(જન્મશતાબ્દી વંદના, તા. 7-10-1914)
બેગમ અખ્તર સાથે વસંતરાવ દેશપાંડે તથા પુ.લ. દેશપાંડે
કોઈ એક ગીતની કડી સાથે જ સવારની ઊંઘમાંથી જાગી જવાની મારી જૂની ટેવ. કોક દિવસ તો સાવ અજાણતાં જ આવી રહેલી ફોરમ જેવી એ કડી લગભગ દિવસ આખો મારા મનમાં ફોર્યા કરે છે. એનો કોઈ ખાસ સંદર્ભ હોય એવું પણ નથી હોતું. હૈયામાં સંઘરાયેલાં સુખદુઃખ સાથે એને કોઈ બંધબેસતી લેવાદેવા હોય એવું પણ નથી. સાવ અસંગત એવી એ કડી હોય, કોઈ એક રાગ હોય. ધૂપલોબાનની સુગંધથી ઓરડો ભરાઈ જાય તેમ અંગેઅંગમાં ભરાઈ જાય છે. ક્યારેક કોક રાગમાંની ચીજ હોય. ક્યારેક કવિતાની કડી હોય. ક્યારેક તો માત્ર સુરાવલિને ટેકો દેવા આવેલા તરાનામાંનાં ‘દિરદિર તોમ તનન દીમ્’ જેવાં વ્યંજનો પણ હોય. આ અનુભૂતિ મને મારામાં જ જકડી રાખે છે. રોજિંદી ઘટમાળ ચાલુ હોય છે. માણસો મળતા હોય છે. એમની સાથે વાતચીત ચાલુ હોય છે પણ અંદરનો કોક જણ રૂબરૂ બની રહેલા વર્તમાનમાંથી છટકીને ત્રીજી જ જગ્યાએ વિહરતો હોય છે. હૈયાનું પંખી ઘડીક માળામાં તો ઘડીક આકાશમાં પણ હોય. એક અનુભૂતિ થતી હોય છે. પોતે જ પોતાને માટે કોયડો થઈને જીવીએ તેની. તત્કાલીન કારણ ઊભું થવું જરૂરી નથી. એ ભલેને સાચું હોય તોયે વાતાવરણમાંથી ઇન્દ્રિયોને એવું કાંઈક વર્ણનાતીત સ્પર્શી જતું હોય છે કે એ સ્પર્શ થકી હૈયાનાં અસંખ્ય બંધ ખાનાંની ચાવી ફેરવાતી જાય અને એમાંથી સ્મરણોના અનંત પતંગો ઊડવા લાગે. ગોરંભાયેલી સવાર ઘણી વાર આવો જાદુ કરી જતી હોય છે. સાચું પૂછો તો કૃપાસાગર વાદળોએ તો મનમોર સમુ નાચવું જોઈએ, સવારે એમણે સૂરજને ઢાંકવો ન જોઈએ. એમ લાગે તો રાત્રે તારામંડળને ઢાંકી દેવું, પછી ધીમે-ધીમે વરસવું અને કોક વિસામો લેતું હોય ત્યારે એ ધારાઓએ તાનપુરા સમો તાર છેડવો. પ્રેમરહિત શૈયા પર સૂઈ રહેવાનો કોક અભાગિયાને શ્રાપ મળ્યો હોય તો એ મંદ ઝરતા સૂરોને સાથ દેતાં-દેતાં એ અભાગિયાને સ્વપ્નમાધવીના પ્રદેશમાં મૂકી આવવો અને — “કાલે સવારે જોજે, ચારેકોર તને કેવું લીલુંછમ દેખાશે બધું. એ આખી ય લીલોતરી તારામાં રહેલા આનંદમય કોશમાંથી નવાં ગીતડાં ખીલવશે. કોક અજાણી વેલ પરનું ફૂલડું તારી સામે જોઈને આંખમિચકારો કરશે. અલ્યા, તું એકલો નથી. અમે શા માટે છીએ ભલા માણસ? એવું કહેનારાં પંખીડાં રાત આખી ભીંજીને સુકાયેલી પાંખો સાતાં બધી જ યાતનાઓ ભૂલીને કાલે પરોઢિયે જોજે ને તારા માટે ગાશે!” —એવું કશુંક-કશુંક કહેવું.
પણ આજે સવારસવારમાં ઘેરાઈ આવેલાં વાદળાંઓની વાત મારા કાને પહોંચે એ પહેલાં જ એક કડીએ મને ઊઠાડી મૂક્યો. જેમ ઊંઘ આવી જાય, ઊઠી જવું પણ તેમ જ; ઘોડિયામાંથી ઊઠી જતાં બાળકની જેમ, પોતાની જ ઝાંઝરીના ઝંકારથી. ઘણાં-ઘણાં વર્ષો પછી આજે હું એવું જાગ્યો. કુદરત પણ ક્યારેક-ક્યારેક માગ્યા વિના જ પ્રસન્નતાની અદકેરી પાંખડી આપણા ખોળામાં પધરાવતી હોય છે. પગમાં ઝાંઝરી પહેરવાના દિવસો તો હવે ક્ષિતિજ જેટલા દૂર જતા રહ્યા. પણ આજે દદૂડી રહેલા ઘા પર ફૂંક મારીને એને લહેરાવતી-બહેલાવતી ઝાંઝરીઓ ઘણી છે. આવી જ એક ઝાંઝરી વાગી ઊઠી અને એમાંથી એક ગીત ધીમેકથી રણઝણ્યું : “જાને આજ ક્યૂં તેરે નામ પે રોના આયા.” એ ગીત એમને એમ નહોતું આવ્યું, બેગમ અખ્તરના સૂર પહેરીઓઢીને આવેલું. ચારપાંચ વર્ષ પહેલાં એ ગીત સાભળતાં રોક્યાં રોકાય નહીં એવાં આંસુથી મારું ઓશીકું ભીંજાયું હતું.
બેગમસાહેબાનું અવસાન થયું તે રાત્રે એમના સૂરોના શ્રવણથી આજ સુધી ધન્ય થયેલા કૃતજ્ઞ રસિકજનોએ અને નિકટવર્તીઓએ એમને રેડિયો મારફતે શ્રદ્ધાંજલિ આપી હતી. દરેક જણ ભરાયેલાં હૈયે-મોંએ બે શબ્દો બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સાંભળતાં-સાભળતાં હૈયું ભરાઈ આવતું. અસંખ્ય રસિકજનોના માનસપટમાં વસેલા એ સૂર ! બેહજાદ, શકીલ જેવાના શબ્દોને લાધેલી પ્રાણકેરી એ હૂંફ. કોઈ એક અજ્ઞાત હોજમાંથી ઉલેચી-ઉલેચીને કાઢીએ એવી એ સૂરોની ગદ્દ-ગદ્દ થઈને અપાયેલી અંજલિ. દરેકને ઘણું-ઘણું કહેવું હતું પણ એ જે કાંઈ કહી રહ્યો છે એનાથી કંઈકેટલુંયે કહેવું છે એવું જ સાંભળતી વખતે ધ્યાનમાં આવી રહ્યું હતું. અનેક જણે ભાવભર્યા શબ્દોમાં એ કહેવાની કોશિષ કરી અને છેવટે બેગમસાહેબાના ગળામાંની એ ગઝલ રેકર્ડમાંથી ઊમટી રહી …
“અય મુહબ્બત તેરે અંજામ પે રોન આયા,
જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા.”
ત્યાં સુધી તો આંસુઓનો બંધ મેં ફૂટવા દીધો નહોતો. પાંચ દાયકા વટાવી ચૂકેલા મારા જેવા માણસને એ ગઝલ સાંભળીને આટલું ડૂસકે ચઢીને રડવાની કોઈ જરૂર ન હતી. એક બાજુ આંખમાંથી વહી જતી એ ધારાની મને પણ નવાઈ લાગી રહી હતી. તો બીજી બાજુ બેગમ અખ્તર નામના શરીરના પિંજરામાંથી મુક્ત થયેલો એ સૂર, એ ગઝલનો ભાવ, મારી જેમ જ મૂંઝાઈને કહેતો હતો : જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા.
આજે તો એ ગઝલ લખનારા શકીલ હયાત નથી અને એ કડીએ કડી આંસુથી ભીંજવીને ગાનારાં બેગમ અખ્તર પણ નથી. તોયે અંદર રૂંધાયેલાં આંસુ માત્ર અચાનક સરવા માંડે છે. સરસ્વતીએ કૃપાદૃષ્ટિ કરીને પોતાના બન્ને હાથ મસ્તક પર મૂક્યા હોય તેવી ક્ષણે ‘સ્વર્ગના દેવો શું તમારા આચારવિચારમાં વસેલા હોય છે કે શું?’ એવું એક મોંઘામૂલું વાક્ય રામ ગણેશ ગડકરી તેમના ‘રાજસંન્યાસ’ નાટકમાં લખી ગયા છે. બેગમ અખ્તરનું ગાન સાંભળતી વખતે એ સૂરો આમ જ દેવોની દુનિયામાંથી એમના માનસપટ પર ઊતરી આવ્યા હોય તેવું ભાસતું. આરસપહાણ વગર બીજા કોઈ પથ્થરથી તાજમહેલના ચણતરની કલ્પના જ થઈ ન શકે તેમ કેટલીક ગઝલો બેગમ અખ્તરના અવાજ સિવાય બીજા કોઈ અવાજમાં સ્વીકારવી જ અશક્ય લાગે છે. ગાનારના માનસપટ પર એ સૂરો પડાવ નાંખવા માટે ઊતર્યા છે એવી અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી એ ગાને હૈયેહૈયાની બાથ ભરી હોય એવું લાગતું નથી. આવી ભરાતી બાથ પણ ભાગ્યનો એક ઊજળો અવસર બની રહે છે.
બેગમ અખ્તરના ગાનનો મેળાપ પણ આમ અચાનક થઈ ગયેલો. વર્ષો પહેલાંની વાત. ત્યારે મુંબઈનું રેડિયોસ્ટેશન બેલાર્ડપિયર પાસેના એક મકાનમાં હતું. એક મોટો ખંડ, એને અડીને જ ઍનાઉન્સરનો ઓરડો. ખંડની બહાર મહેમાનોને બેસવાનો ઓરડો. ગીતો, સંગીતિકા, ભાષણો બધા જ કાર્યક્રમો એ એક જ ખંડમાં થતા. પાસે જ બુખારીસાહેબની ઑફિસ. કાર્યક્રમ માટે આવનારાને બેસવા માટેના એ ઓરડામાં એક ટેબલ પર રેડિયોસેટ હોય. સાલ 1937ની આસપાસની વાત. ખેડૂતોના કાર્યક્રમોમાં ગીતભજન વગેરે ગાવા કે ક્યારેક વળી વચ્ચે કોઈ એક નાટિકામાં કામ કરવા માટે જવાનું થતું. પાંચ રૂપિયાની કોરી કડકડતી નોટ મળતી, પણ આકર્ષણ હતું એ પેલા ઓરડામાંના રેડિયોસેટનું. ત્યારે પાર્લામાં બહુ બહુ તો બેપાંચ ઘરમાં રેડિયો હશે. ત્યારે રેડિયોસ્ટેશન પર શમસુદ્દિનખાંસાહેબ, કામુરાવ મંગેશકર, રત્નનાથ રામનાથકર, ગોવિંદ યલ્લાપુરકર, નિમકર એનાઉન્સર, એકાદબે સારંગિયા એવા લોકોની મંડળી રહેતી. પાંચ રૂપિયાવાળા ગાનારાઓમાં હું, આર.એન. પરાડકર વગેરે રેડિયો સ્ટાર હતા. પણ રેડિયોસ્ટેશનમાં જવાનો મુખ્ય હેતુ તો ત્યાં રેડિયો સાંભળવા મળે એ રહેતો. ભલે ને પાંચ રૂપિયાવાળો કેમ ન હોઉં પણ હતો તો રેડિયોસ્ટાર, તેથી ત્યાં પ્રવેશ ખુલ્લો હતો.
એક દિવસ જોઉં છું તો રેડિયો સામે હાડે ઊંચા પૂરા ઝુલ્ફીકારખાન બુખારીસાહેબ પોતે ઊભા છે અને એમને ઘેરાયેલા બજવૈયા. રેડિયો પરથી અફલાતૂન ગઝલ ચાલી રહી હતી. ગાનારી બાઈ ‘અખ્તરી ફૈઝાબાદી’ છે એવું જાણવા મળ્યું. અતિતારના સૂરે અવાજ થોડોક ફાટતો અને બુખારીસાહેબથી માંડીને બધાંની સુભાનલ્લા કહેતી દાદ નીકળતી. એટલામાં શરૂ થયું “દિવાના બનાના હૈ તો દીવાના બના દે ..” અને અખ્તરીબાઈ ફૈઝાબાદી નામ તેમ જ એ સૂરોનાં છૂંદણાં મનમાં ત્રોફાઈ રહ્યાં. સંપૂર્ણપણે તદ્દન અનોખી એવી સૂરોની એ જાત, એ ગઝલનો અર્થ એ તો સાવ ગૌણ મુદ્દો. બેહજાદ કે શકીલ બદાયુની જેવા શાયરો મોટા તો ખરા જ. શબ્દોના માલિક, પણ સૂરોની આ મલિકા એ શબ્દોને શાશ્વતીનું વરદાન આપતી હતી.
જિંદગીમાં ગાનસૃષ્ટિમાંના ત્રણ જણાં મને એવા મળ્યાં છે કે એ લોકો ફક્ત ગાવા માટે જ ગાતા હતા. એમને ઘરાણું સાબિત કરવું ન હતું, પોતાની કરામત બતાવવી ન હતી, કોઈને મહાત કરવાના ન હતા કે સૂરતાલની ઉપરવટ જઈને બીજું કાંઈ કરી બતાવીને પરિણામ સાધવાનું ન હતું. એક બાલગંધર્વ, એક બરકત અલી અને એક બેગમ અખ્તર. એમના ગાનમાંથી ગાયકી ક્યારે ય છૂટી નહીં. એમણે ગાન છોડીને ક્યારે ય લયકારીઓ કરી નથી. એમના ગળામાંથી નિરંતર લહેરાયું જતું ગાયન સ્વયંભૂપણે જ બહાર આવતું. કોઈ જાતનો આડંબર નહીં, કોઈ પણ પરંપરાને એમને આગળ લઈ જવાની ન હતી. મુશ્કેલ રચનાઓનો ડોળ ન હતો. એમના સૂર તો લયનો સહજ પદન્યાસ લઈને જ ઊપસતા. આ બાજુ ભલભલા તબલચીઓ પોતાની મુશ્કેલ કરામત બતાવી રહ્યા છે, જાતજાતની લગ્ગીચાટ થઈ રહી છે અને બેગમ અખ્તરના શબ્દો હળવેકથી આવીને ઝૂલતી ડાળી પર બેસનારા પંખીડાની જેમ પડાવે પહોંચે છે. પંખીડા જેટલું જ મુગ્ધ, અણધાર્યો સૂરલગાવ લેનારું ગાન. તેવું જ તત્પર અને પાછું મોહકતાને પીછાંભરેય છૂટવા ન દેનારું. કેટલું ઘાટીલું! કેટલો માપસરનો વ્યાપ ! વિસામો પણ ઉડાણ જેટલો જ આહ્લાદક ! એ સૂરોની હૂંફ પણ તેવી જ.
બેગમ અખ્તર, બરકત અલી અને બાલગંધર્વના સૂરોની લગની પાછળ તો માડગૂળકર(કવિ)ની ભાષામાં કહીએ તો અમારા 'કાનના મધુકર' ભટકતા હતા એવો એ જમાનો. જિંદગીમાં એવાં, હાંડીઝુમ્મર જેવાં ઝગમગનારાં ગાન ઘણાં સાંભળ્યાં. મંજીખાં, કેસરબાઈ, વઝેબુવા, ફૈયાઝખાંસાહેબ, અબ્દુલ કરીમખાંસાહેબ, બડે ગુલામઅલી, આશાસ્પદ નિસાર હુસૈનખાં, ‘આવું ગાનવૃક્ષ ઊભું કરવું જોઈએ’ કહેનારા બાળકૃષ્ણબુવા ઈચલકરંજીકરની અપેક્ષા પૂરી કરનારા ગાયકો પણ સાંભળ્યા. આ ગાયકો સાચે જ એકેકો રાગ કોઈ એક વૃક્ષ જેવો ઊભો કરતા. આ તપસ્યાનો વૈભવ જોઈને અચંબો થતો. મહેફિલમાં આવતાં જ એમનો દબદબો વર્તાઈ આવતો. એમના તાનપુરાની ખોળ કાઢવાનું માન મળે તોયે ધન્યતા થઈ આવતી. આ બધા જ મુરબ્બીઓ ગાનસૃષ્ટિ ખડી કરનારા વિશ્વામિત્ર જેવા લાગતા. એમની અફાટ સાધનાનું આશ્ચર્ય થતું. એની સામે બેગમ અખ્તર, બરકત અલી અને હાફપૅન્ટ તથા ખુલ્લા ગળાનું મલમલ જેવા કાપડનું શર્ટ પહેરીને મહેફિલમાં જનારા બાલગંધર્વ. એમનામાંથી ગાયક અને સંગીત એમ જુદું પાડી જ ન શકાય, એ લોકો ખુદ જ સંગીત બની જતા.
પહેલવહેલું બરકત અલીનું ગાન સાંભળ્યું તે 1937-39ની સાલમાં. એક રવિવારે બપોરે સાંતાક્રુઝના સબબર્ન મ્યુિઝક સર્કલમાં એ નાનકડા સ્ટેજ પર તબલાપેટી લાવનારા સાથે સાદા શર્ટપાયજામો પહેરીને બરકત અલી આવ્યા. પળવારમાં તો તબલા મેળવાયાં અને કોઈ પણ જાતના દેખાડા સિવાય ગાન શરૂ થયું. એ સમયે એમના ‘બાગોમેં પડે ઝૂલે’એ અમારા પ્રાણ હરી લીધેલાં. ‘દિલમેં તમન્ના હૈં…’ પછીની ગિટકીડી(નાની મૂર્કીયુક્ત તાન)ની એક માળા ગળામાં પડે તે માટે હું કેટલો ઉપરતળે થયેલો. છેવટે એણે પણ બીજી અનેક પ્રેયસીઓ જેવું જ કર્યું, ગળામાં આવી જ નહીં..
નારાયણરાવ અર્થાત્ બાલગંધર્વનું પણ એવું જ. તબલાના સૂરો સાથે સંગત કરી અને ઑર્ગને સૂર ભર્યા કે ગાન શરૂ. કોઈની દાદ આવે છે કે નહીં, સાંભળનારા જાણકાર છે કે અજાણ એની કોઈ પરવા નહીં.
બેગમ અખ્તર ગાવા લાગે કે એ જ ગત. થોડોક ફેર હોય. સાથી સારંગિયાએ જો એમના સૂરોને વધુ પસવાર્યા તો લોહીમાંની એ લખનવી અદબ, પેલા સાથીદાર માટે થનારી શુક્રગુજારી ક્યારેક બોલીને તો ક્યારેક હળવેકથી ડોલીને દાદ આપવાનું ભૂલતી નહીં. જાણકારોની દાદ મળી ન મળી ત્યાં તો હાથની જોડાયેલી આંગળીઓ ઝૂકેલી ગરદન તરફ ગયા વિના રહેતી નહીં.
જેમને પંઢરપુર જવા મળતું નથી તેવા શ્રદ્ધાળુઓ ત્યાંથી પાછા ફરનારા જાત્રાળુઓને સામસામે બાથ ભરીને ભગવાન સાથે ભેટો થઈ ગયાની ભૂખ શમાવી લેતા હોય છે. મારી યુવાનીમાં મને દિલ્હીનું ખેંચાણ ન હતું પણ લખનૌનું ભારે. પણ પાર્લાથી ગિરગામ જવાનું કહીએ તો ત્યારે ગજવામાંની ટિકિટના થનારા ચારઆઠ આના દસ વાર ગણી જોવાના એ દહાડા. તે વળી લખનૌ તો ક્યાંથી જવાના? અને ગઝલ-ઠૂમરીના ગાન એ વખતે સર્કલમાં થતાં પણ નહીં, રઈસ શેઠજીની મેડીએ થતાં. અમારા નસીબે તો કોકના ઘરે હોય એવું થાળીવાજું. વળી, ત્યારે તો નાદબ્રહ્મથી અધિક આવશ્યક એવા અન્નબ્રહ્મની શોધમાં હું પુણે આવેલો. લખનૌને પવિત્ર ધામ માનનારો મધુકર ગોળવલકર મને ત્યાં મળી ગયો. હું, મધુકર અને વસંતરાવ દેશપાંડે. બેગમ અખ્તરની રેકર્ડોએ અમારી કેટકેટલી રાત્રીઓ રોશન કરી તેનો હિસાબ નથી. મધુકરની સારંગીના સૂરોને એ વાટની જાણ હતી, બનારસની એ ગલીઓની અને લખનૌની અખ્તરમંઝિલ તરફ જનારી. વસંતરાવને લાહોરમાં બરકત અલીના સહવાસનો લાભ મળેલો. પંજાબી અંગ જ્યારે પુણે માટે પંજાબ જેટલું જ દૂર હતું ત્યારે પુણેમાં એ મુશ્કેલ અંગ થકી ફરતો કંઠ તો ફક્ત વસંતરાવ અને સુરેશબાબુ(માને)નો. બાકી તો પુણેરી ગાન પર સંસ્કાર રેડાયેલા તે બાલગંધર્વ અને માસ્ટર કૃષ્ણરાવના. મિત્રો સાથેની અમારી વાતચીતની ભાષા પણ હિંદી જ રહેતી. મધુ અને વસંતરાવ તો ખાસ લખનવી સફાઈથી હિંદી બોલતા. એમ તો મેં પણ બે વર્ષ ઈસ્માઈલ કૉલેજમાં કાઢેલાં જ, શેરોશાયરીની છત નીચે હરેલોફરેલો. લખનૌમાં મધુએ બેગમસાહેબની મહેફિલમાં સારંગીની સંગત કરેલી. લખનૌ રેડિયો પર તેણે નોકરી કરેલી. બનારસ હિંદુ વિદ્યાપીઠમાં એન્જિનિયર થવા ગયેલો, જબલપુરના રઈસ ખાનદાનનો મધુ, બેગમ અખ્તરના સૂરોનો સારંગિયો થઈ બેઠો. આવાં ગાંડપણની નોંધ રાખનારી ખાતાવહી ક્યાંયે જોવા ન મળે કારણ કે આવા હિસાબકિતાબ સાવ જુદી જ ભાષામાં લખાતા હોય છે.
“દિવાના બનાના હૈ તો દીવાના બના દે..” આ તે કેવી માગણી છે, તે કોણે અને કેવી રીતે સમજાવીને કહેવું ..? “મુફ્ત હુએ બદનામ તેરે લિયે …” આમાંથી ‘પેલો’ કોણ? અને ‘પેલી’ કોણ? “કોયલિયા મત કર પુકાર …” આ વિનવણી શરૂ થતાં પહેલાંની પેલી જે શાંત ક્ષણ છે એમાં જો તમારું મન એ પોકારની દિશાએ ઊઠેલી છલકાતી આંખોને પામી શકતું નથી તો પેલી શાંત ક્ષણ એ ક્ષણ નથી પણ એ તો અસંખ્ય વેદનાથી ભરેલું ઝરણું છે એ વાત તમારા ધ્યાનમાં આવતી જ નથી. ગાન પૂર્વેના સૂરોના રણકાર તો ઓઝલ જેવા હોવા જોઈએ. એની પાછળ છૂપાયેલું એ કરુણ, રમ્ય, મોહક, આકર્ષક, અટકચાળું જે કાંઈ સૌંદર્ય હોય તે દર્શાવવા માટે પેલો ઓઝલ હળવેકથી દૂર હટાવવાની એ ક્ષણ ગાયકને ખરે ટાણે પકડતાં આવડવી જોઈએ. ઉત્કંઠા બહુ ખેંચીને પણ ચાલતી નથી કે ઉતાવળ કરીને શમતી નથી. મિલન અને સમર્પણનું જ અદ્વૈત સાધવાની આ એક અદ્દભૂત ક્ષણ હોય છે. સાવ સાચું કહીએ તો ગાન ત્યાં જ સિદ્ધ થતું હોય છે. સ્વરબીજને ત્યાં જ પહેલો નાદ-અંકુર ફૂટતો હોય છે. પારખુ કંઠ અને ખાનદાની રસિકજનને ત્યાં જ ગાનની ઝાંખી થતી હોય છે. પછી જે હોય છે તે વિકાસ, વિલાસ, વિભ્રમ, વિસ્મય. પહેલાં ‘આ’કારની આ ક્ષણ જ સાચી. આગળની આકૃતિઓને વિકાસની આવશ્યકતા હોય છે જ. રેખા વિકૃત થયા સિવાય ચિત્ર કેમ ખડું થાય? પણ તાનપૂરામાંથી કે પેટીસારંગીમાંથી એ ષડ્જનો આવિર્ભાવ થતાંની સાથે સૂરસૃષ્ટિ સામે ફેલાતા જનારા એ અબોધ ધુમ્મસને આસ્તેકથી દૂર ખસેડનારી એક ક્ષણ. કોક સખીને ટેકે આગળ આવનારો ષડ્જ આવા એક ખરા ટાણાના મંગળ ચોઘડિયે એવો આવવો જોઈએ કે તે પછીના સમયનું ભાન તે ક્ષણ પોતે જ ભૂંસી કાઢે.
બેગમસાહિબા ક્યારેક મળશે, પ્રેમથી ગાન સંભળાવશે એવું તો ધાર્યું પણ ન હતું. ‘ડિઝાયર ઑફ અ મૉથ ફૉર ધ સ્ટાર ઍન્ડ નાઈટ ફૉર ધ મૉરો’ આ પંક્તિ વારંવાર સંભારતા રહીએ એમ જિંદગીનાં આશાભર્યાં વર્ષો વહી ગયાં તોયે નિરાશાની મૂડી જમાવીને જાતને હાસ્યાસ્પદ કરી મૂકી ન હતી. અમારા માટે તો અમારા સૂરોની ભક્તિની મગરૂબી એવી તો જબરદસ્ત હતી કે ભક્તોને શામળિયો પોષતો હોય છે તેમ સારા ગાનારા-બજાવનારા, સારા લેખકો બધા અમને જ પોષી રહ્યા છે એવું લાગતું અને બેગમ અખ્તરની ‘વફાઓં કે બદલે જફા કર રહે હૈં..’ની રેકર્ડ સાંભળતાં ફાટીતૂટી શેતરંજીના ગાલીચા અને છત પરના ઉઘાડા બલ્બના ઝુમ્મર બની જતાં. ભક્તમંડળી 'ભાગવત' અને 'દાસબોધ'ના પારાયણો કરતી હતી, અમે બેગમસાહેબની એકેકી રેકર્ડના સપ્તાહો ઊજવતાં હતાં. આ ઈશ્કે અમને જરા પણ નિકમ્મા કર્યા નહીં. જેમના માટે આ દુનિયા પારકી હતી, એ કમબખ્ત અમારી ગલીમાં આવ્યા જ નહીં. અમને પરવાના કરી મૂકનારી એ શમાની શોધવાળી બઝમ વિખરાવા દીધી નહીં.
અમને દીવાના કરનારી એ ‘શમા’ અમને રૂબરૂમાં લાધશે કે નહીં લાધે એવો તો કોઈ વિચાર આવતો ય નહીં. એ લાધી જ હતી. બેગમ અખ્તર એ અમારે માટે એક સ્વરાનુભૂતિ હતી. એને લૌકિક દેહ હતો, લૌકિક દેહની સાથે જોડાયેલા ગુણદોષ હતા, જેની સાથે અમારે નિસ્બત ન હતી. તોયે સગુણ સ્વરૂપનું ખેંચાણ તો હતું જ અને અચાનક અમારા કરતાં ઉંમર, માન, ધન, રૂપ અને સ્વભાવસૌંદર્યમાં કેટલાયે ગણા મોટા એવા રસિકરાજ રામુભૈયા દાતે સાથે અમારાં મન મળી ગયાં. પહેલાંના વખતમાં બાળકોને વડીલ-મુરબ્બીઓનાં ચરણોમાં ધરતાં તેમ એમણે લખનૌમાં બેગમસાહેબના દૌલતખાનામાં એમની સાથે મારી મુલાકાત કરાવી દીધી. રામુભૈયા અને બેગમ અખ્તરને જે જાણે છે તેમને જ એ નાતો અને એનું રહસ્ય સમજાશે. બેગમસાહેબ સાથે એમણે મારી ઓળખાણ કરાવી આપી એટલે જાણે સાક્ષાત્ શ્રીકૃષ્ણે ‘આ મારો મિત્ર’ કહીને રાધા સાથે ઓળખાણ કરાવી આપવા જેવું હતું. દાતેસાહેબની પહેલી પુણ્યતિથિએ ગાવા માટે બેગમસાહેબ લખનૌથી મુંબઈ આવેલાં. એક વણરોક્યું ડૂસકું એ રાત્રે ગાન બનીને પ્રગટ્યું હતું.
*
બેગમસાહેબના ઘરે ખાસ લખનવી કલાકસબી શબ્દોમાં ગૂંથીને રામુભૈયાએ મારી તારીફ કરી હતી. સાથે હતાં કુમાર ગંધર્વ-ભાનુમતિ, રામભાઉ ગુળવણી. રામુભૈયાએ દીવાનખાનામાંની એક વાજાપેટી આગળ ખેંચી અને બેગમસાહેબને કહ્યું, ‘સુનિયે.’ અને મને કહ્યું, ‘વગાડો.’
મેં કહ્યું, "આફત છે રામુભૈયા, વગાડો શેનું?”
"અરે યાર, મોટી આફત છે. ભીમપલાસી-મુલતાનીની વેળા છે, એને શું એમ જ જવા દેવાની! એનુંયે કાંઈ માન રાખશો કે નહીં?
મેં મનોમન સર્કસવાળા છત્રે મહાશયને સંભાર્યા. કહેવાય છે કે ભૂગંધર્વ રહિમખાંસાહેબ એમ કંઈ ‘ગાઓ’ કહેતાં જ ગાવાનું શરૂ નહોતા કરતા. રહિમખાંસાહેબને જોઈતુંકરતું જોવાવાળા આ છત્રે મહાશય પહેલાં ગાતા. છત્રે મહાશયનું ગાન કદાચ વાઘ-સિંહોને પાંસરા કરવા માટેનું હોવું જોઈએ. એવુંયે કહેવાય છે કે સૂરો પર ચાબૂક ફટકારતાં-ફટકારતાં તેઓ ગાતા અને પછી રહિમતખાં એકદમ તાડૂકી ઊઠતા અને ગાવા લાગતા. મારા પેટીવાદનનો રામુભૈયાને એવો કાંઈ ઉપયોગ કરી લેવો હતો કે શું એ તો એ જ જાણે ! આ બાજુ કુમાર, પેલી બાજુ બેગમસાહેબ અને મારી સામે વાજાપેટી. મેં પણ "થઈ જવા દો." કહીને પેટી લીધી, આંગળીઓ ભીમપલાસી પર ફરી વળી અને બેગમસાહેબ એકદમ બોલી ઊઠ્યા, “હમારે ગંધર્વજી કૈસે હૈ?” ભીમપલાસીના એ ચાર સૂરોને લીધે એમને અચાનક બાલગંધર્વ સાંભરી આવ્યા. એમને મોઢે બાલગંધર્વનો ઉલ્લેખ થયો અને નવીસવી ઓળખાણના બધા જ ઔપચારિક બંધનો સરી પડ્યા. ભીમપલાસી તો બાલગંધર્વને જન્મથી જ બક્ષિસમાં મળેલો રાગ. બાલગંધર્વના લીધે મરાઠી રસિયાઓએ આ ભીમપલાસીને પુષ્કળ પ્રેમ કર્યો. બેગમસાહેબને બાલગંધર્વ માટે હેતભાવ છે એવું જાણતાં જ એ અમારા લાઈફમેમ્બરના લીસ્ટમાં આવી ગયાં. એ અજાણ્યા દિવાનખાનામાંનું બધું અજાણ્યાપણું સરરર દેતુંક સરી પડ્યું.
એ દિવસોમાં ખાદીનો પાયજામો અને જાકીટ એવો મારો પહેરવેશ રહેતો, આથી બેગમસાહેબે મને એ પહેલી જ મુલાકાતથી ‘લીડરસાબ’ કહેવાનું શરૂ કરી દીધેલું. બેપાંચ જણની એ મહેફિલમાં કુમારે ગાયેલું. કુમારનો ષડ્જ લાગ્યો અને બેગમની છલકાઈ ઊઠેલી આંખોએ એ ષડ્જને પહેલી દાદ આપી. ગાન પૂરું થયું અને સન્નાટો ફેલાયો.
*
તે દિવસના ગાન જેટલો જ એ સન્નાટો, એ શાંતિ આજે પણ મને સાંભરે છે. નાદબ્રહ્મ તો આવી નાદાતીત અવસ્થાએ પહોંચવા માટે જ હોય છે. એ તો સંગીત કલામાંની નાથ*ના ઘર જેવી અવળી નિશાની છે (*સંત એકનાથની મર્મ સમજવામાં અઘરી નિશાની). ગાન જો એ મુકામે પહોંચ્યું તો જ — ‘આલમ હૈ, તનહાઈ’ — એકાંતની અવસ્થા શું એની અનુભૂતિ થાય છે. જે એકાંતથી ખુદ નાદનો આંચકોયે ખમાતો નથી એવી એ તનહાઈ, એ વિલક્ષણ શાંતિ.
‘પોતે પોતાને જાણવું’ એ સિદ્ધાંત બધી જ ‘પહોંચી હુઈ’ મોટી વ્યક્તિ આજ સુધી કહેતી આવી છે. ગાનકળાના સંદર્ભમાં બેગમ અખ્તરે ઘણી નાની ઉંમરે જ એ પામી લીધું હતું. હકીકતમાં તો એમણે ફૈજાબાદમાં વિધિસર ગાવાની તાલીમ લેવાની શરૂ કરેલી. એ સૂર, એ ગાયકી એમના ગળાને સહજસિદ્ધ હતાં. પણ આ ગાયકી એમને જોઈએ એવી તસલ્લી આપી શકતી ન હતી, મોકળાશ આપી શકતી ન હતી; આ ગાયકી તો પોતાના કાયદાકાનૂન લઈને આવતી હતી. ફૈજાબાદમાં રહેતા હતા એ હવેલીને આગ લાગ્યાનું નિમિત્ત થયું અને અખ્તરી કલકત્તા આવી. એક બંગાળી નાટકકંપનીમાં, એ વખતના પારસી થિયેટ્રીકલ્સનાં નાટકોમાં ગાઈને વન્સમોર લેવા લાગી અને પછી એક દિવ્ય ક્ષણે ઉર્દૂ શાયરીના ખંડમાં એનો પ્રવેશ થયો. ગાલિબ, મીર, જૌક જેવા શાયરોના દિવાન એના હાથમાં આવ્યા. યુવાન અખ્તરીના અંતર્યામીના યુવા સૂરોને સાથ દેનારા શબ્દો ક્યાંકથી જડી આવ્યા. આંતરિક હોંકારાને ગઝલો મારફતે વાટ જડતી ગઈ. જે ગાવું હતું તે ગવાવા લાગ્યું. એ ગાવું જ્યાં જઈને પહોંચે એવા શબ્દ અને સૂરના પારખનારા રસિકજનોનો મેળાવડો જામ્યો. પોતાના શબ્દોને અખ્તરીના સૂર પામ્યાની ધન્યતાનો અનુભવ શોકત, બેહજાદ જેવા શાયરોને થવા લાગ્યો. ગઝલની ઊર્મિને પરિપૂર્ણ કરનારા આર્ત આર્જવી સૂરોને અચૂક જે જોઈતું હતું તે અને તેટલું જ પરિમાણ પ્રાપ્ત થયું હતું. જોતજોતામાં તો લખનૌની ‘અખ્તરમંઝિલ’ સૂરોની શમા ફરતે ચક્કર મારનારા પરવાનાઓની મક્કા થઈ રહી. બેહજાદસાહેબે અખ્તરી ફૈજાબાદીને નવી ગઝલ લખી આપ્યાની વાત ઝવેરી બજારમાં નવ નવલખો આવ્યા જેવી સંગીતરસિયાઓમાં ફેલાતી રહેતી અને મહેફિલો હકડેઠઠ ભરાયે જતી.
આખરે તો જીવંત મહેફિલ એ જ સાચી. એ ગાન, એ ગાયિકા, કાળજાના કાન કરીને એના સૂરેસૂર પકડનારા અને ઘડીભરનો અવકાશ મળ્યો ન મળ્યો ત્યાં તો એમાં સાજનો રંગ ભરી દેનારા કુશળ સાજિંદાઓ, ઉત્કંઠાથી ભરપૂર એવી એ પ્રત્યેક પળ, એ પળને લાધેલી સૂરલયની શ્રીમંતાઈ, કોક જીવલેણ સૂરાવલી કંઠમાંથી નીકળતાં ગાયિકાની આંખમાં ચમકી ગયેલી એ વેદના; અને આ બધાંનો અંગીકાર કરવા માટે પોતાનું પૂરું હુંપણું ગુમાવીને યાચક થઈ બેઠેલું પેલું દિલદાર રસિકવૃંદ તેમ જ ખુલ્લા દિલે અપાતી એ દાદ. ‘અખ્તરમંઝિલ’માં આ મહેફિલો જેણે માણી હશે તેમણે ‘આ મહેફિલ આમ જ અવિરત ચાલવા દે’ એનાથી વધીને બીજી કોઈ દુઆ અલ્લામિંયા પાસે માગી નહીં હોય.
આ બેગમ અખ્તરના કંઠમાં એવું તે શું હતું જે સમજાતું નથી ! પણ ક્યાંયથીયે જો એ સૂરો કાને પડ્યા તો આપણા હાથમાંનુ કામ જ થંભી જાય, વાતચીત થંભી જાય. ના, કાળ જ થંભી જાય. ગયા વરસની જ વાત. ધારવાડમાં મલ્લિકાર્જુન મન્સૂરના ઘરે અમસ્તી જ આમનીતેમની વાતો ચાલી રહી હતી, એટલામાં જ બાજુના ઓરડામાં એમની દીકરીએ રેડિયો ચાલુ કર્યો અને ગાન શરૂ થયું ‘સિતારોંસે આગે જહાઁ ઔર ભી હૈ’ બેગમ અખ્તર ગાઈ રહ્યાં હતા. વાતો અચાનક બંધ. મલ્લિકાર્જુન અણ્ણાએ કેવી સરસ વાત કરી !કહ્યું,
"આ અવાજ અને નારાયણરાવ(બાલગંધર્વ)નો અવાજ, એમને મૃત્યુ જ નથી, અમે બધા તો ભૂલાઈ જશું. કેવો ખ્યાલ અને શું લઈને બેઠો છે — જીવંત ઝરણાંમાંનું ઊંચનીચ શું જોવું પુ.લ. ? આ તો ભગવાને સિદ્ધ કરીને મોકલેલા સૂર!”
સંગીતની સાધનામાં અતિશય ઊંચાઈએ પહોંચેલા આ લોકો સંતસમું કેવું સરળ અને સત્ય બોલી જતા હોય છે! સાચકલા આનંદની પળે મને થઈ આવે કે એમને ય અકસ્માતે મળી જનારો એમનો અંતરાત્મા જ આવું બોલી જતો હશે!
બેગમ અખ્તરનું ગાન સાંભળતા ઉર્દૂ શાયરીમાંનો સૂક્ષ્માર્થ ન સમજાવા છતાંયે કોણ જાણે કેમ પણ એમાંના વ્યાકુળ ભાવોથી હૈયું ગદ્દ-ગદ્દ થઈ ઊઠતું. એ ગાનને નકામી ખટપટ મંજૂર ન હતી. કોઈ ઉતાવળ ન હતી. ચળકાટની લોલુપતા ન હતી. ઢાળમાં ઉટપટાંગપણું નહોતું. સીધાસાદા રાગમાંથી શબ્દો વહેતા આવતા; પોરો ખાતું ખાતું, શાયરીમાંની નાટ્ય અને મતલબની હળૂહળૂ પ્રતીતિ કરાવતું આ ગાન ચાલતું. આવી સાદગી જ મહામુશ્કેલ. મર્યાદાભંગ તો એ ગાનને સદતો જ નહીં. ખાસ તો એ કે સામે બેઠેલા દરેક સાથે સંવાદ સાધનારું હતું આ ગાન. દીવાનખાનામાં જ જામનારું, મોટાં થિયેટરોમાંનું નહીં.
પુણેમાં બેગમસાહેબનો મુકામ રામમહારાજ પંડિતના ‘આશિયાના’ બંગલામાં હોય. રામમહારાજનાં પત્ની વસુંધરાબાઈ તેમનાં શિષ્યા. વસુંધરાબાઈએ તો જન્મ આપનારી માતાને કરીએ તેટલો પ્રેમ આ અમ્માને કરેલો, એમણે એમની સેવામાં સહેજ પણ કચાશ રાખી ન હતી. અમ્મીનો ‘આશિયાના’માંનો મુકામ જ અમારે માટે ઓચ્છવ થઈ રહેતો. બેગમ વસંતરાવ દેશપાંડેને બહુ માને, એમને ગાવા બેસાડે અને પોતે તાનપુરો હાથમાં લે. વસંતરાવને ‘ગુરુજી’ કહેતા. લખનૌની ‘અખ્તરમંઝિલ’માં થતી મહેફિલોમાં શરીક થવા મળે એ તો ભાગ્યયોગ જ કહેવાતો. અહીં મહેફિલવાળી પેલી મલિકા અમારી ફરમાઈશનું માન રાખીને મન ભરીને ગાન સંભળાવ્યે જતી. કીર્તિ, સંપત્તિ, અસંખ્ય રસિકોનો એમના માટેનો ભક્તિભાવ કે આમાંની કોઈ પણ બાબતથી એમની પ્રતિભાને અહંકારનો આટલોયે સ્પર્શ થયો ન હતો. કોઈ સાથે ચડસાચડસીમાં ઊતરવા એ ક્યારેય ગાતા નહીં. અંતઃકરણમાંથી જે સૂર ઝમતા હતા એમને ફક્ત વાટ બતાવી હતી. ગુણ દેખાયા નથી કે એમની ગરદન ઝૂક્યા સિવાય રહી નથી. દાદ દેતી વખતે એમના મનને કંજૂસાઈનો બાધ નડ્યો નથી. મુંબઈમાં બાલગંધર્વના લાઁગ પ્લેઇંગ રેકર્ડનો પ્રકાશન સમારંભ હતો. લખનૌ જવા માટે લીધેલી ટિકિટ રદ કરીને સમારંભમાં આવેલાં અને પ્રેક્ષકોમાં જઈને બેઠા. મરાઠી જાણતા ન હોવા છતાંયે મારું वार्यावरची वरात (વાયરા સંગે વરઘોડો) જોવા આવેલા. બાલગંધર્વના રેકર્ડ પ્રકાશન વખતે મારું વક્તવ્ય સાંભળીને કહેલું,
"લીડરસાબ, આજ આપને બહુત દિલચશ્પ તક્રીર ફરમાયી."
"મેરી મરાઠી બાત આપ કી સમઝ મેં કૈસે આયી?" મેં પૂછ્યું
"આપ હંમેશા બહુત હઁસાતે હો, મગર આજ જો દાદ દી જા રહી થી, વહ કુછ અલગ થી.”
રામમહારાજ પંડિતના ‘આશિયાના’માં એક વાર અત્યંત સુંદર મહેફિલ જામી હતી. સાચા પ્રેમભાવથી એકઠા થયેલા લોકો ગાનારાને તરત જ ઓળખાઈ આવે છે. રાત્રીનો પ્રહરેપ્રહર ધન્ય કરતી મહેફિલ ચાલતી હતી. ઠૂમરી, ગઝલ, દાદરા, સૂરલયના અત્યંત મોહક રૂપો પ્રગટી રહ્યાં હતાં. ઠેકઠેકાણે દાદ મળી રહી હતી. પેટી પર વસંતરાવ દેશપાંડે હતા. થોડી વાર પછી મધ્યાંતર થયો. ચાંદની રાત હતી. લોકો હવાની લહેરખી ખાવા એ ખંડમાંથી બહાર આવ્યા. 'કૉફી થઈ જાય' એવી હવા હતી. બેગમસાહેબે મને કહ્યું,
"ખુદા કસમ મને પુનામાં ગાવું ખૂબ જ ગમે છે."
“આ તો આપની લખનવી તહેજીબ છે. હું પણ દરેક ગામમાં ‘આ ગામ જેવો રસિક શ્રોતા બીજા ક્યાંયે મળતો નથી’ એવું જ કહેતો હોંઉં છું.
"એવું નથી, મને અહીં આવવું કેમ ગમે છે તે તમે જાણો છો? અહીં મારા સૂરને દાદ મળે છે, ત્યાં તો બધી દાદ શાયર જ લઈ જાય છે અને સૂર બિચારા શરમાઈને રહી જાય છે. અહીં તે સૂરોને પ્રેમ મળે છે.”
એ મહેફિલ અવિસ્મરણીય રહી. રાતના અઢી થયા હતા. તોયે મહફિલની તાજગી અકબંધ હતી. હવાને રાતોની રાતો જવાન રાખવાનો આવો જાદુ જે ગણ્યાગાંઠ્યા કલાકારોએ સાધ્યો હતો એમાં બેગમસાહેબનો ક્રમ ખાસ્સો ઉપર. પછી સંગતે બેઠેલા વસંતરાવ દેશપાંડેને બેગમસાહેબે કહ્યું, "ગુરુજી, આપ કુછ નહીં સૂનાયેંગે?” અને પછી તો પરોઢિયાના પાંચ વાગ્યા સુધી વસંતરાવે પણ એકદમ તબિયતથી ગઝલ-ઠૂમરી ગાઈ. બેગમસાહેબનું એ સાંભળી રહેવું, દાદ આપવી એ પણ એક અનુભવવા જેવી વાત રહેતી. દીપશીખા મંદ થવાના પ્રહરે મહેફિલ ઊઠી. પુણેરી હવાએ પણ મહેફિલના એ કદરદાનો પર મહેરબાન થવાનું નક્કી કર્યું હતું. એ પરોઢિયું પણ એ સ્વરગર્ભરાત્રીનાં ખીલેલાં પુષ્પ જેવું જ ઊગ્યું હતું.
હૈયું ભરાઈ આવે એવી મેં સાંભળેલી બેગમસાહેબની એ આખરી મહેફિલ. એ પછી એમની મુલાકાત થઈ તે દિલ્હીમાં. ‘સંગીત નાટ્ય અકાદેમી’એ એમનું સન્માન કર્યું તે પ્રસંગે. પુરસ્કારપ્રાપ્ત કલાકારની રૂએ તે દિવસે ત્યાંના કામાણી હૉલમાં એમણે ગાયું.
અને એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે અમદાવાદમાં બેગમસાહેબનું અણધાર્યું અવસાન થયું છે. એકત્રીસ ઑક્ટોબર, ઓગણીસો ચુમોત્તેર. અમદાવાદથી લખનૌ લઈ જતી વખતે માણસાઈવિહોણા સરકારી નિયમ-ઉપનિયમથી જોડાયેલા વ્યવસ્થાતંત્રને લીધે તેમના મૃતદેહની ઘણી બેહાલી થઈ. અંદર ગાનારું પેલું પંખીડું હોવાં છતાંયે અખ્તરી એવું નામ ધારણ કરનારા પિંજરાએ ઘણા ઘા ઝીલ્યા હતા. એમને પ્રિય એવી ગઝલો આવી જ કોક અધૂરપની વેદના સહેનારા જિગર, બેહજાદ, શૌકત, શકીલ જેવા શાયરોએ પોતાનાં આંસુઓમાં ગૂંથી હતી. બેગમસાહેબના સૂરોનો નાતો ખાસ કરીને વિરહ જોડે જ જોડાયેલો હતો. આ એક વિરહિણીનું ગાન હતું. ગાતી વખતે એમનું હૈયું ભરાઈ આવતું. પાંખડી પર આંસુ ટપકે એવો ફોરાં જેવો ભીનો સૂર શબ્દ પર પડતો. એ તો વિરહગીતોની રાણી હતી. ગાન ખીલી રહ્યું હોય ત્યારે નિર્માલ્યનું અટળપણે સ્મરણ કરાવી આપનારું. સૂરોના પ્રવાહ પર કમળો જ લહેરાયે આવતાં. પણ કવિ ગ્રેસ કહે છે તેવાં નિઃશબ્દ, એકાકી કમળો. જન્મથી જ મેળવાયેલા એ સૂરીલા તારમાંથી પેલો સ્વયંભૂ ગંધાર અણધાર્યો જ સઘળી કરુણતા લઈને પ્રગટતો અને ઉત્કટતાની ચરમસીમા આવે કે ચોમાસામાં તાર પરથી ટપક્યે જનારા ટીપાથી પોતાનો જ ભાર ન સહેવાતાં ટીપું ફૂટી જાય તેમ વેદનાનો ભાર ન સહેવાતાં એ સૂર પણ ફાટતો. સુજાણ અને સહૃદય શ્રોતાનાં બધાં જ પુણ્યોનું ફળ ત્યાં જ ચૂકતે થઈ જતું. બાલગંધર્વના ગાનમાં એકાદો શબ્દ આવી જ રીતે ગદ્યપદ્યની સીમારેખા પર મૂકીને ગવાયેલો જડે કે એ જગ્યા જેમ ચંપાઈ જતી તેવો જ આ અનુભવ. પરિપૂર્ણતાનો આનંદ અને એ ક્ષણ પૂરી થયાનું દુઃખ આ બે વચ્ચે ક્યાંક આવી એકાદ ક્ષણની ચમત્કૃિત ડોકાઈ જતી.
બેગમ અખ્તર આવતાં, ગાઈને જતાં રહેતાં; અમને ‘ઇન્શાલ્લા ફિર મિલેંગે’નું વચન આપીને. ‘અખ્તર’ એટલે તારિકા. આ સિતારાએ જ અમને ‘સિતારોં કે આગે જહાઁ ઔર ભી હૈં’ એવું ભીંજાયેલા સૂરમાં જણાવેલું. તારાઓની પેલે પારની આ દુનિયાની જ્યારે એ અમને યાદ દેવડાવતા ત્યારે વાસ્તવિકતાની ખૂંચનારી સભાનતામાંથી એ ક્ષણે અમે મુક્તિ પામતા. બેગમસાહેબ ગયાં અને ક્યારેક રેકર્ડમાંથી તો ક્યારેક કૅસેટમાંથી એમનું ગાન સાંભળવા જેટલી તો સગવડ પાછળ રહી છે. પણ હવે આ બધું ચિત્રો થકી ઋતુલીલા નિહાળવા જેવું. એ યંત્રો બિચારાં એ ગાન સંભળાવે છે. પછી આંખો સામે એ મહેફિલો ખડી થઈ જાય છે. વર્ષોનાં વર્ષો પહેલાંની એ રાત્રીઓ જાણે ગઈકાલની જ લાગે છે અને એક જ કડી ફરીફરી કાનમાં ગુંજારવ કરી રહે છે, 'કબજે મેં થી બહાર, આજ કલકી બાત હૈં’ , ગઈકાલની જ વાત.
આજે મારી જિંદગી જગતનાં વિવિધ પ્રકારનાં કુદરતી અને માનવનિર્મિત દુઃખોના ડુંગર નીચે દબાઈ રહી છે એવું કાંઈ નથી. અપાર દુઃખો ભોગવનારા માણસો હું રોજ જોઉં છું. તોયે મારા ઘર સામેના ઝાડ પર અજાણ્યાં પક્ષીઓ આવીને ભૂપાળી (પ્રભાતિયાં) ગાઈ જતાં હોય છે. ક્યારેક હવાની એકાદી લહેરખી ઋતુચક્રે એક ઑર ફેરો ફર્યાંની વાત પણ કહી જાય છે. પણ ગૅલેરીમાંથી દેખાતી વાડ પાસેની પેલી ટચૂકડી વેલી પર એકાદા પંખીડાનું હળવેકથી ટપકી પડવું, ધીમા-ધીમા સરવડાંથી ભીંજાઈને ટપટપ ટીપાં પાડનારાં જાસૂદનાં પાંદડાં, ઘેરાઈ આવેલું સવારનું આકાશ; આ બધાંની એવી તે કાંઈ અસર થઈ આવે કે બેગમ અખ્તરના સૂરોની તરસ લાગી ઊઠે છે. પંખીડાનું એ ટપકી પડવું, પેલાં પાંદડાં પરનાં ટીપાંનું એ ટપકવું, ઓચિંતું ઘેરાઈ આવેલું આકાશ; આ બધું જેવું સહજ, જેવું કુદરતી અને ભીંજાઈને જેવું લથપથ એવું જ બેગમસાહેબનું ગાન. એ ઘેરાઈ આવનારા સૂર. લય પર એ આસ્તેકથી પોરો ખાવો. હું પોતે જ સવારની એક કવિતા થઈ જાઉં છું. એ કવિતાની પહેલી કડી પણ ‘ જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા’ એ જ હોય છે.
***
(મૂળ મરાઠી લેખ, मौज : 1979/ અનુવાદ : નવનીત-સમર્પણ: 2003. / પુલકિત-2005 / નિબંધ વિશ્વ: 2011, ઇમેજ પ્રકાશન. ‘સમીપે’, માર્ચ, 2014
પુ.લ.નો પોતાનો, સુનીતાતાઈ તેમ જ મહારાષ્ટ્રના અનેક પુ.લ.પ્રેમીઓનો બહુ બહુ બહુ ગમતો લેખ આ; પુ.લ.નો એક ઉત્કૃષ્ટ લેખ. જ્યારે દસ વર્ષ પહેલાં “નવનીત-સમર્પણ”માં છપાયેલો ત્યારે શ્રદ્ધેય રાસબિહારીભાઈ દેસાઈએ એની ઝેરૉક્સ કૉપી કરીને કેટકેટલાને વહેંચેલી. મુ. સુરેશભાઈ દલાલસાહેબે પણ તેમના છેલ્લા એક સંપાદન ‘નિબંધવિશ્વ’ માટે સામેથી આ લેખ માગેલો. લગભગ દસ વર્ષે ફરી નવેસરથી ડી.ટી.પી. કરવા મેં લીધો, થયું એની ઝેરોક્સ નથી મોકલવી. બેગમ સાથે રહેવું છે એમ વિચારીને; કારણમાં પુ.લ.નો તો અક્ષરેઅક્ષર બેગમનો સૂર બનીને હૈયાને ગોરંભી મૂકનારો. ‘સમીપે’ના લીધે આ અલભ્ય સામીપ્ય મને ફરી લાધ્યું, આભાર ‘સમીપે’.
સુનીતાતાઈએ પોતે મને કહેલી આ વાત. બેગમ જ્યારે પુણે પધારેલાં ત્યારે તેમનો કાર્યક્રમ પત્યે તેમને મળીને નીકળતી વખતે સુનીતાતાઈ આ વંદનીય ગાનસરસ્વતીને પગમાં પડીને અમારા મરાઠી રિવાજ પ્રમાણે ત્રિવાર નમસ્કાર કરવા ગયાં તો અધવચ્ચેથી જ બેગમે વાંકા વળીને સુનીતાતાઈને ઊભા કર્યાં અને એકદમ સંકોચાતાં, બે હાથ જોડીને કહ્યું, “नहीं नहीं, आप तो खानदानी लछ्मी हो, हमारे पैर मत छूओ !!! ”- અનુવાદક)
***
એ-1 સરગમ ફ્લૅટ્સ, ઈશ્વરભુવન રોડ, નવરંગપુરા, અમદાવાદ – 380 014, ભારત
e.mail : arunataijadeja@gmail.com