સાહિત્યિક અને સાહિત્યપ્રેમી મુરબ્બીઓ અને મિત્રો,
પાદટીપ : ગુજરાતી સાહિત્ય પરિષદ, 25 મે 2013 અને ગ્રંથનો પંથ 2 જૂન 2013માં રજૂ કરેલા વાર્તાલાપોનું સંકલિત રૂપ સુધારાવધારા સાથે.
મારું પુસ્તક ભાગ્યશાળી છે, મારું છે માટે નહિ, પણ અમેરિકાવાસી સર્જકો વિશે છે, Diaspora literature વિશે છે માટે. અત્યાર સુધી એનાં પાંચ અવલોકનો પ્રગટ થયાં છે.
આ અવલોકનોને – એટલે એના અમુક અંશોને, સમયની મર્યાદામાં રહીને – હું કાલાનુક્રમે અવલોકવા માગું છું.
પુસ્તક પ્રગટ થતાં વેંત બેત્રણ અઠવાડિયામાં જ પહેલું અવલોકન ભોળાભાઈનું પ્રકટ થયું. એમના પુણ્યનામસ્મરણથી શરૂ થાય છે એમાં પૂરું ઔચિત્ય છે. આ પુસ્તકનું નામ પાડવામાં ભોળાભાઈનો ફાળો છે. ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’માં ‘કેટલાક’ શબ્દ ભોળાભાઈનું પ્રદાન છે. મારી ધૃષ્ટતા તો એવી કે મેં જેમનો મારા પુસ્તકમાં સમાવેશ નથી કર્યો તે સર્જકો નથી. [ખાનગીમાં મારી તમારી વચ્ચે ઉમેરું કે હું હજી એમ માનું છું હોં. હું એવાં ઘણાં નામો આપી શકું કે જેમણે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કર્યા છે, કંઈ જાતભાતના એવોર્ડસ મેળવ્યા છે, પણ મારી પ્રતિજ્ઞા હતી કે જેમનામાં સર્જકતાનો સ્ફુિલ્લંગ ના હોય તેમનો સમાવેશ ન કરવો.]
ભોળાભાઈએ મારા પુસ્તકની ઉત્કટ પ્રશંસા કરી છે. ભોળાભાઈ કહે છે કે ‘આ ગ્રંથ ગુજરાતી વિવેચન સાહિત્યમાં સ્તંભ રૂપ બની રહે એવી અધ્યયનશીલતા અને વિવેચનાત્મક સૂઝબૂઝથી અત્યંત પરિશ્રમપૂર્વક અને ઊંડી નિસબતથી લખાયો છે.’ આવાં પ્રશંસાનાં વચનો ટાંકવાનું મને ગમે પણ ખૂબ સંયમ રાખીને, ઔચિત્યભંગ ન થાય તે રીતે શકય તેટલા મર્યાદિત રૂપમાં અને શકય તેટલા સંક્ષેપમાં ટાંકીશ.
ભોળાભાઈનું એક સૂક્ષ્મ નિરીક્ષણ છે. એમના શબ્દો છે: ‘વિવેચક મધુસૂદન કાપડિયા અમેરિકામાં વસતા આ બધા સર્જકોના મિત્ર જેવા હોવા છતાં તેમની વિવેચના ‘મૈત્રી-વિવેચન’થી દૂર છે અને વળી તેઓ ગુજરાતી સાહિત્યની મુખ્યધારાના સંદર્ભમાં પણ જે તે સર્જકનું વિવેચન – મૂલ્યાંકન કરે છે.’
