૧૭
આ ઉપરાંત ફાર્બસનાં કેટલાંક લખાણો એ વખતના સામયિક ‘બોમ્બે ક્વાર્ટરલી રિવ્યૂ’માં પણ પ્રગટ થયાં હતાં. પણ તે વખતનાં બીજાં ઘણાં સામયિકોની જેમ આ સામયિકની નીતિ પણ લેખકના નામ વગર જ લખાણો છાપવાની હતી. એટલે આ સામયિકમાંના કયા લેખો ફાર્બસના લખેલા છે તે કહેવું થોડું મુશ્કેલ છે. પણ કેટલાક લેખો વિષે ઠીક ઠીક ખાતરીથી કહી શકાય કે તે ફાર્બસના લખેલા છે. એપ્રિલ ૧૮૫૭ના અંકમાં ‘Indian Architecture’ નામનો લેખ છપાયો છે. ફાર્બસે પોતે ગુજરાતના સ્થાપત્યનો સારો એવો અભ્યાસ કર્યો હતો. આ લેખમાં તેમણે બીજા બ્રિટિશ અભ્યાસીઓને સલાહ આપી છે કે જો આ દેશના ભવ્ય ભૂતકાળ વિષે જાણવું હોય તો તેનાં શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કરવો જરૂરી છે. જુલાઈ ૧૮૫૭ના અંકમાં ફાર્બસે સર જોન માલ્કમના જીવનચરિત્રના પુસ્તકનું અવલોકન લખ્યું હતું. તેમાં તેમણે અલબત્ત, આડકતરી રીતે, પણ આ દેશનું શાસન કઈ રીતે ચલાવવું જોઈએ એ અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અવલોકનને અંતે ફાર્બસ કહે છે :
“સર જોન માલ્કમે જે ડહાપણભર્યા સિદ્ધાંતો રજૂ કર્યા હતા તેના કરતાં છેલ્લા કેટલાક વખતમાં આપણે આપણી વર્તણૂકમાં કેટલા તો દૂર ચાલ્યા ગયા છીએ એ જોઈ ગ્લાનિ થાય. હિન્દુસ્તાનના રીત રિવાજો અને ભાવનાઓ પ્રત્યે આપણા લશ્કરના અને સનદી સેવાના અધિકારીઓ આપવડાઈભરેલી ઘૃણા સેવે છે તે જોઈ ચિંતા થયા વગર રહે નહિ.”૩૯
આ વાંચતી વખતે એ વાત યાદ રાખવી જોઈએ કે આ શબ્દો એક બ્રિટિશ અમલદારે લખ્યા છે, અને તે પણ જ્યારે બ્રિટિશ સરકાર ૧૮૫૭ના ‘બળવા’ને શમાવવા મથી રહી હતી ત્યારે લખ્યા છે.
જુલાઈ ૧૮૫૮ના અંકમાં ‘ઔન્ધ’ મથાળા હેઠળ એક લેખ પ્રગટ થયો છે. આ લેખ પણ ઘણુંખરું ફાર્બસનો લખેલો છે. આ લેખમાં કહ્યું છે :
“એક રાજા સામે જીત મેળવીને તો બીજા પાસે રાજ્ય-ત્યાગ કરાવીને પશ્ચિમ હિન્દુસ્તાનમાં આપણે ઘણો પ્રદેશ તો મેળવ્યો, અને મુસ્લિમ કે મરાઠા રાજવટે પણ જેમને પોતાના તાબેદાર નહોતા બનાવ્યા તેવા રાજાઓને આપણા તાબેદાર પણ બનાવ્યા, પણ તેમ કરતી વખતે તેમના વંશપરંપરાગત અને લાંબા વખતથી સ્થાપિત હક્કો અને ખેડૂતોના મહેસૂલ અંગેના કામચલાઉ હક્કો વચ્ચે આપણે કશો તફાવત ન જોયો-જાણ્યો.”૪૦
એક વફાદાર બ્રિટિશ અમલદાર તરીકે વખતોવખત શાસન અંગેનાં જે કામો કરવાનાં થયાં તે બધાં ફાર્બસે પૂરી નિષ્ઠાથી કર્યા. પણ સાથોસાથ તેઓ એ વાત પણ સમજી ગયા હતા કે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ શાસક અને શાસિત વચ્ચેના સંબંધોનું સ્વરૂપ બદલાતું જશે. સપ્ટેમ્બર ૧૮૬૫ના અંકમાં ફાર્બસને અંજલિ આપતા લેખમાં ‘બોમ્બે ક્વોર્ટરલી રિવ્યૂ’એ લખ્યું હતું :
“બ્રિટનમાં જે સિદ્ધાંતો, સંસ્થાઓ, વગેરે વિકસ્યાં છે, અને જેને લીધે આજે તે આખી દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી બની શક્યું છે તે જ સિદ્ધાંતોને આધારે હિન્દુસ્તાન પર શાસન કર્યા સિવાય બ્રિટનનો છૂટકો નથી એ વાત ફાર્બસ સમજતા અને સ્વીકારતા હતા. અલબત્ત, હજી હિન્દુસ્તાન એ દિશામાં પા પા પગલી માંડી રહ્યું છે એટલે સ્વાભાવિક રીતે જ કેટલીક મર્યાદાઓ તો રહેવાની. પણ કાળક્રમે ગુલામીની દશામાંથી ફેડરેશનની દિશા જ આપણે સ્વીકારવી પડવાની. બ્રિટન અને હિન્દુસ્તાન વચ્ચેનો સંબંધ છેવટે તો એ રૂપે જ ચાલુ રહી શકવાનો.”૪૧
(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com