કાશ, મેટ્રોસેક્સ્યુઅલ પ્રજાતિને એ જરી જાતમાં ઝાંખવા સારુ ઝકઝોરી શકે …
ચેનલ ચોવીસામાં તરુણ તેજપાલ ખાસા છવાયેલા રહ્યા શુક્રવારે સાંજે આ લખી રહ્યો છું ત્યારે નાનો પડદો ચીખી ચીખીને કહી રહ્યો છે કે ગોવામાં એમને કોરટ રૂબરૂ શનિવારે કરવાના હોઈ હાલ એમને સારુ જરી રાહતનો દમ ખેંચવાના સંજોગો છે. રાહતનો દમ ખરું તો સમાચાર-ચેનલના બંધાણી એવા મારેતમારે માટે પણ હોઈ શકે, કેમ કે જરી પોતે ખાઈએ ત્યારે સ્તો લગીરે વિચાર કરવા પામીએ ને.
તહેલકાનું કેમેરાડંખી પત્રકારત્વ અનેક રીતે નોંધપાત્ર રહ્યું છે અને વિવાદના ઘેરામાં પણ રહ્યું છે. જો તેજપાલ વિશે એક સ્વતંત્રમતિગતિ પત્રકાર, બૌદ્ધિક (અને નવલકથાકાર) તરીકે વિચારીએ તો આવે વખતે એમણે આસારામ આદિની પેઠે આઘાપાછા થવાની પેરવીને બદલે દેશમાં જામેલી નર્ભિયા આબોહવામાં બળાત્કાર વિરોધી જે નવો કાયદો શક્ય બન્યો છે એને ધોરણે અદાલત રૂ-બ-રૂ થઈ કાનૂનને આધીન ચાલવું જોઈતું હતું. શરૂમાં એમણે છ મહિનાની કાર્યછુટ્ટીની જે પ્રાયશ્ચિત્તમુદ્રા અંગીકાર કરી હતી તેની સાથે મેળમાં હોઈ શકતી આ અપેક્ષા છે.
તહેલકાના, હવે રાજીનામા ગત મેનેજિંગ તંત્રી શોમા ચૌધરી એ રીતે ઊંઘતાં પકડાયાં ગણાય કે આટલું મોટું અને સતત સુરખી સક્રિય એસ્ટાબ્લિશમેન્ટ ચલાવતે છતે મહિલા કર્મી જેની સમક્ષ ધા નાખી શકે એવી કોઈ સેલ રચવાની એમણે જરૂર જ નથી જોઈ, અને ઘોડા છૂટી ગયા પછી (કે એમના છૂટવાની કાળજી લેતે લેતે) એમણે તબેલો વાસવા જેવું કર્યું એ તો બિલકુલ જાગ્રત ઝોકાનો કિસ્સો હતો. તહેલકાની કેમેરાડંખી પત્રકારિતા સામે એ ભાજપવિરોધી હોવાનો આક્ષેપ સતત થતો રહ્યો છે; પણ બાંગારુ લક્ષ્મણનો રુશ્વતકિસ્સો – શસ્ત્રસોદાગરીમાં ભ્રષ્ટાચાર-ઓપરેશન કલંક (ગુજરાત ૨૦૦૨) નિશ્ચે જ પુરાવાબદ્ધ અર્પણો છે અને ગર્જનતર્જનથી માંડીને દલીલને બદલે ઊંચા અવાજની તરજ પર કામ લેતા ભાજપ શ્રેષ્ઠીઓ એનાથી પીછો છોડાવી શકે એમ નથી.
માનો કે ભાજપી પરિકર ગોવામાં તખ્તનશીન ન હોત તો, તરુણ તેજપાલને સહેજસાજ આસાએશને અવકાશ હોઈ શકત એમ પણ તમે કહી શકો. પણ જેમ બીજા કિસ્સામાં તેમ તેજપાલ પ્રકરણમાંયે 'કરણી તેવી ભરણી’નો ન્યાય પ્રવર્તે એ સ્વાભાવિક છે, અને તેજપાલે તે માટે ભાજપને દોષ અગર યશ આપવાનું કારણ નથી. ભાજપ જો આ મોરચે વધુ સક્રિય હોય તો એનો અર્થ એ નથી કે તેજપાલે કશુંક ન કરવાનું કર્યું એમાંથી એમને પરબારી મુક્તિ મળે છે. તેજપાલની કેમેરાડંખી પત્રકારિતાનો કાળ સમજવા જેવો છે. મેટ્રોસેક્સ્યુઅલ એવી જે એક મનુ પ્રજાતિ ચેનલ ચોવીસાની કૃપાએ વાસ્તવમાં નહીં પણ વર્ચુઅઅલ વિશ્વમાં વિહરે છે એનાં નીતિધોરણોને મારીતમારી સામાન્ય સમજ સાથે કોઈ સંબંધ નથી. ટીવીની પછેડી અને ટીવીની ચાખડી તેમ ટીવીની છડી, એવી જે પીઆર પેરવીએ ચાલતી નેતાગીરી છે એનું પણ એમ જ છે.
હમણાં મેં આસારામનું નામ લીધું, તેજપાલની ચર્ચા કીધી પણ જસ્ટિસ ગાંગુલીથી માંડીને અમિત શાહના સાહેબ, આ સૌ પોતાને પારનૈતિક ગૌરવઘટના ગણે છે. રાજકારણમાં નાનામોટા મરોડમાસ્તરો કહેતાં સ્પિનોડીઓની ચિંતા અને ચર્ચામાં હવે સ્પિનોડી અને સ્નૂપોડી એવી એક નવી પ્રજાતિ ઊભરી રહી છે. તેજપાલ પ્રકરણને આ સંદર્ભમાં જોવા તપાસવા જેવું છે. ગમે તેમ પણ, બ્રાન્ડ તહેલકા જ્યારે પત્રકારી શહાદત નહીં પણ ધંધાદારી મોતને વશ વરતતી માલૂમ પડે છે ત્યારે સાથી મીડિયાર્થી સૌએ જાતમાં ઝાંખવાનું ટાણું ચોક્કસ જ છે. નીરા રાડિયા ટેપ્સમાં ર્કોપોરેટ જગત અને રાજકારણીઓની જે છબિ ઊભરી હતી એમાં પત્રકારો પણ અપવાદ નથી.
નાને પડદે સજેલ – સંવારેલ મુદ્રામાં પ્રવર્તતા 'વીર’ એક પીઆરણને લખવ્યે લખતા હોય ત્યારે ચોથી જાગીર કોની જાગીર એવો સવાલ અસ્થાને નહોતો અને નથી. ગોવાની લિફટલીલાના શોર વચ્ચે 'ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ના સરબજીત રોયની શોમા ચૌધરી જોગ એક ઈ-મેલ લગભગ વણગાઈ – વણનોંધી રહી છે. સરબજીતે શોમાને (એ હજુ મેનેજિંગ તંત્રીની પાયરીએ હતાં ત્યારે) લખ્યું છે કે તમે 'પેઈડ ન્યૂઝ’નાં દૂષણથી તમારા રિપોર્ટરોને ક્યારે છોડાવશો? લોકપહેલ અને પ્રજાકીય પ્રતિકારની જે વૃત્તાંતકથાઓ તમારે પાને છપાય છે એને સારુ પૈસાની લેતીદેતીનો વહેવાર થાય છે. જો કે સરબજીતની વાત આટલી જ નથી – એણે અણચિંતવ્યા એકરાર જેવો એક વિગતમુદ્દો એ કીધો છે કે જંતરમંતર વાયા તહરીરના એ વાસંતી દિવસોમાં પણ તમે આઈએએસી પાસે પૈસા લીધા છે, તે હું મારા પુરોગામીઓ વિશે જે જાણું છું તેના પરથી બેધડક કહી શકું છું.
દેશના સ્વૈચ્છિક લોકકર્મીઓ અને નાની-મોટી લોકચળવળના લડાઈવીરો જેમાં પોતાનો ભેરુ જુએ છે એ મીડિયા એમને પણ છોડતું નથી. એ તો સાચું; પણ તેઓ પણ મીડિયાને ખટાવવાની કાળજી સેવે છે એય સાચું. કદાચ નાના પત્રો, ફાઈવસ્ટાર મેડિની આઈડોલ નહીં એવા સીધાસાદા પત્રકારો, કુંદનલાલ સાયગલની પેઠે પોતાનું હાર્મોનિયમ લઈને નીકળી પડનારા અને એ જ ધોરણે યમનિયમપૂર્વક સોશિયલ મીડિયે સંચરતા આપકર્મી – સત્કર્મી વિના આરોઓવારો નથી : એક્સપ્રેસ જેવો અપવાદ બાદ કરતાં કટોકટી સામે લડયા એ તો “ભૂમિપુત્ર” જેવાં તનુકાય પત્રો જ હતા ને … અને હા, મીડિયા માત્રને એનો એશો-અસબાબથી નહીં અંજાતો જાગ્રત દર્શક-વાચક, કહો કે સોક્રેટિક બગાઈ મળી રહે તો એથી રૂડું શું …
ભાઈ તેજપાલ, તારો આભાર, જાતમાં ઝાંખવાની તક આપી જે —
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.11.2013