Opinion Magazine
Number of visits: 9839043
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—340

દીપક મહેતા|Opinion - Opinion|10 May 2026

મુંબાપુરીનું પુલ–પુરાણ : અધ્યાય પહેલો     

એક સીધો સાદો સવાલ: ‘પુલ’ એટલે શું? ગુજરાતી શબ્દના અર્થ માટે પહેલાં તો સાર્થ ગુજરાતી જોડણીકોશને જ પૂછવાનું હોય ને? એ શું જવાબ આપે છે? કહે છે, ‘પુલ’ એટલે ‘સેતુ.’ હકીકતમાં આ ‘અર્થ’ નથી, પર્યાય છે. પણ ચાલો, એને જ પૂછીએ કે ‘સેતુ’ એટલે શું? જવાબ હાજર છે: ‘પુલ.’ આવી વ્યવસ્થાને ‘સાર્થ’ કઈ રીતે કહી શકાય? ‘સેતુ’ શબ્દ લઈને હવે જઈએ ભગવદ્ગોમંડળ કોશ પાસે. એનો જવાબ છે : “પુલ; પાણી ઉપર થઈને જવા આવવા માટે બાંધેલો રસ્તો. આજકાલ મુખ્યત : ચાર પ્રકારના સેતુ બનાવવામાં આવે છે : (૧) ગર્ડર બ્રિજ-લોઢાના ગર્ડરોનો બનાવેલો પુલ; (૨) આર્કબ્રિજ-ગોલાકાર પુલ; (૩) સસ્પેન્શન બ્રિજ-ઝુલતો પુલ, જેમાં થાંભલા હોતા નથી. અને (૪) ઓપનિંગ બ્રિજ – વહાણોની આવજા કરતી વખતે ઊડતો પુલ.” ખાસ્સી વિગતવાર સમજણ આપી છે, ‘પુલ’ શબ્દની. પણ અહીંયા એક મુશ્કેલી છે: માત્ર પાણી ઉપર થઈને જવા-આવવાનો રસ્તો એ અર્થ મર્યાદિત છે. પાણી પાર કરવા પુલ બંધાય તેમ રસ્તો કે ટ્રેનનાં પાટા પાર કરવા માટે પણ બંધાય. બીજા રસ્તાઓ પર પણ બંધાય. 

હા, જી. અમે જાણીએ છીએ કે અમારા માનવંતા વાચકો વિચારતા હશે કે આજે આ શબ્દાર્થ પુરાણ કેમ માંડ્યું છે?

ગાડાં–ગાડીને ધ્યાનમાં રાખીને ૧૮૭૯માં બંધાયેલો હેન્કોક બ્રિજ 

કારણ આજે માંડવું છે મુંબઈનું પુલ-પુરાણ. આ આપણું મુંબઈ શહેર મુખ્યત્વે ફેલાયું છે દક્ષિણથી ઉત્તર દિશામાં. એટલે ધોરી રસ્તાઓ પણ મોટા ભાગના દક્ષિણ-ઉત્તર. ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે અને બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપનીઓએ જે ટ્રેનો શરૂ કરી તે પણ દક્ષિણ-ઉત્તર ટ્રેનો. પરિણામે ૧૮૫૩થી ટ્રેનો ચાલતી થઈ તે પછી મુંબઈનો પશ્ચિમ કિનારો અને પૂર્વ કિનારો અને તેની આસપાસનો પ્રદેશ બે ભાગમાં વહેચાઈ ગયા. મુંબઈનાં બધાં બંદર તેના પૂર્વ કિનારે. એટલે લાવવા-લઈ જવાનો બધો સામાન મોકલવાનો પૂર્વ કિનારે આવેલાં બંદરોએ. અને બહારથી આવેલો સામાન બંદરો પર ઊતરે પછી તેને મોકલવાનો બાકીની ત્રણ દિશામાં. મુંબઈમાં ટ્રેન આવી નહોતી ત્યાં સુધી તો બધું હેમખેમ ચાલતું રહ્યું. પણ વચમાં ટ્રેનના પાટા આવ્યા પછી? પહેલાં તો ફાટકની વ્યવસ્થા થઈ. એક જમાનામાં લગભગ દરેક સ્ટેશન પાસે ફાટક હોય જ. ચાલતા લોકો, વાહનો, વગેરે સૌ આ ફાટકનો ઉપયોગ કરીને રેલવે લાઈનની એક બાજુથી બીજી બાજુ પહોંચે.

