૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ …
મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જેવી માતબર-માર્ગદર્શક અનુભવકથાના લેખક તરીકે તો જાણીએ-સન્માનીએ છીએ, પણ તેઓ કવિતા પણ લખતા, એ ભાગ્યે જ કોઈ જાણતું હશે. 'કાવ્યનું સત્ય અન્ય શાસ્ત્રો કે અભ