Opinion Magazine
Number of visits: 9810854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હમ ‘આપ’ કે હૈં કૌન?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 April 2026

રવીન્દ્ર પારેખ

હિન્દી ફિલ્મનું ટાઈટલ છે, આ. આમ આદમી પાર્ટી(આપ)ના ત્યારે દૂર દૂર સુધી કોઈ વાવડ ન હતા. આમ આદમી પાર્ટી(આપ)ની સ્થાપના 2012માં થયાની વાત છે ને ફિલ્મ 1994માં આવી હતી. પણ આજે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે. આ પાર્ટીએ ઘણી આશાઓ બંધાવી, દિલ્હી ને પંજાબમાં વિજેતા પણ નીવડી, પણ સરવાળે તો તે ‘આમ આદમી’ જેવી જ નીકળી. આમ આદમી પાર્ટીના કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવાને તો જેલવાસ પણ ભોગવવો પડ્યો, પણ પાર્ટી ટકી ગઈ. સુરત જેવામાં પણ કાઁગ્રેસની જમીન ઢીલી પડતાં, આપને પગ પેસારો કરવાની તક મળી ગઈ. જો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આપ મિથ્યાભિમાની ને મતલબી પુરવાર થઈ છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના 7 સભ્યો સાથે ભા.જ.પ.માં જોડાવું પસંદ કર્યું. આમ આદમી પાર્ટી સાથે ન રહેવાય એવું લાગતાં રાજ્ય સભાના આપના 7 સભ્યો ભા.જ.પ.ના અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા. નીતિન નવીને આ સભ્યોને આવકાર્યા ને મોઢું મીઠું કરાવ્યું. પંજાબમાં 10 મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે, ત્યાંના જ 6 સાંસદો તૂટીને પાર્ટીથી અલગ થયા ને એ રીતે આપમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ભંગાણ છે.

એક તરફ પાર્ટી ગુજરાત અને પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને પડકાર આપવા કમર કસી રહી છે, ત્યાં રાજ્યસભાના રાઘવ સહિતના સાત સભ્યો આપ સાથેનો છેડો ફાડીને ભા.જ.પ.માં જોડાય, તો હાલત કફોડી જ થાય કે બીજું કંઇ? પત્રકાર પરિષદમાં અશોક મિત્તલ હાજર હતા. તેઓ લવલી પ્રોફેશનલ યુનિ.ના ચેરમેન છે ને 15 એપ્રિલે જલંધરના ઘર પર EDએ દરોડા પાડયા હતા. પત્રકાર પરિષદમાં સ્વાતિ માલીવાલ હાજર ન હતાં, પણ તેમણે કહ્યું કે હું ઇટાનગરમાં છું. સાંજે દિલ્હી આવ્યા પછી વાત કરીશ. રાજ્યસભાના દસ સાંસદમાંથી અશોક મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા જેવા 7 સભ્યો ભા.જ.પ.માં જતાં, હવે ત્રણ જ સભ્યો બચ્યા છે. ભા.જ.પ. અધ્યક્ષ નીતિન નવીને આ સભ્યો માટે ’x’ પર લખ્યું પણ ખરું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યની દિશામાં સક્રિય રહો એવી શુભેચ્છાઓ. દેખીતું છે કે એ આપને માફક ન જ આવે. આપે ભા.જ.પ. પર ‘ઓપરેશન લોટસ’નો આરોપ લગાવતા કહ્યું કે આ પંજાબ સરકારની કામગીરી રોકવાનું કાવતરું છે. એમ પણ કહેવાયું કે પંજાબ સરકારની પીઠમાં છરો ભોંકવાની કોશિશ થઈ છે.

રાઘવ સહિત આપના સાત સભ્યો ભા.જ.પ.માં જતાં માછલાં ધોવાનું શરૂ થઈ ગયું છે. જે ભા.જ.પ.ને રાઘવે ગુંડાઓની પાર્ટી કહી હતી, એને જ ખોળે બેસવાનું તેઓ કેવી રીતે સ્વીકારી શકે? 31 જુલાઈ, 2023ને રોજ દિલ્હી વટહુકમ પર રાઘવે આમ પણ કહ્યું, આ બિલ ચૂંટાયેલી સરકારને કામ કરતા અટકાવશે. આ દિલ્હી સરકારને ઉથલાવી દેવાનું ભા.જ.પ.નું કાવતરું છે. દિલ્હી વટહુકમ પર રાઘવે કહ્યું, આ બિલ લોકશાહીને બાબુક્રેસી બનાવી દેશે, તે એ અર્થમાં કે લોકોની સરકારને બદલે નોકરશાહી પ્રભુત્ત્વ જમાવશે.

આમ તો આ પક્ષ પલટુ કહી શકાય એમ નથી, કારણ કુલ સાત સભ્યો આપમાંથી ભા.જ.પ.માં ગયા છે. એવું પણ નથી લાગતું કે રાઘવે પૈસા બનાવવાને ઈરાદે પક્ષ બદલ્યો છે, કારણ કે તેમની માતા અલકાએ બે શરતે જ રાઘવને રાજકારણમાં પ્રવેશવાની રજા આપેલી. 1. CAનો અભ્યાસ ચાલુ રાખવો અને 2. રાજકારણમાંથી પૈસા ન બનાવવા, એટલે રાઘવ પૈસા બનાવવા આપ છોડીને ભા.જ.પ.માં ગયા હોય એમ લાગતું નથી.

રાઘવે આપ વિષે ટીકા કરતાં કહ્યું પણ ખરું કે આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાનો હું એક છું. 15 વર્ષથી હું પાર્ટીને ખૂન પસીનાથી સીંચતો આવ્યો છું, આપ પાર્ટી તેના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. પાર્ટી દેશ માટે નહિ, પણ અંગત હિતો માટે કામ કરી રહી હોય એવું લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાઘવને લાગતું હતું કે સાચો માણસ ખોટી પાર્ટીમાં આવી ચડ્યો છે. અમે બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને ભા.જ.પ.માં ભળી જવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીથી અલગ થવાની વાત રાઘવે પત્રકાર પરિષદમાં કરી હતી. આ અગાઉ સ્વાતિ માલીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે પાર્ટીમાં વિદ્રોહ પોકારેલો, હવે રાઘવ સહિતના અન્ય સભ્યોએ ભા.જ.પ.માં જોડાઈને આપ સાથેનો છેડો ફાડ્યો છે ને રાજ્યસભામાં 10માંથી ૩ સભ્યો જ બચ્યા છે, ત્યારે કેજરીવાલની તાકાત અડધાથી પણ ઓછી થઈ ગઈ છે, એટલું જ નહીં, પાર્ટીનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું છે.

રાઘવે પાર્ટીમાં પોતાની ભૂમિકા એવી રાખી હતી કે તેમનાથી કોઈ મત કે માન્યતા જાહેર ન થઈ જાય. જેમ કે, દારૂ કૌભાંડમાં કેજરીવાલની 2024માં ધરપકડ થઈ, તો રાઘવ ચૂપ રહ્યા. ન બોલ્યા, ન લખ્યું. ફેબ્રુઆરી, 2025માં દિલ્હીની ચૂંટણીમાં આપની હાર થઈ ને સત્તામાં ભા.જ.પ. આવ્યું, ત્યારે પણ રાઘવ મૌન રહ્યા, એટલું જ નહીં, પાર્ટીના કોઈ કાર્યક્રમમાં પણ ન જણાયા. 2025ની શરૂઆતમાં જ રાઘવના સોશિયલ મીડિયા પરથી આપનો પ્રચાર ઘટવા લાગ્યો હતો. ફેબ્રુઆરી, 2026માં કેજરીવાલ અને મનીષ સીસોદિયાને દારૂ કૌભાંડમાંથી CBIના કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા ને આપ પાર્ટીએ તેની ઉજવણી કરી, પણ રાઘવ એનાથી દૂર રહ્યા. ઈરાન યુદ્ધ વખતે રાઘવે પાર્ટીલાઈન પર સંસદમાં બોલવાનો ઇન્કાર કર્યો. વ્હીપ હેઠળ આપ સાંસદોએ વોકઆઉટ કર્યું, ત્યારે રાઘવ ગૃહમાં હાજર રહ્યા. એટલા પરથી એવું લાગતું હતું કે રાઘવ પાર્ટીથી સંતુષ્ટ ન હતા. આ ગતિવિધિ જોઈને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું કે રાઘવને અહીં ગૂંગળામણ થતી હતી. હકીકતે તેઓ સરપંચ બનવાની પાત્રતા પણ ધરાવતા ન હતા.

આમ આદમી પાર્ટીએ 2 એપ્રિલ. 2026ને રોજ રાઘવને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે પદ પરથી હટાવ્યા ને એ કામગીરી પંજાબના સાંસદ અશોક મિત્તલને સોંપવામાં આવી. એની પ્રતિક્રિયા આપતા રાઘવે કહ્યું કે મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. હું એ દરિયો છું જે સમય આવ્યે પૂર પણ બની શકે છે. આપ નેતાઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાઘવ PM મોદીથી ડરે છે. તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે સમોસાના ભાવ જેવા નાના મુદ્દાઓ ઉઠાવે છે. સમોસાના વધતા ભાવ સંસદનો મુદ્દો હોઈ જ ન શકે એ ઠીક નથી. પંજાબને મુદ્દે પણ રાઘવે સ્પષ્ટતા કરી છે કે પંજાબ માત્ર એક વિષય જ નથી. તે મારું ઘર છે, કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. આપના નેતાએ એ પણ નોંધ્યું કે રાઘવે મોદી વિરોધી તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી છે. રાઘવ ભા.જ.પ.ના ખોળામાં બેઠા છે …

રાઘવે એ સ્પષ્ટતાઓ પણ કરી કે મારી વિરુદ્ધ સરકાર કેમ્પેન ચલાવી રહી છે. આ એક સંકલિત હુમલો છે. હું સંસદમાં ઘોંઘાટ કરવા ગયો નથી, પણ જનતાના મુદ્દા ઉઠાવવા ગયો છું, પણ હકીકત એ છે કે ભા.જ.પ.ને પંજાબીઓ સાથે નથી બનતું. માનનું કહેવું છે કે અમારી સરકાર સત્તામાં આવી તો અમારા RDF ભંડોળને બંધ કરી દેવામાં આવ્યું. પછી અમારા પોતાનાં MMS ગ્રૂપ બનાવી તેને માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેડૂતોના વિરોધ દરમિયાન પણ ભા.જ.પે. અમારી સાથે દગો કર્યો. મુખ્ય મંત્રી માને કહ્યું કે આપણા સાંસદોને પોતાની સાથે સામેલ કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેનો પંજાબમાં મજબૂત આધાર નથી. અહીં માન પોતાને જ વિરોધાવે છે. એક તરફ તેઓ રાઘવને સરપંચ થવાને પણ લાયક ગણતા નથી, બીજી તરફ ‘આપના’ સાંસદોને ભા.જ.પ. પોતાની સાથે સામેલ કરે છે, તો અફસોસ પણ વ્યક્ત કરે છે. રાઘવની ભા.જ.પ. સામેલગીરીને કાઁગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે પાર્ટીના ‘મેન આર્કિટેક્ટ’ જ છોડી ગયા છે, તો તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જે નેતાઓએ પહેલાં બીજા પર સવાલો ઉઠાવ્યા હતા, તેમણે હવે પોતાનાં સંજોગો સમજાવવા પડશે.

રાઘવ જેવા આપના નેતાએ આપ સાથે દગો કર્યો હોય તો પણ, આપ પાર્ટીનું અહિત તેમણે કર્યું નથી. કેટલાક જેન્યુઈન મુદ્દાઓ પર તેમણે સંસદમાં સોય ઝાટકીને વાત કરી છે. એક સ્વચ્છ ઈમેજ ધરાવતો માણસ પાર્ટીમાં રહીને પોતાની કામગીરી, કોઈની પણ ખુશામત વગર ઈમાનદારીથી કરતો હોય તો તેવા માણસને પાર્ટીએ સાચવવો જોઈએ, પણ તેણે જે પક્ષનો વિરોધ કર્યો હોય તેને જ ખોળે બેસવું પડે એ વ્યક્તિની અને શાસક તેમ જ વિપક્ષની કમનસીબી છે. હવે આપ માટે ‘હમ ‘આપ’ કે હૈં કૌન?’ ગાવું પડે એવા દિવસો આવ્યા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઍપ્રિલ 2026

Loading

27 April 2026 Vipool Kalyani
← આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં

Search by

Opinion

  • આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં
  • લોકશાહીનો ‘શાંત કોલાહલ’ : હંગેરીની યાદ અપાવતું ભારતનું ભારે મતદાન
  • ચલ મન મુંબઈ નગરી—338 
  • અનોખી જોડી
  • લવારા, લવારા અને લવારાઓ …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved