
દીપક મહેતા
“સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.” જેમનો જન્મ દિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મારી અનોખી સ્કૂલ અને તેના એક આગવા શિક્ષક વિષે થોડી વાત.આ લખનારનું સારું નસીબ કે એને સ્કૂલમાં આવા સાચા શિક્ષકો મળ્યા. એ સ્કૂલ તે ન્યૂ ઈરા, ના, ‘ધન્ય ન્યૂ ઈરા.’. જે હવે ભૂતકાળ બની ગઈ છે. ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશીપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં મગનભાઈ, સરોજબહેન, અને ચંદુભાઈ વ્યાસે શરૂ કરી ન્યૂ ઈરા સ્કૂલ. ઇન્ગ્લન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો તે અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી, અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી.
આ લખનારને સાહિત્ય અને સંગીતનો ‘સ’ જેમની પાસે ઘૂંટવાની પહેલવહેલી તક મળી તે પિનુભાઈ પાસે. પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલમાં ગુજરાતી અને સંગીતના શિક્ષક, બલકે ગુરુ. કાયમ સફેદ કફની, સફેદ ધોતિયું. માથે સફેદ ટોપી. પાણીદાર આંખો સતત કશુંક શોધ્યા કરે છે એમ લાગે. હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં કશુંક ગણગણ્યા કરતા હોય. પ્રેમાનંદનું સુદામા ચરિત, નાનાલાલનું વિશ્વગીતા, ગુજરાતી સાહિત્યની કેટલીયે પાણીદાર ગદ્ય-પદ્ય કૃતિઓ ભણવાની, બલકે પામવાની તેમની પાસેથી તક મળી. સુદામાચરિત શીખવતા ત્યારે ક્લાસમાં આવતાંવેંત ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય. હથેળી વડે ટેબલ પર તાલ આપતા જાય. સાથોસાથ તાલ અને રાગની સમજણ આપતા જાય. પછી અટકીને પ્રેમાનંદના શબ્દોને ખોલી આપે. રોજ સવારે દસ વાગે સ્કૂલ શરૂ થાય ત્યારે એસેમ્બલી હોલમાં સ્કૂલના બધા વિદ્યાર્થી ભેગા થાય. પહેલાં સમૂહ પ્રાર્થના – ‘ઓમ સહના વવતુ’ અને ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’. પછી પિનુભાઈ, ક્યારેક સુષમાબહેન દિવેટિયા (ક્ષેમુભાઈ દિવેટિયાનાં બહેન), ક્યારેક શાસ્ત્રીય સંગીતના શિક્ષક જોગળેકર સર, કોઈ ગીત, ભજન, શાસ્ત્રીય સંગીતની ચીજ ગાય. શનિવાર સંઘગીતોનો દિવસ. પિનુભાઈ ગવડાવે અને અમે ૫૦૦-૬૦૦ વિદ્યાર્થીઓ ઝીલીએ. અને દરરોજ એસેમ્બલી પૂરી થાય પિનુભાઈએ લખેલા અને સ્વરબદ્ધ કરેલા ‘ધન્ય ન્યૂ ઈરા’ એ સ્કૂલ એન્થમના સમૂહગાનથી. અને અગિયારમા ધોરણ(હા, તે વખતે સ્કૂલોમાં અગિયાર ધોરણ હતાં)નાં વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ હોય ત્યારે પિનુભાઈ પોતે રચેલું ગીત ‘વિદાય વસમી વહાલાં જનની, ભાવે ઉર ઉભરાય,’ આર્દ્ર સ્વરે ગાય. તેમની આંખોમાં અને કેટલાયે શિક્ષકો અને વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ માંડ માંડ રોકાતાં હોય.

પિનાકિન ત્રિવેદી
પિનુભાઈ ઉત્તમ શિક્ષક તો ખરા જ, પણ તે ઉપરાંત તેમણે કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ ઘણા અનુવાદકોએ કર્યા છે. પણ સમગેય અનુવાદ કર્યા તે મુખ્યત્ત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો(એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે તે જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન, અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે, ને એમણે કરેલા તરજૂમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજૂમામાં જે નિપજ્યું છે તે છે બંગાળીકરણ.”
ગુરુદેવ ટાગોરની સામે બેસીને તેમનાં જ બંગાળી ગીતો તેમને જ ગાઈ સંભળાવ્યાં હોય, અને ગુરુદેવે એમની પ્રશંસા કરી હોય એવું જો કોઈ ગુજરાતીની બાબતમાં બન્યું હોય તો તે પિનુભાઈની બાબતમાં. એક વાર ગુરુદેવ અને પિનુભાઈ શાંતિનિકેતનથી મુંબઈ સાથે ટ્રેનમાં આવતા હતા. ત્યારે આખે રસ્તે પિનુભાઈએ ગુરુદેવનાં ગીતો તેમને જ ગાઈ સંભળાવ્યાં હતાં. પિનુભાઈએ પોતે નોંધ્યું છે : “આવા કેટલાક અનુવાદો સ્વયમ્ ગુરુદેવને સંભળાવવાનું સદ્ભાગ્ય, ૧૯૩૩માં તેમની સાથે શાંતિનિકેતનથી મુંબઈ આવવાનું થયેલું ત્યારે મને પ્રાપ્ત થયેલું.” મુંબઈ આવ્યા પછી ગુરુદેવ અને ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત કરાવનાર પણ પિનુભાઈ.
મહારાષ્ટ્રના વાડા નામના નાનકડા ગામમાં ૧૯૧૦ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પિનુભાઈનો જન્મ. પિતા હતા જી.ટી. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર. એટલે પિનુભાઈનું શરૂઆતનું શિક્ષણ ધોબી તળાવની એક સ્કૂલમાં થયું. પછી પિતાએ ઉમરેઠમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરતાં ત્યાંની સ્કૂલમાં ભણ્યા. ૧૯૨૭મા મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી વધુ અભ્યાસ માટે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ગયા. ૧૯૩૧માં ડિસટિંગ્શન સાથે કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા. વિષયો હતા સંસ્કૃત, ફિલસૂફી અને અંગ્રેજી. વધુ અભ્યાસ માટે શાંતિનિકેતનમાં જ રહી ઋગ્વેદ અને અવેસ્તાની ગાથાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો. શાંતિનિકેતનમાં હતા ત્યારે જ ગુરુદેવનાં ગીતોના સમગેય અનુવાદો કરવાનું શરૂ કર્યું.
મુંબઈ પાછા ફર્યા પછી તે વખતે વિલેપાર્લે(પૂર્વ)માં આવેલી, અને હાલમાં સાંતાક્રુઝ પશ્ચિમમાં આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પણ તેમની કર્મભૂમિ બની તે તો ગોવાળિયા ટેંક પાસે આવેલી ન્યૂ ઈરા સ્કૂલ. ૧૯૪૦થી લગભગ વીસ વરસ ત્યાં રહીને તેમણે અનેક વિદ્યાર્થીઓમાં સાહિત્યપ્રીતિ, સંગીત-રસ, અને મૂલ્યનિષ્ઠાનાં બીજ વાવ્યાં.

પિનાકિન ત્રિવેદી
પિનુભાઈએ ઢગલાબંધ બાળગીતો લખ્યાં. એ એટલાં તો બાળપ્રિય થયેલાં કે ૧૯૩૮-૧૯૩૯ના અરસામાં કોલમ્બિયા ગ્રામોફોન કંપનીએ પિનુભાઈનાં બાળગીતોની રેકર્ડ બહાર પાડેલી. ગુજરાતી બાળગીતોની એ પહેલવહેલી ગ્રામોફોન રેકર્ડ. પોતાની ‘કલમ અને કિતાબ’ કોલમમાં આ રેકર્ડનું અવલોકન કરતાં મેઘાણીએ લખેલું : “ભાઈ પિનાકિનને તો મારી વિનંતી કે આ જાતનાં બીજાં બાળગીતોની રેકર્ડો ઉતરાવે. સાથે સાથે એ પણ વિનંતી કરવાની કે તમે જે ક્ષેત્ર પકડ્યું છે તે ક્ષેત્રને તજતા નહિ. (‘જન્મભૂમિ’, ૭-૬-૧૯૩૯)
સ્કૂલ, તખ્તા પર ભજવવાનાં નાટકો, સમારંભો, રેડિયો, અને છેલ્લે છેલ્લે દૂરદર્શન માટે ઘણું લખ્યું. ઘણું ગાયું, ઘણું ભજવ્યું. પણ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા અંગે ઉદાસીન. ગુરુદેવના નાટક ‘તાસેર દેશ’નો અનુવાદ ‘પત્તાંનો પ્રદેશ’ નામે કરેલો તે પુસ્તક રૂપે પ્રગટ થયેલો. ‘દિવાળીની છુટ્ટી’ બાળનાટક પણ છપાયેલું. પિનુભાઈના ૭૫મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેમના વિદ્યાર્થીઓ અને ચાહકોના આગ્રહથી ૧૯૮૪માં ‘પ્રસાદ’ નામે દળદાર કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ‘કબીર વચનાવાલી’ નામે તેમણે કરેલો કબીરની કવિતાનો અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કરેલો. આજ સુધી તે અવારનવાર ફરી છપાતો રહ્યો છે.
પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ: મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. તે જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો, તે પૂરા બે કલ્લાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈએ ગાયેલા એ ગીતની છેલ્લી પંક્તિઓ છે :
ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!
કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!
ગુરુ, શિક્ષક, એ એક ચિંતામણી છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો સો જ નહિ, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, એમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.
આવા એક ચિંતામણી પિનુભાઈને ગુરુપૂર્ણિમા પ્રસંગે પ્રણામ.
XXX XXX XXX
10 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com