હું જાણું છું આ ધૂળ -આ ગામની- ગામેગામની સૌથી વધુ જીવંત અને અદ્ભુત ચીજ છે
આપણા પૂર્વજો
જન્મ્યા, ઉછર્યા, હરખશોકમાં રમ્યા
ને સમય આવ્યે શમ્યા
આ ધૂળમાં.
આ ભૂમિ પર
આપણી આસપાસ
ચોમેર વેરાયેલાં નિરાળાં સૌંદર્યનું મૂળ
આ ધૂળમાં.
આ ધૂળનાં એક એક કણમાં
જીવંત છે કશુંક
એમાં ઢબૂરાઈને રહેલી છે
અનંત સંભાવનાઓ.
આદિ કાળથી
સાવ ધૂળ જ રહ્યા કરી છે
આ ધૂળ.