ઇલેક્ટોરલ બોન્ડ્ઝ – જે મૂળે તો એક વ્યવસ્થિત પૂર્વ આયોજિત ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે, તેની પર સાવલ ઉઠ્યા અને એ મુદ્દો અચાનક જ કેજરીવાલની ધરપકડના ઘોંઘાટ વચ્ચે દબાઇ ગયો

ચિરંતના ભટ્ટ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી. દેશમાં લોકસભાની ચૂંટણી માથે હોય અને રાજધાનીના મુખ્ય મંત્રીને જેલભેગા કરવામાં આવે એ ઘટનાને એકથી વધુ દૃષ્ટિકોણથી નાણી શકાય અને નાણવી જોઇએ.
અરવિંદ કેજરીવાલે ક્યાં કાચું કાપ્યું એ મુદ્દા પર પૂરતી ચર્ચા થઇ છે, પણ જે રીતે આ આખી ઘટનાને આકાર આપવામાં આવ્યો છે એમાં લોકશાહી અચાનક ચૂંટણી લક્ષી બની ગઇ છે એવો આભાસ થાય છે. લોકશાહી ચૂંટણી અનુસાર કે ચૂંટણી માટે ઇચ્છા પ્રમાણે વાપરવામાં આવે ત્યારે તે દેશ ચલાવવાની એક તટસ્થ-સંતુલિત રીતને બદલે સરમુખત્યાર માનસિકતાનું સાધન બનીને રહી જાય છે. કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકારે કેજરીવાલની ધરપકડ કરીને લોકશાહી પર સરમુખત્યારશાહીની ચાબૂક ફટકારી છે. એમ કહેવું કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તો પોતાનું કામ પોતાની રીતે કરે છે સરિયામ જુઠ્ઠાણું છે. કેજરીવાલને નિશાને રાખીને સાટામાં લેવામાં EDની કામગીરી શાસક પક્ષના વિરોધીઓને શોધી શોધીને તેમની ભાષામાં ‘હખણા કરી દેવા’ માટે જ કરાય છે એવું વર્તાઇ આવે છે. ધાક બેસાડવામાં ભા.જ.પા. એક્સપર્ટ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. પણ આ ધરપકડને કારણે જે આમ આદમી પાર્ટી નબળી પડી જશે અને હચમચી જશે એવી અપેક્ષા હતી તેને બદલે તેનું જોર બમણું થયું છે, તો બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને પણ લડત માટે મજબૂત મુદ્દો મળ્યો છે એમ લાગે છે. હવે મોટા ભાગનાને ન ગમે એવી વાત ટાંકવી જ પડે કે જે રીતે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને નાથવા માટે મોદી સરકારે કોઇ કચાશ નથી છોડી એ જ સાબિત કરે છે કે તેમને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામેની રાજકીય ટક્કરનો સૌથી મોટો ડર છે.
છેલ્લા કેટલાક મહિનામાં વિરોધપક્ષોએ સતત એ દલીલ આગળ ધરી છે કે મોદી સરકારે ચૂંટણીના ખેલને પોતાની તરફેણમાં કરી દેવાના બધા જ કાવાદાવા વાપર્યા છે. પ્રસાર માધ્યમો પર નિયંત્રણ કરવાથી માંડીને રાજકીય ભંડોળ પર પણ ભા.જ.પા.એ ઇજારાશાહી મેળવી છે.

અરવિંદ કેજરીવાલ
રાજકીય સ્તરે જે ખેલ ચાલે છે તે સામાન્ય મતદાર માટે સમજવું શક્ય નથી પણ વિરોધપક્ષના નેતાની ધરપકડ સાબિત કરે છે કે ભા.જ.પા. એક માથાભારે પક્ષ તરીકે ઓળખાય તેમાં તેમને કોઈ ફેર પડતો નથી. EDએ જમાનત વગર આપના ચાર મોટા માથાઓની ધરપકડ કરી, કોઇને આપ સામે વાંધો હોય કે ન હોય પણ જે રીતે આ પક્ષ સાથે વહેવાર થયો છે તે જોતાં તો ભલભલાને આપ માટે દયાની ભાવના થઇ આવે. કોઇ પણ પ્રકારની ટ્રાયલ આ ધરપકડ પર આ લખાય છે ત્યાં સુધી નથી થઇ. મૂળે ભા.જ.પા. સતત એ જ સંદેશો આપવા માગે છે કે લોકસભાની ચૂંટણી થાય ત્યાં સુધી એ કોઇ બીજા પક્ષને ચૂંટણી પ્રચાર કરવાની સ્થિતિમાં પણ નહીં રહેવા દે. આપણે એમ માની લેવાનું કે દિલ્હીમાં શરાબના વેચાણની નીતિમાં ફેરફાર કરીને પૈસા બનાવી લેવાનો કહેવાતો ગુનો આચરવા બદલ કેજરીવાલની ધરપકડ કરાઇ છે. વળી આ કિસ્સામાં સરથ ચંદ્ર રેડ્ડી આ કહેવાતા ‘શરાબ કૌભાંડ’નો મુખ્ય ચહેરો હતા, તેમણે દિલ્હીમાં લિક્યોર લાઈસન્સ મેળવવા લાંચ આપવાનો તેમની પર આક્ષેપ હતો. પહેલાં તો તેમણે પોતે કેજરીવાલને મળ્યા છે એ વાતને રદિયો જ આપ્યો અને ધરપકડ પછી EDએ તેમની જમાનત ત્યાં સુધી માન્ય (સાત મહિના) ન કરી જ્યાં સુધી તેમણે કેજરીવાલનું નામ ન લીધું. આ બધી પૂછપરછ ચાલતી હતી તે દરમિયાન રેડ્ડીની કંપનીઓએ ભા.જ.પા.ના પ્રચાર માટે 59.9 કરોડનું ‘દાન’ આપ્યું. અત્યાર સુધીમાં ઇ.ડી. પાસે આરોપીમાંથી સાક્ષીમાં ફેરવાયા હોય એવા જ લોકોના નિવેદનો છે, આપને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાના કોઇ નક્કર પુરાવા છે જ નહીં.
કેજરીવાલની ધપરકડ સાથે સંકળાયેલી અનેક બાબતો છે પણ આ ધરપકડનો જે આખો ‘ડ્રામો’ થયો એમાં આપણા રાજકીય નાટકની એક અગત્યની સ્ટોરી લાઇન પડદા પાછળ ધકેલાઇ ગઇ. ઇલેક્ટોરલ બોન્ડ્ઝ – જે મૂળે તો એક વ્યવસ્થિત પૂર્વ આયોજિત ભ્રષ્ટાચારનું જ સ્વરૂપ છે, તેની પર સવાલો ઉઠવાના ખડા થયા અને તે મુદ્દો અચાનક જ કેજરીવાલની ધરપકડના ઘોંઘાટ વચ્ચે દબાઇ ગયો. જ્યાં એક આખા તંત્ર પર સવાલ થઇ રહ્યા હતા ત્યાં અચાનક જ એક ચહેરો ચર્ચાનો વિષય બની ગયો.
જ્યારે અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ચળવળ ચલાવી ત્યારે ભારતીય લોકશાહી પર તેની ઘેરી અસર પડી અને જનતા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં એક થઇ. પરિણામે યુપીએ હેઠળની કાઁગ્રેસ સરકારને નમતું જોખવું પડ્યું અને સામાન્ય નાગરિક ભારતીય લોકશાહીમાં જે પ્રશ્નો છે તેનો ભોગ બને છે એ પણ સાબિત થયું. આ ચળવળનો પ્રભાવ 2014ની ચૂંટણી માટે પાયો બન્યો અને ભા.જ.પા.એ કેન્દ્રમાં સરકાર બનાવી. દસ વર્ષના ગાળામાં દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે હિંદુત્વના થોડા-ઘણા રંગ વાપર્યા પણ ખરા. આ ધરપકડને પગલે કસોટી તો કેજરીવાલના ટેકેદારોની પણ છે જેમણે રાજ્ય સ્તરે આપને ટેકો આપ્યો અને રાષ્ટ્રીય સ્તરે ભા.જ.પા.ને ટેકો આપ્યો પણ હવે તેમણે નક્કી કરવું પડશે કે તેઓ કોની તરફેણમાં છે. આપણા દેશના રાજકારણમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં બહુ ઊંડા છે પણ એ પ્રશ્ન તો અભરાઇએ મુકાઇ ગયો અને નાટ્યાત્મક ઘટનાઓની જ ચર્ચા થઇ રહી છે.
અહીં મામલો રાજકીય સ્તરે પણ પેચીદો છે કારણકે ભા.જ.પા.ને બતાડી દેવા કાઁગ્રેસ ભૂતકાળ ભૂલીને કેજરીવાલને ટેકો આપશે તો પણ કાઁગ્રેસની નૈતિકતા પર સવાલ ઉઠશે. આ સમય છે સિદ્ધાંત અને ચોકક્સ સામાજિક જૂથની રાજનીતિ વચ્ચેની મૂંઝવણમાંથી રસ્તો કાઢવાનો છે. કેજરીવાલના ટેકેદારોએ પોતાની માન્યતાઓ અને અગ્રિમતાઓને ફરી નાંણવી પડશે એ પણ ચોક્કસ છે. વળી કેજરીવાલ સાથે જે થયું છે એમાં ભા.જ.પા. સામે તે ચૂંટણીમાં ટક્કર ન લઇ શકે એવી સ્થિતિ સર્જવામાં આવી છે એ સમજવા માટે કોઇએ આપના ટેકેદાર હોવાની જરૂર પણ નથી, એ હકીકત તો નાનું છોકરું પણ સ્પષ્ટતાથી જોઇ શકે એમ છે.
ભા.જ.પા.નું વલણ સાફ છે, તમે અમારી સાથે નથી તો અમારી સામે છો. ભા.જ.પા.એ અજીત પવાર, છગન ભુજબળ અને હિમન્તા બિસ્વા સર્મા જેવા નેતાઓને કઇ રીતે પોતાની પાંખમાં લીધા એ આપણી નજર સામે છે. વળી આ તમામની સામે પડેલી તપાસ એજન્સીઓ માટે તેમની સામેના કેસિઝ સ્મૃતિ ભ્રમનો હિસ્સો બની ગયા. ભા.જ.પા.નો અભિગમ લોકશાહીને ગણતરીમાં વૈચારિક દૃષ્ટિએ નથી લેતો એ ભાવના તો હતી જ પણ આ ધરપકડને પગલે ભા.જ.પા.ની લોકશાહી પ્રત્યેની ભાવનાઓ જાણે વહેવારમાં પણ ઉતરી આવી. દાદાગીરી કોઇને ય બહુ લાંબો સમય સુધી માફક નથી આવતી એ સમજવા માટે ભા.જ.પા.એ કટોકટી પછી ઇન્દિરા ગાંધીની સરકારની જે હાલત થઇ હતી તે યાદ કરી લેવું જોઇએ.
કેજરીવાલ – એક સામાન્ય માણસ જેવો દેખાતા આ નેતાએ નરેન્દ્ર મોદીને 2014ની ચૂંટણીમાં દિલ્હી નહોતું જીતવા દીધું. વારાણસીમાં પણ કેજરીવાલે મોદીને પોતાની સાદગીનો પરચો બતાડ્યો હતો, ભલે જીતવા નહોતું મળ્યું પણ વોટશેર નોંધપાત્ર હતો. રાષ્ટ્રીય ચહેરો બની ચૂકેલા મોદી માટે કેજરીવાલ આંખમાં ખૂંચતો કણો બની ગયા. કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે રાજધાનીમાં કામ કરનારા કેજરીવાલ અને તેમના પક્ષની પાંખો કાપવામાં કંઇ બાકી ન રાખ્યું. 2020માં કેજરીવાલ ફરી તગડા બહુમતથી દિલ્હીમાં જીત્યા, 2022માં પંજાબમાં જીત્યા. કેજરીવાલનું રાષ્ટ્રીય પક્ષ તરીકે પ્રસરવું તો સાહેબને ફાવે એમ જ નહોતું અને ભા.જ.પા. માટે કેજરીવાલની છબિ, પહોંચ બધું જ ખતરાની ઘંટી બની ગયું અને પરિણામ આપણી નજર સામે છે. જો કે કેજરીવાલને ‘પાંસરો’ કરવાની લ્હાઇમાં મોદી સરકારે તેને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ફેમસ’ કરી દીધા છે અને જનતાની લાગણીનો લાભ તો તેને મળશે જ. વળી જેલ ભેગા થયેલા ક્રાંતિકારીઓની જીતનો પરચો તો આખી દુનિયાએ જોયો જ છે.
બાય ધી વેઃ
ભા.જ.પા.ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને, ભારતના બંધારણીય માળખાને નબળી પાડી રહી છે. ઝારખંડના સી.એ.મ હેમંત સોરેનની ધરપકડ બાદ, અરવિંદ કેજરીવાલની ધરપકડ, લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય હરીફોને દબાવવાના ભા.જ.પા.ના ઈરાદાને ખુલ્લો પાડનારી છે. કોર્ટના સમન્સ છતાં, કથિત ભ્રષ્ટાચારની તપાસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. AAP સભ્યો અને આનંદ તેલતુમ્બડે જેવા અન્ય લોકો સહિતની ધરપકડની પેટર્ન, પોતાની સાથે સંમત ન હોય તેવા લોકોને ચૂપ કરી દેવા માટે ઇન્વેસ્ટિગેશન એજન્સીનો ઉપયોગ કરવામાં આવે છે તે દેખીતી વાસ્તવિકતા છે. વિરોધ પક્ષ(કાઁગ્રેસ)ના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવા, દમદાટી આપી નાણાંકીય દાવપેચ કરવા, લોકશાહી સિદ્ધાંતો અને સંસ્થાઓની સ્વાયત્તતાની કોઇને પડી નથી એ છતું કરે છે. ભા.જ.પા.ની રણનીતિ છે વિરોધીઓને ચૂપ કરવા, આ ભયનો માહોલ છે જે અંતે વ્યવસાયી અને સામાન્ય નાગરિકો સુધી પણ પહોંચશે. લોકોએ ચૂપ રહેવું જોઇએ? ક્યાં સુધી ચૂપ રહી શકાશે? લોકશાહીનું પતન અટકાવી શકાશે? આ સવાલોના જવાબ નાગરિક તરીકે આપણે પહેલાં જાતને અને પછી સમાજને, રાષ્ટ્રને આપવાના છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2024