આમ તો ડાયાસ્પોરા લેખકોનું કંઈ યુનિયન નથી, છતાં સ્વ. મધુસૂદન કાપડિયા (મધુકા) માટે ‘બાગબાની’ શબ્દ વપરાયો તો થયું, મારા બે બોલ લખું.
હું શાળામાં હતો ત્યારે પ્રશ્નપત્રમાં એક પંક્તિ આપે અને પછી પૂછે,
‘પૂર્વાપર સંબંધ આપીને સમજાવો’.
તો જે ગુજરાતીઓ અહીં અમેરિકામાં પંચાવનેક વર્ષો પહેલાં આવ્યાં, તેમની દશાનો દસ્તાવેજ છે કોઇની પાસે? ના. નથી. તો સાંભળો, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પ્રથમ પગ મુક્યો તેનાથી પણ એ કપરો પીરિયડ હતો, અમારો. સાચે જ અમે હતા પત્થર યુગના આદિ ફેમિલીઝ. પહેલો ફાલ આવ્યો તે અમારો : ડોકટરો, એન્જિનિયરો કે બાયોકેમિસ્ટોનો. અન્ય વર્ગના માણસોને અને ત્યાર પછીનાં બધાં કવિઓ, શાયરો, સંગીતકારોને સૌને વિસા આપવાને હજુ વાર હતી. ત્યાં સુધી આ બંજર ભૂમિમાં અમારે માત્ર અમારું અસ્તિત્વ ટકાવી રાખવાનું હતું. મહામુશ્કેલ હતું. શ્વાસમાં ઓક્સિજન, હાથમાં ડોલર્સ ને ટેરવાં પર બૈરી-છોકરાં. એ જ એક મંત્ર હતો.
ત્યાં આ સાહિત્ય વળી શું બલા? અને ધારો કે ભાષાને એવાં છંદ-બંધ હોય તો પણ એ બધા નાટારંગો કરવાની પડી’તી કોને? બહુ ટેંટે કરીએ તો લોકો કહી દે, ગો બૅક.
સાહિત્ય કે વિવેચન માટે તો રેનોંસા કાળ જોઇએ. અમને હજુ રેનોંસા મળ્યોજ નથી. અરે, આ ૨૦૨૩માં પણ એને માટે ડાવાં નાંખીએ છીએ, અમને ફુરસદ જ ક્યાં છે?
આમ જોવા જાવ તો તમારે ગુજરાતમાં પણ સારા વિવેચકો છે કેટલા ટકા? કેટલા ટોપીવાલાઝ ? કેટલાં હેમિંગ્વેઝ? કેટલાં ટેનેસી વિલિયમ્સ?
હવે તો ખેલ ખતમ થવાના ઘંટ વાગે છે. યુ-ટ્યુબની વીડિયો ક્લિપની નીચેની લેજંડની લીટી વંચાય કે બહુ થયું, ભયો ભયો. ફેસબુકમાં વાર્તા, કવિતા ને ગઝલ તો આવે છે, એક નથી આવતું વિવેચન. થૅંક્યૂ. ભૈસા’બ, તોબા એનાથી.
દીપોત્સવી અંક તો આખેઆખો વંચાય છે, ટોયલેટ સીટ પર. ગદ્યવાર્તા તો અમે સ્પિડ રીડિંગમાં વાંચીએ. તેથી એને યાદ રાખવાની મગજમારી જ નહીં ! એટલે પછી કોઇ એની ચૂંથાચૂંથી (યાને કે વિવેચન) પણ ના કરે. સાહિત્યનું ડીપ ક્લીનિંગ કરવાની જરૂર જ શું?
એના કરતાં મી લોર્ડ, અમારા મધુકાની બાગબાની હજાર દરજ્જે સારી.
e.mail : rpshah37@hotmail.com