
રવીન્દ્ર પારેખ
‘આપણી દેશ જનતા’ નામના નિબંધમાં નર્મદે આમ લખ્યું છે, ‘મુસલમાનોએ આપણા દેશનું નામ હિંદ પાડ્યું ને આપણને હિંદુ કહ્યા.’ આજે હિંદુ અને હિન્દુત્વનો મહિમા કરનારાઓને ધક્કો બેસે એવી આ વાત છે. આવતે વર્ષે નર્મદે કહેલી આ વાત પરથી નર્મદ જયંતી ઉજવવાનું બંધ થઈ જાય તો નવાઈ નહીં. જો કે બનવું તો એવું જોઈએ કે 2033માં આવી રહેલી નર્મદ દ્વિશતાબ્દી ઉજવવા આ શહેરે કમર કસીને લાગી પડવું જોઈએ. નર્મદે હિંદુઓ માટે અભિમાન થાય એવી વાત એ જ ફકરામાં આમ પણ કહી છે, ‘મૂર્તિ પૂજા એ આપણો સહુનો ધર્મ છે, રીતભાત આપણ સહુની ઘણું કરીને એકસરખી છે, આપણ સહુને સમદુઃખીપણું છે અને સંસ્કૃત વિદ્યા તો આપણી જ હતી તથા રામ કૃષ્ણ તે આપણા હિન્દુના દેવ છે એવાં એવાં અભિમાન છે- એટલું પણ છે તેથી આપણી હિન્દુની દેશજનતા હજી મરણ પામી નથી.’ આ શબ્દોમાં જે કહેવાયું છે તે કરતાં નથી કહેવાયું તે સમજવા જેવું છે. ‘એટલું પણ છે…’માં આટલું પણ જેમ તેમ છે – એ સૂચિતાર્થ સમજવા જેવો છે. એટલું પણ રહ્યું છે કે નર્મદને ભલે ઔપચારિક રીતે પણ આપણે ઉજવીએ તો છીએ.
નર્મદ જયંતી નિમિત્તે ગાંધી બાગમાં નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ કે સૂતરની આંટી ચડાવાતી હતી ને કોર્પોરેશન રાજકારણીઓ, સાહિત્યકારો, કવિઓને એ સવારે આમંત્રણ આપતું. પહેલી સૂત્રમાલા કવિ, વિવેચક, નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ ડો. જયંત પાઠક દ્વારા અર્પણ કરાતી હતી. તે પછી એ ઉપક્રમ જાણીતા સર્જક ભગવતીકુમાર શર્મા દ્વારા જળવાયો. મેયર પણ સાહિત્યકારોની માલ્યાર્પણ વિધિ પતે તે પછી એ વિધિ કરતા. નર્મદનું ‘જય જય ગરવી ગુજરાત’ શાળાના બાળકો ગાતાં. શહેરના અન્ય સાહિત્યકારો, કવિઓ પણ એ સમયે ઉપસ્થિત રહેતા. આખા દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં નર્મદનું મહિમા ગાન થતું. હવેની નર્મદ જયંતી ત્યાં જ ઉજવાય છે, પણ ફરક પડ્યો છે તે આ વખતની સૂરત મહાનગરપાલિકાની પ્રેસનોટથી –
તેમાં સવારે નવ વાગે, ’સુરતમહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ. ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ’ દ્વારા પ્રખર સમાજસુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા એવા કવિશ્રી નર્મદને સુતરાંજલિ સહ વંદના કરવામાં આવશે.’ એ સાથે છેલ્લે નગરજનોને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ અપાયું છે. સાંસદો, અધિકારીઓ, ધારાસભ્યોને ગણી ગણીને આમંત્રણ અપાયું છે, પણ ભૂલમાં પણ એક સાહિત્યકાર કે કવિને આમંત્રણ અપાયું નથી. શહેરના સાહિત્યકારો કે કવિઓ એટલા નિર્માલ્ય છે કે એમને આવું અપમાન થાય તો પણ કંઇ ફરક નહીં પડે. સુરત મહાનગરપાલિકા એક પણ સાહિત્યકાર કે કવિને લેખામાં જ ન લે એ અસહ્ય છે. એને તો નર્મદ પણ રાજકારણી જ લાગ્યો હશે, પણ એ સાહિત્યકાર અને સુધારક હતો અને એણે સાહિત્યકારોનાં આવાં અપમાનનો જડબેસલાક જવાબ પણ આપ્યો હોત. સુરત મ.ન.પા.ના તમામ હોદ્દેદારોએ નર્મદને કવિ કે સુધારક તરીકે સમજીને જ 24 ઓગસ્ટ ઉજવવાનું નક્કી કર્યું હશે ને એમાં સુરતનો એક કવિ કે લેખક બોલાવવા જેવો ના લાગે એ અપમાનજનક અને શરમજનક છે. કોઈ એવું કહી શકે કે છેલ્લે નગરજનોને આમંત્રણ અપાયું જ છે. સાહિત્યકાર પણ નગરજન તો ખરો જ, પણ તે આવી સામાન્ય કેટેગરીનો માણસ નથી. એવું જ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો પણ નગરજનો તો ખરા જ ને! તો એમને કેટેગરીવાઈઝ ગોખી ગોખીને જુદું આમંત્રણ કેમ અપાયું? એ અપાયું તો સમ ખાવા પૂરતો એકાદ કવિ કે નાટ્યકાર યાદ ન આવ્યો? કે સાહિત્યની કશી સમજ જ બચી નથી? એ કેવળ દુ:ખદ છે કે રાજકારણીઓ ન હોય એવા તમામને બાજુ પર મૂકવામાં આવ્યા. આ ઠીક ન થયું. નર્મદના નામ પરથી નર્મદ સાહિત્ય સભા આ શહેરમાં છે કે નર્મદના નામ પરથી આ શહેરમાં યુનિવર્સિટી ચાલે છે, તો એમને આમંત્રણ આપી શકાયું હોત, આમાં એક પણ શિક્ષણ શાસ્ત્રી તો ઠીક, કુલપતિને પણ સ્થાન નથી. આ ઠીક છે? આ બધી રીતે અપમાનિત કરનારું છે.
સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિ છે, પણ તેને સાહિત્ય કે સંસ્કૃતિ વિષે બહુ ખબર નથી. એક સમય હતો જ્યારે શહેરમાં સાંસ્કૃતિક, સાહિત્યિક વ્યાખ્યાન માળાઓ ચાલતી હતી, દર વર્ષે ઉદ્યોગપતિની જેમ જ સાહિત્યકારનું રોકડ પુરસ્કાર આપીને સન્માન થતું હતું, એવી તો ઘણી કલાકીય પ્રવૃત્તિઓ સુરત મ.ન.પા. શહેરમાં કરતી હતી, પણ હવે કોઈ કોર્પોરેટર, અધિકારીઓને રાજકારણ સિવાય કોઈ વાતે રસ જ નથી. કલા, સંસ્કૃતિ, સાહિત્ય એટલે શું એની જાણકારી સુરત મ.ન.પા.ને ન હોય એવું તો બને નહીં, તો આવું રાજકીય આમંત્રણ કેમ અપાયું તે સમજાતું નથી. ટૂંકમાં, સુરત મહાનગરપાલિકા રાજકીય અખાડાથી વિશેષ કોઈ મૂલ્ય પણ ધરાવતી હોય તો આનંદ થાય. જવા દો, વધારે હાથ કાળા નથી કરવા.
*
થોડું નર્મદ વિષે જાણીએ.
નર્મદ જેવો સુધારક અને સર્જક આજ સુધી ગુજરાતમાં બીજો પાક્યો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું જ નહીં, પ્રવચનો ત્યારે પદ્યમાં થતાં. દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, ધર્મ, શબ્દકોશનો વિચાર પણ દુર્લભ હતો, એવા સમયમાં નર્મદે એ બધું ચરિતાર્થ કરી બતાવ્યું. નર્મદ ‘ધર્મવિચાર’ નામનું પુસ્તક કરે છે. પણ તે ઓળખાયો તો વિષયી ધર્મગુરુઓની સામે પડવાને લીધે. તેણે ‘યા હોમ કરીને’ ઝંપલાવ્યું છે ને યાહોમ કરનારો હોમ કરવા સુધી પણ પહોંચે છે. નર્મદે જે કર્યું તેનાથી વિરુદ્ધ પણ તે વર્ત્યો છે ને ત્યારે તે થૂંકેલું ચાટતો હોય એવું લાગે, પણ તેની વિશેષતા એ છે કે તેને જે લાગ્યું તે તેણે પૂરી ઈમાનદારીથી કર્યું છે. તે યાહોમ કરતો લાગે છે તો તે બાબત છુપાવતો નથી. એમ જ તે હોમ કરવા સુધી પહોંચે છે તો તે વાત પણ છુપાવતો નથી. તે સુધારાદિત્ય થઈને મેદાને પડે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે ને ફરી ધર્મ તરફ વળે છે તો તેમાં પણ તેની પ્રતીતિ છે. તે અજાણતા કે ઉતાવળે કંઇ કરતો નથી. ટૂંકમાં, તે માનતો નથી એવું કંઇ તે કરતો જ નથી. એક યુનિવર્સિટી ન કરે એટલું ગંજાવર કામ તેણે કર્યું છે. તેણે શબ્દકોશ એકલે હાથે કરવાનું સ્વીકાર્યું ને આ બધું જ તેણે 18થી લઈને 53 વર્ષની ટૂંકી જિંદગીમાં કર્યું છે. તેના કેટલા ય સુધારાઓ સામે પહાડ જેવડો વિરોધ હતો, પણ ‘ડગલું ભર્યું તે ના હટવું …’ કરીને તે આગળ વધે છે. વિધવા પુનર્લગ્નની પ્રતીતિ તે પોતે વિધવા જોડે લગ્ન કરીને કરાવે છે. તેનો જીવન મંત્ર એ જ તેનાં સમગ્ર સર્જનમાં ડોકાયા કરે છે.
કવિતા તેણે લખી જ નથી, કવિતા તે જીવ્યો પણ છે. ‘કબીરવડ’ તેને ‘ભૂરો ભાસ્યો ઝાંખો’ પહાડ જેવો લાગ્યો છે. એ પછી ‘કબીરવડ’નું એટલું સૌંદર્ય કવિતામાં પ્રગટ્યું નથી. ‘ઝટ ડહોળી નાખો રે મન જળ થંભ થયેલું’ જેવી પંક્તિ આજની જ તાજી પંક્તિ લાગે છે. કવિતાને એ ‘જય કવિતા’ કહે છે. કોઈ કવિએ કવિતાને આટલા લાડ લડાવ્યાનું ધ્યાનમાં નથી. તેને થાય છે, ‘ભણવું, કમાવવું, માન મેળવવું, બૈરી કરવી એ સહુ આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે તારે હું તો એ જ કામ કરીશ.’ એમ કહીને જીવનના કોઈ પણ આનંદનો અર્ક/ઉકેલ તે કવિતામાં જુએ છે.
1851માં 18 વર્ષની વયે ‘મંડળી મળવાથી થતા લાભ’ નામનો ગુજરાતીનો પહેલો નિબંધ લખે છે ને એમ ગુજરાતી ગદ્યનો પ્રારંભ થાય છે. એ પછી તો આત્મકથા, નાટક, કોશ, વ્યાકરણ, વિવેચન, ઇતિહાસ, ધર્મ, સમાજ, સ્ત્રી કેળવણી જેવા અનેક વિષયો ખેડીને તે આપણા નવપ્રસ્થાનકારનું માન મેળવે છે. ગાંધીજી પહેલાં તેણે કહ્યું છે કે રાષ્ટ્રભાષા હિન્દી જ હોવી જોઈએ.
ભાષા વિષે પણ તેણે ઘણું વિચાર્યું છે. ‘ચંદા’, ‘લાગણી’, ‘દેશાભિમાન’ ‘સજીવારોપણ’ જેવા શબ્દો નર્મદની દેન છે. નવું બોલતાં શીખેલી ગુજરાતીને તેણે અસ્ખલિત અને આક્રમક કરી છે. એ જ ભાષા સાથે તે પત્રકારત્વમાં પણ ઝુકાવે છે. ‘ડાંડિયો’ જેવી પોલપત્રિકા પત્રકારત્વનો આદર્શ પણ સ્થાપે છે.
નર્મદના અક્ષરદેહમાંથી પસાર થનારને એટલું જરૂર લાગશે કે 35 વર્ષના સર્જન કાળમાં, આટલી ટેકનોલોજી અને સગવડો છતાં, આજના સમયમાં આટલું વિપુલ સર્જન કરવાનું મુશ્કેલ છે. એ ઉપરાંત નર્મદ તેની ‘આત્મસચ્ચાઈ’ને કારણે પણ સદા સર્વદા ધ્યાન ખેંચનારો બની રહ્યો છે. તેની ઉચ્ચરિત અને લિખિત ભાષામાં ફરક નથી. તે બોલે છે, તે જ લખે છે. ભલભલા સર્જકો, સુધારકો આવી ગયા, પણ આજે પણ નર્મદની પ્રસ્તુતતા ઓછી થતી નથી ને એ જ તેની મહત્તા પણ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઑગસ્ટ 2026
![]()

