ભાષા-સાહિત્યના ભાગ્યે જ કોઈ ભાવક હશે જે ૧૯મી સદીની શરૂઆતમાં લખાયેલી ‘ડેફોડિલ્સ’ કાવ્યની સુપ્રસિદ્ધ પંક્તિઓ :
I wandered lonely as a cloud
That floats on high o’er vales and hills,
When all at once I saw a crowd,
A host, of lovely daffodils;
Beside the lake, beneath the trees,
Fluttering and dancing in the breeze.
અને
The Child is father of the Man;
And I could wish my days to be
bound each to each by natural piety.
જેવી અર્થઘન પંક્તિથી અપરિચિત હશે. આ પંક્તિઓના સર્જક અને જે ભૂમિ આ અને આવાં સર્જનોની ગંગોત્રી છે એના પર પગ મૂકતાં કોઈને ચારધામ યાત્રા કરતાં જે રોમાંચ અને વિનમ્રતાની અનુભૂતિ થાય એવી જ અનુભૂતિ થઈ. ૨,૦૨૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો લેઇક ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખાતો વિસ્તાર એ ઇંગ્લૅન્ડનો સૌથી મોટો નૅશનલ પાર્ક છે અને અંગ્રેજી સાહિત્યમાં રોમૅન્ટિસિઝમનો પંથ કંડારનાર કવિઓનો પ્રેરણાસ્રોત અને સર્જનભૂમિ છે. આ પ્રદેશ એટલે પણ વિશિષ્ટ છે કે એના દ્વારા એક નહીં, પણ અનેક કવિઓ અને કલાકારો ક્યાં તો પ્રેરિત થયા અથવા ત્યાં સ્થાયી થઈને જીવન વિતાવ્યું. વળી, આ પ્રદેશે કલાઓની એક કહેવાતી ‘સ્કૂલ’ અથવા શૈલીને જન્મ આપ્યો જેનો ઉલ્લેખ આજે અંગ્રેજી કવિતાની કે ચિત્રકળાની ‘લેઇક સ્કૂલ’ તરીકે થાય છે.
વર્ડ્ઝવર્થ ઉપરાંત સેમ્યુઅલ ટેઇલર કોલરીજ, રોબર્ટ સાઉથી, જ્હૉન રસ્કિન, કિટ્સ, શેલી, વગેરે લેઇક સ્કૂલના કવિઓ તેમ જ પીટર રેબિટની બાળવાર્તાઓ થકી નામના મેળવનાર બીએટ્રિક્સ પોટર અને પોસ્ટમૅન પેટની બાળકોની પ્રિય શ્રેણીના કર્તા જ્હૉન કનક્લિફ ઉપરાંત અનેક વૉટર કલર અને તૈલચિત્રો દ્વારા આ પ્રદેશની કલાત્મક ઝાંખી કરાવનાર ચિત્રકળાની રોમૅન્ટિક સ્કૂલના સર્જકો પૈકી મોખરાના જે.ડબ્લ્યુ. ટર્નર વગેરેએ અહીંના વાતાવરણમાંથી પ્રેરણા મેળવી હતી. માત્ર ઓગણીસમી સદીના સર્જકો જ શું કામ, એકવીસમી સદીનાં લોકપ્રિય અમેરિકન ગાયિકા અને ગીતકાર ટેઇલર સ્વિફ્ટે પણ આ પ્રદેશના મબલખ સૌન્દર્યની પ્રશંસા કરતાં પોતે ત્યાં જ નિવૃત્ત થઈ ઠરીઠામ થાય એવું સ્વપ્નિલ ગીત લખીને ગાયું, જે ૨૦૨૧માં પ્રસિદ્ધ થયું છે.
અમે પહોંચ્યાં ત્યારે જૂન મહિનો સમાપ્તિને આરે હતો, વસંત સોળે કળાએ ખીલી હતી અને ત્યારે કવિ વિલિયમ વર્ડ્ઝવર્થની ઉપરોક્ત પંક્તિઓ સાક્ષાત્ થતી લાગી. વસંત ઠરીઠામ થઈ હતી એટલે હવામાં હળવો ગરમાટો હતો. સૂર્યના સૌમ્ય તડકાની ક્ષણેક્ષણ માણવા ઉત્સુક સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ ટહેલતા હતા કે સરોવરોના કિનારે સૂર્યસ્નાન કરતા હતા. તો કોઈક વળી નાની હોડીઓ લઈને પાણી પર સહેલગાહની મજા માણી રહ્યા હતા. લીલું ઘાસ ચરતાં સફેદ ઘેટાંના સમૂહો જોતાં એક અદ્દભુત શાંતતા અનુભવાતી હોય છે. ઘાસ લીલું છે અને ધણ એને ચરે છે. વિશ્વના કર્તાએ કરેલી અસીમ કૃપાનું જાણે કે એ સુંદર પ્રતીક છે. અમે અમારો નિવાસ કેસિક નામના ગામમાં રાખી ત્યાંથી આખો વિસ્તાર ફરવાનું રાખ્યું હતું. ત્યાંનાં દસ જળાશયો ફરતાં હતાં ત્યારે ટેકરીઓ અને ડુંગરો પર ઘડીક વાદળ છવાઈ જતું અને પછી એ જ રીતે હળવેથી સરકી જતું. સાંજ થતાં તો વર્ષારાણીની છડી પોકારતી મેઘગર્જના શરૂ થતી અને ટેકરીઓ કાળાંભમ્મર વાદળોની ચાદર ઓઢી લેતી. આમ, ભમવામાં તડકો, છાંયો અને પછી વરસાદની ઝીણી ઝરમર – આ ત્રણે વેશમાં આ પ્રદેશ માણવાની તક મળી.
ગ્રાસમિયર નામના સરોવર નજીકના એ જ નામના ગામમાં આવેલી કવિ વર્ડ્ઝવર્થ અને એમના પરિવારની જર્જરિત કબરો, ત્યાં બાજુમાં જ આવેલું સેન્ટ ઓસ્વાલ્ડનું નાનકડું દેવળ, જ્યાં કવિ નિયમિત જતા, એમની સ્મૃતિમાં રચાયેલો ‘વર્ડ્ઝવર્થ ડેફોડિલ ગાર્ડન’, ‘ડવ કૉટેજ’ નામનું એમનું નિવાસસ્થાન – આ બધાં શબ્દપ્રેમીઓનાં યાત્રાધામની મુલાકાત વખતે કવિનાં કલ્પનો અને સાહજિક ઉદ્દગારો (વર્ડ્ઝવર્થે કાવ્ય વિશે કહેલું, “Poetry is a spontaneous overflow of powerful feelings, it has its origin from emotions recollected in tranquillity.” કાવ્ય એ પ્રબળ સંવેદનોની સહજ અભિવ્યક્તિ છે, એનું મૂળ એ સંવેદનોનું સ્થિરતાથી સ્મરણ કરવામાં રહેલું છે.)નું મનમાં વૃંદગાન થતું હતું. કવિએ એમની જન્મભૂમિની રમણીયતાનાં જે ગીતો ગાયાં છે એ તો સાહિત્યનાં પાને ઘણાએ વાંચ્યાં હશે પણ કવિએ ૧૮૧૦માં લેઇક વિસ્તારની પ્રવાસ-માર્ગદર્શિકા ‘અ ગાઇડ થ્રૂ ધ ડિસ્ટ્રિક્ટ ઑફ ધ લેઇક્સ’ પ્રગટ કરી એ બાબત થોડી ઓછી પ્રચલિત છે. એમની આ માર્ગદર્શિકા એ માત્ર સામાન્ય માહિતી આપતી માર્ગદર્શિકા નથી. એક કવિએ પોતાની અત્યંત પ્રિય જન્મભૂમિ માટે લખેલી આ માર્ગદર્શિકા એક ગદ્ય કાવ્ય છે, જેમાં જીવન, જીવનની નશ્વરતા, પ્રાકૃતિક સૌન્દર્યનું નિકટવર્તી નિરીક્ષણ અને પ્રેમ જેવાં કવિનાં સંવેદનો વ્યક્ત થાય છે.
