Opinion Magazine
Number of visits:
10138345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂતકાળની ભૂલો ભારે પડી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 August 2026

રમેશ ઓઝા

પાકિસ્તાનમાં જે બની રહ્યું છે એ જોઇને રાજી થનારા મુસ્લિમદ્વેષી હિંદુઓ પાકિસ્તાનમાં જે ચર્ચા ચાલી રહી છે એના તરફ ધ્યાન નથી આપતા. દેશમાં બધાં ઘેટાંબકરાં નથી હોતા, વિચારનારા અને ચિકિત્સાબુદ્ધિ ધરાવનારા બુદ્ધિશાળી લોકો પણ દરેક સમાજમાં હોય છે. વડા પ્રધાને જેને દિમાગી નક્સલ તરીકે ઓળખાવ્યા છે એવા. 

પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે એ તમે જાણો છો. બલુચિસ્તાન અને ઉત્તરી પ્રદેશ તરીકે ઓળખાતા બાલ્ટિક અને ગીલગિટ પ્રદેશમાં પ્રજા રસ્તા પર ઉતરી છે, અક્ષરસઃ વિદ્રોહ ચાલી રહ્યો છે અને પાકિસ્તાનના શાસકો તેને કચડી રહ્યા છે. બીજી બાજુ પાકીસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અઘોષિત લડાઈ ચાલી રહી છે. ઘણા લોકો એમ માને છે અને ડર અનુભવી રહ્યા છે કે પાકિસ્તાનનું કદાચ હજુ વિભાજન થાય. 

જ્યારે પરિસ્થિતિ વણસે અને પ્રશ્નો વકરીને જટિલ બને ત્યારે દિમાગી નક્સલો તેની સમીક્ષા કરે. સમીક્ષા એક એવી ચીજ છે જેમાં જે હોય એ કહેવું પડે. ફોડ પાડીને અને નામ લઈને. પાકિસ્તાનમાં અત્યારે આ બની રહ્યું છે. હવે જો તમે ગોદી મીડિયા પર પાકિસ્તાનની બરબાદીના દૃશ્યો જોશો તો એક પ્રકારની સુવાણ મળશે, પણ જો તમે ત્યાં ચાલી રહેલી ચર્ચા જોશો તો કશુંક શીખવા મળશે. કોઈક પાસેથી કશુંક શીખવું છે કે તેની બરબાદી જોઇને સુખ મેળવવું છે એ તમારા પર નિર્ભર છે. દિમાગી નક્સલીઓ ત્રાસ આપે છે એમાં તો કોઈ શંકા જ નથી. 

તો પાકિસ્તાનના દિમાગી નક્સલીઓ બે મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. પહેલો પ્રશ્ન મહમ્મદ અલી ઝીણા અને પાકિસ્તાનના સ્થાપકોના વલણ વિષે પૂછવામાં આવી રહ્યો છે. મારી જાણકારી મુજબ પહેલીવાર પાકિસ્તાનમાં ઝીણા આટલી હદે ચિકિત્સાની એરણ હેઠળ આવ્યા છે. સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે કાયદે આઝમ ઝીણાએ મુસ્લિમ બહુમતી પાકિસ્તાન નામનો માટીનો લોંદો આપી તો દીધો તેને કેવો આકાર આપવાનો છે એની કોઈ કલ્પના જ નહોતી આપી. બીજી બાજુ કાઁગ્રેસના નેતાઓએ કેવી તૈયારી હતી એ જુઓ. ૨૦મી સદીના પહેલા દશકથી કાઁગ્રેસે સ્વતંત્ર ભારતની કલ્પનાને આકાર આપવામાં આવી રહ્યો હતો અને ધીરે ધીરે લડતા ઝઘડતા એક સ્થૂળ સહમતી વિકસાવવા માંડી હતી. અંગ્રેજીમાં તેને આઈડિયા ઓફ ઇન્ડિયા કહે છે. સમવાયી ઢાંચો (ફેડરલ સ્ટ્રકચર) કેવો હશે, રાજ્યો અને કેન્દ્રો વચ્ચે સત્તાની વહેંચણી કઈ રીતની હશે, રિયાસતોનું શું કરવામાં આવશે, સીમાડાનાં કબિલાઈ પ્રદેશોની પરંપરા જાળવીને તેને કઈ રીતે ભારતમાં મિશ્રિત કરવામાં આવશે, ભાષાવાર પ્રાંતરચના હશે કે વહીવટી પ્રાંતરચના, કેળવણીનું માધ્યમ શું હશે, રાષ્ટ્રભાષા કઈ હશે, ભાષાકીય અને અન્ય અસ્મિતાઓ સાથે કઈ રીતે કામ પાડવામાં આવશે, દલિતોને ન્યાય કઈ રીતે આપવામાં આવશે, પરંપરાગત હાંસિયામાં રહેલી પ્રજાના સર્વાંગીણ વિકાસ માટે નાણાંકીય સહાય આપવામાં આવશે કે અનામત જેવા વિશેષ લાભ આપવામાં  આવશે કે પછી બન્ને હશે હશે, ધાર્મિક રૂઢિગત કાયદાઓમાં સુધારા કરવામાં આવશે કે કેમ, સેક્યુલરિઝમનું સ્વરૂપ કેવું હશે, નાગરિકોના મૂળભૂત અધિકારોમાં શેનો સમાવેશ કરવામ આવશે, વિદેશનીતિ કેવી હશે એમ રજેરજ બાબતો વિષે વિચાર કરવામાં આવ્યો હતો. કાઁગ્રેસના નેતાઓએ જે તે પ્રજાથી ડરીને મભમ ભાષાનો આશ્રય નહોતો લીધો. કાઁગ્રેસના અધિવેશનોમાં સ્પષ્ટ ભાષામાં પ્રસ્તાવો રજૂ કરવામાં આવતા હતા અને પછી ચર્ચા થતી હતી. કેટલાક પ્રસ્તાવોને મંજૂર થવામાં બબ્બે દાયકા પણ લાગ્યા છે. આઈડિયા ઓફ ઇન્ડિયા અંગે દાયકાઓની રાષ્ટ્રીય ચર્ચાને અંતે ભારતનું બંધારણ ઘડાયું હતું અને સ્વીકારાયું હતું. એનો અર્થ એવો નથી કે મતભેદોનો અંત આવી ગયો હતો. ભલે સર્વસંમતિ નહોતી બની, પણ સર્વાનુમતિ તેઓ રળી શક્યા હતા. 

મહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગે આવો કોઈ પ્રયાસ કર્યો હતો? આઈડિયા ઓફ પાકિસ્તાન વિષે ક્યારે ય મુસ્લિમ લીગના કોઈ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવી છે? ઝીણાસાહેબને પાકિસ્તાનના સ્વરૂપ વિષે પ્રશ્ન પૂછવામાં આવતો હતો તો તે તેને ટાળતા હતા. તેમને ડર લાગતો હતો કે જો તેઓ પાકિસ્તાનની કલ્પના રજૂ કરશે તો અવશ્ય સુન્નીઓ, શિયાઓ, અન્ય મુસલમાનો, બંગાળીઓ, પઠાણો, બલોચો, સિંધીઓ, પંજાબીઓ, કબિલાઈ પ્રજાઓ અને સ્ત્રીઓમાંથી કોઈને કોઈ નારાજ થઈ જશે. આના કરતાં ઇસ્લામ મહાન, મુસ્લિમ મહાન, મુસ્લિમ ઇતિહાસ મહાન, ઐતિહાસિક મુસ્લિમ પુરુષ મહાન અને હિંદુ અધમની વાતો કરતા રહેવામાં ફાયદો છે. આ ઉપરાંત તેઓ મુસલમાનોને બહુમતી હિંદુઓથી ડરાવતા હતા. આમાં સલામતી હતી. કાઁગ્રેસના નેતાઓએ આવો ડર નહોતો અનુભવ્યો. તેમણે સામી છાતીએ શબ્દ ચોર્યા વિના ભારત વિશેની તેમની કલ્પના પ્રજા સમક્ષ રાખી હતી ધીરે ધીરે આઝાદ ભારતનાં સ્વરૂપને આકાર પાયો હતો. 

પહેલીવાર પાકિસ્તાનના દિમાગી નક્સલો કાયદે આઝમ ઝીણાને પાકિસ્તાનની બરબાદી માટે જવાબદાર ઠેરવવા લાગ્યા છે. તેઓ બંગાળ, પંજાબ, બલોચિસ્તાન, વાયવ્ય સરહદ પ્રાંત અને સિંધની માટી એકઠી કરીને લોંદો આપી ગયા. આકાર વિનાનો માટીનો એ લોંદો માત્ર પાંચ જ વર્ષમાં રાજકીય નેતાઓએ, મુલ્લાઓએ, લશ્કરી જનરલોએ અને આલાકમાન સરકારી નોકરોએ પોતપોતાના સ્વાર્થમાં પીંખી નાખ્યો. 

હિંદુઓ પાકિસ્તાન છોડીને જતા રહ્યા. ૧૯૭૧માં બંગાળી મુસલમાનો આકાર વિનાના માટીના લોંદામાંથી પોતાની માટી લઈને જતા રહ્યા. હવે જે માટીનો લોંદો બચ્યો છે એમાંથી બાવન ટકા માટી પર (એટલે કે પાકિસ્તાન પર) એકલા પંજાબે કબજો કર્યો છે. રાષ્ટ્રીય ધારાસભામાં પંજાબ એકલું ૫૨ ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે. લશ્કર અને વહીવટીતંત્રમાં પંજાબીઓનો હિસ્સો અડધા કરતાં વધુ છે. આંકડા દ્વારા ચિત્ર સ્પષ્ટ થશે. પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની કુલ ૩૩૬ બેઠકોમાં પંજાબ ૧૭૩ બેઠકો ધરાવે છે. સ્પષ્ટ બહુમતી. સિંધ ૭૫ બેઠકો, ખૈબર પખ્તુનવા (વાયવ્ય સરહદ પ્રાંતનું નવું નામ) ૫૫ બેઠકો, બલુચિસ્તાન ૨૦ બેઠકો, કેન્દ્રશાસિત પ્રદેશ ઇસ્લામાબાદ ૩ બેઠકો (જે પંજાબનો હિસ્સો છે એટલે પંજાબી કુલ ૧૭૬ બેઠકો) અને ગૈર મુસ્લિમ લઘુમતીઓ ૧૦ બેઠકો ધરાવે છે. લશ્કરમાં પંજાબીઓ ૫૧.૧૦ ટકા, સિંધીઓ ૨૦.૫૨ ટકા, પઠાણો ૧૬.૨૮ ટકા, બલોચીઓ ૬.૦૪ ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે. વહીવટીતંત્રમાં પંજાબીઓ ૫૦ ટકા, સિંધીઓ ૧૯ ટકા, પઠાણો ૧૧.૫ ટકા, બલોચીઓ ૬ ટકાનું પ્રમાણ ધરાવે છે. રાષ્ટ્રીય આવકમાં પંજાબ ૫૪.૧ ટકા, સિંધ ૩૦ ટકા, ખૈબર પખ્તુનવા ૧૩ ટકા બલોચિસ્તાન ૨.૯ ટકા હિસ્સો ધરાવે છે. ટૂંકમાં પંજાબ પાકિસ્તાન પર શાસન કરે છે.

તમને એક વાતની કદાચ જાણ નહીં હોય. પાકિસ્તાનની જ્યારે સ્થાપના થઈ ત્યારે પશ્ચિમ પાકિસ્તાન કરતાં પૂર્વ પાકિસ્તાનની વસ્તી વધુ હતી. ૧૯૫૧માં પૂર્વ પાકિસ્તાનની વસ્તી ચાર કરોડ ૨૦ લાખ હતી અને પશ્ચિમ પાકિસ્તાનની વસ્તી ત્રણ કરોડ ૩૭ લાખની હતી. દેખીતી રીતે રાષ્ટ્રીય ધારાસભામાં પૂર્વ બંગાળ બહુમતી ધરાવે અને એ પશ્ચિમ પાકિસ્તાનના શાસકોને કબૂલ  નહોતું. તેમણે પૂર્વ પાકિસ્તાનનો પ્રભાવ ખાળવા વન યુનિટની રમત રમી. પૂર્વ પાકિસ્તાન એક યુનિટ એટલે કે એક પ્રાંત અને પશ્ચિમ પાકિસ્તાન બીજું એક યુનિટ એટલે કે બીજો એક પ્રાંત. પચાસના દાયકામાં ભારતમાં નવ મોટા પ્રાંતો અને છ નાના પ્રાંતો હતા. ૧૯૫૦માં રિયાસતોનું વિલીનીકરણ કરીને કુલ ૨૮ પ્રાંતોની રચના કરવામાં આવી. ૧૯૬૦ સુધીમાં પ્રાંતોની ભાષાવાર પુનર્રચના કરવામાં આવી અને ભારતને ૧૫ પ્રાંતો અને છ કેન્દ્ર શાસિત પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યું. અત્યારે ભારત ૨૮ પ્રાંતો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો ધરાવે છે. 

