
રવીન્દ્ર પારેખ
ગુજરાતીને આશરે 700 વર્ષ થયાં. તેનો આદિ કવિ નરસિંહ મહેતા. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ …’ કે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ …’ કે ‘રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ …’ જેવી પંક્તિઓ આપનાર નરસિંહ ક્યાં ય શિખાઉ નથી લાગતો. તે પછી ગુજરાતી વિકસી કે વકરી હશે, પણ નરસિંહ તો પ્રારંભથી જ વિકસેલો કવિ રહ્યો છે. તે પછી તો મીરાં, પ્રેમાનંદ, દયારામ, દલપત, નર્મદ, મુનશી, ઉમાશંકર ને બીજા અગણિત કવિ-લેખકોએ ગુજરાતી ભાષાનું જતન સંવર્ધન કર્યું. એ ગુજરાતી ગુજરી જાય એને માટેના ગુજરાત જે પ્રયત્નો કરી રહ્યું છે તે શરમજનક છે. આજે તો ગુજરાતી બોલવામાં નાનમ લાગતી હોય તેમ, શબ્દો અંગ્રેજી હોય ને ક્રિયાપદ ગુજરાતી હોય એવા વાક્યોથી કામ ચાલે છે.
ગુજરાતીનું સૌથી વધુ અપમાન ગુજરાતી પ્રજાએ અને ગુજરાત સરકારે કર્યું છે. કોઈ પણ ભાષા તેના કુદરતી ક્રમે વિકસે કે લુપ્ત થાય તે સમજી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતીને પરાણે લુપ્ત કરવાના જે પ્રયત્નો થયા છે તે અકુદરતી છે ને એવું કોઈ ભાષા માટે થયાનું જાણમાં નથી. ઈઝરાયેલ જેવો દેશ એક કરોડની વસ્તી પણ નથી ધરાવતો, છતાં હિબ્રૂ ભાષા માટે તેની જે લાગણી છે તે કાબિલે દાદ છે. ઈઝરાયેલની રચના 1948માં થઈ ત્યારે જ હિબ્રૂને અધિકૃત ભાષા તરીકે જાહેર કરવામાં આવી. એ વખતે હિબ્રૂમાં કોઈ સાહિત્ય ઉપલબ્ધ ન હતું. ઇઝરાયલે સાત વર્ષમાં હિબ્રૂમાં તમામ સામગ્રી તૈયાર કરાવી ને પછી શિક્ષણનો પ્રારંભ કર્યો. કોઈ પ્રજા માતૃભાષા પરત્વે કેવું મમત્વ દાખવી શકે તેનું ઈઝરાયેલ વૈશ્વિક ઉદાહરણ છે.
એની સામે આપણે ગુજરાતીઓ ગુજરાતીનું કેટલું માન જાળવીએ છીએ તે કહેવાની જરૂર નથી. આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે. 17 નવેમ્બર, 1999થી એ ઉજવવાની જાહેરાત યુનેસ્કોએ કરી ને 2000ની 21 ફેબ્રુઆરીથી તેની ઉજવણી શરૂ થઈ. આ વખતે પણ ગુજરાતીનું ગુણ સંકીર્તન એક દિવસ પૂરતું થશે. ઉજવણું થશે ને ઉઠમણું ય લગભગ સાથે જ થશે. માતૃભાષાનો જયજયકાર થશે ને એમ ફરી 21મી ફેબ્રુઆરી આવે ત્યારે વળી ‘જય જય ગરવી ગુજરાત’ ગવાશે. હવે પછી એ અંગ્રેજીમાં ગવાય તો નવાઈ નહીં ! ક્યાંક ગુજરાતી પ્રત્યેની સચ્ચાઈ પણ હશે જ, પણ મોટે ભાગે તો અખાડામાં દેખાડા જ થશે. સાંભળવાથી પણ ડાયાબિટીસ થઈ જાય એવી ગળચટ્ટી ગુજરાતીમાં કવિતાઓ – વ્યાખ્યાનો થશે અને સાંજને છેડે માતૃભાષા ‘દીન’ થઈને ખૂણો પાળવા લાગશે. એટલું આશ્વાસન ખરું કે આ બધો દંભ ગુજરાતીમાં થશે.
આવું એટલે કહેવાનું થાય છે, કારણ, ગુજરાત સરકાર ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરતી જાય છે ને અંગ્રેજી માધ્યમની સ્કૂલોને લાઇસન્સ આપતી જાય છે. આપણને એનું આશ્ચર્ય થતું નથી કે અંગ્રેજ સરકારે તેની કોઈ ગરજ ન હતી, છતાં ગુજરાતી સ્કૂલો શરૂ કરાવી અને ગુજરાત સરકારે ગુજરાતીની સ્કૂલો બંધ કરાવીને અંગ્રેજી સ્કૂલો શરૂ કરાવી. પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ, એવું દુનિયા પોકારી પોકારીને કહે છે, પણ ગુજરાતને એ સંભળાતું નથી. ગુજરાતી ભાષાને કોઈ અંગ્રેજીમાં ભણાવે એવી ઈચ્છા સરકારની હોય તો ખબર નથી, પણ સો વાતની એક વાત કે ગુજરાતમાં ગુજરાતીની થાય છે, એટલી ઉપેક્ષા બીજી કોઈ ભાષાની, તેનાં રાજ્યમાં નથી થતી.
આમ પણ ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થાય છે તે ઇતિહાસ બહુ જૂનો નથી. એની સામે અંગ્રેજીમાં નાપાસ થનારની સંખ્યા ઓછી જ છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી તરફ અંગ્રેજી કરતાં ધ્યાન ઓછું જ અપાય છે. એ નથી સમજાતું કે ગુજરાતમાં ગુજરાતીનું મહત્ત્વ ન થાય તો ઓરિસા, બિહારમાં થવાનું હતું? પશ્ચિમનાં આટલાં અનુકરણ પછી પણ, મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં બંગાળી, પંજાબમાં પંજાબી ભાષા ને સંસ્કૃતિની અસર વર્તાય છે. એવી સ્થિતિ ગુજરાતમાં છે?
અહીં અંગ્રેજી, અંગ્રેજી એટલે થાય છે, કારણ કે ગુજરાતનો વિદ્યાર્થી અમેરિકા, ઇંગ્લેન્ડ જાય તો ત્યાં અંગ્રેજીમાં ચાલતા વ્યવહારમાં કાચો ન પડે. સરકાર એ ચિંતા કરે તે વાજબી પણ છે, પણ એવા વિ-દેશીઓ માટે સરકાર અંગ્રેજી ભણાવવાની જુદી વ્યવસ્થા કરી શકેને ! વિદેશમાં અવદશા ન થાય એટલે સરકાર અંગ્રેજી પર વધારે ધ્યાન આપે ને વધુ અંગ્રેજીની સ્કૂલો ખોલે તો ભલે, પણ આખું ગુજરાત કે તેના 7 કરોડ ગુજરાતીઓ ઇંગ્લેન્ડ કે અમેરિકામાં વસવાના નથી. તો જે અહીં રહેવાના છે, એમનો વ્યવહાર ગુજરાતીમાં ચાલે એટલું તો જોવાયને ! કે ગુજરાતને જ ઇંગ્લેન્ડ બનાવવું છે?
સંતાનની અંગ્રેજીની જોડણી ખોટી ન પડે એની કાળજી અભણ માબાપ પણ રાખે છે, પણ ગુજરાતીનો શિક્ષક વર્ગમાં ખોટું ગુજરાતી બોલે કે લખે તેની ચિંતા કોઈને નથી. અંગ્રેજી લખતી વખતે જેટલી કાળજી લેવાય એટલી જ ગુજરાતી લખતી વખતે પણ લેવાય તેવી અપેક્ષા વધારે પડતી છે? ગુજરાતી ભાષા અંગે સરકાર તો ઉદાસીન છે જ, પણ ગુજરાતીઓને પણ ગુજરાતી રહે કે જાય તેની બહુ પડેલી નથી. ભાષા જ નહીં, ખાણીપીણી, પહેરવેશ, રહેણીકરણી વગેરેમાં ગુજરાતીપણું કેટલું સચવાયું છે તે કહેવાની જરૂર નથી. આપણે નકલખોર પ્રજા છીએ એટલે ભાષાનું તો સમજ્યા, આખું રાજ્ય જ તેની ‘અસ્મિતા’ ગુમાવી ચૂક્યું હોય એવું નહીં?
ટી.વી. ચેનલો, વર્તમાનપત્રો, જાહેર માધ્યમો, સોશિયલ મીડિયા એટલી કાળજી રાખે છે કે સાચું લખાઈ કે વંચાઈ ન જાય. આમાં અતિશયોક્તિ હોય તો પણ, ભાષા બાબતે ગુજરાતીઓ કેવળ બેદરકાર છે. આ બધાંમાં કવિતા, વાર્તા, નાટક, નવલકથા લખાય છે ને પ્રગટ પણ થાય છે, તેનું આશ્ચર્ય જ છે. જો કે, હવે સાહિત્યને નામે કૈં પણ ખપે છે, કારણ કે કોઈ પડકારનારું જ નથી, એટલે લખે તે લેખક એવી વ્યાખ્યા વ્યાપક છે …
સાચું તો એ છે કે શિક્ષણને સંવેદન જોડે ઝાઝી લેવાદેવા રહી નથી. કમાવી આપે તે શિક્ષણ એ નવી નીતિ છે. એ જરૂરી છે એની ના નહીં, પણ માત્ર ધંધાકીય કૌશલ્ય જ કેન્દ્રમાં રહે ને કલા, સાહિત્ય, સંગીત પાછળ નાખવામાં આવે તો માણસ અને યંત્ર વચ્ચે ઝાઝો ફરક નહીં રહે તે સમજી લેવાનું રહે. AI અને રોબોટ્સનું વધતું વર્ચસ્વ ભવિષ્યમાં ભાષા, કળા, સાહિત્યનો કેટલો મહિમા કરશે તે સવાલ જ છે. કળા, શિક્ષણ, સાહિત્યમાંથી સંવેદનના લોપને કારણે, હિંસા, હત્યા, આત્મહત્યા, અત્યાચારો વધ્યા છે ને ચોમેર ભૌતિકવાદી જગત જ ફૂલેલું-ફાલેલું દેખાય છે. આપણી આસપાસ નકલી અને દંભી જગત વિકસી રહ્યું છે. આજનો માણસ બહારથી ટાપટીપ કરનારો જણાશે, પણ અંદરથી એ બરડ છે. એ સંવેદનશીલ નથી. આ કોઈ પણ ભાષા, સંસ્કૃતિમાં શક્ય છે ને એ આપણે પણ અનુભવીએ છીએ.
આજની ભાષા સલાહ, ઉપદેશ કે પ્રચાર પૂરતી જ સીમિત થઈ ગઈ છે. એમાં પણ વર્તમાનપત્રોની ભાષા લાલચ કે ધમકી યુક્ત છે. આક્રમક છે. આ કરો, આ ન કરો, આ તમારે જાણવું જ જોઈએ એ રીતે સમાચારો અપાય છે. એની સામે બોલવાની છૂટ કેટલી એ પ્રશ્ન જ છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય કદાચ બંધારણમાં જ રહી ગયું છે. ભાષા બાબતની બેદરકારી તો અક્ષમ્ય છે જ, પણ જે વર્તમાનપત્રો ભાષા શિક્ષણનું ઉદાહરણ ગણાય અને જેનું જોઈને વિદ્યાર્થીઓ ભાષાની શુદ્ધિ શીખતાં હોય તે ભરોસાપાત્ર ન હોય તો કેમ ચાલે? એકના એક સમાચાર એક જ પાનાં પર છપાય તેની નવાઈ નથી, પણ એક જ સમાચારમાં એક પેરેગ્રાફ લગભગ સાથે સાથે છપાય ત્યારે ભાષા વિષે કેટલી કાળજી લેવાતી હશે તે સમજી શકાય એવું છે. અહીં ભૂલોની વાત નથી, તે તો કોઇની પણ થાય, પણ કામ પ્રત્યેની બેદરકારી અક્ષમ્ય છે. લગભગ તમામ છાપાઓમાં નિષ્ણાંત, નિમણૂંક, સગવડતા, ઝગડો જેવા શબ્દો વારંવાર છપાયા કરે છે. અનુસ્વારની અરાજકતા એ છે કે એ ત્યાં હોય છે જ્યાં ન હોવાં જોઈએ ને ત્યાં નથી હોતાં જ્યાં હોવાં જોઈએ. સગવડતા જેવો શબ્દ જ નથી, પણ ‘સગવડ’ને બદલે એ અગવડ ઊભી કરે છે. ‘ઝઘડો’ શબ્દને બદલે ‘ઝગડો’ વપરાય ને કોઈ ‘ઝઘડો’ જ ન થાય એ કેવું?
જન્મનું નિમિત્ત પિતા છે, પણ જન્મ માતા આપે છે. તે દૂધ નથી પાતી ત્યારે ભાષા પાય છે. એ ભાષા તે માતૃભાષા. આ માતૃભાષા ગુજરાતમાં ગુજરાતી છે. માતા દેશી હોય, ગુજરાતી હોય તો, તેનું દૂધ વિદેશી કેવી રીતે હોય? કોઈ અંગ્રેજ ગુજરાતીને માતૃભાષા ગણશે? તો, ગુજરાતી, અંગ્રેજીને ગુજરાતીથી વિશેષ મહત્ત્વ કઈ રીતે આપી શકે? પણ, આપણે આપીએ છીએ. કોણ જાણે કેમ, અંગ્રેજો ગયા, પણ ગુજરાત પરથી ઇંગ્લેન્ડનો પડછાયો ખસતો નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ફેબ્રુઆરી 2025