૨૬મી નવેમ્બરે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે દેશના અદનામાં અદના નાગરિક માટે પણ અદાલતના દરવાજા ખુલ્લા છે. આવી બંધારણમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી દેશમાં કાયદાનું રાજ જળવાઈ રહે. કાયદાનું રાજ એટલે ન્યાય કરનારું રાજ્ય અને ન્યાયનિષ્ઠ રાજ્ય. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ ઘડવામાં આવેલાં ભારતનાં બંધારણને મંજૂરી આપી હતી એટલે ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વર્તમાન શાસકો લોકશાહી માર્ગે લોકશાહીનું કાસળ કાઢી રહ્યા છે એટલે બંધારણને બચાવવા માટે વધુને વધુ ઊહાપોહ થઈ રહ્યો છે. દેખીતી રીતે આ માટે લોકોની ન્યાયતંત્ર અને એમાં પણ સર્વોચ્ચ અદાલત પાસેથી વધુ અપેક્ષા છે.
અહીં આગળ વધતા પહેલાં ડૉ. આંબેડકરે બંધારણસભામાં તેમનું આખરી ભાષણ આપ્યું હતું એમાંથી બે વાત યાદ કરવી જોઈએ. એક તો તેમણે કહ્યું હતું કે જો શાસકો નઠારા હોય તો દુનિયાના શ્રેષ્ઠતમ બંધારણને નિષ્ફળ બનાવી શકે અને જો શાસકો મર્યાદામાં માનનારા જવાબદાર હોય તો દુનિયાના નબળામાં નબળા બંધારણને પણ સફળ બનાવી શકે. આવું જ કથન બ્રિટિશ કાયદાવિદ્દ આઈવર જેનિંગે પણ કર્યું હતું. બીજી વાત તેમણે એ કહી હતી કે બંધારણીય ભારતમાં હવે પછી કોઈએ સત્યાગ્રહ, આંદોલનો, હડતાલો વગેરે દ્વારા પ્રજાએ રસ્તા પર ઉતરવાની જરૂર નહીં રહે અને જો એવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો તે અરાજકતા ગણાશે. કારણ એ કે કાયદાના રાજમાં હવે પછી કોઈને ય અન્યાય થવાનો પ્રશ્ન નથી અને જો એવું બને તો સ્વતંત્ર ન્યાયતંત્ર દરેક માટે ઉપલબ્ધ છે. બન્ને કથન એકબીજા સાથે જોડીને સમજવાં જોઈએ. જો ખરા અર્થમાં બંધારણીય ભારત અસ્તિત્વમાં આવશે તો રસ્તા પર ઉતરવું તે અરાજકતા ગણાશે, પણ તેમણે એ સાથે એમ પણ કહ્યું છે કે જગતનાં સારામાં સારાં બંધારણને પણ નિષ્ફળ બનાવી શકાય છે.
હવે વિચાર કરો કે આપણે ક્યાં છીએ? ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહેલી વાતને જ ચકાસીએ. ભારતનો અદનામાં અદનો નાગરિક પણ અદાલતનો દરવાજો ખખડાવી શકે છે એ તેમની વાત બિલકુલ સાચી છે પણ ન્યાય મેળવીને તે અદાલતમાંથી બહાર ક્યારે નીકળે છે? કેટલાં વર્ષે? જાણીતા ધારાશાસ્ત્રી દુષ્યંત દવેએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા લેખમાં નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના ૧૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ બહાર પડેલા જે આંકડા આપ્યા છે એ ચોંકાવનારા છે. ચોંકાવનારા છે, પણ નવા નથી. બસ તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લામાં છેલ્લા સર્વેક્ષણ મુજબ દેશની વિવિધ અદાલતોમાં ૪,૪૩,૦૩,૪૪૯ કેસ ન્યાયની રાહ જોતા પડ્યા છે. એમાંના ૬૯,૮૮,૨૭૮ ખટલાઓ પાંચથી દસ વરસ જૂના છે. ૩૨,૪૨,૪૪૧ ખટલાઓ દસથી વીસ વરસ જૂના છે, ૪,૯૭,૬૨૭ કેસો વીસથી ત્રીસ વરસ જૂના છે અને ૯૩,૭૭૦ કેસો ત્રીસ વરસ કરતાં પણ જૂના છે. થોભો, ૧૫,૬૯,૨૮૧ દીવાની ખટલાઓમાં ચુકાદા આવ્યા છે, પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી એટલે તેને અંગેની અરજીઓ અદાલતોમાં પડી છે. ગયા ઓક્ટોબરમાં ભારતની વિવિધ અદાલતોમાં ૧૬,૧૪,૩૪૯ કેસો અદાલતમાં દાખલ થયા હતા અને તેની સામે ૧૨,૨૪,૯૭૨ કેસોમાં નિકાલ આવ્યો હતો. આનો અર્થ એ થયો કે દર મહીને અંદાજે ચાર લાખ કેસોનો ભરાવો થઇ રહ્યો છે. આ રફતારે સાડા ચાર કરોડ કેસોનો નિકાલ ક્યારે થશે? સર્વોચ્ચ અદાલતમાં ૭૯,૩૬૧ કેસો ચુકાદાની રાહ જોતા પડ્યા છે. ગયા ઓક્ટોબર મહિનામાં સર્વોચ્ચ અદાલતે ૪,૪૬૬ કેસોનો નિકાલ કર્યો હતો, પણ તેની સામે ૪,૯૧૫ કેસો નવા દાખલ થયા હતા. સ્થિતિ એવી છે કે લાખોની સંખ્યામાં લોકો ફરિયાદ લઈને અદાલતમાં પ્રવેશે છે, પણ ન્યાય મેળવીને અદાલતની બહાર નીકળતા નથી, એ પહેલાં જ તેમની જિંદગી પૂરી થઇ જાય છે.
અહીં જેલોની સ્થિતિ સમજવી જરૂરી છે. કેન્દ્ર સરકારના ગૃહ ખાતા આધીન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ૨૦૨૧ના આંકડા મુજબ ૮૧,૫૫૧ કેદીઓ કેન્દ્રીય કારાગૃહોમાં સજા ભોગવી રહ્યા છે અને તેની સામે ૧,૫૪,૪૪૭ આરોપીઓ વગર સજાએ કાચા કેદી તરીકે કેન્દ્રીય કારગૃહોમાં સબડે છે. અને બીજી જેલોમાં? બીજી જેલોમાં ૪,૨૭,૧૬૫ આરોપીઓ કાચા કેદી તરીકે સબડે છે. ગુનેગાર તો સજા ભોગવે, પણ આરોપીઓએ સમયસરના ન્યાયના અભાવમાં સજા ભોગવવાની? આને કાયદાનું રાજ કહેવાય? વગર સજાએ સજા ભોગવનારા કાચા કેદીઓનો જેલવાસ એક વરસથી પાંચ વરસનો હોય છે અને તેમાંથી મોટી સંખ્યામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે.
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના અદનામાં અદના નાગરિકને પોતાના (ન્યાયતંત્ર અને ન્યાયાધીશો) હોવાપણાની બાંયધરી આપે છે ત્યારે તેમને ખબર નથી કે તેઓ પોતે જ લકવાગ્રસ્ત છે? જોઈએ એટલી અદાલતો નથી, જોઈએ એટલા જજો નથી, ન્યાયતંત્રમાં ખટલો ચલાવવાને લગતી પ્રક્રિયામાં સુધારાઓ થતા નથી, ન્યાયતંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે, જજો રાજકીય દબાવમાં આવે છે, કેટલાક તો વેચાઈ જાય છે, નેતાઓના અને બીજા વી.આઈ.પી.ઓની સામેના ખટલા લાઈન તોડીને સત્વરે સાંભળવામાં આવે છે, સરકારને માફક ન આવે એવા ખટલા સાંભળવામાં જ ન આવે, કોલેજિયમ હોવા છતાં સાધારણ કૌવત અને નબળું ચારીત્ર્ય ધરાવનારા જજો ન્યાયતંત્રમાં પ્રવેશી જાય છે અને છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી જાય છે, જજો ભારતમાં સૌથી વધુ રજાઓ ભોગવે છે, દરેક સંસ્થાઓમાં ન્યાયતંત્ર ઓછામાં ઓછું કામ કરે છે વગેરે વગેરે સમસ્યાઓ ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ નથી જાણતા?
તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા એ પછીના છેલ્લા એક વર્ષમાં તેમણે આ બીમારી વિષે ઊહાપોહ કર્યો હોય એવું મારા ધ્યાનમાં નથી. લડત અને ઈલાજ તો બહુ દૂરની વાત છે. જો બીમારી દૂર નહીં કરવામાં આવે તો બંધારણમાં પરિવર્તન કર્યા વિના જ બંધારણીય ભારતનો અંત આવી જશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ડિસેમ્બર 2023