Opinion Magazine
Number of visits:
10170743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અન્યાય એ જ ન્યાય?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 September 2026

રવીન્દ્ર પારેખ

એ સાચું છે કે ભારતીય ન્યાયતંત્ર પર નાનામાં નાના માણસને પણ ભરોસો હોય છે. બીજે ક્યાં ય ન્યાય ન મળતો હોય તો નાના માણસને કોર્ટમાં ન્યાય મળવાની આશા રહે છે. ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીમાં ક્યાંક તો ન્યાય મળશે એવું ઘણાં માને છે ને ન્યાય મળે પણ છે. અલબત્ત ! ન્યાય મેળવવાનું મોંઘું છે ને કોર્ટમાં તો બધું દાવા-દલીલ પર અવલંબે છે. સરકારી વકીલ સાક્ષી-પુરાવા પર પોતાનો કેસ સાબિત કરવા મથે છે ને બચાવ પક્ષનો વકીલ અસીલને નિર્દોષ છોડાવવા મથતો હોય છે. છેલ્લે આનો ચુકાદો જજ આપે છે. તે સજા કરે છે અથવા આરોપીને નિર્દોષ છોડી મૂકે છે. આ જજમેન્ટ આપતી વખતે જજ ઘણુંખરું આરોપી કે સાક્ષીઓને જાણતો પણ નથી ને માત્ર સાક્ષી-પુરાવાના આધાર પર જજમેન્ટ લખે છે ને ક્માલ જુઓ કે ન્યાય થાય છે ને બરાબર થાય છે. નીચલી કોર્ટમાં ન્યાય મળ્યાનું ન લાગે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં અપીલ થઈ શકે છે. એટલું છે કે સુપ્રીમમાં આવતો ચુકાદો અંતિમ છે.

મોટે ભાગે સાધારણ માણસ કોર્ટના જજમેન્ટથી રાજી હોય છે. કંઇ નહીં તો છેવટે સુપ્રીમ સુધી પહોંચતામાં ન્યાય મળી રહેતો હોય છે. સુપ્રીમની વાતોને સરકારે પણ માનવી પડે છે. સુપ્રીમ કોર્ટ સરકારને કાયદામાં સુધારથી લઈને કાયદો ઘડવા સુધીની સલાહ આપી શકે છે ને સરકાર એ વાત ઘણુંખરું સ્વીકારતી પણ હોય છે. આટલો પારદર્શી ન્યાય છતાં હવે સુપ્રીમની સામે પણ આંગળી ચીંધાવા લાગી છે. ક્યારેક સરકારને પણ એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ દખલ દઈ રહી છે.

સુપ્રીમ કોર્ટના નવા ચુકાદાઓ અનુસાર 2025માં છૂટાછેડા અથવા અલગ થવાના કિસ્સામાં, વચગાળાની ભરણપોષણ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. કોર્ટ એ પણ ખાતરી કરે છે કે મહિલાને યોગ્ય નાણાંકીય સહાય મળે. વળી કોઈ પણ મહિલા મફત કાનૂની સલાહ અને કોર્ટ સહાય મેળવી શકે એવી તકો પણ મહિલાઓ માટે ઊભી કરવામાં આવી છે. એ ઉપરાંત મહિલાઓ માટે 10 કાનૂની ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ઘરેલું હિંસાથી લઈને સંપત્તિના અધિકારની વાતો સામેલ છે.

એક તરફ મહિલાઓની બાબતે કોર્ટ વધુ સંવેદનશીલ થઈ હોય, ત્યાં કોર્ટની જ મહિલાઓનું શોષણ થાય એ શરમજનક છે. આ મહિલાઓ, કેવળ મહિલાઓ જ નથી, મહિલા જજો છે. મહિલા જજો અને મહિલા કર્મચારીઓ સાથે થતી જાતીય સતામણી અને શારીરિક શોષણનો મુદ્દો ફરી વાર ચર્ચામાં આવ્યો છે. અગાઉ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના એક મહિલા સિવિલ જજે ભારતના ચીફ જસ્ટિસ ચન્દ્રચૂડને 14 ડિસેમ્બર, 202૩ને રોજ પત્ર લખીને ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી, તે એટલે કે તેનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. એ મહિલા જજનો આરોપ હતો કે જિલ્લા મધ્યસ્થ ન્યાયાધીશ (district judge) દ્વારા મહિલા સિવિલ જજનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું, એટલું જ નહીં, રાત્રે મળવા માટે સિનિયર જજ તરફથી દબાણ કરવામાં આવતું હતું. આ મામલે મહિલા જજે અનેક વખત ફરિયાદ કરી હતી, પણ કોઈ દાદ ન મળતાં પીડા અને હતાશામાં ચીફ જસ્ટિસને પત્ર લખીને ઇચ્છા મૃત્યુની માંગ કરી હતી. એ ભયંકર વાત હતી કે મહિલા જજ અન્યોને ન્યાય આપતી હતી, પણ તેને પોતાને ન્યાય મળતો ન હતો. તેણે ભારતમાં કામ કરતી મહિલાઓને એવી સલાહ પણ આપી કે મહિલાઓએ જાતીય સતામણી સાથે જીવતાં શીખી લેવું જોઈએ. પ્રોટેકશન ઓફ વુમન ફ્રોમ સેક્સયુઅલ હેરેસમેન્ટ (PoSH) અધિનિયમ સૌથી મોટું જૂઠ છે. જજે કહ્યું કે પોતે જજ હોવા છતાં તે સિસ્ટમ સામે લડી શકી નથી. મહિલા જજે એટલું જ કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશની બદલી કરવામાં આવે, પણ તેની વિનંતીને ધ્યાને લેવામાં આવી ન હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પાસેથી સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો હતો. એનું આગળ શું થયું તે ખબર નથી. બને છે એવું કે આંતરિક તપાસ સમિતિઓ કાર્યવાહી કરવામાં ખૂબ મોડું કરે છે અથવા તો વરિષ્ઠોને બચાવવાની વેતરણમાં હોય છે.

ન્યાયતંત્ર અને કાનૂની આદેશોમાં મહિલાઓ પ્રત્યે સવેદનશીલતા જળવાઈ રહે તે માટે ફેબ્રુઆરી, 2026માં સુપ્રીમ કોર્ટે એક વિશેષ કમિટીની રચના કરી છે. આ કમિટી ન્યાયાધીશોને સંવેદનશીલ બનાવવા માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે. નિયમો મુજબ સુપ્રીમ કોર્ટ અને તમામ હાઈકોર્ટમાં જાતીય સતામણી નિવારવા માટે ઇન-હાઉસ ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ્સ કમિટી (ICC) કાર્યરત છે, પણ પાવર ડાયનેમિક્સ(સત્તાના સંતુલન)ને કારણે નીચલી અદાલતોની મહિલા જજો ઘણીવાર ખૂલીને સામે આવી શકતી નથી. આવું નીચલી અદાલતોમાં જ છે એવું નથી. તેના છેડા સર્વોચ્ચ અદાલત સુધી લંબાય છે.

2019માં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર કોર્ટની જ એક પૂર્વ મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જો કે, કોર્ટની ઇન હાઉસ કમિટીએ આ આરોપમાં કોઈ તથ્ય ન હોવાનું કહીને CJIને ક્લીનચીટ આપી હતી. એ પણ ખરું કે આ તપાસ પ્રક્રિયામાં પક્ષપાત થયો હોવાને મુદ્દે પણ ઘણા સવાલો ઊઠ્યા હતા. અન્ય એક કિસ્સામાં વરિષ્ઠ જજોના સ્વાગત માટે મહિલા જજોને એક સરખા રંગની સાડીઓ પહેરવાનો ને ફૂલો વરસાવવાનો આગ્રહ રખાયો હતો. આનો પણ વિરોધ થયો હતો. વિરોધ થવો પણ જોઈએ. વરિષ્ઠ જજો જુનિયર જજોનું માન ન જાળવે એ યોગ્ય નથી.

ઓગસ્ટ, સપ્ટેમ્બર, 2026માં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ઇન્દિરા જયસિંગે એક વ્યાખ્યાન દરમિયાન ન્યાયતંત્રમાં મહિલા જજોની થતી જાતીય સતામણીને ભારતીય ન્યાયતંત્રનું ‘ડર્ટી સિક્રેટ’ (ગંદું રહસ્ય) ગણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે ન્યાયતંત્રમાં રહેલી સામંતશાહી અને વંશવેલાવાળી વરિષ્ઠતાની સિસ્ટમને કારણે ઘણી મહિલા જિલ્લા ન્યાયાધીશ પુરુષ ન્યાયાધીશો દ્વારા થતાં શારીરિક, માનસિક શોષણ સામે અવાજ ઉઠાવી શકતી નથી. ઇન્દિરા જયસિંગે એ પણ કહ્યું કે પુરુષ જજો દ્વારા થતાં જાતીય શોષણ અંગે મહિલા જજોએ તેમની મદદ માંગી હતી. એક મહિલા જજે વરિષ્ઠ પુરુષ જજની લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં ‘આઇટેમ નમ્બર’ પર ડાન્સ કરવાની ના પાડી દીધી તો તે મહિલા જજને નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહિલા જજનું રાજીનામું દબાણમાં મુકાયેલું ગણીને તે જજને ફરીથી નોકરીમાં લીધાં હતાં.

અહીં સવાલ એ થાય કે મહિલા જજો ફરિયાદ કેમ કરતી નથી? એનું કારણ એ કે વરિષ્ઠ જજો પાસે નીચલી અદાલતના જજોની બદલી, પ્રમોશન અને વાર્ષિક ગુપ્ત અહેવાલ (ACR) લખવાની સત્તા હોય છે. આ સ્થિતિમાં મહિલા જજો કારકિર્દી બગડવાના ડરે બધું વેઠી લે છે. જે મહિલા જજો શોષણ વિરુદ્ધ મેદાને પડે છે તો તેમણે નોકરી ગુમાવવી પડે છે અથવા અન્ય પજવણીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં વરિષ્ઠ જજોની સત્તા મર્યાદિત કરવી જોઈએ એવું નથી લાગતું?

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક વિશાખા જજમેન્ટ અને કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી નિવારણ કાયદા (PoSH Act) હેઠળ અદાલતોમાં પણ સમિતિઓની જોગવાઈ છે, સુપ્રીમ કોર્ટે પોતાની અંદર જાતીય સતામણીના નિવારણ માટેની GSICC (GENDER SENSITIZATION AND INTERNAL COMPLATINS  COMMITTEE )ની રચના કરી છે.

સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓમાં તમામ જજો અને વકીલો માટે જેન્ડર સેન્સિટાઈઝેશન (જાતીય સંવેદનશીલતા ટ્રેનિંગ) ફરજિયાત બનાવવાના નિર્દેશ આપ્યા હતા. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે ન્યાયતંત્ર આંતરિક તપાસ પ્રક્રિયાને પારદર્શક ન બનાવે અને ન્યાયાધીશોને કાયદાથી ઉપર માનવાની માનસિકતા નહીં બદલાય, ત્યાં સુધી કોર્ટ પરિસરમાં મહિલાઓ પોતાને સુરક્ષિત માની શકશે નહીં.

જો કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ વિરુદ્ધ ફરિયાદ હોય, તો ચીફ જસ્ટિસ દ્વારા વરિષ્ઠ જજોની એક આંતરિક સમિતિ બનાવીને તપાસ કરવામાં આવે છે. આટલી સમિતિઓની રચનાથી પરિણામ મળે તો તેનો અર્થ છે, બાકી, વધારાની સમિતિ સિવાય તેનું કોઈ મૂલ્ય નથી. દેશની સામાન્ય મહિલાઓને ન્યાય આપતી મહિલા જજો જ સુરક્ષિત ન હોય તો તે સમગ્ર ન્યાય પ્રણાલી સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. આ સ્થિતિ સુધરવી જોઈએ. કમ સે કમ ન્યાયતંત્રની અંદર આંતરિક ફરિયાદોની તપાસ વધુ નિષ્પક્ષ, પારદર્શક અને ભયમુક્ત રહે એટલી ચિંતા થવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2026

Loading

7 September 2026 Vipool Kalyani
← અણગમો

Search by

Opinion

  • અણગમો
  • શ્રીકૃષ્ણ ઉવાચઃ સાચી વાત છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય …’ પણ પછી તમે શું કર્યું?
  • ચલ મન મુંબઈ નગરી—357
  • The Times of India, ફડિયા ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ – આવજો, ટાટા, બાય બાય! 
  • વૃદ્ધાશ્રમ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved