આજનો સમય 'તટસ્થ’ રહેવાનો નહીં પણ જનતાની તરફેણમાં આપણો અવાજ ચાલુ રાખવાનો છે …
શુક્રવારે (18 અૉક્ટોબર 2013) નમતે પહોરે ખરાખરી કહેતાં ક્ષરાક્ષરીના આ ખેલમાં પડયો છું, ત્યારે ચાવલબાબા રમણસિંહની છત્તીસગઢ સરકારના સત્તાવાર રાજદ્રોહી વિનાયક સેન હજુ અમદાવાદમાં છે, અને એમના એ સૌમ્ય સમવેત ઉદ્દગારોથી – લગારે ઊંચા નહીં, ઊલટું કેમ જાણે સ્વાધ્યાયપૂત એટલા જ સંઘર્ષનમ્ર અને સમસંવેદનસિક્ત અવાજથી – વાતાવરણ બિલકુલ સરચાર્જ જ સરચાર્જ છે કે વિકાસના શોરમાં ગરીબો અને વંચિતોની વાણી ડૂબી ગઈ છે. અને હા, આ વાત કોઈ છત્તીસગઢ અગર ગુજરાત પૂરતી સીમિત નથી. દેશ આખાની આ દાસ્તાં છે.
અલબત્ત છત્તીસગઢ કે ગુજરાત તરત સામે જરૂર આવે છે; કેમ કે છત્તીસગઢ વિનાયકનું ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર છે તો ગુજરાત બાબતે વૈકલ્પિક મોડેલની તડાપીટ ઢોલપીટ ટ્વિટરાટી ધડબડાટી છે. આ વિનાયક, આમ તો આલા દરજજાના દાકતર અને સેવાવ્રતી સ્વાસ્થ્યકર્મી. જયપ્રકાશના જમાનામાં વાસંતી લોકસંઘર્ષના સંસ્કારે જે એક ભાવનારંગી તરુણાઈ મેડિકો ફ્રેન્ડસર્કલરૂપે એકત્ર આવી, એની સાથે પણ એમનો સહજ ઉછેરનાતો. આ તરુણ તબીબોનું સપનું જો વૈકલ્પિક સ્વાસ્થ્યસેવાનું હતું તો એમનો સંદર્ભ કેવળ સેવાધર્મી રચનાકાર્યે હતો. વેલોરની મેડિકલ કોલેજના આ હોનહાર છાત્રે આગળ ચાલતાં છત્તીસગઢને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
કુપોષિત બાળકો માટે કામ કરતાં એમને એ સમજાઈ રહ્યું કે આ આખી પ્રક્રિયામાં કોઈક છેડે સરકાર અને એની નીતિઓનોયે છેડો અડેનડે છે. તેમના સ્વાસ્થ્યસેવાના કાર્યમાં, એ કારણે સરકારને વિશે એક સમીક્ષાભાવ દુર્નિવાર બની રહ્યો. શાસનસમીક્ષાની આ અનિવાર્યતા એમને નાગરિક સ્વાધીનતા માટેની લડત ભણી દોરી ગઈ. એમની આ 'સક્રિયતા’ને કારણે છત્તીસગઢના રાજકીય-શાસકીય વર્ગને વિનાયક સેન નકસલવાદી અગર તો નકસલવાદીઓ સાથે 'સંબંધ’ ધરાવતા ઉર્ફે એમના સાગરીત જેવા જણાયા, કે પછી લોકનજરમાં એક વૈકલ્પિક આદર્શ લેખે ન ઉભરે તે માટે આવું કોઈ લેબલ મારવું જરૂરી લાગ્યું. આ સંજોગોમાં ત્યાંનું સમગ્ર તંત્ર એમને 'રાજદ્રોહી’ જાહેર કરવા કરતાં લગારે ઓછું માન આપે એ શક્ય જ નહોતું. સેનને પકડવામાં આવ્યા અને આજીવન કરાવાસની સજા પણ થઈ.
અલબત્ત, એમના અનુપમ સેવાકાર્યની દુનિયાભરનાં જાગ્રત તબીબી ને નાગરિક વર્તુળોને જાણ હોઈ દેશવિદેશમાં ખાસ્સો ઊહાપોહ થયો અને સર્વોચ્ચ અદાલતે જામીન પર છોડયા એથી એ હાલ પૂરતા કારાવાસની બહાર છે, અને આપણી વચ્ચે છે. સેનની આ પહેલ પ્રથમ અમદાવાદયાત્રા એ અર્થમાં ગાંધીયાત્રા છે કે તે ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં દીક્ષાના પ્રવચન માટે આવ્યા હતા. અહીં સાંભરતી (અને એમણે સંભારી આપેલી) મિસાલ એ છે કે આ જ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ (કુલાધિપતિ) મહાત્મા ગાંધી સામે, આ જ શહેર અમદાવાદમાં એકાણું વરસ ઉપર રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો હતો. વિદ્યાપીઠે પણ એની સ્થાપક પરંપરાને શોભીતો આ વિક્રમ જ સર્જયો ગણાય કે સ્વરાજકાળમાં તેણે એક ઓર રાજદ્રોહીને ચહીને બરકયા. એ રીતે વિદ્યાપીઠના સ્નાતકો નસીબદાર કહેવાય કે એમની શિક્ષાદીક્ષાના એક નિર્ણાયક પડાવે એમને એક એવી શખ્સિયત થકી ભાથું સંપડાવ્યું જે સામ્પ્રત ભારતમાં રચના અને સંઘર્ષના સાયુજ્યે સમ્પન્ન જંગમ વિદ્યાપીઠ હોઈ શકે છે.
આ લખતી વેળાએ થઈ આવતું ઉત્કટ સ્મરણ ગાંધી બિરાદરીના એક અસાધારણ શિક્ષક – હરતીફરતી વિદ્યાપીઠ એવા 'દર્શક’નું છે. હજુ ચાર દિવસ પર જ એમનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું ત્યારથી વિશેષપણે એમના એ ઉદ્દગારો સાંભર્યા કરે છે કે ગાંધીની કેળવણી સંસ્થાઓ કોઈ નોકરીની ગેરંટી નથી આપતી, એ તમને શિંગડાં માંડતાં શીખવે છે. ખેડૂતોને સરખો ભાવ મળે એ મુદ્દે એમની લડતને નાનાભાઈ-મનુભાઈએ ટેકો કર્યો ત્યારે ભાવનગર રાજ્ય તમને મદદ બંધ કેમ ના કરે એવો સવાલ દરબારી વર્તુળોમાંથી આવ્યો હતો.
નાનાભાઈ-મનુભાઈનો પ્રતિભાવ હતો કે સંસ્થા બંધ થશે અને નવરા પડીશું તો ખેડૂતોને રાજ્યનાં મૂળિયાં ઉચ્છેદવાનું શીખવીશું. તો, મુદ્દો રાજ્યસંસ્થા વિશે એક સમીક્ષાત્મક ભૂમિકાપૂર્વક ઊભવાનો અને આગે બઢવાનો છે; રચના અને સંઘર્ષના સાયુજ્યનો છે. આ અદ્દભુત સાયુજ્ય શીખવતી કેળવણીનો છે. તેમણે પદવીદાન પ્રવચનમાં કહ્યું કે, હૈદરાબાદસ્થિત રાષ્ટ્રીય પોષણ સંસ્થાનના એક ભારતવ્યાપી સર્વેક્ષણ પરથી બહાર આવેલી વિગત મુજબ આપણે ત્યાં પુખ્તવયના લોકોમાં કુપોષણનું પ્રમાણ, ડબ્લ્યુ.એચ.ઓ.એ દુષ્કાળની જે વ્યાખ્યા કરી છે એનાથી વધુ છે.
મતલબ, દેશમાં બધો વખત આપણી આસપાસ એક હરતોફરતો દુકાળ મોજુદ છે ('કેગ’ મુજબ ગુજરાત આમાં અપવાદ નથી.) 'આ સંજોગોમાં’ વિનાયક સેને કહ્યું : 'દીક્ષાન્ત સમારોહમાં આપ સૌ નવજુવાનોને હું શો સંદેશ આપી શકું, સિવાય કે આપણે સૌએ આવા મૂળભૂત સવાલો ઉઠાવવાનું સાહસ ટકાવી રાખવાનું છે. આજના દોરમાં આપણે તટસ્થ રહી શકીએ નહીં – મતલબ, તટસ્થતા તે આપણે સારુ કોઈ વિકલ્પ નથી. આપણો અવાજ જનતાની તરફેણમાં ચાલુ રહે, એમાં જ સમાજનું ભલું છે.’
સેનનાં આ સમાપન વચનોમાં તેમ એમની સાથેની અનૌપચારિક વાતચીતમાં અધોરેખિત થતો મુદ્દો કદાચ એ છે કે કોંગ્રેસ-ભાજપ-ભેદ અગર ચૂંટણીવ્યૂહ પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ આપણી જદ્દોજહદે એમાં જ બધ્ધ નહીં રહેતાં જનઆંદોલનરૂપે સતત સક્રિય રહેવું જોઈશે.
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 19 અૉક્ટોબર 2013)