
સતીશ કુમાર
જૂન 2026માં ‘બેશારા મેગેઝીન’ દ્વારા પ્રસારિત થયેલ સતીશ કુમારનું વક્તવ્ય – ‘શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે’નો અનુવાદ અહીં પ્રસ્તુત છે. વક્તાનો પરિચય અને તેમના વક્તવ્યનું ભાષાંતર રજૂ કરતાં પહેલાં ‘બેશારા મેગેઝીન’ની વિગત જાણીએ.
બેશારા યુ.કે. સ્થિત એક શૈક્ષણિક સ્વૈચ્છિક ટ્રસ્ટ છે. તેના દ્વારા ‘બેશારા મેગેઝીન’ એક સ્વતંત્ર અને આર્થિક લાભ વિના પ્રકાશિત થતું સામાયિક છે. આ સામયિક સાંપ્રત સમયમાં ઐક્ય અને શાંતિને પોષે તેવા વિચાર પ્રેરક અને પ્રેરણાદાયી વક્તવ્ય અને લખાણો માટે તખ્તો પૂરો પાડે છે. તેના પ્રકાશનમાં આધ્યાત્મિક પરંપરાઓ, વિજ્ઞાન, કલા, અર્થશાસ્ત્ર તેમ જ આપણી પર્યાવરણ તથા માનવ જાતની સુરક્ષા માટેની સમજ વિકસાવવા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. અહીં તેઓ ‘મેગેઝીન’ શબ્દનું મૂળ સમજાવતાં કહે છે કે એ કોઠાર કે તિજોરી માટે વપરાતો મૂળ અરેબિક શબ્દ makhzan અને તેના બહુવચન makhazin પરથી ઉતરી આવ્યો છે. વળી બેશારા મૂળે આરાબિક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘સારા સમાચાર’ એવો ઘટાવી શકાય. આથી જ તો બેશારા મેગેઝીન સમાવેશક અને સંવાદી દૃષ્ટિકોણને પ્રગટ કરતા વિચારો અને કાર્યોની સકારાત્મક અને અમૂલ્ય અસરોને આપણી સમક્ષ ધરનારું સામયિક બની રહે છે.
બેશારા મેગેઝીનના પોડકાસ્ટર Nick Yiangou એ આપેલ સતીશ કુમારનો પરિચય અહીં સાદર રજૂ કરું છું.
એક કર્મશીલ અને પર્યાવરણવાદી તરીકે જેની આપણને ઓળખ છે એવા સતીશ કુમારનો જન્મ રાજસ્થાનમાં 1936માં થયો હતો. નવ વર્ષની વયે તેઓ જૈન સાધુ બન્યા અને 18 વર્ષની વયે એ પથ છોડીને ગાંધીજી પ્રેરિત વિનોબાજીએ શરૂ કરેલી ભૂદાન ચળવળમાં જોડાઈ ગયા. 1962માં તેઓએ ભારતથી પ્રયાણ કરીને મોસ્કો, પેરિસ, લંડન, અને વોશિંગટન સુધી 8,000 માઈલનો પંથ કાપીને અણુશસ્ત્રો ધરાવતા દેશોના નેતાઓને નિઃશસ્ત્રીકરણ માટે વિનંતી કરવાનો પ્રયાસ કર્યો; જે ‘peace tea’ તરીકે જાણીતો થયો. ત્યાર બાદ તેઓ ડેવનમાં સ્થાયી થયા અને ત્યાં શુમાકર કોલેજની સ્થાપના કરવામાં સહાયક થયા. તેમણે 40 વર્ષ સુધી ‘રિસર્જન્સ એન્ડ ઇકોલોજિસ્ટ’ સામયિકનું સંપાદન કાર્ય સંભાળ્યું. પોતાના પુસ્તકો, વક્તવ્યો અને પ્રકૃતિ પ્રત્યે આદરભાવની તાત્ત્વિક વિચારધારા દ્વારા તેમણે એ વાત સમજાવવાની કોશિશ કરી છે કે શાંતિ, આધ્યાત્મિક જાગૃતિ અને પ્રકૃતિનું સંરક્ષણ એ બધું જ એકબીજાથી અભિન્ન છે. તેમનું પુસ્તક Peace Is Possible મે 2026માં પ્રકાશિત થયું. હવે એ વિશે લેખકના વિચારો એમના જ શબ્દોમાં:
— આશા બૂચ
•
પર્યાવરણશાસ્ત્રી અને કર્મશીલ એવા સતીશ કુમાર શાંતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની વાત કરતાં કહે છે કે તેમના મતે શાંતિ એ માત્ર યુદ્ધની ગેરહાજરી નથી, પરંતુ એ એક સકારાત્મક અને સંવાદી જીવન પદ્ધતિ છે જેનાં ત્રણ પરિમાણ છે : પોતાની જાત સાથે શાંતિ, સમાજ સાથે શાંતિ અને પ્રકૃતિ સાથે શાંતિ. શાંતિની સ્થાપના અને જાળવણીનો વિચાર આપણે વ્યક્તિગત તેમ જ વૈશ્વિક સ્તર પર કેવી રીતે કેળવી શકીએ તે મુદ્દાનો ઉલ્લેખ કરીને પ્રશ્નકર્તાએ કહ્યું કે અત્યારે આપણે ભૂમધ્ય પ્રદેશના દેશો, યુક્રેન અને આફ્રિકાના દેશોમાં યુદ્ધના પડકારો ઝીલી રહ્યા છીએ અને સાથે સાથે પર્યાવરણીય કટોકટીનો પણ સામનો કરી રહ્યા છીએ. સતીશ કુમારનો અભિગમ એવો છે કે શાંતિની સ્થાપના અને જાળવણી ખરેખર વ્યક્તિના પોતાના અંતરમાંથી અને કઈ રીતે જીવન જીવીએ છીએ તેનાથી જ શરૂ થાય છે. તેમનાં માતુશ્રીએ એમને કેવી તાલીમ આપી, કેવા સંસ્કારનું સિંચન કર્યું એ વિષે પ્રશ્ન પૂછતાં તેમણે નીચેના વિધાનો કર્યા.
હું એમ માનું છું કે હાલના સમયમાં આખી દુનિયામાં લોકો યુદ્ધ માટે કામ કરી રહ્યા છે. દરેક દેશ યુદ્ધ પાછળ કરોડો ખર્ચે છે, અને ચીન, અમેરિકા જેવા દેશ તો યુદ્ધની તૈયારી પાછળ અબજોનું ખર્ચ કરે છે. અને શાંતિ સ્થાપવા પાછળ આપણે કેટલો ખર્ચ કરીએ છીએ? કશું નહીં. એ માટે કોઈ તૈયારી નથી કરતા. શાંતિ જોઈતી હોય તો તે માટે પ્રયત્ન કરવો જોઈએ, તે માટે તાલીમ લઈને તૈયારી કરવી જોઈએ, તે માટે આયોજન કરવું જોઈએ, તેને પ્રાધાન્ય આપવું જોઈએ અને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્યારે તો દરેક દેશ પાસે મોટાં લશ્કર છે, પુષ્કળ શસ્ત્રો છે. કેટલાક દેશો પાસે તો અણુશસ્ત્રો છે. બધા દેશો યુદ્ધ માટે તૈયારી કરે છે. યુદ્ધ માટે સજ્જ થઈએ તો શાંતિની સ્થાપના કઈ રીતે થાય? હું ઇચ્છું કે દરેક દેશે શાંતિ માટે એક પ્રધાન અને એક સરકારી ખાતું રાખવું જોઈએ. દરેક દેશમાં વાટાઘાટ કરનાર એક સમિતિ હોવી જોઈએ, જે યુદ્ધ કાર્ય વિના સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તેનો જ માર્ગ શોધે. ગાઝા અને પેલેસ્ટાઇનમાં જુઓ, હોસ્પિટલોનો નાશ કરવામાં આવ્યો, શાળાઓ જમીનદોસ્ત થઇ, નાનાં બાળકોને ભીખ માગવા વારો આવ્યો, સગર્ભા સ્ત્રીઓ સલામત રીતે બાળકને જન્મ ન આપી શકે. અને આપણે પોતાને સભ્ય સમાજ તરીખે ઓળખાવીએ! શું આ સભ્યતા છે? જો તમે શાંતિ ઇચ્છતા હો, તો એની સ્થાપના સંભવ છે. એ માટે શાંતિનું અલગ ખાતું હોવું જોઈએ, પૂરતું ભંડોળ ફાળવવું જોઈએ અને એ માટે સતત કાર્યરત રહેવું જોઈએ.
આ વાત હું મારી માં પાસેથી શીખ્યો. તેઓ હંમેશાં કહેતાં કે આ દુનિયામાં મોટા ભાગના લોકો લડાઈ કરવા નથી ઇચ્છતા હોતા, કોઈનો જાન લેવા નથી માંગતા. તેઓ એકબીજા સાથે પાડોશી માફક રહેવા ઇચ્છે છે. અત્યારે જ્યારે અમેરિકા-ઈરાન, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન અને યુક્રેઇન-રશિયા એકબીજા સાથે લડી રહ્યા છે ત્યારે દુનિયાની આઠ અબજમાંથી સાત-સાડાસાત અબજ જેટલી પ્રજા શાંતિથી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે, ડોક્ટર્સ અને નર્સીસ દર્દીઓની સંભાળ રાખી રહ્યા છે, કારીગરો સાધનો બનાવી રહ્યા છે અને માતાઓ પોતાનાં સંતાનોને ઉછેરી રહી છે. આથી જ હું કહીશ કે જો આપણે લોકશાહી તંત્રમાં જીવતા હોઈએ તો આપણે બહુમતી પ્રજાની આગેવાની સ્વીકારીને શાંતિથી જ જીવવું જોઈએ.
યુદ્ધ કરવું, એ માત્ર અસભ્ય અને મૂર્ખામી ભર્યું પગલું જ નથી, એ તદ્દન ગેરવ્યાજબી પણ છે. યુદ્ધ જીતી શકાય જ નહીં. અમેરિકા ઈરાનની લડાઈ જીતી નહીં શકે, જેમ એ વિયેટનામ, કોરિયા અને અફઘાનિસ્તાનની લડાઈમાં જીત નહોતા હાંસલ કરી શક્યા. 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યનું થાણું રહ્યું છતાં અમેરિકાની જીત ન થઇ, તાલિબાન હજુ રાજ કરે છે. વિયેટનામમાં હજારો અને લાખો લોકોનો સંહાર થયો, પણ અમેરિકા એ યુદ્ધ પણ ન જીતી શક્યું, કમ્યુનિસ્ટ પાર્ટી હજુ ત્યાં શાસન કરે છે. રશિયા ચાર વર્ષથી યુક્રેઇન સામેં જંગે ચડ્યું છે, છતાં એ પ્રદેશ જીતી નથી શક્યા. એટલે કે યુદ્ધમાં કોઈ પક્ષની જીત નથી થતી. યુદ્ધમાં હજારો લાખો લોકો જાન ગુમાવે, રહેણાંક આવાસો, હોસ્પિટલો અને શાળાઓ જમીનદોસ્ત થાય. અને યુદ્ધના અંતે એ લોકોને શું પ્રાપ્ત થાય છે? આપણે આપણી જાતને શિક્ષિત ગણાવીએ છીએ, આપણે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ અને યેલ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીમાં શિક્ષણ લઈએ છીએ. એ સમયની બરબાદી છે. એ લોકો શિક્ષિત નથી, સભ્ય નથી. યુદ્ધમાં વિજયી ન થવું અને પોતાના તેમ જ અન્ય દેશના અસંખ્ય લોકોની હત્યા કરવી એનો શું અર્થ છે? એના જેવી બીજી મૂર્ખામી કઈ એ મને કહો જોઉં?