વર્ડ્ઝવર્થ ઉપરાંત આ પ્રદેશમાં જેમની દૂરંદેશીભરી સામાજિક અને પર્યવરણલક્ષી નિસ્બતથી, એમના મૃત્યુ બાદ પોણી સદી વીતી હોવા છતાં, જેમની અપાર્થિવ હાજરી આજે પણ અનુભવાય છે એ લેખિકા તે બીએટ્રિક્સ પોટર. એમની બાળવાર્તાઓએ એમને નામના આપી એની સાથે એમાંથી એમને ધન-સંપત્તિ પણ પ્રાપ્ત થઈ. લેઇક ડિસ્ટ્રિક્ટના સૌન્દર્યની અને ત્યાંની ઇકૉસિસ્ટમની જાળવણી અર્થે એમણે સતત અથાગ પ્રયત્નો કર્યા. કોઈની માલિકીની મોટી જમીન-જાગીર વેચાવા નીકળે તો પોતાની સંપત્તિમાંથી એ ખરીદી લેતાં. એમનો હેતુ પોતાની સંપત્તિ વધારવાનો નહીં, પરંતુ આ ક્ષેત્રના પર્યાવરણની જાળવણી થાય એવો હતો. પોતે જમીન ખરીદીને ત્યાંની વનરાજીની સંભાળ લઈ શકે એ હેતુથી એમણે ત્યાં અનેક જમીનો ખરીદી અને પોતાની સંપત્તિ પોતાની હયાતી પછી, યુનાઇટેડ કિંગડમમાં પર્યાવરણની અને ઐતિહાસિક તેમ જ સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતાં સ્થાળોની જાળવણી માટે સક્રિય, નૅશનલ ટ્રસ્ટને મળે એ માટે વ્યવસ્થા કરી. આજે જે લેઇક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક જળવાયો છે તેનું શ્રેય એમને આપવામાં આવે છે.
લેઇક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક એ ઇંગ્લૅન્ડના ઉત્તર-પશ્ચિમે આવેલો ૨,૩૬૨ ચોરસ કિલોમીટર પર વિસ્તરેલો પર્વતીય વિસ્તાર છે. એનો ખીણપ્રદેશ હિમયુગમાં નાનાં-મોટાં ગ્લૅસિયરથી રચાયો છે અને યુનેસ્કોએ ૨૦૧૭માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. આખા પ્રદેશમાં ૧૬ નાનાં-મોટાં સરોવરો છે. સૌથી મોટું વિન્ડરમિયર ૧૪.૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. ગ્રાસમિયર જ્યાં એ જ નામનું ગામ છે અને જ્યાં વર્ડ્ઝવર્થનો નિવાસ હતો એ તળાવ સૌથી નાનું પણ અત્યંત મનમોહક છે. મોટા ભાગનાં સરોવરોનાં નામમાં ‘મિયર’ અથવા ‘વૉટર’ આવે છે, જેનો અર્થ ‘જળાશય’ થાય છે. માત્ર એક સરોવરના નામમાં ‘લેઇક’ શબ્દ વપરાય છે. કેસિક, કોનિસ્ટન, રાયડલ, હૉક્સહેડ, લૅન્ગડેઇલ, ઍમ્બલસાઇડ, વગેરે નાનાં ગામડાં, જેને ‘હેમલેટ’ કહેવાય છે, તે હજુ પણ એની ‘ઓલ્ડ વર્લ્ડ ચાર્મ’ – એનાં પરંપરાગત જ્યૉર્જિયન, ઍડ્વર્ડિયન અને વિક્ટોરિયન સમયનાં મકાનો સહિતની જૂની મોહકતા જાળવીને બેઠાં છે. સ્લેટના પથ્થર, ગ્રેનાઇટ અને લાલ સૅન્ડસ્ટોનનાં બનેલાં ‘ક્લાસિકલ’ અને ‘ગોથિક’ શૈલીનાં મકાનોની જાળવણી માટે તંત્ર ખૂબ સજાગ છે અને એ માટે કડક કાયદાઓ પણ યુનાઇટેડ કિંગડમમાં અમલી છે. ગામમાંથી વહેતાં નાનાં ઝરણાં–નદી પર બનાવેલા પુલ, કોબલસ્ટોનજડિત ગલીઓ, સ્થાનિક હસ્તકલાના નમૂના અને સ્મૃતિચિહ્નો વેચતી નાની-નાની દુકાનો, હાટ બજાર, અને રેસ્ટોરાં … અહીં ન તો મોટી બ્રાન્ડના ચેઇન સ્ટોર છે, ન તો ગંજાવર મૉલ છે. આ ગામોનું સૌન્દર્ય માણતાં હોઈએ ત્યારે વિચાર આવે કે ‘પ્રગતિ’ કે ‘વિકાસ’ના નામે અહીં બહુમાળી હોટલો અને ઑબ્ઝર્વેશન ટાવરો રચાયાં હોત તો આ પ્રદેશ કેવો લાગતો હોત?
સાગર, નદી, ધસમસતાં ધોધ અને ઝરણાંના પ્રવાહોની આવેગપૂર્ણ રમણીયતાની સરખામણીએ ટેકરીઓ અને ડુંગરોની વચ્ચે આવેલાં સરોવરોની સ્થિર જળરાશિનું શાંત સૌન્દર્ય અદ્દભુત છે. બર્ડ-વૉચિંગના રસિકો પણ અહીં કલાકો વિતાવે છે. સાવ સ્વચ્છ પાણી એવું કે સરોવરને તળિયે સુધી નજર પહોંચે, તડકામાં ચળકતા આયના જેવી સરોવરોની સપાટી પર થતા તરંગો, એમાં અદાપૂર્વક તરતાં અનેક પ્રકારનાં બતક અને હંસ, વૃક્ષોની ડાળીએ ઝૂલતાં પંખીઓનો કલરવ – અહીં બધી જ ઇન્દ્રિયોની પરિતૃપ્તિ! હા, જમ્મુ-કાશ્મીરનું દાલ સરોવર કે માઉન્ટ આબુનું નખી તળાવ અને ભારતના વિન્ધ્ય-હિમાલય યાદ આવ્યા વિના ન રહે. એમના વૈભવી કદને યાદ કરીએ તો લેઇક ડિસ્ટ્રિક્ટનાં સરોવરોનું ગુચ્છ કદાચ નાનકડું લાગે. સાપેક્ષતા એ પણ જીવનનું એક સત્ય નથી શું?
વિશાળ જગવિસ્તારમાં પ્રવાસન સ્થળો તો અસંખ્ય છે, કેટલાંક સ્થળોની એક મુલાકાત આપણું કુતૂહલ સંતોષે, તો કેટલાંક સ્થળો એવાં હોય જેમની પહેલી મુલાકાત એ સ્થળનો રસ વધુ ને વધુ લૂંટવાની તરસ જગાડે. કેટલાંક સ્થળો આંખથી જોવાનાં હોય તો કેટલાંક એવાં હોય જેનું માત્ર સ્મરણ પણ અનુભૂતવિશ્વને સમૃદ્ધ કરે. લેઇક ડિસ્ટ્રિક્ટનું અનુપમ સૌન્દર્ય, કવિ ઉમાશંકરે ગાયું એમ, ભોમિયા વિના એ ડુંગરો અને જંગલની એ કુંજો ફરીફરીને ભમવાની ઉત્કંઠા ઊભી કરે, એવું છે.
0-0-0
e.mail : aradhanabhatt@yahoo.com.au
[પ્રગટ : “નવનીત – સમર્પણ”; જૂન 2024; પૃ. 76-80]