અમેરિકાનો હું શ્રેષ્ઠ કવિ છું કે ન્યુજર્સીનો શ્રેષ્ઠ નવલિકાકાર છું तत: किम् ? સમગ્ર ગુજરાતી સાહિત્યમાં તમારું કંઈ પ્રદાન છે, તમારું કંઈ મૂલ્યવાન અર્પણ છે તે મારા અભ્યાસનું કેન્દ્ર રહ્યું છે. પન્નાનાં એકરારનાં અને માતૃત્વના અભાવની વ્યથાનાં કાવ્યો, હરનિશ જાનીની હાસ્યરસની નવલિકાઓ અને નિબંધો, કિશોર મોદીનાં સૂરતી કાવ્યો, ‘કૃષ્ણાદિત્ય’નાં લઘુકાવ્યો, વિરાફ કાપડિયાનાં ચેસ કાવ્યો, ભરત શાહના ‘સમીપે’નાં હાસ્ય અને કરુણની ભાવશબલતા, ચન્દ્રકાંત શાહના કટાવમાં ભારતીય તેમ જ અમેરિકી જીવનપ્રણાલીની સહોપસ્થિતિ, ઘનશ્યામ ઠક્કરનું કવિકર્મ, આર. પી.નાં એકાંકીઓ, અશરફ ડબાવાલાની તળપદી ગઝલો, – આમાંથી થોડાંક કાવ્યો, થોડીક કૃતિઓ સમગ્ર ગુજરાતી સાહિત્યમાં કદાચ ચિરંજીવ રહેશે. અમેરિકાવાસી સાહિત્યકારોનું ચિરંજીવ અર્પણ તો કેટલું ઝાઝું હોય? કાળના પ્રવાહમાં થોડીક કૃતિઓ, અરે થોડીક પંક્તિઓ તરી જાય તો ગનીમત.
ભોળાભાઈ એમના સમાપનમાં મારા શબ્દોને પુરસ્કારે છે, ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોએ કેટલુંક વિશિષ્ટ લાક્ષણિક મૌલિક પ્રદાન કર્યું છે, જેના પ્રત્યે ગુજરાતી સાહિત્ય ઓરમાયું વલણ નહીં રાખી શકે.’
રમેશ તન્ના
રમેશ તન્નાએ મારા પુસ્તકનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. રમેશભાઈએ તો કેટલુંક જે હું કહી શકું તેમ નહોતો તે કહ્યું છે અને હું કહી શકયો હોત એના કરતાં પણ સારી રીતે કહ્યું છે. રમેશભાઈના શબ્દો છે : ‘દરિયાપારના ગુજરાતી સાહિત્યની સંબંધોની પ્રીતિથી ઘણી નોંધ લેવાય છે, પણ સાહિત્યપદાર્થની સાચુકલી મૂલવણીની રીતે ઝાઝી નોંધ લેવાતી નથી. હું ગુજરાતી ભાષાનો નીવડેલો, નામાંકિત, અનેક એવોર્ડથી અલંકૃત સાહિત્યકાર છું અને તમે મને અમેરિકા બોલાવો છો અને અછોઅછો વાનાં કરો છો તો, તમે શ્રેષ્ઠ સર્જક છો અને … ઘણા આગળ નીકળી ગયેલા કવિ, નવલકથાકાર કે પછી ઇત્યાદિ ઇત્યાદિ છો.
‘પાકાં પૂંઠા વચ્ચે લખાણ કાચું હોય, પણ વહેવારના સંબંધો પાકા હોય તો બધું પાકું જ છે એવા માહોલમાં આપણને મળે છે એક પુસ્તક : ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’. રમેશભાઈનો એક સરસ perspective છે. એ લખે છે : ‘આ નામની પણ એક વિશેષતા છે. એ વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારના શબ્દવિશેષ વિનાનું સાવ સાદું અને સંપૂર્ણ અર્થદર્શન કરાવતું નામ છે. ‘શબ્દશક્તિ દરિયાપારની’, ‘અમેરિકામાં ગુર્જરીનો ગુંજતો નાદ’ … એવું કોઈ રૂપાળું નામ લેખક … રાખી શકયા હોત. જો કે બહારથી રૂપાળું હોય તેમાં ઘણી વાર અંદરથી ભોપાળું હોય છે તેવું લેખક જાણતા હશે તેથી નામ રાખ્યું સાવ સાદું અને અર્થસભર. પહેલાં તો લેખકને તેનાં માટે અભિનંદન.’ શીર્ષકને આ દૃષ્ટિએ મૂલવવામાં રમેશ તન્ના એક જ અવલોકનકાર છે. Thank you, રમેશભાઈ.
બીજા અવલોકનકારોની જેમ જ રમેશભાઈ પ્રસ્તાવનામાંથી મારા શબ્દો ટાંકે છે, ‘લખતી વખતે કૃતિને જ નજર સમક્ષ રાખી છે, એના કર્તાને નહિ. આમાં સમાવિષ્ટ લગભગ બધા જ સાહિત્યકારો સાથે મારે પરિચય છે, ઘણાની જોડે સ્નેહસંબંધ છે, થોડાની સાથે મૈત્રી છે. કૃતિઓની મર્યાદાઓની ચર્ચા કરતી વખતે લેશ પણ ઉદારતા રાખી નથી. જેવું છે તેવું, જેવું મને લાગ્યું છે તેવું સ્પષ્ટ, કદાચ કઠોર વાણીમાં લખ્યું છે. ‘ રમેશભાઈની commentary છે, ‘વાતમાં તથ્ય છે. લેખકે ખરેખર તટસ્થ રીતે લખ્યું છે, ક્યારેક એવું પણ લાગે છે કે તેઓ કડક વિવેચક છે. આ તમામ વિવેચનમાં તેમનો સઘન અભ્યાસ ઊડીને આંખે વળગે છે અને પછી હૃદયને પણ સ્પર્શે છે.’
ત્યાર પછી તેઓ પન્ના, હરનિશ જાની, પ્રીતિ સેનગુપ્તા વગેરેની પ્રશંસા, અને ટીકાનાં દૃષ્ટાંતો આપે છે. છેલ્લે કહે છે. ‘50 – 100 વર્ષ પછી જ્યારે પણ દરિયાપારના ગુજરાતી સાહિત્ય વિશે લખાશે ત્યારે મધુસૂદન કાપડિયાના આ પુસ્તકને … જરૂરથી યાદ કરાશે.’ અરે રમેશભાઈ, 50 – 100 વર્ષ ! અરે 25 વર્ષ પણ આ પુસ્તક જીવે તો હું ધન્યતા અનુભવું.
દીપક મહેતા
દીપકભાઈનો લેખ તમે વાંચો તો એનું સંકલન તમને ગમી જશે. વર્તમાનપત્રની કોલમમાં અવકાશ ઓછો મળે, જે મુશ્કેલી ભોળાભાઈને પણ નડી છે. છતાં શરૂઆતમાં, રમેશ તન્નાએ કહ્યું છે તે જ વાત દીપકભાઈએ પણ કરી છે : ‘છેલ્લાં દસ-પંદર વરસમાં વિદેશવાસી ગુજરાતીઓનાં લખાણો વિશે ઠીક ઠીક લખાયું છે, બલકે લખાવવામાં આવ્યું છે. તેમાંનું ઘણું અહો રૂપમ્, અહો ધ્વનિ જેવું છે. શ્રેષ્ઠ નિબંધો ને વાર્તા ને કવિતાનાં સંપાદનો ઠલવાવાં લાગ્યાં છે અને તેની ‘અભ્યાસી પ્રસ્તાવના’માં − અભ્યાસી પ્રસ્તાવના inverted commasમાં − સુંડલા મોઢે વખાણ કરે છે, અગાઉના ભાટચારણોની યાદ આપે એ રીતે. આ વાતાવરણમાં પ્રગટ થતું મધુસૂદનભાઈનું આ પુસ્તક સાવ નોખું તરી આવે તેવું છે. કારણ?’ એમ કરીને 1-2-3-4-5 એક પછી એક વિશેષતાઓને આલેખે છે. મને તો પાંચે પાંચની વાત કરવી ગમે, પણ ઔચિત્યભંગ વિના બેત્રણ મુદ્દાઓની વાત થઈ શકે એમ છે.
સૌથી પહેલા તો જુદે જુદે વખતે, જુદે જુદે નિમિત્તે લખાયેલા લેખોને ગોઠવીને તેને ‘અભ્યાસ’માં ખપાવતું આ પુસ્તક નથી. અમેરિકાવાસી 25 લેખકો વિષેનાં લખાણો સુઆયોજિત, પૂર્વનિશ્ચિત અભ્યાસના ભાગ રૂપે જ તૈયાર થયાં છે. અ 25નાં નામો આપી દીપકભાઈ ઉમેરે છે : ‘લેખકની ખુદવફાઈ અને ખેલદિલી તો જુઓ : બાબુ સુથારનાં લખાણોના મર્મ સુધી પહોંચી શકાયું નથી એવો એકરાર કરે છે એટલું જ નહીં, શિરીષ પંચાલ પાસે એમને વિશેનો લેખ લખાવીને પુસ્તકમાં ઉમેરે છે!’ [જો કે શિરીષભાઈ પણ બાબુ સુથારની કવિતાની જ વાત કરે છે. એમની વાર્તાઓ વિશે તો એટલું જ કહે છે : ‘એ કથાસાહિત્ય સાથે શુભ દૃષ્ટિ થઈ શકતી નથી, મારી રુચિની પણ મર્યાદા હશે.’]
બાબુ સુથાર અને શિરીષ પંચાલ એમને આપણે revisit કરીશું, દીપકભાઈના ખુદવફાઈ અને ખેલદિલી શબ્દો યાદ રાખજો.
દીપકભાઈ બીજું એક કારણ આપે છે : ‘અહીં જે લેખકોની વાત કરી છે તેમનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો લેખકે ટાંકયાં છે. આથી લેખકે કરેલી પ્રશંસા કે ટીકાને નક્કર પીઠબળ તો મળે જ છે, પણ (આ લખનાર સહિતના) જે વાચકોએ અમેરિકાવાસી લેખકોનું લખેલું બહુ ઓછું વાંચ્યું હોય તેમને આ ઉદાહરણો વડે કૃતિ અને કર્તાનો થોડો પરિચય મળી રહે છે અને લેખકની પરિષ્કૃત રુચિનો પરિચય પણ મળે છે તે લટકામાં.’
દીપકભાઈનું છેલ્લું કારણ : ‘પુસ્તકને લેખકે પોતાના પગ પર જ ઊભું રાખ્યું છે. ધાર્યું હોત તો મોંફાટ પ્રશંસા કરાવતી બે-ચાર પ્રસ્તાવનાઓ (વિદેશવાસી લેખકોને એકાદ પ્રસ્તાવનાના વખાણથી તો ધરવ થતો જ નથી) સહેલાઈથી લખાવી શકયા હોત. એ તો બરાબર, પુસ્તકમાં અંદર કે બહાર પૂંઠા પર નથી તો પોતાનો પરિચય છપાવ્યો કે નથી યુવાન વયનો ફોટો મુકાવ્યો.’
સાચું કહું ? દીપકભાઈનું અવલોકન વાંચ્યું ત્યારે જ સૂઝયું કે આવો ફોટો મૂકી શકાયો હોત. યુવાન વયમાં હું ઠીક ઠીક handsome હતો હોં !
સિતાંશુ
સિતાંશુના અવલોકનનું શીર્ષક છે : વર્જિલ સાથે વિદેશયાત્રા (ઈન્ફર્નોનાં ઊંંડાણથી પારાડીઝોના પાદર સુધી ?)
મારા પુસ્તકનું શીર્ષક જેટલું સાદું છે તેટલું તેના અવલોકનનું સિતાંશુનું શીર્ષક આલંકારિક છે. ‘ડિવાઈન કોમેડીમાં વર્જિલ દાન્તેને ત્રિલોકમાં (ઈન્ફર્નૉ, પગેંટોરિયો અને પારાડીઝોમાં) ભોમિયા થઈને બધે ફેરવે છે, બધું બતાડે છે, એમ અમેરિકાવાસી ગુજરાતીઓની સાહિત્યસૃષ્ટિના ત્રણે લોકમાં આ નિર્ભિક અને ખંતીલા ‘વર્જિલ’ વાચકોને જોવા જેવું બધું બતાડે છે. આ વર્જિલ વગર અમેરિકાના ગુજરાતી ડાયસ્પૉરાના અાટઅાટલા વિવિધ પ્રદેશોથી, આટલા લેખકોની આટલી કૃતિઓથી પરિચિત થવું ભારત-સ્થિત વાચક માટે ભારે મુશ્કેલ બનત. ઈન્ફર્નોમાંથી પસાર થવું અને પારાડીઝો સુધી પહોંચવું … દુષ્કર કામ છે.’
સિતાંશુની આ પ્રશંસા ટીકાની પ્રસ્તાવના રૂપે છે. બીજા થોડા લેખકોની મારી થોડીક આકરી ટીકાની ચર્ચા કર્યા પછી – હું માની લઉં છું કે અહીં સિંતાંશુને મારી ઈન્ફર્નો અને પર્ગેટોરિયોની પ્રવાસયાત્રા અભિપ્રેત છે – સિતાંશુ મર્યાદા રૂપે નોંધે છે : ‘મધુસૂદનભાઈએ મધુ રાય, આદિલ મન્સૂરી કે મનીષા જોશી વિશે એકાદ લેખ આ પુસ્તકમાં લખ્યો હોત તો ’ અને હવે જુઓ સિતાંશુનો પ્રહાર ‘પણ વર્જિલ કદાચ પારાડીઝોના હાર્દમાં પ્રવેશી શકતા નથી.’
મધુ રાય, આદિલ મન્સૂરી અને મનીષા જોશીમાં સિતાંશુને સ્વર્ગીય સુખ મળતું હોય તો તે તેને મુબારક, મને એવું સ્વર્ગીય સુખ, આ સર્જકોનીએ થોડીક સારી કૃતિઓ જરૂર છે, પણ સ્વર્ગીય સુખ – સિતાંશુ ભલે લેટિન પરિભાષા વાપરે. આપણે આપણા ભારતીય આલંકારિકોની પરિભાષામાં બ્રહ્માનંદસહોદર આનંદ એવી આપણને સમજાય તેવી પરિભાષા વાપરીએ. બ્રહ્માનંદસહોદર આનંદ કાન્ત અને ન્હાનાલાલની થોડીક ઉત્તમ કૃતિઓમાં સાંપડે, સુન્દરમ્ અને ઉમાશંકર, રાજેન્દ્ર – નિરંજન અને પ્રિયકાન્તમાં, ઉશનસમાં અને ખુદ સિતાંશુની ઉત્તમ કૃતિઓમાં મળે.
સિતાંશુને મનીષા, મધુ, અને આદિલનું વળગણ છે. ફરીથી એ આ જ વિષયને છેડે છે, હવે ધ્વનિ – વ્યંજનાથી નહિ પણ અભિધાથી. જુઓ સિતાંશુના શબ્દો : ‘જેમ બાબુ સુથાર માટે, એમની કૃતિઓ મધુસૂદનભાઈની પહોંચની બહાર હતી છતાં એમને આ પુસ્તકમાં સમાવવા જેવી લાગી અને શિરીષ પંચાલ પાસે એક લેખ મેળવી છાપ્યો, એમ મનીષા, મધુ અને આદિલની કૃતિઓ વિશે પણ કરી શકત. કોઈ ને કોઈ શિરીષ સહાયમાં આગળ આવત.‘
સિતાંશુને અભિપ્રેત અર્થ સ્પષ્ટ છે – મધુ રાય, આદિલ અને મનીષાની કૃતિઓ મારી ‘પહોંચની બહાર’ છે. This is hitting below the belt. છતાં સિતાંશુના લાભાર્થે જણાવું કે મધુ રાયને જ્યારે અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીનો એવોર્ડ મળ્યો ત્યારે એ પ્રસંગે મેં 30-35 મિનિટનો વાર્તાલાપ આપેલો અને મધુ રાયની ઉત્તમ કૃતિઓ – નવલિકાઓ, એકાંકીઓ, નાટકો, નવલકથાઓની આલોચના કરેલી. એ લેખ રૂપે “ગુર્જરી” તરફથી પ્રગટ થતા આગામી પુસ્તકમાં પ્રકટ થશે.
તેમ જ આદિલસાહેબનું અવસાન થયું ત્યારે અંજલિરૂપે મેં લેખ લખેલો જેનો ઝોક તેમની પ્રયોગશીલ ગઝલો પર હતો. આ પણ “ગુર્જરી”માં પ્રકટ થયો છે અને કિશોર દેસાઈ તરફથી પ્રકટ થનારા આગામી પ્રકાશનમાં એનો સમાવેશ થયો છે.
જિજ્ઞાસુઓએ જોઈ લેવું કે મધુ રાય અને આદિલની કૃતિઓમાં મને થોડીક સમજણ પડે છે !
મારી અલ્પમતિ એવી છે કે મારા પુસ્તકમાં કવિકર્મની કંઈ માર્મિકતાથી જે કેટલાક લેખોમાં આલોચના થઈ હોય તો તેમાં સૌથી મોખરે ઘનશ્યામ ઠક્કરનો લેખ છે. દુર્ભાગ્યે સિતાંશુ એનો ઉપયોગ માત્ર ઠઠ્ઠા મશ્કરી કરવા, વિડંબના કરવા માટે કરે છે.
લેખના પ્રાસ્તાવિક રૂપે મેં એક અંગત સંદર્ભ નોંધલો. ‘1985માં ભગતસાહેબ એકેડમીના નિમંત્રણને માન આપીને અમેરિકા આવેલા … ભગતસાહેબે ઘનશાયમની કવિતા જોઈ કહ્યું : ‘અરે, આ તો સારી, સાચી કવિતા છે ! તમે કેમ લખતા નથી ?’ વર્ષો પૂર્વે ઘનશ્યામે કાવ્યો લખેલાં, “કુમાર”માં પ્રકટ પણ થયેલાં પણ પછી લખવાનું છૂટી ગયેલું. નિરંજનભાઈએ ઢંઢોળ્યા અને કાવ્યની સરવાણી ફરીથી શરૂ થઈ. બીજે વરસે ઉમાશંકરભાઈ આવ્યા. એમણે ઘનશ્યામનાં કાવ્યો જોઈને કહ્યું, ‘તમે આ કાવ્યોને વ્યવસ્થિત સંગ્રહરૂપે કરી આપો તો હું પ્રસ્તાવના લખી આપીશ,’ અને ઉમાશંકરની પ્રસ્તાવના સાથે ઘનશ્યામ ઠક્કરનો પહેલો કાવ્યસંગ્રહ ‘ભૂરી શાહીના કૂવાકાંઠે’ પ્રગટ થયો – 1987માં. તેમનો બીજો કાવ્યસંગ્રહ પ્રકટ થયો 1993માં, ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે,’ લાભશંકર ઠાકરની પ્રસ્તાવના સાથે.’ હવે મારા શબ્દો સિતાંશુ ટાંકે છે :
‘ઉમાશંકર અને લાભશંકર જેવાની પ્રસ્તાવનાનું ગૌરવ જેમને મળ્યું હોય તેની કવિતામાં સત્ત્વશીલતા હોય તો જ ને’ પૃ. 232 સિતાંશુંને આમાં પણ વાંધો પડે છે, કેમ એ તો શી ખબર. ઉમાશંકર અને લાભશંકરને ટાંકવામાં કોઈ ગુનો હોય તો સજા કબૂલ.
પછી મારા લેખની શરૂઆત જરાક નાટ્યાત્મક રીતે શરૂ થાય છે : ‘પ્રત્યેક કાવ્યસંગ્રહમાંથી એક પંક્તિ, માત્ર એક જ પંક્તિ, કવિના સામર્થ્યની પ્રતીતિ કરાવવા માટે પર્યાપ્ત છે. ‘ભૂરી શાહીના કૂવાકાંઠે’માંથી એક પંક્તિ : તું આવી જયમ એક ફૂલ ફાગણવા આખી વસંત આવી
આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને – સિતાંશુ બ્રેકેટમાં ઉમેરે છે [ગુજરાતી શબ્દ છે] – આ મજાકમશ્કરી નથી, આ ક્ષુદ્રતા છે – પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું ?’ સિતાંશુ કહે છે ‘… પણ એથી કવિતા બને ખરી ?’ આ પંક્તિ – તું આવી જયમ એક ફૂલ ફાગણવા આખી વસંત આવી – આ પંક્તિ કવિતા નથી ? આ ઉપમામાં કાવ્યસૌરભ નથી ? ફાગણ ઉપરથી ફાગણવા ક્રિયાપદમાં સર્જકતા નથી ? આખી વસંત આવીમાં આખી શબ્દ ઉપરનો ભાર કાવ્યમય નથી ? તો સિતાંશુ કવિતા કોને કહે છે ?
મારી આલોચના સિતાંશુ આગળ ટાંકે છે. ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જાંબૂડી ક્ષણના પ્રશ્નપાદરે’ માંથી જુઓ
શિશ્નના ડૂમા છૂટે
મારા શબ્દો છે, જો તમે prudish ન હો ને સેક્સથી સુગાતા ન હો તો જોઈ શકશો કે માત્ર ત્રણ જ શબ્દોમાં બધા જ sextual inhibitionsનો જાતીયતાના બધા જ નિષેધનો કવિ છેદ ઉડાડે છે.’ સિતાંશુ પૂછે છે, ‘આ પંક્તિ ‘કવિત્વપૂર્ણ’ કઈ રીતે બને છે. આટલું ઓછું હોય તેમ ઉમેરે છે : નિરંજનભાઈ, ઉમાશંકરભાઈ અને લાભશંકરભાઈ, તેમ જ મધુસૂદનભાઈ કહેતા હોય તો હશે જ.’ સિતાંશુ નાહક નિરંજન, ઉમાશંકર અને લાભશંકરને મારી જોડે ટલ્લે ચડાવે છે. ભલે I am in good company.
અને મનીષા જોશી, મનીષાબહેનનાં બે કાવ્યસંગ્રહો પ્રકટ થયા છે ‘કંદરા’ અને ‘કંસારાબજાર’. આ બંને સંગ્રહનાં કાવ્યો ભારતમાં રચાયા છે અને પ્રકટ થયાં છે. મનીષાબહેન પરણીને અમેરિકા આવ્યાં. પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ડાયસ્પૉરાની વ્યાખ્યા અને મીમાંસા થોડીક વિગતે કરી છે. પણ લગ્ન દ્વારા ડાયસ્પૉરા એ મારી વ્યાખ્યામાં આવતું નથી. સિતાંશુને મનીષા માટે પક્ષપાત છે તે જાણીતું છે પણ મારે તો એવા પક્ષપાતનું કોઈ કારણ નથી.
Please don’t misunderstand. સિતાંશુએ મારા પુસ્તકની મબલખ પ્રશંસા કરી છે સમાપનનો છેલ્લો પરિચ્છેદ વાંચીને હું આગળ વધું છું :
‘આવી મર્યાદાઓની ચર્ચાથી આ ગ્રંથનું ઐતિહાસિક તેમ જ વિવેચન-કૃતિ લેખેનું મહત્ત્વ રખે ઓછું અંકાય. ડાયસ્પૉરા અંગેની સૈદ્ધાંતિક ચર્ચાથી શરૂ કરી અનેક સ્મરણીય નાટકો, કાવ્યો, નવલિકાઓ, નિબંધો, પ્રવાસવર્ણનોનાં સટીક અને અનેક ઉદાહરણોથી સમૃદ્ધ એવા આસ્વાદ સુધી આ પુસ્તકની રસસૃષ્ટિ વિસ્તીર્ણ છે. અમેરિકાવાસી ગુજરાતી લેખકોએ તો આ પુસ્તકનું નિયમિત સેવન, ઔષધી રૂપે તેમ જ આસ્વાદ્ય પેય રૂપે કરવા જેવું છે … જે અદના વાચક છે, એને માટે તો આ પુસ્તક અનેક – કદાચ અજાણ્યા, ઓછા જાણીતા ડાયસ્પોરિક લેખકો સાથેના સહૃદય સંબંધના શુભારંભ સમું છે.’ “પ્રત્યક્ષ”, જુલાઈ – સપ્ટેમ્બર, 2011, પૃ. 24.
મણિલાલ પટેલ
મણિભાઈ આપણા ઉત્તમ સર્જક અને સમર્થ વિવેચક છે. એમનાં સર્જનથી વધારે આનંદ અનુભવવો કે એમનાં વિવેચનથી વધારે પ્રસન્નતા અનુભવવી એવી મીઠી મૂંઝવણ એમની કૃતિઓથી થાય છે. મારા પુસ્તકને એમના માર્મિક વિવેચનનો લાભ મળ્યો છે. અલબત્ત, એમણે કરેલી પ્રસંશાથી હું કૃતકૃત્ય છું. લેખની શરૂઆત પણ પ્રસંશાથી કરી છે, લેખનો અંત પણ પ્રસંશાથી કર્યો છે. હવે, બેમાંથી કયો પરિચ્છેદ ટાંકું ? બેમાથી એકય નહિ. વધારે મૂલ્યવાન મણિભાઈનું તાટસ્થ્ય છે અને એમની ટીકા છે. હર્ષદભાઈ જો મારા પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકટ કરે – વિવેચનના પુસ્તકની બીજી આવૃત્તિ ક્યારે ય થાય ખરી ? – તો કેટલાં પાનાં મણિભાઈની ટીકાને માન આપી કાપી નાખું.
માત્ર એક જ મુદ્દાની થોડીક વિગતે ચર્ચા કરવા ધારું છું. મણિભાઈ એક પ્રશ્ન ઊભો કરે છે. Quote :
‘આપણે કલાપી વગેરેની કવિતાને એમના અંગત જીવન જોડીને જાણી-માણી-નાણી છે … મધુસૂદનભાઈએ, પન્ના નાયકની ઘણી રચનાઓનાં ઉદાહરણો લઈને, પન્ના નાયકના અંગત – નર્યા અંગત જીવન સાથે એમની કવિતાને જોડીને તપાસી આપી છે. પન્ના નાયક આજે એ વાતો સાથે સંમત હોય કે ન પણ હોય – thank you મણિભાઈ, આ તમારી આલોચનાનું key sentence છે − જાણેઅજાણે તમે પન્નાની આત્મવંચના પર આંગળી મૂકી છે – પણ પન્ના નાયકનાં આવાં કાવ્યોનું સંવેદનવિશ્વ, આજે તો, બીજાંઓનું પણ હોઈ શકે છે; ત્યારે આનું સંધાન રચીને કવિતા…ને જોવાથી, જે તે રચના વિશે શું આપણી આસ્વાદભૂમિકામાં કશુંક નવું પરિમાણ ઉમેરાય છે ખરું ?’
મારો જવાબ છે unqualified yes. આ એકરારનાં કાવ્યો છે, confessional poetry છે તેની પ્રતીતિ તો તે અંગત જીવનની ભોંયમાંથી ઊગ્યાં છે તે જાણીને જ જાણી અને માણી શકાય ને ? કલાપીનું દૃષ્ટાંત સાવ સાચું. ‘ચાહીશ તો ચાહીશ બેયને હું’ એ પંક્તિને રમા-શોભનાના સંદર્ભ વિના જાણી ન જ શકાય. પન્નાનાં એકરારનાં કાવ્યો તેના અંગત જીવનની પાર્શ્વભૂમિકા વિના ન જ જાણી શકાત. આની વિગતે પન્નાની કવિતાનાં અનેક અવતરણોના સમર્થનથી वादे वादे जायते तत्त्वबोध: લેખમાં ચર્ચા કરી છે તેથી તે દોહરાવતો નથી.
પણ મણિભાઈ લખે છે કે ‘પણ પન્ના નાયકનાં આવાં કાવ્યોનું સંવદેનવિશ્વ, આજે તો, બીજાંઓનું પણ હોઈ શકે છે.’ ‘હોઈ શકે છે’ નહિ, હોય જ. પન્ના પણ આ જ દલીલ કરે છે : આ અનુભવો ફક્ત પન્ના નાયકના જ છે ? …. પન્ના નાયક વાત કરે છે ત્યારે એનો અનુભવ માત્ર પન્ના નાયકનો નહીં પણ અમેરિકામાં વસતી ભારતીય ઈમિગ્રન્ટ નારી ગોપા કે લોપાનો કે વિશ્વમાં વસતી કોઈ પણ નારીનો હોઈ શકે’, ‘હોઈ શકે નહીં’, હોય જ. આ જ તો સાધારણીકરણનો વ્યાપાર છે. સાધારણીકરણના વ્યાપારથી જે વિશિષ્ટ છે તે સર્વસામાન્ય બને છે. પરિમિત પ્રમાતૃત્વ લોપ પામે છે. આ પ્રતીતિ સ્થલકાલની મર્યાદાથી મુક્ત હોય છે. કવિતામાત્રમાં સ્વકીય કે પરકીય ભાવ, સાધારણીકરણ પામીને જ, રસત્વને પ્રાપ્ત કરી શકે. સાધારણીકરણ વ્યાપારનો ચમત્કાર એ છે કે વૈશિષ્ટ્ય કાયમ રહેવા છતાં વિભાવાનુભાવોની (પન્ના, ગોપા, લોપા, ઇત્યાદિના અનુભવોની) સાધારણભાવે પ્રતીતિ થઈ શકે છે. વૈશિષ્ટ્ય સાધારણ્યનું અને સાધારણ વૈશિષ્ટ્યનું વિરોધી નથી. ભટ્ટ નાયક અને અભિનવગુપ્તનું ભારતીય અલંકાર શાસ્ત્રમાં અને વૈશ્વિક વિવેચનમાં આ અમૂલ્ય પ્રદાન છે.
અા ગ્રંથ − ‘અમેિરકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ − મધુસૂદન કાપડિયાનાં અભ્યાસ, વિદ્વતા, કલાપદાર્થ માટેની ખેવના, સર્જન સાથેની નિસબત, સૂક્ષ્મ જોવાની વિવેચકદૃષ્ટિ, વિવેચન પણ કેવું મર્મગામી બનવા સાથે રસાળતા દાખવે છે એવો અનુભવ : વગેરેને ચીંધે છે. વિવેચક નવલરામે કહ્યું હતું તેમ, સમભાવી છતાં તટસ્થ રહીને કૃતિને ન્યાય કરનારો હોય છે − એ વાત અા ગ્રંથ વાંચતાં સાચી પુરવાર થાય છે. એક ઉત્તમ વિવેચનાત્મક ગ્રંથ મળવા સાથે એક તેજસ્વી દૃષ્ટિવંત વિવેચકનો પણ અાપણને પરિચય થાય છે … એટલે એમને સલામ !!
e.mail : mgkapadia@yahoo.com