પશ્ચિમ પાકિસ્તાનને તેની સ્થાપના વખતે જે ચાર મોટા પ્રાંત મળ્યા હતા તેનો ૧૯૫૫માં એક પ્રાંત કરી નાખ્યો. દુનિયાના લગભગ તમામ મોટા દેશોએ મોટા પ્રાંતોનું વિભાજન કરીને નાના પ્રાંતોની રચના કરી છે કે જેથી વહીવટી સુગમતા રહે અને પ્રજાને રાજ્યોની કલ્યાણ યોજનાઓનો વધારે લાભ મળે. પાકિસ્તાને ઊલટું કર્યું. કારણ બંગાળીઓને સરસાઈ ન મળવી જોઈએ. પચાસ ટકામાં તમે અને પચાસ ટકામાં અમે. આ વ્યવસ્થા ૧૯૭૦ સુધી રહી અને તેને કારણે પાકિસ્તાનનું વિભાજન થયું. 

હવે બાકીનું પાકિસ્તાન પંજાબથી જાન છોડાવવા માગે છે. અત્યારે જે આંદોલનો ચાલી રહ્યાં છે એનું આ મુખ્ય કારણ છે. હિંદુઓના ડરથી બચવા પાકિસ્તાન બનાવ્યું તો પંજાબી મુસલમાનોના ગુલામ બન્યા. પેલો તો કલ્પનિક ભય હતો આ તો વાસ્તવિકતા છે. હિંદુઓ અને બંગાળીઓ તો જતા રહ્યા માત્ર આપણે આમાં ફસાઈ ગયા. ડરના માર્યા હવે પંજાબીઓ પણ પ્રાંતોની ફેર રચના માટે તૈયાર થઈ ગયા છે. પણ કેટલા અને તેનો આધાર શું? 

કોણે પાકિસ્તાનની આ દુર્દશા કરી? કાલ્પનિક ભયે. નેતાઓએ તો ભારતીય મુસલમાનોને ભયભીત કરીને લાભ લીધો. તેમને પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નહોતી. તેમને સત્તામાં રસ હતો. જો મુસલમાનોના કલ્યાણની ચિંતા હોત તો આઈડિયા ઓફ પાકિસ્તાન વિષે ચર્ચા કરી હોત. સામી છાતીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હોત. પ્રશ્ન અને ચર્ચાથી ભાગ્યા ન હોત. જો ભેદભાવ વિના મુસલમાનોના હિતની ચિંતા હોત તો બંગાળી મુસલમાનોને અન્યાય ન કર્યો હોત અને પાકિસ્તાનનું વિભાજન ન થયું હોત. 

આમાં આપણા માટે પણ ધડો છે. પ્રજાને મહાનતાના નશામાં રાખવાથી અને ડરાવવાથી પ્રજાનું કલ્યાણ થવાનું નથી. દેશની કોઈ એક પ્રજાને દબાવી રાખવાની અને તેને અન્યાય કરવાની એક દિવસ કિંમત ચૂકવવી પડે છે જે પાકિસ્તાન આજે ચૂકવી રહ્યું છે. દેશના કોઈ એક પ્રાંતને કે પ્રાંતોને અન્યાય કરવામાં આવે તો તેની પણ લાંબાગાળે કિંમત ચૂકવવી પડતી હોય. જે ભૂલોની કિંમત પાકિસ્તાન આજે ચૂકવી રહ્યું છે એ ભૂલો હવે ભારત કરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પૂછો કે તમારી ભારત વિશેની કલ્પના સ્પષ્ટ કરો અને ચર્ચામાં લાવો. ચર્ચાથી ભાગો છો શા માટે? જરૂર પડે તો આ લખનારા જેવા દિમાગી નક્સલોની મદદ લો.    

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2026

Loading

23 August 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—355
રૂબલ  →

Search by

Opinion

  • જાતિ આધારિત વસ્તી ગણતરીઃ વહીવટી આશાવાદ કે નિયંત્રિત નિષ્ફળતા?
  • રૂબલ 
  • ચલ મન મુંબઈ નગરી—355
  • કોઈ મરે, તો જ કોર્પોરેશન કામ કરે…?
  • ખાલી ભરી ભરી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved