થોડા દિવસ પહેલાંના સમાચાર જણાવે છે કે પ્રિન્સ ચાર્લ્સે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લીધેલ લગભગ ૭૫ જેટલી મહિલા એજન્ટ માટેના સ્મૃિત ચિહ્નનું અનાવરણ કર્યું. રોયલ એર ફોર્સના ટેમ્સફર્ડથી (Wenn) ઉડ્ડાન ભરીને રવાના થયેલ એ બહાદુર લડાયક એજન્ટના બલિદાનની શૌર્ય ગાથાની નોંધ લેતું સ્મારક પ્રિન્સ ચાર્લ્સે ખુલ્લું મુક્યું. એ સ્મારક સ્તંભ પર સહુથી પ્રથમ નામ નૂર ઇનાયત ખાનનું વાંચવામાં આવતાં જ એના વિશેની જાણકારી વાચકો સમક્ષ મુકવાની મારી ફરજ અદા કરું છું.
નૂરુન્નીસા ઇનાયત ખાન ઉર્ફે નોરા બેકર – એ નામધારી વ્યક્તિ વિષે જાણવાનો પ્રયત્ન કરીએ તો તેના જીવનની એક પછી એક ઘણી કડીઓ ખુલશે અને એ વાંચતાં અાપણા મનમાં ય ગૌરવની શતદલ પાંખડીઓ ખીલી ઊઠશે.
૧ જાન્યુઆરીને ૧૯૧૪ને દિવસે નૂરુન્નીસાનો જન્મ મોસ્કોમાં થયો. એ વાતને આવતે વર્ષે આપણે તેની જન્મ શતાબ્દી તરીકે ઉજવીશું. તેના પિતાજી હઝરત ઈનાયત ખાન વડોદરામાં જન્મીને મોટા થયેલા. આથી નૂર ઇનાયત ખાનને મૂળ ગુજરાતના ફરજન્દની સુપુત્રી માનવાનું ગૌરવ અનુભવું છું. જ્ઞાનશાળાના સ્થાપક મૌલાબક્ષના ફરજંદ હોવાને કારણે ભારતીય શાસ્ત્રીય સંગીત હઝરત ઈનાયત ખાનને ગળથૂથીમાં મળેલું. તેમાં વિવિધ ધર્મી અભ્યાસુઓનો સત્સંગ થતાં તેમનામાં સૂફી પંથનાં બીજ રોપાયાં જે તેમને અમેરિકા અને રશિયા જેવા દેશોમાં લઈ ગયાં અને આજે તેઓ પશ્ચિમને સૂફી પંથનો સૌ પ્રથમ પરિચય કરાવનાર તરીકે ઓળખાય છે. વળી તેઓ બ્રિટિશ સલ્તનત સામે ઝઝૂમતાં માર્યા ગયેલ શૂરવીર ટીપુ સુલતાનના વારસ પણ હતા. એટલે કે નૂરના પિતા સૂફી સંગીતજ્ઞ અને ટીપુ સુલતાનના વારસ હોવાનું બેવડું મહત્ત્વ ધરાવતા હતાં.
નૂરનાં માતા Ora Ray Baker મૂળે અમેરિકાનાં રહીશ અને Mary Baker Eddy કે જે Christian Science Movementનાં સ્થાપકોમાંના એક હતા તેમનાં ભત્રીજી હતાં. હઝરત ઈનાયત ખાનને પરણ્યા પછી તેઓ અમીના બેગમના નામે ઓળખાતાં હતાં. આવા સુસંસ્કૃત માતા-પિતાને ખોળે જન્મેલી નૂરને લઈને ઈનાયત ખાન લંડન ગયા, જ્યાં વિલાયત ખાન (૧૯૧૬), હિદાયત ખાન (૧૯૧૭) અને પુત્રી ખૈરુન્નીસા(૧૯૧૯)નો જન્મ થયો. ઇ.સ. ૧૯૨૦માં સૂફી પંથના પ્રચાર અર્થે આ પરિવાર ફ્રાંસ ગયો અને બે-ત્રણ જગ્યાએ ટુંક સમય માટે નિવાસ કરીને, છેવટ પેરિસમાં Suresnes Houseમાં સ્થાયી થયાં, જેને ‘ફઝલ મંઝીલ’ નામ આપ્યું. ઘરની અંદર હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી મુખ્ય ભાષા તરીકે બોલાતી હતી તેમાં ફ્રેન્ચનો ઉમેરો થયો. બધાં બાળકો ગુજરાતી/ભારતીય પોષક પણ પહેરતાં. મૌલાબક્ષનો સંગીતનો વારસો અહીં પણ જળવાઈ રહ્યો અને ખૈરુન્નીસા હાર્પ, હિદાયત વાયોલીન, વિલાયત ચેલો અને નૂર પોતે વીણા, પિયાનો તથા હાર્પ વગાડવામાં કુશળ બન્યાં.
આ સુખી પરિવાર પર એક દિવસ વીજળી ત્રાટકી. ઇ.સ. ૧૯૨૭માં પિતા ઇનાયત ખાન તેમની ભારતની મુલાકાત દરમ્યાન અચાનક બીમારીનો ભોગ બન્યા અને ત્યાં જ તેમનું અવસાન થયું. ૧૩ વર્ષની કુમળી વયે નૂર ઉપર માતાને આશ્વસ્ત કરવાની અને નાનાં ભાંડરુઓને સંભાળવાની કપરી જવાબદારી આવી પડી. કાળક્રમે એ ઘા રૂઝાયો અને ઇનાયત ખાનનો પરિવાર જીવનને પ્રગતિ તરફ આગળ ધપાવવામાં સફળ થયો.
નૂરની સંસ્કાર યાત્રા સંગીતથી આગળ વધી અને તેણે ૧૯૩૮માં વીસ જાતક કથાઓ કહેવાનું શરૂ કર્યું જે ફ્રાન્સના “Le Figaro”ના બાળ વિભાગમાં આવવાથી ઘણી પ્રસિદ્ધિ પામી
અને લોકપ્રિય પણ બની. પરિણામે પરીસ રેડિયો પર બાળકો માટેના કાર્યક્રમમાં નૂર વાર્તાઓ વાંચવા લાગી, જે પછીથી તે બી.બી.સી. લંડનથી પણ પ્રસારિત કરતી. તેવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફ્રાન્સમાં રહેવાનું અસલામત લાગતાં અમીના બેગમ બાળકોને લઈને લંડનમાં સ્થાયી થયાં.
યુદ્ધમાં ઝખ્મી થયેલા સૈનિકોની સારવાર કરવાની લગન નૂરના મનમાં જાગી અને ૧૯ નવેમ્બર ૧૯૪૦માં તે Women’s Auxiliary Air Forceમાં Nora Bakerના નામથી જોડાઈ, જેથી WAAF તેની ભરતીનો સ્વીકાર કરે. નૂરે વાયરલેસ ટેલીગ્રાફીસ્ટ તરીકે તાલીમ મેળવી અને ૧૯૪૨માં વિમાની દળમાં આગેવાની ભર્યું સ્થાન મેળવીને બઢતી પામી. તેનો ભાઈ વિલાયત ખાન પણ રોયલ નેવીમાં સેવા આપવા ભરતી થયો.
નૂરની ફ્રેન્ચ ભાષાની જાણકારીનો લાભ લઈને ફ્રાન્સના Resistance Group માટે જાસુસી સેવાઓ આપવા માટે તેની નિમણુંક કરવામાં આવી. તે વખતે ફ્રાંસ જર્મનીના તાબામાં હતું અને નૂર પહેલી મહિલા વાયરલેસ ઓપરેટર તરીકે ત્યાં નિમાયેલી. તે લંડન સંદેશાઓ મોકલતી તેના પર હિટલરની ખુફિયા પુલિસ (જાસુસી દળના માણસો) અને નાઝી સરકારને ટેકો આપનારાઓ ચાંપતી નજર રાખતા. નૂરને આ કામ અને જગ્યા છોડીને લંડન જતા રહેવાની તક અપાયેલી. તેનો ઇન્કાર કરીને પણ એ પોતાનું અતિ જોખમ ભરેલું કામ કરવા ફ્રાંસમાં રહી. એક સ્ત્રી તરીકે તેનામાં હિંમત નથી અને આ કામ સ્ત્રીઓ માટે વધૂ જોખમી છે એમ કહેનારાઓને પોતાની હિંમત અને જરૂર પડ્યે શહાદત વહોરીને પણ સ્ત્રી જાતિની અમાપ શક્તિનું ભાન કરાવવા માગતી હતી.
ઓક્ટોબર ૧૯૪૩માં એક બાતમીદારે જર્મન ગુષ્ટાપોને નૂર લંડન સ્થિત Special Operations Executiveને લડાઈની બાતમી મોકલતી રહે છે એ હકીકત જણાવી એટલે તેની ધરપકડ કરવામાં આવી. નૂરનો બાથરૂમની બારીમાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. તે પછી બારીના સળિયા ઢીલા કરીને કાઢી લેવાના પ્રયત્નમાં પણ પકડાઈ જવાને કારણે તે ખૂબ જોખમી કેદી ગણાવા લાગી અને ૧૯૪૩ના નવેમ્બરમાં જર્મનીના Pforzheim નામના કારાગારમાં તેને ખસેડવામાં આવી. અહીં તેને સાંકળોથી બાંધી, એકાંતવાસમાં રાખીને મધ્યકાલીન સમયમાં ગુજારાતા તેવા અત્યાચારો તેના પર વિતાવવામાં આવ્યા. આટલું કષ્ટ વેઠ્યા છતાં ય તેણે પોતાના કામની બાતમી દુશ્મનોને ન આપી, કેમ કે તેનો હેતુ ફ્રાન્સના લોકો હિટલરના જુલ્મો સામે માથું ઉંચકવા માગતા હતા તેમને માટે બ્રિટનનો ટેકો મેળવવાનો હતો. આ સમગ્ર લડાઈ દરમ્યાન તેણે પોતાના ઉપરી અમલદારોને કહેલું કે તે બ્રિટનની નાગરિક હોવાને કારણે બ્રિટનની સરકારના હુકમોનું પાલન કરે છે, પરંતુ મનથી તે મહાત્મા ગાંધીના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ટેકો આપે છે.
નૂરની બ્રિટન તરફની અડગ વફાદારીને કારણે બીજી ત્રણ મહિલા એજન્ટ્સ સાથે તેને પણ દક્ષિણ જર્મનીના Dachau Concentration campમાં લઈ જવામાં આવી અને ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૪ને દિવસે ગોળીથી તેના દેહને વીંધી દેવામાં આવ્યો. આ વિરાંગનાના અંતિમ ઉદ્ગારો હતા : “Liberte”.
મુક્તિનો પૈગામ આપનાર નૂરને ફ્રાન્સની સરકારે ૧૯૪૬માં Croix de Guerre અને બ્રિટિશ સરકારે ૧૯૪૯માં George Crossથી સન્માનિત કરેલી. માત્ર ચાર મહિલાઓને જ જ્યોર્જ ક્રોસ આપવામાં આવ્યો છે અને તેમાં નૂર એક માત્ર મરણ પશ્ચાત આ માન મેળવવાને પાત્ર ઠરી છે.
આ વીરાંગનાનું જીવન અને યુદ્ધ સમયમાં બતાવેલ હિંમત સમસ્ત નારી જગત માટે દ્રષ્ટાંત રૂપ છે. આજે ચારે તરફ ફાટી નીકળેલી હિંસાત્મ્ક લડાઈઓ આવા વીરો/વીરાંગનાઓની કુરબાનીની યાદ તાજી કરાવે છે. નૂરની શહાદતને આપણા ઝાઝેરા ઝુહાર.
e.mail : 71abuch@gmail.com