
રાજ ગોસ્વામી
એવા સમાચાર છે કે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની પૌત્રી નાઓમિકા સરણ અને વર્તમાન સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ મારફતે હિન્દી સિનેમામાં અવતરણ કરી રહ્યાં છે. નાઓમિકા, રાજેશ-ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી રિંકી ખન્ના અને બિઝનેસમેન સમીર સરણની પુત્રી છે. અગસ્ત્ય, અમિતાભ-જયાની પુત્રી શ્વેતા બચ્ચન અને બિઝનેસમેન નિખિલ નંદાનો પુત્ર છે.
ખન્ના-બચ્ચન પરિવારની ત્રીજી પેઢી પહેલીવાર એક સાથે પડદા પર આવશે. અગાઉ, 55 વર્ષ પહેલાં ‘આનંદ’ ફિલ્મમાં રાજેશ અને અમિતાભ પહેલીવાર સાથે આવ્યા હતા. આ ફિલ્મ તેની સંવેદનશીલ વાર્તા અને અભિનય માટે તો યાદગાર છે જ, પરંતુ તેને એટલા માટે પણ યાદ કરવામાં આવે છે કારણ કે તે વખતે રાજેશ ખન્નાનો સિતારો બુલંદ હતો અને અમિતાભની તેમાં સહાયક હીરોની ભૂમિકા હોવા છતાં, એક જુસ્સાદાર અભિનય દ્વારા તે દર્શકોના મન પર અમીટ છાપ છોડી ગયો હતો.
આપણે અગાઉ ‘આનંદ’ ફિલ્મની વાર્તા અને તેનાં અન્ય પાસાઓ વિશે ઘણી વાત કરી ગયા છીએ. આજે આપણે એ જાણવાની કોશિશ કરીએ કે હિન્દી સિનેમાના બે મોટા સ્ટારની જોડી કેવી રીતે બની હતી અને એ અનુભવ કેવો હતો.
એ વાત જાણીતી છે કે રાજેશ અને અમિતાભ માત્ર બે જ ફિલ્મોમાં સાથે આવ્યા; 1971માં ‘આનંદ’માં અને 1973માં ‘નમક હરામ’માં. બંનેનું નિર્દેશન હૃષિકેશ મુખર્જીએ કર્યું હતું. બંને ફિલ્મોને ઘણી ચાહના મળી હતી અને દર્શકોએ બંનેને વધુ ફિલ્મોમાં સાથે જોવાની આશા પણ રાખી હતી, પરંતુ બે ફિલ્મો પછી બંને વચ્ચે વ્યક્તિગત રીતે અંતર આવી ગયું હતું.
‘આનંદ’ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી, પરંતુ ડૉ. ભાસ્કર બેનર્જીની ભૂમિકામાં અમિતાભના અભિનયની સારી એવી નોંધ લેવાઈ હતી એ ખન્નાને ગમ્યું નહોતું. મુખર્જીએ 1973માં ‘નમક હરામ’માં આ સફળ જોડીને પુનરાવર્તિત કરી હતી.
આ ફિલ્મ પણ ખૂબ જ સફળ રહી હતી, પરંતુ તેના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના સંબંધોનું સમીકરણ બદલાઈ ગયું હતું. ‘નમક હરામ’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની પ્રસિદ્ધિ વધી રહી હતી, જ્યારે રાજેશ ખન્નાનો સ્ટાર પાવર ઓછો થઈ રહ્યો હતો. ખન્નાએ અમિતાભને એક સહકલાકારને બદલે એક પ્રતિસ્પર્ધી તરીકે જોવાનું શરૂ કર્યું હતું.
‘નમક હરામ’માં રાજેશ ખન્નાનો આગ્રહ હતો કે તેનું પાત્ર (સોમુ સિંહ) અંતે મરી જાય. ‘આનંદ’માં એવું જ હતું અને દર્શકોને હીરો મરી જાય એ ગમતું હતું. કહેવાય છે કે અમિતાભને એ કલાઇમેકસ પસંદ નહોતો આવ્યો. તેના પાત્ર વિકીના ભાગે સોમુના મોતનો બદલો લેવાનું આવ્યું હતું.
ફિલ્મ રિલીઝ થઇ તે પછી ખન્નાની અપેક્ષાથી ઊંધું થયું. તેના પાત્રનો કરુણ અંત આવતો હોવા છતાં. અમિતાભ તેના આક્રમક અભિનય દ્વારા દર્શકોની વાહવાહી લૂટી ગયો. ખન્નાના અહંકારને તેની ઠેસ પહોંચી અને પછી બંનેએ ક્યારે ય સાથે કામ ન કર્યું.
પહેલીવાર ‘આનંદ’માં બંને કેવી રીતે ભેગા થયા તેની પણ દિલચસ્પ વાત છે. તમે જાણો છો તેમ, આ ફિલ્મ આનંદ સહેગલ (રાજેશ ખન્ના) નામના એક એવા માણસ વિશે હતી, જે કેન્સરમાં મરી જવાનો છે ,પરંતુ તેના અંતિમ દિવસો તે હસી-ખુશીમાં વિતાવે છે. ડૉ. ભાસ્કર બેનર્જી તેનો ટેકો બને છે અને આનંદની સકારાત્મકતાથી અંજાઈ જાય છે.
મુખર્જીએ 1998માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ નિર્માતા-અભિનેતા રાજ કપૂર સાથેના તેમના સંબંધો પર આધારિત હતી. રાજ કપૂરને એક વાર નાડીની સમસ્યા થઇ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તે વખતે ઘણા ખુશ મિજાજમાં રહેતા હતા.
મુખર્જી અંગત અને વ્યવસાયિક રીતે તેમની સાથે એટલા જોડાયેલા હતા કે તેમને એવી ચિંતા સતાવા લાગી હતી કે રાજજીને કંઇક થઇ જશે તો મારું શું થશે? એમાંથી જ હસમુખા આનંદ સહેગલ અને પરેશાન ડૉ. ભાસ્કર બેનર્જીના પાત્રનો જન્મ થયો હતો. ફિલ્મમાં આનંદ પંજાબી છે અને ભાસ્કર બંગાળી, તે યોગાનુયોગ નથી. અસલ જીવનમાં રાજજી પંજાબી હતા અને મુખર્જી બંગાળી.
ફિલ્મમાં ભલે રાજેશ ખન્નાના પાત્ર માટે દર્શકોને સહાનુભૂતિ હતી અને તે જ આકર્ષણનું કેન્દ્ર હતો. ફિલ્મનું શીર્ષક પણ તેના નામ પરથી જ હતું, પરંતુ અમિતાભની ભૂમિકા પ્રમુખ હતી. દર્શકોને આનંદનો પરિચય પણ ડૉ. ભાસ્કર મારફતે જ થાય છે. એટલે ફૂટેજની દૃષ્ટિએ પણ એ ભૂમિકા લાંબી હતી. ફિલ્મ ડૉ. ભાસ્કરે લખેલા પુસ્તકના વિમોચનથી શરૂ થાય છે અને આનંદના મોત પર તેની વ્યથા સાથે પૂરી થાય છે.
ફિલ્મમાં, અંતે રાજેશ ખન્નાના પાત્રનું અવસાન થાય છે, પરંતુ તેના જવાથી ડૉ. ભાસ્કરને જે આઘાત લાગે છે અને ‘બાબુ મોશાય, જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ’ વાળા દૃશ્યમાં અમિતાભે પાત્રના દુઃખ, ગુસ્સો, નારાજગી અને અસહાયતાને જે રીતે ઠાલવી દીધી હતી તેની અસર દર્શકો પર વધુ ગંભીર પડી હતી.
ફિલ્મના પટકથા-સંવાદ લેખક અને ગીતકાર ગુલઝાર તેમના પુસ્તક Actually … I Met Them : A Memoirમાં લખે છે કે આનંદની ભૂમિકા કિશોર કુમાર કરવાના હતા, પરંતુ કોઈ કારણસર કિશોરે એવાં નખરાં કર્યાં કે મુખર્જીએ પછી ખન્નાને લેવાનું નક્કી કર્યું. એમ તો તેમણે ધર્મેન્દ્રને લેવા માટે પણ વિચાર કર્યો હતો. એમાં ધર્મેન્દ્ર નારાજ પણ થઇ ગયો હતો.
ઇન ફેક્ટ, ગુલઝાર પાસેથી જ ખન્નાને ફિલ્મના વિષયની ખબર પડી હતી અને તેણે જ આગ્રહ કર્યો હતો કે મારે આ ફિલ્મ કરવી છે. મુખર્જીને આશ્ચર્ય થયું હતું કે સુપરસ્ટાર કક્ષાના ખન્નાને “આનંદ” જેવી નાની ફિલ્મ કરવી છે. તેમણે બે શરતો મૂકી હતી : એક, બહુ પૈસા નહીં મળે, અને બે, શુટિંગ માટે સળંગ તારીખો આપવાની, વચ્ચે કોઈ ખાડો નહીં. ખન્નાએ બંને શરતો માની લીધી હતી.
ખન્નાની પસંદગી થયા પછી, ડૉ. ભાસ્કરની ભૂમિકા માટે મુખર્જીએ તેમના વતન બંગાળના બે મહારથી ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચેટરજીનો વિચાર કર્યો હતો. અમિતાભ બચ્ચનની ત્યારે કોમેડિયન મહેમૂદ સાથે સારી દોસ્તી હતી. ઇન ફેક્ટ, તે કલકત્તાની નોકરી છોડીને મુંબઈ આવ્યા ત્યારે મહેમૂદે જ તેમને આશરો આપ્યો હતો.
મહેમૂદને ખબર હતી કે ‘આનંદ’ ફિલ્મમાં ડૉ. ભાસ્કરની ભૂમિકા માટે અભિનેતાની તલાશ જારી છે. એમ તો કિશોર કુમારની સાથે મહેમૂદને લેવાની વાત પણ હતી, પરંતુ એ વાત ન બની એટલે જ્યારે ખન્નાનું નામ નક્કી થયું ત્યારે મહેમૂદે અમિતાભને આ ભૂમિકા ઝડપી લેવા સલાહ આપી હતી. મહેમૂદે કહ્યું હતું, “તારે કશું કરવાનું જ નથી. તારે તો ખન્ના સાથે ટીંગાઈ જવાનું છે.”
કપિલ શર્માના એક જૂના એપિસોડમાં આવેલા અમિતાભે પણ કહ્યું હતું કે મારે તો એ વખતે કામની તલાશ હતી અને એક સુપરસ્ટાર સાથે કામ કરવા મળતું હોય એ તો કેવા નસીબની વાત હતી!
એક બીજા ઇન્ટરવ્યુમાં અમિતાભે કહ્યું હતું કે ‘આનંદ’ જે દિવસે રિલીઝ થઇ ત્યારે સવારે તેમને કારમાં પેટ્રોલ ભરાવાનું હતું. ત્યારે કોઈએ તેમના તરફ જોયું પણ નહોતું. સાંજે એ ફરી પેટ્રોલ પંપ પર ગયા, ત્યારે તેમનો ચહેરો જાણીતો થઇ ગયો હતો.
એ દિવસે, એક નવા સુપરસ્ટારનો ઉદય થયો હતો.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર