Opinion Magazine
Number of visits:
10180999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં ટિકિટ રાખવાનું ઠીક નથી …

Opinion - Opinion|11 September 2026

રવીન્દ્ર પારેખ

સુરત મહાનગરપાલિકા 52 વર્ષથી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા યોજે છે ને સુરતની નાટ્ય સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. એને લીધે દર વર્ષે શહેરની દસેક સંસ્થાઓ પોતાનું નાટક ભજવી શકે છે તે નાનીસૂની વાત નથી. આખી દુનિયાની કોઈ મહાનગરપાલિકા આવી સ્પર્ધા યોજતી હોય એવું જાણમાં નથી. નાટ્ય સ્પર્ધાના પરિણામો અંગે વિવાદ થયા હશે, પણ સ્પર્ધા નિર્વિવાદ થતી રહે છે તેની નોંધ લેવી પડે. વખતોવખત સ્પર્ધાના નિયમો અંગે પણ વિવાદ થતા રહે છે. આ કદાચ ગઈ સ્પર્ધામાં નક્કી થયું હતું – જેમાં એવો નિયમ દાખલ કરવામાં આવ્યો હતો કે સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થા એકવાર નાટકનું નામ અને સ્ક્રિપ્ટ ફાઈનલ કરે તે પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. સુરતમાં નિયમિતપણે યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાય છે. આ સ્પર્ધાને કારણે કોર્પોરેશનમાં સાંસ્કૃતિક વિભાગ પણ છે એવું આશ્વાસન મળે છે. બદલાયેલા નવા નિયમોને કારણે કલાકારોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે. તેમના જણાવ્યા મુજબ આટલાં વર્ષોમાં સ્ક્રિપ્ટ અને નામ અંગે આવો નિયમ લાગુ કરાયો નથી.

રંગમંચના કલાકારોના મતે સ્ક્રિપ્ટ અને નામ, પાછળથી બદલી શકાશે નહીં, એવો નિયમ અવ્યવહારુ છે. એમ બને કે કલાકારોને અચાનક કોઈ માંદગી આવી પડે કે કૌટુંબિક વિટંબણા સર્જાય કે અનિવાર્ય કારણસર રીહર્સલમાં કે શોમાં ઉપસ્થિત રહેવાનું શક્ય ન બને, તે સંજોગોમાં જે તે નાટ્ય સંસ્થાએ નાટક બદલવું પડે કે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તો એ ક્ષમ્ય લેખાવું જોઈએ. સંસ્થાઓ તો નાટક ભજવવાને ઈરાદે જ થિયેટર સુધી પહોંચે છે. તેને આવા જડ નિયમોમાં બાંધી દેવાનું ઠીક નથી. દોઢ મહિના પહેલાં મળેલી કોર્પોરેશનની બેઠકમાં સંસ્થા અને કલાકારોને એ છૂટ આપવામાં આવી હતી કે સ્ક્રિપ્ટ બદલી શકાશે ને હવે એવો નિયમ કરવામાં આવ્યો છે કે નામ કે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી શકાશે નહીં. એને કારણે કલાકારોમાં ગૂંચ વધે એ સમજી શકાય એવું છે. બીજો એક ફેરફાર પણ આ વખતની સ્પર્ધામાં કરવામાં આવ્યો છે અને તે અંગે પણ મતભેદો છે. આમ તો હેતુ સારો છે, પણ મત જુદા પડે એમ બને. એક સાથે ઘણા ફેરફારો થાય તો તે જીરવવાનું પણ અઘરું છે.

આ વખતે નાટ્ય સ્પર્ધા 27 સપ્ટેમ્બરે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં પહેલીવાર યોજાવાની છે. આ અગાઉ સ્પર્ધા અત્યાર સુધીમાં રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સંજીવકુમાર ઓડિટોરિયમ, સરદાર સ્મૃતિ ભવન સહિતના થિયેટરમાં યોજાતી હતી. આ સ્પર્ધાઓમાં નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાઓ, તેનાં સગાં સંબંધીઓ, મિત્રો ઉત્સાહભેર, સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા પ્રેક્ષકો તરીકે જોડાતા. એ સાથે જ પાલિકાના અધિકારીઓ ને તેમના સંબંધીઓ પણ નાટકો માણવા આવતા. છેલ્લે દિવસે તો એટલી ભીડ થતી કે થિયેટર નાનું પડતું. એ રીતે સ્પર્ધકોને નાટ્યકૃતિ રજૂ કરવાનું મહત્ત્વનું પ્લેટફોર્મ કોર્પોરેશન પૂરું પાડતું. લોકો પેસેજમાં બેસીને પણ નાટકો જોતાં ને એને લીધે કલાકારો પોરસાતા, પણ આ વખતે ભીડ થાય એવું લાગતું નથી. તે એટલે કે આ વખતે કોર્પોરેશને નાટકના પ્રેક્ષકો માટે ટિકિટ રાખી છે. ટિકિટ બહુ ઓછી રાખી છે. વીસ રૂપિયા. આ ટિકિટ ઓનલાઈન વેચાશે. થિયેટરમાં 876 બેઠકો છે. તેમાંથી 600 બેઠકો માટે 20 રૂપિયાની ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે જે ખરીદીને નાટ્ય રસિકો નાટકો નિહાળી શકશે. બાકીની 276 ટિકિટોની વ્યવસ્થા જરૂરિયાત મુજબ કરવામાં આવશે. દેખીતું છે કે એ સીટો વી.આઈ.પી.ઓ માટે, કોર્પોરેશનના અધિકારીઓ માટે રખાઈ હોય ને રખાશે. આટલાં વર્ષમાં ટિકિટ પહેલી વાર રાખવામાં આવી છે. તેનો હેતુ પાલિકા કહે છે તેમ નાટ્ય સંસ્થાઓને આર્થિક લાભ આપવાનો છે. ટિકિટના વેચાણથી થનારી આવક ફાઈનલ રાઉન્ડમાં પહોંચનારી સંસ્થાઓમાં સરખે હિસ્સે વહેંચી દેવામાં આવશે.

આમ ઇનામ ઉપરાંત નાટ્ય સંસ્થાઓને ટિકિટની આવકમાંથી આર્થિક સહાય કરવાનો પ્રયોગ પહેલી વખત પાલિકાએ કર્યો છે. અત્યાર સુધી નાટ્ય સ્પર્ધામાં કોઈ ટિકિટ રાખવામાં આવતી ન હતી. હવે ટિકિટ છે, તો વધારાની ભીડ ટાળી શકાશે. આમ તો નાટ્ય સ્પર્ધાને અંતે શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતની ઘણી કેટેગરીમાં ઇનામો અપાય જ છે. એ ઉપરાંત આ વર્ષે આર્થિક લાભ પણ વેચાયેલી ટિકિટમાંથી જે તે સંસ્થાને મળશે. એ મળી રહે એટલે જ ટિકિટની નવી વ્યવસ્થા વિચારવામાં આવી છે. આ વખતે 10 નાટકો સ્પર્ધામાં છે. સ્પર્ધાના વિવિધ તબક્કા બાદ ફાઈનલમાં પહોંચનારી સંસ્થાઓ વચ્ચે ટિકિટની આવક સરખે હિસ્સે વહેંચવાની વાત આવકાર્ય છે. પાલિકાના આ નિર્ણયથી નાટ્ય સંસ્થાઓને વીસથી પચીસ હજારની આવક થવાની સંભાવના છે. એથી જે તે સંસ્થાને નાટકનાં નિર્માણ, કલાકારો, સેટ, લાઈટ-સાઉન્ડ રીહર્સલ વગેરેમાં થતા ખર્ચમાં, ટિકિટની આવકથી ટેકો થશે.

પાલિકા દ્વારા 31 ઓગસ્ટે નાટ્ય સ્પર્ધાના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પર્ધાને સફળ બનાવવા માટેની જે વ્યવસ્થાઓ વિચારાઈ તેમાં પ્રથમ વખત ટિકિટ વેચાણથી થતી આવકનો લાભ નાટ્ય સંસ્થાઓને આપવાનો પણ હતો. નાટ્ય જગતને એ પ્રોત્સાહક પગલું લાગે છે. એ છે પણ ખરું, પણ તેની સામે બીજો મત પણ પ્રગટ કરવો છે. આ નાટ્ય સ્પર્ધા પાછળ કોર્પોરેશન લાખો રૂપિયા ખર્ચે છે, ત્યારે પ્રેક્ષકો પાસેથી ટિકિટના પૈસા ઉઘરાવવા બરાબર નથી. મોટે ભાગના પ્રેક્ષકો નાટ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા મિત્રો, સંબંધીઓ છે. એ સ્પષ્ટ છે કે નાટકના જ માણસો પાસેથી નાટકની ટિકિટ વસૂલવી બરાબર નથી ને જેમની પાસેથી ટિકિટના પૈસા વસૂલવા નથી એ પ્રેક્ષકો પણ પાલિકા સાથે સંકળાયેલા છે. જો એમની પાસેથી પૈસા લેવામાં ન આવતા હોય તો નાટકના જ માણસો પાસેથી પૈસા વસૂલવાનું કેટલે અંશે વાજબી છે? આમ તો 20 રૂપિયા એવી મોટી રકમ નથી કે કોઈ ખર્ચી ન શકે, પણ એ આજે અટકાવવામાં નહીં આવે તો આવતી સ્પર્ધાઓમાં તેની ટિકિટ વધુ મોંઘી થશે ને જતે દિવસે આયોજકોનો લોભ વધે તો ટિકિટ વધુ મોંઘી થાય એ શક્ય છે. એમાંથી ધંધો થાય એમ પણ બને. એ ખરું કે આ રકમ અત્યારે તો નાટ્ય સંસ્થાઓમાં વહેંચાવાની છે, પણ એ જ સ્થિતિ આગળ ઉપર પણ રહેશે એમ કહી શકાય નહીં. આખા ભારતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ એવી સંસ્થા છે જે નાટ્ય સ્પર્ધાઓ કરે છે ને 52 વર્ષથી વિના મૂલ્યે નાટકો બતાવે છે. એને માટે 20 રૂપિયા પર નજર બગાડવી ઠીક નથી.

એ ખરું કે આનાથી નાટ્ય સંસ્થાઓને ટેકો થશે, પણ પાલિકા એવી સંસ્થા નથી કે એટલો ટેકો પોતે ન કરી શકે. સુરત મહાનગરપાલિકા એવી ગરીબ નથી કે તેણે નાટકના જ માણસો પાસેથી વીસ વીસ રૂપિયા ઉઘરાવવા પડે.

ખરેખર તો જે સંસ્થાઓ નાટકમાં ભાગ લે છે તેને નાટકની તૈયારીઓ માટે ચોક્કસ રકમ આપવી જ જોઈએ. આ સંસ્થાઓ ધંધાદારી નથી. તેઓ ગાંઠના કાઢીને નાટક તૈયાર કરે છે. એની પાછળ મહિનાઓ રીહર્સલ પાછળ કઢાય છે. એનો ઓછામાં ઓછો ખર્ચ સંસ્થાને ઇનામ લાગે કે ન લાગે, આપવો જોઈએ.

રહી વાત પ્રેક્ષકોની, તો એને થિયેટર સુધી પહોંચવાનું મફત નથી થતું. કતારગામ થિયેટર સુધી પહોંચવામાં આ પ્રેક્ષકો પૂરી આત્મીયતાથી આવતા હોય છે ને સ્પર્ધા પૂરી થાય ત્યાં સુધીમાં સારો એવો ખર્ચો રિક્ષા, કાર વગેરેનો કરતા હોય છે. તેમની પાસેથી વીસ રૂપિયા બીજા ઉઘરાવવા યોગ્ય નથી. બીજું, નાટકો પ્રેક્ષક વગર નિરર્થક છે. આમ ટિકિટના વીસ રૂપિયા ઉઘરાવવાથી પ્રેક્ષકો પણ ઘટશે. એ થવા દેવાનું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 સપ્ટેમ્બર 2026

Loading

11 September 2026 Vipool Kalyani
← આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
પુસ્તક અમારા માટે સામાજિક પરિવર્તનનું સાધન છે’ — મહેન્દ્ર મેઘાણી  →

Search by

Opinion

  • પુસ્તક અમારા માટે સામાજિક પરિવર્તનનું સાધન છે’ — મહેન્દ્ર મેઘાણી 
  • વિચરતા અને વિમુક્ત સમુદાયો હજુ ય બરાબરીના હકની પ્રતીક્ષામાં છે 
  • રાહુલ-જેન ઝી  વિ . ન.મો. પરિબળ : ઓસરતી કથા, ઊભરતું કથાનક 
  • અન્યાય એ જ ન્યાય?
  • અણગમો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved