મિત્રો,
આ મારી કેફિયત છે. હું અને મધુસૂદન કાપડિયા. એમને હું કહું છું, મારા ‘સાહેબ’. હું સન ૧૯૬૭માં ન્યૂ યોર્ક આવ્યો. ઇન્ડિયામાં મેડિકલ ડોક્ટર થઈને ત્યાંથી એમ.ડી. કરીને આવેલો માત્ર બ્રોડવેના નાટકો જોવા જ. પંચાવન વર્ષ પહેલાં અહીં ન્યુ યોર્કમાં ભાગ્યે જ કોઈ એકાદુ ઇન્ડિયન જોવા મળે. તેવી સ્થિતિ હતી. કહેવાય ન્યૂયોર્ક પણ કશું કોઈ મનોરંજન નહીં. તેથી કૅસેટો સાંભળું. એકાદ બે દુહા અને અવિનાશ વ્યાસના ગરબા. ઘર બહુ યાદ આવે તો પાઠ્ય પુસ્તકની કોઈ કવિતા ગાઉં, જેમ કે ‘મીઠા મધુ ને મીઠા મેહુલા … જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ’.
આ ‘રે લોલ, રે લોલ’ ગણગણું કે મા યાદ આવે.
પછી સંસાર માંડ્યો. બાળકો થયા. પણ એ બેમાંથી એકેય ગુજરાતી બોલ્યાં જ નહીં. ખરેખર તો મારી પોતાની ભાષા પણ મરવા પડી હતી.
એક દિવસ વાવડ મળ્યા કે અહીં કોઈ ગુજરાતી સાહિત્યનું મંડળ રચાયું છે. અરે કોઈ કિશોર દેસાઈ કરીને માણસે ‘ગુર્જરી’ મૅગેઝીન પણ શરૂ કરી દીધું છે. તેમાં મેં એન.આર.આઈ. તરીકે બારાખડી જેવા આ ભૂમિના લેખો લખવા માંડ્યા. તો વળી એવા સમાચાર પણ મળ્યા કે કોઈ મુંબઈનો મધુસૂદન કાપડિયા તો પોતાના ઘરે પુરુષોત્તમ ઉપાધ્યાયને ગાવા બોલાવે છે. સાથે હંસાબહેન પણ હોય છે. હવે પ્રશ્ન એ હતો કે ત્યાં મારાથી જવાય કેવી રીતે? એક અફવા તો એવી હતી કે એમાં મધુસૂદનની એન્ટ્રી પરમિટ જોઈએ. એકેએકને એ ચકાસી ચકાસીને વિસા આપે છે! માસ્તર પોતે જ દરવાન હોય છે અને પોતે જ બૉડીગાર્ડ.
ચલો. છેલ્લે લાગવગથી મને એ વિસા મળ્યો. પણ મારા તો પહેલા જ ઇન્વિટેશનમાં મોકાણ મંડાઈ. ન્યુ જર્સીના એમના ઘરે સાંજે ૭:00 વાગ્યા પહેલાં પહોંચી ના શક્યો. કારણ મને એમનું ઘર જ ના મળ્યું અને પ્રોગ્રામ શરૂ થઇ ગયેલો. છેવટે મેં ડરતાં ડરતાં એમને ફોન કર્યો. કોઈએ મધુસૂદનને મેસેજ આપ્યો, કે ‘આર.પી. ઇઝ લોસ્ટ’. તો સાહેબે દુર્વાસાની જબાનમાં મોટેથી મને એ સભામાં શાપ આપ્યો, ‘ટેલ હિમ ટુ ગો બેક’. એ પ્રસંગ પછી આર.પી. નામનો શખ્સ વગોવાઈ ગયો.
પણ દુ:ખનું ઓસડ દા’ડા. એકાદ બે વર્ષમાં મને પૂર્ણ એન્ટ્રી વિસા મળી ગયો. જયજયકાર થઈ ગયો મારી લાઇફમાં ! અમે બીઝી બીઝી થઇ ગયા. પુરુષોત્તમ ને હંસા. આસિત અને હેમા. અરે! સવારના ૪:00 વાગ્યા સુધી મનહર ઉધાસ પણ ગાતા રહે. બસ. જલસા – જલસી. જલસા – જલસી.
સાહેબના મહેલમાં તો પછી મહા સાહિત્યકારો અને મહા કવિઓને પાંચ પાંચ ફૂટના અંતરે સાંભળ્યા અને માણ્યા. હરીન્દ્ર દવે, પ્રદ્યુમ્ન તન્ના, નિરંજન ભગત, સિતાંશુ, વિનોદ જોશી. કંઈ કેટકેટલાંને?
મધુસૂદન સાહેબ તો અમને કિંડરગાર્ટનના બટુકોને, પોતાના આશ્રમમાં સાંદિપની ઋષિની જેમ ટ્રેઇનિંગ આપે. અમે પૂછતા ‘આ છંદ વળી શું બલા છે? નકામા લલગા લગાના જીભના લોચા!’ તો આ ગઝ્ઝલ બઝ્ઝલ શું છે?’ તો સાહેબ અમને મત્લા ફતલા ને શેર વિગેરે બધું એક જ બેઠકમાં સમજાવી દે.
એક વાર સાહેબ જમીનથી અધ્ધર ચાલ્યા. કારણ? કારણ ‘ઝેર તો પીધાં જાણી જાણી’ના લેખક દર્શક એમને ઘરે મહેમાન થયા હતા. વર્ષો વીત્યાં અને દર્શક હજૂ એ નવલકથાનો ભાગ-૨ લખતા નહોતા. તો સાહેબે એમના પર દબાણ મૂકીને એ લખાવડાવ્યો. બ્રાવો.
પછી તો સાહેબ એકેડેમીના પ્રેસિડન્ટ થયા. એક વાર એમણે ઘોષણા કરી. કે ધી ગ્રેટ … ‘ધી ગ્રેટ ઉમાશંકર હેઝ એક્સેપ્ટેડ અવર ઇન્વિટેશન ટૂ વિઝિટ યુ.એસ.એ. અહોહો..! આ ઉમાશંકર, ભોમિયા વિના ભમનારો કવિ. મારા પાઠ્ય પુસ્તકના આ કવિની પંક્તિઓ તો મેં કંઠસ્થ કરેલી. અજીત શેઠે એની તો કેસેટ પણ કરેલી. ઓ માય ગૉડ આ મહાકવિ સાથે તો પછી તો હું જમવા પણ બેઠેલો.
મધુસૂદને કેટલા ય સાહિત્યકારોને અમારે આંગણે લાવી દીધા.
ન્યૂયોર્કમાં તે સમયે અમે પાંચ છ કપલ્સે એક ગૃપ બનાવેલું. એમાં સાહેબે બહુ રસ લીધેલો. એમાં ખાણી પીણી સાથે અમે ૨૦ કલાકની બેઠક કરતા. એમાં મધુસૂદન ઉત્કૃષ્ટ રચનાઓ લાવે. અને અમે બધાં સમૂહમાં એ ઉકેલીએ. એક વાર સાહેબ એમાં રાવજી પટેલનું ગીત લઈને આવ્યા. એ ગીત હતું, ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. એમાં એક પંક્તિ આવે છે. ‘લીલા ઘોડા ડૂબ્યા’. અહાહા … ટી.બી.થી મૃત્યુશય્યા પર પડેલા કવિના .. ડીલ્યૂઝન્સમાં એ પોતાના પ્રણયનું દૃશ્ય જુએ છે. એના પર ઓ માય ગોડ, સાહેબે એવું સરસ રસદર્શન અમને કરાવ્યું કે હું અતિ આનંદથી બોલી ઊઠ્યો, ‘સાહેબ, તમે મને આજે દિવ્યચક્ષુ આપ્યા!. એક પૉઝ પડી ગયો. મધુસૂદન આ સાંભળીને અવાક થઈ ગયા. કોઈ મહા અકાદમીનો બડો ઈનામ એમને મળ્યો હોય તેમ એ રાજીના રેડ થઇ ગયા. સાઇબરમાં તારામંડળ ફૂટ્યા.
બીજી એક વાર એ જ બેઠકમાં સાહેબ એક કરુણ રચના લઇ ને આવ્યા. તે પ્રસંગને સહજ ટૂંકમાં લઈ લઉં. એ હતી બાલમુકુન્દ દવેની કવિતા, ‘જૂનું ઘર ખાલી કરતાં’. કાવ્યમાં નાયક પોતાનું ઘર ખાલી કરે છે. દંપતીના લગ્નજીવનના પહેલા દસકામાં જ પોતાનો એકનો એક દીકરો ખોઈ બેઠેલા. નાયકે પોતે જ પોતાના પુત્રને અગ્નિદાહ દીધેલો. બેરે બેરે હૃદય કઠણ કરી રાખ્યું છે. બસ હવે આ ઘર છોડવાની છેલ્લી ઘડી છે, ને અંદરથી મૃત પુત્ર બોલે છે, ‘બા! બાપુ! ના કશું ય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ..’ બસ. અહીં મધુસૂદન ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે. એમનાથી આગળ કાવ્ય વાંચન થતું નથી. બધું અટકી ગયું. મારા જ ઘરમાં આ સીન ભજવાયો ને હું રહ્યો નાટકનો માણસ. જુઓ આ દૃશ્ય મારી રીતે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન ઓપેરા હાઉસનું આ દૃશ્ય હતું. મધુસૂદન સ્ટેજ પર આડા પડ્યા છે. ત્યાં મસમોટા સ્ટેજના રોમન સામ્રાજ્યના સેટના થાંભલાની જાંઘો ક્રશ થવા માંડી છે .. મારી આ ફિનાલી.
જેમના કોષે કોષમાં કવિતા સિંચાઈ છે અને જેમને ટીચિંગનું વરદાન મળ્યું છે, તે મધુસૂદન માટે મારે આટલું જ કહેવાનું છે, કે સાહેબ, મોર્નિંગ-વોકમાં નીકળો ત્યારે તમે સામે બાંકડા પર બેઠેલા ચેહરાઓ જોજો. એ આપણા સૌના પુરોગામીઓ છે. એમને ઓળખી પાડજો. તમારો ફેવરિટ અખો, નરસિંહ મહેતા, બ.ક. ઠાકોર, સુંદરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન ભગત. નામાવલી બહુ લાંબી છે. પાછા કામે લાગી જાવ. તમે મને વચન આપ્યું છે કે તમારે સાહિત્યનાં ઇરોટિક ગીતોનો બૃહદ્દ સંચય બહાર પાડવો છે. થેંક યૂ.
*****
‘ગુજરાતી લિટરરી ઍકૅડેમી ઑફ નોર્થ અમેરિકા’ તરફથી સ્વ. મધુસૂદન કાપડિયાને અપાયેલી સ્મરણાંજલિ. ઝૂમ મીટિંગ. તારીખ ૧૮/૧૧/૨૦૨૩
Email: rpshah37@hotmail.com