૧૧મી માર્ચે આખું અમદાવાદ શહેર જાગતું હતું, સૂતો હતો માત્ર એક જ માણસ; મોહનદાસ કરમચંદ ગાંધી. બીજા દિવસે પરોઢે ગાંધીજી સાબરમતી આશ્રમથી (ત્યારનું નામ સત્યાગ્રહાશ્રમ) દાંડી કૂચનો આરંભ કરવાના હતા અને લોકો એ અનુપમ ઘટનાને નજીકથી જોવા માગતા હતા, તેનાં સાક્ષી બનવા માગતા. ગાંધીજીના માર્ગમાં બન્ને તરફ લોકો ગોઠવાઈ ગયા હતા અને કેટલાક યુવાનો ઝાડ પર ચડી ગયા હતા. ઉમાશંકર જોશી, ધૂમકેતુ જેવા સાહિત્યકારો પણ એમાં હતા અને તેમણે એ ઘટનાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. જેમ જેમ કૂચ આગળ વધી એમ એમ તેણે લોકોનાં દિલનો એવો કબજો લીધો કે કનૈયાલાલ મુનશી અને ઇન્દુલાલ યાજ્ઞિક એ સમયે ગાંધીજી સાથે નહીં હોવા માટે રુદન કરતા હતા. મુનશી ગાંધીજીના કઠિન જનઆંદોલનથી દૂર રહેતા હતા અને ઇન્દુલાલ ગાંધીજીથી રિસાઈને ગુજરાત છોડી મુંબઈ જતા રહ્યા હતા. બન્નેને અનુક્રમે એમ લાગતું હતું કે એવી તે કેવી સુવિધાપરસ્તી અને એવી તે કેવી રીસ કે અત્યારે તેઓ યુગપુરુષની સાથે નથી.
ખેર, ગાંધીજીએ કૂચ આરંભતા પહેલાં એક પ્રતિજ્ઞા કરી હતી કે સ્વરાજ લીધા વિના તેઓ આશ્રમ પાછા નહીં ફરે. “સ્વરાજ વિના આશ્રમનું દર્શન હું કરવાનો નથી. કાગડા-કૂતરાને મોઢે હું મરીશ, સ્વરાજની ઝંખના કરતો રઝડીરવડીને મરીશ, પણ પાછો ફરવાનો નથી જ.” આ જે પ્રસિદ્ધ વાક્ય ટાંકવામાં આવે છે એ તેમણે દાંડીકૂચના અઢારમાં દિવસે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામ નામના ગામમાં લોકો સમક્ષ બોલતા કહ્યું હતું.
મીઠાના સફળ સત્યાગ્રહ પછી મે મહિનામાં ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ભારતના એ વખતનાં વાઇસરોય લોર્ડ ઈરવીન સાથે સમજૂતી થઈ અને ગાંધીજી બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા લંડન ગયા. યુરોપથી પાછા ફર્યા એ પછી તેમની પાછી ધરપકડ કરવામાં આવી અને જેલવાસ દરમ્યાન જ તેમણે પૂનાની યેરવડા જેલમાં અલગ મતદાર સંઘની જોગવાઈનો વિરોધ કરવા ઉપવાસ કર્યા અને ડૉ. આંબેડકર સાથે સમજૂતીના કરાર થયા જે પૂના કરાર તરીકે ઓળખાય છે. જેલવાસ દરમ્યાન જ ૮મી મે ૧૯૩૩ના દિવસે તેમણે આત્મશુદ્ધિ માટે ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા અને સરકારે પરિણામથી ગભરાઈને એ જ દિવસે તેમને છોડી મૂક્યા. ગાંધીજીએ પૂનામાં જ લેડી પ્રેમલીલા ઠાકરસીના ‘પર્ણકુટી’ નામના યેરવડાની જેલ નજીક આવેલા બંગલામાં રહીને ૨૧ દિવસના ઉપવાસ પૂરા કર્યા. ત્યાંથી જ તેમણે ૧૮મી જૂન ૧૯૩૩ના દિવસે આશ્રમવાસીઓને એક સંદેશો મોકલ્યો કે, “આજ સુધી ગાળ્યું છે તેનાં કરતાં વધારે શુદ્ધ જીવન ગાળજો.” આ સલાહ સૂચક હતી.
ગાંધીજીએ દાંડીકૂચ માટે ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદ છોડ્યું હતું એ પછી ત્રણ વરસે ૧૯મી જુલાઈ ૧૯૩૩ના રોજ અમદાવાદ ગયા અને શેઠ રણછોડલાલના ઘરે મહેમાન થયા. એ દિવસે આશ્રમ ગયા અને ૨૨મી તારીખે તેમણે જમનાલાલ બજાજ અને દેવદાસ ગાંધીને લખ્યું કે તેમણે આશ્રમ વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે. અલગ અલગ સમયે તેમણે અલગ અલગ શબ્દ વાપર્યા છે. આશ્રમ ભાંગી નાખવાનો, આશ્રમ વિસર્જિત કરી દેવાનો, આશ્રમ હોમી દેવાનો, ફૂંકી મારવાનો, બલિદાન કરવાનો, સરકારને સોંપી દેવાનો, વગેરે.
આવો નિર્ણય લેવાનું શું કારણ? એક તો એ કે સરકાર વિઘોટીને નામે આશ્રમવાસીઓને હેરાન કરતી હતી અને જે તે વસ્તુ જપ્ત કરતી હતી. ૨૫મી જુલાઈના દિવસે તેમણે એસોસિટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાના પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, “લડતમાં ભાગ લેતા સેંકડો બલકે હજારો માણસોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. ગામડાંના લોકોએ વીરતાપૂર્વક વેઠેલાં કષ્ટોની વાત સાંભળીને મને થયું કે મારે કોઈ આકરું પગલું લેવાની જરૂર છે. હું શાનો ભોગ આપી શકું? મારું કહેવા જેવું આ પૃથ્વી ઉપર કાંઈ નથી; પણ મારી પાસે એવી કેટલીક વસ્તુઓ છે જે મારી ગણી શકાય અને એવી કિંમતી વસ્તુઓમાં આશ્રમ કદાચ સૌથી વધુ કિંમતી છે અને મને થયું કે મારે મન મારા જીવનનું નવું અને પવિત્ર કાર્ય (હરિજનસેવા) શરૂ કરવા પહેલાં મારે મારા આશ્રમના સાથીઓને મારી સાથે જોડવા …”
૨૬મી જુલાઈએ ગાંધીજીએ મુંબઈ સરકારના ગૃહસચિવને પત્ર લખીને આશ્રમનો કબજો લેવાની ભલામણ કરી અને આગળ લખ્યું: “જો કોઈ પણ કારણસર ઉપર જણાવેલી મિલકતનો કબજો સરકાર નહીં લે તો આશ્રમવાસીઓ તો લડતની મોકુફીની મુદ્દત પૂરી થયે એટલે કે ૩૧મી તારીખ પછી આશ્રમનો ત્યાગ કરીને ચાલ્યાં જશે.” આશ્રમ પાસે અગિયારેક હજાર પુસ્તકોનું પુસ્તકાલય હતું જે ગાંધીજીએ અમદાવાદની મહાનગરપાલિકાના વાંચનાલયને આપી દીધું હતું. મહેતલ વીતી જવા છતાં સરકારે આશ્રમ કબજે કર્યો નહીં અને છેવટે આશ્રમ ગાંધીજીએ હરિજન સેવક સંઘને આપી દીધો હતો.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 31 માર્ચ 2024