વાઇરસને પાસપોર્ટની જરૂર નથી પડતી. પ્રકૃતિ અને માણસજાત વચ્ચે ઘટતું અંતર ભવિષ્યમાં કોરોનાવાઇરસ જેવા બીજા રોગોને આંગણે લાવીને મૂકી દેશે
2020ના વર્ષમાં આખી દુનિયાને ભરડામાં લેનાર કોરોના વાઇરસ રોગચાળો એક એવી સ્મૃતિ છે જેનો વિચાર માત્ર પણ રૂંવાડા ખડા કરી દે તેવી છે. દાવાનળની માફક આ વાઇરસ ફેલાયો અને ભલભલાને ઝપેટમાં લઇ લીધા. જાત-ભાતની ભવિષ્યવાણીઓ પણ થઇ અને ભૂતકાળમાં થયેલી ભવિષ્યવાણીઓને પણ ગણતરીમાં લેવાઇ કે આ તો કળિયુગમાં થવાનું જ હતું, વગેરે વગેરે. ગમે કે ન ગમે આ સતત વિકસતા, નવી સિદ્ધિઓ સર કરનારા વિશ્વની એક વાસ્તવિકતા એ છે કે આવા રોગચાળા આપણી છાલ છોડવાના નથી. રોગચાળાનો ઊંડો અભ્યાસ કરનારા સંશોધનકર્તાઓ પછી તે તબીબી ક્ષેત્રે હોય, અર્થશાસ્ત્રીઓ હોય કે નીતિના ઘડનારા હોય – તમામનું કહેવું છે કે આપણે કોરોના વાઇરસ જેવો રોગચાળો ફેલાયો તેને કારણે આઘાત અને આશ્ચર્ય ન અનુભવવા જોઇએ. તેમના મતે વૈશ્વિક સ્તરે, છેલ્લાં 25 વર્ષમાં શહેરીકરણ, વૈશ્વિકરણ, જંગલોના નાશથી માંડીને માંસાહાર કરનારાઓની વધતી સંખ્યા ભલે સમાજની સમૃદ્ધિના સંકેત લાગે પણ આ સમૃદ્ધિ આપણને રોગચાળાના ભોગે મળી છે. માંસાહારનો ઉલ્લેખ ઉપર એટલા માટે કર્યો કારણ કે જે લોકો માંસાહાર કરતા હોય છે તેઓ પશુ-પંખીઓની સાથે ખરીદવાથી માંડીને ખાવા સુધીની પ્રક્રિયાઓમાં વધુ સંપર્કમાં આવે છે અને આમ જ તેઓ જાત-ભાતની બિમારીઓનું ઘર બની શકે છે. વળી જે પશુપાલનના કામમાં છે તેમણે પોતાના જાનવરોને પંખી અને ચામાચીડિયાંથી દૂર રાખવા પડે, પણ એમ કરવું સહેલું નથી હોતું. હજી તો ભવિષ્યમાં દુનિયાએ આવા બીજા રોગચાળાઓ માટે પણ તૈયાર રહેવું પડશે એવું એક કરતાં વધુ આંતરરાષ્ટ્રીય સંશોધનોના તારણમાં કહેવાયું છે.
દરેક સદીમાં મહામારી કે વાઇરસના હુમલા જેવી ઘટનાઓ ત્રણેકવાર બનતી હોય છે તેવું અમેરિકાની બિઝનેસ કૉલેજમાં કાર્યરત અર્થશાસ્ત્રી ડેવિડ ફિનોફનું કહેવું છે. આ સદીમાં આપણે સાર્સ (SARS – 2002 અને 2003), સ્વાઇન ફ્લુ (H1N1 – 2009), મેર્સ (MERS 2012), ઇબોલા (2014 અને 2016), ઝીકા (2015), અને ડેંગીનો (2016) ભોગ બની ચૂક્યા છીએ. ચાળીસ અને સાંઇઠના દાયકામાં ચેપી વાઇરસોથી થતા રોગોની સંખ્યા જેટલી હતી તેના કરતાં આજે બમણી કરતાં કંઇ ગણી વધારે છે. એંશીના દાયકામાં એચ.આઇ.વી. વાઇરસ ફેલાવાની ઘટનાઓ અચાનક જ વધવા લાગી અને આવા ચેપી વાઇરસના હુમલા અવારનવાર બનવા માંડ્યા.
ચેપી વાઇરસ 21મી સદીની હકીકત છે. આધુનિક યુગમાં જે રીતે જિંદગી જીવાય છે તેમાં માણસો એ તમામ સ્થળોએ પહોંચી શકે છે જ્યાં પહેલાં પહોંચવાની કલ્પના પણ નહોતી કરાતી. પ્રવાસ માત્ર વાઇરસના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે વાહક બનતી ઘટના છે. વસ્તી વિસ્ફોટ હોય કે શહેરીકરણ – આ અને આવાં બીજાં અનેક કારણો પર્યાવરણનો દાટ વાળે છે એવા પોકારો ભલે થતા હોય આપણો ગ્રહ, આપણી પૃથ્વી માંદી પડી રહી છે. જળ, જંગલ, જમીન, હવા – આ બધાંની સાથે અન્નથી માંડીને અંગ અને મન સુધ્ધા માંદગીને આકર્ષે એવાં – નબળા પડી રહ્યા છે. સોશ્યલ મીડિયા પણ આ દાટ વાળવામાં ભાગ ભજવે છે કારણ કે કોઇ પણ, કંઇ પણ સોશ્યલ મીડિયા પર માહિતીને નામે વહેતું મૂકે પણ તેનો કોની પર કેવો પ્રભાવ પડી શકે છે તેનો વિચાર કર્યા વગર અને પછી તો કશું પણ થતું રહે છે. વળી વણમાંગેલાં યુદ્ધોનો ભોગ બનનારા પ્રદેશો પોતાના વતન છોડીને રેફ્યુજી તરીકે બીજા દેશોમાં અથવા રાહત છાવણીઓમાં રહેવા ચાલ્યા જાય છે. જમીન બદલાય, ખોરાક બદલાય, રહેવાની રીતો બદલાય અને પછી વાઇરસને મોકળું મેદાન મળે. માઇક્રોબ્ઝ અને માણસજાતની અથડામણ – જે મોટે ભાગે કુદરતી પ્રદેશો પર માણસો અતિક્રમણ કે દબાણ કરે ત્યારે થતી હોય છે – ને કારણે વાઇરસનો ફેલાવો સામાન્ય બની રહ્યો છે. કોરોનાવાઇરસ અને ફ્લુ જે ચામાચીડિયાં અને પંખીઓમાં જોવા મળે છે તે માણસોને ચોંટે છે કારણ કે શહેરીકરણને કારણે આ જીવો પણ માનવવસાહતોમાં પોતાનાં ઠેકાણાં શોધે છે. માણસો સરળતાથી સીમા ઓળંગતા હોય એટલે વાઇરસ માટે પણ એ પ્રવાસ સહેલો બની જાય છે. માણસજાતની જેમ વાઇરસની ઉત્ક્રાંતિ પણ થતી રહે છે અને તે માણસો કરતાં કંઇકગણી ઝડપી હોય છે. વળી વાઇરસ માણસજાત સાથે બહુ જલદી અનુકૂલન સાધે છે. જેમ કે SARS-CoV-2 વાઇરસ અને મંકીપૉક્સ એવા વાઇરસ છે જે માણસથી માણસમાં બહુ ઝડપથી સંક્રમણ થાય એ રીતે વિકસી ચૂક્યા છે. એમાં વળી જો ત્રીજા વિશ્વના દેશોમાં જ્યાં સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પાંગળી હોય છે ત્યાં વાઇરસ પહોંચે એટલે ભૂલી જવાનું. 2014માં શહેરીકરણને પગલે શહેરોમાં ગીચતા વધી, પામ ઓઇલ મેળવવા માટે જંગલોનો સફાયો કરાયો, ચામાચીડિયાં આખા પશ્ચિમ આફ્રિકામાં ફેલાયા પરિણામે ઇબોલા વાઇરસે પશ્ચિમ આફ્રિકાને બરાબર સકંજામાં લીધું. વાઇરસને ફેલાવા માટે કોઇ પાસપોર્ટની જરૂર નથી પડતી.
આવામાં પાછા અત્યંત સ્પર્ધાત્મક અભિગમ ધરાવતા ચીન જેવા દેશ. આજે પણ કોરોના વાઇરસનું નામ પડે અને ચીનમાં ખરેખર શું થયું હશેની કોન્સ્પિરસી થિયરીઝ શરૂ થઇ જાય. વુહાન એ ચીનનું વાઇરસ સિટી છે જ્યાં કોવિડ-19એ સૌથી પહેલાં દેખા દીધી. 2000થી 2018ના વર્ષોમાં વુહાનની સંખ્યા 8 મિલિયનથી વધીને 11 મિલિયન થઇ ગઇ. આ કારણે વિકસીત જમીન ત્રણ ગણી થઇ. 2004માં જ્યાં 10 સ્ટેશન વાળી એક સબ-વે લાઇન હતી એ એક વર્ષમાં તો 1.2 બિલિયન ફેરા કરનારી અને 228 સ્ટેશન વાળી, નવ સબ-વે લાઇન ધરાવનાર નેટવર્કમાં ફેલાઇ ગઇ. 2000ની સાલમાં વુહાનમાં 20 મિલિયન પ્રવાસીઓ હતા તો આ આંકડો 2018માં 288 મિલિયન હતો. આ બધાને સમાંતર પાછું વન્ય જીવોનો વેપાર તો ચીનમાં મોટે પાયે થાય છે. આવામાં ચીનમાં રોગચાળો ન ફાટે તો જ નવાઇ.
ચીન જેવા દેશો પોતાને ત્યાં થતી નુકસાની ત્યાં સુધી જાહેર નથી કરતા જ્યાં સુધી તેઓ પોતે લાચાર ન થઇ જાય. અમુક દેશો આવું એટલા માટે કરે છે કારણ કે બીજાં રાષ્ટ્રોને જાણ કરવામાં આર્થિક નુકસાન વેઠવું પડે. યુ.એસ.માં જ્યારે મેડ-કાઉ ડિસીઝ થયો હતો ત્યારે જાપાને યુ.એસ. સાથેની આયાત બંધ કરી દીધી હતી જેના કારણે આર્થિક નુકસાન થયું હતું.
પ્રાણી જન્ય રોગોને ઝૂનોટિક રોગ કહેવાય છે જેમાં વાઇરસ પશુમાંથી માણસમાં પ્રસરે છે. કુદરત અને માણસો વચ્ચેનું ઘટેલું અંતર આવા ઝૂનોટિક રોગોના જોખમને સતત વધારી રહ્યું છે. આપણને હજી પણ પ્રકૃતિ પર રાજ કરવું છે. અત્યારે ફેલાતા રોગોમાંથી 60 ટકા ઝૂનોટિક હોય છે અને નવા રોગોમાંથી 75 ટકા રોગો ઝૂનોટિક હશે.
વર્લ્ડ બેંકે તાજેતરમાં જ 10 બિલિયન ડૉલર્સના વાર્ષિક ફંડની કામગીરી શરૂ કરી છે જે એવા વિકાસશીલ દેશોમાં વપરાશે જ્યાં જુદા પ્રકારનાં ચેપી રોગોના કેસિઝને પારખી લેવામાં કામ લાગે. આ ફંડ કોમ્યુનિટી હેલ્થ વર્કર્સના સંજોગોને બહેતર બનાવવા પણ વપરાશે. WHOનો રોલ પણ સમયાંતર વધુ મોટો થતો જશે. વિવિધ દેશોએ આ માટે ભંડોળ એકઠું કરવાની તૈયાર બતાવી છે જે સાબિતી છે કે ભવિષ્યના વાઇરસી હુમલાઓ સામે લડવા દુનિયા એક થઇ રહી છે. અસરકારક કામગીરી ત્યારે જ થઇ શકે જ્યારે વૈશ્વિક સ્તરે સહિયારા પ્રયત્નોથી આ સમસ્યાના મૂળ સુધી પહોંચી તેને જ દૂર કરવાનું કામ થાય.
વૈજ્ઞાનિકોએ રોગચાળાઓ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. પ્રાણીઓમાં રહેવા વાઇરસ શોધવા અને પછી રોગચાળાની ભવિષ્યવાણી કરવામાં સમય બગાડવા કરતાં વૈજ્ઞાનિકોને એવા સંસાધનો મળે જે માણસમાં રહેલા જોખમી વાઇરસને પારખી શકે તો ચોક્કસ ફેર પડે.
બાય ધી વેઃ
મહાત્મા ગાંધી જ્યારે 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા જતા હતા ત્યારે તેમણે માત્ર 9 દિવસમાં ‘હિંદ સ્વરાજ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં એક પ્રકરણ રેલવેઝ અંગે છે. ગાંધીજીને રેલવે સેવા સામે વાંધો હતો તેમના માતે રેલવે બુરાઇનો ફેલાવો કરવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. તેમણે આ પ્રકરણમાં પ્લેગ, દુકાળ અને ઠગોને ધારી જગ્યાઓએ પહોંચવામાં રેલવેને કારણે સરળતા થઇ જશે એવા અર્થની વાત લખી હતી. ગાંધીજીને વખોડનારાઓએ વિચારવું અને સ્વીકારવું જોઇએ કે એ જમાનામાં એ માણસમાં કેટલી દૂરંદેશી હતી. આજે વૈશ્વિક સ્તરના વૈજ્ઞાનિકો કહે છે કે પ્રવાસની ગતિ વાઇરસને ફેલાવવામા મોટો ફાળો ભજવે છે. વૈશ્વિક સ્તરે જ્યારે બધાં જ રાષ્ટ્રો એક સરખી સમસ્યાનો સામનો કરતા હોય ત્યારે એ જરૂરી છે કે એક સહિયારી લડત, સહિયારી સુરક્ષાની દિશામાં કામ થાય. રોગ મ્હોં દેખાડે ત્યાં સુધી આપણે રાહ જોવાની જરૂર નથી. સતર્કતા હંમેશાં લેખે લાગે એવો ગુણ છે. વાઇરસને ડામવા અત્યારે વૈજ્ઞાનિકો વેક્સિનની રેસમાં પડ્યા છે, ઘણીવાર તો લાખો લોકો મરી જાય પછી વેક્સિન શોધાય છે અને ત્યાં જ આપણે થાપ ખાઇએ છીએ. શક્તિશાળી રાષ્ટ્રો પોતાને ત્યાં થતા ગોટાળા છુપાવવા, પોતાની ફાર્મા કંપનીઓને અર્થતંત્ર મજબૂત કરવામાં વાપરવામાં વ્યસ્ત છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ડિસેમ્બર 2023