પ્રદ્યુમ્ન તન્નાને પહેલી વખત મળવાનું લૉંગ આઇલૅન્ડ ન્યૂ યોર્કમાં મણિભાઈ અને પ્રમોદાબહેન જોશીના નિવાસસ્થાને થયેલું. ૧૯૮૮માં નૉર્થ અમેરિકાની લિટરરી અકાદમીના નિમંત્રણથી તેઓ રોઝાલ્બા સાથે અમેરિકાના પ્રવાસે આવેલા અને એના ઉપક્રમે પ્રદ્યુમ્ન તન્નાનો કાવ્ય વાચનનો એક પ્રોગ્રામ થયેલો. પ્રો. મધુસૂદન કાપડિયાએ તેમનાં કાવ્યોનો ઉત્તમ આસ્વાદ કરાવીને તેમનો પરિચય આપ્યો હતો. ત્યારે મને ખબર પડી કે ઇટાલીમાં વસતો એક ગુજરાતી કવિ વિદેશમાં રહીને આવું સરસ સાહિત્ય સર્જન કરે છે. તે પહેલાં પ્રદ્યુમ્ન તન્નાનું નામ ‘કુમાર’ મૅગેઝિનમાં છપાયેલાં તેમનાં કાવ્ય થકી જોયેલું હોવાનું યાદ આવે છે. પરંતુ તેઓ ઇટાલી રહે છે અને ત્યાં ઇટાલિયન સ્ત્રીને પરણીને સ્થાયી થયા છે એ ખબર નહોતી. પ્રથમ મુલાકાતે પ્રેમસંબંધ થઈ જાય એવું મોહક તેમનું વ્યક્તિત્વ મને લાગ્યું. તેમની સાથે વાતો કરતાં એવું લાગ્યું કે આપણી સાથે કોઈ નાનું બાળક વાત કરી રહ્યું છે. એવી નિખાલસતા અને બાલસહજ મુલાયમ ભાવો તેમના ચહેરા ઉપર જોવા મળ્યા. બધા શ્રોતાઓ તો નજીકના વિસ્તારમાંથી આવ્યા હતા. પણ હું તેમને સાંભળવા માટે છેક ૧૨૦ માઈલ દૂરથી આવ્યો હતો, તે જાણીને તેમને મારા માટે વિશેષ અહોભાવ થયેલો.
આમ અમારા બંને વચ્ચે એક મૈત્રીસંબંધ બંધાયો. ‘ગુર્જરી ડાયજેસ્ટ’ની શરૂઆત માટેનું એ પ્રથમ વર્ષ હતું. મેં તેમને કહ્યું કે તમારા આ પ્રવાસ દરમિયાન તમારો એક કાર્યક્રમ ફિલાડેલ્ફિયા વિસ્તારમાં મારે ત્યાં થાય તો મને ગમશે. તેઓ સંમત થયા અને એ રીતે મારે ત્યાં કાર્યક્રમ તો થયો, પણ એ નિમિત્તે તેઓ મારે ત્યાં ત્રણ દિવસ રોકાયેલા. તે સમયે મેં તેમને કહેલું કે ભવિષ્યમાં હું તમને ‘ગુર્જરી ડાયજેસ્ટ’ના ઉપક્રમે અમેરિકાના પ્રવાસે જરૂર બોલાવીશ. ૨૦૦૦ની સાલમાં ઑગસ્ટ ૧થી સપ્ટેમ્બર ૧૦ દરમિયાન તેઓ રોઝાલ્બા સાથે ‘ગુર્જરી’ના નિમંત્રણથી સાહિત્યના પ્રવાસે અમેરિકા આવેલા. અમેરિકામાં ફિલાડેલ્ફિયા, ન્યૂ જર્સી, બાલ્ટીમોર, વૉશિંગ્ટન, કનેક્ટિકટ, ટોરોન્ટો, કૅલિફૉર્નિયા, એરિઝોના, શિકાગો અને અન્ય શહેરોમાં તેમના કાર્યક્રમ થયેલા. આ પ્રવાસને કારણે અમારે તેમની સાથે જે આત્મીય સંબંધ બંધાયો તે જીવનપર્યંત ટકી રહ્યો. અમારી વચ્ચે પત્ર વ્યવહારનો દોર થતો રહ્યો. જેમાં અરસપરસ પરિવાર સંબંધી વાતો હોય, સાહિત્ય સંબંઘી વાતો હોય કે તેમણે કરેલા પ્રવાસોની વાતો હોય. તેમના પત્રો મરોડદાર, છેકછાક વિના અને સરસ અક્ષરોથી લખેલા રહેતા. એ બતાવે છે કે તેઓ શાંત અને સ્વસ્થ ચિત્તે તેમના વિચારો રજૂ કરતા.
કોઈવાર મારાથી તેમને પત્ર લખવામાં ઢીલ થતી તો સામે ફરિયાદ કરતાં કહે કે, “તમારો પત્ર વાંચવાની તાલવેલી થઈ આવી. પણ આ વેળા એથી કેમ વંચિત રાખ્યો? જાણું છું કે પશ્ચિમના યંત્ર સંચાલિત જગમાં મનધાર્યુ બહુ ઓછું થતું હોય છે અને ઇચ્છવા છતાં ય કોઈ ને કોઈ કારણે લાંબા સમય સુધી પ્રિયજનોના સંપર્કમાં રહેવાતું નથી.” તમે જોશો કે અહીં ફરિયાદ કરી હોવા છતાં પણ તેમની માનવસહજ લાગણીની ભીનાશ અને આપણા જીવનની અંદર રહેલી વાસ્તવિક મર્યાદાઓનો સ્વીકાર છે. આવા તો અનેક પ્રસંગોએ મને તેમની અંદર રહેલી નખશિખ સૌજન્યશીલતા જોવા મળી છે. અમેરિકા આવેલા અનેક ભારતીય લેખકોમાંથી આવો ભાવ અગાઉ મને હરીન્દ્ર દવે માટે થયેલો. આ બંનેનું વ્યક્તિત્વ બહારથી તો મુલાયમ, મોહક અને વિનમ્ર હતું જ, પરંતુ અંદરથી એ એનાથી ય વિશેષ હતું. એ મેં આ બંને કવિઓમાં જોયું. પ્રદ્યુમ્નભાઈ એક એવા માણસ હતા, જેની સાથે લેવડદેવડમાં ક્યારે ય સ્વાર્થ જોવા ન મળ્યો. જોવા મળી નરી ઋજુ હૃદયની કુમાશ અને વાત્સલ્યભાવનાં સ્નેહઝરણાં. એમની આંખોમાં અને વાણીમાં ક્યાં ય કૃત્રિમતા નહીં. ન કોઈ આડંબર, ન આપકથાની ડંફાશ કે ચતુરાઈ. સાવ પ્રકૃતિનો માણસ. એટલે ચહેરા પર સાવ નિખાલસતા દેખા દેતી.
એક વખત કોઈ ઇટાલિયન ગ્રૂપ સાથે મધ્ય પ્રદેશ, ભારતમાં તેમણે પ્રવાસનું આયોજન કરેલું. તે વિશે લખેલું કે, ‘આમ કોઈ ને કોઈ બહાને આ વણઝારા જીવને ગમતી રખડપટ્ટી થતી રહે છે. કેટલાક માસ પહેલાં ‘શિકાગો ટ્રિબ્યૂન’ની રવિવારની પૂર્તિમાં બાઢમેરની હાથછપાઈ પરનો સચિત્ર લેખ છપાયો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં એ સાપ્તાહિકમાં ‘તરણેતરના મેળા’ વિશેનો એક લેખ આવશે અને એ પછી નેપલ્સના એક ચર્ચના ‘Tiled cloister’ વિશે. તમે જોતાં રહેજો.’ મને યાદ છે એક દિવસ સાંજે વાળુ કર્યા પછી અમે નિરાંતે બેસી વાતો કરતા હતા અને પ્રદ્યુમ્નભાઈ ઊભા થઈ તેમની બૅગમાંથી એક ફાઇલ લઈ આવે છે અને અત્યંત ઉમળકાથી ‘શિકાગો ટ્રિબ્યૂન’ના અનુભવની વાત કરે છે. વાત એ હતી કે તેઓ શિકાગોમાં એક બ્રિજ પરથી પસાર થતા હતા. એ દરમિયાન તેમણે બ્રિજના ગર્ડર તથા સમગ્ર સ્ટ્રક્ચર સાથેનાં અદ્દભુત પેટર્નવાળાં પ્રતિબિંબ રસ્તા ઉપર પડેલાં જોયાં. તેમણે તરત એની તસવીરો લીધી. એ લઈને તેઓ ‘શિકાગો ટ્રિબ્યૂન’ની ઑફિસમાં ગયા. ‘શિકાગો ટ્રિબ્યૂન’ સાથે આ તેમની સૌ પ્રથમ મુલાકાત હતી. તસવીરો જોઈને એનો તંત્રી આશ્ચર્યચકિત થયો અને અચંબા સાથે ખુરશી પરથી ઊભો થઈ ગયો. કહે કે ‘હું રોજ આ બ્રિજ પરથી પસાર થાઉં છું. પરંતુ મને કોઈ દિવસ પણ એ તસવીર લેવાનું કેમ સૂઝ્યું નહીં?’ એ તસવીરો ‘શિકાગો ટ્રિબ્યૂન’માં પ્રકાશિત થઈ. એટલું જ નહીં, પણ પ્રદ્યુમ્નભાઈ કહે છે કે મને એ માટે ડૉલરમાં માતબર પુરસ્કાર મળેલો. મેં હસતાં હસતાં તેમને કહેલું કે, “આવા તો કેટલા ય ફોટાઓ તમારા પ્રકાશિત થયા છે, એટલે તમારી પાસે સારા એવા પૈસા હશે.” તેમનો જવાબ હતો, “આ વણઝારા જીવે કોઈ દિવસ પૈસાની બચત કરી નથી. એક બાજુ પૈસા હાથમાં આવે કે તરત જ કોઈ પ્રવાસે નીકળી જાઉં.”
ઇટાલીમાં રહીને ગુજરાતી ભાષામાં કવિતા લખવી, એ ઉપરાંત ચિત્રો દોરવાં અને ફોટોગ્રાફી એ પણ તેમની એટલી જ મહત્ત્વની પ્રવૃત્તિ હતી. ભારતનાં મોટા શહેરોમાં અને વિદેશોમાં પણ તેમનાં ફોટોગ્રાફ્સનાં પ્રદર્શનો થયાં છે. તેમનો ‘છોળ’ કાવ્યસંગ્રહ પ્રગટ થવાનો હતો, ત્યારે ખૂબ ઉત્સાહમાં હતા. ‘પ્રસાર’ સંસ્થા તરફથી જયંતભાઈ મેઘાણી એનું પ્રકાશન કરવાના હોવાથી એ નિમિત્તે મારો જયંતભાઈ જોડે સૌ પ્રથમ પરિચય થયેલો. ‘છોળ’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં મકરંદ દવે લખે છે : આજથી ચાળીસ – પિસ્તાળીસ વર્ષ પહેલાં ‘કુમાર’નાં પાનાં પર આ કાવ્યો પ્રગટ થવા માંડ્યાં હતાં અને તેની આગવી રેખાઓ, નવીન રંગપૂરણી અને તળપદી વાણીથી વાચકોને મુગ્ધ કર્યા હતા. આટલાં વર્ષે આ કાવ્યોને મળું છું, ત્યારે તેમના ચહેરાનો ઉજાસ એવો ને એવો તાજો લાગે છે. એમને નથી પડી કરચલી કે નથી સાંપડી જર્જરતા. સમયના રથની ધૂળને આ પ્રદેશમાં પ્રવેશવાનો નિષેધ લાગે છે. પ્રદ્યુમ્ન આપણા જમાનાનો કવિ. દેશ-પરદેશ પગ તળે કાઢી નાખતાં તેણે જગતના નીંગળતા ઘા નરી આંખે જોયા છે. બંધિયાર મહેલાતો અને બદબો મારતી ગલીઓમાં તે ઘૂમ્યો છે. તેને પોતાને પણ ઓછી હાડમારી અને હાલાકી સહન નથી કરવી પડી. છતાં એ બધું જ ઘોળી પી જઈને અમરત મીઠું ગાન ગાતો રહ્યો છે.
જો તમે ‘છોળ’ કાવ્યસંગ્રહ જોયો હશે, તો એનાં મુખપૃષ્ઠ પર ‘ઓટના આલેખ’ નામે તેમણે પાડેલી એક તસવીર છે. દરિયાકિનારે ભરતી આવે પછી ઓટ થાય, ત્યારે સાગરકાંઠાની રેતીમાં જે અદ્દભુત કલાકૃતિઓ સર્જાતી હોય છે, તેની એ તસવીર છે. આવી તો વિધવિધ પ્રકારની કૃતિઓ દરિયાના તટ પર રોજ રોજ સર્જાતી રહે છે. તેમણે કહેલું ‘મોન્ટેસિલવાનો’માં એક બહુમાળી મકાનમાં અમારો ફ્લૅટ છે. ત્યાં રસ્તો ઓળંગીએ એટલે તરત દરિયો શરૂ થાય. રોજ ત્યાં નહાવા જવાનો અમારો ક્રમ. એક દિવસ કૌતુક થાય એવું સર્જન રેતીના પટ પર જોવા મળ્યું. એવી અદ્દભુત કૃતિ સર્જાઈ હતી કે હું ગદગદ થઈ ગયો અને નહાવાનું છોડીને જગતનિયંતાને સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું કે, “હે દયાળુ પ્રભુ! તમારી કેટલી કૃપા છે કે તમે સર્જેલાં તમારાં આ સર્જનનાં મને દર્શન કરાવ્યાં.” પ્રદ્યુમ્ન ભાવનાઓથી ભરેલો આવો લાગણીશીલ માનવી હતો.
‘મોન્ટેસિલવાનો’ની વાત નીકળી તો બીજી એક વાત યાદ આવે છે. પ્રદ્યુમ્નભાઈ મને વારંવાર પત્રમાં કે ફોન ઉપર ઇટાલી એમને ત્યાં જવાનું આમંત્રણ આપતા રહેતા. મારે સમયનો કોઈ મેળ ખાતો ન હોવાથી હું વારંવાર એ વાત ટાળતો રહ્યો. આખરે એક દિવસ ફોન ઉપર ઉગ્રતાથી મને કહે, “જુઓ, હું કોઈ અમરપટો લઈને નથી આવ્યો. કાલે મરી જઈશ અને પછી તમે અહીં આવશો, તો એમાં મને શું મળશે?” સાંભળીને હું દૃવી ગયો. આની મારા ઉપર એવી અસર થઈ કે અમે તે વર્ષે ઇટાલી જવાનું એમને વચન આપ્યું. તે વર્ષે અમે ઇટાલી ગયા. ઉનાળાના સમયગાળામાં તેઓ અદ્રિઆતિક સમુદ્ર કાંઠે આવેલાં ‘મોન્ટેસિલવાનો’ના ઘરમાં રહેવા ચાલ્યા જતા. અમે પહેલાં રોમ ગયેલા. રોઝાલ્બા સાથે આવીને તેઓ બસમાં બેસી અમને ‘મોન્ટેસ્ટસિલવાનો’ તેમના ઘરે લઈ આવ્યા. આવા લાગણીભીનાં દંપતીના મહેમાન બનવું એ પણ એક લહાવો છે. ત્યાં આજુબાજુમાં પર્વતો પર વસેલાં નગરો બતાવ્યાં. ઇટાલીનો ઇતિહાસ, ત્યાંનું ફાર્મર્સ માર્કેટ, એમનાં સંતાનો, તેમની પ્રવૃત્તિ વગેરે અંગે એટલી બધી વાતો કરી કે અઠવાડિયું ક્યાં નીકળી ગયું તેની ખબર પણ ન પડી.
‘મોન્ટેસિલવાનો’માં એમનું રહેવાનું બારમા મજલે બરાબર સમુદ્રની સામે હતું. ત્યાંથી માઈલો સુધી પથરાયેલા વિશાળ સમુદ્ર વિસ્તારનું વિહંગાવલોકન કરી શકાય. એ મકાનની બાલ્કનીમાં બેસીને પ્રદ્યુમ્નભાઈ વહેલી સવારે હાથમાં ઇટાલિયન ઢબે ખાસ બનાવેલી કૉફીનો કપ હાથમાં લઈને સમુદ્રદર્શન કરતા હોય. એક દિવસ અમે સૌ સૂતા હતા ત્યારે સવારે છ વાગે અમારી પાસે આવીને કહે, “સૂઈ શું રહ્યા છો? ઊઠો. આજે સમુદ્રના એકસાથે વિધવિધ રંગો થઈ રહ્યા છે.” આ અગાઉ તેમણે અમેરિકા આવેલા ત્યારે કહેલું કે અદ્રિઆતિક સમુદ્રમાં એકસાથે જુદા જુદા વિવિધ રંગો જોવા મળે છે. ત્યારે મને એ વાતનું આશ્ચર્ય થયેલું કે એક સમયે સમુદ્રમાં જુદા જુદા રંગો કેવી રીતે થાય? પરંતુ આજે એ દિવસ હતો. એટલે અમને વહેલા ઉઠાડ્યા. બાલ્કનીમાંથી લીલો, કાળો, બ્લૂ, જાંબલી, સફેદ એવા વિવિધ રંગોને જોયા. તે સમયનું આ ભવ્ય સમુદ્રદર્શન ક્યારે ય ન ભૂલાય તેવું હતું. ઈશ્વરની લીલા કોને કહેવાય તે નજર સામે તાદૃશ્ય થતું જોયું.
દરિયાકાંઠા પરની રેતી દરિયામાં ઢસડાઈ ન જાય તે માટે સિમેન્ટ કોંક્રીટના લાંબા થાંભલાઓ કે પથ્થરની પાળ બનાવી થોડા થોડા અંતરે વળાંક આપીને રાખી છે. એને કારણે વર્તુળાકાર આકૃતિઓ સમગ્ર દરિયાકાંઠે સર્જાય છે, તે પણ નયનરમ્ય બની રહે છે.
ઇટાલી જઈને પ્રદ્યુમ્નભાઈએ ઇટાલિયન ભાષા શીખી લીધેલી. પરંતુ શરૂઆતનાં વર્ષોમાં પરિવાર સાથે ક્યારેક ડાઇનિંગ ટેબલ પર બેસીને એ ઇટાલિયન ભાષામાં વાત કરતા, ત્યારે કેવા ગોટા વાળતા અને સંતાનોને ત્યારે કેવી રમૂજ થતી અને એમની કેવી ઠેકડી ઉડાવાતી. એની વાતો તેઓ નિખાલસભાવે હસીને કરતા. એકવાર એમના જમાઈરાજ રોબર્ટ, ભારતીય ભાષા નવા નવા શીખેલા અને જમતી વખતે કોઈ શબ્દ એવી રીતે બોલેલા કે અર્થનો અનર્થ થતો હતો. ત્યારે એમણે સામો ઘા કરીને કહ્યું કે, “દર વખતે તમે મારી મજાક કરતા હતા. આજે બેટમજી, તમારો વારો!” અને સમગ્ર પરિવારમાં હાસ્યનું મોજું ફરી વળતું. તેમને બે દીકરીઓ આન્તોનેલ્લા અને નીરા તથા એક દીકરો નિહાર મળીને કુલ ત્રણ સંતાનો છે. ત્રણે સંતાનો એમના પરિવાર સાથે સુખી જીવન જીવે છે. પ્રવાસ દરમિયાન મારે આન્તોનેલ્લાને મળવાનું થયેલું. પ્રદ્યુમ્નભાઈએ અગાઉથી એને જણાવેલું. એટલે એ અમને રોમથી નજીકમાં આવેલા ‘તિબુત્રીની’ નામના સ્થળે મળવા આવેલી. મને આનંદ એ વાતનો થયો કે ઇટાલીમાં જન્મેલી અસલ ઇટાલિયન છોકરી હોવા છતાં એનાં વાણી અને વર્તનમાં ભારતીય સંસ્કારો જોવા મળ્યા. મારા જેવા વડીલ સાથે સન્માનપૂર્વક વાત કરવાની એની રીત તથા જરા પણ ચબરાકપણું કે ઉછાંછળાપણું નહીં. એકદમ શાંત અને સૌમ્ય પ્રકૃતિ. માતાપિતા પાસેથી મળેલી યોગ્ય કેળવણીને કારણે સંતાનોમાં આવા સંસ્કાર આવતા હોય છે. પરદેશમાં રહીને પ્રદ્યુમ્નભાઈ ભારતીય સંસ્કારો ભૂલ્યા નહોતા તેનું આ પરિણામ. એટલું જ નહીં, પરંતુ ઇટાલીમાં રહીને રચેલું ગુજરાતી સાહિત્ય અને એની માવજત ઊડીને આંખે વળગે એવી છે. એકવાર તેમણે મને લખેલું કે, ‘સાહિત્ય ક્ષેત્રે કશું ને કશું થતું રહે છે. ‘ભ્રમણનાં ભાથાં’ એ શીર્ષક હેઠળ આજ લગી કીધી રખડપટ્ટીનાં અનેકવિધ સ્મરણોમાંથી છૂટાંછવાયાં લખવા માંડ્યાં છે. થોડુંક મનગમતું લખાયું પણ છે. પણ નાનાવિધ રોજિંદી જંજાળો આડે ધારી નવરાશ રહેતી નથી. પણ આશા કરું કે વર્ષ-બે વર્ષમાં એ પૂરી કરી શકું.’ મને ખબર નથી કે એ લખાણો પ્રકાશિત થયાં છે કે નહીં. આ વર્ષે મે મહિનામાં ઇટાલી રોઝાલ્બાને મળવાનું આયોજન કર્યું છે, ત્યારે એ લખાણો જોવા મળશે તો જરૂર એ પ્રગટ કરીશું. એક વાર રોઝાલ્બાએ કહેલું કે પ્રદ્યુમ્નનાં ઘણાં લખાણો મારી પાસે છે. પરંતુ મને ગુજરાતી વાંચતાં આવડતું ન હોવાથી એમાં શું છે એની ખબર પડતી નથી. તમારે આવવાનું થશે ત્યારે એ બતાવીશ.
અમેરિકાના સાક્ષર અને વડીલ સાહિત્યકાર પ્રો. મધુસૂદન કાપડિયા પ્રદ્યુમ્ન તન્ના માટે કહે છે, ‘કવિતામાં આટલાં અને આવાં રાધાકૃષ્ણગોપી ગીતો બીજા કોઈ પણ કવિએ લખ્યાં નથી. પ્રદ્યુમ્ને વ્રજ ખડું કર્યું છે. દયારામની મોહિની આ ગીતોમાં છે. વળી દયારામ, ન્હાનાલાલ અને રાજેન્દ્રની જેમ લોકકવિતાનો વારસો પ્રદ્યુમ્ને આત્મસાત્ કર્યો છે અને લોકગીતોની આત્મીયતા અને સહજતા એનાં ગીતોમાં છે. પ્રદ્યુમ્નનાં ગીતો વાંચવા માટે નહીં, પઠન માટે નહીં, પણ ગાવા માટે સર્જાર્યાં છે. ‘છોળ’ કાવ્યસંગ્રહ વિશેના લેખમાં રઘુવીર ચૌધરીએ લખ્યું છે, ‘પ્રદ્યુમ્ન તન્નાને વનરાવન વહાલું રહ્યું. પશ્ચિમમાં રહ્યા અને પૂર્વની સ્મૃતિને શબ્દમાં સાચવતા રહ્યા. કશો દેખાડો નહીં. વિરલ નમ્રતા, પ્રેમાળ, પ્રસન્ન. પશ્ચિમમાં ગયેલા, વસેલા સર્જકોમાંથી જેમણે તળ ભારતીયતા એના અસલ રૂપરંગ સાથે જાળવી રાખી છે, એમાંના એક છે પ્રદ્યુમ્ન તન્ના.’
પ્રદ્યુમ્ન તન્ના કહે છે કે એમની અને રોઝાલ્બાની કૅમિસ્ટ્રી એટલા માટે મળતી આવે છે કે અમારા બંનેનો ઉછેર દરિયાકિનારાના પ્રદેશોમાં થયેલો. એમનું બાળપણ ગુજરાતના દહાણુંમાં વીતેલું. એ સ્થળ માટે એમને ભારે લગાવ હતો. એમ સમજો કે જનમનાળની માયા હતી. ઇટાલી વસ્યા પણ દહાણું અને ત્યાં આવેલા નાનાનાં ઘરની સ્મૃતિઓ મનમાં સજીવ હતી. એક વખત ભારતના પ્રવાસે હતા ત્યારે ખબર પડી કે એ ઘર અને એનો માહોલ, એમના પરિવારે વેરવિખેર કરી નાખ્યો છે અને મકાન તો ધરાશાયી થઈ ગયું છે. બહુ દુઃખી થયા. એક દિવસ જ્યાં બાળપણ વીત્યું હતું, તે સ્થળની થયેલી આવી બિસ્માર હાલત જોઈ લાગણીશીલ બની, એ વાત કરતાં ગળગળા થઈ ગયેલા. કહે, ‘મને ખબર પડી હોત તો પૈસા ખર્ચીને મેં એનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો હોત!’ આ પ્રસંગથી એમને એટલી પ્રબળ વેદના થયેલી કે ત્યાર પછી એ સંબંધી જોડે એમણે બોલવાનું બંધ કરી દીધેલું.
અમેરિકાની આખરી સફર. આમ તો તેમની ફરી અમેરિકા આવવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ ૨૦૦૯ના એપ્રિલ-મે મહિના દરમિયાન અણધાર્યા સંજોગો ઊભા થયા અને તેમનું અમેરિકા આવવાનું થયું. તેમના એક બહુ જૂના મિત્ર પ્રો. નિર્મલસિંહ ધેસી. જે દિલ્હીના રહેવાસ દરમિયાન તેમના પાડોશી હતા અને હવે કૅલિફૉર્નિયા રહે છે. તેમને કારણે આ પ્રવાસ યોજાયેલો. પ્રો. ધેસી Santa Rosa Universityમાં અંગ્રેજી લિટરેચરના પ્રોફેસર છે. પ્રદ્યુમ્નભાઈના ક્ષેત્રને લગતો એક સેમિનાર યુનિવર્સિટીમાં ગોઠવાયેલો. એટલે પ્રદ્યુમ્નભાઈના નામનું સૂચન તેમણે કરેલું. અમેરિકાનો આ પ્રવાસ ઝડપથી અને અણધાર્યો યોજાયેલો હોવા છતાં મેં તેમને અમારે ત્યાં ફિલાડેલ્ફિયા આવવાનું નિમંત્રણ આપેલું. આમ અનાયાસ તેમની સાથે સાહિત્યનો કાર્યક્રમ થઈ શક્યો. જેનો અહેવાલ ભાઈ કિશોર રાવળે ‘ગુર્જરી ડાયજેસ્ટ’ના ઑક્ટોબર ૨૦૦૯ના અંકમાં ‘મધ શી મીઠાશનાં તે પૂર’ શીર્ષક હેઠળ મૂક્યો છે. એ રીતે તેમને રૂબરૂ મળવાની તક મળી. અનેક જૂના મિત્રોને તેઓ મળ્યા અને જેને ન મળી શકાયું તે સૌને ખાસ યાદ કરીને ફોન પર વાતો કરી. અમે એક અઠવાડિયું સાથે રહ્યા. તેમને ગમે એવા આજુબાજુના સ્થળે ફર્યા. ન્યૂ હોપ ગામ, જ્યાં જૂની પુરાણી વસ્તુઓ માટે હાટડી ભરાય છે, તે જોઈને તો ભાવવિભોર બની ગયા. અમારી બાજુમાં ઇટાલિયન વસાહતીઓએ વસાવેલું નોરિસટાઉન ગામ છે. એ બતાવ્યું ત્યારે એની નગરરચના જોઈને ખુશ થયા. ત્યાં એક સભાગૃહમાં વરસો પહેલાં અબ્રાહમ લિંકન આવેલા અને ત્યાં પ્રવચન કરેલું. તે જોઈને એ મકાનની સામે ભાવભીના બની ઊભા રહ્યા અને એ રીતે લિંકનને અંજલિ આપેલી. અમારી નજીક એક સરસ પાર્ક છે, ત્યાં ગયા. વૃક્ષોની ઝાડીમાંથી પસાર થતાં સૂર્યકિરણોને જોઈ થંભી ગયા. હાથમાં હંમેશાં કૅમેરા લઈને ફરતા હોય. આવું કંઈક જોવાનું થાય એટલે ઊભા રહી જાય. જુદા જુદા ઍન્ગલથી ફોટા લેતા હતા. તે જોઈ મને થયેલું કે આમાં એવું તે શું જોયું હશે? પણ એમાં ચિત્રકારની નજરે શું હતું તે સમજાવ્યું, ત્યારે એક સામાન્ય જન અને ફોટોગ્રાફર વચ્ચેનો ભેદ સમજાયો.
અમે રહીએ છીએ ત્યાં ‘વેલી ફોર્જ’ નામે એક ઐતિહાસિક નેશનલ પાર્ક છે. સાલ ૧૭૭૭-૧૭૭૮ દરમિયાન બ્રિટન સાથેના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કડકડતી ઠંડીમાં જ્યોર્જ વૉશિંગ્ટને અહીં છાવણી નાખી હતી. એ સ્થળ જોવા હું તેમને લઈ ગયેલો. યોગાનુયોગ તે દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કોઈ ખાસ પ્રસંગ હોવાથી એક વ્યક્તિને જ્યોર્જ વૉશિંગ્ટન બનાવી, તેઓ જે મકાનમાં રહી લશ્કરને દોરવણી આપતા હતા, ત્યાં નાટક કરતા હતા. પ્રદ્યુમ્નભાઈ નાના ભૂલકાંઓને જ્યોર્જ વૉશિંગ્ટન સાથે જોઈને બહુ રાજી થયેલા. તેમણે આ અભિનેતા બનેલા જ્યોર્જ વૉશિંગ્ટન સાથે વાતો કરેલી અને ફોટા પણ પડાવેલા.
એમને સૌથી વધારે મજા પડી લેન્કેસ્ટરમાં આવેલા અમીશ પ્રજાના ગામમાં. એક તો એ હરિયાળાં ખેતરોથી ભરેલો નયનરમ્ય પ્રદેશ. જુદા જ પ્રકારનું સાદું અને સદાચારી નૈતિક જીવન જીવતા ત્યાંના લોકો. ખાસ પ્રકારનો એ લોકોનો પહેરવેશ અને પસાર થતી ઘોડાગાડીઓ (બગીઓ) વગેરે જોઈને ફોટાઓ પાડવા માટે તેમને ખુલ્લું મેદાન મળી ગયું. અધધ થઈ જાય એટલા ફોટાઓ પાડેલા. મને કહેલું કે આખું આલ્બમ તમને મોકલીશ. પણ પાછા ઇટાલી ગયા અને બહુ ટૂંક સમયમાં તેમનું અવસાન થયું. એટલે એ અધૂરું રહી ગયું.
પ્રદ્યુમ્નભાઈ સાથે થતી વાતમાં મને ખાસ એ જોવા મળ્યું કે તેમને નૈસર્ગિક વાતાવરણ, પ્રકૃતિ, ગામડાની સંસ્કૃતિ, નિર્દોષ અને ભોળા માનવીઓ તરફ ખાસ આકર્ષણ હતું. જયપુરમાં લગભગ ૮૫૦ એકરના વિસ્તારની અંદર ૧૯૩૫માં સ્થપાયેલી બનસ્થલી વિદ્યાપીઠ અને ખાસ તો એની બાજુમાં આવેલું વનસ્થલી ગામ એ તેમનું પ્રિય સ્થળ હતું. તરણેતરના મેળામાં આવતા સાવ ભોળા ગ્રામજનોને જોઈને રાજી રાજી થઈ જતા. એમના નિર્દોષ આનંદ ઉલ્લાસને વ્યક્ત કરતું એક કાવ્ય પણ એમણે લખેલું. જે મને યાદ છે, એ કંઈક આવું છે : ‘જોરાળો જાણી તને આનો દીધેલ, આમ ઢીલો ઢીલો તે ઢોલ શું વગાડ્ય?’ તેઓ જ્યારે આ બધી વાતો કરતા ત્યારે અત્યંત ભાવુક બની જતા. આપણે કોઈ વાર ભારત જઈશું, તો હું તમને બનસ્થલી જોવા ખાસ લઈ જઈશ. એવું ‘પ્રોમિસ’ આપેલું. એમણે આપેલું આ ‘પ્રોમિસ’ પૂરું કરવા માટે પણ મારે વનસ્થલી જવાનું રહેશે.
એમને દમનો વ્યાધિ હતો. વારંવાર ખાંસી આવતી. એટલે રાત્રે ઊંઘવામાં તકલીફ રહેતી. તેઓ બેઠાં બેઠાં પણ આરામથી સૂઈ શકે એટલા માટે અમે પાછળ બે-ત્રણ તકિયા મૂકીને વ્યવસ્થા કરી આપતા. શરીરમાં કફની પ્રકૃતિ હોવા છતાં દૂધપાક અને તે પણ ‘હેવી ક્રીમ’ વાળો! એ તેમની પ્રિય વાનગી હતી. એક વાર અશોક અને આશાબહેન મેઘાણી તેમને મળવા મારે ત્યાં આવ્યાં હતાં, ત્યારે અમે આ પ્રકારનો દૂધપાક બનાવેલો. આશાબહેનને પણ ખબર કે પ્રદ્યુમ્નભાઈને દૂધપાક બહુ ભાવે છે. એટલે એ પણ સાથે દૂધપાક લઈ આવેલાં. આમ બમણો દૂધપાક આવેલો જોઈ પ્રદ્યુમ્નભાઈ રાજીના રેડ થઈ ગયેલા. કહે, “કંઈ વાંધો નહીં. આપણે દિલથી બંને દૂધપાક ખાઈશું.”
તેમના આ છેલ્લા પ્રવાસ દરમિયાનનું આખરી સપ્તાહ અમારી સાથે ગાળેલું તે અમારું સૌભાગ્ય છે. ૩૧ મે ૨૦૦૯ના દિવસે ફિલાડેલ્ફિયા ઍરપોર્ટ પર મૂકવા ગયેલા ત્યારે કસ્ટમ લાઇનમાંથી પસાર થતાં વારેવારે પાછળ ફરીને બે હાથ ઊંચા કરી વિદાય આપતો એમનો હસમુખો ચહેરો ક્યારે ય ભુલાશે નહીં. ઇટાલી ગયા પછી થોડા સમયમાં માંદા પડ્યા એટલે હૉસ્પિટલમાં દાખલ થયા. હું અહીંથી ફોન કરી એમને ‘સ્વસ્થ થઈ જશો. ચિંતા ન કરશો.’ એવું આશ્વાસન આપવા પ્રયત્નો કરતો. એ કહેતા, ‘આ લોકો અહીં હૉસ્પિટલમાં મને મારી નાખશે. મારી આંખોની ટ્રીટમેન્ટ તેઓ એવી રીતે કરી રહ્યા છે કે મારી આંખો ચાલી જશે. હું કવિ છું, ચિત્રકાર છું. આંખો જ નહીં હશે, તો હું કેમનું કરીશ?’ અંત સમય સુધી તેમનું ચિત્ત કવિતા અને ચિત્રકામ તરફ હતું, તેનો મને આનંદ હતો. પરંતુ તેમની આ હૈયાવરાળ હું મૌન રહીને સાંભળતો રહ્યો. આજે પણ એ યાદ આવે છે ત્યારે હૈયું ભારે થઈ જાય છે.
એમના અવસાન પછી અમે કેટલાક અમેરિકાવાસી મિત્રો એમને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા. તેનો અહેવાલ કિશોરભાઈ રાવળે ‘મધ શી મીઠાશનાં તે પૂર’ શીર્ષક હેઠળ ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં લખ્યો હતો. એમાં પ્રદ્યુમ્નભાઈને ફિલાડેલ્ફિયા સિટી જોવા લઈ ગયેલા મિત્ર પ્રફુલ દોશીએ જણાવ્યું કે તેઓ ઝિબ્રા ક્રૉસિંગ પાસે ખૂલ-બંધ થતી ટ્રાફિકની બત્તીઓ આગળ ઊભા રહેતા અને કહેતા કે મારે અહીં ફોટો પાડવો છે. એવું જ ભાઈ હરનીશ જાનીએ પણ કહેલું કે તેમને લઈને પ્રિન્સ્ટન યુનિવર્સિટી દેખાડવા લઈ ગયેલા, ત્યારે પ્રદ્યુમ્નભાઈ અમારી નજર ચૂકવી ઉદ્યાનના ખૂણે કે મેદનીમાં ઘૂસી જઈને અવનવા ફોટા પાડતા હતા. એ લેખમાં સમાપન કરતાં કિશોર રાવળ લખે છે, ‘અગત્યનું એક જ કે આપણે જીવનમાં ૨૪ કૅરેટના આ આદમીને મળ્યા અને કંઈક અંશે નવી સૃષ્ટિ હાંસલ કરી શક્યા.’
આ કવિએ ઇટાલીમાં રહીને પોતાની માતૃભાષા ભૂલ્યા વિના ગુજરાતી સાહિત્યની ખેવના અને માવજત કરી છે. જે ઉત્તમ ગીતો અને કાવ્યો આપણને આપ્યાં છે, એ માટે આપણે સૌ એમના ઋણી છીએ. મારી દૃષ્ટિએ પ્રદ્યુમ્ન તન્ના સૌ પ્રથમ ડાયસ્પોરા ગુજરાતી લેખક છે, તો સાથે રખડપટ્ટીના અલગારી વણઝારા.
e.mail : kdesai1938@gmail.com
સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”; 30 ઍપ્રિલ 2024; (વર્ષ : 37 – અંક : 02 – સળંગ અંક : 144) પૃ. 04-08