વાટાઘાટ કરીને તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેવા તાલીમ પામેલા લોકોનું સંગઠન ઊભું કરવું એ વ્યાજબી વાત છે, પણ કાયમી શાંતિની સ્થાપના અને જાળવણી કરવી હોય તો પ્રકૃતિ સાથે પણ શાંતિમય સહઅસ્તિત્વ ઊભું કરવું જોઈએ, તો એ કઈ રીતે સંભવ બને? એ સવાલના જવાબમાં સતીશ કુમારે કહ્યું કે હા, શાંતિ એટલે યુદ્ધની ગેરહાજરી માત્ર નહીં. એ નકારાત્મક નહીં, પણ સંવાદી જીવન વિકસાવવા જેવી સકારાત્મક વિચારધારા છે. આથી સૌ પ્રથમ પોતાની જાત સાથે શાંતિ કેળવતા શીખવું જોઈએ. તે માટે આપણા વિચાર, વાણી અને વર્તન શાંતિપૂર્ણ હોવા ઘટે. પોતાનો ધર્મ પાળવો, પણ અન્ય ધર્મ પ્રત્યે સમભાવ હો, નફરત કે તિરસ્કાર નહીં એ જરૂરી છે.
જ્યારે હું ઘણા દેશોમાં પદયાત્રા કરીને ફર્યો, ત્યારે મેં મુસ્લિમ દેશોની મુલાકાત લીધી, અને હું મુસ્લિમ નથી છતાં મેં એ ધર્મના અનુયાયીઓને કહ્યું, હું તમને ચાહું છે. એ જ વાત મેં કમ્યુનિસ્ટ અને મૂડીવાદી દેશના પ્રજાજનોને કહી. માનવ માત્રને પ્રેમ કરવાથી વ્યક્તિગત શાંતિ મળે છે.
હિન્દુ પરંપરા મુજબ પ્રાર્થનાને અંતે ત્રણ વખત શાંતિ બોલવામાં આવે છે. પહેલી શાંતિ તમારા મન, વચન અને કર્મથી વ્યક્તિગત શાંતિ પ્રાર્થો છો. બીજી શાંતિ દરેક દેશના, ધર્મના, જ્ઞાતિના લોકોની સાથે સુમેળ અને પ્રેમભર્યા સંબંધો વિકસાવીને મેળવી શકાય. અને ત્રીજી શાંતિ પ્રકૃતિ સાથે શાંતિમય સહઅસ્તિત્વ સ્થાપીને મેળવી શકાય. અત્યારે આપણે જાણે કુદરત સામે યુદ્ધે ચડ્યા હોઈએ એવી રીતે કુદરત સાથે વર્તાવ કરીએ છીએ. જે રીતે પ્રાણીઓને ફેક્ટરી ફાર્મમાં પૂરવામાં આવે છે, એ કેટલું ક્રૂર છે? એ પ્રાણીઓને જેલના કેદીઓની માફક દિવસનું અજવાળું પણ જોવા ન મળે તેમ ગોંધી રાખવામાં આવે છે. પ્રાણીનું માંસ આરોગતા લોકો જો એ પ્રાણીઓને પૂરતા હવા-ઉજાસ અને પાણી પૂરા પડી, મુક્તપણે ફરવા દઈને તેનો વધ કરે તો હાજી પણ વ્યાજબી ગણાય. જે રીતે આપણાં જંગલો કાપવામાં આવે છે, જે પ્રમાણમાં જમીનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે, જે રીતે આપણી ગટરો નદી, તળાવ અને દરિયામાં ઠલવાય છે અને પ્લાસ્ટિકનો કચરો જળ-જમીન અને જંગલને દુષિત કરતો રહે છે એ શું માનવીય વર્તન કહેવાય? આ શું સભ્ય વર્તન કહેવાય? આપણે કુદરત ને ધન સંપત્તિ મેળવવાના સાધન તરીકે વાપરીએ છીએ, બાકી એનું કોઈ મૂલ્ય નથી સમજતા.
સતીશ કુમારે પોતાના પુસ્તક ‘ધરતી, આત્મા અને સમાજ’માં નવા પ્રકારની ત્રિપુટીનો ઉલ્લેખ કર્યો છે તે વિશે વધુ વિગતે વાત કરતાં કહ્યું કે સામાન્ય રીતે લોકોમાં ત્રિપુટીનો ખ્યાલ વધુ પ્રચલિત હોય છે. જેમ કે ફ્રેન્ચ ક્રાંતિ મુક્તિ, સમાનતા અને બંધુતા પર આધારિત હતી. ખ્રિસ્તી ધર્મમાં પણ પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો ખ્યાલ છે. આ રીતે ત્રણ શબ્દો દ્વારા કોઈ વિચારને સમગ્ર પણે સંક્ષેપમાં રજૂ કરી શકાય છે. ધરતી એટલે પ્રકૃતિ, અને આપણે માટીમાંથી સર્જાયા છીએ. human શબ્દ લેટિન શબ્દ humus પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે માટી. આપણું તન અને આપણે આરોગીએ છીએ એ ખોરાક એ બધું જ માટીમાંથી પેદા થાય છે. ધરતી સાથે મૈત્રી પૂર્ણ અને શાંતિ ભર્યા સંબંધ રાખવા જોઈએ, કેમ કે માટી – ધરતી એ જીવંત હસ્તી છે, કોઈ નિર્જીવ વસ્તુ નથી. તેથી જ મેં તેને પ્રથમ સ્થાન આપ્યું.