પણ બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો જરા લાંબો હોય ત્યારે જ ફાટક ખૂલે. પછી ઝડપથી બંધ. માલ લાવતાં-લઈ જતાં વાર થાય તે ન તો વેપારીને પોસાય, ન તો વહાણવટીઓને પોસાય. તો કરવું શું? અને જવાબ રૂપે બંધાયો મુંબઈનો પહેલવહેલો પુલ કહેતાં સેતુ કહેતાં બ્રિજ. તેનું નામ હેન્કોક બ્રિજ. મુંબઈના આ પહેલવહેલા પુલ સાથે જેમનું નામ જોડાયું એ હેન્કોક હતા કોણ? ઇન્ગ્લંડમાં એન્જિનિયરીંગનો અભ્યાસ. ૧૮૫૪માં ૧૯ વરસની ઉંમરે હિન્દુસ્તાન આવ્યા. દસ વરસ લશ્કરમાં એન્જીનિયર તરીકે કામ કર્યા પછી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર બાંધકામ ખાતા(PWD)માં જોડાયા અને એ વખતે મુંબઈમાં બંધાતાં રસ્તા, સરકારી ઇમારતો વગેરેના બાંધકામ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. આ રીતે તેમણે વીસ વરસ સુધી કામ કર્યું. વખત જતાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા. ૧૮૮૫માં તેમનું અવસાન થયું.

મુંબઈમાં રેલવે લાઈનને ઓળંગતો પહેલવહેલો પુલ બંધાયો ત્યારે તેની સાથે આ હેન્કોકનું નામ જોડવામાં આવ્યું. ૧૮૭૯માં હેન્કોક બ્રિજ બંધાઈ રહ્યો ત્યારે હેન્કોક હયાત હતા, મુંબઈમાં જ હતા. મુંબઈનાં જાહેર બાંધકામો અંગેના તેમના ફાળાને ધ્યાનમાં રાખીને આ પુલ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. કેટલાકને મતે આ પુલની ડિઝાઈન પણ હેન્કોકે પોતે જ તૈયાર કરી હતી. તેની એક ખાસ બાબત એ કે પુલનો બંને બાજુનો ઢોળાવ (slope) જરા ય ઊભો (steep) નથી, પણ બને તેટળો સરળ છે. આને કારણે એ પુલ ખાસ્સો લાંબો બન્યો હતો. પણ આમ કરવાનું કારણ? કનૈયાલાલ મુનશીની આત્મકથાના એક પુસ્તકનું નામ છે ‘સીધાં ચઢાણ’. મુનશી જેવા બાહોશ વકીલ અદાલતોમાં ગમે તેટલાં સીધાં ચઢાણ આસાનીથી ચડી શકતા. પણ પૂર્વની કિનારાપટ્ટીથી સામાન લાવતાં કે લઈ જતાં ગાડાના બેલની બિચારાની શી વિસાત, કે કપરાં ચઢાણ ચડી શકે? એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખીને આ પુલનો બંને બાજુનો ઢોળાવ બને તેટલો સરળ રાખવામાં આવેલો. અને આ દૂરંદેશી હતી તેની ડિઝાઈન બનાવનાર હેન્કોકની.

ફ્રેંક હેન્કોક – હિન્દુસ્તાનમાં રહેલી આગલી છ પેઢીનો ઇતિહાસ શોધી કાઢ્યો 

આ હેન્કોક કુટુંબનો મુંબઈ સાથેનો સંબંધ છ પેઢી જૂનો છે. જેમનું નામ આ પુલ સાથે જોડાયું છે તેમનું આખું નામ કર્નલ હેન્રી ફ્રાન્સિસ હેન્કોક. તેમના પિતા ૧૮૧૯માં પહેલી વાર હિન્દુસ્તાન આવ્યા, બ્રિટિશ લશ્કરના એક સામાન્ય સિપાઈ તરીકે. તેમના દીકરા હેન્રી ૧૮૫૫માં મુંબઈના બ્રિટિશ લશ્કરમાં એક સામાન્ય સોલ્જર તરીકે જોડાયા. લશ્કરમાં થોડો વખત કામ કર્યા પછી બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયા, ઇજનેર તરીકે. તેમના દીકરા ફ્રાન્સિસ પણ લશ્કરમાં જોડાયા, પણ પછી સિવિસ સર્વિસની પસંદગી કરી અને કાઠિયાવાડ અને એડનમાં પોલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું. (એડન એ વખતે મુંબઈ ઈલાકાનો ભાગ હતું.) તેમના દીકરા કાર્લ હેન્કોક, ૧૮૯૬માં જન્મ. ગ્રેટ બ્રિટનની વેલિંગટન કોલેજ અને રોયલ મિલિટરી કોલેજમાં અભ્યાસ. ૧૯૧૬માં ૧૧૪ મરાઠા રેજીમેન્ટમાં જોડાયા. પછી તેમણે પણ સિવિલ સર્વિસનો રસ્તો લીધો. ૧૯૧૯માં બોમ્બે પોલિટિકલ ડિપાર્ટમેન્ટમાં બદલી લીધી. ૧૯૨૦માં મુંબઈના ગવર્નરના અસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી. પછી દિલ્હી જઈ વાઈસરોયના અસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી. ૧૯૨૩માં રાજકોટના પોલિટિકલ એજન્ટના સેક્રેટરી. ૧૯૨૫માં રાજપુતાના (આજનું રાજસ્થાન)ના રેસિડન્ટના સેક્રેટરી. પછી ૧૯૨૯માં ભરતપુરના દેશી રાજ્યના ‘પ્રાઈમ મિનિસ્ટર’ બન્યા. ૧૯૩૨માં દિલ્હી જઈ સરકારના પોલિટિકલ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી. ૧૯૩૯માં પૂર્વ ભારતના દેશી રાજ્યોના રેસિડન્ટ તરીકે કલકત્તામાં નિમણૂક. ૧૯૪૧માં પશ્ચિમ  ભારતનાં દેશી રાજ્યો, તથા બરોડા અને રાજકોટનાં દેશી રાજ્યોના રેસિડન્ટ બન્યા. ૧૯૪૭માં નિવૃત્તિ લઈ સ્વદેશ ગયા અને ત્યાં ૧૯૯૦માં તેમનું અવસાન થયું. આવી લાંબી કારકિર્દી દરમ્યાન તેઓને સરસાહેબનો માનવંતો ઈલ્કાબ મળ્યો હતો. 

આ જ કુટુંબના જયોફ્રી હેન્કોક ભારતમાં ઊછર્યા, ભણ્યા, પછી બ્રિટિશ ફોરેન સર્વિસમાં જોડાયા અને કારકિર્દીનો મોટો ભાગ અખાતના દેશોમાં કામ કર્યું. તેમના દીકરા ફ્રેંક એક બ્રિટિશ બેન્કમાં જોડાયા અને ૧૯૯૪માં ભારત આવ્યા. પણ તેમની પત્ની અને ત્રણ દીકરીઓ આયર્લેન્ડમાં રહેતાં હોવાને કારણે મુંબઈ અને આયર્લેન્ડ વચ્ચે અવારનવાર આવજા. ૨૦૧૬માં બેન્કની નોકરી છોડીને Hakluyt નામની આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોડાયા. Induface નામની આંતરરાષ્ટ્રીય સલાહકાર કંપનીના પણ તેઓ ડિરેક્ટર છે. કેટલાક સ્થાનિક જાણકારોની મદદ લઈને દસ વરસની શોધખોળ પછી તેમણે પોતાની આગલી છ પેઢીનો હિન્દુસ્તાન સાથેના સંબંધનો ઇતિહાસ શોધી કાઢ્યો, જેની રૂપરેખા ઉપર આપી છે.   

દસ વરસની મહેનત અને ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી બંધાયેલો અડધો હેન્કોક બ્રિજ

બ્રિટિશ રાજવટ દરમ્યાન જ ૧૯૨૩માં એ અસલ હેન્ગ્કોક બ્રિજ તોડીને તેની જગ્યાએ નવો પુલ બાંધવામાં આવ્યો. એ વખતે સંજોગો બદલાયા હતા. માલસામાનની હેરાફેરી માટે ખટારા પણ વપરાતા થયા હતા. એટલે બ્રિજનો બંને બાજુનો ઢાળ બીજા સામાન્ય પુલ જેવો જ રાખવામાં આવ્યો. પછી તો આવી આપણી પોતાની રાજવટ. ૨૦૧૬ના જાન્યુઆરીમાં આ બ્રીજ તોડી પાડવામાં આવ્યો. પણ કેમ? કારણ એ જૂનો થઈ ગયો છે, લોકો માટે જોખમરૂપ છે, વગેરે. પછી તેની જગ્યાએ બાંધવાનો નવો પૂલ. ડિઝાઈનો તૈયાર થઈ, ટેન્ડરો અપાયાં, કામ શરૂ થયું, પણ આજે દસ વરસ પછી પણ તેવો પુલ પૂરેપૂરો બંધાઈ રહ્યો નથી! અડધો ભાગ બંધાયો તે ખુલ્લો મૂકી દીધો. બાકીનો અડધો અદ્ધર લટકે છે. કમલાકર શેનોય નામના એક મુંબઈ-ચાહકે અદાલતમાં ધા નાખી. તપાસ દરમ્યાન જણાયું કે આ પુલ જોખમકારક છે, તેને તોડી પાડવો જોઈએ એવું જણાવતો કોઈ જાણકારનો અહેવાલ સરકારી દફતરે નોંધાયો જ નથી! એટલું જ નહિ, વધુ તપાસ કરતાં જણાયું કે સમારકામ કરીને આ પુલને બચાવી શકાયો હોત. પુલ જોખમી હોવાની વાત કોના લાભ માટે ઉપજાવી કઢાઈ હોય એ સુજ્ઞ વાચકોને કહેવાનું ન હોય. નવો પુલ બાંધવાનું નક્કી થયું ત્યારે તેની પાછળ ૪૧.૩૧ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. ૨૦૨૬ સુધીમાં એ કામ પાછળ એક સો કરોડ કરતાં વધુ રૂપિયા ખરચાઈ ગયા છે અને તો ય પુલનું બાંધકામ પૂરું થયું નથી. 

હેન્કોક બ્રિજ – કામ અભી ચાલુ હૈ 

અસલ પુલને તો બચાવી ન શકાયો. પણ કમલાકર શેનોયની અદાલતી લડત ચાલુ છે. કેમ? શેનોયનું કહેવું છે કે જૂનો પુલ તો ગયો તે ગયો. પણ હવે નવા પુલનું કામ તો ઝટ પૂરું કરો બાપલા! પુલ અધૂરો હોવાને કારણે લોકોને કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે, એ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ કેટલું વધ્યું છે, વગેરે દાખલા-દલીલ શેનોયે અદાલતમાં રજૂ કર્યાં છે. પણ એક બાજુથી તારીખ પર તારીખ. અને બીજી બાજુથી સત્તાવાળાઓના બહેરા કાન!

એ પુલનું બાંધકામ તો જ્યારે પૂરું થવાનું હશે ત્યારે થશે. પણ આપણે તો આવતે અઠવાડિયે પહોંચી જશું મુંબઈના બીજા કોઈ પુલ પર. અને ત્યાંથી જોશું એ પુલનો ભૂતકાળ, વર્તમાન, અને ભવિષ્ય. પાછા મળશું મુંબઈના બીજા કોઈ પુલ પર.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 09 મે 2026

Loading

10 May 2026 Vipool Kalyani
← ગુજરાત UCCમાં સ્ત્રી  
MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય →

Search by

Opinion

  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ગુજરાત UCCમાં સ્ત્રી  
  • વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો
  • નકો નકો ચૂંટણી હાજરાહજૂર : લોકશાહીનો સ્વાંગ બરકરાર
  • ફરિયાદ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved