Opinion Magazine
Number of visits: 10035325
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીંત અને છતનું સત 

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|29 July 2026

દેવીકા ધ્રુવ

ભીંત શબ્દ દેખીતી રીતે ‘જડ’ હોવાનો અર્થ ઊભો કરે છે. કારણ કે, ભીંત બને છે ઈંટ કે પથ્થરના એક સીધાસટ ચણતરથી. તેથી સ્વાભાવિક રીતે તેના વિશે આગળ કંઈ બીજો વિચાર આવે જ નહિ. વાત તો સાવ સાચી જ છે. પણ તે છતાં આ ભીંતની આસપાસ કેટકેટલું બનતું રહેતું હોય છે?

સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે, ભીંતોની જરૂરિયાત ક્યારથી ઊભી થઈ હશે અને કેવા સંજોગોમાં થઈ હશે. એ વિશે વિચારતાં એમ લાગે છે કે, ધરતી પર માનવની હસ્તી ઊભી થઈ હશે ત્યારે જાતના રક્ષણ માટે, સલામતી માટે એને ભીંતોથી બાંધેલ કોઈ મુકામ અનિવાર્ય થઈ પડ્યો હશે. પછી જેમ necessity is a mother of invention તેમ ભીંતો પછી છત પણ બનાવવાનું સૂઝ્યું હશે.

મને લાગે છે કે, મનુષ્ય માત્રના જીવનમાં આ બંને એક અનિવાર્ય આવશ્યકતા ગણી શકાય. અલબત્ત, આદિમાનવ જંગલમાં અને પહાડો કે ગુફાઓમાં પણ જીવતો જ હતો. પણ પછી તો ધીરે ધીરે જેમ જેમ સમાજ બનતો ગયો તેમ તેમ સામાજિક, આર્થિક અને અન્ય જરૂરિયાતો મુજબ એની રચના અને ઉપયોગિતામાં પણ બદલાવો આવતા ગયા હશે એમ માની શકાય.

આ વિશેના ઇતિહાસમાં ઊંડા ન ઉતરીએ તો પણ એમ લાગે છે કે, એના પાયાની વિગતો પણ રસપ્રદ તો ખરી જ. માટી, લાકડાંથી માંડીને પથ્થર, આરસપહાણ સુધીની વિવિધતા એમાં જોવા મળે છે. એટલું જ નહિ એના ઉપરની કોતરણી કે ડીઝાઈન વગેરે પણ સૌંદર્યલક્ષી બનતી ચાલી છે. તે ઉપરાંત રાજમહેલ કે કિલ્લાઓમાં બનાવેલ ભીંતો અને છત પણ જે તે સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ પાડતી દેખાય છે. બારી અને બારણાંની વાત તો આ બે પાયાની જરૂરિયાત પછી આવે. આના અનુસંધાનમાં વિચાર તો એ આવે  કે, પ્રકૃતિના કોપથી અથવા કહો કે, ઠંડી, ગરમી,વરસાદ કે વાવાઝોડાથી બચવા માટે જે માનવજાતે ભીંત અને છત દ્વારા રક્ષણ મેળવવા મકાન બનાવ્યું; તે જ માનવજાતે આજના યુગમાં ટેક્નોલોજીના વિકાસ સાથે નવા માપદંડો નક્કી કર્યા.

ભીંતથી ભાગલા વધાર્યા, ગોપનીયતાની જરૂર ઊભી કરી અને વૈભવમાં ઉમેરો કર્યો! હવે છત અને ભીંતોમાં ‘થર્મલ ઇન્સ્યુલેશન’ જોઈએ જ, ‘સાઉન્ડ પ્રૂફ’ વિના તો કેમ ચાલે? અને સુંદરતા માટે મજબૂત કાચની દીવાલોએ સ્થાન લીધું.

હકીકતે મુખ્ય વિસરાઈ જતી વાત તો એ છે કે, ભીંત એ માત્ર ઈમારતના પ્રાણરૂપ નથી પણ મનુષ્યના જીવનનો પણ પ્રાણ છે. તે માત્ર સ્થાપત્યનો જ ભાગ નથી પણ માનવીની સ્થિરતા અને સુરક્ષાનાં પણ પ્રતીક છે. કહેવાય છે કે, “ભીંતોને કાન છે અને છતને આંખો.”

આ લખતાં લખતાં એક જૂનો, લગભગ ૨૦૦૮નો સંવાદ અનાયાસે જ યાદ આવી ગયો. એક દિવસ દસ-પંદર મિનિટ માટે સાહિત્યકાર ચંદ્રકાંત શેઠને મળવાનું બન્યું હતું. તેમણે કહ્યું હતું કે “ચીલાચાલુ વિષય પર તો બહું લખાયું. કોઈ એવો વિષય પકડો કે જેના પર કશો વિચાર જ ન આવે. લખો, થૂંક પર લખો, ભીંત વિશે લખો, પથરા પર લખો.” પછી તો એ વાત સાવ વિસરાઈ ગઈ. આજે લાગે છે કે, એ વાતમાં તથ્ય હતું. કેટલાક વિષયો એવા હોય છે કે જેના પર વધુમાં વધુ વિગતો જ આપી શકાય કે ઇતિહાસમાંથી કંઈક મળી આવે તો તે આલેખી શકાય. પણ આવા જડ ગણાતા શબ્દો કે વિષયો પર  કશુંક રસપૂર્ણ શું હોઈ શકે? અને આ પ્રશ્ન સાથે એક વિચારે તણખો સળવળ્યો.

આગળ લખ્યું તેમ “ભીંતને કાન હોય છે અને છતને આંખો.” ધીરે બોલ, કહેતાં દાદીમાના શબ્દો સાંભર્યા. અર્થાત, જડ કે નિર્જીવ વસ્તુઓમાં પણ, સૂક્ષ્મ અર્થમાં પ્રાણ હોય છે! વર્ષો પછી જૂના ઘરની મુલાકાતે જતાં, ભીંત પર હાથ ફેરવવાનું મન થાય છે અને તે સાથે તો એ ભીંતો કેટલું બધું કહેવા માંડે છે જાણે! સાંભળતાં સાંભળતાં કંઈ કેટલાં ય પોપડાઓ ખરવા માંડે છે ને તરત નજર જાય છે ઉપર છત તરફ. એનાં નેવાંમાંથી કંઈ કેટલુંયે ટપકવા માંડે છે.  કવિ જયંત પાઠકની એક કવિતાની બે પંક્તિઓમાં આ ભાવ વ્યક્ત થાય છે. એ લખે છે કે,

“દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો પોપડે પોપડે ઉખડે છે.” 

કવિ શૈલેશ ટેવાણીનો એક શેર ટાંકવાનું મન થાય :

દૄશ્યો તમામ હોય છે ઘરની દીવાલ પર,
સ્મરણની લીલ હોય છે ભીની દીવાલ પર.

કોઈ હિંદી શાયરે છત પર પણ લખ્યું છે કે,

छत पर गुज़रे लम्हों की यादें,
मुद्दतों बाद आज छत पर आई..

અને હા, સાહિર લુધિયાનીની પણ મર્મભરી પંક્તિઓ છે : 

बहुत गुरुर था छतको छत होने पर
एक मंझिल ऑर बनी, छत फर्श हो गई—  

પહેલાંના સમયમાં એના ઉપરથી રૂઢિપ્રયોગો પણ રચાયાં છે અને બધાં જ ખૂબ અર્થપૂર્ણ. દા.ત. કોઈના ઘરમાં મુખ્ય વ્યક્તિ મરણ પામે ત્યારે કહેવાતું કે, આ ઘરનું તો છત્ર ગયું કે ઘરની છત તૂટી પડી એમ કહેવાતું. તે સિવાય પણ કેટલીક કહેવતો :

  • છત ટપકે તો ઘરમાં પાણી ભરાય.
  • છત ન હોય તો મકાન અધૂરું લાગે.
  •  છત છાની ન રહે.

કોઈ વ્યક્તિ અવળે રસ્તે વળી જાય કે મોટી ભૂલો કરે તેને માટે આ માણસ તો ‘ભીંત ભૂલ્યો’ એમ કહેતાં. કોઈ ખોટા કામ માટે વગોવાય તો એમ કહેવાય કે આ માણસ ‘ભીંતે ચડ્યો છે.’ કેટલાક લોકો એવા પણ હોય છે કે, પોતાની પાસે હોય કશું નહિ પણ બણગા ખૂબ ફૂંકે. એવા ખોટો દંભ કે ડોળ કરનાર વ્યક્તિઓ માટે “ભીંતમાં ભડાકા ને તાવડીમાં તડાકા’ એવો શબ્દપ્રયોગ / કહેવત / રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે. તેનાથી ઊંધું એ કે કોઈ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ગજા બહારનું પગલું ભરે અને પરિણામ બરાબર ન આવે તો ‘ભીંતમાં લાત મારીએ તો પગમાં લાગે ‘ એવી પણ કહેવત છે. 

સમાપનમાં કંઈક લખું ત્યાં તો ભીંત પર જડાયેલ માની તસ્વીર દેખાઈ. એ સાથે જ નજર અનાયાસે જ છત પર ગઈ. ન જાણે એ પણ ભીંત સાથે કેટકેટલી વાતો કરતી હશે ને ભીંત અને છત સાથે એના કેટલાં સંવાદ રચાતા હશે? ખેર!

આમ, સાવ સામાન્ય લાગતાં અને જડ ગણાતાં આ બંને ઘટકો માનવજીવનમાં પ્રાણ પૂરતાં અને દરેકના જીવનમાં વણાઈ ગયેલાં જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભીંત ધબકતી છે અને છત છલકતી છે. બંને વચ્ચે અવિનાભાવ છે. એટલે કે, ભીંત છે ત્યાં જ છત પણ છે જ; અને એમાં જ બંનેનું જીવન સાથે જોડાયેલ સત છે.

અસ્તુ

e.mail : ddhruva1948@yahoo.com

Loading

29 July 2026 Vipool Kalyani
← કરકસર કરવાથી વર્તમાન આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?
અદ્દભુત-અવર્ણનીય દિલિપકુમાર અને ‘અંદાઝ’ →

Search by

Opinion

  • અદ્દભુત-અવર્ણનીય દિલિપકુમાર અને ‘અંદાઝ’
  • કરકસર કરવાથી વર્તમાન આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?
  • પ્રેમ પકડવાનું જ નહીં, છોડવાનું પણ નામ છે … 
  • એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
  • વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved