મધુસૂદન અને મારો સંબંધ કદાચ આ ઝૂમ મિટિંગમાં ભાગ લેનારા બધા કરતાં કદાચ વિશિષ્ટ હશે. વિશિષ્ટ એટલા માટે કે અમે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાથે ભણતા હતા. 1950, 1960 અને 1970ના ગાળામાં ગુજરાતી સાહિત્યના ત્રણ મુખ્ય કેન્દ્રો હતા — મુંબઈ, અમદાવાદ અને વડોદરા. મુંબઈમાં એ સમયે કવિશ્રી મનસુખલાલ ઝવેરી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. મુંબઈના સાહિત્યજગતમાં એમનું વર્ચસ્વ મોટું. મુંબઈમાં એમનો ડંકો વાગે. એમના ઘણા શિષ્યો જતે દહાડે ગુજરાતીના પ્રોફેસર થઈને જુદી જુદી કોલેજોમાં ગોઠવાઈ ગયા. એ બધા શિષ્યો ઉપર મનસુખભાઈનો પ્રભાવ મોટો. એ શિષ્યોમાં હતાં સર્વશ્રી સુરેશ દલાલ, મધુસૂદન અને સુશીલા કાપડિયા, ચંદ્રકાન્ત ટોપીવાલા, રમેશ જાની, હરીન્દ્ર દવે, જગદીશ જોશી. એમાંથી ઘણાયે ગુજરાતી સાહિત્યમાં અગત્યનું પ્રદાન પણ કર્યું. પરંતુ આ બધાં હવે એક પછી એક વિદાય લેવા માંડ્યાં છે. આજે હવે એ નોંધપાત્ર ગ્રુપમાંથી સદ્ભાગ્યે માત્ર સુશીલા કાપડિયા અને ચંદ્રકાન્ત ટોપીવાલા હજી પણ હયાત છે.
મનસુખલાલ ઝવેરીના આ શિષ્યોમાં ખાસ કરીને મધુસૂદને એમનો સાહિત્યિક વારસો બરાબર જાળવી રાખ્યો. મનસુખભાઈનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ, એમનો સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ, એમના કવિ અને કવિકર્મ વિશેના સ્પષ્ટ ખ્યાલો, એમનો વાણીવૈભવ, એમની ઉચ્ચાર સ્પષ્ટતા — આ બધું જ મધુસૂદન પાસેથી મળ્યું. હું જ્યારે જ્યારે મધુસૂદનને સાંભળતી ત્યારે જાણે કે મનસુખભાઈને સાંભળતી હોઉં એમ લાગતું.
1981માં જ્યારે અમેરિકાની ગુજરાતી લિટરરી અકાદમી સ્થપાઈ ત્યારે મારા કાવ્યસંગ્રહ ‘ફિલાડેલ્ફિયા’નું વિમોચન થયું. મધુસૂદને મારી કવિતાની વાત કરી. એનો ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, ગુજરાતી ભાષા ઉપર એનું પ્રભુત્ત્વ, કલાકો સુધી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રાખે એવો એનો વાગ્વૈભવ — આ બધાએ એની એક સિદ્ધહસ્ત વિવેચક તરીકેની છાપ મારા મનમાં પાડી. ત્યારે થયું, કે જો આવો નીવડેલો વિવેચક મારું લખેલું વાંચે અને વખાણે તો મને ગુજરાતી સાહિત્યનું ગૂડ હાઉસકીપિન્ગ સીલ મળે. અને મળ્યું પણ ખરું. એના પુસ્તક “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”માં. જ્યાં જ્યાં વખાણ કરવા જેવું લાગ્યું છે ત્યાં ચોક્કસ એણે વખાણ કર્યાં છે અને નથી ગમ્યું ત્યાં સખત ટીકા પણ કરી છે. મધુસૂદન એટલે તટસ્થ અને કડક વિવેચક. આ પુસ્તકમાં એણે અમેરિકાના 25 ડાયસ્પોરા કવિ લેખકોના વિપુલ સાહિત્યનો અભ્યાસ કરીને એ સર્જકોનું બહુમાન કર્યું છે. એના સિવાય આ કવિ લેખકોને કોણ યાદ કરવાનું છે? કે કોણ એમને વિષે આવું અભ્યાસપૂર્ણ અને તટસ્થ વિવેચન કરવાનું છે? ગુજરાતી ડાયસ્પોરાના સંશોધકો માટે આ પુસ્તક એક અમૂલ્ય આધારગ્રંથ — સોર્સ મટીરિયલ — છે.
અમારો નિત્યક્રમ – એટલે કે નટવર ગાંધી અને મારો – અમે રોજ સવારે ચા પીતાં પીતાં ગુજરાતી ગેય કવિતાઓ અને ખાસ તો ભૈરવી રાગમાં સ્વરાંકન થઈ હોય એવી કવિતા સાંભળીએ છીએ. એ ક્યાં મળે? મધુસૂદને સંપાદિત કરેલા પુસ્તક ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા’માં. અહીં નર્મદથી સિતાંશુ અને અનુગામી કવિઓ છે. આ સંપાદન એની બે વિશેષતાઓથી અ-પૂર્વ અને અ-દ્વિતીય છે. સંપાદનમાં કાવ્યાસ્વાદોનો પણ સમાવેશ છે અને ગુજરાતી સુગમ સંગીતમાં આજે જેનું નામ મોખરે છે તેવા અમર ભટ્ટ દ્વારા સંપાદિત કાવ્યસંગીતના ઓડિયો અને તેમની ભૂમિકા પણ મૂકાયા છે. ‘અર્વાચીન કાવ્યસંપદા’ એ મધુસૂદનનું મહત્ત્વનું પ્રદાન છે.
અમેરિકા આવીને મધુસૂદન ભાષાવિજ્ઞાન અને લાઈબ્રેરી સાયન્સ ભણ્યા. રમણ સોની કહે છે તેમ નબળા સ્વાસ્થ્ય અને સબળી મેધાશક્તિ સાથે સતત વિદ્યાવ્યાસંગ કર્યો. અને વિવેચનને ધર્મ સમજીને ઉત્તમ લેખો, સમીક્ષાઓ અને કાવ્યાસ્વાદો કરાવતા રહ્યા. સૌથી વિશેષ તો ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિષેનાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચનો માટે મધુસૂદન જરૂર યાદ રહેશે.
અમે અવારનવાર મળતા અને ફોન પર તો નિયમિત વાત કરતા હતા. ઘણી વાર મારી કવિતાની વાત કરતા કરતા એમ પણ કહેતા કે એણે પોતે વિવેચનમાં તો કાઠું કાઢ્યું છે પણ કવિતામાં આટલો ઊંડો રસ હોવા છતાં ભગવાને એને સર્જકતા નથી આપી. આ વિષે એને ખૂબ રંજ હતો. હું એને કહેતી કે ગુજરાતી કવિતા એના જેટલી કોણે માણી અને પ્રમાણી હશે?
હવે મારી કવિતા સારી છે કે નહીં અને જે લખું છું તે કવિતા થાય છે કે નહીં એ હું કોને પૂછીશ? મધુસૂદનના જવાથી ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મોટી ખોટ તો પડી જ છે, પરંતુ એના જવાથી મેં એક અંગત મિત્ર ગુમાવ્યો છે. એ ખોટ સહેવી મુશ્કેલ છે. એની મૈત્રી મારા સાહિત્યસર્જન માટે ખૂબ ઉપરકારક નીવડી છે. છતાં, “આપણો ઘડીક સંગ” એમ કહીને મન મનાવ્યા સિવાય હવે બીજો કોઈ છૂટકો નથી.
પ્રભુ એના આત્માને શાંતિ આપે અને એના નામ જેવા જ ગુણ ધરાવતાં સુશીલાબહેનને એની ખોટ સહન કરવાની શક્તિ આપે.
————
[શબ્દ સંખ્યા 627]
‘ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા’ યોજિત નવેમ્બર 18, 2023ના રોજ સ્મરણાંજલિ કાર્યક્રમ વખતે અપાયેલું પ્રવચન.
e.mail : naik19104@yahoo.com