કરુણા, દયા, ઔદાર્ય અને હિંમતની ભાવના કેળવીને આત્માનું સર્વાંગી પરિવર્તન કરીએ તો અન્ય સાથે શાંતિ ભર્યા સંબંધો સ્થપાય. આપણે દરેકને માત્ર માનવ તરીકે જોતા શીખવું જોઈએ. એકબીજા વચ્ચે રહેલી જુદાઇને વિવિધતા તરીકે સમજતા થવું જોઈએ, વિભાજીત એકમ તરીકે નહીં. ધર્મ, ભાષા અને રાષ્ટ્રીયતામાં વૈવિધ્ય હોય તે સારું જ છે. આપણે શા માટે વૈવિધ્યને વિભાજનમાં બદલી નાખીને સંઘર્ષ અને લડાઈ કરીએ છીએ? ચાઈનીઝ, ભારતીય, આફ્રિકન, હિન્દુ, મુસ્લિમ કે પર્શિયન, કોઈ પણ પૂર્વભૂમિકા ધરાવતા લોકો હોય; સમાજમાં રહેલા આવા વૈવિધ્યને વધાવી લઈએ. આપણે શા માટે બધા લોકો મશીન જેવા, ઔદ્યોગિકરણની પેદાશ જેવા અને ભૌતિકવાદી બની જાય એમ ઇચ્છીએ છીએ?
હું આ રીતે ધરતી, આત્મા અને સમાજ વચ્ચે શાંતિની સ્થાપના ચાહું છું.
આ બ્લોગની મુલાકાત લેનાર નિકનો સવાલ હતો, “આપે આઠ હજાર માઇલની સફર એક પણ પૈસો સાથે રાખ્યા વિના, માત્ર અજાણ્યા લોકોની ભલમનસાઈ પર આધાર રાખીને કરી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સોવિયેત યુનિયન, યુરોપ અને યુ.એસ.એ. એ તમામ દેશોમાં અણુશસ્ત્રો પ્રત્યે વિરોધ દર્શાવવા સફર કરી. આપે સાંભળેલું કે આવો વિરોધ કરવા બદલ બર્ટાન્ડ રસેલની ધરપકડ કરવામાં આવી હતી અને એમને મળવાની ઇચ્છાથી પ્રેરાઈને તમે પદયાત્રા કરી. એટલે એ રાજકીય અને આધ્યાત્મિક હેતુસર કરેલી યાત્રા હોય એમ લાગે. આપ દુનિયાના એ દેશોના નેતાઓના વિચારોને બદલવા માંગતા હતા કે આપની પોતાની અંદર કોઈ પરિવર્તન લાવવા માગતા હતા? અને શું એક વિના બીજો હેતુ સિદ્ધ થઈ શકે?”
સતીશ કુમારે ખુલાસો કરતાં જણાવ્યું કે મારી ઇચ્છા એ નેતાઓના વિચારો બદલવાની હતી, તેમ જ સામાન્ય લોકોના મનમાં પણ બદલાવ આવે તેવી ધારણા હતી. જો મારે માત્ર દેશના વડાઓના જ વિચારો બદલવાની ઇચ્છા હોત તો હું પ્લેનમાં મોસ્કો, પેરીસ, લંડન અને વોશિંગ્ટન ગયો હોત. પરંતુ મેં વિચાર્યું કે પાક ઉગાડવા માટે ખેતર તૈયાર કરવું જોઈએ. જ્યાં સુધી મોટા ભાગની પ્રજા આ વિચાર સમજીને શાંતિની માંગણી ન કરે ત્યાં સુધી આ નેતાઓ તો શાંતિની સ્થાપના માટે કશો પ્રયાસ કરવાના જ નથી. એટલે મારે ગામડાઓમાં, પર્વતો અને રણ વિસ્તારમાં રહેતા, જંગલ અને વેરાન જગ્યાઓમાં રહેતા લોકોને મળવું હતું, કે જેમનો કોઈ અવાજ નથી હોતો. મારે એવા સામાન્ય લોકોની સાથે વાત કરવી હતી, એમનો મત જાણવો હતો.
