ એની પાસે, રાહત માંગો !”
-4-
રાજાઓને ડર હતો કે જો સત્યાગ્રહીઓનો વિજય થશે તો આપણો વારો પણ આવશે !
ખાખરેચી ગામના ખેડૂતોએ માળિયાના ઠાકોર રાયસિંહજી સામે સત્યાગ્રહ શરૂ કર્યો તે તો વેઠ ઓછી કરવા માટે હતો. શોષણ અટકાવવા માટે હતો. રાજા લોકોને પ્રજા જ માનતા અને પ્રજાએ રાજાને વફાદાર રહી સેવા કરવી જોઈએ, તેવી સામંતવાદી માનસિકતા હતી. રાજા પાસે અમર્યાદિત સત્તા હતી. તે બોલે તે કાયદો અને ન્યાય. ‘Power corrupts, absolute power corrupts absolutely – સત્તા ભ્રષ્ટ છે, સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટ હોય છે.’ આ સિદ્ધાંત મુજબની સ્થિતિ આખી દુનિયામાં જોવા મળે છે. રાજાઓ પોતાની અમર્યાદ સત્તાઓનો દુરુપયોગ ન કરે તેવું ભાગ્યે જ બને. રાજ્ય લોકો પાસેથી મફત દૂધ / કડબ / છાણાં / લાકડાં મેળવે. ગાદલાં-ગોદડાં મેળવે. પોતાની ખેતીનું કામ છોડીને બળદ-ગાડું લઈને દરબારી વેઠ કરવા જવું પડે. મકાનમાં નવું બારણું મૂકે તો ટેક્સ ચૂકવવો પડે. યુવરાજ અને કુંવરીબાના લગ્ન પ્રસંગે ફરજિયાત ચાંદલો લખાવવો પડે. બદલામાં ગાળો ખાવાની, અપમાન સહન કરવાનું ! દંડ ભરવાનો, કર વસૂલાત માટે જપ્તી થાય, હદપારી થાય. ખેડૂતો / શ્રમજીવીઓ જાણે રાજ્ય માટે જ જીવતા હોય તેવી સ્થિતિ હતી.
ખાખરેચી સત્યાગ્રહના કારણે ઠાકોર સાહેબને ઊંઘ આવતી ન હતી. તેમણે દરબારી અધિકારીઓને / પોલીસને છૂટો દોર આપ્યો હતો. પોલીસે ફૂલચંદ શાહ અને તેમની ટુકડીને રાત્રે દસ વાગ્યે ગિરફતાર કરી. કડકડતી ઠંડીમાં તેમને ખટારામાં નાખી, હળવદ તાલુકાના વાંટાવદરની હદમાં ઊતારી મૂકવામાં આવ્યા !
એ જ રાત્રે મગનલાલ પાનાચંદને દોરડાથી બન્ને હાથ બાંધી પગે ચલાવતા ચલાવતા માળિયા જેલમાં પૂરી દીધા. મગનલાલના માતા ધાબળો આપવા આવ્યાં તો પોલીસે ધાબળો આપવા ન દીધો. અઢાર સત્યાગ્રહી આગેવાનોને પણ જેલમાં પૂર્યા.
ખાખરેચી ગામમાં પોલીસે લોકોને મારઝૂડ શરૂ કરી. 35 લોકોને બરાબર ઝૂડી નાખ્યાં.
જેલમાં અઢાર સત્યાગ્રહીઓને વહિવટદારે હુકમ ફરમાવ્યો : “ભવાન ઓધા / ભાણજી કુંવરજી / માલા હાજી / લાલજી ઉકરડા / નારણ કરસન – આ પાંચને હદપાર કરવામાં આવે છે. તેમની જમીન રાજ્યમાં ખાલસા કરવામાં આવે છે. તેઓ હવે રાજ્યના ખેડૂત રહ્યા નથી માટે તાત્કાલિક અહીંથી ચાલ્યા જાવ ! રાજ્યનું કરજ એમની મિલકતમાંથી વસૂલ કરવામાં આવશે. અઢારેય જણાની આ દશા થશે. માટે હજી ય સમજીને બાપુના શરણે આવી જાવ !”
સત્યાગ્રહીઓએ કહ્યું : “હવે જીવ જાય તો પણ નમવું નથી !”
દરમિયાન ફોજદાર આવ્યા. તેમણે ગાળોનો વરસાદ વરસાવ્યો ! પોલીસ હાથમાં લાકડીઓ લઈને દોડી આવી. સત્યાગ્રહીઓના હાડકાં ખોખરા કરશે તેવું વાતાવરણ ઊભું કર્યું. પણ એ સમયે વહિવટદાર, લાડકચંદ શેઠ અને બીજા પાંચ વેપારીઓ આવ્યા. તેમણે અઢાર સત્યાગ્રહીઓ સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ સત્યાગ્રહીઓએ પોતાને તેમ જ મગનલાલ પાનાચંદને અટકાયતમાંથી છોડવા આગ્રહ રાખ્યો. વેપારીઓએ ઠાકોર સાહેબને વાત કરી. મગનલાલને માળિયા જેલમાંથી છોડવામાં આવ્યા. મગનલાલે કહ્યું કે ફૂલચંદભાઈને પૂછ્યા વિના સમાધાન ન થાય !
એક તરફ સમાધાનની લાલચ બીજી તરફ જુલમ ! એ જ દિવસે રેલવે સ્ટેશન પર સ્વામી શિવાનંદજીની ટુકડી આવી પહોંચી; પરંતુ પોલીસે તેને આવવા ન દીધી. ગામને ફરતે પોલીસ ગોઠવી દઈ દરવાજા બંધ કરીને લોકોને બહાર નીકળવા દીધા જ નહીં. લગભગ 500 ખેડૂતો ભાણજીભાઈના ઘરના ફળિયામાં એકઠાં થયા. તેઓ સત્યાગ્રહીઓ પર જુલમ થતો નથીને તેની ચિંતા કરી રહ્યા હતા. તેઓ ‘ગાંધીજીની જય’ પોકારતા હતા. ફોજદારે આવીને તાડૂક્યો : “શા માટે ભેળા થયા છો? તોફાન કરવું છે? ભાગો !”
ભાણજીભાઈએ ફોજદારને કહ્યું : “સાહેબ, તમે અમારાં ઘરમાં કેમ પૂછ્યા વગર આવ્યા? અમે સત્યાગ્રહીઓના દર્શન કરીએ છીએ. તમે જતા રહો. નહિંતર ભારે પડશે !”
ફોજદારે 500 માણસોના જૂથ સામે સમયસૂચકતા વાપરી નમતું મૂક્યું અને જતા રહ્યા. આમ છતાં ય રસ્તા પર કોઈ નીકળે તો પોલીસ તેને ગાળો આપતી અને ધોલથપાટ કરતી.
મારઝૂડથી ખેડૂતો ડરે તેમ ન હતા. એટલે પેટ પર પાટું મારવાનું નક્કી થયું. આર્થિક રીતે ભાંગી નાખવામાં આવે તો ખેડૂતો નીચી મૂંડી કરીને સમાધાન કરી લે, એ વિચારનો અમલ શરૂ થયો.
સવારના પહોરમાં ભવાન ઓધાના ઘેર જપ્તી શરૂ થઈ. ઘરના સભ્યોને ઘરમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવ્યાં. સત્યાગ્રહને લગતું સાહિત્ય કબજે કર્યું. ઘરમાં રસોઈ થવા ન દીધી. ઘરમાંથી લોટ બહાર લઈ જવાની વાત કરી તો ગાળો મળી. ઘરના 15 માણસો આખો દિવસ ઘરની બહાર રહ્યાં. જમ્યાં પણ બીજાને ઘેર. સવારે શરૂ થયેલી જપ્તી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલી. પોલીસના ગયા પછી ઘરમાં જઈને જોયું તો બધું રમણભમણ !
આ રીતે રતના કરસન / ભાણજી કુંવરજી / વાલજી ઉકરડા / ઘાંચી પુંજા નથુ / જદુ માવજી / વશરામ પુંજાને ઘેર જપ્તી થઈ. પાણીના મૂલે અનાજ પોપટ ઠક્કર તથા પ્રેમચંદ વોરાએ આપી દીધું. ઘાંચી પુંજા નથુ / જદુ માવજી / વશરામ પુંજાને વેઠનો વારો આવ્યા હતો – રાજ્યના ઘોડા માટે ખાખરેચીથી માળિયા ઘાસ નાખવા જવાનો. પરંતુ ત્રણેય ખેડૂતોએ વેઠ ભરવાનો સાફ ઈન્કાર કર્યો. એટલે એમને દંડ થયો અને તેમને રાજ્યના ખેડૂત તરીકે બાતલ કરી રાજ્ય બહાર જવાનો હુકમ મળ્યો હતો. દંડની રકમ વસૂલ લેવા આ જપ્તી થઈ હતી.
આ જુલમના કારણે સમાધાનની વાટાઘાટો ભાંગી પડી. ઠાકોર રાયસિંહજીએ એક યુક્તિ કરી. મેઘજી જેરામ / વાલજી ઉકરડા / વશરામ પુંજાને સમાધાન થઈ ગયું છે અને મગનલાલ પાનાચંદે દરબારગઢમાં બોલાવ્યા છે તેમ કહીને રાત્રે દરબારગઢમાં બોલાવ્યા.
ત્રણેય ખેડૂતો ભોળા હતા. તેઓ દરબારગઢમાં ગયા. ઠાકોર સાહેબને સલામ ભરી. ત્યાં અચાનક ઠાકોર સાહેબે ત્રણેય પર કોરડો વીંઝ્યો. સત્યાગ્રહીઓ ઉપરની કેટલાં ય દિવસની દાઝ કાઢી. ખૂબ માર મારવામાં આવ્યો. ત્રણેયના બૂમબરાડા સાંભળી 200 ખેડૂતો દરબારગઢ પહોંચ્યા અને આજીજી કરી ત્રણેયને છોડાવ્યા. ત્રણેય ખેડૂતો લોહીલુહાણ અને બેહોશ સ્થિતિમાં હતા.
સમાધાનની વાત ભાંગી જતા સ્વામી શિવાનંદજીની ટુકડીને ગિરફતાર કરવામાં આવી. કડકડતી ઠંડીમાં તેમને ખટારામાં ભરી કડિયાણા તરફ જંગલમાં ઉતારી મૂકવામાં આવ્યા. આ બાબતની જાણ હળવદ ખાતે પહોંચાડવા ભાણજી કુંવરજી અને જુમા નાથાને મોકલવામાં આવ્યા. પરંતુ બન્નેને વેજલપર ખાતે મોરબી પોલીસે પકડી લીધા અને ટેલિફોનથી માળિયા પોલીસને જાણ કરી. એટલે તે બન્નેને ખાખરેચી લાવી ઢોર માર માર્યો. સવારે જ્યારે બન્નેને છોડ્યા ત્યારે ચાલી શકતા ન હતા, ઊંચકીને ઘેર લઈ જવા પડ્યા.
જુલમ પૂર જોશમાં ચાલુ હતો. માળિયાની મદદે મોરબી, જામનગર અને એજન્સીની પોલીસ પહોંચી ગઈ હતી. બધા રાજાઓએ નક્કી કર્યું હતું કે માળિયા રજવાડાને મદદ કરવી. તેમને ડર હતો કે જો સત્યાગ્રહીઓનો વિજય ખાખરેચીમાં થશે તો આપણો વારો પણ આવશે !
-5-
લોકો કુદરતી હાજતે જાય તેને પોલીસ ઢીબતી હતી !
‘માળિયા સ્ટેટ’ બિન-સલામી નાનું રાજ્ય હતું. એટલે કે તેને બ્રિટિશરો તરફથી ચોક્કસ સંખ્યામાં તોપોની સલામીનો અધિકાર નહોતો. શાસક રાયસિંહજી જાડેજા, જામનગર, કચ્છ અને મોરબીના શાસક પરિવારો સાથે જોડાયેલ હતા. માળિયા સ્ટેટની સ્થાપના મોડજી દ્વારા કરવામાં આવી હતી. માળિયા, મોરબી રાજ્યમાંથી અલગ પડ્યું હતું. માળિયા રાજ્યનો વિસ્તાર 267 ચોરસ કિલોમીટરનો હતો અને વસ્તી લગભગ 12,134 હતી. રાજ્યમાં કુલ ગામ 17 હતા. 1934-35માં માળિયા રાજ્યની વાર્ષિક અંદાજિત આવક રૂપિયા 91,629/- હતી. માળિયાની ગાદીએ 8 શાસકો આવ્યા હતા : મોડજી / ભીમજી / ડોસાજી / સતાજી / મોડજી-બીજા / રાયસિંહજી અને હરિચંદ્રસિંહજી. સ્થાપક મોડજીને મચ્છુ કાંઠાના / વાગડના કેટલાંક ગામો જીવાઈમાં મળ્યા હતા. મોરબી રાજ્યના સ્થાપક કન્યાજીને આઠ પુત્રો હતા, જેમાંથી છઠ્ઠા પુત્ર મોડજી હતા. મોડજીને મૂળ મોરબી સ્ટેટની હકૂમત નીચે રહેવાનું ગમ્યું નહીં એટલે તેમણે સિંધમાંથી લડાકુ મિયાણાઓને બોલાવી પોતાના રાજ્યમાં વસાવ્યા. અને તેમની મદદથી મચ્છુ કાંઠાના કેટલાક ગામો જીતી લઈ માળિયા સ્ટેટની સ્થાપના કરી હતી. મોડજી-બીજાનું અવસાન 20 ઓક્ટોબર 1907ના રોજ થતાં રાયસિંહજી ગાદી પર આવ્યા હતા. ખાખરેચી સત્યાગ્રહ પછી દોઢેક માસમાં યુવરાજ હરિચંદ્રસિંહજી 20 માર્ચ 1930ના રોજ ગાદી પર આવ્યા. રાયસિહજી 1933માં મૃત્યુ પામ્યા. માળિયા રાજ્ય બ્રિટિશ એજન્સી હેઠળ હતું. માળિયા રાજ્ય પાસે ફોજદારી કેસમાં ત્રણ વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયા સુધીનો દંડ તથા દીવાની કેસમાં 10,000 રૂપિયા સુધીનો દંડ કરવાની સત્તા હતી.
1929માં ખાખરેચી ગામની વસ્તી આશરે 2,150 હતી. માળિયા સ્ટેટનું સૌથી મોટું ગામ હતું. તેમાં 1,600 જેટલાં ખેડૂતો, 75 કારીગરો, 75 દલિતો, 400 પછાત વર્ગના હતા. પશુઓની સંખ્યામાં 478 બળદ, 362 ગાય, 213 ભેંસ, 263 વાછરડા-વાછરડી, 147 પાડા-પાડી, 2 ધણખૂંટ, 2 પાડા, 19 ઘોડા, 5 ઊંટ, 1,065 ગાડર, 665 બકરાં, 30 ગધેડા મળી કુલ 1,795 પશુઓ હતાં. ખેડવાણ જમીન 1,156 એકર હતી. ગોચરની જમીન 668 એકર અને ખરાબાની જમીન 1,722 એકર હતી.
સત્યાગ્રહનો ચેપ બીજા રજવાડાઓમાં પણ લાગશે એની ચિંતા રજવાડાઓમાં બેસી ગઈ હતી. મોરબીના રાજા-ઠાકોર સાહેબે, માળિયાના ઠાકોર રાયસિંહજીને બોલાવ્યા. ફૂલચંદભાઈની ટુકડીને મોરબી બોલાવવામાં આવી. ઠાકોર સાહેબ સમક્ષ સમાધાનની વાત થઈ. પછી ફૂલચંદભાઈ ખાખરેચી પહોંચ્યા. એક દિવસ રોકાયા. વાતાવરણ શાંત હતું. બપોરના બાર વાગ્યે ફૂલચંદભાઈ ભવાન ઓધાના ઘેર પાંચ સત્યાગ્રહીઓ સાથે થોડું ખાધુ ન ખાધું ત્યાં પોલીસનું ધાડિયું આવ્યું. અર્ધભૂખ્યા સત્યાગ્રહીઓને પોલીસે ભવાન ઓધાના ઘરમાં ઘૂસીને પકડી લીધાં. એમને એંઠા હાથ ધોવાની તક આપવામાં ન આવી. પોલીસે થાળીઓ ફેંકી દીધી. બળજબરીથી બહાર ઊભેલી મોટરમાં સત્યાગ્રહીઓને બેસાડી દીધાં.
મોટર જડેશ્વર બંગલે પહોંચી. ઠાકોર સાહેબે કહ્યું : “ફૂલચંદ ! તું હવે જતો રહે. તેં તો હવે હદ કરી છે. મારી પ્રજાને તેં ઉશ્કેરી છે. માટે તું કૂતરાના મોતે મરીશ !”
ફૂલચંદભાઈએ કહ્યું : “ઠાકોર સાહેબ ! આપને ઠીક લાગે તે કરો. અમે તો સત્યને વરેલાં છીએ !”
ઠાકોર સાહેબનો ક્રોધ ભભૂકી ઊઠ્યો : “ફૂલચંદ ! તું મને ઓળખતો નથી. આ માળિયાની ધરતીની અંદર મેં કંઈક મિયાણાને ભંડારી દીધા છે. તારી જેવા ખાદીધારી વાણિયા-બ્રાહ્મણ અમારું રાજ લેવાના છે?”
ફૂલચંદભાઈ કહે : “ઠાકોર સાહેબ ! મિયાણાને આપે માળિયાની ધરતીમાં દાટી દીધા હશે; પણ આ ફૂલચંદને કેમ દાટી દો છો એ મારે જોવું છે !”
ઠાકોર સાહેબથી આ સહન ન થયું. તેમણે હુકમ કર્યો : “આ સાલાઓને પકડીને રણમાં મૂકી આવો ! હરામીઓના હાડકાં ખોખરા કરો !”
પોલીસ ફૂલચંદભાઈની ટુકડીને પકડીને રણમાં મૂકી આવી. પોલીસે ભવાન ઓધાને ઢોરમાર મારી ગામના ચોરામાં હાથકડી સહિત એક કલાક બાંધી રાખ્યા, પછી છોડી મૂક્યા !
સત્યાગ્રહ જોર પકડતો જતો હતો. દરમિયાન માગશર મહિનામાં માવઠું થયું. ખળાવાડમાં પડેલું 24,000 મણ અનાજ પલળી ગયું. મુળજી ગંગારામ પર ઠોકી બેસાડેલું કરજ વસૂલ કરવા તેનું અનાજ તેની ગેરહાજરીમાં હરરાજ કરવામાં આવ્યું. એક દાણો રહેવા દીધો નહીં. વધુમાં તેને હદપાર કરવામાં આવ્યો.
ફૂલચંદભાઈની ટુકડીને રણમાં છોડી મૂકી હતી તેમને ખાવાનું પહોંચાડવા ભગા દલા કોળીને મોકલેલ. પણ તે મંદરકી ગામે પકડાઈ જતાં એને ઢોરમાર માર્યોં અને ખાખરેચી લાવી ગુલામી ખતમાં બળજબરીથી સહી કરાવી !
ફૂલચંદભાઈએ ગાંધીજી / સરદાર પટેલને સત્યાગ્રહ બાબતે વાકેફ કર્યા. સમગ્ર કાઠિયાવાડમાંથી આ સત્યાગ્રહ માટે સ્વયંસેવકો મેળવવાની અપીલ થઈ. અખબારોએ સત્યાગ્રહ વિશે લખ્યું. જેથી પોરબંદર / અમરેલી / ભાવનગર / પાલીતાણા / કરાંચી વગેરે સ્થળોએ સભા થઈ અને સત્યાગ્રહ માટે ફંડ પણ થયું. કાઠિયાવાડ યુવક સંઘે લડતમાં ઝૂકાવ્યું.
મણિલાલ કોઠારી વઢવાણથી ટુકડી લઈને ખાખરેચી આવ્યા, તે વખતે 20 ખેડૂતોને ઢોરમાર પડ્યો હતો. ગામના લોકો લબાચા ભરીને ઉચાળા ભરી જવાના નિર્ધાર કરીને બેઠા હતા. કેમ કે બેહદ જુલમ થઈ રહ્યો હતો. લોકો કુદરતી હાજતે જાય તેને પોલીસ ઢીબતી હતી ! માર ખાનારના શરીર સૂજી ગયાં હતાં ! મણિલાલ કોઠારીની ટુકડીને રેલવે સ્ટેશનથી જ કેદ કરવામાં આવી. ગામમાં ખબર પડી કે મણિલાલ અને ફૂલચંદ શાહ આવ્યા છે એટલે ગામમાં ઉત્સાહ પ્રગટ્યો. તેમને મળવા ખેડૂતો ગયા. ઝાંપા આગળ પોલીસે તેમને રોક્યા અને લાઠીચાર્જ કર્યો. રેલવે સ્ટેશનમાં પડેલાં સત્યાગ્રહીઓને રોટલા-પાણી પહોંચાડવા સાત મહિલાઓ ગઈ તો પોલીસે ભાત પડાવી લીધું અને મહિલાઓને લાકડીઓથી ટીપી !
ગામ ફરતે પોલીસનો મજબૂત બંદોબસ્ત હતો. ગામના પ્રવેશ માટે ત્રણ ઝાંપા હતા. દરેક ઝાંપે 100 હથિયારધારી પોલીસ હતી અને તે ધમકી આપતી હતી : “ઘેર જતા રહો. નહિંતર ગોળીથી ઠાર મારીશું !”
લોકોમાં ઉશ્કેરાટ હતો. પરંતુ ગાંધીજીની સૂચના હતી કે “સહન કરવું પણ સામું થવું નહીં.”
સાંજે મણિલાલ કોઠારીની ટુકડીને ખટારામાં નાખીને મોરબીના અણિયારી ગામે પોલીસે છોડી મૂકી ત્યારે ત્યાં મોરબીના જમાદાર જટાશંકર હાજર હતા. સત્યાગ્રહીઓ ધર્મશાળામાં ઉતર્યા. ત્યાં સત્યાગ્રહીઓને દૂધ, પાણી વગેરે કોઈ ન આપે તેની વ્યવસ્થા જટાશંકરે કરી અને કહ્યું : “મણિલાલ ! તમે અત્યારે જ અણિયારી છોડી જાવ, દરબારી હુકમ છે.”
મણિલાલે મક્કમતાથી કહ્યું : “અમે ક્યાં ય જઈશું નહીં. અમારે તો ખાખરેચી જવું છે. તમને ઠીક પડે તેમ કરો !”
પછી સત્યાગ્રહીઓ અણિયારી ગામમાં ફર્યા. ગામલોકોએ પોલીસની ધાકધમકીથી ડેલીઓ બંધ કરી. કોઈની સત્યાગ્રહીઓ સાથે વાત કરવાની હિંમત ન ચાલી. આખરે સત્યાગ્રહીઓ જેતપર જઈ નાસ્તો લઈ આવ્યા. પાણી ન હતું, કોઈ આપે તેમ ન હતું. બિસ્તરાની દોરી કાઢી લોટાથી કૂવામાંથી પાણી કાઢીને પીધું !
ત્યારબાદ સત્યાગ્રહીઓ પગે ચાલીને અણિયારીથી ત્રણ માઈલ દૂર ખાખરેચી જવા નીકળ્યા. એકાદ ખેતરવા ચાલ્યા ત્યાં મોરબી પોલીસે સત્યાગ્રહીઓને રોક્યા : “તમે ખાખરેચી નહીં જઈ શકો !”
સત્યાગ્રહીઓ મક્કમ રહ્યા. એ સમયે મોરબીથી ખટારો ભરીને પોલીસ આવી ગઈ. ચોર-ડાકૂને પકડે તે રીતે સત્યાગ્રહીઓને ટીપીને ખટારામાં પૂર્યા. ખટારો ધ્રાંગધ્રામાં હદ ચરાડવા તરફ દોડાવ્યો. સાથે બે પસાયતા હતા. ચરાડવા ગામે ડ્રાઈવરે સત્યાગ્રહીઓને ઊતરી જવા કહ્યું. સત્યાગ્રહીઓએ કહ્યું કે અમને હળવદ મૂકી જાઓ. ખટારાના ડ્રાઇવરે કહ્યું કે મને એવો હુકમ નથી. સત્યાગ્રહીઓએ ખટારામાંથી ઊતરવાની ના પાડી. બે સત્યાગ્રહીઓ ખટારાની આડે સૂતાં અને બે સત્યાગ્રહીઓ ડ્રાઈવર પાસે બેઠા. એક પસાયતો મોરબીના જરેડા ગામે ગયો અને ટેલિફોનથી મોરબી ખબર આપી. ખટારાના ડ્રાઇવર તથા પસાયતાએ સત્યાગ્રહીઓને વિનંતિ કરી : “અમારા રોટલા જશે. અમને જવા દો !”
થોડીવારમાં ગામમાંથી પીતાંબર પટેલ અને પરસોત્તમ પટેલ આવ્યા. તેમણે જમવાની વ્યવસ્થા કરી. સત્યાગ્રહીઓ બે દિવસે રોટલા પામ્યા !
ખાખરેચીમાં લોકો ઉચાળા ભરી ગામ છોડી રહ્યા છે તેની ખબર પડતા ઠાકોર સાહેબે ઝાંપે આવીને હૈયાવરાળ કાઢી : “તમે મને વગોવ્યો. એટલે હવે હું તમારો રાજા નહીં. ને તમે મારી પ્રજા નહીં !”
-6-
‘અંગ્રેજો જશે એટલે બધા પ્રશ્નો ઉકેલી જશે !’
માળિયાના રાજા રાયસિંહજીએ ખાખરેચીના દરબારગઢમાં સત્યાગ્રહીઓ પર જુલમ ગુજાર્યો હતો. ગમે તેટલી મુશ્કેલીઓ / હેરાનગતિ / મારઝૂડ છતાં ખેડૂતો મક્કમ હતા. સત્યાગ્રહીઓને રાજ્યની પોલીસ પકડી, ખટારામાં નાખી બીજા રજવાડાની હદમાં કડકડતી ઠંડીમાં, એકાંત સ્થળે છોડી મૂકતી હતી. સત્યાગ્રહીઓને ધ્રાંગધ્રા સ્ટેટની હદમાં પોલીસે છોડી દીધા હતા. તેઓ હળવદથી વઢવાણ પહોંચ્યા. બીજે દિવસે મોટર દ્વારા ખાખરેચી પરત ફર્યા.
એ વખતે ‘સૌરાષ્ટ્ર’ અખબારના પ્રતિનિધિ હરગોવિંદ પંડ્યા, ઠાકોર સાહેબ સાથે સમાધાનની વાટાઘાટ ચલાવતા હતા. એજન્સી તરફથી ઠાકોર સાહેબ ઉપર દબાણ આવ્યું હતું કે ‘સત્યાગ્રહીઓ સાથે સમાધાન કરો, નહીં તો સત્યાગ્રહની જ્વાળા આખા કાઠિયાવાડમાં પ્રસરી જશે !’
એજન્સી તરફથી વારંવાર ઠાકોર સાહેબ પર દબાણ થતું રહ્યું પણ ઠાકોર સાહેબ સમાધાન કરી શક્યા નહીં, આખરે એજન્સીએ રાયસિંહજીને પદભ્રષ્ટ કર્યા !
પદભ્રષ્ટનો હુકમ થતાં ઠાકોર સાહેબ આકાશપાતાળ એક કરવા લાગ્યા. એજન્સી પોતાને પદભ્રષ્ટ કરશે એવી કલ્પના પણ રાયસિંહજીએ કરી ન હતી. એટલે હરગોવિંદ પંડ્યા 80 ખેડૂતોને લઈ, જડેશ્વર બંગલે ઠાકોર સાહેબ પાસે પહોંચ્યા.
રાયસિંહજી સત્યાગ્રહના આગેવાનોને જોઈ ગુસ્સે થયા અને કહ્યું : “હરગોવિંદ ! આ મગનલાલ પાનાચંદના 18 દીકરાઓ સાથે મારે વાત કરવી નથી ! બીજા આગળ આવો.”
હરગોવિંદભાઈએ ઠાકોર સાહેબને શાંત કર્યા. છેવટે વાટાઘાટો શરૂ થઈ. દરમિયાન ઠાકોર સાહેબે ભવાન ઓધા તથા લવજી ધનાને ગાળો આપી એટલે સમાધાન ભાંગી પડ્યું. ખેડૂતો ઊભા થઈ ચાલવા લાગ્યા.
ઠાકોર સાહેબને હતું કે ખેડૂતો પોતાની હાજરીમાં બહિષ્કાર નહીં કરે. પણ ખેડૂતો તો ચાલી નીકળ્યા એટલે તેમણે કહ્યુ : “હરગોવિદ ! મારો સ્વભાવ ઉગ્ર છે. બધાને પાછા વાળો !”
હરગોવિદભાઈ ખેડૂતોની પાછળ ગયા. એક ખેતરમાં વાટાઘાટો કરી. પરિણામે ચાર ખેડૂતો અડધી રાત્રે ઠાકોર સાહેબ પાસે ગયા. ઠાકોર સાહેબની હઠ હતી : “જે માંગો તે આપું. પણ વઢવાણવાળા નેતાને આવવા ન દેવા ! અને મગનલાલને છોડું નહીં !”
ખેડૂતોએ કહ્યું : “અમને આવું સમાધાન ખપતું નથી ! અમારા જ નેતાનું અપમાન અમે સહન કરી શકીએ નહીં.”
સમાધાન ન થયું. એક તરફ ઠાકોર સાહેબ તરફથી સમાધાનની વાટાઘાટો થતી હતી, બીજી તરફ ઘણા ખેડૂતોને મારઝૂડ થઈ હતી. ઢોરમારનાં કારણે 25 માણસો ખાટલે પડ્યા હતા. તેથી વાતાવરણ ઉગ્ર હતું. પોલીસ સત્યાગ્રહીઓને ગામમાં આવવા દેતી ન હતી. લોકો જુલમથી ત્રાસી ગયા હતાં.
આ જુલમશાહી સામે આગળ શું કરવું તે અંગે ચર્ચા કરવા 20 ખેડૂતો મોરબી સ્ટેટની હદમાંથી જવાને બદલે ધ્રાંગધ્રામાં સુરવદર ગામે પગે ચાલીને પહોંચ્યા. ત્યાંથી હળવદ પહોંચ્યા. ચુનીભાઈ શેઠે ગાડી ભાડાના પૈસા તથા ટાઢથી બચવા ધુંસા આપ્યા. આખરે વઢવાણ પહોંચ્યા.
વઢવાણમાં મણિલાલ કોઠારી, અમૃતલાલ શેઠ તથા ફૂલચંદ શાહને મળ્યા. વઢવાણના મોતીચોકમાં મણિલાલ કોઠારીના પ્રમુખસ્થાને સભા યોજાણી. તેમાં ભવાન ઓઝાએ ખાખરેચીના સત્યાગ્રહનો ચિતાર રજૂ કર્યો. 20 ખેડૂતોને ખાખરેચીમાંથી હદપાર કર્યાના નોટિસ ચોરામાં ચોંટાડી હતી તેની જાણ કરી.
બીજી તરફ ઠાકોર રાયસિંહજીએ ખાખરેચીના ખેડૂતોમાં ફાટફૂટ પડાવવાની ખૂબ મથામણ કરી પણ પરિણામ ન મળ્યું. આ સ્થિતિમાં સ્વામી શિવાનંદજીની ટુકડી ખાખરેચી જવા રવાના થઈ. એ વેળાએ એજન્સીએ ઠાકોર રાયસિંહજીને રાજકોટ બોલાવ્યા હતા. રાયસિંહજી પદભ્રષ્ટ થતાં કુમાર હરિશ્રંદ્રસિંહજીને રાજ્ય મળવાનું હતું. એટલે તેમણે ખેડૂતોને સમાધાન માટે બોલાવ્યા.
ભવાન ઓધાએ માંગણીઓ મૂકી : “[1] મગનલાલ પાનાચંદને માળિયાની જેલમાંથી મુક્ત કરો. [2] જપ્તીમાં થયેલ નુકસાન ભરપાઈ કરો. [3] જમીન ખાલસા કરવાનો હુકમ પરત ખેંચો. [4] હદપારીના હુકમ કેન્સલ કરો. [5] સત્યાગ્રહમાં જેમને સહન કરવું પડ્યું છે તેમને વળતર આપો.”
હરિશ્રંદ્રસિંહજીએ કહ્યું : “અત્યારે હું રાજા નથી. મને ગાદી આપવાનો અંગ્રેજ સરકારે હુકમ કરેલ છે. એટલે થોડાં દિવસમાં હું બધી માગણી મુજબ કરી આપીશ. મગનલાલને છોડી દઈશ. પણ હવે વઢવાણથી સત્યાગ્રહી નેતાઓ ન આવે તેવું તમે કરો.”
હરગોવિંદ પંડ્યાએ ખેડૂતોને સમજાવ્યા : “લાહોરમાં નેહરુએ સ્વાધીનતાનો સંદેશ આપેલ છે. ગાંધીજી દાંડીકૂચ કરવાના છે. માટે ખાખરેચીની લડત સંકેલવી જોઈએ. સમાધાન કરવામાં વાંધો નથી. અંગ્રેજો જશે એટલે બધા પ્રશ્નો ઉકેલી જશે !”
સમાધાનની ભૂમિકા રચાઈ, પરંતુ ઠાકોર રાયસિંહજી રાજકોટથી પરત આવ્યા અને વાતાવરણ કથળ્યું !
ખાખરેચી જવા નીકળેલ સ્વામી શિવાનંદજીની ટુકડીને મોરબી સ્ટેટની પોલીસે રંગપર ખાતે રોકી. રંગપરથી આ ટુકડીને મોરબી લઈ ગયા અને તેમની મોટર જપ્ત કરવામાં આવી, 10 રૂપિયાનો દંડ કર્યો. ટુકડીને ખૂબ હેરાન કરવામાં આવી પણ શિવાનંદજી નમ્યા નહીં. ફોજદારે હુકમ કર્યો કે “તમારે અણિયારી કે ખાખરેચી જવાનું નથી !”
સત્યાગ્રહીઓએ દંડના રૂપિયા 10 ભરવાનો ઈનકાર કર્યો. શિવાનંદજીની ટુકડી રેલવે રસ્તે અણિયારી જવા નીકળી, તરત જ 10 પોલીસ ગાડીમાં ચડી. સત્યાગ્રહીઓને અણિયારી ડબામાંથી ઊતરવા દીધા નહીં. આથી સત્યાગ્રહીઓ ખાખરેચી આવ્યા. ત્યાં સ્ટેશન માસ્તરે અણિયારીથી ખાખરેચીનો ડબલ ચાર્જ માંગ્યો ! સત્યાગ્રહીઓએ કહ્યું કે “પોલીસે અમને અણિયારી ઊતરવા ન દીધા એટલે વાંક અમારો નથી પોલીસનો છે !”
છેવટે સત્યાગ્રહીઓને માળિયાની પોલીસને સોંપવામાં આવ્યા. પોલીસે કહ્યું : “સમાધાન થઈ ગયું છે. એટલે બહારના નેતાઓને આવવાની જરૂર નથી.”
ભાણજી કુંવરજીએ કહ્યું : “ભલે સમાધાન થયું પણ મગનલાલ પાનાચંદ હજી જેલમાં છે !”
પોલીસ ગુસ્સે થઈ. તેણે ભાણજી કુંવરજીને એક થપાટ ચોડી દીધી. સત્યાગ્રહીઓએ ઊહાપોહ કર્યો. તેમણે રેલવે સ્ટેશનમાં જ અડિંગો જમાવ્યો, રામધૂન શરૂ કરી. મોરબી જવાની ગાડી આવી તેમાં સત્યાગ્રહીઓને પરાણે બેસાડી દીધાં. પરંતુ અણિયારી આવતા સત્યાગ્રહીઓ ઊતરી પડ્યા. મોરબી પોલીસ હાજર હતી, તેમણે સત્યાગ્રહીઓને રોક્યા. પરંતુ શિવાનંદજની ટુકડી પગે ચાલીને ખાખરેચી પહોંચી. ત્યાં પણ ટુકડીને રોકવામાં આવી. પરંતુ કુમાર હરિશ્રંદ્રસિંહજીએ સત્યાગ્રહીઓને ગામમાં આવવા દીધા. સત્યાગ્રહીઓ ઘણા દિવસથી વિખૂટા પડેલ ખેડૂતોને મળ્યા, એકમેકના સુખદુ:ખની વાતો જાણી. મારકૂટ અને જુલમની હકીકત જાણી શિવાનંદજીએ ધીરજ રાખવા કહ્યું.
ફરીથી સમાધાનની વાતો ખાખરેચીમાં મંડાણી. શિવાનંદજી ઠાકોર રાયસિંહજીને મળ્યા. તેમણે કહ્યું : “હવે મારે પદભ્રષ્ટ થવાનું છે. મારે ખાખરેચીનું દૂધ હરામ છે. તમે બધાએ મને વગોવ્યો. મારે ખાખરેચીનું કશું જ જોતું નથી !”
વાતાવરણ શાંત હતું, પણ કાઠિયાવાડના અન્ય રજવાડાઓના કહેવાથી ફરી ખાખરેચીમાં દમનનો આરંભ થયો. ફૂલચંદ શાહ ભાષણ કરતા હતા, ત્યાં પોલીસ આવી અને ફૂલચંદભાઈને કાંઠલેથી પકડીને, ઢસડીને લઈ જવામાં આવ્યા. બીજા સત્યાગ્રહીઓને પણ બળજબરીથી પકડી લીધાં. પોલીસે સભામાં હાજર લોકો પર સોટીઓ વીંઝી !
– 7 –
‘ખેડૂતોમાં ચેતના આવશે ત્યારે જ દેશનું કલ્યાણ થવાનું છે !’
પોલીસે ફૂલચંદ શાહની સત્યાગ્રહી ટુકડીને પકડીને, ખટારામાં ભરી રણ તરફ ટીકર બાજુ ઊતારી દીધી. શિવાનંદજી સભામાં આવ્યા ન હતા, તેઓ મૂળજીભાઈની ડેલીએ હતા ત્યાં સવારે પોલીસનો પહેરો લાગી ગયો. શિવાનંદજી 10 ખેડૂતો સાથે પકડાયા. પોલીસ તેમને સોટા મારીને ખાખરેચીના દરબારગઢમાં લઈ ગઈ. મગનલાલ પાનાચંદને દોરડે બાંધી ગામમાં પરેડ કરાવવામાં આવી.
શિવાનંદજીની ટુકડીને ખટારામાં ભરી કડિયાણા ઊતારી મૂકવામાં આવી. સૌરાષ્ટ્ર અખબારના પ્રતિનિધિ હરગોવિંદ પંડ્યાને પણ એરેસ્ટ કરવામાં આવ્યા.
જે 20 ખેડૂતો વઢવાણ ગયા હતા તેઓ રાણપુર જઈ અમૃતલાલ શેઠને મળ્યા. પછી તેઓ અમરેલી ગયા અને મોહનલાલ વીરજીભાઈને મળ્યા. પોરબંદરમાં ડોડિયા બેરિસ્ટરને મળ્યા. ભાવનગરમાં બળવંતરાય મહેતાને મળ્યા. પછી તેઓ વઢવાણ થઈ ખાખરેચી પહોંચ્યા.
ખાખરેચી સત્યાગ્રહની લડત લંબાયે જતી હતી. દેવચંદ ઉત્તમચંદ પારેખ ગાંધીજી અને સરદાર પટેલના સંપર્કમાં હતા. ચમનલાલ વૈષ્ણવ પણ લડતમાં જોડાયા હતા. દરમિયાન ખાખરેચીમાં દલીચંદ મહેતાની દુકાને જપ્તી થઈ. કારણ એ હતું કે દલીચંદ તથા તેમના ટીકરવાળા કાકા દેવશી વખતચંદ સત્યાગ્રહની લડતને ટેકો આપતા હતા ! એટલું જ નહીં, પોલીસે એક ડાકૂ પાસે દલીચંદની દુકાનમાં ચોરી પણ કરાવી !
ભવાન ઓધા / ભાણજી કુંવરજી / નારણ કરસનની જમીન હરાજ કરી રાજ્યની તરફદારી કરતા ખેડૂતોને પાણીના મૂલે વેચી દીધી. પ્રાગા નરસીને જેલમાં પૂરી ખૂબ માર માર્યો. ફોજદારે કલા વીરજીને પકડીને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, જે તેમને આખી જિંદગી નડ્યો. પાલિતાણાના જોરસંગ કવિને માર પડતા તેમની છાતીનું હાડકું ભાંગી ગયું. આત્મારામ ભટ્ટ, શંભુશંકર ત્રિવેદીને પણ માર પડ્યો. ફોજદારે વૃદ્ધ લવજી ધનાને ભર બજારે પાડીને માર માર્યો.
જુલમ ચાલુ હતો. સત્યાગ્રહીઓ મરવા સુધી ન નમે એટલી હદ સુધી મક્કમ હતા. એટલે ઠાકોર રાયસિંહજીએ ખાખરેચીના વેપારીઓને બોલાવ્યા અને કહ્યું : “ખાખરેચીના ખેડૂતોને મારે નથી રાખવા. માટે તમે તમારું લેણું વસૂલ કરી લો. દાવો કરો એટલે તુરત હુકમનામું કરી આપું ! અત્યારે ઘા કરવાનો સમય છે.”
ખેડૂતોએ વેપારીઓને સમજાવ્યા : “માણસાઈ રાખજો. અમે ખાખરેચી છોડીને જવાના નથી. રાયસિંહજી પદભ્રષ્ટ થયા છે એટલે તે જવાના છે ! અમે તમારું કરજ પૂરેપૂરું ભરી આપીશું.”
વેપારીઓએ દાવા ન કર્યા. મગનલાલ પાનાચંદના પત્ની અને તેમના માતા સાંકળીમા અડગ હતાં. મગનલાલ પર ગમે તેટલા સિતમ થાય છતાં તેઓ ડગ્યા નહીં. ચાર ચાર વખત પોલીસે જપ્તી કરી છતાં તેમનાં પત્ની તથા માતાએ અદ્દભુત હિંમત દાખવી.
શિવાનંદજીની ટુકડીને ગામમાં પ્રવેશ મળ્યો. સરઘસ દ્વારા સૌએ એમનું સ્વાગત કર્યું. બાળકો, મહિલાઓ સહિત સૌ એમાં જોડાયાં. સત્યાગ્રહીઓએ હાથમાં ઝંડા લઈને ફૂલચંદ શાહની રચના લલકારી :
“ડંકો વાગ્યો, લડવૈયા શૂરા જાગજો રે !
શૂરા જાગજો રે, કાયર ભાગજો રે.
તોડી પાડો સરકારી જુલમી કાયદા રે !
જુલમી કાયદા રે, જુલમી કાયદા રે.”
જ્યારે ચોરે સરઘસ પહોચ્યું ત્યારે પોલીસ ધસી આવી. બેફામ લાઠીચાર્જ કર્યો. 100થી વધારે માણસો ઘવાયાં. સરઘસ વિખેરાઈ ગયું. શિવાનંદજી અને શારદાબહેને પણ ઈજા થઈ. તેઓ મૂળજી નાથાની ડેલીએ ગયાં કે તરત જ પોલીસ પહોંચી અને શિવાનંદજીની ટુકડીને પકડી લીધી. ખટારામાં ભરીને જેતપરની સીમમાં નાખી દીધાં !
આખા કાઠિયાવાડના લોકો ખાખરેચીના પડખે રહી લડી લેવા મક્કમ હતા. ગાંધીજી અને સરદાર પટેલે લોકોમાં જુસ્સો પ્રગટાવ્યો હતો. ઠેરઠેર જુવાનો સત્યાગ્રહમાં ઝંપલાવવા તૈયાર હતા. પરિણામે ઓલવાતો દીપક છેલ્લું જોર કરે એમ રાજ્યનો જુલમ વધ્યો. 20 જાન્યુઆરી 1930ના રોજ, મણિલાલ કોઠારીની ટુકડી વઢવાણથી ખાખરેચી જવા મોરબી ગઈ. ત્યાંથી ખાખરેચી જવા ટ્રામવેમાં બેઠી. સમય થયો છતાં ટ્રામવે ઉપડી નહીં. મોરબીના મહારાજાએ મણિલાલને કહેવડાવ્યું કે “તમે ખાખરેચી જતા નહીં. અમે સમાધાન કરાવીએ છીએ.”
પણ મણિલાલે ખાખરેચી જવાની મક્કમતા છોડી નહીં. આખરે ટ્રામવે ઉપડી. સ્ટેશને સ્ટેશને લોકોએ સત્યાગ્રહીઓનાં વધામણાં કર્યાં. ટુકડી ખાખરેચી પહોંચી. રેલવે સ્ટેશનથી ગામમાં જવાનો રસ્તો બંધ હતો. 25 પોલીસનું ધાડિયું ઊભું હતું. સત્યાગ્રહીઓ આગળ વધ્યા. પોલીસે એમને અટકાવ્યા. ગામમાં જવા સામે દરબારી મનાઈ હુકમની તેમને સમજ કરી. સત્યાગ્રહીઓએ ત્યાં અડિંગો જમાવ્યો. એ સમયે ગામમાંથી થોડાં વેપારીઓ અને ખેડૂતો સત્યાગ્રહીઓને મળવા આવ્યા. પોલીસે તેમને અટકાવ્યા. મણિલાલની વિનંતીથી અમુક વેપારીઓને બોલાવવામાં આવ્યા. મણિલાલે કહ્યું : “હું અહીં આવ્યો ત્યારે વહિવટદારે મને મગનલાલની ચિઠ્ઠી આપી. તેમાં લખેલ છે કે રાયસિંહજી સમાધાન કરે છે એટલે તમે ખાખરેચી ન આવતા ! આ સાચું છે?”
વેપારીઓએ કહ્યું કે આ સાચું નથી. એટલે પોલીસે વેપારીઓને તત્કાળ ત્યાંથી હાંકી કાઢ્યા.
ખાખરેચી સત્યાગ્રહ અંગે સરદાર પટેલે ફૂલચંદ શાહને પત્ર લખ્યો : “માળિયાનાં ખેડૂતોની હિંમત અને જાગૃતિની વાત જાણી આનંદ થયો. ખેડૂતોમાં ચેતના આવશે ત્યારે જ દેશનું કલ્યાણ થવાનું છે. માળિયા કરતાં પણ વિશેષ જુલમો ખેડૂતો મૂંગે મોંઢે અનેક જગ્યાએ સહન કરી રહ્યા છે. પરંતુ હવે ઠેકાણે ઠેકાણે ભડકા થતા સંભળાય છે, એ જ ઉદયની નિશાની છે. ખેડૂતો મક્કમ હશે તો જરૂર જીતવાના !”
– 8 –
બાવળના ઝાડ પર કેરીની આશા ખોટી પડી !
લોકશાહીમાં, 2025માં આપણે સત્તાના અન્યાય સામે સત્યાગ્રહ કરી શકતા નથી, પરંતુ આપખુદ રાજા સામે ખાખરેચીના લોકોએ અવાજ ઊઠાવ્યો હતો, તે ઐતિહાસિક ઘટના આપણને પ્રેરણા આપનારી છે.
ખાખરેચી સત્યાગ્રહ અને તે પછીના કેટલાક પ્રસંગો પર નજર કરીએ :
[1] સત્યાગ્રહી રામજી લવજી બારડોલી જઈ સરદાર પટેલને મળ્યા હતા; એ કારણે રાજા રાયસિંહજીએ એમને જેલમાં પૂરેલ !
[2] કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન મોરબી ખાતે ભરાયું હતું. ત્યારે ખાખરેચીના ખેડૂતોએ ખાદીનાં બુંગણ આપ્યા હતાં. આખો પરિષદ-મંડપ ખાખરેચીની ખાદીથી શણગારવામાં આવ્યો હતો. તેથી ઠાકોર રાયસિંહજી ખૂબ ગુસ્સે થયા હતા અને બુંગણ આપનાર ખેડૂતોને 2-2 રુપિયા દંડ કર્યો હતો ! બુંગણ આપનારને ખાખરેચી દરબારગઢમાં બોલાવી રાયસિંહજીએ ગાળો આપેલ અને કહ્યું હતું : “તમારે મારું રાજ લેવું છે? બહારવટિયાને બુંગણ કેમ આપ્યા?”
[3] દર વરસે મગનલાલ પાનાચંદ ચાર આના લઈને કાઁગ્રેસના પ્રાથમિક સભ્યો નોંધતા. ઠાકોર સાહેબને આની ખબર પડી કે ખાખરેચી ગામમાંથી કાઁગ્રેસના સભ્યો થયા છે. એટલે તરત જ તેમને ગામ છોડી જવાનો હુકમ કર્યો ! અને ખૂબ ધમકાવ્યા. ચાર જણાને 2-2 રુપિયાનો દંડ કર્યો !
[4] 1930માં ઐતિહાસિક દાંડીકૂચ થઈ. રાણપુરથી અમૃતલાલ દલપતરામ શેઠે ધોલેરા સત્યાગ્રહ કર્યો. આ સત્યાગ્રહમાં ખાખરેચીમાંથી (1) ઓધવજી વીરજી (2) દેકા આંબા (3) પ્રાગા તળશી (4) પરસોત્તમ કરસન (5) દેવજી ધરમસી (6) લીંબા દેવશી (7) લવજી ધના જોડાયા હતા. આ સાત સૈનિકો સાથે અમૃતલાલ શેઠે પહેલી ટુકડીમાં મીઠાનો સત્યાગ્રહ કરેલ. તેમને ગિરફતાર કરવામાં આવેલ. આ સૈનિકોએ ત્રણ મહિના સુધી ધોલેરા રહી સત્યાગ્રહ ચાલુ રાખેલ. લાઠીમાર સહન કર્યો. 15 દિવસની સજા પડી હતી.
[5] ભવાન ઓધાને સત્યાગ્રહ પછી હદપાર કર્યા. એક વરસ અમદાવાદ રહેવું પડ્યું. તેમની જમીન જપ્ત કરવામાં આવી, જે સૌરાષ્ટ્ર એકમ બનતાં 17 વરસ પછી પાછી મળી ! ભાણજી કુંવરજીની નીપજ / જમીન ખાલસા કરવામાં આવી અને હદપાર થતાં તેમને વિરમગામ તાલુકામાં રહેવા જવું પડ્યું. સૌરાષ્ટ્ર એકમ બનતાં તેમને જમીન પરત મળી !
[6] મગનલાલ પાનાચંદના દીકરા રાજપાળભાઈ અને તેમનાં પત્ની ઝલુબહેન 1930માં દાંડીકૂચ વેળાએ જ વિરમગામ સત્યાગ્રહ છાવણીમાં જોડાઈ ગયાં હતાં. ઝલુબહેન વિરમગામ કાપડ પિકેટિંગમાં પકડાયા હતાં અને જેલવાસ ભોગવ્યો હતો. રાજપાળભાઈને છ મહિનાની સજા થઈ હતી. તેમાંથી છૂ્ટ્યા બાદ ફરી સત્યાગ્રહમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલ. મગનલાલ પાનાચંદ હળવદ-ધ્રાંગધ્રા-મોરબીમાં કાપડ પિકેટિંગના મુખ્ય નેતા હતા.
[7] ખાખરેચીનો પ્રાચીન ઇતિહાસ પણ ગૌરવપૂર્ણ છે. કાના પટેલે ખાખરેચી, થરા અને ટીકરના ચોરા બંધાવેલ. જીવરાજ પટેલે બહારવટિયા લાખા વેરાનો સામનો કરી, બહાદુરીપૂર્વક મોત સ્વીકારેલ. તેમનો પાળિયો રાવળાસર તળાવે છે. લાડકચંદ શેઠ પરગજુ દાનવીર હતા. મોતી ઉનાલિયા પટેલ ભારે પરાક્રમી અને સાહસિક હતા. કેશા કાલરિયા બળવાન વ્યક્તિ તરીકે પ્રખ્યાત હતા. અણદા ભરવાડ લડાઈમાં 18 ઘા ઝીલનાર હતા. ડોસા પારજીઆ અને ડોસા કૈલાએ રાજ્ય સામે ભાગ માંગવાના પ્રશ્નને ગામ છોડ્યું હતું અને પછી મનામણા થતાં પાછા ખાખરેચી આવ્યા હતા. દેવસી પટેલ, હીરા પટેલ, વરસી કાલરિયા નાતના મહાજન હતા. પરસોત્તમ થડોદા અને પુંજા મેઘજી દેશી વૈદ્ય હતા અને મફત દવા આપતા હતા. ખાખરેચી ગામની એક વિશેષતા એ હતી કે ગામમાં વહેમ / અંધશ્રદ્ધાને સ્થાન ન હતું ! 25 ઓક્ટોબર 1950ના રોજ ગ્રામ પંચાયતની સ્થાપના થતા સત્યાગ્રહના સેનાની ભવાન ઓધા મંત્રી અને ભાણજી કુંવરજી સરપંચ બન્યા. ખાખરેચીમાંથી આભડછેટ દૂર કરી. દર વરસે પંચાયતની એક સભા દલિતવાસમાં ભરવી એવો નિયમ બનાવ્યો. મંદિરો, હોટલ, જાહેર સ્થળોએ દલિતોને વિના રોકટોક પ્રવેશ મળતો. સૌના માટે એક જ પાણીઘાટ હતો. દલિત બાળકો શાળામાં મુક્ત રીતે ભણતા.
ખાખરેચીના લોકોની માંગણી વેઠપ્રથા તથા લાગા-લેતરી નાબૂદ કરવાની હતી. રાજ્ય તરફથી જેલ, જપ્તી, દંડ, મારઝૂડ, જુલમ, ત્રાસ, અપમાન, હદપારી વગેરે અનેકવિધ દમનના કોરડાઓ લોકો પર વીંઝાયા હતા. ખેડૂતોને ત્રાસ આપવા જતાં ખુદ માળિયાના રાજા રાયસિંહજીને પદભ્રષ્ટ થવું પડ્યું ! ખંડિયા રાજાને પદભ્રષ્ટ કરવાની સત્તા એજન્સી-અંગ્રેજો પાસે હતી ! રાયસિંહજી આમ તો ઝૂકે નહીં પણ કાઠિયાવાડના અન્ય રાજાઓનાં દબાણ કારણે તેમણે નમતું મૂક્યું.
છેવટે રાયસિંહજીએ શરતો કબૂલ કરી :
[1] સત્યાગ્રહ પ્રકરણ અંગે દંડ / જપ્તી / હદપારીના હુકમ રદ્દ થશે.
[2] વસૂલ કરેલ રકમ પરત કરવામાં આવશે.
[3] બાજરાના ખળામાંથી વેરો કે તગાવી વસૂલ કરાશે નહીં.
[4] સત્યાગ્રહ પ્રકરણ અંગે કોઈને કશી કનડગત થશે નહીં.
[5] ખેડૂતોની માંગણીઓ પૈકી હાલ તુરત દૂધની / છાણાંની / રાજ્યમાં મકાનો બાંધવા ગાડાની / ચોમાસામાં ગાડાની / ગાદલાં-ગોદડાં વગેરેની વેઠ માફ. દર સાંતી દીઠ 200 પૂળા કડબ લેવાતી તે હવેથી તદ્દન બંધ.
[6] બાકીની માંગણીઓ યુવરાજશ્રી ગાદીનશીન દિવસ વખતે સંતોષકારક જાહેરાત કરશે.
26 નવેમ્બર 1929ના રોજ શરૂ થયેલ સૌરાષ્ટ્રની પ્રથમ લોકલડત – ખાખરેચી સત્યાગ્રહનો સુખદ અંત 56 દિવસ બાદ 20 જાન્યુઆરી 1930ના રોજ આવ્યો.
પરંતુ બાવળના ઝાડ પર કેરીની આશા સ્વાભાવિકપણે ખોટી પડી ! સમય જતા સમજાયું કે લોકજુવાળ સામે ટકી ન શકેલા રાયચિંહજીએ સમાધાન માત્ર નામનું કર્યું હતું ! શરતો મુજબની માંગણીઓ સંતોષાવામાં ન આવી. એટલે લોકોએ ખાખરેચી જેવા ગામોને ગ્રામ પંચાયત આપવાની અને રાજ્ય વહિવટમાં લોકોનો અવાજ દાખલ કરવાની માંગણી કરી.
ઠાકોર સાહેબમાં કોઈ પરિવર્તન ન થયું. સમાધાન પછી દમનનીતિ ચાલુ રહી. લડતથી ભાંગી પડેલા અને દાણા વગરના થઈ ગયેલા ખેડૂતોએ રાજ્ય પાસે મદદની માંગણી કરતા રૂપિયા 1,000નો રાજ્યને મુચરકો આપવા તથા હવે પછી કદી રાજ્ય સામે થઈશ નહીં, એવી શરતે ખેડૂતોને મદદ કરવામાં આવી.
શરત મુજબ દંડની રકમ પરત આપવાની હતી તે રકમ પરત ન કરી. ‘ગાંધી ટોપી’ જોતાં જ જુલમ થવા લાગ્યો ! શાળાના છોકરાઓની ટોપી પર ‘મહાત્મા ગાંધીની જય’ લખેલું હોય તો તે ઝૂંટવી લેવામાં આવી.
હરિશ્રંદ્રસિંહજી ગાદીએ આવ્યા છતાં એવી જ પરિસ્થિતિ ચાલુ રહી. છતાં લોકોના મનમાં એક લડત સફળતાપૂર્વક લડી લીધાનો આત્મસંતોષ હતો. દેશની ગુલામીના એ અંધકારભર્યા દિવસોમાં અંગ્રેજોની અને રજવાડાની બેવડી ગુલામી ભોગવતા ખાખરેચીના ખુમારીવાળા ખેડૂતોએ / ગામ લોકોએ તત્કાલીન રાજાશાહી સામે સત્યાગ્રહ કર્યો હતો એ ઘટના જ અભૂતપૂર્વ હતી. એ સમયે રાજાશાહી એના પૂર્ણ આપખુદ સ્વરૂપમાં હતી. તેમાંયે માળિયા જેવા પછાત મુલકમાં, રાજા રાયસિંહજીના અમલ સામે હરફ ઉચ્ચારવો એ કલ્પના બહારની વાત હતી, અને એવો પડકાર રણકાંઠાના ગામડાના દબાયેલ-પીસાયેલ ગામલોકોમાંથી ઊઠે એ સત્યાગ્રહની તાકાત હતી. ખાખરેચી ગામના લોકોને ગૌરવ છે કે એમના વડવાઓએ અન્યાયનો સજ્જડ પ્રતિકાર કર્યો હતો !
[સંપૂર્ણ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર