
જ્યોતિભાઈ દેસાઈ
મુંબઈ શહેરનાં પરાંઓના વિદ્યાર્થી સંગઠનનો હું પ્રમુખ હતો. “ખાર” પરાનો કૉંગ્રેસનો યુવા કાર્યકર્તા પણ હતો. “ખાર” મુંબઈની કૉંગ્રેસનો મજબૂત ગઢ પણ હતો. મુંબઈ રાજ્યની સરકારના ચાર મંત્રીઓ ખાર નિવાસી હતા અને તેમાં પણ માન્યવર બાળાસાહેબ ખેર તો મુખ્ય મંત્રી હતા. હું બાળાસાહેબની ઘણો નજીક અને વિશ્વાસુ સૈનિક હતો, સ્વયંસેવક હતો. એથી જ તો રાજકારણનું ક્ષેત્ર મને ભાવતું થયેલું હતું અને ૧૯૪૭ આવતાં સુધીમાં તો રાજકારણ ક્ષેત્રનાં સ્વપ્નાં મેળવી ચૂક્યો હતો. તેમાં ઝંપલાવવાને ઘડાઈ જ ગયો હતો.
બે બુઝુર્ગોએ મને ગ્રામ સેવાના માર્ગે દોર્યો હતો. બાળાસાહેબે મને નજીક લઈને ગંભીરતાથી સમજાવ્યું, “આ શહેરી આઘાપાછી અને ખેંચાખેંચ કરતાં, આદિવાસીઓ અને જેઓને નબળા જ કરાયા છે, તેવા ગ્રામજનોમાં કામ કરવાનું જરૂરી છે. ત્યાં નજર નાખી આવ.”
બીજાં હતાં મારા ગુરુ સમાન ‘આદર્શ બાલમંદિર’નાં સ્થાપકો પ્રભુભાઈ અને ધનુબહેન ઉપાધ્યાય. બંને ગિજુભાઈનાં વિદ્યાર્થી, તેથી “બાળશિક્ષણ” સમર્પિત. એમની સાથે તો ખારના તમામ લોકો સંકળાયેલા જ. નાગરિકોની મહત્ત્વની બેઠકો બાલમંદિરે જ થાય. એમને લીધે જ તો શિક્ષક થવાનું આવશ્યક બન્યું અને તેઓના સંપર્કથી મારા જેવા યુવાનો ગ્રામસેવા કરવાને નીકળ્યા.
આમ મને ગામડું વળગ્યું. મુંબઈમાં અને બીજાં શહેરોમાં ફરી આવકાર અને આગ્રહો આવ્યા હતા. સુરત, દહાણુ, મુંબઈ બધે ગોઠવાઈ જવાની માંગો પણ મળી. પણ તે દિશા છૂટી જ ગઈ હતી. શહેર અને તેના વ્યવહારોની મર્યાદાઓ, શોષણ વિષે સજાગ થઈ ચૂક્યો હતો. ગુંદી, કોસબાડ, સણોસરા, વેડછી ગામોએ મને જે તકો આપી અને મારી કસોટીઓ પણ કરી તેથી જીવન ઘણું સમૃદ્ધ થયાનું અનુભવ્યું અને અનુભવતો રહ્યો છું.
મેં ૧૯૬૮થી ૨૦૧૭ સુધી – ૪૯ વર્ષ વેડછી જ અપનાવ્યું. ત્યાંના જ કાયમી ગ્રામજન થવાનો લહાવો લેવાનો પ્રયત્ન કર્યો. એક એવો, અનન્ય જ નહીં, ઝટ ક્યાં ય નજરે ના પડે તેવો પ્રસંગ પ્રાપ્ત થયો હોવા છતાં મને વેડછીથી અલગ થવું પડ્યું તે મને ખટકતું રહે છે.
મેં આયોજન કરીને ગ્રામસેવાનું કોઈ કામ ઉપાડ્યું નહોતું. જ્યાં રહેતો હોઉં ત્યાં જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં જે સૂઝે અને કરવાની જરૂરત હોય તે કરવામાં દિલથી અને પૂરી સમજણથી કરી શકાય તે કામો કર્યાં છે. તેમાંના ગુંદી (અમદાવાદ જિલ્લો), કોસબાડ (થાણા જિલ્લો), ધારવાડ (કર્ણાટક), મધ્ય પ્રદેશ, ત્રિપુરા(પૂર્વાંચલ)ના પ્રસંગો રજૂ કરું અને જે લાધ્યું તે વ્યક્ત કરવાની છૂટ લઉં છું.
નવલભાઈ શાહે મને ધોળકા તાલુકાના ‘ગુંદી’ ગામે પ્રત્યક્ષ ગામ સેવામાં નોતર્યો. અમારી બે વચ્ચે એ સંબંધ સગા ભાઈઓ કરતાં પણ વધુ નજીકનો રહ્યો છે. તેઓ વિદાય થયા પણ નવલભાઈનું અમદાવાદનું ઘર અને તેમના પરિવાર સાથેનો સંબંધ અકબંધ છે. એમને ત્યાં જ હંમેશ રહેવાનું ગોઠવું છું. તેમના પૌત્રો પણ મારા જ ફરજંદ જેવા છે.
મને ગુંદીમાં દોઢેક વર્ષ થયું હશે. સાલ ચોક્કસ યાદ નથી. ત્યાંનું, અમે રહેતાં તે કેન્દ્ર ગામથી દક્ષિણે, ભૂરખી રેલવે સ્ટેશનથી લગભગ પોણા કિલોમીટર દૂર ‘મહાદેવ’ના મંદિરની પાસે ગોઠવાયેલું હતું. તે રેલવે માર્ગથી અમદાવાદથી ભાવનગર તરફ જનારી ટ્રેનોની આવજા રહેતી. રોજ રાત્રે ૯.૦૦-૯.૩૦ની આસપાસ બોટાદ સુધી જતી શટલ ટ્રેન પસાર થતી રહે એ અનાયાસ જોઈ શકાતું.
તે દિવસે જે ઘટના થઈ, ભૂરખી સ્ટેશન છોડીને શટલ નીકળી અને માંડ ભોગાવા નદીના પુલ પાસે પહોંચી, ત્યાં તો ચીસાચીસ તેમ જ બંદૂકના ભડાકા સંભળાયા. અમારું કેન્દ્ર વધુ ઊંચાણમાં હોવાથી અમને ત્યાંનું ઘણું દેખાયે ખરું અને સંભળાય તો ખરું જ. સમજાઈ જ ગયું કે ટ્રેનના પેસેન્જરો પર ધાડ પડી છે અને હેરાનગતિ થઈ રહી છે. અમે કાર્યકર્તાઓ અને મોટા વિદ્યાર્થીઓ દોડ્યા અને આ હેરાન પરેશાન થનારા સામાન્યજનને સહાય કરવાનો પ્રયત્ન કર્યો. ભાલમાં માઈલો સુધી કોઈ વૃક્ષ હોય નહીં એટલે બે અઢી કિલોમીટર દૂર થયેલી આ ઘટના ઘણી નજીકથી સમજાઈ જાય. ટ્રેનના ડબ્બામાં ઊભા રહ્યા, અને જેમના ઉપર માર પડેલો, બીવડાવેલાં તે બધાંને જાળવવાનું કામ કરવા માંડ્યું. તે લગભગ ૮૦-૯૦ લોકોને સ્ટેશન સુધી લાવીને યોગ્ય તે કરવાનાં કામ – પાટાપીંડી, ખાવાનું અને જળવાયેલા તેમના સામાનો મેળવી આપવા કામ કરી શકાયાં. આવું કામ થતું રહ્યું ત્યાં હું સ્ટેશન માસ્તર પાસે પહોંચ્યો. ‘માસ્તર ધોળકે અને ધંધૂકે બંને સ્ટેશને તારથી સમાચાર આપો અને પોલીસ બોલાવો આ લૂંટારા હજુ વધુ દૂર જઈ નહીં શક્યા હોય. બહારથી મદદ વહેલી મેળવવી જ પડે તેવું છે.’
ત્યાં જ એક બહારના કોઈ નગરશેઠ સમાન સજેલા સજ્જન આવીને જોવા લાગ્યા કે સ્ટેશને શું ચાલી રહ્યું છે. તેમની સાથે બીજા પાંચ છ શક્તિશાળી એવા સાથીઓ પણ હતા. પછીથી મને જણાવાયું હતું કે હકીકતે એ જ તો લૂંટારુ, “વાહન પગી” હતા. હું તો બહારથી મદદ મેળવવાની ધૂનમાં જ હતો. સ્ટેશન માસ્તરના હાથ ધ્રૂજે પણ મારા દબાણથી તેમણે તાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ મહાશય, “વાહન પગી” જ હતા એ વાત તો મને પછીથી મળી. બહારની સહાય આવતાં તો સવાર થઈ. એમ્બ્યુલન્સ આવી. સવારે ભૂરખી ગામના શ્રેષ્ઠી ગગૂમુખી સીધા મહાદેવે જ આવ્યા. ત્યારે મુખ્ય કાર્યકર્તા તરીકે હું જ હતો. મને મુખી કહે, ‘માસ્તર, કાંઈ હમજતો જ નથી. ઓલો આવીને તારાં છોતરાં કાઢી નાંખશે. લે! આ બંદૂક રાખ !’
‘જુઓ મુખી, મારું એ કામ નહીં અને મને તે વાપરતાંયે ન આવડે. બંદૂકથી કાંઈ ન કરી શકું.’ મુખી ખિજાયા ! ‘ભૂંડા ! તું શું બોલે છે ! આંઈ છોડીઓ, બાઈઓ રહે છે, કોઈને નહીં છોડે…’
‘પણ મેં સ્ટેશન માસ્તરને સહાય માગવાનો આગ્રહ કર્યો અને તે થઈ શક્યું છે.’
‘એ જ તો મોકાણ છે. તું ડાહ્યો હું કામ થયો ? હામો પડ્યો! એટલું જ ઈને હમજાય !’ ‘વાંકમાં આવી જ ગયો છું. હવે દુશ્મન થયો છું તો આ બંદૂક રાખી જ લે !’
‘મારા સાહેબ ! મુખી ! આંઈ આવીને જે કાંઈ કરશે તે બધું તમે અને ગામલોક બધા જોતા રહેશો ?? અમે આંહી શા માટે રહીએ છીએ ? આજે જેમ આવ્યા છો તે કરતાં વહેલાં ધોડી નહીં આવો ?’
‘ભારે કરી, માસ્તર ! મારે માથે જ નાંખ્યું.’
‘એમ નહીં આપણે બધાએ આ લૂંટો બંધ કરાવવી છે. ગામે ગામ સમજાવીએ કે આ લૂંટો હવે કરવા નહીં જ દઈએ !’
● ● ●

મુનિ સંતબાલજી
વાત બરોબર ચગી. રાજકારણ તેમાં ભળ્યું. મને મુનીશ્રી સંતબાલજીએ બોલાવ્યો.
‘આવા પ્રસંગોમાં આપણે મૌન રાખવાનું હોય. અહીંના પ્રશ્નો ઘણી ગૂંચોવાળા હોય છે. બધાં દુષ્કર્મો ઝટ રોકી શકાય નહીં. મુંબઈ સરકારના ગૃહ મંત્રી મને મળવા આવી ગયા. અને તેઓ યોગ્ય પગલાં લેવાનું ગોઠવી રહ્યા છે.’
‘આપણને પણ એટલું જ જોઈએ છે’ મેં કહ્યું. જે કર્યું છે તેની ભરપાઈ કરે. અને હવેથી આ તરફનાં ત્રીસે ગામો સલામત રહે. તે તો કરવું જ પડે !’
વાહનપગી તે પછી લીંબડી તરફ જ રહ્યો અને તેનો દર છ, છ મહિને લૂંટ કરવાનો કાર્યક્રમ બંધ થયો.
● ● ●
“અરણેજ” ગુંદીથી ચાર પાંચ માઈલ દૂર પૂર્વ તરફ પરંતુ તે મોટું સ્ટેશન ગણાય. ત્યાં રેલવે યાર્ડ મોટાં. ભૂરખી જેવાં ગામોએ કાંઈ મંગાવ્યું હોય તો તે વેગનો “અરણેજ” જ રખાય. ત્યાં જઈને જ માલ મેળવવો પડે.
એ વર્ષે (ચોક્કસ યાદ નથી ૧૯૫૧ હશે) અમારા ભાલના એ વિસ્તારમાં વરસાદની ખેંચ રહી અને ક્યાં ય ઢોર માટે ચારો મળે નહીં. તેથી બિલીમોરા, નવસારીથી બે વેગન ઘાસ મંગાવાયું હતું તે અરણેજ પહોંચ્યાની જાણ થતાં જ ગામલોકો ઘાસ લેવા અરણેજ પહોંચ્યા. અને ઘાસનાં વેગન છોડાવવા ઇચ્છ્યું. પરંતુ મોકલનાર તરફથી રસીદ અને લેનારની વિગત હોય તો જ વેગન ખોલી શકાય એ નિયમ નડ્યો. સ્ટેશન માસ્તર અડીને બેઠો. રસીદ વગર વેગનને હાથ લગાડાય નહીં. એ પહોંચ ટપાલમાં મોકલાવી હોય, અને ઠેઠ ગામડે જ્યારે મળે ત્યારે જ આ વેગનોનું ઘાસ મળી શકે.
બરોબરની મુશ્કેલી ઊભી થઈ. ઢોર ભૂખ્યાં રહે ને કાયદાની કલમે ચાલનારું રાજ ટસ કે મસ થાય નહીં. સ્ટેશન માસ્તર બધું સમજે પણ કાયદો જ માલિક !
એ વાતે એ ભરવાડો મહાદેવે દોડી આવ્યા. ‘ગમે ઈમ વેગન છોડાવો.’ એ બધાં ય સાથે હું અરણેજ સ્ટેશને પહોંચ્યો. સ્ટેશન માસ્તરને વિનંતી કરી. ‘આ પહોંચ વગર ના ખોલાય એ નિયમ સાચો પરંતુ આ ઢોરોને જિવાડવાનો સવાલ છે ત્યારે છૂટ લેવી પડે. પહોંચ મેળવી આપવાની જવાબદારી હું લઉં છું. બે ચાર દિવસમાં આપી જ દઈશું !’
‘અમે કાયદાથી બંધાયેલા છીએ. જવાબ તો મારે આપવાનો થાય. મારી નોકરી ઉપર બટ્ટો લાગે. કાંઈ ખાધું હશે એમ કહેવાય ! – ના બને. પહોંચ લાવો અને વેગન તમારાં !’
કલાકેક રકઝક થતી રહી. માસ્તર એકનો બે, ન થાય “નહીં એટલે નહીં.”
આખરે મેં ભરવાડોને કહ્યું, ‘વેગનનાં તાળાં તોડો અને પહેલાં ગામ દીઠ જેટલું મંગાવ્યું હોય તેટલું ઘાસ બરોબર વહેંચવાને ગોઠવીએ.’ આવું એમને જોઈતું જ હતું ને ! ઝપાટાબંધ વેગનોમાંથી ઘાસ કઢાયું, વહેંચ્યું.
સ્ટેશન માસ્તરે મારા ઉપર કેસ કર્યો અને ‘લોકોની ઉશ્કેરણી કરીને વેગનનાં તાળાં તોડાવી માલ લૂંટી લીધો’ એવો આક્ષેપ નોંધાવ્યો. કોર્ટ બેઠી. મેં ખુલાસો કર્યો – બે કલાક સ્ટેશન માસ્તરને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પહોંચ મેળવી આપવા માટે લેખિત નિવેદન પણ આપ્યું હતું. મુખ્ય વાત આજની પરિસ્થિતિમાં ઢોર બચાવવાની જરૂર આપ સાહેબ પણ સ્વીકારશો. કાનૂન કબૂલ પણ પરિસ્થિતિ … લૂંટ નથી થઈ. જેમનો માલ હતો તેમને જ તે અપાયો છે. આ સાક્ષીઓ અહીં હાજર છે. પહોંચ આવતાં જ માસ્તરને આપી છે. ન્યાયાધીશ સમજુ હતા. ‘આ લૂંટ નહીં ગણાય. છતાં સ્ટેશન માસ્તરે પોતાની ફરજ બજાવવાનો આગ્રહ રાખ્યો તે પણ વાજબી જ છે. તેમણે કેસ કર્યો તે યોગ્ય પગલું જ ગણવાનું છે. ગુન્હો થયો નથી, એ નોંધ કરીએ છીએ !’
● ● ●
મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં ગુજરાતને દક્ષિણ છેડે દહાણુ મોટું શહેર છે. તેનાથી ઉત્તરે ૯ કિ.મી. ઉપર ‘કોસબાડ’ આદિવાસીઓનું ગામ છે. ત્યાં એક મજાની ટેકરી પર “ગ્રામ બાલશિક્ષણ” સંસ્થા અને બીજી કૃષિ વિદ્યાની સંસ્થા ગોઠવાયેલી છે. ત્યાંનો ૧૯૫૬નો કિસ્સો છે.
હજી વીજળી અમારે ત્યાં પહોંચી નહોતી. ‘ફાનસ’નો અને ‘ડબલાબત્તી’નો જ બધો વ્યવહાર. ગ્યાસતેલ મેળવવું જરૂરી ગણાય. અચાનક ગ્યાસતેલ મળતું બંધ થયું. દહાણુમાં કાળા બજારનું મોંઘું મેળવી શકાય. સરકારી ગ્યાસતેલ ગાયબ જ થઈ ગયું. તેમાં આસપાસનાં બધાં ય ગામો સપડાઈ ગયાં હતાં. ‘કૃષિ વિદ્યા’ સંસ્થાના એક પ્રાધ્યાપક ભાઈએ આખો ગ્યાસતેલનો ડબ્બો મેળવ્યો તે વાતે ભારે ચર્ચા, આક્ષેપો અને ગુસ્સાઓનો ખેલ સર્જાયો. આખરે એ ભાઈને ડબ્બો ખોલ્યા વગર ‘દહાણુ’ પહોંચાડવાની ફરજ પડાવી શકાઈ અને નિર્ણય કર્યો કે ગામેગામ ‘ગ્યાસતેલ’ વાપરવાનું બંધ કરીએ છીએ. સરકારી ગ્યાસતેલ મળે તો જ તે ઉપયોગમાં લઈશું.’

તારાબહેન મોડક
હવે, અમારી બાલશિક્ષણની સંસ્થામાં મુંબઈથી ૨૦૦થી વધુ બાળ-શિક્ષિકાઓ તે દિવસોમાં આવવાની હતી. તારાબહેન મોડકની જ સ્થાપેલી મુંબઈની ‘શિશુવિહાર’ સંસ્થામાં તાલીમ લેનારી બાળશિક્ષિકાઓનો ત્રણ દિવસનો શિબિર ત્યારે યોજાયો હતો. એ બહેનોને જણાવ્યું કે ‘થોડી ચાંદની છે, પણ ફાનસ નથી સળગાવવાના. સાંજે વહેલા જમવાનું કરવાનું રહેશે. અંધારે રહેવાની તૈયારી રાખવાની છે.’ એ શિબિર થયો. અને વાત તો બધે ફેલાય જ ને. અને ટેકરીની આસપાસનાં ૧૫ ગામોએ તો ‘ગ્યાસતેલ’નો સત્યાગ્રહ અપનાવી લીધો હતો. એ સ્થિતિનું દબાણ પૂરેપૂરું મોટા વ્યાપારી ઉપર આવ્યું.
અમારે ત્યાંનો શિબિર પૂરો થયો ને બીજે દિવસે ટેંકર લઈને વ્યાપારી ભાઈ બારણે આવી ઊભા રહ્યા. કહો કરગરવા જ લાગ્યા. ‘મને ઉઠાડી જ મૂક્યો છે. કોઈ કરતાં કોઈ ગ્યાસતેલ લેવા આવે જ નહીં ! રહેમ કરો અને આ ટેંકર લાવ્યો છું ! લ્યો જેટલું લેવું હોય તેટલું.’
‘સરકારના બાંધે દામે અહીંનાં તમામ ગામને ગ્યાસતેલ મળતું રહે તેવું ગોઠવો. દર મહિને અહીં ટેંકર હાજર કરીને ગ્યાસતેલ વેચવાનું કબૂલ કરો તો અમે પૂરો સાથ આપીશું.’ હકીકતે ગ્રામજનોએ અને સંસ્થાના બધાયના સહારે આ સત્યાગ્રહ પાર પડ્યો. અલબત્ત, ગામોના સામાન્યજનોએ જે મક્કમતા રાખી તેનો જ આ ચમત્કાર હતો. મારો અનુભવ સતત રહ્યો છે કે ગ્રામજન જ્યારે વાત પકડે છે ત્યારે તેને કોઈ મનાવી જાય તેમ થતું નથી. નિર્ધાર કરવામાં પાછા પડે એ સ્વાભવ તેમનાથી અજાણ જ છે.
● ● ●
બાલવાડીની શિક્ષિકાઓની તાલીમના ભાગરૂપે કોસબાડ ટેકરીને ફરતે તેમ જ થોડાં વધુ ઊંડાણનાં ગામોમાં એક મહિનો “આંગણવાડી” ચલાવવાનો શિરસ્તો રાખ્યો હતો. અને તે રીતે બાળકોને તેમ જ માતાઓને અને ગામને પણ ‘બાળકો’ વિષેની નૂતન સમજણ ફેલાવવાનો પ્રયત્ન કરતા હતા. એવી એક આંગણવાડીએ હું ગયો હતો. બાળકો તો ઉત્સાહમાં હતાં જ, પણ માતાઓ, વાલીઓ પણ આ આંગણવાડી માણી રહ્યાં હતાં. સહજ અને ગમતું વાતાવરણ સર્જાયેલું હતું. ત્યાં એક ૫૦ વર્ષની માતા મારી પાસે આવ્યાં. ‘લે, આ પાંચ રૂપિયા. આ છોકરીઓને અમારે ત્યાં મોકલીને અમારાં પોરિયાંને રમાડો તો અમારે પણ તમને કાંઈ આપવું જોઈએને !’ ‘માજી ! આ છોકરીઓ તો શીખી રહી છે. તેમને બાળકોને સારી રીતે ઉપયોગી થવાનું ભણવાનું છે. એ તો તમે આવકારો છો તેથી આ ચાર અઠવાડિયાંનો જ કાર્યક્રમ થાય છે. તમારે અને બાળકોનો તો ઉપયોગ કરીએ છીએ.’ ‘એ કાંઈ હું ના સમજું, રોજેરોજ ટેકરીએથી અહીં કોણ આવે છે ? અમારું ગામ જીવતું જ કરી દે છે. તું આ પૈસા લે જ લે !’
કોઈનીયે મહેનત વાપરી ના લેવાય ! અમારાં બાળકોને અને અમને આવું સારું સમજવા માણવા મળે તે તમે કેટલાં ભલાં અને અમારી કાળજી લેનારાં છો ! આવી સાંસ્કૃતિક ઘર કરી રહેલી સમજણ મારી સમક્ષ આવી ઊભી, એમ જ વિચાર આવે ને !
બાઈ આઠ કલાકની મજૂરી કરે તેને બાર આના અપાય, પુરુષોને દોઢ રૂપિયો દાડીની મજૂરીનો અપાય. તેવી ત્યારની પરંપરા ! પોતે ૭ દિવસ (લગભગ) મહેનત કરી હતી તે પૈસા આપવાનો આગ્રહ કરી રહી હતી. પછાત ગણાતી અને જેના અસ્તિત્વને બોજો માનનારી શિક્ષિત-શહેરી પ્રજાને એક સત્ય સમજાવવા મથી રહી હતી.
બીજે ફળિયે તો એથીયે ચઢિયાતો અનુભવ થયો હતો. હું અને માલિનીબહેન બંને ત્યાં ગયાં હતાં.
એ માતા કહે, ‘તું આવી ને મારી પાસે દૂધી પણ નથી. તને ખાલી હાથે મોકલવી પડે છે.’ એણે વાડામાં વેલા કરેલા હતા. અમે ઘણું સમજાવ્યું પણ અફસોસ કરતી રહી. એમની આંખો ભીની થઈ. પંદર-વીસ દિવસ પછી ટેકરીથી ત્રણ કિલોમીટર રહેનારી એ માતા, ઠેઠ અમારે ઘેર દૂધી લઈને આવી ઊભી ! કયા શબ્દોમાં આ ‘અબૂધ’ ગણાતી બહેનને ઓળખાવું ! ઠીકરા જેવું હૃદય કરી બેઠેલા ઉચ્ચ ગણાતા લોકોની આંખે ક્યારે આ માનવતા સમજાશે !
● ● ●
ગુજરાતનો ભાલ પ્રદેશ કહો કે થાણા જિલ્લાનો આદિવાસી વિસ્તાર, મધ્ય પ્રદેશના ‘બાગી’ કહો કે કર્ણાટકના અબૂધ ગણાતા કુલી (મજૂર), બધે જ બધે મને માનવીય ઊંચાઈનાં દર્શન થતાં રહ્યાં છે.
ધારવાડ અને તેની દક્ષિણના વિસ્તારમાં તુંગભદ્રા નદીના ક્ષેત્રમાં ૪૦ ગામોનું પીવાનું પાણી બિરલાના પોલિસ્ટર બનાવનારા ‘હરિહર’ શહેરના કારખાનાને લીધે બગડ્યું હતું. તેની સામે વિરોધ સત્યાગ્રહ ચાલતો હતો. તેમાં મને સક્રિય રીતે જોડાવાનું મળ્યું હતું. ૧૯૮૦થી ૧૯૯૨ સુધી ઘણા સાત્ત્વિક અનુભવો મળ્યા જ હતા. ત્યારના એક સત્યાગ્રહના પડાવે જે શિબિર થઈ શક્યો તે તો હંમેશાં યાદ કરતા રહીએ તેવો ગણાવવો પડે.
પ્રદૂષિત પ્રદેશોનાં ૨૮ ગામના લોકોએ પાંચ દિવસના સત્યાગ્રહના એક કાર્યક્રમના આયોજન માટે શિબિર ગોઠવ્યો હતો. દરેક ગામને બે પ્રતિનિધિઓ શિબિરમાં મોકલવાનું સૂચવ્યું હતું. બે પ્રતિનિધિમાં એક બહેન અને એક ભાઈને મોકલવાનાં હતાં. બંને પ્રતિનિધિઓ તે ગામના મજૂર (જેમને ‘કૂલી’ કહેવાતાં)ને જ પસંદ કરવાના હતા. શિબિર પાંચ દિવસ માટેનો હતો તેથી તે મજૂરોની ૫ દિવસની રોજની પાંચ રૂપિયા મજૂરી ગામે જમા કરાવવાની હતી. એ નાણાં જમા થયાં અને શિબિરને અંતે પ્રતિનિધિઓને વહેંચવાનું ગોઠવાયું હતું.
આ ઉપરાંત ગામોએ શિબિર સ્થળે ભોજન પહોંચાડવાનું હતું. પાંચ કે છ ગામે, સવારનો નાસ્તો, બપોરનું ભોજન તેમજ સાંજનું ભોજન પહોંચાડવાનું પણ ગોઠવવાનું હતું. તે પ્રમાણે ટ્રેક્ટરો આવી આવીને શિબિરાર્થીઓ અને અમને છ કાર્યકર્તા સહાયકોને જમાડ્યા, જાળવ્યા હતા.
એક મંદિરના પ્રાંગણમાં આ શિબિર પ્રયોજાયો હતો. શિબિરનો ઉદ્દેશ એક એવો કાર્યક્રમ કરવાનું વિચારવાનો હતો કે જેથી કર્ણાટકની જનતા તેમ જ સરકારનું ધ્યાન આ પ્રદૂષણથી થઈ રહેલા નુકસાન તરફ જાય. ત્યાંના મુખ્ય કાર્યકર્તા હિરેમઠજી અને તેઓનાં પત્ની શ્યામલાબહેન (મૂળ અમેરિકન) હાજર રહ્યાં હતાં. ઠીક એવી મથામણો-પ્રશ્નો-ઉત્તરો-શંકાઓ-નિર્ધારોની ચર્ચાઓ થઈ અને એક કાર્યક્રમ પ્રયોજાયો. મામલતદારની કચેરીના પ્રવેશ કમ્પાઉન્ડમાં નદીનું એટલું પાણી ગામોના લોકોએ રેડવું કે જેથી એટલો કાદવ થાય કે તે દફતરમાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરી જ ના શકે. એ નિર્ણય પ્રતિનિધિઓએ પોતાના ગામને સમજાવવો અને ફરી ભેગા થઈને ગામોએ એ કાદવ ક્યારે કરવો તેની તિથિ બધાએ સાથે મળીને નક્કી કરવી.
ભોપાલ ગેસ કાંડનો ૪ ડિસેમ્બરનો દિવસ નક્કી થયો અને ૧૩ તાલુકાના મામલતદારનાં દફતરોમાં અઠવાડિયા સુધી કોઈ વ્યક્તિ પ્રવેશ કરી જ ના શકે તેવો કીચડ કરી શકાયો. એવું જબરદસ્ત પરિણામ આવ્યું કે કર્ણાટક રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રમુખે રાજીનામું આપ્યું.
એ શિબિર વિષે દેશના પ્રતિનિધિઓને જગાડનારી વાત જણાવવા જેવી છે. અમે જ્યારે જે ગામોના છેવાડાનાં મજૂર ભાઈબહેનોને તેમણે ખોયેલી મજૂરીના પૈસા વહેંચવાનું જાહેર કર્યું ત્યારે તે તમામ પ્રતિનિધિઓએ વિરોધ કર્યો હતો. ‘આવા પૈસા લેવાય જ નહીં. અમે કોઈ કામ પણ કર્યું નથી. વગર કામની મજૂરીને અડાય જ કેવી રીતે ?’ ગામે અમારું સન્માન કર્યું. અમને સાંભળ્યા અને કેવી મજાની વાત ઊભી થઈ. ગામેગામ આ કીચડનો તો ઉત્સવ જ થઈ ગયો. તેથી જ ગામનો અને ભગવાનનો ઉપકાર માનવાનો છે, એ વિચાર ફેલાયો.
આપણા ધારાસભ્યો, પાર્લામેન્ટના મોભીઓ, કાંઈ કેટલીયે સમિતિઓ અને જિલ્લા પરિષદોમાં ભથ્થું મેળવનારા લોકોને આ મજૂરોએ સવાલ પૂછ્યો છે. શું અને શા માટે આ પદ ભોગવો છો ?
ક્યાં નગણ્ય ગણાતાં, હકીકતે રાષ્ટ્રનો ભાર ઊંચકનારાં આ મજૂર ભાઈબહેનો અને ક્યાં યેનકેન પ્રકારેણ લૂંટ જ ચલાવનારા મહાજનો !?
● ● ●
ટવલાઈ મધ્ય પ્રદેશનું નાનું ગામ. ત્યાં ગાંધીજનોએ સાત ધોરણની એક શાળા પણ શરૂ કરેલી. મધ્ય પ્રદેશના અગાઉના શિક્ષણ મંત્રી અને ગાંધીજીના પણ સાથી રહેલા આદરણીય કાશીનાથજી મને ત્યાં લઈ ગયા હતા. આશ્રમની એ શાળાના શિક્ષકોએ કહ્યું, ‘તમે આવ્યા છો ત્યારે જ અમારી “જીવનશાળા” વાર્ષિકોત્સવ ઊજવવા ઇચ્છીએ છીએ. તમે કોઈ નવીન કાર્યક્રમ સૂચવો તો તેમ કરીને અમે સાચો ઉત્સવ ઊજવવાનો લહાવો લઈ શકીશું.’
મેં કહ્યું, ‘બાળકો અને આશ્રમના સૌ કોઈની સાથે બેઠક કરીને શું શું કરી શકાય તેવો વિચાર કરીએ !’ બેઠક ગોઠવાઈ. અને મેં કહ્યું, ‘આ વર્ષનો આપણી જીવનશાળાનો વાર્ષિક ઉત્સવ ખરેખર મઝા પડે અને ખરો આનંદ થાય તેવું કરવું હોય તો શું શું કરીએ ?’
‘તમે જ કહોને !’ એવો જ પડઘો પડ્યો. ‘ઉત્સવ તમારો અને સૂચવવાનું મારે ?’
‘એમ જ હોય ને ! દાદા તમને લાવ્યા છે તો તમને જ પૂછીએ ને !’
‘એવું કરવું જોઈએ કે આશ્રમના એકે એક જણને તેમાં કાંઈક કરવાનું મળે.’
‘મનોરંજન કરવાનું હોય તેમાં બધાંને થોડું જોડી શકાય ?’
‘કોઈ પણ ઉત્સવમાં આશ્રમના બધાયને કાંઈક કરવાનું મળે તો જ તે આશ્રમનો ઉત્સવ બને !’
‘શાળાનાં ત્રીજા ધોરણનાં બાળકોથી માંડીને દરેક છોકરી કે છોકરાને કંઈક કરવાનું મળવું જોઈએ.’
‘મને આવું સૂઝે છે, આપણે ત્રણ ટુકડીઓ કરીએ, દરેક ટુકડીમાં ૭મા ધોરણના વિદ્યાર્થીથી ઠેઠ નીચલા ધોરણનાં બાળકોને તે ટુકડીના સભ્યો બનાવીએ.
‘દરેક ટુકડીને આશ્રમના પરિસરને શણગારવા જાણે નવો જ બન્યો હોય તેવો ખીલવી દેવાની જવાબદારી અપાય. શાળા જ નહીં, પરિસર આખો જાણે આજે શણગાર્યો એવો સુંદર, સ્વચ્છ અને આકર્ષક બનાવવાની જવાબદારી ઉપાડવાની રહે.’
‘મંજૂર !’ વાત સ્વીકારાઈ.
ત્રણ ટુકડી થઈ અને દરેક ટુકડીએ પોતાનું નામ પસંદ કરવાનું વિચારાયું. (૧) ગાંધી ટુકડી (૨) સુભાષચંદ્ર બોઝ ટુકડી (૩) શહીદ ભગતસિંહ ટુકડી.
પરિસરના ભાગ કરાયા. સ્નાનઘાટ, પાયખાનાં, રસોડું, નિવાસો, બગીચો, વાડી. બધાંયના ભાગ પડ્યા અને ટુકડીઓ તે અંગે વિચારતી પણ થઈ ગઈ.
‘જુઓ કેટલીક શરતો પાળવાની છે.’
‘બજારમાંથી ખરીદી કરીને કોઈ ચીજ લાવવાની નહીં. ફૂલ, પાંદડાં કે વૃક્ષોની છેડછાડ કરવી નહીં. કોઈ મોટો ફેરફાર કરવો હોય તો સમૂહ સાથે બેસીને જ નિર્ણય કરવો.’
‘ચૂનો અને ગળી બજારમાંથી લાવવાની છૂટ મળવી જ જોઈએ! મંજૂર.’
પૂરો દોઢ દિવસ એકે એક બાળક અને આશ્રમનિવાસી જે ઉત્સાહથી મંડી પડ્યા, ફિલ્મ ઉતારવા જેવાં દૃશ્યો સામે આવ્યાં અને સ્નાનઘાટમાં ક્યાં ય લીલ નહીં અને પાયખાનાં તો એવાં આકર્ષક કે આવકાર આપવાં ઊભાં હોય, તારની વાડે જાળું કે પાંદડું લટકતું ના હોય. જ્યાં નજર નાંખો ત્યાં કેમ જાણે જીવંત થયાનો જ અનુભવ મળે. ધરતી કહો કે બગીચો, બધાં જ બધાં આ ઉત્સવમાં પોતાનું પોત પ્રગટાવવા, લાગ્યાં.
હા ! મનોરંજન ગામે માણ્યું. જેમાં એકેએક બાળકે પોતાનું કામ થનગનાટ સહિત પાર પાડ્યું. કચરો બાળ્યો, તેની રાખથી રંગોળી પુરાઈ. ભાંગ્યાં તૂટ્યાં સાધનો સમારાયાં અને બારી, બારણાં, જે કાંઈ ખામી હોય તે બધાં જ નવાં કરી દેવાયાં.
અલબત્ત, આશ્રમ જીવંત થઈ ગયો. ગીતો હરતાં ફરતાં ગવાય અને હાસ્યના ફૂવારા ઊડતા જાય ! ગ્રામજનોને આમંત્રણ અપાયું અને વિદ્યાર્થીઓની ટુકડીઓએ પોતાને શું શું કરવા મળ્યું તેનો અહેવાલ રજૂ થયો. અલબત્ત, અપેક્ષા કરતાં વધુ પ્રાણવાન વાર્ષિકોત્સવ થઈ શક્યો. બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો અને પરસ્પરની જે મૈત્રી બંધાઈ તે તો દરેકની આંખોમાં ભરેલી હતી.
શાળાના આચાર્યએ કહ્યું, ‘અમને અમારાં જ બાળકોની સાચી ઓળખાણ પ્રાપ્ત થઈ. કેટલી હોંશથી અને આત્મીયતાથી બાળકોએ આશ્રમને જીવંત કર્યો એ ખરે જ ચમત્કાર સર્જાયા સમાન છે.
એક વર્ષ પછી મને વેડછીમાં આચાર્યનો પત્ર આવ્યો, ‘તમે જે કીમિયો બાળકોને સમજવામાં, સહાયક થવાને અમને બતાવ્યો તે વાગોળતા રહીએ છીએ. ક્યારેક ફરી આવોને !’
મધ્ય પ્રદેશ :
જે તમામ “બાગી” જયપ્રકાશ નારાયણજી સમક્ષ સમર્પણ કર્યું હતું તે બધાંયને ગ્વાલિયર શહેરની મોટી જેલમાં રખાયા હતા. જયપ્રકાશજીએ, એ સમર્પણ કરનારા બંદાઓ વ્યાપક સમાજમાં સહજતાથી ભળી જઈ શકે તે માટેના પ્રયત્નો તેમના જેલનિવાસ દરમિયાન જ કરવા જોઈએ, એવી અપેક્ષા કરી હતી. અને તે કામ કાશીનાથજી જેવા ગાંધીજનને સોંપ્યું હતું.
કાશીનાથજીએ મને તે કામમાં સહાય કરવાની માંગણી કરતો પત્ર મોકલ્યો, ‘તમારી મદદની ઘણી જરૂર છે. અને આ કાંઈક અવળે માર્ગે ચઢેલા સરળતાથી આગળનાં કદમ ભરે તેવું કરવામાં ઘણાં લોકોએ મદદ કરવાની જરૂર છે.’
મારા રિવાજ મુજબ એ પત્ર મેં અમારાં વિદ્યાર્થીઓ સામે રજૂ કર્યો. ‘અમે બધાં જ તમારી સાથે આવીશું !’ તેવો ફટાક પ્રતિભાવ આવ્યો. અને શું કરી શકાય તેની વિચારણામાં અમે ગોઠવાયા. જુગતરામકાકાએ એ પાઠ તો પાક્કા સમજાવેલા કે જ્યાં જઈએ ત્યાં આશ્રમ જ સર્જી દઈએ. સ્વચ્છતા, ઉદ્યમી વ્યવહારો, કાંતણ, વણાટ બધું રોજની જેમ જ થઈ શકે. સવાર-સાંજની પ્રાર્થના અને ભજનો તો હોય જ. ઉદ્યોગમાં વણાટ જેલોમાં થતું હોય જ છે. એમાં કાંતણ ઉમેરવાનું એ મિત્રોને સૂચવવું જોઈએ એમ વિચારીને સાથે સાથે સાબુ બનાવવાનું-દંતમંજન બનાવવાનું-શિક્ષણ-સુથારી જેવાં કામો ગોઠવવાના વિચારો મેળવ્યા. સવારે ૮ વાગ્યે અમને જેલમાં પ્રવેશ અપાતો અને સાંજે ૫ વાગ્યે અમને જેલની બહાર મોકલવામાં આવતા હતા. આમ ૯ કલાક અમને આ બાગીઓ સાથે હળવાભળવાની છૂટ હતી.
ખરે જ, અમે એક મોટું સાહસ જ કરવા નીકળ્યા હતા. તેથી આવાં કોઈ કામમાં અનુભવી અને સ્વસ્થ સાથીઓ લેવાની જરૂર પણ હતી જ. “શાંતિ સેના વિદ્યાલય” કરાડીમાં કાર્યરત હતું. તેના સંચાલકો સોમાભાઈ અને રાવતજી જોડાય તે તો વણમાંગે થયું. મુખ્ય કારણ તો એ જ કે એ વિદ્યાલય ગાંધી વિદ્યાપીઠનું જ અંગ હતું. વેડછી આશ્રમના બુઝુર્ગ મોભી ચીમનભાઈ ભટ્ટે જાતે ઇચ્છ્યું અને દિલખુશભાઈ દિવાનજીના આદેશથી મુંબઈનાં “મણિબા” (મણિબહેન નાણાંવટી) ખાસ વકીલ તરીકે ભળ્યાં. બધાંયમાં જેમનો વધુ અને સક્ષમ આધાર તો બબલભાઈ મહેતા અમારા સંઘમાં ભળ્યા તેથી મળ્યો હતો. એમનો સાથ હોવાથી ઘણી નિશ્ચિંતતા અનુભવી હતી. જેલમાં બાગીઓ સાથેના અનુભવો ઘણે ઠેકાણે લખી દીધા હોવાથી અહીં તે ઘણા વિલક્ષણતાભર્યા પ્રસંગો દોહરાવતો નથી. અમારાં આ શિક્ષાર્થીઓ, કાર્યકર્તાઓ, વડીલોના સંઘને ગ્વાલિયરમાં જે ધર્મશાળામાં નિવાસ અપાયો હતો તેને વિષે વાત રજૂ કરવા લીધી છે.
અમે જેલમાં કાર્યક્રમો કરવા લાગીએ ત્યાર પહેલાં રહેવાની અને રોજિંદા જીવનમાંની જરૂરી અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. તે માટે બે પૂરા દિવસ અગાઉથી જ વિચારી રાખ્યા હતા. આપણા દેશની ધર્મશાળાઓની તો, ઘણી જગજાહેર છે તેવી જ, સ્થિતિ અમને આવકારનારી ધર્મશાળામાં હતી. જો એને અમારા આશ્રમ સ્વરૂપમાં ફેરવ્યા વગર રહીએ તે તો બને જ નહીં ને ! પાયખાનાં, સ્નાનઘરો, નિવાસના ઓરડા, કબાટ, ખાનાં, દિવાબત્તી, બારણાં, બારી બધાંયને આવશ્યક એવા રૂપનાં તેમ જ સહજ ઉપયોગનાં બનાવવાનો કાર્યક્રમ ચલાવ્યો હતો. પાયખાનાં અને સ્નાન માટેની ઓરડીઓ – તો ચૂનો ચોપડીને પ્રકાશમય અને સ્વચ્છ બનાવાયાં. ચઢઊતર માટેનાં પગથિયાં ઠીક કરવાનું પણ કરવું પડ્યું. દીવાની સ્વીચો અને બારણાંના મિજાગરા, બધું જ બદલી કરીને ધર્મશાળા નવી જ કરી દીધી.
ધર્મશાળાના વ્યવસ્થાપક ૫૦-૫૫ વર્ષનું પતિપત્નીનું જોડું હતું. એક કૉલેજના વિદ્યાર્થીઓ રહેવા આવવાના છે તે જાણીને તેમણે મકાનના ભોંયતળિયાના સુસજ્જ હોલને તાળું જ મારી દીધેલું. અમે પહેલો માળ બહેનો માટે, બીજો માળ ભાઈઓ માટે ગોઠવી દીધો. ઉપર ધાબું હતું ત્યાં ભોજન આદિ અને સાંજની પ્રાર્થના કરવાનું પ્રયોજ્યું.
પ્રથમ પગલે જે રીતે અમે પ્રવેશ કર્યો અને ધર્મશાળાને જે નવતર સ્વરૂપ આપ્યું તેનો પ્રભાવ તો વ્યવસ્થાપક પર પડે જ. પરંતુ વિદ્યાર્થીઓ અને બાકી બધાંએ પણ જે સમજણ અને પ્રયત્નથી અસાધારણ સર્જન કર્યું તેથી વ્યવસ્થાપકે પોતાની ભૂલ સુધારી અને નીચેનો હોલ પણ અમને સોંપી દીધો. એ સ્થળ વડીલો માટે અને કાશીનાથજી, બબલભાઈ, મણિબહેનનાં નિવાસ તરીકે રાખ્યું.
અમારું જેલમાં આવન-જાવન, રોજિંદી નિયમિત જીવનચર્યા સડસડાટ ચાલી. આ. કાશીનાથજીએ એક મહત્ત્વની સૂચના આપી હતી તે ‘સવારે પોણા સાત વાગ્યે ધર્મશાળાના રસ્તાના નાકે એક બસ આવે છે. આપણે બધાંયે તેમાં ગોઠવાઈ જઈએ તો તે સીધી ત્રણ કિલોમીટર દૂરની જેલ સુધી થઈને જાય છે ત્યાં પહોંચવાની સરળતા રહેશે.’ તે રીતે બસ પકડીને જેલને બારણે ૭.૪૦ સુધીમાં પહોંચવામાં એકેય દિવસ ભૂલ થઈ નહીં. અલબત્ત એક દિવસ એવો આવ્યો હતો કે જ્યારે ત્રણ વિદ્યાર્થી ભાઈઓ બસ ચૂક્યા અને ત્રણ કિ.મી. દોડીને અમે જેલમાં પ્રવેશ લઈએ ત્યાં સુધીમાં પહોંચી ગયા હતા. બસના ડ્રાઈવર કન્ડક્ટર કહેતા થઈ ગયા કે ‘ભાઈજી ! હમ આપ સબકો લેકર હી નિકલેંગે. ઈતના સબ આપ કર રહે હૈં યહ બાત શહર મેં ફૈલી હુઈ હૈ !’
૧૬મે દિવસે સવારે ૮ વાગ્યાની ટ્રેન અમારે પાછા જવા માટે પકડવાની હતી. તેથી સાત વાગ્યે જ ધર્મશાળા છોડવાનો સમય ગોઠવવો પડ્યો હતો. આગલે દિવસે રાત્રે જરા મોડેથી વ્યવસ્થાપક દંપતી મારી પાસે આવ્યું. બે ય જણે મને ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. મેં રોક્યા. તે બેયની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યાં, ‘ગુરુજી, હમેં મૌકા દિજીએ, હમ આપ સબકો નાસ્તા કરવા કે હી જાને દેં સકતે હૈં. આપ જૈસે ભગવાન સમાન લોગ હમારે આંગનકો પવિત્ર કર રહે હૈં.’
‘જુઓ એમાં મોડું થાય અને ટ્રેન અમારે માટે તો રોકાય નહીં. તમે આટલા દિવસ અમને નભાવ્યા એ જ પૂરતું નથી ?’
‘ના ! ગુરુજી, હમ છે બજે નાસ્તા દેંગે. પર બિના ખાયે યહ બચ્ચેં જાય યહ તો નહીં માનેંગે.’
હૃદયનાં ચોખ્ખાં, આ દેશનાં કરોડો જોડાંઓ પોતાનો જ આદર્શ જાળવવાના પ્રયત્નો કરતાં હોય છે એની જાણ ‘આગળ વધેલા’ સમાજને સમજાતી તો નથી જ. હકીકતે ક્યારે ય ધ્યાન પર આવતી નથી. રાષ્ટ્રના ઘણે ખૂણે મને આવાં શિબિરો-સહાયક કામો કરવાની તકો પ્રાપ્ત થઈ છે. નાની ગણાતી આ જમાત સચ્ચાઈથી કરેલી સહાયની કદર કર્યા વગર રહેતી નથી. હંમેશ પરગજુ જ હોય છે. કોઈનોયે ઉપકાર લેવો એટલે ગુન્હો જ કર્યો એ ભાવ પ્રગટાવતા હોય છે. ભારતના સાચા નાગરિકને ઓળખવાની જરૂર છે.
ત્રિપુરા :
આપણા દેશનો ઠેઠ પૂર્વ છેડો, પ્રમાણમાં રાજ્ય નાનું છે. મોટી વસ્તી આદિવાસીઓની છે. ત્યાં ૧૯૭૦માં દોઢેક કરોડ જેટલાં માનવો બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યાં. પછી તો યુદ્ધ થયું અને ‘બાંગ્લાદેશ’ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
વેડછી આશ્રમ સાથે સંકળાયેલી બધી સંસ્થાઓના કાર્યકર્તાઓ તેમ જ વિદ્યાર્થીઓ તે શરણાર્થીઓ માટેનાં રાહતનાં કામોમાં જોડાયા હતા. તેમાં અમારા સ્નાતક અધ્યાપન મંદિરના બાવન શિક્ષાર્થીઓ અને ચાર અધ્યાપકો ત્રણેક મહિના માટે જોડાયા હતા. ત્રણ ટુકડી એ સમૂહની કરવી પડી હતી. તેમાંની આ ત્રિપુરાની ટુકડીમાં ૧૨ ભાઈઓ અને મારો વારો આવ્યો હતો. અમને કલકત્તાથી વિમાનમાં ત્રિપુરાની રાજધાની અગરતલ્લા શહેરે પહોંચાડવામાં આવ્યા હતા.
OXFAM (ઓક્સફામ) નામની જગતમાં કામ કરનારી ઇંગ્લેન્ડની સુપ્રસિદ્ધ સંસ્થાએ આ શરણાર્થીઓને રાહત પહોંચાડવાની હતી. તેણે રાહતકામમાં જોડાનારા તમામ સ્વયંસેવકોનો ખર્ચ કરવાનું ગોઠવ્યું હતું. ત્રિપુરામાં ઓક્સફામ દ્વારા જે રાહતનું કામ થતું હતું તેની સંપૂર્ણ જવાબદારી ખીરોદદા સેન જેવા પ્રગલ્ભ કાર્યકર્તાને સોંપવામાં આવી હતી. તેઓ જુગતરામભાઈ જેવા જ કર્મઠ અને સંનિષ્ઠ ગાંધીજન હતા.
તેમને શરણાર્થીના ચાર મોટા કેમ્પોમાં રાહત સહાય પહોંચાડવાની જવાબદારી સોંપી હતી. મેં દરેક કેમ્પમાં અમારા ત્રણ વિદ્યાર્થીઓ ગોઠવ્યા અને મેં ચારે ય કેમ્પમાં વારાફરતી એક એક અઠવાડિયું ગાળવાની યોજના કરી હતી. ખીરોદદા એ વાતે આગ્રહી હતા કે સરકાર દરેક શરણાર્થીને રૂ. ૪ની દૈનિક સહાય આપે છે, તેટલી જ રકમ એટલે કે ચાર રૂપિયામાં જ રહેવાનું ગોઠવવાનું છે. શરણાર્થીને દૂધ અને નિવાસ અપાય છે તેમ એક રાહત સંગ્રહ અને દફતર અને રહેણાક માટેની મોટી ટટ્ટીમાં રહેવાની સગવડ અપાતી હતી.
અમે મુખ્યત: સફાઈની અને દૂધ વહેંચણીની જવાબદારી સંભાળીએ તે અપેક્ષિત હતું. અમને વેડછીની પાયખાનાં સફાઈની તાલીમ અને ઊભાં ઝાડું બનાવવાની તાલીમનો અહીં ઉપયોગ કરવા મળ્યો તે તો ભાવતું જ કામ હતું. તે જે સહજતાથી પાર પાડવા માંડ્યું તેથી ખીરોદદા ઘણા રાજી થયા હતા. પ્રશ્નો આવ્યા. શરણાર્થીઓ-બાળકો-મહિલાઓ સાથે પરસ્પરની સમજણો અને જરૂરિયાતો અંગે ઘણી આપ-લે કરવાની રહેતી. મને તો એ સાવ કંગાળ છતાં નિર્વિઘ્ને જીવન ઘસડી કાઢનારા આ બધાંને જે લાચાર અને બધી રીતે કંગાળ બનાવ્યાં હતાં તેવા માનવોની જે સાંસ્કૃતિક ઊંચાઈ અને સજ્જતા અનુભવવા મળી તે જીવનનો અનેરો પાઠ હતો. હજારો હજારમાં કેટલી એકલદોકલ રહેલી બહેનો, યુવાન છોકરીઓ અને રખડેલા ગણાતા યુવાનોનો આટલો માટો કાફલો હળીમળીને વગર કોઈ છેડછાડથી મુક્ત જોવો એ સ્વર્ગીય અનુભવ જ હતો.
ત્યાંના પ્રસંગો વિષે અન્યત્ર લખવાનું થયું છે તેથી તે ફરી રજૂ કરવું જરૂરી નથી ગણતો. એક મહત્ત્વની ઘટના મૂકી દેવી આવશ્યક લાગે છે, તે અહીં આપું છું.
ખીરોદદાએ પૂર્વ તરફના ઊંડાણના આદિવાસી કેન્દ્રમાં અમારી તેર જણાની ટુકડીને ‘સફાઈ શિબિર’ કરીને સ્થાનિકો તેમ જ શરણાર્થીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. એ વિસ્તાર ઘણો જોખમી અને ‘બહારનાને’ દુશ્મન ગણનારા મૂળ નિવાસીઓનો હતો. અમે તે કેન્દ્રમાં પહોંચીને ગોઠવાઈએ ત્યાં તો બીજે જ દિવસે અચાનક પચાસ હજાર શરણાર્થીઓ સરહદ ઓળંગીને આવી પહોંચ્યા અને આટલી મોટી સંખ્યાના સમૂહને સ્વસ્થતાથી ગોઠવવાની જવાબદારી આવી પડી. આ અકલ્પિત ઘટનાથી હું તો બરાબર મૂંઝાઈ ગયો, કહો ડઘાઈ જ ગયો. પણ સાથે શાંતિલાલ જેવો વિદ્યાર્થી હતો. તેણે કહ્યું, ‘ભાઈ મંડી જ પડીએ !’ બપોર થતા થતા ૧૫-૨૦ શરણાર્થીઓને લઈ આવ્યો અને ઊભા ઝાડુ બાંધવાના શિબિરમાં તેમને પણ જોડી દીધા. આમ તો ભારત સરકાર અને સૈન્ય પણ આવાં ધાડાઓને જાળવવા સક્રિય હતું. ઑક્સફામ પણ તેટલું જ ઝડપથી આવશ્યકતાઓ પૂરી પાડવા મંડી પડતું અને ત્રીજે જ દિવસે આ શરણાર્થીઓ ગોઠવાઈ ગયા તેવું વાતાવરણ ઊભું થઈ શક્યું હતું. અને શરણાર્થીઓએ જે રીતે પોતાની આપત્તિઓ, લાચારીઓને કાબૂમાં લીધી તે સમજીએ તો એક પ્રજા તરીકે તેઓને સુસંસ્કૃતજનો સમાન જ સ્વીકારવા પડે. અમે બે મહિનાથી કેમ્પોમાં જેવા ઉપયોગી થવાનાં કામો કરતા હતા તેવાં જ કામો કરતા હોઈએ તેવું જ એ સ્થળે ચિત્ર ઊભું થઈ ગયું હતું.
આ કેમ્પોને પાણી પહોંચાડવાનું કામ સરકાર તરફથી થતું હતું અને ઉપર કહ્યું તેમ સેનાની ઝડપથી તે કરી દેવાતું. હવે મારી નજર સામે એક સાવ ‘ઊંધું જ રંધાયેલું’ હેન્ડ પંપનું કામ જોવા મળ્યું. પંપની આસપાસ ત્રણેક મીટરના વર્તુળનું થાળું બનાવાતું. તે પ્રમાણે થાળું બનાવનારી ટુકડી થાળું પહેલાં બનાવીને ગઈ હશે. પંપ પછીથી બેઠો તે પાંચેક ફીટ દૂર નીચાણના સ્થળે નંખાયો હતો. તેથી કાદવ અને ગંદકી થઈ જ ગઈ હતી. મને એમ વિચાર આવ્યો કે આ થાળું ઊંચકી લેવાય અને યોગ્ય પ્રયત્ન કરીએ તો નળને ફરતે મૂકી દેવાય તેવું કરવું જોઈએ. ઘણું કૌશલ્ય અને મહેનતનું તે કામ હતું. એ વિચાર ઝિલાયો અને જે મહેનત અને કાળજીથી થાળાની નીચે મોટા લાકડા દ્વારા ઊંચકવામાં અનુભવીઓ અને મહેનતુ માણસોએ સફળતા મેળવી તેની ફિલ્મ ઉતારવા જેવી જ ઘટના હતી.
‘આપણે માટે જ આ સગવડો સર્જાય છે તો તે જળવાય અને યોગ્ય રીતે ગોઠવાય’ તે સમજણ અને તે માટેનો આગ્રહ આ ઘર, ગામ, રાષ્ટ્રથી ફેંકાયેલા માનવો કરી બતાવે તેને કયા શબ્દોથી વર્ણવી શકાય ? આજે પણ તે દૃશ્ય મારી નજર સામે આવ્યા જ કરે છે.
આવા નેક અને જનહિત માટે મહેનત કરનારા મિત્રો પાસે એક વધારાનું પગલું પણ ભરાવ્યું હતું. ‘રક્તદાન શિબિર’ યોજાયો અને બીજે દિવસે ઢાકા રેડિયો ઉપર જાહેર કરવામાં આવ્યું કે “ભારતના સૈન્ય માટે શરણાર્થીઓએ રક્તદાન કર્યું.”
અને બીજી વાત એ પણ નોધું જ કે ૧૯૮૪માં મૃદુલાજી (સારાભાઈ) જેવાં મહામાનવ સાથે કામ કરી ન શકાયું. ભાગલા વખતે જેમને વતન છોડવું પડ્યું તેવી મહિલાઓને થાળે પાડવાનું જે કામ કાશ્મીરમાં થતું હતું તે પીડિત અને અસહાય બહેનોને ઉપયોગી ના થવાયું એ ખિન્નતા આજીવન રહી છે.
● ● ●
જયપ્રકાશજીની ઘણી નજીક જઈ શકાયું હતું. પ્રભાવતી દીદીનો નાનો ભાઈ જ તેમણે મને ગણ્યો હતો. તેઓના જીવનની છેવટની ૯ વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિઓનો એક અદનો સાક્ષી થઈ શક્યો હતો.
નક્ષલીઓએ સર્વોદય કાર્યકર્તાઓ વિષે વિરોધ જ નહીં, તેમની હત્યા કરવાની પ્રવૃત્તિ ‘મુસહરી’ વિસ્તારમાં શરૂ કરી હતી. ત્યાં જે.પી. દોડીને ગયા હતા અને એ નિર્ણય પર આવ્યા હતા કે અહિંસા રોકવાનો સાચો માર્ગ ‘શિક્ષણ દ્વારા જ’ મેળવી શકાશે. અને તે અનુસંધાને મને તેમના બનવાનું ભાગ્ય ખૂલ્યું હતું.
તેમના બાગી સમર્પણના કામમાં અને પછી ‘બિહાર વિદ્યાપીઠ’ જે ગુજરાત વિદ્યાપીઠ સમાન સર્જાઈ હતી તેના પ્રશ્નો ઉકેલવામાં ઉપયોગી થવા મળ્યું હતું. જે.પી. હું બિહાર વિદ્યાપીઠને અપનાવું એમ ઇચ્છતા હતા પણ મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો. હું વેડછી છોડી નથી શકતો. અલબત્ત, ઘણી માંગણીઓ અન્યત્ર આવતી રહેતી, જેમાં મને જુગતરામકાકાએ મંત્ર પકડાવેલો, ‘બધાંયનાં કામો કરવાને જવું અને કરવું પરંતુ વેડછી જ મુખ્ય થાણું પકડી રાખવું !’
● ● ●
નરોત્તમભાઈ ચૌહાણ – જેઓ પારલે પીપરમીન્ટ અને બિસ્કીટ કંપનીના સ્થાપક હતા – તેઓનાં ત્રણ બાળકોની શિક્ષણ અંગેની મૂંઝવણો દૂર કરવાનો અવસર આવ્યો હતો. જીતુ (૧૦ વર્ષનો દીકરો), કમલ (૮ વર્ષની દીકરી), શીલા (૬ વર્ષની દીકરી) ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળામાં મૂંઝાઈ ગયાં હતાં. તેમને સ્વસ્થ વિકાસ કરાવવાની જવાબદારી આપી હતી. બે અઢી મહિના ત્રણેય બાળકોની ‘દોસ્તી’ કરી અને ત્રણેય જણા મુક્તપણે આગળ વધવા તૈયાર થઈ ગયાં હતાં. આખરે તે ત્રણેયને અમદાવાદની શ્રેષ્ઠતમ ગુજરાતી માધ્યમની ‘શ્રેયસ’ શાળામાં ગોઠવી દઈ શકાયાં હતાં. લિનાબહેન મંગળદાસ જેવાં વિશિષ્ટ શિક્ષણ પ્રયોગો કરનારાં બહેનને ત્યાં એ ત્રણે બાળકો ખીલી ઊઠ્યાં હતાં.
નરોત્તમભાઈએ જ મને શિક્ષણ અંગે વધુ સજ્જતા કેળવવા માટે વિદેશ મોકલવાની વાત કરી હતી. મને પૂછ્યું કે ‘ક્યાં જવા ઇચ્છો છો ?’ ‘હું યુ.કે. જવા ઇચ્છું છું.’ એમ મેં કહ્યું. ‘કેમ યુ.એસ.એ. નહીં ?’ ‘મને તે છીછરું લાગે છે. ઇંગ્લેંડ ગંભીર અને પ્રયત્નશીલ દેશ છે !’ અને મેં લંડન યુનિવર્સિટીમાં વિજ્ઞાન શિક્ષકોના જૂથમાં પ્રવેશ મેળવ્યો હતો.
શ્રીમતી રીડે તેમના સાથી શિક્ષિકા મીસ ફેસંટના જૂથમાં મને મૂક્યો. જો કે પ્રથમ મુલાકાતે શ્રીમતી રીડ મારાં માતા સમાન જ બની ગયાં હતાં. તેઓ અને તેમના પતિ પ્રા. રીડ તો અમે લોકભારતીમાં જોડાયેલાં હતાં, ત્યાં વારાફરતી એક અઠવાડિયું આવીને હું કેવું અને શું શું કરી રહ્યો છું તે માણી ગયાં હતાં. ૧૭ વર્ષ પછી મને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિ મળી ત્યારે એ મારાં માતા સમાન મિસિસ રીડને ત્યાં જ ઊતર્યો હતો. તેમણે તો તેમના ઘરની ચાવી જે ગોખલામાં રાખતાં તે જ બતાવી દીધેલું. જ્યારે ઇચ્છું ત્યારે તેમના ઘરમાં પ્રવેશ કરવાની સગવડ આપી હતી. મહિનામાં ક્યારેક એક-બે વાર હું પહોંચું ત્યારે તેમના ફ્રીજમાં મારે માટે કાંઈક વિશેષ ગળ્યું પણ હાજર રાખતાં હતાં.
ઓક્સફર્ડ નિવાસના છેલ્લા જૂન-ઓગસ્ટ મહિનામાં સૌ. માલિનીબહેન ૧૧ વર્ષની સ્વાતિ સાથે રહેવા આવ્યાં હતાં. હું તેમને લેવા આગલી રાત્રે “મા” પાસે ગયો ત્યારે મને કહ્યું, ‘તારે હવે મારી ગાડી (કાર) વાપરવાની છે. લે આ ચાવી !’ ‘હું ગાડી ચલાવવાનું શીખ્યો જ નથી !’ ‘વાહ રે મારા બહાદુર ! તો તું જેમ રખડતો ચાલતો ફરે છે તેમ મારી વહુને ઘસડપટ્ટી કરાવવાનો છું !’
પ્રા. રીડે મને ઠીક ચકાસ્યો હતો. હું દાખલ થયો અને મહિને-માસે તેમની જ ઑફિસમાં જઈને ફરિયાદ કરી. ‘મને આ તમારી તાલીમ આપવાના કાર્યક્રમમાં કાંઈ કરતાં કાંઈ ઉપયોગી એવી વાત દેખાતી જ નથી. મારે હવે શું કરવું ?’ તેઓ તો એકદમ ખુશ થઈ ગયા. ‘શાબાશ! દાખલ થતાં જ પૂછવા આવી ગયો ! ધીરજ રાખ. તું તો હિંદુ છે ને ?’ ‘હા જી ! પરંતુ ગાંધીજીના વિચારો અપનાવવાનો પ્રયત્ન કરનારો હિંદુ છું.’
‘તે તારી સમજણ અને સાચા હિંદુ થવું એટલે શું તેની ખોજ કરી છે ? તમે ખરેખર કોણ છો ? શું બનવા ઇચ્છો છો તેવી જાત-તપાસ તમે બધા વિચારો, તેવું કરવા માંડો, એ જાગ્રત કરવાની અપેક્ષા અમે કરીએ છીએ ! શા માટે જીવો છો, શું મેળવવું છે ? એ પ્રશ્ન દરેક વ્યક્તિએ ઉકેલવાનો છે ! અહીં કોઈ કાર્યક્રમમાં ભળો કે ન ભળો તે વિષે અમે ધ્યાન આપતાં નથી. તમારા જીવનમાં જે મેળવવા – સમજવા – ખીલવવા ઇચ્છો છો તે તરફ ચાલવા માંડો એવી અપેક્ષા છે.’
મારી આંખો ઊઘડી ગઈ અને એમને દોરવે દોડતો થયો. યુનિવર્સિટીના એકેએક વિભાગમાં ખણખોદ કરતો થયો. એક દિવસ સવારે યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મને ઘણું મોડું થયું તેનું ભાન ન રહ્યું. વાંચતો હતો ત્યાં જેનિટર આવ્યા ‘નીકળશે બહાર ! નહીં તો સવારે ૮.૩૦ સુધી અહીં જ બંધ રહીશ.’
પ્રા. રીડ ફિલસૂફીના ટોચના જ્ઞાની ગણાય. તેઓ દર શુક્રવારે જે વ્યાખ્યાન આપે તે ઉપર યુનિવર્સિટીના બધા વિભાગો ધ્યાન કેન્દ્રિત કરે. વ્યાખ્યાન પછી તે વિષય અંગે શું વધુ વાંચી શકાય તેની યાદી અપાય. અને એક બપોરે ભોજન સમયે તે વિષેની ફિલ્મ પણ જોવાનું ગોઠવાયું હોય. જે હોલમાં તે વ્યાખ્યાન થાય ત્યાં ૧,૨૦૦ વિદ્યાર્થીઓ માટેની સગવડ હોય પરંતુ પગથિયાં અને આસપાસ જ્યાં જગ્યા હોય ત્યાં બેસનારા હોય. વ્યાખ્યાન તો ૯ વાગ્યે પ્રારંભાય પણ મારા જેવા પહેલી હરોળમાં જગ્યા મેળવવા ૭.૩૦થી જ ગોઠવાઈ જઈએ.
તેઓએ આખરી-વર્ષને અંતેનું-વ્યાખ્યાન આપ્યું તેમાં તેમણે કહ્યું, ‘માનવોને સાચું શિક્ષણ આપનારાં સોક્રેટીસ તેમ જ ગાંધીને અનુસરવાની સમજણો મેળવવા મથવાનું છે.’ વ્યાખ્યાન પછી તેઓને મળ્યો ત્યારે મેં કહ્યું, ‘તમે ગાંધીજી અને સોક્રેટીસને યાદ કર્યા. બહુ આનંદ થયો!’ તેઓ કહે, ‘સાચે જ ? માનીશ ? ગઈકાલે જ તું મારા મન ઉપર હતો કે તને હું શું કહી શકીશ ?’
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક વર્ષ જવાનું ગોઠવાયું તેમાં તો કેમ જાણે સ્વપ્નાં જ પૂરાં કરાવી આપ્યાં, એવો અકસ્માત થયો હતો. ઇંગ્લેન્ડનું ‘ગાર્ડિયન’ સાપ્તાહિક હું મંગાવતો. તેમાં એક જાહેરાત હતી. ‘શિક્ષકોને તાલીમ આપનારા પ્રાધ્યાપકોને વધુ સમજણો મેળવવા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેઓ એક વર્ષ આપવા ઇચ્છે તેમને આમંત્રણ આપીએ છીએ.’ માગણી કરતો પત્ર લખ્યો. તુરંત જવાબ આવ્યો, ‘તમારા ખર્ચ અંગે શી વ્યવસ્થા કરી છે ?’ મેં ખુલાસો કર્યો ‘ખર્ચ કરવાની મારી શક્તિ ક્યાંથી હોય ?’ સંયોજકે જવાબ આપ્યો. ‘તમારી જે વિગતો છે તે બધી અમે ક્વેકર મિત્રોને જણાવી છે. તેઓ જો તમારો ખર્ચ આપવાનું ગોઠવે તો તમને આવકારવાનું અમને ગમશે.’
મહિનાઓ વીત્યા. વાત આગળ ચાલી નહીં. તે પહેલાં પાંચેક વર્ષેાથી ડૉ. અનિલ સદ્ગોપાલની આગેવાની હેઠળ “કિશોરભારતી” સંસ્થા હોશંગાબાદના ક્વેકર સેન્ટરના સહાયથી શરૂ કરી હતી, ત્યાંના શિબિરમાં હું જતો હતો. તેવા એક ગ્રામીણ શાળાઓના વિજ્ઞાન શિક્ષકોના શિબિરમાં હું ગયો હતો. ત્યાં ઇંગ્લેન્ડથી એક પતિપત્ની પણ જોડાયાં હતાં. અમે આખું અઠવાડિયું સાથે રહ્યાં અને ચર્ચાઓમાં ભળતાં રહ્યાં હતાં. ઘણી આપલે પણ કરી જ હતી. વિદાય વખતે એકબીજાનાં નામઠામ આપવાનો કાર્યક્રમ ચાલ્યો. તેમાં રોબિન હોડજકીને તેમના સરનામાની અંદર ઓક્સફર્ડ એમ લખ્યું ને ત્યાં જ હું બોલી પડ્યો, ‘તમે ઓક્સફર્ડથી આવ્યા છો! એ તો મને આટલા દિવસ જણાયું પણ નહીં.’ રોબિન તો સડક થઈ ગયા ! મારી સામે ટગર ટગર જોવા લાગ્યા ! બોલવાનું જાણે ભૂલી ગયા. તેમનાં પત્ની એલિઝાબેથે ફોડ પાડ્યો, ‘તારો ફોટો લઈને અમે ભારત આવ્યાં છીએ. અમે જ્યારે ઘરેથી નીકળતાં હતાં ત્યારે તારો એ ફોટો સાથે લેવાનો રોબિને આગ્રહ રાખ્યો હતો. ત્યારે મેં તેમને કહેલું, ‘અમથા એ ફોટો લો છો.’ આ વિશાળ ભારતમાં શું એ શિક્ષક તમારી સામે આવીને ઊભો રહેવાનો છે ?? આવા તો કંઈ લાખો દેસાઈઓ હોય ! ચાલ હવે તારે ઓક્સફર્ડ આવવાનું નક્કી થઈ ગયું એમ સમજ !’

ડૉ. અનિલ સદ્દગોપાલ સાથે
અને તે ક્ષણથી રોબિન મારા વડીલબંધુ સમ આપ્તજન થઈ ગયા. ત્યાંનાં કામો પતાવીને અહીં વેડછીમાં પાછો જોડાયો ત્યારે પણ તેમનો સંપર્ક વધતો રહ્યો હતો. અમે બંને ૧૯૮૬માં દક્ષિણ અમેરિકાના શાંતિકાર્ય પછી પાછાં ફરતાં તેમને ત્યાં અઠવાડિયું રહી પણ આવ્યાં હતાં. રોબિન વખતોવખત મને પુસ્તકો પણ મોકલતા હતા. તેઓ અને એલિઝાબેથ વિદાય થયા પછી તેમના દીકરા એડમે પણ મને રોબિનની લખેલી ચોપડીઓ મોકલી હતી.
૧૯૮૪માં યુનેસ્કો જાગતિક શિક્ષણ સંસ્કૃતિ સંસ્થાએ એક સર્વેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ‘એવી તાલીમ કે જેથી જીવનભર શિક્ષક જ બની રહેવાય.’ તેમાં દુનિયાની દસ સંસ્થાઓના અનુભવોની ચકાસણી તેમ જ વિશેષતાઓની ચર્ચા કરીને બિરદાવવામાં આવી હતી. એશિયાખંડની બે સંસ્થાઓનો અહેવાલ અને તેની વિશેષતાઓ અંગે ધ્યાન ખેંચ્યું હતું. તેમાં ફિલિપાઈન્સની સંસ્થા અને વેડછીની અમારી સંસ્થાનું વિશ્લેષણ કરેલું હતું. અલબત્ત, આ એક વિશેષ શિરપાવ હતો. વેડછીની વાત એમ જ કહેવી પડે કે ‘આખો અભિગમ સહિયારો પ્રયત્ન’. શિક્ષક-વિદ્યાર્થીના સહભાગી પ્રયત્નોથી જ્ઞાનપ્રાપ્તિ અંગેનો યજ્ઞ ત્યાં ચાલી રહ્યો છે !
રોબિને એ અહેવાલ વાંચીને કહ્યું હતું, ‘મને તારા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે તું આવું કરીશ. તારી સાથે રહેવા, કામ કરવાનું મળ્યું ત્યારથી જ મને તારા ઉપર જે ભરોસો બેઠો તેને તું લાયક રહ્યો છું.’
● ● ●
૧૯૮૫ની સાલમાં કેવડિયા નગરના ચોકમાં સરદાર સરોવર માટેના બંધની વિરુદ્ધ પહેલો સત્યાગ્રહ કરવાનું યોજાયું હતું. નગરચોકમાં બધી દિશાએ પોલીસ ગોઠવાયેલી હતી જ. મને થોડી મૂંઝવણ થઈ કે કેમ કોઈ સત્યાગ્રહી દેખાતું નથી ? હું અને ધૂળીના એક બુઝુર્ગ બસમાં ભેગા થઈ ગયા હતા. તેમણે મને ઈશારો કર્યો, ‘ચૂપ રહે, પોલીસ જોઈ રહી છે.’ કાંઈ વિચારીએ-વિચારીએ ત્યાં અચાનક જ આઠ દસ જણા ઝંડો લઈને દોડવા લાગ્યા. ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ !’ની ઘોષણાઓથી પ્રારંભ થયો, અમે બે ય દોડીને તેમની સાથે થઈ ગયા.
મિનિટોમાં જ અમને ૧૮ જણને પકડી લેવામાં આવ્યા અને એક વાનમાં ત્યાંથી દૂર લઈ જવાનું ગોઠવાયું. ગુજરાતના પ્રથમ કક્ષાના એડવોકેટ ગિરીશભાઈ એ ટોળીના એક સભ્ય હતા. અને એ ટોળીમાં જે નવજવાનો હતા તે બધા સાથેની મૈત્રી સતત વધતી ગઈ છે. અમને મુક્ત કરાવવા રાજપીપળાના ખ્રિસ્તી કેન્દ્રના મુખ્ય પાદરી – ફાધર જોસેફ રાત્રે ૧.૩૦-૨ વાગ્યે દરેક સત્યાગ્રહી માટે એક એવા આદિવાસી ખેડૂતોને જામીન થવા લઈને આવ્યા. મેજિસ્ટ્રેટે પણ તે સ્વીકારી અમને જામીન ઉપર છોડ્યા. ફાધર અમને રાતવાસો કરાવવા તેમના કેન્દ્ર પર લઈ ગયા. ત્યાં અમારું સ્વાગત કરવા મેધાબહેન ઊભાં હતાં. તે વાતને આજે ૩૫ વર્ષ વીતી ગયાં છે. અમારો પરસ્પર સંબંધ સુદૃઢ થતો રહ્યો છે. આંદોલનને આ વર્ષો દરમ્યાન અનેક લપડાકો ખાવી પડી છે. માનવ સહાય અને સમર્થન વધઘટ થતાં રહ્યાં છે. છતાં આંદોલન જીવિત રહ્યું છે. કારણ, મેધાબહેનનું અચળ સમર્પણ મજબૂત થતું રહ્યું છે.
આ વર્ષો દરમિયાન મને છ વાર પોલીસ કસ્ટડીમાં રહેવાનું મળ્યું છે. પોલીસનો સોટી-લાઠીમાર બે વાર મેળવ્યો છે. હું મેધાબહેનની સાથે છું. તેથી જ ઘણું સમાધાન છે. તેઓ પ્રયત્નપૂર્વક સંપર્ક રાખે જ છે. સૌ. માલિનીબહેનના અવસાન પછી તુરંત સાંત્વન આપવા અમારે ત્યાં આવી ગયાં હતાં. મને આ આંદોલન દ્વારા જે સમર્પિત યુવાનો સાથે રહેવા, કાંઈક કરી શકવા મળે છે તે મોટું સદ્ભાગ્ય છે અને તેમાં રાચી રહ્યો છું.
● ● ●
મને નાનાભાઈ ભટ્ટ વહેલા મળેલા. હું જ્યારે મુંબઈમાં ઘડાતો હતો ત્યારથી જ મેં તેમને શિક્ષણ ક્ષેત્રના એવરેસ્ટ સમાન ઊંચા શિખર તરીકે માણ્યા હતા. તેઓના જીવનનાં અંતિમ બે વર્ષ મને લોકભારતીમાં ખીલવા તેમ જ ખેલવા મળ્યું. તે તો સ્વામીદાદાના આશીર્વાદ જ. અહીં એ પણ ઉમેરું કે “દાદા” દીકરો ગણાયો તે ચમત્કાર જ.
સૌ. માલિનીબહેન વિષે કહેવું જરૂરી છે. તેમણે જીવનભર મારી પાસે કોઈ અપેક્ષા કરી નહીં. મને સંપૂર્ણ છૂટ અને મારા દરેક ઉધામામાં આગળ વધીને જ પોતાનો સાથ આપ્યો હતો. કદી કશું માંગ્યું નહીં. કશી ખરીદી કરવા ક્યારે ય ગયાં નહીં. પૈસા, ખર્ચ અંગેની અમારી કોઈ ચર્ચા થઈ હોય તો કોઈને ભેટ આપવા અંગે હંમેશાં વધારે જ આપવાનો ઉત્સાહ તેમનો હતો. સ્વાતિ ૧૮-૨૦ની થઈ પછી અમારી ખાદી તે ખરીદી લાવતી. માલિનીબહેને ખાદીભંડાર જઈ ખાદી ખરીદી હોય તેવું ક્યારે ય બન્યું જ નહીં. માત્ર જીવનસાથી જ નહોતાં. જાત ઘસીને પોતાના ગમા-અણગમાને કાબૂમાં રાખનારાં અખંડ સમર્થક તરીકે તેઓએ ૬૧ વર્ષ સુધી મને મુક્ત ચર્ચા કરવા દીધી છે.

માઈકલ માઝગાંવકર – સ્વાતિ દેસાઈ – ડેનિયક માઝગાંવકર સાથે જ્યોતિભાઈ દેસાઈ
આજે સ્વાતિ, માઈકલ, આનંદ જે તરુણાઈથી સાહસો કરી રહ્યાં છે તેમાં મશગૂલ રહું છું. ઉપરાંત મનચાહ્યા કાર્યક્રમો કરે જાઉં છું.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’; પૃ. 02-10