જેમની પાસે પૈસાની સવલત હોય છે, તેઓ હોટેલમાં રહે, બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં રહે. રેસ્ટોરન્ટમાં જમે, કપડાંની ખરીદી કરે. ત્યાં તમને સામાન્ય લોકોને મળવાની તક ન મળે. પણ જ્યારે તમારી પાસે પૈસા ન હોય ત્યારે તમને સામાન્ય લોકોને મળવાની તક મળે, તેમના પર આધાર રાખવાની અને તેમની મહેમાનગતિ સ્વીકારવાની ફરજ પડે છે. એ લોકોએ આપેલ ભોજન આરોગતી વખતે તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળે છે. એવા સામાન્ય પ્રજાજનો સાથે મારે શાંતિના મહત્ત્વની વાત કરવી હતી. પણ મારે રાજદ્વારી નેતાઓને પણ મળવું હતું. હું ક્રેમલિન ગયો, મને વ્હાઇટ હાઉસમાં પણ આવકાર મળ્યો હતો અને બ્રિટનની હાઉસીસ ઓફ પાર્લામેન્ટ માં પણ આવકાર મળ્યો હતો
હું માનું છું કે પરિવર્તન માત્ર ક્રેમલિન કે વ્હાઇટ હાઉસમાંથી નથી આવવાનું, એટલે આપણે બંને પક્ષો સાથે કામ કરવું જોઈએ. જ્યારે સમાજના તળિયાના ગણાતા લોકો માંગણી કરે ત્યારે પરિવર્તન આવતું હોય છે. આથી જ તો લોકકેન્દ્રી ચળવળ માટે તૈયારી કરવી જોઈએ. પ્રજામાનસને શાંતિમય ચળવળ માટે તૈયાર કરવાની સાથે મારે રાજદ્વારી નેતાઓને જાણ કરવી હતી કે તમે જે લો છો તે તદ્દન અસભ્ય અને મૂર્ખામી ભર્યાં પગલાં છે, અને તેનાથી તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકવાના. આપણે બે વિશ્વયુદ્ધ જોયા, કોરિયન અને વિયેતનામની લડાઈઓ જોઈ. એક પછી એક લડાઈઓ છેડી. આપણે શું સિદ્ધ કર્યું? ઝેંગીસ ખાનને શું હાથ લાગ્યું? કશું નહીં. તો બુદ્ધ, જીસસ ક્રાઈસ્ટ, મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, નેલ્સન મંડેલા અને મધર ટેરેસા જેવા મહાન નેતાઓને અનુસરો. એ લોકો જ સાચા નેતા છે, જે પરિવર્તન લાવી શકે.
હું જે પ્રદેશની ભાષા નહોતો જાણતો, ત્યાં મને દુભાષિયા મળી રહ્યા, થોડી ઘણી સ્થાનિક ભાષા હું શીખ્યો, શાળાઓ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી. હું ઇઝવેસ્ટિયા (Izvestia), Pravda, ‘ન્યુયોર્ક ટાઈમ્સ’, ‘ગાર્ડિયન’ અને બી.બી.સી.ના પ્રવક્તાઓને મળ્યો અને મારા વિચારો પ્રગટ કર્યા.
સતીશ કુમારે આ પદયાત્રા 1962માં કરેલી, ત્યારબાદ દુનિયામાં આવેલા બદલાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે છેલ્લાં 60 વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ. હાલમાં ઈરાન અને યુક્રેઇનમાં લડાઈ ચાલે છે. છતાં હું આશાવાદી છું કેમ કે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો અંત આવ્યો છે. રંગભેદ હવે ઓછો જણાય છે. હું જ્યારે માર્ટિન લ્યુથર કિંગને મળ્યો ત્યારે મને એક રેસ્ટોરન્ટમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યો હતો, કેમ કે હું શ્વેત ચામડીનો નહોતો. આજે અમેરિકામાં અલગ અલગ જાતિ અને રંગ ધરાવતા લોકો વચ્ચે એકીકરણ થયું છે અને અશ્વેત લોકો છૂટથી સમાજમાં ફરતા જોવા મળે છે. બારાક ઓબામા રાષ્ટ્રપ્રમુખ બન્યા. માર્ટિન લ્યુથર કિંગને કોઈ અશ્વેત માનવી વ્હાઇટ હાઉસમાં જાય એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. વળી હવે પર્યાવરણ, હવામાનમાં આવતા બદલાવને કારણે આવતી કુદરતી આફતો અને પ્રદૂષણ વિશે જાગૃતિ વધી છે.
હું એમ પણ જોઈ શકું છું કે 50 અને 60ના દાયકામાં જ્યારે Simone de Beauvoir દ્વારા લખાયેલ પુસ્તક The Second Sex પ્રકાશિત થયું તેના કરતાં આજે મહિલાઓની સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. એટલે આપણે આવનારાં પરિવર્તનો માટે આશાવાદી રહેવું જોઈએ. મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જેવા મહાનુભાવોની સમાજ પર અસર થઇ. કોઈ આપણી વાત નહીં સંભાળે અને આપણે કોઈ બદલાવ નહીં લાવી શકીએ તેમ માનીને મૌન ન બેસી રહેવું જોઈએ. સહુના સક્રિય પ્રયાસો થકી જ પરિવર્તન આવ્યા છે અને આવશે. અને શાંતિની સ્થાપના માટે પ્રયાસ કોઈ પણ કરી શકે. એ માટે માત્ર હિંમત અને તમારા હેતુ માટે પરમ વિશ્વાસની જરૂર રહે. આમ જુઓ તો મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ અને મધર ટેરેસા જેવી મહાન હસ્તીઓ મારા-તમારા જેવા સામાન્ય માણસ જ હતા. આપણા જેવું જ સામાન્ય જીવન તેઓ જીવતા. માત્ર એક ફરક હતો. હિંમત. હિંમત એ દરેક વ્યક્તિનો વિશેષાધિકાર છે. ફ્રેન્ચ ભાષામાં હૃદય માટે શબ્દ છે, coeur; અને હિંમત હૃદયમાંથી આવે છે. દરેકને હૃદય હોય છે, પરંતુ હિંમત સુષુપ્ત પડી હોય છે. તેને જાગૃત કરવાની જરૂર છે. જોખમ, અડચણો અને મુશ્કેલીઓથી ડરવું નહીં. બીજા લોકો બધી પરિસ્થિતિઓનો તોડ કાઢશે અને હું મારી આરામદાયી જિંદગી જીવી જઈશ એવો સહેલો માર્ગ પસંદ ન કરશો. ગાંધીજીમાં બ્રિટિશ રાજ દરમ્યાન કુલ 12 વર્ષ સુધી જેલમાં જવાની હિંમત હતી, માર્ટિન લ્યુથર કિંગમાં 27 વખત જેલમાં જવાની તૈયારી હતી અને નેલ્સન મંડેલાએ 29 વર્ષ સુધી કેદમાં રહેવાની હિંમત દર્શાવી. મધર ટેરેસા સાથે ક્રિશ્ચિયન મઠના અધિકારીઓએ સંબંધ તોડી નાખ્યો, તેમને મઠમાંથી બાતલ કરવામાં આવ્યાં, એ યુવાન સાધ્વી એકલાં પડી ગયાં, છતાં તેમણે ભારતના તરછોડાયેલા લોકોની સેવા કરવા માટે ગજબની હિંમત દર્શાવી. ટોલ્સટોયે એમના પર પ્રતિબંધ મુકવા છતાં પુસ્તકો છપાવ્યા, શેક્સપિયરે વિરોધ હોવા છતાં સોનેટ અને નાટકો લખ્યા. કર્મશીલ હોવા માટે પણ હિંમતની સહુ પ્રથમ જરૂર રહે છે.
જે નેતાઓ અને તેમને અનુસરનારાઓ જંગમાં જાય છે તેઓ હિંમતવાન નથી હોતા. નેતાઓ તો ક્રેમલિન કે વ્હાઇટ હાઉસમાં બેઠા બેઠા સાધારણ નાગરિકોને બલિદાન આપવા મોકલે છે. અહિંસક પગલું ભરવા દિલમાં હામ જોઈએ. સહુને પ્રેમ કરવા, દુનિયામાં બદલાવ લાવવા હિંમત જોઈએ.
સતીશ કુમારના પુસ્તક The Buddha and the Terroristમાં અંગુલિમાલના પ્રસંગનો ઉલ્લેખ વાંચવા મળે છે. અંગુલિમાલને મહાત કરવા ભગવાન બુદ્ધ લશ્કર મોકલવાને બદલે તેની સાથે વાત કરે છે, તેની વાત સાંભળે છે અને તેનું હૃદય પરિવર્તન થાય છે. આજના યુગમાં આતંકવાદ, ધ્રુવીકરણ અને આપણાથી તદ્દન વિપરીત તથા અત્યંત તિરસ્કૃત કહી શકાય તેવા મત ધરાવનારાઓ સાથે વાટાઘાટ કરવી એ જોખમકારક છે એમ માનવામાં આવે છે. તેમના દુષ્ટ કૃત્યોને સહજ સ્વીકૃત ન કરવા જોઈએ, તો એ બાબતમાં બૌદ્ધ ધર્મની કરુણાનો સિદ્ધાંત આપણી પાસે શું અપેક્ષા રાખે છે એવા સવાલના જવાબમાં સતીશ કુમાર પોતાનો મત આ રીતે દર્શાવે છે :
ભગવાન બુદ્ધને દર્શન થયેલું હતું કે શાંતિની સ્થાપના અને જાળવણી સંભવિત છે. એ માટે તમારે જે વ્યક્તિ કે સમુદાય હિંસા આચરે (દા.ત. અંગુલિમાલ) તેની સાથે નિર્ભય થઈને વાત કરવી જોઈએ. ભયથી બદલાવ ન લાવી શકાય. ભગવાન બુદ્ધને જો ઇજા થવાનો કે મૃત્યુનો ભય લાગ્યો હોત તો તેઓ અંગુલિમાલના હૃદયનું પરિવર્તન લાવી શક્યા ન હોત. આજે દુનિયામાં સહુથી મોટો અંતરાય છે આપણામાં રહેલો ભય. નિર્ભયતા અને શાંતિ પ્રત્યેની શ્રદ્ધા જ શાંતિનું નિર્માણ કરી શકે. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે હિંસક માનવીને પણ અહિંસક માનવમાં બદલી શકાય. ક્રિશ્ચિયન ધર્મ પ્રબોધે છે કે બધાને પ્રેમ કરો, પણ આપણને પ્રેમમાં શ્રદ્ધા નથી. રવિવારે તેઓ ચર્ચમાં જાય અને પ્રાર્થના સમયે કહે કે ‘હું મારા પાડોશીને ચાહું છું, મારા દુ:શ્મનને પણ ચાહું છું’; અને સોમથી શનિ એ લોકો શસ્ત્રો બનાવવાનું કામ કરે, લશ્કરમાં ફરજ બજાવે. શું આ ખરો ક્રિશ્ચિયન, બૌદ્ધ કે હિન્દુ ધર્મ છે?
વાર્તાલાપને આગળ ચલાવતાં સતીશ કુમારે શુમાકર કોલેજ અને ‘રિસર્જન્સ’ મેગેઝીન વિશે માહિતી આપી.
રિસર્જન્સ (Resurgence ) સામયિક 1966માં શરૂ થયેલું અને હું 1973માં તેનો તંત્રી બન્યો. હું એ સામયિક શરૂ કરનારા ઈ.એફ. શુમાકર, જ્હોન પાપવર્થ અને અન્ય લોકોને જાણતો હતો. મેં શુમાકર કોલેજની સ્થાપના કરી. આજના યુગમાં શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન મનાય છે. જીવનનો હેતુ માત્ર વ્યવસાય મેળવવાનો નથી. જીવનમાં શિક્ષણ દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિ, સંગીત અને કલા કારીગરીને વિકસાવવાનો અને માનવ માનવ વચ્ચે ઉમદા સંબંધો બાંધવાનો અને સેવા કરવાની તક પૂરી પાડવાનો મકસદ છે. આજના શિક્ષણમાં આ આયામોની ગેરહાજરી જણાય છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીની ખ્યાતિ ઘણી છે, પરંતુ એ પણ જાણે જ્ઞાન આપવાની ફેક્ટરી બની ગઈ છે. એ ખરી કેળવણી નથી પૂરી પાડતી, માત્ર વિદ્યાર્થીઓને વ્યવસાય મેળવવા માટે તૈયાર કરે છે. શાળામાં પ્રવેશ કરો ત્યારથી અને યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરો ત્યાં સુધી તમને કેવા પ્રકારની નોકરી મળશે તે તરફ જ લક્ષ્ય સેવવામાં આવે છે. આથી જ મેં 1991માં શુમાકર કોલેજની સ્થાપના કરી. તેમાં હૈયું, મસ્તક અને હાથ ત્રણેને તાલીમ અપાય છે. એટલે કે સંપૂર્ણ માનવીનું શિક્ષણ. અત્યારે મોટા ભાગની યુનિવર્સિટી માત્ર મસ્તક(મગજ)ને અને તે પણ માત્ર અર્ધા મગજને તાલીમ આપે છે. તમે માત્ર અર્ધા – ડાબા મગજને તાલીમ આપવા માટે લાખો પાઉન્ડ, ડોલર્સ કે યૂરો ખર્ચો, જે વહીવટ, સંચાલન, ગણતરી, હિસાબ, તર્ક શાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે. જ્યારે જમણી બાજુનું મગજ, કે જે આંતરદૃષ્ટિ, કલ્પનાશક્તિ, પારસ્પરિક સંબંધો અને અધ્યાત્મ સાથે જોડાયેલું છે, તેનો વિકાસ કે તાલીમ આપવાનું કામ આપણી યુનિવર્સિટીઓ નથી કરતી હોતી. આપણે આટલા વિશાળકાય મકાનો બાંધવા, મોટા વાંચનાલયો વસાવવા આટલો બધો સમય અને નાણાં ખર્ચીએ છીએ, અને તે માત્ર અર્ધા ભાગના મગજને શિક્ષણ આપવા? આપણે હાથ અને હૈયાને તાલીમ મળે તેવી જોગવાઈ નથી કરતા. આ મૂર્ખામી નથી શું? મહાવિદ્યાલયોમાં હૃદયની લાગણીઓને વિકસવાનો કે અભિવ્યક્ત થવાનો કોઈ અવકાશ નથી. આપણા વિદ્યાર્થીઓ કોઈ વસ્તુ બનાવવા, બાંધવા કે કંઈ ઉગાડવા માટે હાથનો ઉપયોગ નથી કરી જાણતા. એ લોકો પોતાના બે અંગુઠા સ્માર્ટ ફોનને વાપરવા માટે જ ઉપયોગમાં લઇ શકે, બસ, બીજું કંઈ નહીં. એટલે મારે ડાબા અને જમણા ભાગના મગજને અને હૃદયને પણ તાલીમ આપે તેવી કોલેજની સ્થાપના કરવી હતી. આથી અહીં અમે ધ્યાન ધરીએ, સાથે બેસીને વાંચીએ, એકબીજા સાથે વાર્તાલાપ કરીએ, સાથે મળીને કામ કરીએ અને સંબંધો વિકસાવીએ છીએ. અમે સાથે મળીને શીખીએ છીએ, પ્રવાસ કરીએ, પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ, રસોઈ કરીએ અને બગીચામાં કામ કરીએ. આથી શુમાકર કોલેજ હૈયું, મસ્તક અને હાથને સમગ્રપણે શિક્ષણ આપનારી કોલેજનું ઉદાહરણ બની ગઈ છે.
હવે જીવ વિજ્ઞાન અને પર્યાવરણ વિશે વાત કરીએ. અમે જેમ્સ લવલોક સાથે પહેલો પાઠ્યક્રમ શરૂ કર્યો, જે Gaia એટલે કે ધરતી – એક સજીવ સંરચના વિશે હતો. ત્યારબાદ જીવોના એકબીજા સાથેના તેમ જ પરિસ્થિતિ સાથેના સંબંધો (ઈકોલોજી) પર ઊંડો અભ્યાસ કરવાના પગરણ માંડ્યાં. નોર્વેથી આર્ને નાએસ (Arne Naess) શુમાકર કોલેજમાં શિક્ષણ આપવા આવ્યા. ત્યાર પછી તો વંદના શિવા, ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર ફ્રિટજોફ કાપ્રા, જીવ પરિસ્થિતિ વિજ્ઞાનના નિષ્ણાત જનીન બેનયસ, કેરોલાઇન લ્યુકસ તથા વેન્ડેલ બેરી જેવા ઘણા ઉત્તમ અધ્યાપકો અને નિષ્ણાતો આવ્યા. આ રીતે અમારું ધ્યેય, જે સર્વગ્રાહી, પર્યાવરણને ધ્યાનમાં રાખતું અને આધ્યાત્મિક પ્રશિક્ષણ આપતું શિક્ષણ પૂરું પાડવાનું હતું, તે અમે બાગકામ કરતાં, શાકભાજી ઉગાડતાં, રસોઈ પકવતાં અને સાથે બેસીને ભોજન લેતાં જે એક નિકટવર્તી સમાજ રચાયો તેના દ્વારા આપવા લાગ્યાં.
અમે શુમાકર કોલેજનું સંચાલન 35 વર્ષ સુધી ડાર્ટિંગટન હૉલમાં કર્યું. ડાર્ટિંગટન અમારા એ સ્થળના પ્રણેતા હતા, તેમણે એ મકાન અમને નિઃશુલ્ક વાપરવા આપ્યું. નવા ટ્રસ્ટીઓ આવ્યા, અને તેમનો નિર્ણય અમને ભાડું ભર્યા વિના મકાન ન આપવાનો થતાં હવે અમે સ્વતંત્ર રીતે શાર્પહામ હાઉસ અને બીજા સ્થળોએ અમારો અભ્યાસક્રમ ચાલુ રાખીએ છીએ. અમે એક મકાન મેળવવાની તજવીજમાં છીએ, જેને માટે માતબર રકમ એકઠી થઈ છે અને થોડા સમયમાં અમે નવા ખરીદેલ મકાનમાં સ્થળાન્તર કરીશું. એ નવું કેમ્પસ ડાર્ટ નદીને કિનારે સુંદર વૃક્ષોથી ઘેરાયેલું ટેકરી ઉપર 80 એકરમાં ફેલાયેલું છે. અમારા વિદ્યાર્થીઓ વૃક્ષો વાવશે, ફળ, ફૂલ, શાકભાજી અને ઔષધીય વનસ્પતિ વાવશે. અહીં 40 પથારીની સુવિધા વાળા શયનખંડ, રસોડું, ભોજન ખંડ અને વ્યાખ્યાન ખંડની વ્યવસ્થા હશે.
આવી કોલેજ સર્વતોમુખી શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. માત્ર ઇંગ્લેન્ડ નહીં, દરેક દેશમાં આવી કોલેજ હોય તેવો પ્રયાસ છે. હાલમાં બ્રાઝીલ, બેલ્જીયમ, ફ્રાન્સ, ભારત અને ચીનમાં શુમાકર કોલેજની સ્થાપના થઇ ચુકી છે. આવા શિક્ષણ કેન્દ્રનું એક મજબૂત જાળું રચવા માંગીએ છીએ. બીજી શિક્ષણ સંસ્થાઓએ આ નામ જ આપવું એવો અમારો આગ્રહ નથી. જ્યાં હૈયું, મસ્તક, હાથને ગણનામાં લઈને શિક્ષણ અપાય, જ્યાં પર્યાવરણ, અધ્યાત્મ, કલ્પના શક્તિ અને સર્જનાત્મક શક્તિને વિકસવા દેવામાં આવે તે શુમાકર કોલેજ ગણાય એમ અમે માનીએ છીએ. અમે મોટી કોલેજ કે યુનિવર્સિટીની અપેક્ષા નથી રાખતા. નાનું સંકુલ ઉત્તમ પરિણામ આપતું હોય છે.
દુનિયાના મોટા ભાગના લોકો શાંતિમય વાતાવરણમાં જીવવા માંગે છે, એથી એકતા અને સંવાદિતા માટે સક્રિય થઈને કામ કરે છે, તો એ દિશામાં વધુ કામ કેમ ન કરાય? એ માટે શિક્ષણ અને જીવન પદ્ધતિ માટે જુદા પ્રકારનો પાયો નાખવો જોઈએ જેથી તેઓ જીવનને સમગ્રપણે જોઈ શકે. આવું બેશારા ટ્રસ્ટ અને શુમાકર કોલેજ જેવા સંગઠનો માને છે અને એ દિશામાં કામ કરે છે. સવાલ એ છે કે છતાં કુસંપ અને લડાઈની વૃત્તિ કેમ સર્વોપરી થતી જણાય છે?
સતીશ કુમારનું કહેવું છે કે મોટા પાયે પરિવર્તન લાવવા માટે માહિતી અને બાતમીની આપલે કરવી ખૂબ જરૂરી છે. બેશારા અને રિસર્જન્સ બંને ઉત્તમ કાર્ય કરે છે, પણ વધુ અસરકારક બનવા માટે સંવાદ વધારવાની જરૂર. વ્યાપારી જગત આ બાબતમાં પાવરધા છે. કોકાકોલા અને મેકડોનાલ્ડ દરેક દેશમાં જોવા મળશે. પરંતુ આવા કાર્યો ચુપકે ચુપકે થતાં હોય છે. આજકાલ ઘણા લોકો અને સંગઠનો ઈકોલોજી, પર્યાવરણ, અધ્યાત્મ વગેરે વિશે જોરશોરથી વાત કરે છે, પણ તેનો અમલ બહુ થોડા લોકો કરે છે. અમલમાં મૂક્યા સિવાય કોઈ સિદ્ધાંત કે ચળવળ અસરકારક ન બની શકે. મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ અને મધર ટેરેસા જેવાના સંદેશ અસરકારક હતા કેમ કે તેઓ જે ઉપદેશ આપતા હતા તેનો પહેલાં પોતે અમલ કરતા હતા. આપણે આપણા જ વિચારોનો અમલ નથી કરતા તેથી તેનો પ્રસાર પણ નબળો રહે છે. એ જ રીતે આપણે સહુ નાના એકમોમાં વિભાજીત થયેલા છીએ. એકબીજાની ટીકા કરતા રહીએ, સ્પર્ધા કરતા રહીએ છીએ. સાથે મળીને કામ કરવાથી જ ધાર્યું પરિણામ લાવી શકાય.
આપણે સહુ આ દિશામાં નિર્ભય થઈને, હિંમતથી સંપીને સતત કાર્યરત રહીએ એ ઇચ્છું. બુદ્ધ, જીસસ, મોહમ્મદ, બધાનો સંદેશ હતો, માનવ માત્રને બિનશરતી પ્રેમ કરો, અને તો જ આપણું ધ્યેય પાર પડશે.
e.mail : 71abuch@gmail.com
https://besharamagazine.org/podcast/podcast-interview-satish-kumar-peace-is-possible/
![]()

