મુંબઈના જીવનના ઇન્દ્રધનુનો આઠમો રંગ
અને તે રંગ બતાવનાર લેખક ચુનીલાલ મડિયા
આપણા આ મુંબઈ શહેરે ગુજરાતી સાહિત્યને અનેક ધરખમ નવલકથાકારો આપ્યા છે. પણ આપણી ભાષાની નવલકથાઓમાં મુંબઈનું ચિત્રણ કેટલું? કેવું? અને છતાં કેટલીક વાર અણધારી રીતે એવી નવલકથા મળી આવે છે જેના કેન્દ્રમાં રહ્યું હોય મુંબઈ શહેર. આવી એક નવલકથા તે ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’. આપણા સાહિત્યના અભ્યાસીઓને અને વિવેચકોને લેખકોને જુદાં જુદાં ખાનાંમાં ગોઠવી દેવાથી ઘણો હાશકારો થાય છે. કનૈયાલાલ મુનશી એટલે ઐતિહાસિક નવલકથાઓના લેખક. રમણલાલ દેસાઈ એટલે યુગમૂર્તિ વાર્તાકાર. પન્નાલાલ પટેલ એટલે તો ગામડું. તેવી જ રીતે ચુનીલાલ મડિયા એટલે ગ્રામજીવનના આલેખક.
પણ એ જ મડિયાએ ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી નિતાંત મુમ્બૈયા નવલકથા લખી છે એ વાત તરફ પ્રમાણમાં ઓછું ધ્યાન ગયું છે. અઘોરી જાનકીદાસ, ડીકી, કરમસી કાકા, વિજભૂખણ, પ્રાણજીવનદાસ, યશોદા, કુંદા, ગોદાવરી, નારંગી, રિકમ્મા – આ બધાં પાત્રોને જોઈએ ત્યારે પહેલી નજરે તો જાણે જાતીય સંબંધો પરત્વે એબનોર્મલ માનસ ધરાવતાં સ્ત્રી-પુરુષોનું સરઘસ નીકળ્યું હોય એમ લાગે. લગ્નપૂર્વ અને લગ્નબાહ્ય સંબંધો તો ખરા જ, પણ એ ઉપરાંત પણ જાતીય સંબંધોની અનેક વિચિત્ર કે અસામાન્ય પ્રકારની ભૂખ આ નવલકથાનાં પાત્રોમાં ઠેર ઠેર જોવા મળે છે.
તે ઉપરાંત અહીં અફીણ-ગાંજાના નશામાં મસ્ત રહેનારાઓ છે, ટ્રાન્ક્વિલાઈઝરના વ્યસનીઓ છે, હીરારસના પ્રયોગથી બીજાને બરબાદ અને પોતાને આબાદ કરનારાઓ છે. વિકૃત જાતીય અંગો ધરાવતી રસ્તે રઝળતી નગ્ન ભિખારણ છે, દારૂનો ધંધો કરતી ટોળકી છે, પી.એ. કે સ્ટેનોનું મહોરું પહેરીને વેશ્યા વ્યવસાય કરતી સ્ત્રીઓ છે. મુંબઈનું આખુંયે અંડર વર્લ્ડ અહીં આપણી નજર સામે ખડું થઈ જાય છે.
ચુનીલાલ મડિયા
કથાનો નાયક – બલકે પ્રતિનાયક – નરેન, કુન્દાનું સ્મરણ કરતો બસમાં જતો હોય છે ત્યારે એને માત્ર એકઝોસ્ટના કડવા ધૂમાડાની કડવી વાસ જ નથી આવતી, પણ એ વાસને વીંધીને આછી, છતાં ય ઓછી નહિ, એવી ઓ દ કોલોનની સુવાસ પણ આવે છે. અને આ નવલકથામાં પણ કડવી વાસની સાથોસાથ આછી આછી જીવનની સુવાસ પણ ફેલાયેલી છે જ. જગત અને જીવનની વિષમતાઓ તો છે જ, મુંબઈના જીવનની લાક્ષણિક કહી શકાય એવી વિટંબણાઓ પણ છે જ. પણ આ કથામાં ચંદ્રન જેવા મરજીવા અને લતિકા જેવી વીરાંગનાઓ પણ છે જ. અહીં હરનાથ જેવા કલાકાર પણ છે જે જીવનના ચિત્રમાં કોઈ અદકેરો રંગ પૂરવાની ખ્વાઈશ ધરાવે છે. અને આખી વાર્તામાં સતત નરેનનું મંથન તો છે જ. છેવટે તેને છોડીને કુંદા ડિકી સાથે ભાગી જાય છે ત્યારે પણ નરેન ભાંગી પડતો નથી. હરનાથ પણ મૃત્યુ પામે છે, પણ કથા ત્યાં અટકતી નથી. ભલે પોતાના નહિ, પણ કુંદાના સંતાનને નરેન જુએ છે, અને ત્યારે જ આકાશમાં ઇન્દ્રધનુ ખીલી ઊઠે છે. લેખકના શબ્દોમાં જ એ વાત સાંભળીએ :
હમણાં જ વરસાદ થંભ્યો હોવાથી હવા ઠંડી ઠંડી અને ગુલાબી લાગતી હતી. બેકવોટર્સની ખાડી ઉપર છવાયેલા આકાશમાં ત્રણ ટુકડે મેઘધનુષ ઉપસી આવ્યું હતું. નરેન એના સર્વ રંગો પી રહ્યો, અને એમાં અદકા રંગનું આરોપણ પણ કરી રહ્યો. એ રંગ હતો, હરનાથની છાતીમાંથી ધોધવો બનીને રેલાયેલા લાલચટાક લોહીનો, એ રંગ હતો કુંદાને સિઝેરિયન શસ્ત્રક્રિયા વેળા મૂકાયેલા બે ઊભા છેદમાંથી વહેલા લોહીનો, એના બાળકની ઓર કાપતાં વહેલા લોહીનો, રિકમ્મા ટિયરગેસની ગૂંગળામણમાં ટોળાના ધસારામાં કચડાઈ ગઈ અને એના ઉદરમાંથી લોચોપોચો બહાર નીકળી પડ્યો ત્યારે એ મેદાનમાં વહેલા લોહીનો. … નરેને જરા પીઠ ફેરવીને ફળિયામાંથી આકાશ તરફ જોયું. ઇન્દ્રધનુનો બહુ જ નાનો ટુકડો અહીંથી દેખાતો હતો. પણ એની રંગપૂરણીમાં એક અદકા રંગની મિલાવટ થઈ ચૂકી હતી.
નરી આંખે ઇન્દ્રધનુમાં ભલે સાત રંગો દેખાતા હોય, પણ આઠમો રંગ પણ એમાં ભળ્યો છે. અને આમ, મૃત્યુથી શરૂ થતી નવલકથા જીવન, બલકે નવજીવન આગળ આવીને અટકે છે. અને છતાં કૃતિ ક્યાંય ‘મંગળ છાપ’વાળી બનતી નથી.
મડિયાનું મુંબઈનું નિવાસસ્થાન, ‘ચંદ્રલોક’
આ નવલકથામાં પ્રસંગો પાર વિનાના છે. ક્યારેક તો કોઈ કંજૂસની ભરેલી તિજોરીનો ખ્યાલ આપે તેટલા છે. પણ પ્રસંગ ખાતર પ્રસંગ અહીં ભાગ્યે જ જોવા મળે છે. વાંચતી વખતે ક્યારેક ભલે લાગે કે આ પ્રસંગ તો કથામાં આગંતુક છે. પણ વાર્તામાં થોડા આગળ વધીએ ત્યાં જ એ પ્રસંગ આખા ઘટના-પ્રવાહમાં ગોઠવાઈ જતો લાગે. આ નવલકથાનું નિરૂપણ યરવડા ચક્ર જેવું નહિ, પણ અંબર ચરખા જેવું છે. એક સાથે ઘણી ત્રાક ફરતી જાય. ઘણી પૂણીઓ કંતાતી જાય. ઘણા તાર નીકળતા જાય. પણ એ બધાંને ચલાવનાર મુખ્ય ચક્ર તો એક જ છે, નરેન. પરિણામે આટલી બધી ઘટનાઓ હોવા છતાં તે વેરવિખેર થઈ જતી નથી.
આ નવલકથા વાંચતાં તેની લખાવટમાં એક પ્રકારની બળૂકાઈ વર્તાઈ આવે છે. આપણી ઘણી નવલકથાનાં પાત્રોની બોલી જાણે ડેટોલથી ધોયેલી હોય તેવી, વધારે પડતી સ્વચ્છ, પણ અંદરથી માંદલી હોય તેવી લાગે છે. આ નવલકથાનાં પાત્રો શહેરી છે, તેમાંનાં કેટલાંક તો સુશિક્ષિત પણ છે, સુધરેલાં પણ છે, છતાં એમની બોલીમાં પેલી માંદલી સ્વચ્છતા નથી, પણ તંદુરસ્ત માણસની શક્તિ અને સ્ફૂર્તિ છે. આ કૃતિની ભાષા આખી નવલકથાને કોઈ અદકેરું બળ પૂરું પાડે છે.
આ નવલકથા વાંચનારને એક વાતની ખાતરી તો થઈ જ જાય, કે આ લેખક જબરો ફરંદો માણસ હતો. મુંબઈના જુદા જુદા લત્તાઓમાં લેખક જુદે જુદે વખતે ફર્યા છે. ના, રખડ્યા છે. એટલે મુંબઈનાં દિવસ-રાતનાં અનેક ભાતીગળ ચિત્રો અહીં કલાઈડોસ્કોપની જેમ આવતાં જતાં રહે છે. અને તેમાંનાં ઘણાં માણવા ગમે તેવાં છે. જેમ કે ફ્લોરા ફાઉન્ટન નજીક આવેલી રાત દિવસ ધમધમતી સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ – જે હવે અવાવરુ ખંડેર જેવી બની ગઈ છે – પાસેનું રાતના બાર-સાડા બાર વાગ્યાના વાતાવરણનું ચિત્રણ.
નિર્જન જણાતા માર્ગો પર ક્યાંક ક્યાંક જીવનનો સંચાર થઈ રહ્યો હતો. બસ સ્ટેન્ડ પર હજી સાડા બારે ઉપડનારી બસના રેડિયેટરમાં પાણી રેડાતું હતું. સિનેમાના છેલ્લા શોમાંથી છૂટેલા અને એક રાતપાળીમાંથી ફારગ થનારા જીવોને લઈને દૂર દૂરનાં પરાંઓમાં પહોંચાડનારી એ બસ હજી પૂરેપૂરી ભરાઈ નહોતી. એમાં સ્થાન લેવા ઇચ્છનારાઓ પણ હજી નીચે ઊભા ખાણીપીણીમાં મશગુલ હતા. રાત્રીની નિવૃત્તિમાં આ એક જ સ્થળે પ્રવૃત્તિ ગુંજતી હતી. ગરમાગરમ છોલે ને રગડાથી માંડીને બરફની પાટ ઉપર ઠંડુ થયેલ ફ્રૂટ સલાડ પણ અહીં સુલભ હતું. શહેરની બધી જ ખાણાવળો ગુમાસ્તા ધારા તળે વધાવાઈ ગયા પછીની આ જંગમ હોટેલ પર ભૂખ્યાં જનો તૂટી પડ્યાં હતાં. સમોસાં, રોલ, કે સેન્ડવિચીઝ, જે હાથ આવે તે આરોગી જતાં હતાં. એક ખૂણે દિવસભર વેચતાં વધેલી કુલફીવાળો ડોસો મોટુંમસ માટલું લઈને બેઠેલો. એની બાજુમાં જ એક સગડી પર અંગારા ઝબૂકતા હતા, અને એની વચ્ચે તપીતપીને લાલચોળ થઈ ગયેલા સળિયાઓમાં મણકાની જેમ પરોવાયેલા શીશકબાબ શેકાતા હતા એ ક્રિયા જોવામાં નરેનને બહુ મજા પડી.
ચુનીલાલ મડિયાના પહેલા બે વાર્તા સંગ્રહો ૧૯૪૫માં પ્રગટ થયા, ‘ઘૂઘવતાં પૂર’, અને ‘ગામડું બોલે છે’. એક લેખક તરીકે મડિયા સામે જે ચેલેન્જ હતી તેનો અણસારો આપતાં હોય તેવાં આ બંને નામ છે. લેખક તરીકેની કારકિર્દીનાં ઘણાં વરસ મડિયાએ વડોદરાની વિશ્વામિત્રીનાં ઘૂઘવતાં પૂરની સાથે રહીને નહિ, પણ સામે રહીને લખવાનું થયું. પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, વગેરેનાં વાગતાં ડાકલાં વચ્ચે રહીને તેમણે એક સજાગ સર્જક તરીકે તરવાનું હતું. તો બીજી બાજુ ગુજરાતના ગામડાને બોલતું, ગાતું, નાચતું, હસતું, રડતું કરનાર બે સમર્થ સર્જકો ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ કરતાં નોખી-અનોખી રીતે તેમણે પોતાના ગામડાને બોલતું કરવાનું હતું. અને આ બંને કામ મડિયા કરી શક્યા, સફળતાથી કરી શક્યા. કારણ મડિયા બીજા કોઈને પૂછીને નહિ, પણ પોતાની જાતને પૂછીને લખનારા આપણા થોડા લેખકોમાંના એક હતા.
લેખનમાં મગ્ન મડિયા
મડિયાનો જન્મ સૌરાષ્ટ્રના નાના ગામ જેવા ધોરાજીમાં, ૧૯૨૨ના ઓગસ્ટની ૧૨મી તારીખે. ધોરાજીમાંથી મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી કોલેજનું ભણવા માટે પહેલાં અમદાવાદ અને પછી મુંબઈ. ૧૯૫૦થી ૧૯૬૨ સુધી મુંબઈની અમેરિકન કોન્સ્યુલેટ અંતર્ગત USISના ગુજરાતી પત્રકારત્વ વિભાગમાં કામ કર્યું. ૧૯૫૫માં યરપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૬૩માં ‘રુચિ’ માસિક બાવડાના બળે શરૂ કર્યું. ૧૯૬૮ના ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઇન્ડિયન પી.ઈ.એન. નામની લેખકોની સંસ્થાના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા અમદાવાદ ગયા. ત્યાંથી ડિસેમ્બરની ૨૯મી તારીખે મુંબઈ પાછા ફરતાં રાતે ટ્રેનમાં જ અવસાન. આ મહિનાની ૨૯મી તારીખે એ વાતને ૫૫ વરસ થશે. જિંદગી મળી માત્ર ૪૬ વરસની. એમાં તેમણે આપણને આપ્યાં ૪૫ પુસ્તક! કોઈ પણ વાદ કે વાડામાં બંધાયા વગર મડિયાએ ઉચ્ચ્તમથી માંડીને છેક તળિયાના આદમી સુધીના વિવિધ સ્તરનાં સ્ત્રી-પુરુષોને પોતાની કૃતિઓમાં ધબકતા કર્યાં છે.
‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ વાંચ્યા પછી મનમાં એક સવાલ ઊઠે છે : મડિયાને જો થોડાં વધારે વરસ મળ્યાં હોત તો? તો કદાચ નગર જીવનનું બળુકું નિરૂપણ કરતી ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી વધુ નવલકથાઓ તેમની પાસેથી મળી હોત? ગામડું અને શહેર, બંનેની તલવાર એક જ મ્યાનમા રાખી શકવાની કુશળતા તો તેમનામાં હતી જ. સર્જક મડિયા ગામડાથી બહુ દૂર તો ગયા ન હોત, કારણ એ તો એમને ગળથૂથીમાં મળ્યું હતું. પણ કર્મભૂમિ મુંબઈનાં વધુ પ્રતિબિંબ તેમની કૃતિઓમાં ઝીલાયેલાં જોવા મળતાં હોત, કદાચ. પણ શું જીવનમાં કે શું સાહિત્યમાં જો-તોને અવકાશ જ ક્યાં હોય છે? ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ના છેલ્લા વાક્યમાં નજીવો ફેરફાર કરીને આપણે કહી શકીએ : “લેખકે જરા પીઠ ફેરવીને ફળિયામાંથી આકાશ તરફ જોયું. ઇન્દ્રધનુનો બહુ જ નાનો ટુકડો અહીંથી દેખાતો હતો. પણ એની રંગપૂરણીમાં એક અદકા રંગની મિલાવટ થઈ ચૂકી હતી.”
‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ નવલકથા એટલે મુંબઈની, તેના લોકોની, તેમના જીવનની, તેમનાં દુઃખસુખોની છબી ઝીલતી એક બળૂકી નવલકથા. મડિયાની નવલકથાનો પણ એક અદકો રંગ, આઠમો રંગ.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 ડિસેમ્બર 2023)