આ મજાનું પુસ્તક સાહિત્યક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોનું સંપાદન આપે છે. યુનાઈટેડ કિંગ્ડમમાં ભાષા સાહિત્યનું સાતત્યપૂર્ણ કામ કરી રહેલી ગુજરાતી સાહિત્ય અકાદમીનું આ પ્રકાશન એની સાહિત્યપ્રીતિ અને સૂઝનો સંકેત કરનારી છે. આ બધા નોબેલ પારિતોષિક વિજેતા સર્જકોની રચનાઓને સ્પર્શ કરવો એ જ એક મોટી ઘટના છે. આવી કૃતિઓના વાચનમનનથી અંધકારભર્યા ઓરડામાં અજવાળું થઈ ઊઠે. સર્જકોને પણ નવી દિશાઓ તરફ જવાની પ્રેરણા મળે એવું આ પુસ્તકનું વિત્ત છે. આ પુસ્તક વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં પણ એક ઔચિત્ય રહેલું છે. આ સાહિત્યપ્રેમીએ ચાર-સાડાચાર દાયકાથી વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ડાયસ્પોરા સાહિત્યક્ષેત્રે સમર્પણશીલ કામ કર્યા જ કર્યું છે.
અહીં ૧૯૯૧થી ૨૦૧૬ સુધીનો સમયગાળો પસંદ કરાયો છે.સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસનાં વર્ષોની આ પસંદગી પણ ઉચિત લાગે છે. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પણ એક અર્થમાં ભારે જવાબદારીનું કામ છે કેમ કે આ સર્જકોનો શબ્દ વિશ્વસ્તરે પોંખાયેલો હોય ત્યારે એના અનુવાદમાં ગફલત ના રહે એ પણ સાવચેતી રાખવી રહે. આથી એવા યોગ્ય અનુવાદકોની શોધ સંપાદકોના પુરુષાર્થ પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. એટલે જ અહીં અશોક વિદ્વાંસ, પીયૂષ જોશી, રંજના હરીશ, બકુલા ઘાસવાલા જેવાં જાણીતાં અનુવાદકોની સાથે હરીશ મીનાશ્રુ કે પ્રતિષ્ઠા પંડ્યા જેવાં કવિતા સ્વરૂપ સાથે ગાઢ રીતે સંકળાયેલા સર્જકોનાં નામો મળે છે. આ પુસ્તકનું આયોજન ચુસ્ત છે. નોબેલ પ્રાપ્ત થયાનું વર્ષ, એની ભાષા અને દેશ, સર્જક્ની તસવીર તો ખરી જ, એ સાથે વ્યાખ્યાનમાંથી તારવેલું એના નોંધપાત્ર અવતરણને બોક્સમાં મૂક્યું છે. વ્યાખ્યાનનો ભાવાનુવાદ કરનારનો સંક્ષિપ્ત પરિચય સંપર્ક સાથે રજૂ કર્યો છે, જેમાં પુસ્તક આયોજનની કુશળતા દૃષ્ટિગોચર થાય છે.
આ પુસ્તકની પ્રસ્તાવના ઘણી અભ્યાસપ્રદ છે. સંપાદકોએ લખેલા આ પરિચયલેખમાં નોબેલ પારિતોષિક વિજેતાઓની આંખે સાહિત્ય પદાર્થ શું છે? એક સર્જક લેખે આ તમામ સર્જકોનું આત્મભાન, સમાજદર્શન, દૃષ્ટિબિંદુ, સર્જનપ્રક્રિયા, ભાષા અને ભાવકોની જે સારરૂપ વાત નોંધી છે એ આ પુસ્તકની નોંધપાત્ર રિદ્ધિસિદ્ધિઓને રજૂ કરી રહે છે. વિવિધ દેશોના સર્જક્ની કેફિયતમાં સાંસ્કૃતિક, સામાજિક વાતાવરણ અને ભાષાનું વૈવિધ્ય આગવી શૈલી રૂપે આવે છે.
અમેરિકન ગીત-સંગીત પરંપરામાં નવીન કાવ્યકલ્પનોને કારણે નોબેલ જીતનારા બોબ ડિલન ત્યાંના પ્રસિદ્ધ ગાયક બડી હોલીના પ્રભાવની વાત કરે છે. એ પછી લોકગીત-લોકસંગીતની અસર વિશે નોંધ આપે છે ત્યારબાદ તેઓના ચિત્તમાં વસી ગયેલાં, શાળામાં વાંચેલાં પુસ્તકોમાંથી ત્રણ પુસ્તકો મોબી ડીક (હર્મન મેલવિલ), ઓલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (એરિક મારીયા રેમાર્ક) અને ધ ઓડિસી(કવિ હોમર)ની વિગતે વાત કરે છે. વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર હેરોલ્ડ પિન્ટર રાજસત્તા અને પ્રજાયાતનાની વાતને કેન્દ્રમાં રાખે છે. એ પાબ્લો નેરુદાની પંક્તિઓને ટાંકીને સામાન્ય જનતા પરના બોંબમારાના હૃદયવિદારક વર્ણનનું સ્મરણ કરે છે. ટોની મોરિસન વૃદ્ધ સ્ત્રીની વાર્તાથી જ પોતાના વક્તવ્યને ગૂંથે છે. દારિયા ફોએ પોતાના લિખિત વક્તવ્યને આકૃતિમાં ઢાળ્યું છે. સાહિત્યની આ વિરાટ પ્રતિભાઓની પોતાની સર્જનયાત્રાની વાત મૂકવાની રીતિઓ કેવી વિલક્ષણ છે એનો અહીં અંદાજ મળે છે.
આ નોબેલ પારિતોષિક વિજેતાઓની યાદીમાંથી વાચક પસાર થાય ત્યારે એ વાચક સાહિત્યવિશ્વની રોમાંચિત યાત્રાની સફરે નીકળી પડે એવી છે. અહીં એલિસ મુનરો (કેનેડા), પેટ્રિક મોટિયાનો (ફ્રાંસ), ઓરહાન પામુક (તુર્કી), ગુન્ટર ગ્રાસ (જર્મની), વી.એસ. નાયપોલ (યુ.કે.) જેવા જુદાજુદા અનેક દેશોનું પ્રતિનિધિત્વ કરતાં સર્જકોનો ભેટો શક્ય બને છે. કેટલાંક વકતવ્યો વિદ્વત્તાથી છલકાતાં છે. કેટલાંક રૂપકાત્મક, અર્થઘન છે તો ચીનના સર્જક ઓ મો યાન મા સાથેનું તાદાત્મ્ય સંભારી સર્જન પ્રવાહોની વાત કહેતા જાય છે. સાવ સાદીસીધી રીતે આ ઉત્તમ કથન કેવું કરી શકાય એનો નમૂનો સર્જક આપે છે.
આપણે ત્યાં જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકોની કૃતિઓ વિશે, સાહિત્ય અકાદમી, દિલ્હીનાં શ્રેષ્ઠ પુસ્તકોની સમીક્ષાનાં પુસ્તકો થયાં છે પણ નોબેલ જેવા વિશ્વસ્તરનું સન્માન પામેલા સર્જકોની કેફિયત એના સર્જનવિચારો, પૃથક્કરણ, વાતાવરણને આ પુસ્તક મૂકી આપે છે. આવું અમૂલ્ય ઉમેરણ આપણી ભાષામાં સુલભ કરાવવા બદલ સંપાદકો અને અનુવાદકો અભિનંદનના અધિકારી છે. ગુજરાતી વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સાહિત્યરસિકોએ આ પુસ્તકને વધાવી લેવું જોઈએ.
સાહિત્યત્વ – સંપાદક : અદમ ટંકારવી, પંચમ શુકલ; સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે. પ્રથમ આવૃત્તિ ૨૦૨૨, ડેમી, પૃ.૪૩૨, કિં. રૂ. ૬૭૫.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2023; પૃ. 20-21